Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

ગુજરાત એક્સપ્લેનર
અંબાજી મંદિરમાં માતાજીનો ભોગ ઘીમાં જ કેમ બને છે:વર્ષમાં બે વાર મધરાતે શણગાર; 'જય આદ્યા શક્તિ...' આરતીમાં એક મિનિટના વિરામનું કારણ શું

2 મહિનો પેહલાલેખક: યશપાલ બક્ષી
  • કૉપી લિંક

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. 20થી 26 સપ્ટેમ્બરમાં 40 લાખ માઈભક્તો અંબાજી પહોંચશે. પણ ઘણા ભક્તો એવી કેટલીક વાતો નથી જાણતા જે અંબાજીની પરંપરા સાથે વણાયેલી હોય. ભાદરવી પૂનમે લાખો ભક્તો કેમ પહોંચે છે? માતાજીને ભોગ ધરવાના નિયમો શું છે? મંદિ

.

સવાલ-1 : અંબાજીના પ્રાગટ્યની કહાની શું છે?

જવાબ : ભાગવત પુરાણ મુજબ, હરિદ્વાર પાસે આવેલા કનખલના રાજા દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિષ્ક નામનો યજ્ઞ રાખ્યો. તેમાં બધા દેવોને આમંત્રણ આપ્યું, પણ પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. આમંત્રણ ન હોવા છતાં સતી પાર્વતી પિતા દક્ષના ઘરે પહોંચી ગયાં. એ વખતે દક્ષે શિવજી વિશે અપમાનજનક વાતો કરી. એ તો બાવો છે, શરીરે ભસ્મ ચોળે છે, ભૂતોને સાથે રાખે છે. આવાને મારા મહેલની અંદર તો શું મારા મહેલની આસપાસ પણ ન બોલાવું. પતિ શિવ વિશે આવા શબ્દો સાંભળી પાર્વતી દુ:ખી થયાં ને યજ્ઞ ચાલતો હતો તે કૂંડમાં જ કૂદી પડ્યાં.

ધ્યાનમાં બેઠેલા શિવજીએ આ વાત જાણી લીધી. તે ત્રિશૂલ લઈ ઊભા થયા. ખૂબ ગુસ્સામાં હતા. તે પહોંચ્યા દક્ષ પ્રજાપતિના મહેલમાં. શિવનું વિકરાળરૂપ જોઈ બધા ડરી ગયા. મહાદેવે સતી પાર્વતીના દેહને પોતાના ખભા પર મૂકીને તાંડવ કર્યું ને આકાશમાં વિહાર કરવા નીકળી પડ્યા. હવે શિવજીનો ગુસ્સો શાંત કરવો સંભવ નહોતો.

દેવતાઓએ વિષ્ણુને પ્રાર્થના કરી કે તમે કાંઈક કરો. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્થી સતીના દેહના ટુકડા કર્યા. એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાયાં. 51 જગ્યાએ ટુકડા પડ્યા એટલે 51 શક્તિપીઠ થઈ.

ભગવાન શિવે સતી પાર્વતીના દેહને ઊંચકીને તાંડવ કર્યું ને ગગન વિહારમાં નીકળી પડ્યા.
ભગવાન શિવે સતી પાર્વતીના દેહને ઊંચકીને તાંડવ કર્યું ને ગગન વિહારમાં નીકળી પડ્યા.

સતી પાર્વતીનું હૃદય અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે આવેલા આસાસુર નામના પર્વત પર પડ્યું. હૃદય માટે બીજો શબ્દ છે 'જી'. પાર્વતી તો અંબા સ્વરૂપ હતાં. એટલે અંબાનું હૃદય એટલે 'જી' જ્યાં પડ્યું તે સ્થળ બન્યું- અંબાજી. તંત્ર ચુડામણિમાં ઉલ્લેખ મુજબ, 51 શક્તિપીઠોમાં ઉલ્લેખાતાં અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને અર્બુદાચલ (માઉન્ટ આબુ) પર્વત ઉપર અધર (હોઠ) ના ભાગ પડ્યા હતા.

