Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

પરિવાર રાજ
'અમારી પેઢીનો અંત આવી રહ્યો છે....':મોતીલાલે પુત્ર માટે ગાંધીજીને કરી ભલામણ, જવાહરથી રાહુલ સુધી, કોંગ્રેસમાં 5મી પેઢીનું વર્ચસ્વ; જાણો નેહરુ-ગાંધી પરિવારના કિસ્સા

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

મોતીલાલ નેહરુ 1928માં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા. આગામી સમયમાં પક્ષની કમાન કોને સોંપવી તેની ચર્ચા ચાલી રહી હતી. 15 જૂન, 1928ના રોજ મોતીલાલે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો, 'હું જાણું છું કે વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે સક્ષમ છે. જો કે તમામ સંજોગોને ધ્યાનમાં રાખીએ તો કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જવાહર લાલ નેહરુ શ્રેષ્ઠ પસંદગી છે.’

મહાત્મા ગાંધીએ જવાબ આપ્યો- જવાહરને આ જવાબદારી આપવાનો હજુ સમય નથી આવ્યો.

11 જુલાઈના રોજ અન્ય એક પત્રમાં મોતીલાલે ભાર આપીને લખ્યું, 'અમારી પેઢીનો અંત આવી રહ્યો છે. આજે નહીં તો કાલે જવાહર જેવા લોકોએ જ આઝાદીની લડત ચાલુ રાખવી પડશે. તેથી તેઓ જેટલું વહેલું શરૂ કરે, તેટલું સારું રહેશે.'

બીજા જ વર્ષે 1929માં લાહોર અધિવેશનમાં જવાહર લાલ નહેરુને પ્રથમ વખત કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ કિસ્સો કહે છે કે મોતીલાલ નેહરુએ તેમના પુત્ર જવાહર માટે એક ભૂમિકા બનાવી અને તેમને તે સમયની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા.

મોતીલાલ નેહરુ પુત્ર જવાહર લાલ નેહરુ સાથે. આ તસવીર 1929ની છે. તે જ વર્ષે જવાહર પ્રથમ વખત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા.
મોતીલાલ નેહરુ પુત્ર જવાહર લાલ નેહરુ સાથે. આ તસવીર 1929ની છે. તે જ વર્ષે જવાહર પ્રથમ વખત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા.

દેશના શક્તિશાળી રાજકીય પરિવારોના કિસ્સાઓ પર આધારિત 'પરિવાર રાજ' શ્રેણીના પ્રથમ એપિસોડમાં દેશનો પ્રથમ રાજકીય પરિવાર એવા નેહરુ-ગાંધી પરિવારની સંપૂર્ણ કહાની...

મોટા પદો પર રહ્યા નેહરુ પરિવારના પૂર્વજ

મોતીલાલ નેહરુના દાદા લક્ષ્મી નારાયણ મુઘલ દરબારમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રથમ વકીલ હતા. તેમનો પરિવાર કાશ્મીરનો હતો, પરંતુ 18મી સદીની શરૂઆતમાં જ પરિવાર દિલ્હીમાં સ્થાયી થયો હતો.

જ્યારે 1857ની ક્રાંતિને કચડી નાખવા માટે બ્રિટિશ સૈન્ય દિલ્હીમાં પ્રવેશ્યું ત્યારે મોતીલાલ નેહરુના પિતા ગંગાધર નેહરુ શહેરના ફોજદાર હતા. અંગ્રેજોના ડરને કારણે ગંગાધર નેહરુ તેમના પરિવાર સાથે દિલ્હી છોડીને આગરામાં સ્થાયી થઇ ગયા.

જવાહરલાલ નેહરુના દાદા ગંગાધર નેહરુ,આ તસવીર પ્રયાગરાજમાં નેહરુ પરિવારના પૈતૃક નિવાસસ્થાન આનંદ ભવનમાં લાગેલી છે.
જવાહરલાલ નેહરુના દાદા ગંગાધર નેહરુ,આ તસવીર પ્રયાગરાજમાં નેહરુ પરિવારના પૈતૃક નિવાસસ્થાન આનંદ ભવનમાં લાગેલી છે.

