- Gujarati News
- Bhaskar khaas
- Skyliners
- Ahmedabad's Real Estate Boom Ahead Of 2030 Commonwealth And Potential 2036 Olympics: First Episode Of 'Skyliners' Features Sheetal Infrastructure Owner Paras Pandit's Rags to Riches Story
સ્કાયલાઇનર્સ-1ગરીબ પરિવારમાં જન્મેલો અમદાવાદી આજે કરોડોમાં આળોટે છે:'પપ્પાનું કરંટથી મોત, માતાની કાળી મજૂરી'; પારસ પંડિતે અમદાવાદમાં પત્નીને મહેલ જેવો બંગલો ગિફ્ટમાં આપ્યો
- કૉપી લિંક

હેરિટેજ શહેર અમદાવાદની ઓળખ એક સમયે પોળની હતી, હવે હાઇરાઇઝ બિલ્ડિંગ બની રહ્યાં છે. અમદાવાદના રિયલ એસ્ટેટ આટલાં વર્ષોમાં ઘણું જ બદલાયું છે. અમદાવાદમાં હવે વર્લ્ડ લેવલની સ્પોર્ટ્સ ઇવેન્ટ કે પર્ફોર્મન્સ યોજાઈ રહ્યાં છે. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે દુ
'સ્કાયલાઇનર્સ'ના આજના પહેલા એપિસોડમાં અમે વાત કરીશું 20 વર્ષમાં 15થી વધુ પ્રોજેક્ટ્સ ડિલિવર્ડ કરનારા શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક પારસ પંડિતની. પારસ પંડિતના સંઘર્ષની વાત પહેલી જ વાર સામે આવી રહી છે. 30 મીટરના ઘરમાં જન્મેલા પારસ પંડિત આજે તો કરોડોમાં આળોટે છે, પરંતુ એની પાછળ કેવા કેવા સંઘર્ષો રહેલા છે, પિતાનું આકસ્મિક મોત ને માતાએ કાળી મજૂરી કરીને મોટા કર્યા, પારસ પંડિત આજે તો અમદાવાદમાં પ્રીમિયમ ને સુપર પ્રીમિયમ મકાનો બનાવી રહ્યા છે. પારસ પંડિતે રિયલ એસ્ટેટની અંદરની વાતો શું કહી? અમદાવાદમાં લક્ઝરી એપાર્ટમેન્ટમાં બાથરૂમ જ માત્ર 50 લાખનું હોય છે, રસોડું પણ મોંઘું બને છે.
મેઘાણીનગરમાં મોટા થયા અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા પંડિત પરિવારમાં બે દીકરા અને એક દીકરી શીતલ. પરિવારના વચલા દીકરા પારસભાઈ વાતની શરૂઆત કરતાં કહે છે, 'આજની મારી લાઇફસ્ટાઇલ જોઈને કોઈને કદાચ વિશ્વાસ નહીં થાય કે મારો જન્મ સિવિલ હૉસ્પિટલમાં થયો છે અને હું 30 મીટરના ઘરમાં મોટો થયો છું. મેઘાણીનગરમાં બ્લોક નંબર 102ના રૂમ નંબર 2446ના ત્રીજા માળે પરિવાર સાથે રહેતો.'

'1993નો એે કાળમુખો દિવસ જીવનભર પીડા આપશે' દુઃખ ને ભાવુક અવાજે પારસભાઈ જીવનના એ કમનસીબ દિવસને યાદ કરતાં કહે છે, 'પપ્પા મેઘાણીનગરમાં ઉપાસક ગાયત્રી સોસાયટીમાં માત્ર બે પૈસાના ભાગીદાર હતા અને તેમણે 50 હજાર મૂડી લગાવી હતી. 23 ઓગસ્ટનો દિવસ હતો અને પપ્પા સાંજે સાઇટ પર મકાનોને પાણી છાંટતા હતા. સાત વાગ્યે અચાનક પાઇપમાંથી પાણી આવવાનું બંધ થઈ ગયું તો તેઓ બેઝમેન્ટમાં મોટર ચેક કરવા ગયા. ખબર નહીં અચાનક જ મોટરમાંથી કરંટ આવ્યો ને પપ્પા ત્યાં ને ત્યાં ગુજરી ગયા. આ દિવસ મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ છે. પપ્પાના અવસાને મને અંદરથી હચમચાવી નાખ્યો હતો. પરિવારમાં હું ને મારી બહેન ને માતા જ હતાં. આ સમયે મારી ઉંમર 14 વર્ષની આસપાસ હતી. એ સમયે એ પણ ભાન નહોતું કે પપ્પા વગરનું પણ જીવન હોય. અમે તે સમયે કરેલા જીવનના સંઘર્ષને આજે તો હું શબ્દોમાં પરોવી શકું તેમ નથી. જ્યારે ઘરના મોભી ના હોય ને પરિવારમાં માત્ર ત્રણ લોકો હોય ત્યારે કેવી રીતે ગુજરાન ચલાવ્યું હશે તેની કલ્પના કરવી જ અશક્ય છે. અમારી પાસે એક ટંક ભોજનના પૈસા પણ નહોતા. આ સમયે કોઈ અમારી ખબર લેવા આવતું નહોતું કે તમે જમ્યા કે નહીં? શું કરો છો? કેવી રીતે ઘર ચાલે છે? સ્કૂલ-કોલેજની ફી ભરાઈ કે નહીં?'