ગુજરાતના બનાસકાંઠામાં આવેલું અંબાજી હજારો વર્ષ જૂનું અધ્યાત્મિક અને આદિકાલીન સ્થળ છે. આ એ જ જગ્યા છે જ્યાં માતાજીએ હજાર હાથ સાથે વાઘ પર પ્રગટ થઈ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. દેવી ‘મહિષાસુર મર્દિની’ તરીકે ઓળખાયાં.

બીજી કથા એવી છે કે સીતાજીની શોધ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતનાં જંગલોની વચ્ચે આવેલા શૃંગી ઋષિના આશ્રમે પહોંચ્યા. શૃંગી ઋષિએ ગબ્બરનાં દેવી અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી અને અંબાએ પ્રસન્ન થઈને ‘અજય’ નામનું બાણ આપ્યું. રામે આ જ બાણથી રાવણ માર્યો.

એટલે જ જય આદ્યાશક્તિ આરતીમાં આવે છે...

દસમી દસ અવતાર, જય વિજયા દસમી

રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા…

અને હા, રામ પછીના વિષ્ણુ અવતાર કૃષ્ણના બાળમોવાળા (પહેલીવાર વાળ ઉતારવાની ક્રિયા) પણ અંબાના સાનિધ્યમાં ગબ્બર પર્વત પર કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં છે. પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. પણ ભાદરવા પૂનમનું મહત્વ અનેરું છે અને લાખો ભક્તો પૂનમના અઠવાડિયાં પહેલાંથી જ અંબાજી પહોંચે છે.

સવાલ-2 : ભાદરવી પૂનમે ભક્તો અંબાજી કેમ પહોંચે છે?

જવાબ : ભાદરવી પૂનમ પૂરી થાય પછી તરત શ્રાદ્ધપક્ષ શરૂ થાય. શ્રાદ્ધપક્ષમાં માતાજીને પધારવાનું આમંત્રણ ન આપી શકાય એટલે શ્રાદ્ધ પહેલાં ભાદરવી પૂનમે મા અંબાને ભક્તો આમંત્રણ આપે છે. આમંત્રણ એવું આપે છે કે હે મા અંબા… દુર્ગા… નોરતાંમાં મારા ઘરે, મારી શેરીમાં, મારા શહેરમાં પધારજો... વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પદયાત્રા કરીને પહોંચે છે. ભાદરવા મહિનામાં પૂનમનો દિવસ મહત્વનો કહેવાય. તેને કોજાગરી પૂનમ કહે છે. માતાજી આ પૂનમે એ જોવા નીકળે છે કે કોણ-કોણ જાગે છે. એટલે જ આ પૂનમને કોજાગરી કહે છે.

ભાદરવી પૂનમ પહેલાં જ લાખો માઈભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.
ભાદરવી પૂનમ પહેલાં જ લાખો માઈભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.

દરેક રોગની જનની શરદ ઋતુ છે. ઘરડાં એવું કહેતા કે શરદ ઋતુની દિવાળી જે કાઢે એ આખું વર્ષ જીવે. એટલે રોગની ઋતુ શરદમાં શક્તિ સ્વરૂપા માતાજીની ઊપાસના થાય છે. નોરતાંમાં માતાજીની આરાધના કરવાથી નિરોગી રહેવાય. નોરતાંમાં ઘરે ઘરે ઘટસ્થાપન થાય, પણ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન બે વખત થાય છે. ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ. મંદિરમાં માતાજીની સન્મુખ વાઘ પાસે ઘટસ્થાપન થાય છે અને જે જવેરા ઉગે તે મંદિરમાં થતા હવનમાં પધરાવાય છે.

