- Gujarati News
- Dvb original
- One Has To Do Severe Penance For Five Years, Can Have Relationship With Wife Only After Permission
પંથલેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પછી દીક્ષા મળે છે:પાંચ વર્ષ કઠોર તપસ્યા કરવી પડે છે, પરવાનગી પછી જ પત્ની સાથે સંબંધ બનાવી શકે છે
- કૉપી લિંક

કૈલાસની પૂર્વમાં, દક્ષિણ દિલ્હીનો પોશ વિસ્તાર. પંથ સિરીઝ માટે કહાનીની શોધ મને આજે ઇસ્કોન મંદિરમાં લઈને આવી. મંદિરના દરવાજા પર ઉચ્ચ સુરક્ષા ચેકિંગમાંથી પસાર થવું પડે છે. હું પણ મંદિરમાં પ્રવેશવા લાઈનમાં ઊભી છું. મેં મારા માથા પર દુપટ્ટો બાંધ્યો નહોતો.

હું રેસ્ટોરાંને અંદરથી જોવા માગતી હતી, આથી વિચાર્યું કે એક કપ ચા પીને મંદિરની અંદર જવું જોઈએ.
રેસ્ટોરાંની અંદર એક હાઇ પ્રોફાઈલ પ્રાઈવેટ પાર્ટી ચાલી રહી હતી. એક નાનો સ્ટેજ બનેલું હતું. ત્યાં હરે કૃષ્ણા, હરે કૃષ્ણાની ધૂન ચાલી રહી હતી. આ ધૂન પર એક પરિવાર ઝૂમી રહ્યો હતો. મેં પાસે બેસેલી એક મહિલા સાથે વાતચીત શરૂ કરી. તેનું નામ મમતા શારદા છે. તેને હિંદી નથી આવડતી.
મમતા કહે છે, 'મારો ઉછેર ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટર શહેરમાં થયો. અહીં જેટલા લોકો દેખાઈ રહ્યા છે તે બધા ઈંગ્લેન્ડથી આવેલા છે. મારી ભત્રીજીના લગ્ન માટે આખો પરિવાર ઇંગ્લેન્ડથી દિલ્હી ઈસ્કોન આવ્યો છે.'

મમતાની વાત સાંભળીને મારી નજર દુલ્હનને શોધવા લાગે છે. પાછળ ફરીને જોયું તો દુલ્હન પાછળ જ બેસેલી દેખાઈ. નામ છે- પૂજા, જે વ્યવસાયે લંડનમાં ફાર્માસિસ્ટ છે.
મેં સવાલ કર્યો- ત્યાં પણ લગ્ન થઈ શકતા હતા, પરિવારે ભારત કેમ આવવું પડ્યું?
મમતા જવાબ આપે છે- 'હા, પરંતુ પરિવાર આ બહાને ભારત આવી ગયો. આ શ્રીકૃષ્ણની કૃપા જ છે.'
મમતા આગળ કહે છે, '' 1960માં મારા પિતા ભારતથી ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા. ત્યાં રહેવા છતા ઘરમાં એ વાતને કડકાઈથી લાગુ કરવામાં આવી હતી કે બાળકો સનાતન ધર્મના રીતિ-રિવાજ ન ભૂલે. ઈંગ્લેન્ડના ઈસ્કોન મંદિરમાં ઘણી એક્ટિવિટી થતી હતી. હું નાનપણથી જ પરિવારના લોકોની સાથે અઠવાડિયે એક દિવસ ઈસ્કોન જતી હતી. ત્યાં બધા સેવા કરતાં કૃષ્ણના નામનો જાપ કરતા, નાચતાં હતા. વાત-વાતમાં મમતા બે-ચાર વખત હરે કૃષ્ણ, હરે કૃષ્ણ બોલે છે. પછી મારી તરફ જોઈને કહે છે, 'હરિના નામનો જાપ કરી અને હરે કૃષ્ણાની ધૂન પર નાચીને તમે સીધા પ્રભુ સાથે જોડાઈ જાઓ છો. તમારી વચ્ચે કોઈ ચેનલ નથી રહી જતી. તમે પણ ક્યારે એવું કરીને જોજો.'
મેં ત્યાં ચા પીધી અને બહાર આવીને મંદિર તરફ ગઈ.
થોડીક સીડીઓ ચઢ્યા પછી ગરુડ ભગવાનની મૂર્તિ સામે મંદિરનો દરવાજો દેખાયો. મંદિરની દીવાલો અને છત પર રાધા સાથે કૃષ્ણની પ્રેમલીલાનાં ચિત્રો છે. AC ચાલુ હોવાથી અંદરનું વાતાવરણ અત્યંત ઠંડું છે. મહિલાઓ મેરીગોલ્ડ, જાસ્મિન અને ગુલાબનાં ફૂલોની માળા પરોવી રહી છે.