ગંગાધર નેહરુનું માર્ચ 1861માં અવસાન થયું અને ત્રણ મહિના પછી 6 મે 1861ના રોજ મોતીલાલ નેહરુનો જન્મ થયો. મોતીલાલનો ઉછેર તેમના મોટા ભાઈ નંદલાલ નેહરુએ કર્યો હતો. અગાઉ નંદલાલ રાજસ્થાનના ખેતરી રિયાસતમાં દિવાન હતા અને બાદમાં આગ્રા હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. અંગ્રેજોએ હાઈકોર્ટને આગ્રાથી અલ્હાબાદ ખસેડી ત્યારે નેહરુ પરિવાર પણ અલ્હાબાદમાં સ્થાયી થયો.

1885માં નિવૃત્ત બ્રિટિશ કલેક્ટર એઓ હ્યુમે કોંગ્રેસનો પાયો નાખ્યો હતો. તે સમયે કોંગ્રેસ દેશના મોટા જમીનદારો અને બેરિસ્ટરોની પાર્ટી ગણાતી. ત્યાં સુધીમાં મોતીલાલ નેહરુએ અલ્હાબાદ હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

લેખક ડીસી ગોસ્વામીના પુસ્તક 'પંડિત મોતીલાલ નેહરુ, એક મહાન દેશભક્ત' અનુસાર, જ્યારે 1888માં અલ્હાબાદમાં કોંગ્રેસની બેઠક મળી હતી, ત્યારે મોતીલાલ નેહરુએ પણ તેમાં પહેલીવાર ભાગ લીધો હતો. જવાહરલાલ નેહરુનો જન્મ 1889માં થયો હતો.

મોતીલાલ નેહરુ રાજકારણથી બહુ આકર્ષિત નહોતા. તેમનું સમગ્ર ધ્યાન તેમના વકીલાતના વ્યવસાય પર હતું. આ જ કારણ છે કે 1900 સુધીમાં મોતીલાલ નેહરુની ગણના દેશના સૌથી મોંઘા વકીલોમાં થવા લાગી. એવું કહેવાય છે કે તે સમયે તે દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ કમાતા હતા.

મોતીલાલે અલ્હાબાદમાં એક આલીશાન ઘર ખરીદ્યું અને તેનું નામ આનંદ ભવન રાખ્યું. તેના ઇન્ટિરિયર માટે તેઓ ઘણી વખત યુરોપ ગયા હતા. તે રાજવી જીવન જીવતા હતા. તેમના સુટ્સ પણ લંડનથી સિલાઇ થઇને આવતા હતા. મોતીલાલને ત્રણ બાળકો હતા- પુત્ર જવાહર અને પુત્રીઓ કૃષ્ણા અને સરૂપ. બાળકો માટે શ્રેષ્ઠ હોમ સ્કૂલિંગથી લઈને ઘોડેસવારી સુધીની તમામ વ્યવસ્થા હતી. જવાહરલાલ નેહરુને વધુ અભ્યાસ માટે લંડન મોકલવામાં આવ્યા હતા.

જવાહર લાલ નેહરુના ઉપનયન સંસ્કારની તસવીર.
જવાહર લાલ નેહરુના ઉપનયન સંસ્કારની તસવીર.

જલિયાવાલા બાગની ઘટનાએ મોતીલાલને રાજકારણમાં ધકેલ્યા 13 એપ્રિલ 1919ના રોજ બ્રિટિશ અધિકારી જનરલ ઓ' ડ્વાયરના આદેશ પર જલિયાવાલા બાગમાં સેંકડો ભારતીયોની હત્યા કરવામાં આવી. આ સમયે અંગ્રેજો સામે સામાન્ય લોકોમાં ગુસ્સો જ્વાળામુખીની જેમ ઉકળી રહ્યો હતો. મોતીલાલ પણ તેમાંથી એક હતા.

ડિસેમ્બર 1919માં કોંગ્રેસ પાર્ટીની અમૃતસરમાં બેઠક મળી ત્યારે મોતીલાલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. મોતીલાલના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આ ગુસ્સાની મદદથી અંગ્રેજો સામે એક મોટી અહિંસક ચળવળની તૈયારી કરી રહી હતી.

4 સપ્ટેમ્બર 1920માં ગાંધીજીએ અસહકાર ચળવળ શરૂ કરી ત્યારે મોતીલાલે તેમને ટેકો આપ્યો હતો. પરિણામ એ આવ્યું કે તેમની ધરપકડ કરવામાં આવી.