વાત ભાદરવી મેળાની કરીએ તો લાખો માઈભક્તો અંબાને આમંત્રણ આપવા પહોંચે એટલે આપોઆપ મેળો ભરાયો હોય તેવો માહોલ થઈ જાય. તેના પરથી 6 દિવસના મેળાનો કોન્સેપ્ટ આવ્યો. આ વખતે ભાદરવી પૂનમનો મેળો 20થી 26 સપ્ટેમ્બર છે. પહેલીવાર AI ઓપરેટેડ લાઈટિંગ છે. જેમ સાઉન્ડ વાગે તેમ લાઈટ બદલાય. 22 અને 23 સપ્ટેમ્બર ડ્રોન શો છે.

અલબત્ત, ભાદરવી પૂનમની પદયાત્રા પાછળ એક લોકવાયકા પણ છે. વાત એમ છે કે પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હતી. રાજમાતાએ એક દિવસ રામસિંહ રાયકા નામના સાધક પાસેથી આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે, તેમનાં કૂળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે.

પદયાત્રિકો દૂરદૂરથી ચાલીને આવે છે છતાં તેમને થાક લાગતો નથી.
પદયાત્રિકો દૂરદૂરથી ચાલીને આવે છે છતાં તેમને થાક લાગતો નથી.

અંબાજી દર્શન કર્યા પછી ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો. ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં સવા વર્ષ સુધી અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા આમંત્રણ આપ્યું હતું.

51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા.પહેલીવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. નાના-મોટા 1600થી વધુ સંઘ ને 40 લાખ ભક્તો ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.

સવાલ-3 : અંબાજીમાં માતાજીની છબિ કે મૂર્તિ નથી, તો શું છે?

જવાબ : આ વાત અજાણી નથી. અહીં માતાજીની છબિ કે મૂર્તિ નથી પણ માતાજી પોતાના વાહન પર બેઠા છે તેવો આભાસ જરૂર થાય. આ પણ શાસ્ત્રોક્ત પરંપરા છે. હકીકતે હજારો વર્ષ પહેલાં અહીં અંબાજીનું પ્રતીક મનાતું વિસા શ્રીયંત્ર સ્થપાયું હતું. આ શ્રીયંત્ર કોણે સ્થાપ્યું, ક્યાંથી આવ્યું તે પૂજારી પરિવારો સિવાય કોઈ જાણતું નથી. આ અંગે અંબાજી મંદિરના પૂજારી ભટ્ટજી દેવાંગ મહેન્દ્રકુમાર ઠાકર કહે છે, શ્રીયંત્રની પૂજા એ ગુપ્ત પૂજા છે. અમે દીક્ષા લઈએ ત્યારે જ કહેવામાં આવે છે કે આ પૂજા ગુપ્ત છે. તેના વિશે ચર્ચા ન કરી શકીએ.

આ છે મા અંબાનું ગર્ભગૃહ. જેમાં ચાંદીના હાથ, ચાંદીના પગ, વચ્ચે હાથીની સવારી બનાવીને જાણે સાક્ષાત માતાજી બેઠાં હોય તેવો ભાસ ઊભો કરાય છે. માતાજીના આ સ્વરૂપની પાછળ ગોખની અંદર વીસા શ્રીયંત્ર છે.
આ છે મા અંબાનું ગર્ભગૃહ. જેમાં ચાંદીના હાથ, ચાંદીના પગ, વચ્ચે હાથીની સવારી બનાવીને જાણે સાક્ષાત માતાજી બેઠાં હોય તેવો ભાસ ઊભો કરાય છે. માતાજીના આ સ્વરૂપની પાછળ ગોખની અંદર વીસા શ્રીયંત્ર છે.