ભક્તો પ્રસાદ લેવા માટે કતારમાં ઊભા છે. વચ્ચે-વચ્ચે તેઓ નાચે પણ છે. હું દર્શન માટે આગળ વધુ છું. આછા ગુલાબી તારાઓવાળાં કપડાંમાં કૃષ્ણ-રાધાની મૂર્તિઓ છે. રાધાની બે સખી લલિતા અને વિશાખા પણ સાથે છે.
આ દરમિયાન મારી નજર પ્રસાદ પર પડી. અહીં આપવામાં આવતો પ્રસાદ અન્ય મંદિરોથી અલગ છે. પેડા, પેથા, લાડુ જેવી મીઠાઈઓ સાથે અહીં કેક પણ આપવામાં આવે છે. હું આનું કારણ જાણવા માગતી હતી. આ અંગે ચંદીગઢ ઈસ્કોન મંદિરના પ્રમુખ નામપ્રેમદાસ કહે છે, 'ભગવાન કૃષ્ણને તમારા અને અમારા જેવી વ્યક્તિ માનવામાં આવ્યા છે. એટલા માટે તેમની સાથે પણ એક માણસ જેવો વ્યવહાર કરવામાં આવે છે. તમે અને હું જે ખાઈએ છીએ એ ભગવાનને પણ આપવામાં આવે છે. માંસાહારી અને લસણ-ડુંગળી સિવાય.

અહીં ભગવાનને સવારે ઉઠાડવામાં આવે છે, ભોગ ધરાવવામાં આવે છે. બપોરે ભોગ, સાંજે પણ ભોગ ધરાવવામાં આવે છે. રાતે તેમના સૂવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે.
મેં પૂછ્યું કે દિવસમાં કેટલી વખત ભોગ ધરાવવવામાં આવે છે.
નામપ્રેમદાસ કહે છે, 'એક દિવસમાં છ વખત ભોગ ધરાવવામાં આવે છે. ભોગ મંદિર પરિસરમાં જ બને છે. સવારે મંગળા આરતી પછીનો ભોગ ખાસ હોય છે, જેમાં અનેક પ્રકારની મીઠાઈ અને કેક હોય છે.'

મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે શૃંગાર આરતી પછી ગુરુપૂજા, ભાગવત કથા, ધૂપ આરતી, રાજભોગ આરતી થાય છે. બપોરે એક વાગ્યે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. ઉત્થાન આરતી સાંજે 4.15 વાગ્યે થાય છે, પછી સંધ્યા આરતી, પછી ભાગવત કથા. સૂતાં પહેલાં શયન આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ રાત્રે 9 વાગે મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવે છે.
હું મંદિરમાં આચાર્યને પીળાં, સફેદ અને ભગવા વસ્ત્રોમાં જોઉં છું. નંદન દાસ કહે છે કે જેઓ ઇસ્કોનમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તેઓ કેસરી રંગ પહેરે છે. જેઓ તાલીમ હેઠળ છે તેઓ પીળાં કપડાંમાં છે. જેઓ સફેદ વસ્ત્રોમાં છે તેઓ ગૃહસ્થ છે. ઇસ્કોનના ચારેય આશ્રમોમાં એને અનુસરવામાં આવે છે.
જોકે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ મુશ્કેલ છે. સવારે 3.3 વાગ્યે ઊઠવું પડે છે. સ્નાન કર્યા પછી તિલક લગાવી મંગળા આરતી કરે છે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા કૃષ્ણા-કૃષ્ણા હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરેના જોપ કરવા પડે છે. અંતે, તેઓ ગુરુપૂજા કરે છે. તેઓ માત્ર સાદું ભોજન જમે છે.
બ્રહ્મચારીઓનું કામ દાન લાવવાનું અને પ્રચાર કરવાનું છે. મેં પણ આ વાતનો અનુભવ કર્યો. જ્યારે હું ઈસ્કોન સ્ટોરી કરવા પહોંચી ત્યારે મને માહિતી આપવા કરતાં મને હરે કૃષ્ણ જપ કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો. મને ગીતા આપવામાં આવી, જે મેં સ્વીકારી. મને મંત્રોચ્ચારની માળા આપવામાં આવી હતી, જે મેં સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