'ભરત ગૂંથીને મમ્મીએ મોટાં કર્યાં' વાતને આગળ વધારતાં પારસભાઈ જણાવે છે, ‘મમ્મી એ સમયે કંઈ વધુ ભણેલાં નહોતાં તો તેમણે ભરત ગૂંથણ કરીને અમને ભાઈ-બહેનને મોટાં કર્યાં ને ઘરનું ગુજરાન ચલાવ્યું. તેમણે ઘર ચલાવવા માટે કાળી મજૂરી કરી છે. હું એટલું ગર્વથી કહીશ કે મમ્મીએ નાનાં-નાનાં કામો કરીને અમને ભણાવ્યા, પણ ક્યારેય કોઈ પાસે હાથ લાંબો કરીને મદદ માગી નહીં. લોકો એવું માને છે કે હું ગોલ્ડન સ્પૂન બેબી છું, પરંતુ મારા જીવનની હકીકત માત્ર અમારા જૂના પાડોશીઓ ને મિત્રોને જ ખબર છે. હું આજે પણ 102 નંબરના બ્લોકમાં રહેતા લોકો સાથે સંપર્કમાં છું. તેમને ખ્યાલ છે કે હું ક્યાં હતો ને ક્યાંથી આવ્યો છું.’

'1997થી નાનાં-મોટાં કામ કરવાની શરૂઆત કરી' '1993-94-95માં દસમું, અગિયારમું ને બારમું પાસ કર્યું. મમ્મીએ મારા બસના પાસ ને ફી માટે દિવસ-રાત જોયા વગર કામ કર્યું. આખો આખો દિવસ કામ કરીને મને ભણાવ્યો. કોલેજ દરમિયાન મારામાં લીડરશિપના ગુણો વિકસ્યા. હું 1993થી રોજ સવારે થાળી-ચમચી વગાડીને પ્રભાત ફેરીમાં જતો. એ સમયથી નક્કી હતું કે મારે જીવનમાં કંઈક તો કરવું જ છે. મક્કમ મનોબળે કારણે એવું હતું કે જીવનમાં હું ક્યારેય હાર તો નહીં જ માનું. 1997થી જ નાનાં-મોટાં કામ કરીને કમાવવાનું ચાલુ કર્યું અને તેમાંથી થોડી થોડી બચત કરી.'
'ખિસ્સામાં બસ ભાડાના પૈસા નહોતા' 'વિદ્યાર્થીકાળમાં વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલો હતો અને તેમાં પુષ્કળ કામ કર્યું. એક દિવસ મને લાગ્યું કે આ રીતે તો મારું ઘર ક્યારેય ચાલશે નહીં. એકવાર એવું થયું કે વિદ્યાર્થી પરિષદના કાર્યાલયથી મારું ઘર 13 કિમી દૂર. ખિસ્સામાં બસ ભાડા જેટલા પણ રૂપિયા નહોતા. હું 13 કિમી પગપાળા ઘરે ગયો. એ દિવસે સોગંદ લીધા કે હવે હું એ કાર્યાલય પર ત્યારે જ પગ મૂકીશ કે જ્યારે હું જીવનમાં કંઈક બની ન જાઉં.'