કહેવાય છે કે હજારો વર્ષથી ગોખની અંદર સોનાનું શ્રીયંત્ર છે. તે એટલું પાવરફૂલ છે કે તેને ખુલી આંખે જોવાની મનાઈ છે. અલબત્ત, પૂજારી જ્યારે ગર્ભગૃહમાં જઈને માતાજીનો શણગાર કરે તે પહેલાં પોતાની આંખે પટ્ટી બાંધી લે છે. આના માટે દરેક પૂજારીને તેના પૂરોગામી પૂજારીઓ ખાસ ટ્રેનિંગ આપે છે. આંખે પટ્ટી બાંધીને જ માતાજીના વસ્ત્રો બદલવાના અને શણગાર કરવાનો. આનું કારણ એ છે કે અંબા એ બધાની મા છે. જ્યારે મા વસ્ત્ર પરિધાન કરે ત્યારે પુરૂષની આંખ ખુલી ન હોવી જોઈએ. આ મર્યાદાનો ભાવ છે.

આ વીસા શ્રીયંત્રની પ્રતીકાત્મક તસવીર છે.
આ વીસા શ્રીયંત્રની પ્રતીકાત્મક તસવીર છે.

પૂજારી દિવસમાં અંબાજીના ત્રણ સ્વરૂપે શણગાર કરે છે. સવારે કુંવારિકા રૂપે, બપોરે નવોઢા રૂપે (યુવાનવય) અને સાંજે માતૃ એટલે વૃદ્ધા રૂપે શણગાર થાય છે. અંબાજી મંદિરથી ચાર કિલોમીટર દૂર કોટેશ્વર પાસે ગૌમુખમાંથી સરસ્વતી નદી વહે છે. ત્યાંનું શુદ્ધ જળ માતાજીની પૂજા માટે વપરાય છે. અંબાજીને સાત દિવસના સાત વાહનો ચડાવાય છે. બધા વાહનો ચાંદીના છે.

સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે ઐરાવત (સાત સૂંઢવાળો હાથી), ગુરૂવારે ગરૂડ, શુક્રવારે હંસ અને શનિવારે એક સૂંઢવાળા હાથીની સવારી હોય છે. આ સવારી બપોરે સાડાચાર વાગ્યા સુધી જ હોય છે. પછી વાહનને ઉતારી લેવામાં આવે છે.

બહુ ઓછા ભક્તો જાણે છે કે આરાસુરી અંબાજી મંદિરમાં પૂજા પરંપરા અલગ છે. પૂજા કરવા માટે ચાર પરિવારો છે. ચાર પરિવારમાંથી જે પુત્રને દીક્ષા મળે તેને જ અંદર પ્રવેશ મળે છે. પૂજારીના પરિવારજનો સિદ્ધપુર રહે છે. જે અંબાજીથી લગભગ 90 કિલોમીટર દૂર થાય. પૂજારીએ પોતે 24 કલાક મંદિરમાં રહેવું પડે. કોઈ સામાજિક કામ હોય તો જ પોતાના ઘરે, પરિવાર પાસે સિદ્ધપુર જવાનું, બાકી મંદિરમાં જ રહેવાનું. સવારે 4 વાગ્યે ઉઠી જવાનું. રાત્રે 10 વાગ્યા સુધી બધું શિડ્યુલ મુજબ ચાલે છે.

સવાલ-4 : માતાજીને ભોગ ધરાવવાના નિયમ શું છે?

જવાબ : માતાજીને ભોગ ધરાવવાના નિયમો વર્ષોથી ચાલ્યા આવે છે તેમાં કોઈ ફેરફાર નથી થયો. અંબાજીને ભોગ ધરાવવાના નિયમો અંગે પૂજારી ભટ્ટજી દેવાંગભાઈ ઠાકર કહે છે, માતાજીનું રાજભોગ રસોડું અલગ છે. તેમાં પુરૂષ રસોયા ન્હાઈને, સ્વચ્છ કપડાં પહેરીને પ્રવેશ કરે છે. પછી રસોઈ બનાવે છે. માતાજીની રસોઈ બનાવવા કોઈ મહિલાને રસોડાંમાં પ્રવેશ કરવાની મનાઈ છે. માતાજીના લાકડાંના ચૂલાને પેટાવવા ઘી વપરાય છે. બનાસ ડેરીમાંથી ખાસ અલગ પેકિંગ થઈને ઘી આવે છે.