વારંવાર એક સવાલના જવાબમાં મને ઈસ્કોનના ફોલોઅર બનવાના ફાયદા ગણાવવામાં આવ્યા હતા. ગૃહસ્થ માટે ઇસ્કોનમાં જોડાવવું કેટલું મુશ્કેલ છે? મારો આગળનો પ્રશ્ન આ હતો.
જવાબ મળ્યો - જેઓ ઘરમાં રહે છે તેઓ પણ જપ કરે છે. તેઓ સૌપ્રથમ ઘરમાં તૈયાર કરેલા ભોજનમાંથી ભગવાન કૃષ્ણને ભોગ ધરાવે છે. તે ભોગ દસ મિનિટ માટે મંદિરમાં રાખો અને પ્રાર્થના કરો. ત્યાર બાદ તેઓ એ ભોગને ઘરના રસોડામાં રાખવામાં આવેલા ભોજનમાં મિક્સ કરે છે.
આ રીતે આખો ખોરાક પ્રસાદ બની જાય છે. બીજી એક વાત મને કહેવામાં આવી હતી કે ઈસ્કોનમાં માત્ર પ્રસાદ જ ખાવામાં આવે છે, ભોગ માત્ર ભગવાનને ચઢાવવામાં આવે છે. ઇસ્કોનમાં એવું કહેવાય છે કે ભોગ ખાવો એ પાપ છે.

હું કોમલને મળું છું. તે તેના ભાઈ સાથે અહીં આવી છે. તે કહે છે, 'હું એકાઉન્ટન્ટ છું. થોડા દિવસોથી ચિંતા અને ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી. આ પછી તે ઈસ્કોનમાં જોડાઈ, અહીં આવ્યા પછી તેને ઘણો ફાયદો થયો. આ સમસ્યાઓને હેન્ડલ કરવા માટે અહીં ઘણા પ્રકારના ટૂંકા ગાળાના કોર્સ ચલાવવામાં આવે છે.
કોમલને એ વાતનું દુ:ખ છે કે તેણે હજુ દીક્ષા લેવા માટે લાંબી મજલ કાપવાની છે. દીક્ષા લઈ શકે એ પહેલાં ઘણાં વર્ષોની રાહ જોવી પડે છે, પરંતુ તે નિયમિત રીતે જાપ કરી રહી છે અને ઈસ્કોન મંદિરમાં આવી રહી છે. તેને જોઈને તેનો ભાઈ પણ અહીં આવવા લાગ્યો.
મેં પ્રભુ નંદન દાસને પૂછ્યું કે દીક્ષા લેવી કેટલી મુશ્કેલ છે?
નંદન દાસ સમજાવે છે કે ઈસ્કોનના અનુયાયી બનવું એટલું સરળ નથી. આ માટે પાંચ વર્ષની કઠોર તપસ્યા કરવી પડે છે. આ ચાર નિયમોનું પાલન કરવું પડે છે: તપ, શૌચ, દયા અને સત્ય. આને ઇસ્કોનના આધારસ્તંભ માનવામાં આવે છે.
આ અંતર્ગત તેમણે તામસિક ભોજનનો ત્યાગ કરવો પડશે. તેમને ડુંગળી, લસણ, માંસ નથી ખાવાનું રહેતું. કોઈપણ પ્રકારનો નશો નથી કરવાનો. મતલબ કે દારૂની સાથે કોફી, તમાકુ, બીડી, સિગારેટ પણ છોડી દેવી પડે છે. અનૈતિક વ્યવહારથી દૂર રહેવું પડે છે. જુગાર, પબમાં જઈ શકતા નથી. ગેરકાયદે સંબંધની મનાઈ છે. વેશ્યાલયમાં જઈ શકાતું નથી. પત્નીની સંમતિ વિના પણ તેની સાથે સેક્સ ન કરી શકાય.