'ભૂકંપે રિયલ એસ્ટેટમાં લાવી દીધો' રિયલ એસ્ટેટની સફર કેવી રીતે શરૂ કરી એ અંગે વાત કરતાં પારસભાઈએ જણાવ્યું, 'વર્ષ 2001ના અમદાવાદમાં ભૂકંપને અનુભવ્યો. ભૂકંપના ઝટકાએ અનેક જીવ લીધા અને અનેકો પરિવારને વેરવિખેર કરી નાખ્યા. ભૂકંપની કડવી યાદો આજે પણ આપણા મનમાં ક્યાંક ને ક્યાંક છે. એ સમયે એવું લાગ્યું કે ક્યાંક ક્વૉલિટી સાથે સમાધાન થયું છે. આ સમયે વિચાર આવ્યો કે કેમ હું રિયલ એસ્ટેટ બિઝનેસમાં જઈને સારી ક્વૉલિટીના મકાન ના બનાવું? આ સપનું જોયું ને કામ કરવાનું શરૂ કર્યું. સાચું કહું તો એક સમયે મારી પાસે ખાવાના પૈસા નહોતા, પણ મારા મનમાં ક્યાંક ઈચ્છા ધરબાયેલી હતી કે હું ભવિષ્યમાં ગમે ત્યારે પપ્પાનું બિલ્ડર બનવાનું સપનું તો જરૂરથી પૂરું કરીશ. 1993માં તેમણે જે સપનું જોયેલું એ હું ગર્વ સાથે કહી શકું છું કે શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ક્વૉલિટી કન્સ્ટ્રેડ કંપની તરીકે આગળ વધી રહી છે. પહેલાંના સમયે પ્લોટિંગ આપતા તો એ રીતે કામ કર્યું. વેદિકા વન સહિતનાં બે-ત્રણ વર્ષ આ રીતે પ્લોટિંગના ઘણા પ્રોજેક્ટ્સ કર્યા. 2008માં વેદિકા એક્ઝોટિકા કરીને ગાંધીનગરમાં પહેલો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો. ગાંધીનગરમાં પીડીપીયુ રોડ પર સૌથી મોંઘા વીલા હતા. એક વીલા 50 લાખના એવા 72 બનાવ્યા. એે સમયે ગાંધીનગરમાં આટલા ભાવ ક્યાંય ચાલતા નહોતા અને મેં આટલો ભાવ રાખ્યો હતો.'

'બહેનની ઈચ્છાઓ પૂરી કરું છું' પારસભાઈને શીતલ નામ અંગે સવાલ કર્યો તો તેમણે તરત જ ચહેરા પર એક ચમક સાથે જણાવ્યું, 'મારી બહેનનું નામ શીતલ છે. બહેનની તમામ ઈચ્છા પૂરી કરવા મેં તેમના નામથી શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત કરી. આજદિન સુધી હું હંમેશાં એ પ્રયાસ કરું છું કે મારી બેનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય. મજાની વાત એ છે કે શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લાં 23 વર્ષમાં કોઈ પાર્ટનર નથી. મેં જ્યારે રિયલ એસ્ટેટમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે આજની જેમ ભાવ વધારે ને જમીન ઓછી એવું નહોતું. અમારા વખતે ઓછા પૈસે સારીએવી જમીન મળતી. મારી થોડી બચતમાંથી મેં જમીન ખરીદી અને આજે હું શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શક્યો. સમય જ રિયલ એસ્ટટની એબીસીડી ને બધું જ શીખવી દે છે.'

'આજના સમયે બિલ્ડર બનવું અઘરું' પારસભાઈને પૂછવામાં આવ્યું કે આજે જો બિલ્ડર તરીકે કામ કરવું હોય તો એે કરાય કે નહીં? જવાબમાં તેઓ થોડા ગંભીર થઈને કહે છે, 'હવે રિયલ એસ્ટેટમાં આવવું અઘરું છે. હવે જમીનોના ભાવ આસમાનને આંબે છે. આજે મકાન લેવું પણ અઘરું બનતું જાય છે ત્યારે બિલ્ડર બનવું ઘણું જ અઘરું છે. આ લાઇનમાં આવવું હોય તો પહેલા સારી કંપનીમાં જોડાઈને અનુભવ લેવો અને પછી પાર્ટનરશિપમાં શરૂ કરી શકાય, એકલા શરૂ કરવું હાલ તો મુશ્કેલ જ છે.'

