- Gujarati News
- Bhaskar khaas
- Reels na rajja
- Reel Na Rajja Slow Motion Powder Video Changed Life Mahi Patel Social Media Journey
રીલ્સના રાજ્જા-3પાઉડર ઉછાળવાનો વીડિયો બનાવ્યો અને જિંદગી બદલાઈ ગઈ:માહી પટેલે કહ્યું, 'શરૂઆતમાં પરિવારને મારું કામ પસંદ નહોતું, એક સમયે કુર્તી પણ વેચતી’
- કૉપી લિંક

સોશિયલ મીડિયામાં એથનિક વેઅરમાં એક સુંદર ને ક્યૂટ યુવતી પોતાના આગવા એક્સપ્રેશનથી લોકોનાં દિલ જીતી રહી છે. આ યુવતી એટલે માહી પટેલ. 'રીલના રાજ્જા'ના આજના ત્રીજા એપિસોડમાં આપણે વાત કરીશું માહી પટેલની. માહી પટેલને લગ્નમાં કેવી કેવી અડચણો આવી? માહી પટેલે ક
મૂળ મહેસાણાના વરસોડાના માહી પટેલના પિતા ગાંધીનગરમાં સરકારી નોકરી કરતા અને માહીએ ત્યાંથી જ સ્કૂલિંગ કર્યું. ત્યાર બાદ અમદાવાદમાંથી MBA કર્યું. માહી કહે છે, 'હું પરિણીત છું અને મારા પતિ દર્શન હોટલ ઇન્ડસ્ટ્રીમાં છે ને નાનો દીકરો છે. પરિવારમાં સાસુ-સસરા ને નણંદ છે.'

'ભણવું ઘણું જ ગમતું' માહી સ્કૂલિંગ દિવસોને યાદ કરતાં જણાવે છે, 'નાનપણમાં મને અન્ય બાળકોની જેમ ભણવાનો કંટાળો નહોતો આવતો, પરંતુ મને ભણવું ઘણું જ ગમતું. મારા હેન્ડરાઇટિંગ પણ ઘણા જ સારા હતાં. આટલું જ નહીં, મને સ્કૂલની દરેક ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવાનું ગમતું. સ્કૂલની એકપણ એવી એક્ટિવિટી ના હોય, જેમાં મેં ભાગ ન લીધો હોય. નાની હતી ત્યારે સો.મીડિયામાં કંઈક કરીશ એવું વિચાર્યું નહોતું. હા, ત્યારે એવી ઈચ્છા હતી કે જર્નલિઝમનો કોર્સ કરીને જર્નલિસ્ટ બનું, જોકે એ સમયે પેરેન્ટ્સે સપોર્ટ ના કર્યો, કારણ કે તેમને આ ફિલ્ડ અંગે ખાસ કંઈ ખ્યાલ નહોતો તો તેમણે ના પાડી દીધી. પછી તો MBA કર્યું ને મેરેજ થઈ ગયા. લગ્ન બાદ પતિએ દરેક બાબતમાં સપોર્ટ કર્યો એટલે ત્યાં મને કોઈ જાતની રોકટોક નહોતી એટલે મારી ઈચ્છા પ્રમાણે હું કરી શકતી.'
'અમે કોલેજમાં સાથે ભણતાં' માહીને લગ્ન અંગે સવાલ કરતાં જ રતુંબડા ગાલ સાથે તે કહે છે, 'હું ને દર્શન ગાંધીનગરમાં કોલેજમાં સાથે હતાં. હું બીબીએ કરતી હતી અને તે બી.કોમ. કરતા, પણ અમારો કોલેજ કેમ્પસ એક જ હતો. ત્યારથી અમારી વચ્ચે ફ્રેન્ડશિપ સ્ટાર્ટ થઈ. અમારી મુલાકાતની વાત કરું તો દર્શન ને મારા ભાઈનો કોમન ફ્રેન્ડ હતો અને એના થ્રૂ જ અમે બંને મળ્યાં. ફ્રેન્ડશિપ ક્યારે પ્રેમમાં પરિણમી એ તો અમનેય ખ્યાલ જ ના રહ્યો. બીબીએ પૂરું કર્યું ને પછી મેં અમદાવાદથી એમબીએ કર્યું.'

