- Gujarati News
- Bhaskar khaas
- Reels na rajja
- Reel Na Rajja Dhokli Payal Journey From MBA Student To Social Media Star
રીલ્સના રાજ્જા-2'ઢોકળી’ નામ કેવી રીતે પડ્યું?:પાયલે કહ્યું, 'બસમાં મળ્યાં ને નીરવ સાથે પ્રેમ થયો, સુરતમાં લોકોએ એટલા ફોટા પડાવ્યા કે બીમાર પડી ગઈ'
- કૉપી લિંક

આજકાલ દરેક વ્યક્તિ ડિજિટલ કે વીડિયો ક્રિએટર તરીકે પોતાને ઓળખાવવા માગે છે. વીડિયો જોતી વખતે તો યુઝર્સને મનમાં એમ જ થાય કે આ તો સાવ સહેલું છે, આવું તો હું પણ કરી લઉં. અલબત્ત, જ્યારે કરવાનું આવે ત્યારે શરૂઆતમાં આ ઘણું જ અઘરું લાગે છે. આજે અમે એક એવા સોશ
'રીલ્સના રાજ્જા'ના બીજા એપિસોડમાં આપણે વાત કરીશું, બાળકોની ફેવરિટ 'ઢોકળી'ની... આ નામ કેવી રીતે આવ્યું? ઢોકળી એટલે કે પાયલની લવસ્ટોરી કેવી છે? પાયલને શું બનવું હતું? MBA કરતા સમયે અચાનક આ વીડિયોમાં કેવી રીતે જોડાઈ ગઈ? પાયલ ને નીરવની ઇન્ટરેસ્ટિંગ લવસ્ટોરી ને સ્ટ્રગલ પિરિયડની આજે આપણે વાત કરીશું...
'પરિવારમાં સૌથી નાની છતાં મસ્તીખોર નહીં' વાતની શરૂઆત કરતાં પાયલ કહે છે, 'હું પરિવારમાં સૌથી નાની ને મારાં મોટાં ભાઈ-બહેન તથા પેરેન્ટ્સ સાથે અમદાવાદમાં રહેતી. પછી પેરેન્ટ્સ સુરત શિફ્ટ થઈ ગયાં. પરિવારમાં નાની હોવા છતાં હું સહેજ પણ મસ્તીખોર નહોતી. અમદાવાદમાં રઘુવીર તથા સરસ્વતી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. ત્યાર બાદ GLSમાંથી BBA અને સાલમાંથી MBAનો અભ્યાસ પૂરો કર્યો. આમ મારું પૂરું એજ્યુકેશન અમદાવાદમાં જ થયું છે.'
'ભણવાનો તે કંઈ કંટાળો આવે!' સામાન્ય રીતે બધાને નાનપણમાં ભણવાનો કંટાળો આવે, પરંતુ આનાથી તદ્દન અલગ પાયલને નાનપણથી જ ભણવાનું ઘણું જ ગમતું. પાયલ ટ્યૂશન ને સ્કૂલમાં રેગ્યુલર જતી અને તેને 80% કરતાં વધારે માર્ક્સ આવતા. અલબત્ત, પાયલ પોતાને હોશિયાર વિદ્યાર્થિનીને બદલે એવરેજ સ્ટુડન્ટ કહેવાનું વધારે પસંદ કરે છે. સ્કૂલિંગ ને કોલેજની યાદોને વાગોળતાં પાયલે જણાવ્યું, 'હું ઘણી જ ભણેશરી હતી એટલે સ્કૂલમાં ક્યારેય કોઈ તોફાન કર્યું જ નહોતું. એ વાત અલગ છે કે કોલેજમાં આવી ત્યારે લેક્ચર બંક કરતા શીખી ગઈ હતી. GLSમાં ભણતી ત્યારે અમારું નવ છોકરીઓનું ગ્રુપ હતું. બધાને ખ્યાલ જ છે કે GLSની સામે જ લૉ ગાર્ડન આવેલું છે. અમે ઘણીવાર નવ છોકરી ભેગી થઈને બહાર જવાનો પ્લાન કરતાં પણ ખબર નહીં કેમ એ પ્લાન ક્યારેય સક્સેસ જતો જ નહીં અને છેલ્લે અમે નવ છોકરી લૉ ગાર્ડનમાં બેસીને આખો દિવસ ગપ્પાં મારતાં. હું આજે પણ સ્કૂલ ને GLSના ટીચર્સ-પ્રોફેસર સાથે સંપર્કમાં છું. તેઓ મારા વીડિયો જુએ છે અને તેમને પણ ઘણી જ મજા આવે છે.'