કયા કયા પ્રોજેક્ટ્સ ચાલે છે? હાલના પ્રોજેક્ટ્સ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, 'હાલમાં એકસાથે ઘણા પ્રોજેક્ટ્સ ચાલે છે. વૈષ્ણોદેવી પર ધરોહર 3-4 BHK પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ 18-19 લાખ સ્ક્વેર ફૂટનો છે અને 22 માળના ટાવર સાથે 650 ફ્લેટ્સ બનશે. આ પ્રોજેક્ટ 800-900 કરોડનો છે. આ ઉપરાંત ઇસ્કોન-આંબલી રોડ પર ઘરાના ચાલે જ છે. આ પ્રોજેક્ટમાં સુપર લક્ઝરી 5 BHK એપાર્ટમેન્ટ 5-6 કરોડનો છે. આ ઉપરાંત અમદાવાદમાં બે ફાઇવસ્ટાર હોટલનો પણ પ્લાન છે. હાઉસિંગ બોર્ડના બેથી ત્રણ સારા રિડેવલમેન્ટના પ્રોજેક્ટ નારણપુરા-શાસ્ત્રીનગરમાં ચાલે છે. આજકાલ બિલ્ડિંગ બનાવીને રેન્ટ પર પણ આપીએ છીએ. હાલમાં 1200 કરોડથી પણ વધારાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ભવિષ્યમાં ગિફ્ટસિટી, ધોલેરા તથા કંપની પાસે વિવિધ જગ્યાએ જમીનો છે તો ત્યાં સેકન્ડ હોમ, વેરહાઉસના ફ્યુચર પ્રોજેક્ટ છે.'
'મહેલ જેવડો બંગલો પત્નીને ગિફ્ટ આપ્યો' પારસભાઈ સ્વીકારે છે, 'ભગવાને માગ્યા કરતાં વધુ આપ્યું છે. હવે હું મારા માટે કંઈ જ કરતો નથી, પણ સમાજે મને જે આપ્યું એ જ હવે હું સમાજને પરત આપું છું. ઘણી બહેનોને ભણાવું છું. ઘણી માતાઓને ભરણપોષણ પૂરું પાડું છું. હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમારાથી મા ન સચાવતી હોય તો મને કહી જાઓ, હું તેમને આજીવન સાચવી લઈશ. 48 વર્ષનો છું, પણ હવે મારું સપનું છે કે સમાજની નાનામાં નાની વ્યક્તિને ઘરનું ઘર બનાવીને આપી શકું. સપનાં બધાં જોતા હોય છે અને એ પૂરાં ઘણાના થાય છે, પરંતુ મેં જે સપનાં જોયાં એનાથી વધુ ભગવાને પૂરાં કર્યાં છે. મેઘાણીનગરના એક રૂમમાં રહેતો ને આજે વિશાળ બંગલામાં રહું છું. બંગલા પાછળ પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે શાહીબાગમાં આવેલા ટાવરની બાજુમાં મહેલ જેવો ભવ્ય બંગલો હતો. મારી પત્નીને હું ઘણીવાર કહેતો કે આ બંગલો એક દિવસ આપણો હશે. તે હંમેશાં આ વાતને મજાકમાં લેતી ને કહેતી કે સપનાં પણ હેસિયત જોઈને જોવાનાં હોય. આજથી 10 વર્ષ પહેલાં મેં પત્નીના જન્મદિવસે એ બંગલો તેને ગિફ્ટમાં આપ્યો અને બંગલાનું નામ પત્નીના નામ પરથી 'તમન્ના' રાખ્યું.'

સુપર પ્રીમિયમમાં બાથરૂમ જ 50 લાખનું હોય છે! અમદાવાદમાં સુપર પ્રીમિયમ ને પ્રીમિયમ મકાનોની સંખ્યા વધી રહી છે. આ અંગે પારસભાઈ કહે છે, 'દરેક પ્રોજેક્ટ કોસ્ટ પ્રમાણે અલગ અલગ હોય છે. એક ફ્લેટની કિંમત બે કરોડ હોય તો તેના બાથરૂમની કિંમત 14-15 લાખ રૂપિયા, જેમાં ટાઇલ્સ, સીપી સેનિટરી, કન્સ્ટ્રક્શન ખર્ચ સહિત બધું આવી ગયું. આ ઘરોમાં બાલ્કની પણ 20-25 લાખની હોય છે. કોઈક બાથરૂમ આઠ લાખ તો સુપર પ્રીમિયમ એપાર્ટમેન્ટમાં માત્ર એક બાથરૂમ જ 50 લાખનું બનતું હોય છે. મિડલ ક્લાસના ઘરમાં મોડ્યુલર કિચન ત્રણથી ચાર લાખ તો પ્રીમિયમમાં 12-15 લાખમાં બનતું હોય છે. અમદાવાદમાં પણ વર્લ્ડક્લાસ બ્રાન્ડ યુઝ થાય છે, જેગુઆર, કોલર, ટોટો સહિતની કંપનીઓ છે. આ કંપનીઓ મિડલ ક્લાસ વર્ગ માટે પણ સારી પ્રોડક્ટ બનાવે છે. હવે એવું નથી કે મોટી બ્રાન્ડ્સ માત્ર રિચ કે સુપર રિચ માટે જ પ્રોડક્ટ્સ બનાવે છે.'