'લગ્નમાં ઘણી અડચણો આવી' 'હું બ્રાહ્મણ ને દર્શન પટેલ હોવાથી મારા પપ્પા ને દર્શનનાં મમ્મી કોઈ કાળે આ લગ્ન માટે તૈયાર નહોતાં. અમે બંનેએ મનાવવાના બહુ જ પ્રયાસ કર્યા, પણ તેઓ માન્યાં જ નહીં. અંતે અમે અલગ થઈ ગયાં. અમે છ મહિના સુધી એકબીજા સાથે વાત સુધ્ધાં ના કરી. આ દરમિયાન અમને એકબીજા અંગે કશી જ જાણ નહોતી, પણ કહેવાય છે ને કે નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. અમે બંનેએ લગ્ન માટે પાત્રો જોવાનાં પણ શરૂ કરી દીધાં હતાં, પરંતુ અમે કોઈને હા જ પાડીએ નહી. અમને બંનેને એ સમયે મનમાં એવું હતું કે પેરેન્ટ્સ માનતાં નથી તો હવે લગ્ન કેવી રીતે કરવા. અમે બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. અમારે એ નક્કી હતું કે ભાગીને તો લગ્ન કરીશું જ નહીં, પેરેન્ટ્સની સંમતિ હશે તો જ કરીશું. આ રીતે છએક મહિના પસાર થયા. અચાનક એક દિવસ મને દર્શનનાં માસીના દીકરાનો ફેસબુક પર મેસેજ આવ્યો. તેમણે પૂછ્યું કે તારે ખરેખર દર્શન સાથે લગ્ન કરવા જ છે? મેં તો તરત જ હા પાડી. માસીના દીકરાને દર્શનની પરિસ્થિતિ ખ્યાલ હતી, તે ઘણો જ ઉદાસ રહેતો. માસીના દીકરાના પ્રયાસથી મેં ને દર્શને ફરી વાત કરવાનું ચાલુ કર્યું. પછી પેરેન્ટ્સને મનાવવા ફરી પ્રયાસો કર્યા. પેરેન્ટ્સ કોનું કહ્યું માને છે એ વડીલોનાં નામ વિચાર્યાં ને તેમને મનાવ્યાં. આ વડીલોએ પછી અમારાં પેરેન્ટ્સને મનાવ્યાં ને છેલ્લે બંને પરિવારો મળ્યા ને ફાઇનલી લગ્ન નક્કી થયાં.'
'પપ્પા મારી સાથે બોલતા નહોતા' 'મારા પપ્પા ઘણા જ સ્ટ્રિક્ટ છે. તેઓ બ્રાહ્મણ સમાજના આગેવાન અને તેમની જ દીકરી નાત બહાર લગ્ન કરે એ વાત તેમને ગમે નહીં, પણ ઘરના બધા માની ગયા હતા એટલે તેમને માન્યા સિવાય છૂટકો નહોતો. આ જ કારણે પપ્પાએ મારી સાથે બોલવાનું તદ્દન બંધ કરી દીધું હતું. એક જ ઘરમાં રહેવા છતાં પપ્પા મારી સાથે એક શબ્દ બોલે નહીં. મને આ વાતને કારણે ઘણું જ ટેન્શન રહેતું, પરંતુ પરિવારે એમ કહીને સાંત્વના આપી કે બીજા માની ગયા છે તો તું આ અંગે બહુ વિચારીશ નહીં. તારા પપ્પા પણ આજે નહીં તો કાલે માની જ જશે. મેં પણ આ વાત સ્વીકારી લીધી. લગ્નનો દિવસ આવ્યો, ફેરા ફર્યા પણ પપ્પા ત્યાં સુધી મારી સાથે બોલે નહીં. છેલ્લે મારી વિદાયનો સમય આવ્યો. એ દિવસે હું પપ્પાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને પપ્પા પણ એકદમ ભાવુક થઈ ગયા. વિદાય દરમિયાન અમારી વચ્ચેના અબોલા તૂટ્યા ને પપ્પા ફરી મારી સાથે વાત કરવા લાગ્યા.'