'બેંકમાં જૉબ કરવાની ઈચ્છા હતી' પાયલ નાનપણમાં શું બનવું હતું એ અંગે વાત કરતાં જણાવે છે, 'નાનપણમાં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું એક્ટિંગ કરીશ. મને તો અલગ-અલગ સમયે અલગ અલગ બનવાના વિચાર આવતા. સૌથી પહેલા તો મને ટીચર બનવાનો ઘણો જ શોખ હતો. સહેજ મોટી થઈ તો મને થયું કે હવે ટીચર નહીં, હું બેંકિંગમાં જૉબ કરીશ. આ જ કારણે મેં BBA કર્યું અને MBA કરતાં સમયે પણ ફાઇનાન્સ સેક્ટરમાં જ કામ કરવાનું નક્કી કર્યું. અલબત્ત, વધારે તો મને બેંકમાં જૉબ કરવાની ઘણી જ ઈચ્છા હતી. આ જ કારણે મેં BBA-MBAએ ફાઇનાન્સમાં જ કર્યું.'
પાયલે વીડિયોમાં કઈ રીતે કામ શરું કર્યું એ જાણતાં પહેલાં નીરવની સફર અંગે તો જાણવું જ પડશે...
'એન્જિનિયરિંગ દરમિયાન સિનેમેટોગ્રાફર બનવાની ઈચ્છા' પાયલના પતિ નીરવ લાઠિયા અમદાવાદમાં જ પેરેન્ટ્સ ને પત્ની પાયલ સાથે રહે છે. નીરવની બહેન લગ્ન બાદ રાજકોટમાં રહે છે. નીરવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. નીરવ 2012થી વીડિયો બનાવે છે. વીડિયો બનાવવાની સફર અંગે નીરવ કહે છે, 'કોમ્પ્યુટર એન્જિનિયરિંગનાં ચાર વર્ષ હોય, એમાંથી બે વર્ષ ભણ્યા બાદ મને સિનેમેટોગ્રાફર બનવાની ઈચ્છા થઈ. આ સમયે નક્કી કર્યું કે હું મુંબઈ જઈને ત્યાં શીખવા પ્રયાસ કરીશ ને આ ફિલ્ડમાં જ આગળ વધીશ. આ જ કારણે યુ ટ્યૂબ પર વીડિયો બનાવવાનું વિચાર્યું. 2012માં આજના જેટલું યુ ટ્યૂબ લોકપ્રિય નહોતું. તેમ છતાંય જેવા આવડે એવા વીડિયો બનાવવાનું નક્કી કર્યું.'

'અવેરનેસના વીડિયો ચાલ્યા નહીં, ને કોમેડીમાં હાથ અજમાવ્યો' નીરવ પોતાની યુ ટ્યૂબ ચેનલ અંગે વાત કરતાં કહે છે, 'શરૂઆતમાં મેં મારા નામથી ચેનલ બનાવી હતી. પહેલાં અવેરનેસના વીડિયો બનાવતો. મને આજેય યાદ છે કે એ સમયે મારી પાસે કોઈ ટીમ નહોતી. ઘરમાંથી એક મોબાઇલ લીધો અને ડેસ્કટોપ હતું તો એમાં એડિટિંગ કરતો. ફ્રેન્ડ્સને એક્ટર બનાવ્યા ને મારા જીવનની પહેલી નાનકડી સ્ક્રિપ્ટ લખી. અલબત્ત, આ વીડિયોને એવો કોઈ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો નહીં. પછી ખ્યાલ આવ્યો કે અવેરનેસના વીડિયો યુ ટ્યૂબ પર ખાસ ના ચાલે. પછી કોમેડી વીડિયો બનાવવાની શરૂઆત કરી. હું નાનપણથી જ થોડો મસ્તીખોર રહ્યો છું. ક્લાસમાં ને પરિવારમાં ગમે ત્યારે ગમે તેની પર જોક મારી દઉં. કોમેડી મારો પ્રિય વિષય એટલે એના પર વીડિયો બનાવવાનું વિચાર્યું. સૌથી પહેલા 'પાગલ ગુજ્જુ' ચેનલ શરૂ કરી ને મારા કઝિન ગૌરવ સાથે વીડિયો બનાવ્યો. ગૌરવ 'વાંકડિયા વાળ વાળો'થી લોકપ્રિય છે. કોમેડી વીડિયોમાં યુઝર્સનો સારો રિસ્પોન્સ મળ્યો. અમારી અલગ-અલગ યુ ટ્યૂબ પર ચાર ચેનલ છે અને એ ચારેય ચેનલમાં અમને યુ ટ્યૂબ તરફથી સિલ્વર બટન મળ્યાં છે.'
નીરવ જણાવે છે, 'યુ ટ્યૂબ શરૂ કર્યું ત્યારે એ સમયે લોકો માટે નવું હતું. આ જ કારણે લોકો એવું માનતા કે આ રીતે વીડિયોમાં કામ કરવું એ સારું કામ કહેવાય નહીં. તેઓ વાતો કરીને અમારું મોરાલ તોડવાનો પ્રયાસ કરતા, પરંતુ અમે ક્યારેય આ બધી વાતોની પરવા કરી નહોતી. જ્યારે અમે લોકપ્રિય થયા ત્યારે આ જ લોકોએ અમારી વાહવાહી કરી હતી.'