'અક્કલ કામ નહીં કરે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર' પારસભાઈના મતે, 'વર્લ્ડ લેવલની ઇવેન્ટના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. ગુજરાતમાં કોમનવેલ્થ આવી રહ્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છેલ્લાં ચાર વર્ષથી કામ શરૂ થઈ ગયું છે. આ બધી ઇવેન્ટ્સ પાસ્ટમાં ડિઝાઇન થાય છે. આવી ઇવેન્ટ્સ માટે ગુજરાત તૈયાર છે. આગામી 10 વર્ષમાં કોઈ વિશ્વાસ નહીં કરે શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત ને અમદાવાદનું હશે.'
'અમદાવાદની ચારેય દિશા વિકસી રહી છે' અમદાવાદના કયા એરિયામાં સૌથી વધારે ભાવ તે પૂછતાં જ પારસભાઈ કહે છે, 'પહેલાં એવું હતું કે પશ્ચિમ અમદાવાદમાં ભાવ વધારે અને પૂર્વ અમદાવાદમાં ઘણા જ ઓછા ભાવ હોય, પણ હવે તો અમદાવાદના કોઈપણ ખૂણા કે દિશામાં જાઓ, તમને જમીન મોંઘી જ મળશે અને એ જ કારણે ઘરના ભાવ પણ વધારે જ હોય છે. પહેલાં એવું કહેવાતું કે પૈસાદાર લોકો પશ્ચિમમાં જ રહે. હવે અમદાવાદની ચારેય દિશામાં પૈસાદાર લોકો રહે છે. અમદાવાદમાં ચારે બાજુએ બ્રાન્ડેડ શોરૂમ ખૂલ્યા જ છે. અમદાવાદ ચારેય દિશાથી વિકસિત થઈ રહ્યું છે તેમ છતાંય કિંમતની રીતે જોઈએ તો પશ્ચિમમાં પૂર્વ કરતાં 30% જેટલો ભાવ વધારે હશે. એ જ રીતે પૂર્વથી ઉત્તર ને પૂર્વથી દક્ષિણમાં 10-15%નો તફાવત છે. '

'ઇસ્કોન-આંબલી બિલિયોનર સ્ટ્રીટ કહેવાય છે' 'ગુજરાતના સારા-સારા ઉદ્યોગપતિની પહેલી પસંદ ઇસ્કોન-આંબલી રોડ હોવાથી એને બિલિયોનર સ્ટ્રીટ કહેવામાં આવે છે. હંમેશાં પશ્ચિમ થોડું વધારે જ વિકસિત બને છે. આ જ કારણે નવા પૈસાદાર લોકોને આ વિસ્તાર ગમે છે. આ વિસ્તારમાં બંગલો ખરીદવો પૈસાદાર વ્યક્તિ માટે મુશ્કેલ થઈ ગયો છે. બંગલાના ઓપ્શનમાં લક્ઝુરિયસ ફ્લેટ બની રહ્યા છે. બંગલા જેવી સુવિધા લક્ઝરી એપાર્ટમેન્ટમાં મળે છે અને સિક્યોરિટીની દૃષ્ટિએ પણ બંગલા કરતાં ફ્લેટ સારા.'
'10 વર્ષમાં જમીન-મકાનના ભાવ વધ્યા' છેલ્લાં 10 વર્ષમાં અમદાવાદના રિયલ એસ્ટેટમાં આવેલા ફેરફારની વાત કરતાં પારસભાઈ કહે છે, 'રિયલ એસ્ટેટ પહેલાં જમીન ને મટીરિયલ સસ્તાં હતાં અને આ જ કારણે સારી કિંમતે ઘર મળતા. આજે જમીનની કિંમત ઘણી જ વધી છે. આ ભાવ વધવાનું કારણ એ છે કે આજે ગુજરાત ટોપ મેટ્રો સિટીની સમકક્ષ આવી ગયું છે. મોટી ઇવેન્ટ્સથી લઈ મોટા પ્રોજેક્ટ આવ્યા છે અને તેને કારણે જમીનની કિંમત સતત વધતી જાય છે. માલ-સામાન, લેબરની કિંમતો વધી છે. આ બધાને કારણે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં મકાનની કિંમત 3-4 ગણી વધી ગઈ છે.'