'લગ્ન બાદ પાંચ વર્ષ જૉબ કરી' માહી કહે છે, 'મેરેજ થઈ ગયા ને મેં કોર્પોરેટ કંપનીમાં પાંચ વર્ષ HRની જૉબ કરી. પછી મેટરનિટીની લીવ લીધી ને ત્યાર બાદ જૉબ રિઝ્યૂમ જ કરી નહીં. મારાં સાસુ-સસરા વિસનગર રહે અને હું ને દર્શન અમદાવાદ એકલાં રહીએ. આ જ કારણે દીકરાની સંભાળ કોણ રાખે? મને એવું હતું કે મારું બાળક મારા હાથે જ મોટું થાય. એના માટે કોઈ આયા કે નેની મારે રાખવી નહોતી. આ દરમિયાન અચાનક જ કોરોના આવી ગયો અને અમે વિસનગર જતાં રહ્યાં.'
'કોરોનાને કારણે ઘરે બેસવાનો વારો આવ્યો' કોરોનાને કારણે આખો દિવસ ઘરમાં જ બેસી રહેવાનું થયું. આખો દિવસ ઘરમાં કરવું શું? મેં ને દર્શને પછી માત્ર મસ્તી ખાતર વીડિયો બનાવવાના શરૂ કર્યા ને આજે તો અમે હાઇલી પ્રોફેશનલી વીડિયો બનાવીએ છીએ. એ સમયે ટિકટોક ચાલતું હતું અને અમે પહેલો વીડિયો ટિકટોકમાં જ બનાવ્યો. ત્યારે સ્લો મોશનના વીડિયો ચાલતા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી અમે પાઉડર ઉછાળવાનો સ્લો મોશનમાં વીડિયો બનાવ્યો હતો. ટિકટોકમાં અમે આવા જ વીડિયો બનાવ્યા અને એ ઘણા જ ચાલતા. અમે સોંગ અને સ્લો મોશનમાં બિટ્સ મેચ કરીને વીડિયો બનાવતા. ટિકટોકના બધા જ વીડિયો અમે ગામડે જ બનાવ્યા હતા. આ સમયે અમે ઇન્સ્ટા કે યુ ટ્યૂબ પર કોઈ વીડિયો પોસ્ટ કરતા નહોતા. ટિકટોકમાં અમારા બે લાખ જેટલા ફોલોઅર્સ હતા. પછી તો એના પર બૅન આવ્યો અને એ આખો દિવસ અમે બંને ઘણાં જ દુઃખી રહ્યાં હતાં.'

'ઇન્સ્ટામાં પોપ્યુલર થઈ' 'ટિકટોક તો બંધ થઈ ગયું, પણ અમે વીડિયો બનાવવાના બંધ કર્યા નહીં અને હવે અમે ઇન્સ્ટામાં વીડિયો મૂકવાના શરૂ કર્યા. આ સમયે હું મોડેલિંગ પણ કરતી. ટિકટોકના જૂના વીડિયો જ અમે ઇન્સ્ટામાં પોસ્ટ કરવાની શરૂઆત કરી ને અમારી પોસ્ટ સારીએવી વાઇરલ થવા લાગી. પછી તો લાગ્યું કે આમાં જ કંઈક આગળ કરાય અને અમે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું. એક લાખ ફોલોઅર્સ થતાં જ બ્રાન્ડ્સ સામેથી આવવા લાગી ને અમે પેઇડ પ્રમોશન શરૂ કર્યું. આજના સમયે સો.મીડિયામાં જ માર્કેટિંગ થાય છે. પછી તો એક પછી એક બ્રાન્ડ્સ આવવા લાગી, સાથે સાથે અમે એન્ટરટેઇનમેન્ટના વીડિયો પણ મૂકતા. ધીમે ધીમે મારા પતિ પણ મારી સાથે વીડિયો બનાવતા. છેલ્લાં બે વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ.'