સ્વરાજ સફળ ન થઇ, કોંગ્રેસમાં નેહરુ માટે ભલામણ કરી 1922ના ઉનાળામાં જ્યારે મોતીલાલ નેહરુ જેલમાંથી બહાર આવ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટી ઘણા જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. 1923માં મોતીલાલ નેહરુએ સીઆર દાસ સાથે મળીને સ્વરાજ નામથી એક નવો રાજકીય પક્ષ બનાવ્યો. જો કે, તેમનો પ્રયોગ લાંબા સમય સુધી સફળ રહ્યો ન હતો અને 1925માં પાર્ટી ફરી કોંગ્રેસમાં ભળી ગઈ હતી.

1928માં મોતીલાલ નેહરુ કોલકાતા સત્રમાં ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. આગલા વર્ષે, જ્યારે મોતીલાલ નેહરુ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટી ગયા, ત્યારે તેમના પુત્ર જવાહર લાલ નેહરુએ લાહોર અધિવેશનમાં તેમનું સ્થાન લીધું.

ઈતિહાસકાર રુદ્રાંગશુ મુખર્જી તેમના પુસ્તક 'નેહરુ એન્ડ બોઝ પેરેલલ લાઈવ્સ'માં લખે છે કે ગાંધીજીના કહેવા પર 1936ના લખનઉ સત્રમાં જવાહરલાલ નેહરુ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. રાજગોપાલચારી અધ્યક્ષ પદ માટે નેહરુ સામે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ ગાંધીએ તેમને તેમ કરવાની મંજૂરી આપી ન હતી.

ડિસેમ્બર 1936માં ફૈઝપુર સત્રમાં નેહરુને આગામી વર્ષ માટે અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલને આ પસંદ નહોતું.

જી.એમ. નાંદુરકર તેમના પુસ્તક 'સરદાર લેટર મોસ્ટલી અનનોન'માં લખે છે કે 15 નવેમ્બર 1936ના રોજ સરદાર પટેલે ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈને એક પત્ર લખ્યો હતો. આમાં તેમણે લખ્યું- 'એક સુશોભિત વરની જેમ (નેહરુ) ગમે તેટલી કન્યાઓ સાથે લગ્ન કરવા તૈયાર છે.'

15 ઓગસ્ટ 1947ના એક વર્ષ પહેલા તે સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારતની આઝાદી વધુ દૂર નથી. કોંગ્રેસ અધ્યક્ષ ભારતના પ્રથમ વચગાળાના વડાપ્રધાન બનશે તે પણ નિશ્ચિત હતું, કારણ કે 1946ની કેન્દ્રીય ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થઇ.

આ તસવીર 1946ની છે. બોમ્બે (હવે મુંબઈ)માં કોંગ્રેસ સમિતિની બેઠકમાં મહાત્મા ગાંધી સાથે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઊંડી ચર્ચા કરતા જોવા મળે છે.
આ તસવીર 1946ની છે. બોમ્બે (હવે મુંબઈ)માં કોંગ્રેસ સમિતિની બેઠકમાં મહાત્મા ગાંધી સાથે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઊંડી ચર્ચા કરતા જોવા મળે છે.

ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે 'જો આ વખતે મારો અભિપ્રાય પૂછવામાં આવશે તો હું જવાહરલાલને પસંદ કરીશ. આના ઘણા કારણો છે. હું તેમનો ઉલ્લેખ કરવા માંગતો નથી. 1946માં કોંગ્રેસની 80% સમિતિઓએ સરદાર પટેલનું નામ સૂચવ્યું, પરંતુ ગાંધી નહેરુ પર અડગ રહ્યા. આખરે પટેલે પોતાનું નામ પાછું ખેંચી લીધું અને આમ નેહરુ દેશના પ્રથમ વચગાળાના વડાપ્રધાન બન્યા.

15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ, વડાપ્રધાન નેહરુએ તેમનું પ્રખ્યાત 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ આપ્યું હતું.
15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ, વડાપ્રધાન નેહરુએ તેમનું પ્રખ્યાત 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ આપ્યું હતું.