'ભાવ તો વધશે જ, હાલ ઘર ખરીદવાનો બેસ્ટ સમય' પારસભાઈના મતે, 'અમદાવાદનો સતત વિકાસ થઈ રહ્યો છે. દિલ્હી-મુંબઈની તુલનામાં અમદાવાદનાં ઘરો ઘણાં જ સસ્તાં છે. મુંબઈમાં એક રૂમ- રસોડું જે ભાવમાં મળે છે એ જ ભાવમાં અમદાવાદમાં અઢી રૂમ, કિચન-હોલ મળે છે એટલે કહેવાનો અર્થ એ જ કે આપણે ત્યાં હજી પણ કિંમતો વધી શકે છે. કોમનવેલ્થ ને ઓલિમ્પિક આવશે ત્યારે ભાવ વધવાની શક્યતા છે. અમદાવાદ-ગુજરાતમાં ભાવ તો ઘટશે જ નહીં. ભારતમાં સોનું ને જમીન- મકાનના ભાવ ક્યારેય ઘટતા નથી. મકાન આપણી જરૂરિયાત છે. હાલનો સમય ઘર ખરીદવાનો બેસ્ટ સમય છે. ઘરનો ભાવ 10%ના દરે વર્ષે વધે છે. મકાનન ભાવ વધવાની સ્પીડ ધીમી કે પછી સ્ટેડી હોઈ શકે પણ ભાવ ક્યારેય ઘટે નહીં. આજે જે ઘર 50નું છે એે ભવિષ્યમાં 60 લાખનું થશે એ નક્કી છે. અમદાવાદમાં રિયલ એસ્ટેટ હાલમાં થોડું સ્લો થયું છે, પરંતુ એ પાછળ પડ્યું નથી. કોમનવેલ્થમાં લાખો ટૂરિસ્ટ, ખેલાડીઓ આવશે. ભગવાન ઈચ્છશે તો ઓલિમ્પિક આવશે. આ બધાને કારણે રિયલ એસ્ટેટ મોંઘું થશે.'

મકાનની સાઇઝ કેમ નાની છે? પારસભાઈને પૂછવામાં આવ્યું કે આજકાલ અમદાવાદમાં મકાનોની સાઇઝ નાની લાગે છે તો એ પાછળનું ગણિત શું? તો તેમણે સમજાવ્યું, 'ઘર નાના હોવાનું કારણ છે કે જમીનની કિંમત વધારે છે અને બે કે ત્રણ બેડરૂમ જરૂરી છે. જમીન ઓછી અને નિયમો પ્રમાણે બધું કરવાનું છે એટલે ચોક્કસ સાઇઝમાં બે બેડરૂમ, ડ્રોઇંગરૂમ, ડાઇનિંગ, કિચન આપવાનું છે, સાથે બાલ્કની પણ હોય જ છે. તમે સિંગાપોર, જાપાન, હોંગકોંગમાં જોશો તો ત્યાં પણ જમીન ઓછી હોવાને કારણે એની સીધી અસર મકાનની સાઇઝ પર પડે છે. વસતિ જે રીતે વધી રહી છે એ રીતે મકાનો તો વધારે જ બનાવવાનાં છે એટલે સાઇઝ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે.'
'કસ્ટમરને એક જ વાત, મારી ક્વૉલિટી ના ગમે તો તોડી નાખો' પારસભાઈને પૂછવામાં આવ્યું કે કસ્ટમર સાથે કેવા અનુભવો થાય છે તો તેમણે કહ્યું, 'પ્રોજેક્ટમાં કસ્ટમર સારા જ હોય છે, પણ કેટલાક કસ્ટમરને વધુપડતી ચોખવટ, ક્લિયરન્સ ને કમિટમેન્ટ કરતાં પણ વધુપડતી એક્સપેક્ટેશન હોય છે. કસ્ટમરની માગણી સાચી જ હોય છે. કસ્ટમર ક્યારે પોતાના પૈસા કરતાં વધુની ડિમાન્ડ કરતો નથી. જો તમે કસ્ટમર બનીને પ્રોજેક્ટ કરો તો એ તરફથી પડકારો ખાસ આવતા પણ નથી. શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાના કસ્ટમરને એક જ વાત કહે છે, 'મારી કોઈ પણ ક્વૉલિટી ના ગમે તો તેને સ્વીકારવી નહીં અને તેને તોડી નાખવાની. હું તમારા જીવનની કમાણીનો સૌથી મોટો હિસ્સો લઉં છું તો તમારે ક્વૉલિટી સાથે સમાધાન કરવું નહીં. મારો કોન્ટ્રેક્ટર, એન્જિનિયર, સુપરવાઇઝર નવું બનાવીને આપશે.'