'પપ્પાએ બેમાંથી એક કરવાનું કહ્યું ત્યારે...' નીરવ કહે છે, 'કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણતી વખતે ઘરમાં મેં કોમેડી વીડિયો બનાવવાની વાત કરી. એ સમયે ભણતો હતો એટલે પેરેન્ટ્સને કોઈ વાંધો નહોતો, કારણ કે એ સાઇડમાં થતું હતું. ભણવાનું જેવું પૂરું થયું અને ફાઇનલી જોબ કરવાની વાત આવી ત્યારે પેરેન્ટ્સે કહ્યું કે તું નક્કી કરી લે કે તારે શું કરવું છે? મેં વીડિયો બનાવવાની વાત કરી તો ત્યારે તેમણે પરમિશન આપી દીધી. જોકે છ મહિનામાં ખાસ કંઈ ઉકાળ્યું નહીં કે મને આગળ તકો મળે. આ જ કારણે પપ્પાએ પછી મને જૉબમાં મૂકી દીધો. શરૂઆતનો સમય મારી ટ્રેનિંગનો હતો. આ સમયે તો મને એક રૂપિયાનો પગાર મળતો નહીં. નોકરીની સાથે સાથે સાઇડમાં વીડિયો બનાવતો. મારી ટ્રેનિંગ પૂરી થઈ ને મને વીડિયોમાં એક પછી એક સફળતા મળતાં જ મેં તરત જ નોકરી છોડી દીધી.'
'ધીમે ધીમે બધું જ શીખ્યો' નીરવ રાઇટિંગ અંગે વાત કરતાં જણાવે છે, 'હવે તો 10 વર્ષથી લખું છું એટલે આદત પડી ગઈ છે. કોઈપણ પરિસ્થિતિમાંથી હ્યુમર શોધી લઉં છું એટલે ખાસ વાંધો આવતો નથી. શરૂઆતમાં અમે સબ્જેક્ટિવ કોમેડી કરતા. કોઈ સબ્જેક્ટ પર કોમેડી લખવી મુશ્કેલ હતી. ધીમે ધીમે શીખતો ગયો. હાલમાં હું ઓબ્ઝર્વેશન પરથી સરળતાથી કોમેડી લખી શકું છું. રાઇટર માટે ઓબ્ઝર્વેશન જરૂરી છે. પરિસ્થિતિ જોઈને પણ કોમેડી લખતો હોઉં છું. કોઈ બે વ્યક્તિ ઝઘડો કરતી હોય તો તેમાંથી પણ હ્યુમર શોધી લઉં. કોઈપણ વીડિયો માટે સૌથી મહત્ત્વની વાત ડિરેક્શનની છે. સ્ક્રિપ્ટિંગ, રાઇટિંગ, એક્ટિંગ, એડિટિંગનું આગવું મહત્ત્વ છે, પણ ડિરેક્ટર આ બધાથી અલગ જ મહત્ત્વ ધરાવે છે અને વીડિયોમાં તે મુખ્ય હોય છે.'

'ઢોકળી' નામ નીરવે આપ્યું' કોમેડી વીડિયોમાં કેવી રીતે કામ શરૂ કર્યું તેની પડદા પાછળની સ્ટોરી અંગે પાયલ કહે છે, 'હું ને નીરવ 2013થી મિત્રો છીએ. અમે ચાર વર્ષ ફ્રેન્ડ હતાં અને પછી રિલેશનશિપમાં આવ્યાં. નીરવ તો અમે મળ્યાં એ પહેલેથી જ વીડિયો બનાવતો. MBAના ત્રીજા સેમેસ્ટરમાં હતી ત્યારે તેણે મને વીડિયોમાં કામ કરવાની વાત કરી. તે છોકરીઓ પર એક વીડિયો બનાવતો હતો. મેં શરૂઆતમાં ના પાડી અને પછી માની ગઈ. એ રીતે મારું વીડિયોમાં કામ કરવાનું શરૂ થયું. પહેલો વીડિયો બનાવ્યો પછી ક્યારેય પાછું ફરીને જોયું નથી. વીડિયો શૂટિંગની સાથે સાથે ભણતી પણ ખરા ને MBA ડિસ્ટિન્ક્શન સાથે પાસ કર્યું છે. 'ઢોકળી' નામ નીરવે જ આપ્યું છે. સાચું કહું તો મેં પણ આજ દિન સુધી નથી પૂછ્યું કે તમે કેમ ઢોકળી નામ આપ્યું. અત્યારે મને પાયલ કરતાં બધા ઢોકળીના નામથી જ ઓળખે છે. આજુબાજુના લોકોએ ક્યારેય મજાક ઉડાવી નથી. બધાએ પ્રેમ જ આપ્યો છે. મને ક્યારેય ખરાબ અનુભવ થયો નથી.' તો ઢોકળી નામ પાછળની વાત કરતાં નીરવે કહ્યું, 'શરૂઆતમાં અમે માત્ર છોકરાઓ સાથે વીડિયો બનાવતા હતા. પાયલને વીડિયો બનાવવાની વાત કરી અને પછી નામ ફાઇનલ કરવાની વાત આવી. મારા મનમાં એ નક્કી હતું કે ક્યૂટ ને લોકોમાં તરત જ યાદ રહી જાય એવું કંઈક નામ રાખવું છે. દાળઢોકળી એકદમ યાદ આવીને એમાંથી ઢોકળી નામ ઉપાડ્યું. ઢોકળી નામ ફની ને ક્યૂટ છે. અમારી ટીમમાં બધાનાં નામ આ જ રીતે પાડવામાં આવ્યા છે, પછી તે ‘જાંબુડી’ હોય કે ‘જીગો’ કે પછી ‘ભૂરો’ કે ‘નાથો’ હોય.... આ તમામ નામો લોકપ્રિય થયાં છે.'