ઘીની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે. એવું કહેવાય છે કે અંબાજી પાસે તેલનો નિષેધ છે. અંબાજી મંદિર પરિસર પાસે એક વાવ છે. જે અત્યારે તો જાળીથી ઢાંકી દેવાઈ છે પણ પહેલાના જમાનામાં ભક્તો માતાજીના દર્શને આવતા અને માથામાં તેલ નાખ્યું હોય તો વાવમાં ઉતરી વાવના પાણીથી માથું ધોઈને માતાજીના દર્શન કરતા. તેલવાળા માથે દર્શન પણ નહીં કરવાના.

વર્ષો જૂના સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવાય છે. (AI ઈમેજ)
વર્ષો જૂના સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવાય છે. (AI ઈમેજ)

અંબાજી મંદિરમાં માતાજી માટે રસોઈ ઘીમાં બને અને દીવા પણ ઘીના જ થાય. પૂજારી દેવાંગભાઈ માતાજીને ધરાવાતા ભોગ વિશે કહે છે, સવારે માતાજીને સોજીનો શીરો ધરાવાય છે. બપોરે રાજભોગ ધરાવીએ છીએ. જે બહુ જૂના સોનાના 8 કિલોના થાળમાં ધરાવાય છે. રસોઈ બધી ઘીમાં બને. પૂરી પણ ઘીમાં તળાય ને દાળનો વઘાર પણ ઘીમાં થાય. માતાજી માટે ફરસાણ બને તે પણ ઘીમાં જ તળાય. સાંજના સમયે માતાજીને ફ્રૂટ અને દૂધનો પ્રસાદ ધરાય છે. સાથે મગજનો પ્રસાદ હોય. વાસણો પણ કાંસા-પીતળના જૂના જમાનાના વપરાય છે.

હા, રાજભોગના થાળમાં મોહનથાળ તો હોય જ. કારણ કે મોહનથાળ એ અંબાજી મંદિરમાં આવતા ભક્તો માટે મહત્વની પ્રસાદી છે. અંબાજી મંદિરના પ્રસાદના મોહનથાળનો સ્વાદ વર્ષોથી બદલાયો નથી. અંબાજી જેવો મોહનથાળનો સ્વાદ બીજે ક્યાંય મળે પણ નહીં.

મંદિરના કાઉન્ટર પર મોહનથાળ પ્રસાદ લેવા ભક્તોની પડાપડી થાય છે.
મંદિરના કાઉન્ટર પર મોહનથાળ પ્રસાદ લેવા ભક્તોની પડાપડી થાય છે.
વર્ષોથી અંબાજીમાં બનતા મોહનથાળનો સ્વાદ એકધારો જળવાઈ રહ્યો છે.
વર્ષોથી અંબાજીમાં બનતા મોહનથાળનો સ્વાદ એકધારો જળવાઈ રહ્યો છે.

સ્કંદ પુરાણ અને જગદંબ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે માતાજીને "ઘૃત મિશ્રિત" નૈવેદ્ય અર્પણ થાય છે. ઘૃત એટલે ઘી. ઘૃત મિશ્રીત નૈવેદ્ય અને બીજી વસ્તુઓનું વર્ણન છે તે બનાવીઓ તો મોહનથાળ બને. મોહનથાળ બનાવવામાં વપરાતા ખાસ મિશ્રણ વિશે જાણકારી પુરાણમાં પણ મળે છે. તેમાં ગાયનું ઘી, ચણાનો લોટ, ખાંડની ચાસણી, દૂધ અને એલચીની વાત છે.