'શરૂઆતમાં પરિવારને વીડિયોમાં કામ કરું એ પસંદ નહોતું' માહીને પૂછવામાં આવ્યું કે પરિવારનું રિએક્શન કેવું હતું તો જવાબમાં તે કહે છે, 'અમે શરૂઆતમાં તો ગામડે જ હતાં એટલે તેમને ખ્યાલ જ હતો ને અમે તેમને વીડિયો પણ બતાવતા. તેઓ આ ફિલ્ડને સમજી શકે એમ નહોતા, પણ સમય સાથે તેમનામાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. હું પહેલાં તો સાડી પહેરીને જ વીડિયો બનાવતી. પાછું હું તેમના દીકરા એટલે કે મારા પતિ સાથે જ વીડિયો બનાવતી. એ વાત છે કે ટિકટોકના વીડિયોમાં તેમને કંઈ વાંધો નહોતો, પણ જ્યારે તેમને એ વાતની ખબર પડી કે હવે અમે આમાં પ્રોફેશનલી આગળ વધી રહ્યાં છીએ તો પરિવારને થોડું ટેન્શન થયું હતું.'

'પરિવારને વિશ્વાસ અપાવ્યો' 'પછી તો મેં ને દર્શને સાથે બેસીને આ મુદ્દે તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને વિશ્વાસ અપાવ્યો કે અમે આપણા પરિવારનું સમાજમાં નામ થાય એ રીતનું જ કામ કરીશું. પરિવારે અમારા પર વિશ્વાસ મૂક્યો ને અમે તેમના વિશ્વાસમાં ખરા ઊતરીને અમે વીડિયો બનાવવાનું ચાલુ જ રાખ્યું. એક વાત છે કે મારા વીડિયો નાનાથી માંડીને દાદા-દાદી પણ જોઈ શકે છે. આ જ કારણે મારા પરિવારને કોઈ વાંધો નથી.'
'મોડેલિંગ પણ કર્યું' મોડલિંગ કરિયરને યાદ કરતાં માહી કહે છે, 'મારું સર્કલ જ એવું છે અને એમાંથી જ કોઈક જાણીતાએ મારો સંપર્ક કર્યો ને મારુ કરિયર શરૂ થયું. હું ફેશન મોડલિંગ નહોતી કરતી, હું એથનિક વેઅર પર જ મોડલિંગ કરતી. સૌથી વધારે સાડીમાં મોડલિંગ કર્યું છે. સુરતમાં મોટા ભાગની સાડીની બ્રાન્ડમાં મારું જ નામ છે. સુરતની લગભગ બધી જ સાડીઓ મારા ઘરે મોડેલિંગ માટે આવતી. હું એક દિવસમાં 60-70 સાડીઓ પહેરીને શૂટ કરતી. સુરતમાંથી મને બોક્સનાં બોક્સ સાડી ભરીને આવે અને પછી હું મારા ઘરે જ ફોટો ક્લિક કરાવતી. સાડી પહેરાવવા માટે ડ્રેપર પણ આવતા. ઘરે શૂટ કરીને સાડી પછી પાર્સલ કરી દેવાની ને ફોટો સુરત મોકલી દેવાના. આ માટે મારી એક અલગ ટીમ હતી. સતત આખો દિવસ આ રીતે સાડી બદલતા રહેવાની હોય એટલે બહુ જ થાક લાગે. એક સાડીમાં ચારથી પાંચ પોઝ આપવાના. સવારે પાંચ વાગ્યે ઊઠી જતી. તૈયાર થઈને સવારના સાત વાગ્યે શૂટ શરૂ થાય કે સાંજના સાત વાગ્યા સુધી સતત ચાલે. શૂટિંગ બાદ ખાવાના હોશ પણ ના રહે ને સીધું સૂઈ જવાની ઈચ્છા થાય. આ રીતે ત્રણ દિવસ શૂટ કરીએ. હવે હું મોડેલિંગ કરતી નથી, કારણ કે મોડેલિંગ દરમિયાન હું બાળકને ટાઇમ આપી શકતી નહોતી. સાચું કહું તો હાલ તો ઇન્સ્ટામાંથી જ ટાઇમ મળતો નથી. પ્રમોશન ઉપરાંત અમારું ઓરિજિનલ કન્ટેન્ટ પણ બનાવું પડે. માત્ર પ્રમોશનલ રીલ્સ પોસ્ટ કરી શકીએ નહીં. પછી તો ઇન્સ્ટાનું અલ્ગોધિરમ પર ખોરવાઈ જાય. મોડેલિંગ કરવામાં બધું જ મેનેજ થતું નહોતું એટલે છોડી દીધું.'