'પાયલ સાથેનો પહેલો જ વીડિયો 10 લાખ લોકોએ જોયો' નીરવે પાયલ સાથેના પહેલા વીડિયો અંગે કહ્યું, 'પાયલને શહેર ને ગામડાંની યુવતીઓ વાત કરે તો શું હ્યુમર થાય એના પર વીડિયો બનાવવાની વાત કરીને ગામડાની યુવતીનો રોલ ઑફર કર્યો. પાયલે શરૂઆતમાં તો ના જ પાડી ને એમ કહ્યું, 'અમને આવી એક્ટિંગ ના આવડે, અમે તો ભણવામાં ધ્યાન આપનારાં છીએ.' પછી તો મેં એક્ટિંગમાં બસ ટ્રાય કરવાનું કહ્યું ને તે માની ગઈ. પહેલો વીડિયો બનાવીને પોસ્ટ કર્યો અને તમે નહીં માનો એ વીડિયો 10 લાખ જેટલો ચાલ્યો હતો.'

'એે સમયે એક્ટિંગની કંઈ જ ખબર નહોતી' પાયલ પોતાના પહેલા વીડિયો અંગેના અનુભવ અંગે વાત કરતાં જણાવે છે, 'ગામડું vs શહેરમાં હું ગામડાની છોકરીનો રોલ પ્લે કરું છું. ત્યારે તો મને એક્ટિંગનો 'અ' પણ આવડતો નહોતો. એક્ટિંગ અંગે ખાસ સમજ પણ નહોતી. નીરવે જે રીતે એક્ટિંગ કરવાનું કહ્યું એમ જ કર્યું. નીરવે જ સ્ક્રિપ્ટ આપી હતી અને એ પ્રમાણે બોલી ગઈ. શરૂઆતમાં તો ઢગલો રીટેક થતાં હતાં અને હાલમાં પણ ઘણીવાર રીટેક થતાં હોય છે. એ વાત અલગ છે કે મારા પહેલા વીડિયોમાં મેં બહુ બધાં રીટેક લીધાં નહોતાં. એ વીડિયો શૂટ કરતાં અમને ત્રણથી ચાર કલાક થયા હતા. વીડિયોના આઇડિયા, સ્ક્રિપ્ટિંગ, રાઇટિંગ, એડિટિંગ, ડિરેક્શન એ બધું નીરવ જ કરે છે. વીડિયોની લંબાઈ પ્રમાણે શૂટિંગ ટાઇમિંગ જતો હોય છે. જો વીડિયો નાનો હોય તો પાંચથી છ કલાકમાં શૂટિંગ ને એડિટિંગ બધું જ થઈ જાય, પરંતુ ઘણીવાર વીડિયો લાંબો હોય તો આખો દિવસ શૂટિંગમાં જાય ને પછી એડિટિંગમાં પણ સમય લાગે.'
'બસમાં મળ્યાં ને પછી પ્રેમ થઈ ગયો...' પાયલ પોતાની લવસ્ટોરી અંગે વાત કરતાં કહે છે, 'અમે બંને પૂર્વ અમદાવાદમાં જ રહેતાં અને વિસ્તાર પણ એક જ હતો, પણ અમે બંને પહેલેથી એકબીજાને ઓળખતાં નહોતાં. એકવાર AMTS બસમાં હું નીરવની જ બાજુમાં બેસી. મારી ફ્રેન્ડ્સ પણ આજુબાજુની સીટ પર જ હતી. સામાન્ય રીતે બસમાં કોલેજથી ઘર પહોંચતાં પોણો કલાક થતો. એ દિવસે ખબર નહીં કેમ પણ ઘણો જ ટ્રાફિક હોવાથી અમને ઘરે પહોંચતાં બેથી ત્રણ કલાક બસમાં થયા. નીરવ બાજુમાં હતો ને ટ્રાફિકમાં ફસાયા હોવાથી અમારી વચ્ચે સામાન્ય વાતચીત થઈ. પછી ધીમે ધીમે અમે ફ્રેન્ડ્સ બન્યાં. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નીરવને તો હું ગમું છું. આમ તો મારો સ્વભાવ એકદમ એક્સ્ટ્રોવર્ટ હતો, પણ જ્યારે એમ ખબર પડી કે નીરવ મને પસંદ કરે છે તો પછી તો આપણે એટિટ્યૂડ બતાવવાનું શરૂ કરી દીધું. હું તો તેની સાથે વાત જ ન કરું. ત્રણ વર્ષ તો અમે જસ્ટ ફ્રેન્ડ હતાં અને અમારી વચ્ચે બહુ જ ઓછી વાતચીત થતી. સામાન્ય રીતે બસ સ્ટેન્ડ કે બસમાં મળી જઈએ તો હાય-હેલ્લો થતું. અમે એ સમયે કોન્ટેક્ટ નંબર એકબીજા સાથે શૅર કર્યા જ નહોતા. પછી અમે બેસ્ટ ફ્રેન્ડ બન્યા ને ધીમે ધીમે એકબીજાને પસંદ કરવા લાગ્યાં.'