અંબાજી મંદિરના એક ઓફિસરે કહ્યું કે, અત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી મંદિરથી થોડે દૂર મોટો ટેન્ટ નાખીને મોહનથાળ બનાવવાનું ચાલુ થયું છે. 4 લાખ કિલો મોહનથાળના 40 લાખ પેકેટ તૈયાર થઈ રહ્યા છે. અમને નવાઈ એ લાગે છે કે જે જગ્યાએ તંબૂમાં આ કામ ચાલી રહ્યું છે ત્યાં એક કીડી પણ નથી દેખાતી. નહીંતર ગળ્યું હોય ત્યાં કીડી પહોંચી જાય.

સવાલ-5 : વર્ષમાં બે વખત મધરાત્રે ક્યારે શણગાર થાય છે?

જવાબ : અંબાજી મંદિરમાં નિયમિત શણગાર તો થાય જ છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષમાં બે પ્રસંગ એવા હોય છે જ્યારે જગત જનની મા અંબાનો શણગાર મધરાત્રે બે વાગ્યે થાય છે. આ બે દિવસો છે મહાશિવરાત્રિ અને ગોકુળ આઠમ (જન્માષ્ટમી). સામાન્ય દિવસોમાં રોજ સવારે માતાજીને સોજીનો શીરો ધરાવાય છે પણ આ બે દિવસ સવારે રાજગરાનો શીરો ધરાવવાનો રિવાજ છે.

મહાશિવરાત્રિ અને ગોકુળ આઠમ આ બે દિવસ એવા છે જ્યારે રાત્રે મંદિર બંધ થઈ ગયા પછી પણ મધરાત્રે બે વાગ્યે શણગાર થાય છે. મહાશિવરાત્રિએ રાતના શણગારમાં નંદીનું વાહન મૂકવામાં આવે છે. ગોકુળ આઠમે ગરૂડજીનું વાહન મૂકવામાં આવે છે.

અલબત્ત, ગોકુળ આઠમ એટલે જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો પ્રસંગ થાય છે. પછી મધરાતનો શણગાર થાય છે.

અંબાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે લાખો ભક્તો ઉમટે છે
અંબાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે લાખો ભક્તો ઉમટે છે

સવાલ-6: જય આદ્યા શક્તિ... આરતીમાં એક મિનિટનો વિરામ કેમ?

જવાબ : જય આદ્યા શક્તિ... મા જય આદ્યા શક્તિ... આરતી ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત પણ દુનિયાના ખૂણેખૂણે ગવાતી આરતી છે. અંબાજી મંદિરમાં આ આરતી ગવાતી હોય ત્યારે વચ્ચે એક મિનિટનો વિરામ લેવામાં આવે છે. આવું કેમ? તે જાણતાં પહેલાં આ આરતીનો થોડો ઈતિહાસ જાણી લઈએ.

જય આદ્યા શક્તિ આરતી શિવાનંદ વામદેવ પંડ્યા ઉર્ફે સ્વામી શિવાનંદે લખી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના તટે ‘માંડવા બુઝુર્ગ’ ગામ છે. આ ગામમાં માર્કંડ મુનિનો આશ્રમ અને દેવી અંબાજીનું પુરાતન મંદિર છે. સ્વામી શિવાનંદના પૂર્વજો આ આશ્રમ અને મંદિરમાં દેખભાળ- પૂજાપાઠ કરતા. વામદેવ પંડ્યાના ભાઈ સદાશિવ પંડ્યાએ દેવી અંબાજીની જીવનપર્યંત સેવા કરી હતી. કાકા સદાશિવ પાસેથી પ્રેરણા લઈને શિવાનંદ ભક્તિ માર્ગે વળ્યા. શિવાનંદ પંડ્યા 'સ્વામી શિવાનંદ' તરીકે ખ્યાતિ પામ્યા. સ્વામી શિવાનંદે 426 વર્ષ પહેલાં આ આરતીની રચના કરી હતી.