'પહેલી કમાણી પાંચ હજાર રૂપિયા હતી' 'શરૂઆતમાં તો હું ને મારા પતિ બે જ હતા. શૂટ પણ જાતે જ કરતા અને એડિટિંગ પણ ફોન પર કરતા. હવે એડિટર, વીડિયોગ્રાફર, ફોટોગ્રાફર એ રીતે ચાર-પાંચ લોકોની ટીમ છે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો અમે તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી હતી. અમારી પાસે ફોન તો હતો જ ને વીડિયો શૂટ કર્યા. કમાણીની વાત કરું તો તે ફોલોઅર્સ પર આધાર રાખે છે, પરંતુ મને ઇન્સ્ટામાંથી પહેલી કમાણી બ્રાન્ડ માટે પાંચ હજાર મળ્યા હતા.' માહી પટેલે એમ પણ જણાવ્યું, 'હું હંમેશાં મારી કમાણીનો કેટલોક ભાગ અલગ રાખીને જરૂરિયાતમંદને મદદ કરતી હોઉં છું. મને અંગત રીતે દાન-પુણ્ય કરવું ગમે છે અને તેથી જ દર મહિને અમુક પૈસા અલગથી રાખું છું.'
'એક સમયે કુર્તી પણ વેચતી' માહી વધુમાં કહે છે, 'મને નાનપણથી ઘરે શાંતિથી બેસવાની ટેવ નહોતી. હું હંમેશાં કંઈક ને કંઈક કામ કરતી. શરૂઆતમાં જૉબ કરી અને પછી ઘરેથી કુર્તી વેચવાનો બિઝનેસ પણ કર્યો. મને ક્લોધિંગનો ગાંડો શોખ છે અને મને નવાં નવાં કપડાં પહેરવાં ઘણાં જ ગમે. મને કપડાં રિપીટ કરવાં બહુ જ ઓછાં ગમે. ભવિષ્યમાં મારે ક્લોધિંગનો બિઝનેસ કરવો છે. ખરી રીતે તો, મારી ઓડિયન્સ પણ મને કપડાંથી જજ કરતી હોય છે. આ ઉનાળામાં હું 'મોરપિચ્છ બાય માહી' નામથી ઓનલાઇન યુનિક ને ડિઝાઇનર ક્લોધિંગ બ્રાન્ડ લૉન્ચ કરીશ. મારા પતિને જમવાનો શોખ છે તો તે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે. મને નાનપણથી વાંચવા કરતાં લખવાનો ઘણો જ શોખ છે.'

'શરૂઆતમાં સ્ક્રિપ્ટ લખતાં, હવે તો આસપાસની ઘટના પરથી વીડિયો બનાવીએ' માહીને પૂછવામાં આવ્યું કે વીડિયોના આઇડિયા કેવી રીતે આવે છે તો તેમણે કહ્યું, 'અમે બંને એક્ટર જેવાં જ છીએ અને અમારા વિચારો પણ એવા જ છીએ. શરૂઆતમાં સ્ક્રિપ્ટ વિચારવી, લખવી ને પછી શૂટ કરવું.. આ બહુ જ કોમ્પ્લિકેટેડ લાગતું. બીજાના વીડિયો જોયા તો ખ્યાલ આવ્યો કે સ્ક્રિપ્ટ વગર આસપાસની ઘટના પરથી જ વીડિયો બનાવવાના છે તો અમે પણ એ જ રીતે શરૂ કર્યું. હવે અમારું મગજ જ એ રીતે ટેવાઈ ગયું છે કે આસપાસ કંઈક થાય તો તરત જ આઇડિયા આવી જાય કે આના પરથી રીલ બનશે કે નહીં! અમે અમારી લાઇફસ્ટાઇલ વધારે બતાવીએ છીએ ને અમારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું બની ગયું છે.'