'નીરવ સારો છોકરો છે એટલે પેરેન્ટ્સને આખરે મનાવી લીધાં' પાયલ વધુમાં ઉમેરે છે, 'પ્રપોઝ તો નીરવ જ કરે ને હું થોડી કંઈ કરું? આમ જોવા જઈએ તો અમારામાંથી કોઈએ એકબીજાને પ્રપોઝ કર્યું નહોતું. મને ખ્યાલ જ હતો કે નીરવ સારો છોકરો છે. મારું બધું ધ્યાન ભણવામાં હતું એટલે જ શરૂઆતમાં અમે માત્ર મિત્રો જ રહ્યાં. મારી ને નીરવની અલગ-અલગ કાસ્ટ હોવાથી પરિવારમાં ઇન્ટરકાસ્ટને કારણે શરૂઆતમાં વાંધો હતો. આ જ કારણે પેરેન્ટ્સને સ્વાભાવિક રીતે જ ચિંતા થાય. કલ્ચર ને બધું અલગ પડી જાય એટલે પેરેન્ટ્સને થોડી ઘણી ચિંતા થવી સામાન્ય છે. પછી મેં જ પેરેન્ટ્સને સમજાવ્યા કે પરિવાર સારો છે અને છોકરો પણ વ્યવસ્થિત હોવાથી કોઈ વાંધો આવશે નહીં. એમ રોજેરોજ કહી કહીને મનાવવાના પ્રયાસો કર્યા ને છેલ્લે તેઓ માની જ ગયાં. અમારું પ્રોફેશન પણ સેમ હતું એટલે પછી તો વાંધો આવ્યો નહીં.'

'પેરેન્ટ્સને વિશ્વાસ નહોતો કે હું એક્ટિંગ કરું છું' પેરેન્ટ્સે વીડિયોમાં કામ કરવા અંગે આપેલા રિએક્શન અંગે પાયલ કહે છે, 'પપ્પાને એવું હતું કે તેમની દીકરીને મનમાં જે આવે એ કરે, પણ મમ્મીના મનમાં એવું હતું કે દીકરી વીડિયોમાં કામ કરે છે તો આગળ જતાં શું થશે? તેઓ વીડિયોમાં કામ કરવાને લઈ વિરુદ્ધમાં તો નહોતાં. છેલ્લે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે મને વીડિયોમાં કામ કરવામાં ખુશી મળે છે તો તેઓ પણ છેલ્લે માની જ ગયાં. પેરેન્ટ્સને મારો પહેલો વીડિયો ઘણો જ ગમ્યો હતો. શરૂઆતમાં તેમને વિશ્વાસ જ ના થયો કે હું આ રીતે એક્ટિંગ પણ કરી શકું છું.'
'મમ્મીને હું અંગ્રેજીમાં વાત કરું એવી ઈચ્છા' પાયલ મમ્મીની એક ઈચ્છા અંગે વાત કરતાં બોલે છે, 'મમ્મીને એવું હતું કે દીકરી મોટી થઈને અંગ્રેજીમાં વાત કરે. હવે વીડિયોમાં હું તદ્દન ગામડાની યુવતીના રોલમાં હતી અને એ જ રીતની ભાષા બોલતી અને પછી મારી આઇડેન્ટિટી પણ એ જ બની ગઈ. આ જ કારણે હું જ્યારે પણ કોઈ ફંક્શન કે અવૉર્ડ શોમાં જાઉં ત્યારે હું ગામઠી બોલીમાં જ વાત કરું. આ વાત મારાં મમ્મીને શરૂઆતમાં ગમતી નહોતી. તેમને એવું હતું કે દીકરી મસ્ત અંગ્રેજીમાં વાત કરે અને મને કહેતાં પણ ખરાં. હું ત્યારે એટલું જ કહેતી કે હું ગામડાની યુવતીના રોલમાં લોકપ્રિય થઈ છું તો મારે એ જ રીતે બોલવું પડે. મમ્મીને હંમેશાં મનમાં થતું કે તેમની દીકરી કેમ આટલું બધું કાઠિયાવાડી બોલે છે? હું ત્રણ મહિનાની હતી ત્યારથી અમદાવાદ રહું છું, પરંતુ મારો ટોન હંમેશાં કાઠિયાવાડી જ રહ્યો છે. અમદાવાદી ટોન આવ્યો જ નહીં.'