એસ. નિજલિંગપ્પા તૈયારી કરતા રહ્યા, અને ઈન્દિરા કોંગ્રેસ અધ્યક્ષ બની ગયા

પત્રકાર દુર્ગાદાસ તેમના પુસ્તક 'ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર'માં લખે છે કે 1955માં નેહરુએ તેમના નજીકના ગુજરાતી નેતા યુ.એન. ઢેબરને કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા. 1959માં હોદ્દો છોડતા પહેલા ઢેબરે ઈન્દિરાને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સામેલ કર્યા હતા.

1959માં હોદ્દો છોડતા પહેલા ઢેબરે અચાનક એક બેઠક બોલાવી હતી. સૌને લાગ્યું કે વરિષ્ઠ નેતા એસ. નિજલિંગપ્પા અધ્યક્ષ બનશે. જ્યારે ઢેબરે નેતાઓને કહ્યું કે બેઠક આગામી અધ્યક્ષ વિશે છે, ત્યારે કામરાજની પ્રથમ પ્રતિક્રિયા હતી કે તે તો નક્કી થઈ ગયું છે.

ત્યારે શાસ્ત્રીએ ઊભા થઈને કહ્યું- 'ઇન્દિરાજીને પ્રમુખ પદ માટે પૂછી શકાય છે.' કેટલાક નેતાઓએ ઈન્દિરાની તબિયત પર સવાલો ઉઠાવ્યા, પણ ત્યારે જ નેહરુજી બોલી ઉઠ્યા- ‘ધેર ઇઝ નથિંગ રોંગ વિથ ઇન્દુઝ હેલ્થ.’

આ પછી ચર્ચાનો અંત આવ્યો અને ઈન્દિરા ગાંધી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. એટલે કે નેહરુએ તેમની સામે જ કોંગ્રેસની કમાન ઈન્દિરાને સોંપી દીધી હતી. 1978માં ઈન્દિરા ફરી પાર્ટી અધ્યક્ષ બન્યા અને તેમના મૃત્યુ સુધી પાર્ટી અધ્યક્ષ પદ પર રહ્યા.

રાજકીય નિષ્ણાત કુમાર કેતકર કહે છે કે નિજલિંગપ્પા 1968માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. ઈન્દિરા ગાંધી અને નિજલિંગપ્પા વચ્ચેનો રાજકીય સંઘર્ષ કોઈનાથી છૂપો નહોતો. 1969માં એક સમય એવો આવ્યો કે જ્યારે નિજલિંગપ્પાએ ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા તે સમયે તેમને કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી બરતરફ કરી દીધા હતા. ઈન્દિરા ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે આવું થયું હતું.

નેહરુ પરિવારમાં ગાંધી અટકના ઉપયોગનો કિસ્સો

જવાહર લાલ નેહરુની પુત્રી ઈન્દિરાએ ગાંધી અટક રાખી તેની પાછળ 3 થિયરી છે...

થિયરી-1: બર્ટિલ ફોક તેમના પુસ્તક 'ફિરોઝ ગાંધી ધ ફર્ગોટન ગાંધી'માં લખે છે કે ફિરોઝનો જન્મ પારસી પરિવારમાં થયો હતો અને તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ઘાંડી (Jehangir Faredoon Ghandy) હતું. જ્યારે ફિરોઝ રાજકારણમાં સક્રિય થયા, ત્યારે તેમનું નામ અખબારોમાં વારંવાર આવવા લાગ્યું.

આ સમય દરમિયાન તેમની અટક ઘાંડીથી બદલીને ગાંધી લખાવા માંડી. ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા પછી ઈન્દિરાએ તેમના નામની સાથે ગાંધી અટક જોડી લીધી. આ પછીથી જ નેહરુ પરિવારમાં ગાંધી અટકનો ઉપયોગ થવા લાગ્યો.