'છ મહિના પહેલાં જ સિલ્વર બટન મળ્યું' 'શરૂઆતમાં અમારે રીટેક વધારે થતા, એક્ટિંગ ના ફાવે કે ડાયલૉગ્સ બોલવામાં લોચા પડે, પણ હવે તો કંઈ જ વાંધો આવતો નથી. પ્રમોશનલ રીલ્સમાં થોડો વાંધો આવે, કારણ કે તેમના શબ્દો અલગ હોય એટલે વાર લાગે. હમણાં જ એક આઈ હૉસ્પિટલ પર રીલ બનાવી હતી તો એના ટેક્નિકલ શબ્દો પહેલી જ વાર સાંભળતા હોઈએ એટલે રીટેક થાય, બાકી એક્ટિંગમાં તો ક્યારેય સમસ્યા આવતી જ નથી. એક રીલ બનાવવામાં અમારે બેથી ત્રણ કલાક જેટલો ટાઇમ જાય. યુ ટ્યૂબમાં અમે જે ઇન્સ્ટામાં મૂકીએ તે જ પોસ્ટ કરી દઈએ. યુ ટ્યૂબ તરફથી છ મહિના પહેલાં જ સિલ્વર બટન મળ્યું હતું.'

'સફળતાને પૈસા સાથે મૂલવી નથી' માહીને સફળતા અંગે સવાલ કરતાં જ તેણે કહ્યું, 'મેં ક્યારેય સફળતાને પૈસા સાથે મૂલવી નથી. હું આજે જ્યારે ઘરની બહાર નીકળું ત્યારે ભાગ્યે જ એવું બને કે કોઈ મને ઓળખી ના હોય. મને સામેથી લોકો બોલાવીને કહે છે, તમે માહી પટેલ છો ને... આ ફીલિંગ જ અલગ છે. પુરુષો ને છોકરાઓ જલદીથી ફોટો ક્લિક કરાવવા આવતા નથી, પણ તેઓ એકવાર તો પૂછી જ લે કે તમે માહી છો ને? યુઝર્સનો આ પ્રેમ જ મારા માટે સેલરી છે. તેમનો પ્રેમ જ સર્વસ્વ છે. અત્યારસુધી 800થી વધારે વીડિયો બનાવ્યા છે. હું ટ્રાય કરું કે રોજ એક વીડિયો પોસ્ટ કરું.'
'ક્યારેક તો પતિ સાથે ઝઘડો થઈ જાય' શૂટિંગની વાત કરતાં માહી જણાવે છે, 'ઘણીવાર તો મારે બોલવામાં લોચા પડી ગયા હોય ને ક્યારેય બોલવાનું કંઈક અલગ હોય ને બોલાય કંઇક બીજું જાય. ઘણીવાર તો હું ને મારા પતિ દર્શન બંને કેટલીક બાબતો પર રકઝક કરવા લાગીએ તો શૂટિંગ જ અધૂરું મૂકી દઈએ તો ઘણીવાર શૂટિંગ પહેલાં જ અમારી વચ્ચે દલીલો થઈ જાય તો હું શૂટિંગ કરવાની જ ચોખ્ખી ના પાડી દઉં. એકવાર નવરાત્રિનું ફાઇનલ શૂટ કરવાનું હતું ને બધી જ તૈયારી કરી લીધી. અમારે જ્યાં શૂટિંગ કરવાનું હતું ત્યાં ગયા, પણ અચાનક જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અને અમે ટેન્શનમાં આવી ગયા. વરસાદ તો બંધ થયો નહીં ને અમને ખર્ચો માથે પડ્યો. પછી તો શૂટિંગ રી-શિડ્યૂલ કર્યું અને ફટાફટ શૂટિંગ પતાવ્યું. ઘણીવાર તો એવું બન્યું છે કે આઉટડોર શૂટિંગ માટે કોઈક મૉલ કે પછી બીજે ગયાં હોઈએ ત્યારે બધા ઓળખી જાય તો સેલ્ફી માટે પડાપડી કરે ને ભીડ ભેગી થઈ જાય. આ જ કારણે અમે ઘણીવાર શૂટિંગ કર્યા વગર જ ઘરભેગાં થઈ જઈએ અથવા તો બીજી જગ્યાએ જઈએ. સાચું કહું ને જો અમે આ વીડિયોના BTS નાખીએ તો એે વધારે ચાલે એમ છે.'