પાયલના મતે, 'સ્ક્રિપ્ટિંગ આઇડિયા નીરવ જ કરે. શરૂઆતમાં એડિટિંગ પણ એ જ કરતા. હવે તો ટીમ પણ છે. રાઇટિંગ પણ નીરવ જ કરે છે. અમુકવાર હું પણ હેલ્પ કરાવતી હોઉં છું. ઘણીવાર નીરવ ને હું આઇડિયા અંગે ચર્ચા કરતાં હોઈએ ત્યારે હું ક્યારેક ઇમ્પ્રોવાઇઝ કરાવું. હાલમાં અમે વ્લોગ્સ ને રીલ્સ બનાવીએ છીએ તો મારા બે કઝિન દિયર, સાસુ, હું ને નીરવ એટલા લોકો કામ કરીએ છીએ. એક વીડિયોનું બજેટ કેટલું રહેતું તે તો મને સાચે જ ખ્યાલ નથી. શરૂઆતમાં કેમેરામાં શૂટ કરતા. હવે રીલ્સ ને વ્લોગ્સ આઇફોનમાં શૂટ કરીએ છીએ. આશરે અઢી વર્ષથી અમે વ્લોગ્સ બનાવીએ છીએ. શરૂઆતમાં બસ એમ જ વ્લોગ્સ બનાવવાનું શરૂ કર્યું અને તે ઘણા જ પોપ્યુલર થયા તો અમે અઢી વર્ષથી મોટાભાગે રોજ બનાવીએ છીએ.'
'ફોટો પડાવતાં પડાવતાં બીમાર પડી ગઈ' 'શરૂઆતમાં મારા કોમેડી વીડિયો યુ ટ્યૂબ પર ખાસ્સા વાઇરલ થતા. એકવાર હું મારી ફ્રેન્ડનાં લગ્નમાં સુરત ગઈ પણ લગ્ન સહેજ પણ એન્જોય કરી શકી નહીં. લગ્નમાં એન્ટર થતાંની સાથે જ મહેમાનો મારી સાથે ફોટો પડાવવા લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા અને મેં લગ્નમાં આવેલા એકેએક મહેમાન સાથે સેલ્ફી ને ફોટો ક્લિક કરાવ્યા હતા. હું આખા લગ્ન પ્રસંગમાં ઊભા રહીને થાકી ગઈ અને છેલ્લે બીમાર પડી ગઈ. આ સમયે મને લાગ્યું કે મેં કંઈક કામ તો સારું કર્યું છે એટલે હું આ રીતે લોકોમાં જાણીતી બની છું. સૌથી વધુ પ્રેમ મને નાના છોકરાઓનો મળ્યો છે. મને બીજા કોઈ ઓળખે કે ના ઓળખે હું ઘરની બહાર નીકળું એટલે નાના છોકરાઓ તરત જ 'ઢોકળી'ના નામથી બૂમાબૂમ કરી મૂકતા હોય છે. ઘણીવાર એવું બન્યું કે બાળકોનાં પેરેન્ટ્સ મારા વીડિયો ના જોતાં હોય, પરંતુ તેમનાં સંતાનો જોતાં હોય ને તેઓ મને ઓળખી જાય એટલે મારું નામ બોલે અને પછી તેમનાં પેરેન્ટ્સ મને આવીને પૂછે કે તમે ઢોકળી છો? એટલે હું તરત જ તેમને કહું કે કોમેડી વીડિયો બનાવું છું.'

'કોલેજમાં થોડી ભીડ ભેગી થતી' પાયલ કહે છે, 'વીડિયોમાં કામ કર્યા પછી પણ હું કોલેજ તો બસમાં જતી. ઘરથી કોલેજ ઘણી દૂર હોવાથી પોતાના વ્હીકલમાં જવું ફાવે એમ જ નહોતું એટલે મને તો બસમાં જવામાં કોઈ જ વાંધો નહોતો. બસમાં તો બધા ઓળખતા એટલે કંઈ સમસ્યા થતી નહોતી. હા, પણ કોલેજમાં ભીડ થઈ જતી. કોલેજમાં સેલ્ફી ક્લિક કરાવવા વિદ્યાર્થીઓ ભેગા થતાં ને એમ કહેતા કે ભાઈ આ તો ફેમસ સેલિબ્રિટી થઈ ગઈ છે અને કંઈક કામ હોય તો મને કહે કે પાયલ તું અમારું આટલું કામ કરાવી આપજે. લોકો એવું માનતા હશે કે હું સેલિબ્રિટી બની ગઈ, પણ મારી લાઇફ આજે પણ એટલી જ સામાન્ય છે અને લાઇફસ્ટાઇલમાં રતીભાર જેટલો ફરક આવ્યો નથી.'
'નીરવ સાથે ઝઘડો તો થાય જ' પાયલને પૂછવામાં આવ્યું કે વીડિયોના શૂટિંગ સમયે નીરવ સાથે બોલવાનું થાય કે નહીં? જવાબમાં તે તરત જ કહે છે, 'આજે પણ જ્યારે અમે રીલ બનાવીએ ત્યારે મારી ને નીરવ વચ્ચે નાનો ઝઘડો થઈ જ ગયો હોય. મને સતત એવું લાગે કે બીજા લોકો કરતાં નીરવ મને જ સૌથી વધારે ખીજાય છે. બીજાને ક્યારેય એટલું ખીજાતો નથી. અમારી વચ્ચે આ બાબતેય ઝઘડો થઈ જાય.'