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ-કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરેનો દિવસમાં 16 વખત જાપ પહેલાં પાંચ વર્ષ તો લીમડાની માળાથી કરવામાં આવે છે. દીક્ષા લીધા પછી તુલસીની માળા આપવામાં આવે છે.
આ પાંચ વર્ષમાં દીક્ષા માટેના નિયમોનું પાલન કરનારી વ્યક્તિ પર નજર રાખવામાં આવે છે. જ્યારે નિયમોને અનુસરીને પાંચ વર્ષ થઈ ગયાં હોય અને બધું બરાબર હોય ત્યારે લેખિત પરીક્ષા થાય છે. એ માટે એક દિવસનો ક્લાસ પણ આપવામાં આવે છે. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂના બે રાઉન્ડ હોય છે. પ્રથમ વખત આચાર્ય દ્વારા અને બીજી વખત મુખ્ય આચાર્ય દ્વારા ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે. બધું ક્લિયર કર્યા પછી લગભગ 200થી 300 લોકો એકસાથે યજ્ઞમાં દીક્ષા લે છે. ત્યાર બાદ દીક્ષામાં મંત્રો અને તુલસીની માળા આપવામાં આવે છે. દીક્ષાની આટલી લાંબી પ્રક્રિયા વિશે મેં પહેલીવાર સાંભળ્યું હતું.
બસ, આ બધું જાણ્યા પછી હું વૈદિક સફારી માટે નીકળી પડી. વૈદિક સફારીની ટિકિટ 150 રૂપિયા છે. આ માટે ઓડિટોરિયમમાં જવું પડે છે. જ્યાં વિશ્વની એક મોટી અજાયબી છે. અહીં વિશ્વની સૌથી મોટી ભગવદ ગીતા છે. એ ઈટાલીથી તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત ત્રણ કરોડ રૂપિયા છે.

આ શ્રી ભગવદ્ગીતા હાઇડ્રોલિક સ્ટેન્ડ પર મૂકવામાં આવી છે, જેનો પાછળનો ભાગ મેટલનો છે. એના પાના ફેરવવા માટે ચાર લોકોની મદદ જોઈએ. આ જોયા પછી અમને અહીં લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે લઈ જવામાં આવ્યા. એક દરવાજાની અંદર એક લાંબો કોરિડોર છે. ઘોર અંધારું છે. અચાનક સામે સૂર્ય દેખાય છે, એના પ્રકાશમાં કૃષ્ણ મહાભારતના ક્ષેત્રમાં રથ પર સવાર છે. પગ પાસે હાથ જોડેલા અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. સુંદર હસ્તકલા, ચોક્કસ સંવાદો અને વાર્તા-કથન શિલ્પોનો કોલાજ તમને થોડા સમય માટે સુન્ન કરી દે છે. એવું લાગે છે કે તમે જીવતા તો છો, પરંતુ અન્ય કોઈ રહસ્યમય ટાપુ પર. લાઈટ એન્ડ સાઉન્ડ શો જોયા પછી હું ગરમાગરમ ખીચડીનો પ્રસાદ લઈને બહાર આવું છું.
ઇસ્કોન એક કોર્પોરેટની જેમ કામ કરે છે

ઇસ્કોનનાં વિશ્વભરમાં 200 મંદિર છે. ભારતમાં ઈસ્કોનનું મુખ્ય મથક મુંબઈમાં છે અને એનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક પશ્ચિમ બંગાળમાં છે. ઇસ્કોન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલું છે. એનું સંચાલન એક ગવર્નિંગ બોડી દ્વારા કરવામાં આવે છે, જેને 'ગવર્નિંગ બોડી કમિશનર' કહેવામાં આવે છે. એમાં ઝોનલ હેડ છે. તેમના હેઠળ ત્રણથી ચાર રાજ્ય આવે છે. ટેમ્પલ પ્રેસિડન્ટ અને વાઈસ પ્રેસિડન્ટ જ મુખ્ય હોય છે, બાકીના વિભાગો માટે, વિભાગોના વડાઓ હોય છે.
લાઇફટાઇમ મેમ્બરશિપ ફી રૂ. 35,500 મંદિરમાં વિવિધ સ્થળોએ દાનનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. તમે બ્રોન્ઝ સેવા માટે 500થી 1500 રૂપિયા, તામ્ર સેવા માટે 3,000 રૂપિયા, રજત સેવા માટે 5,000 રૂપિયા, સ્વર્ણ સેવા માટે 7500 રૂપિયા, પ્લેટિનમ સેવા માટે 20,000 રૂપિયા દાન કરી શકો છો. જો કોઈ વ્યક્તિ ઈસ્કોનનું આજીવન સભ્યપદ લેવા ઈચ્છે છે, તો તેણે એના માટે 35,500 રૂપિયા ચૂકવવા પડશે.
વિવિધ પૂજાથાળી માટે 500થી 2100 રૂપિયા, માનવજીવનનૂે ધ્યેય, સારા માણસો શા માટે દુઃખી થાય છે, ચિંતા, હતાશા, મૃત્યુ પછી, આપણી મુશ્કેલીઓ વગેરે જેવા કોર્સ કરવા માટે QRcode લાગેલા છે, જેથી આ કોર્સ કરી શકાય

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