થિયરી-2: જવાહર લાલ નેહરુએ તેમની પુત્રી ઈન્દિરાને ફિરોઝ ખાન સાથે લગ્ન કરવાની મંજૂરી આપી ન હતી. બીજા ધર્મ અને જાતિના કારણે જો ઈન્દિરા ફિરોઝ ખાન સાથે લગ્ન કરે તો તે નેહરુ વંશથી અલગ પડી ગઇ હોત. આ સમયે મહાત્મા ગાંધીએ ફિરોઝને દત્તક લઇ પોતાની અટક આપવાનું નક્કી કર્યું. ફિરોઝ અને ઈન્દિરાએ ઈંગ્લેન્ડમાં લગ્ન કર્યા હતા અને અહીં કરવામાં આવેલા એફિડેવિટમાં ફિરોઝે પોતાનું નામ ફિરોઝ ગાંધી લખ્યું હતું. આ પછી ઇન્દિરા અને તેમના બાળકોની અટક ગાંધી થઇ ગઇ.

થિયરી-3: પત્રકાર અરવિંદ લકારેના જણાવ્યા અનુસાર ફિરોઝના પિતા પારસી હતા, જેમની અટક ઘાંડી (GHANDI) હતી. મહાત્મા ગાંધી જ હતા, જેમણે નેહરુને મળીને કહ્યું કે ફિરોઝની અટક ઘાંડીને બદલે ગાંધી લખવી જોઈએ. આ પછીથી જ ફિરોઝે પોતાના નામની પાછળ ગાંધી અટક લખવાનું શરૂ કર્યું હતું.

ઈન્દિરા પ્રિયદર્શિની અને ફિરોઝ ગાંધીના લગ્નની તસવીર. લગ્ન પછી ઈન્દિરાએ પણ ગાંધી અટક વાપરવાનું શરૂ કર્યું.
ઈન્દિરા પ્રિયદર્શિની અને ફિરોઝ ગાંધીના લગ્નની તસવીર. લગ્ન પછી ઈન્દિરાએ પણ ગાંધી અટક વાપરવાનું શરૂ કર્યું.

ઈન્દિરાએ પુત્ર સંજયના કહેવા પર મોટા સિનિયર અધિકારીઓને પદ પરથી હટાવ્યા

રાજકીય નિષ્ણાત રાશિદ કિદવાઈના જણાવ્યા અનુસાર યુકેની એક ઓટોમોબાઈલ કંપનીમાં ઈન્ટર્નશીપ કર્યા બાદ ઈન્દિરાના પુત્ર સંજય ભારત પાછા ફર્યા હતા. પીએમ માતાના કાન પોતાના પુત્રની વાત ધ્યાનથી સાંભળતા હતા. સંજયે દેશમાં કાર મેન્યુફેક્ચરિંગ કંપની શરૂ કરાવડાવી. આ સમયે તેમની મારુતિ મેન્યુફેક્ચરિંગ કંપનીની વિરુદ્ધ જે કોઈ બોલે તેને તેમનું પદ ગુમાવવું પડતું હતું.

સંજયના કહેવા પર ઈન્દિરાએ તેમના મુખ્ય સચિવ પીએન હક્સરને પદ પરથી હટાવી દીધા હતા. સંજય ધીમે ધીમે ઈન્દિરાના તમામ મોટા રાજકીય નિર્ણયોમાં સામેલ થવા લાગ્યા. તેમને આગામી સમયના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જોવામાં આવી રહ્યા હતા.

ઈન્દિરા ગાંધી તેમના બે પુત્રો સંજય ગાંધી અને રાજીવ ગાંધી સાથે. સંજયને ઈન્દિરાના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા, પરંતુ તેમનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હતું.
ઈન્દિરા ગાંધી તેમના બે પુત્રો સંજય ગાંધી અને રાજીવ ગાંધી સાથે. સંજયને ઈન્દિરાના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા, પરંતુ તેમનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હતું.

23 જૂન 1980ના રોજ એક વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અવસાન થયું હતું. સંજયના મૃત્યુ પછી રાજીવ રાજકારણમાં આવવા માંગતા ન હતા. ઘણા મોટા નેતાઓના કહેવા છતાં પણ રાજીવ રાજી ન થયા. અંતે બદ્રીનાથના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે તેમને સમજાવ્યા અને રાજીવ ગાંધી પાયલોટની નોકરી છોડીને રાજનીતિમાં આવવા માટે સહમત થયા.

31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા થઈ, જે પછી PM પદ અને પાર્ટી અધ્યક્ષ માટે પ્રણવ મુખર્જી સહિત અનેક દાવેદારો હતા. ઉતાવળે રાજીવ ગાંધીને એ જ સાંજે વડાપ્રધાન પદના શપથ લેવડાવવામાં આવ્યા. 1991માં રાજીવની હત્યા સુધી કોંગ્રેસ અધ્યક્ષનું પદ તેમની પાસે રહ્યું.