અંબાજી મંદિરમાં સાંજની આરતીનું દિવ્ય દ્રશ્ય
અંબાજી મંદિરમાં સાંજની આરતીનું દિવ્ય દ્રશ્ય

એકવાર ખંભાતમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્વામી શિવાનંદ પોતાના વડવાઓના જૂના ગામ ‘માંડવા બુઝુર્ગ’ જઈ રહ્યા હતા ત્યારે જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. સાલ હતી 1601. એ સમયે સ્વામી શિવાનંદની ઉમર 60 વર્ષ હતી. એક સાંજે એ દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો, જાણે માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય....એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર ભુજાવાળા માઁ લક્ષ્મી પ્રગટ થયાં. આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી શિવાનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી.

આપણે આરતીમાં "જય આદ્યાશક્તિ, માઁ જય આદ્યાશક્તિ" ગાઈએ છીએ. વાસ્તવમાં 'આદ્યા' શબ્દ નથી, પરંતુ 'આદ્ય' છે. જ્યારે 'જયો જયો માઁ જગદંબે' અપભ્રંશ થયેલું છે. વાસ્તવમાં એ છે - 'જય હો જય હો માઁ જગદંબે. આવી રીતે આ આરતીમાં પછીથી કેટલાય ભકતોએ ફેરફાર કર્યા અને કોઈએ નવી પંક્તિઓ પણ ઉમેરી. કેટલીક પંક્તિઓ ખોટી રીતે આપણી સામે આવે છે. જોકે ગાવામાં 'આદ્યા' બેસી ગયું છે અને જય ૐ કે પછી જય હો... પણ ગવાય છે.

દર દોઢ કલાકે ચોઘડિયું બદલે એટલે ચાચર ચોકમાં નોબત અને શરણાઈ વાગે છે. (AI ઈમેજ)
દર દોઢ કલાકે ચોઘડિયું બદલે એટલે ચાચર ચોકમાં નોબત અને શરણાઈ વાગે છે. (AI ઈમેજ)

હવે વાત અંબાજી મંદિરની કરીએ. આ આરતીમાં એક પંક્તિ આવે છે... તેરસે તુળજારૂપ તમે તારૂણી માતા... પછી એક મિનિટ માટે આરતી રોકી દેવાય છે. આનું કારણ આપતાં અંબાજી મંદિરના પૂજારી ભટ્ટજી દેવાંગભાઈ ઠાકર કહે છે, તેરસે તુળજારૂપ.. પંક્તિ પૂરી થાય પછી આરતી અટકાવી દેવાય છે. તેનું કારણ એ છે આ એક મિનિટ દરમિયાન માતાજીનો ગંધપુષ્પથી સંકલ્પ થાય. આને ઉત્તર પૂજન કહેવાય. આ પરંપરા છે. માતાજીના ઓવારણાં લઈ સંકલ્પ કરીને પછી આરતી આગળ વધે.

તેરસે તુળજારૂપ... સુધી માતાજીની પ્રાર્થના થાય છે અને ચૌદસે ચૌદારૂપ... થી માતાજી પાસે માગવાનું હોય છે. એટલે એમાં પણ પરંપરા એવી છે કે આરતીની પંક્તિઓમાં એકમથી તેરસ સુધી પૂજારી હાથમાં ઘંટડી વગાડે. પછી ઘંટડી મૂકી દેવાની. એકમથી છઠ્ઠી પંક્તિ ષષ્ઠી તું નારાયણી… સુધી ધૂપ ફેરવવાનો હોય. સાતમથી તેરસની પંક્તિ સુધી આરતી ફેરવવાની હોય. તેરસ પછી આરતી અટકી જાય. એક મિનિટના વિરામ પછી ચૌદસથી ફરી આરતી ઉપાડીને કરવાની ત્યારે પૂજારીના હાથમાં ઘંટડી ન હોય.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links