ઘર લેતી વખતે શું શું ધ્યાન રાખવું? પારસભાઈ સમજાવે છે, જાણીતા ડેવલપર પાસેથી જ ઘર લેવાનો આગ્રહ રાખો. તે ડેવલપરના જૂના પ્રોજેક્ટ્સની જાત મુલાકાત લઈને ચેક કરવા. માર્કેટમાં જે-તે ડેવલપરની ક્વૉલિટી કેવી હોય છે એ અંગે પૂછપરછ કરવી. કન્સ્ટ્રક્શન ક્વૉલિટી ચેક કરવી હોય તો સેમ્પલ હાઉસ ચેક કરો અને એન્જિનિયરને પણ સવાલો પૂછી શકાય છે. RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) રજિસ્ટ્રેશન ચેક કરીને જમીન માલિકી ડેવલપરની છે કે નહીં તે ખાસ જોવું. દરેક ફ્લેટ ખરીદનારને સલાહ આપીશ કે તમે જ્યારે પણ ફ્લેટ ખરીદવા જાવ ત્યારે RERA રજિસ્ટર્ડ વગરના ફ્લેટ ખરીદશો નહીં. જો RERA રજિસ્ટર્ડ હશે તો કોઈ ચીટિંગ કરી શકશે નહીં, પણ રજિસ્ટ્રેશન વગરનો ફ્લેટ ખરીદશો તો કોઈ મદદ કરી શકશે નહીં. થોડા સમય પહેલાં જ સ્નેહાંજલિ સોસાયટી પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. આ સોસાયટી 40 વર્ષ જૂની હતી અને ત્યારે જમીનમાં આવા કિસ્સા બનતા, પરંતુ હવે RERAને કારણે હવે આવું એક ટકો કરવું પણ શક્ય નથી. આથી જ અમે કહીએ છીએ કે RERA ચકાસીને ફ્લેટ કે વીલા ખરીદો. જમીન ખરીદતા હોઈએ તો કોઈક સારા વકીલને વચ્ચે રાખીને જ ખરીદવી.'

'30-40 માળના બિલ્ડિંગ માટે આકરા નિયમો' આજકાલ અમદાવાદમાં 30-40 માળના બિલ્ડિંગ બને છે તો કેવી સાવચેતી રાખવામાં આવે છે એ અંગે પારસભાઈ કહે છે, '30-40 માળના બિલ્ડિંગ બનાવવા સરકારના આકરા માપદંડોમાંથી પસાર થવું પડે છે. નીતિનિયમોની કમિટી સંપૂર્ણ ચકાસણી બાદ જ પ્રોજેક્ટ પાસ કરે છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇનથી લઈ સ્ટીલ કેટલું, કેવું વાપરશો સહિતની નાનામાં નાની બાબતો જોવામાં આવે છે. ગુણવત્તા, સ્ટ્રેન્થ સહિતની બાબતો ચેક થાય છે. જમીન કઈ જગ્યાએ છે તે પણ જોવાય છે. ફાયર સેફ્ટીના નિયમો ઘણા જ કડક છે. 30-40 માળની બિલ્ડિંગમાં એક ફ્લોર ખાલી રાખવાનો હોય છે અને એમાં કોઈ જાતનું કન્સ્ટ્રક્શન કરવામાં આવતું નથી. આગ કે કોઈ દુર્ઘટના કદાચ બને તો તે ફ્લોર પર સરળતાથી જઈ શકાય તેવી સુવિધા કરવામાં આવે છે. આ ફ્લોર પરથી ફાયર ડિપાર્ટમેન્ટ રેસ્ક્યૂ કરી શકશે. આ પ્રકારના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સહેજ પણ અવગણના ના થાય ત્યારે જ અપ્રૂવલ મળે છે.'