'શૂટિંગ દરમિયાન પાયલ પર ગુસ્સે થઈ જાઉં' નીરવને પૂછવામાં આવ્યું કે પતિ જ્યારે ડિરેક્ટર હોય ને પત્ની એક્ટ્રેસ ત્યારે કેવું થાય તો તેમણે હસતાં હસતાં જવાબ આપતાં કહ્યું, 'અત્યારે ઝઘડો થાય એટલે પાયલ જમવાનું પણ ના આપે ને વાસણ પણ ઘસાવે. હું મારું કામ ઘણી જ પેશનથી કરું છું. હું નાનકડી રીલ માટે સ્ક્રિપ્ટ લખું ને એમાં એક્ટિંગ કરવાની હોય તો મને એમ જ હોય કે મારો એક્ટર ધી બેસ્ટ પર્ફોર્મન્સ આપે. મારા જેટલા પણ એક્ટર છે તે તમામ થોડા-ઘણા મસ્તીખોર છે અને એટલે જ મારે શૂટિંગ સમયે ગુસ્સે થવું પડે. વીડિયો પોસ્ટ કર્યા બાદ લોકો જ્યારે એમ કહે કે વાહ! ખરેખર ઘણી જ મજા આવી..' આ શબ્દો જ હું પેશનથી કામ કરું છું એ વાતની સાબિતી છે.'

'ભર ગરમીમાં શૂટિંગ કર્યું' શૂટિંગ સમયની વાત કરતાં પાયલ બોલે છે, 'એક સમયે અમે કોમેડી વીડિયો અમદાવાદના ભર તડકામાં બનાવતાં હતાં. મેકઅપ કર્યો હોય અને વાળ ખુલ્લા હોય ને શૂટિંગ કરતાં. ક્યારેક તો એમ થાય કે હવે તો હું આ કરી શકીશ જ નહીં. અત્યારે જ્યારે એ દિવસો યાદ કરું તો થાય કે કેવી રીતે અમે શૂટિંગ કરતાં હતાં અને ત્યારે ઘણી જ મજા આવતી. ભણી રહી પછી અમે સુરત જતાં રહ્યાં હતાં. એ સમયે હું અમદાવાદ ખાસ વીડિયો શૂટિંગ માટે આવતી. અમુક દિવસમાં ચોક્કસ વીડિયો શૂટ કરી લેવાના હોય. ઘણીવાર એવું થાય કે એક જ વીડિયોમાં ઘણાં બધાં રીટેક આવી જાય. ઘણીવાર એક લાઇન ચોક્કસ ટોનમાં બોલવાની હોય તો એે બોલાય જ નહીં. આ જ કારણે ઘણીવાર વીડિયો શૂટ કર્યા વગર જ સુરત જવું પડ્યું હોય એમ પણ બનતું. આ ઉપરાંત એક વાત નક્કી રહેતી કે બપોરે જમ્યા પછી ક્યારેય મારાથી શૂટિંગ થતું નહીં. જો પેટ ભરીને જમી લઈએ તો મને તો માત્ર ઊંઘવાની જ ઈચ્છા થતી. અમે પછી તો બપોરે 12-1 વાગ્યે હળવો નાસ્તો કરતા અને પછી સાંજ સુધી શૂટિંગ કરતાં. પેકઅપ થઈ જાય પછી સાંજે પેટ ભરીને જમતાં.'
પાયલ નવા વીડિયો ક્રિએટર્સ અંગે જણાવે છે, 'અત્યારના વીડિયો ક્રિએટર્સ બહુ જ સારું કામ કરે છે. અત્યારે ટીનેજર જે રીતે વીડિયો બનાવે છે એ ખરેખર કાબિલ-એ-તારીફ છે. હું મારી વાત કરું તો મને આ ઉંમરે કંઈ જ સમજણ નહોતી. 14 વર્ષનાં કિશોર-કિશોરીએ બ્યૂટી-ફેશન ને જાતજાતના વીડિયો બનાવે છે. હું સોશિયલ મીડિયાને પોઝિટિવ રીતે જ જોતી આવી છું. સાચું કહું તો મને તેમાંથી ઘણું સારું સારું શીખવાનું મળે છે.'
'હવે એક્ટિંગમાં ધીમે ધીમે પકડ આવી છે' પાયલ કહે છે, 'સમય જતાં મારી એક્ટિંગમાં પણ ફેરફાર આવ્યો છે. મને લાગે છે કે હું પહેલાં કરતાં વધુ સારી એક્ટિંગ કરું છું. હવે નીરવ જે પ્રમાણેની એક્ટિંગ કરવાનું કહે એ તરત જ થઈ જાય છે. શરૂઆતમાં જ્યારે વીડિયોમાં કામ કરતી ત્યારે એક્ટિંગ કરી ના હોવાને કારણે બહુ આઇડિયા ના રહેતો. હવે તો એક્ટિંગ પર પકડ વધી રહી છે.'

'ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી આ કામ શરૂ કર્યું' બજેટ અંગે નીરવે જણાવ્યું, 'શરૂઆતમાં મારી પાસે એક રૂપિયો પણ નહોતો. ફોનથી જ વીડિયો શૂટ કરતો. એક્ટર જાતે શોધ્યા. એકપણ રૂપિયાનું રોકાણ કર્યા વગર શરૂ કર્યું. ધીમે ધીમે આવક આવતી ગઈ એમ સારા કેમેરા, માઇક, સ્ટેન્ડ ને બધું ખરીદ્યું. હાલના વીડિયો ક્રિએટર કહેતા હોય છે કે અમારી પાસે સારો કેમેરો નથી એટલે અમારા વીડિયો ચાલતા નથી. માઇક નથી એટલે વીડિયો નથી ચાલતા. તમે નોર્મલ મોબાઇલમાં વીડિયો શૂટ કરો તો પણ ચાલે. કન્ટેન્ટમાં દમ હોય તો કોઈપણ રીતે શૂટ કરો વીડિયો ચાલે જ. કેમેરાને વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી. આજકાલ તો દરેક વ્યક્તિ વીડિયો ક્રિએટર છે અને દરેકને દરેક બાબત ખ્યાલ છે. હું એટલું જ કહીશ કે રોજ એક વીડિયો નાખવો જરૂરી છે. આજે એક નાખો ને બીજો ત્રણ મહિના પછી તો આ વાત ના ચાલે. પહેલાં, આજે ને આવતીકાલે કન્ટેન્ટ જ મુખ્ય હતું, છે ને રહેશે. બનાવવા ખાતર વીડિયો બનાવશો તો એ નહીં ચાલે એ નક્કી છે.'
આખરે કમાણી કેટલી છે? નીરવને જ્યારે કમાણી અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, 'બધાને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે અમે કેટલું કમાતાં હોઈશું? એટલું જ કહીશ કે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડમાંથી આવું છું. આ ડિગ્રી ધરાવતા લોકો અત્યારે સારી પોઝિશન પર હોય તો તેમનો સારોએવો પગાર હોય એ સ્વાભાવિક છે. બસ, હાલમાં હું તે લેવલ સુધીની કમાણી ઇઝલી કરી લઉં છું.'

'સો.મીડિયામાં કામ કરવું હોય તો બધું જ શીખવું પડે' નીરવના મતે, 'સો.મીડિયામાં વન મેન આર્મી જેવું કામ છે. બધું એકસાથે કરવું અઘરું છે. શરૂઆત કરો ત્યારે ટીમ હોતી નથી અને તમારે અલગ-અલગ સ્કિલ જાતે જ શીખવી પડે. સૌ પહેલા રાઇટિંગ, ફ્રેન્ડ ના હોય તો એક્ટિંગ શીખવી પડે. ડિરેક્શન શીખવું પડે, એડિટિંગ પણ શીખવું પડે. હાલમાં રીલનું એડિટિંગ હું જ કરું છું. એડિટિંગ ટ્યૂટોરિયલ વીડિયો જોઈ-જોઈને શીખી ગયો. ડિરેક્શન માટે સંજય લીલા ભણસાલી સહિતના ડિરેક્ટરોની ફિલ્મો જોઉં છું ને એમાંથી શીખું છું કે તેઓ કેવી રીતે ફ્રેમ સેટ કરે છે, કેવી રીતે સ્ટોરીને આગળ લઈ જાય છે... મારું ફોકસ કોમેડી છે.'
'નીરવ સાથે આખી દુનિયા જોવી છે' વાતને પૂરી કરતાં પાયલ કહે છે, 'મારું ડ્રીમ ધીમે ધીમે બદલાતું રહે છે. અત્યારે મને ટ્રાવેલિંગ કરવું ઘણું જ ગમે છે. મારે આખી દુનિયા નીરવ સાથે જોવી છે. નાની હતી ત્યારે મને રસોઈનો શોખ હતો, પણ ઘરનાં કામ કરવા નહોતાં ગમતાં એટલે એવું હતું કે સારી જોબ મળી જાય ને સારી કમાણી થાય. પછી એવું હતું કે નીરવ સાથે મેરેજ થાય અને એે થઈ ગયાં. ત્યાર બાદ ફોરેનમાં ફરવા જવાની ઈચ્છા હતી અને તે 2025માં પૂરી થઈ.' તો નીરવ કહે છે, 'સાચું કહું તો એવું કંઈ ડ્રીમ વિચાર્યું નથી. ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બની જાઉં અને મારે જેવું કન્ટેન્ટ બનાવવું છે એ હું અફોર્ડ કરી શકું બસ એવી જ ઈચ્છા છે. મારા લાઇફના છેલ્લા શ્વાસ સુધી કોમેડી વીડિયો બનાવતો રહું.'
(આવતીકાલે ત્રીજા એપિસોડમાં વાંચો, એથનિક વિયરથી લોકપ્રિય બનેલી માહી પટેલની ખાસ જર્ની...)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