'કોમિક પર વધુ ફોકસ કરો' માહી નવા કન્ટેન્ટ ક્રિએટર્સને સલાહ આપતાં કહે છે, 'સૌથી પહેલા તો એ છે કે તમે તમારી પોતાની આર્ટને જાણો. જે તમને ગમે છે તેને ઓળખો.જો તમારા બોલવાથી કે કોમિક એક્સપ્રેશનથી કોઈ હસી પડતું હોય તો મતલબ કે તમારામાં કોમેડીની આવડત છે. આવું હોય તો તમે કોમેડી ઝોન પર આવી શકો. ઈમોશનલ વીડિયો કે સારું રાઇટ હોય તો તમે ઇમોશનલ વીડિયો બનાવી શકો છો. આ ઉપરાંત આજકાલ ઘણા લોકો શાયરી કરતા હોય છે. આ બધું બધાને બહુ અટેચ કરે છે. આ ઉપરાંત ડાન્સિંગની ફિલ્ડમાં રસ હોય તો ત્યાં જઈ શકાય. સોશિયલ મીડિયાના માધ્યમથી નાનો બિઝનેસ પણ શરૂ કરી શકાય. સો. મીડિયામાં જ માર્કેટિંગ કરીને બિઝનેસ વધારી શકાય. બની શકે કે આમાં થોડો સમય લાગે પણ સતત કરો એટલે વાંધો નહીં આવે. હાલ તો સૌથી વધારે કોમિક વીડિયો ચાલે છે, કારણ કે અત્યારે બધાની લાઇફ ઘણી જ સ્ટ્રેસમાં છે. લોકો મૂવી જોવા ના પણ જાય, પરંતુ રીલ જોવાનું ક્યારેય ભૂલતા નથી. આ જ કારણે કોમિક પર વધારે ફોકસ કરશો તો જલ્દીથી વાઇરલ થવાશે.'
'હવે સો. મીડિયા અર્નિંગ બેઝ થવા લાગ્યું' માહી સો. મીડિયામાં આવેલાં પરિવર્તન અંગે જણાવે છે, 'અમે જ્યારે 2020માં શરૂ કર્યું ત્યારે લિપસિંકના (બીજાના ડાયલોગ કે સોંગ પર પોતાના હોઠ ફફડાવીને એક્ટિંગ કરવાના) વીડિયો ઘણા જ ચાલતા, પરંતુ હવે એવા વીડિયો ખાસ ચાલતા નથી. લિપસિંકના વીડિયોમાં વ્યક્તિ તરીકે તમારો ગ્રોથ પણ થતો નથી. મને પણ લાગ્યું કે મારામાં ટેલેન્ટ છે તો મારે કેમ લિપસિંકના વીડિયો બનાવવા જોઈએ. અત્યારે વ્યક્તિ પોતાની અંદર રહેલી આર્ટને વધુ બતાવે છે, પછી તે ડાન્સિંગ હોય કે કોમિક કે એજ્યુકેશન કે રિસર્ચ કે નોલેજ કે કંઈપણ... આ બધું જ હવે પ્રોફેશનલી ને અર્નિંગ બેઝ પર થવા લાગ્યું છે. '

'પતિએ ઘણો જ સપોર્ટ કર્યો' માહીના મતે, 'દર્શન પ્રોફેશનલી ને પર્સનલી બંને રીતે ઘણો જ સપોર્ટ કરે છે. જ્યારે લગ્ન કર્યાં ત્યારે બધા કહેતા કે લવમેરેજ પછી લાઇફ ઘણી જ બદલાઈ જાય છે, પરંતુ મારી લાઇફસ્ટાઇલમાં થોડો પણ ફેરફાર આવ્યો નથી અને એનું શ્રેય દર્શનને જ જાય છે. દર્શન અમદાવાદમાં જ હોટલ ચલાવે છે અને તે અત્યારે ઓટો મોડ પર છે અને અમે બંને હાલમાં સો. મીડિયા પર જ વધારે ફોકસ કરીએ છીએ.'