'આજકાલ 3-4 BHKના ફ્લેટ બનવાનું ચલણ વધ્યું છે' પારસભાઈ સ્વીકારે છે, ‘ગુજરાત પ્રગતિના પંથે છે. ગુજરાતનો મિડલ ક્લાસ હવે ધીમે ધીમે હાયર મિડલ ક્લાસ બનવા તરફ જઈ રહ્યો છે. રિડેવલપ્મેન્ટનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત જૂનાં મકાનોની કિંમત પણ સારી મળતી થઈ એટલે વ્યક્તિ 2 રૂમમાં રહેતો હોય તો 3 રૂમમાં શિફ્ટ થવા લાગ્યો ને 3 રૂમમાંથી ચાર ને અલ્ટ્રા લક્ઝરીમાં રહેવાનું પસંદ કરે છે. લોકોની આવક પણ વધી છે. 15 વર્ષ પહેલાં ખરીદેલું મકાન વેચીને પ્રીમિયમ ક્વૉલિટીનું મકાન થોડા પૈસા ઉમેરવાથી મળી જાય છે એટલે લોકોને ધસારો એે તરફ રહેવાનો. આજકાલ વન બીએચકે બનવાનું પ્રમાણ એટલા માટે ઘટ્યું કે તેનો ખર્ચ બે બેડરૂમના ફ્લેટ જેટલો જ હોય છે. આ ઉપરાંત નાનામાં નાના પરિવારમાં ત્રણ વ્યક્તિ હોય એટલે હવે બહુ ઓછા પરિવારને એક બેડરૂમનું ઘર જોઈએ છીએ.’

'25 હજારથી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાની ઈચ્છા' ‘હાઉસિંગ બોર્ડના 30 મીટરથી પણ નાનાં ઘરમાં જન્મ્યો છું અને પ્રધાનમંત્રીનું સપનું નાનામાં નાની વ્યક્તિ પાસે ઘરનું ઘર હોય એ પ્રોજેક્ટમાં હું કામ કરું છું. અત્યારે સાબરમતી આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અઢીથી ત્રણ હજાર મકાનો બનાવીએ છીએ. મારી ઈચ્છા છે કે 25 હજારથી વધુ મકાન બનાવું. આવું ભાગ્યે જ જોવા મળે કે જે ડેવલપર પાંચ-છ કરોડના સુપર લક્ઝરી મકાનો બનાવે છે તે જ પ્રધાનમંત્રી આવાસના મકાનો પણ બનાવે છે. સુપર લક્ઝરીમાં જે ક્વૉલિટી ને સામાન આપવામાં આવે છે એ જ એક્સેસરીઝ ને ક્વૉલિટી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપવામાં આવ્યા છે. પહેલી જ વાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સીપી સેનિટરી લક્ઝરી બ્રાન્ડની છે. સાચું કહું તો દરેક વસ્તુને નફા-નુકસાનના ત્રાજવે તોલવી યોગ્ય નથી.’

'આજકાલ કસ્ટમરનો દૃષ્ટિકોણ બદલાયો છે' પારસભાઈને પૂછવામાં આવ્યું કે અમદાવાદમાં ઘણા ફ્લેટ્સ ખાલી પડ્યા છે એ વાત કેટલી સાચી તો તેમણે કહ્યું, ‘દરેક ફિલ્ડમાં એવો કેટલોક સમય આવતો હોય છે કે પાંચ વર્ષે ખરીદનારના વિચારમાં ચેન્જ આવે જ છે. પહેલાં એવું હતું કે જ્યારે પણ પ્રોજેક્ટ લોન્ચ થાય તો પ્રી-બુકિંગમાં કસ્ટમરને ભાવમાં ફેર પડતો એટલે ફટાફટ ફ્લેટ વેચાઈ જતા. હવે કસ્ટમરના વિચાર બદલાયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં તૈયાર થયેલાં મકાનો ને બનતાં મકાનોના ભાવમાં ખાસ ડિફરન્સ રહ્યો નથી. હાલમાં સોના-ચાંદી ને શેરબજારમાં વળતર વધારે મળતું હોવાથી ત્યાં રોકાણ વધી રહ્યું છે અને આ જ કારણે રિયલ એસ્ટેટનો વેચાણ દર થોડો ઘટ્યો છે. આ પાછળ માત્રને માત્ર કસ્ટમરનો બદલાયેલો દૃષ્ટિકોણ જ છે.’
('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે બીજા એપિસોડમાં જાણીશું ગુજરાતનું સૌથી ઊંચું ટાવર બનાવનાર નવરત્ન ગ્રુપની સફળતાની કહાની…)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