'પરિવાર સાથે હોય એે કરવું છે' ડ્રીમની વાત આવતાં જ માહી એકદમ હસી પડે છે અને કહે છે, 'પહેલા તો મારે એક્ટિંગ ફિલ્ડમાં જવું હતું અને મેં વર્કશોપ પણ કરી હતી. વર્કશોપમાં મારી એક્ટિંગના ઘણાં જ વખાણ કરવામાં આવ્યાં હતાં. જોકે પછી મને લાગ્યું કે કોઈપણ ફિલ્મના શૂટિંગમાં જઈશ તો એકાદ-બે મહિના ઘરથી દૂર રહેવું પડે. મને હંમેશાં મારા બાળકનો પહેલા વિચાર આવે. પતિએ ક્યારેય કોઈ વાતમાં રોકટોક કરી નથી. તેમણે હંમેશાં જે કરવું હોય તે કરવાની વાત કરી છે અને મને તમામ રીતે સપોર્ટ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપશે તે નક્કી છે. મને એવું છે કે હું જે પણ કરું તેમાં મારો પરિવાર સાથે હોય. જીવનમાં ક્યારે શું થશે તે નક્કી હોતું નથી એટલે જે પણ કરું તે સાથે કરું ને સાથે જીવીએ. મારા શોખ પણ સાથે કરું ને મારા ફેમિલી સાથે લઈને જ કરું. આ જ કારણે હું આ પ્લેટફોર્મ પર છું. મારો પરિવાર પણ વિખરાય નહીં ને મારી પોતાની ઈચ્છા પૂરી કરી શકું.'

'સમય મળે ત્યારે રીલ બનાવીએ' 'પહેલાં હું બહુ જ વીડિયો બનાવતી. પછી એવું નક્કી કર્યું કે વીકમાં એક દિવસ એવો રાખતા કે આખો દિવસ કપડાં બદલી બદલી ને રીલ્સ બનાવાની અને રોજ એક પોસ્ટ કરવાની. એટલા બધા વીડિયો બનાવી નાખ્યા છે કે હવે તો અમારી પાસે સ્ક્રિપ્ટ પણ સાવ ઓછી હોય તેમ લાગે. જેમ જેમ વિચાર આવે તેમ તમ રીલ બનાવીએ. હું ઇમોશનલ ટચ પર વધારે જાઉં ને મારા પતિ કોમેડી વીડિયો વધારે બનાવે. અમે કોઈક દિવસ બધાને હસાવી દઈએ તો ક્યારેક રડાવી પણ દેતા હોઈએ છીએ. ગમે ત્યારે વિચાર આવે એટલે રીલ બનાવીએ. એક દિવસની આટલી કે વીકની આટલી એ રીતે સંખ્યા નક્કી કરી નથી. કોઈ મેરેજમાં ગયા ને ત્યાં ઓબ્ઝર્વેશન કરીએ તો તેના પરથી રીલ્સ બનાવીએ. ઘણા લોકો રોજની એક રીલ્સ મૂકવાની એવું કરે છે પણ અમને તો ઈચ્છા થાય તેમ કરીએ. અમે ટ્રાય કરીએ પણ દીકરાને સાચવવાનો હોવાથી સમય મળે તો કરીએ.'
'સીએમ તો ડાઉન ટુ અર્થ છે' થોડા સમય પહેલાં જ માહી ધોરડો ટેન્ટ સિટીમાં ગઈ હતી અને ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનું થયું હતું. માહીએ કહ્યું, 'સીએમને મળીને લાગ્યું જ નહીં કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ ઘણા જ એટલે ઘણા જ ડાઉન ટુ અર્થ લાગ્યા. તેઓ ઘણી જ વિનમ્રતાથી વાત કરે છે.'
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