રાજીવના મૃત્યુના 7 વર્ષ બાદ સોનિયાએ કોંગ્રેસની કમાન સંભાળી

1991માં પતિ રાજીવ ગાંધીની આત્મઘાતી હુમલામાં હત્યા થયા બાદ સોનિયાએ રાજકારણમાં આવવાની ઓફરને નકારી કાઢી હતી. કોંગ્રેસના ઘણા મોટા નેતાઓના આગ્રહ છતાં તેમને 7 વર્ષ સુધી રાજકારણથી દૂર રહ્યા. 1996માં પીવી નરસિમ્હા રાવ પછી સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. અધ્યક્ષ બનતાની સાથે જ કોંગ્રેસમાં બળવો શરૂ થઇ ગયો હતો. રાજેશ પાયલટ અને શરદ પવાર જેવા નેતાઓ સાથે કેસરીના વિવાદો શરૂ થઇ ગયા હતા.

વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવાઈના જણાવ્યા અનુસાર રાજીવની હત્યાના 7 વર્ષ બાદ સોનિયા કોંગ્રેસની કમાન સંભાળવા માટે સહમત થયા હતા. 1997માં સોનિયાએ કોલકાતા સત્રમાં પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ લીધું હતું. જોકે અધ્યક્ષ પદનો માર્ગ એટલો સરળ નહોતો. કેસરી અધ્યક્ષ પદ ન છોડવા પર અડગ હતા.

આ માટે સોનિયાએ કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWCમાં ગાંધી-નેહરુ પરિવારને વફાદાર નેતાઓની મદદ લીધી. CWCએ વિશેષ શક્તિનો ઉપયોગ કરીને સીતારામ કેસરીના સ્થાને સોનિયાને પક્ષના વડા તરીકે નિયુક્ત કર્યા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એટલે કે AICCએ 6 એપ્રિલ 1998ના રોજ આ માહિતી આપી હતી. આ રીતે ગાંધી-નેહરુ પરિવારના અન્ય એક સભ્ય કોંગ્રેસ અધ્યક્ષ બન્યા.

સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાના એક વર્ષ પછી મે 1999માં લોકોને મળતા અને અભિવાદન કરતા જોવા મળે છે.
સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાના એક વર્ષ પછી મે 1999માં લોકોને મળતા અને અભિવાદન કરતા જોવા મળે છે.

15 મે 1999ના રોજ લોકસભાની ચૂંટણી પહેલા વરિષ્ઠ નેતાઓ શરદ પવાર, પીએ સંગમા અને તારિક અનવરે સોનિયા ગાંધીને વિદેશી મૂળના ગણાવીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ સોનિયાએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને એક ભાવનાત્મક પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સોનિયાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, 'હું ભલે વિદેશની ધરતી પર જન્મી છું, પરંતુ મેં ભારતને મારા દેશ તરીકે પસંદ કર્યો છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી ભારતીય રહીશ. ભારત મારી માતૃભૂમિ છે, હું તેને મારા જીવથી પણ વધારે ચાહું છું.

સોનિયાના સમર્થનમાં દિગ્વિજય સિંહ, શીલા દીક્ષિત, અશોક ગેહલોત અને ગિરીધર ગમાંગ જેવા મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓએ પણ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ ભૂખ હડતાળ શરૂ કરી દીધી હતી. સોનિયા પાસેથી રાજીનામું પાછું ખેંચવાની માગ કોંગ્રેસના કાર્યકરોમાં જોર પકડવા લાગી હતી.

20 મે 1999ના રોજ CWCએ પવાર, સંગમા અને અનવરને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. પાર્ટીના આ નિર્ણય બાદ સોનિયા ગાંધી પણ પોતાનું રાજીનામું પાછું ખેંચવા માટે રાજી થઈ ગયા હતા. કોંગ્રેસ પાર્ટીએ પાંચ દિવસ પછી પાર્ટીના વડા તરીકે તેમના પુનરાગમનને આવકારવા માટે એક ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.

CSDS લોકનીતિના સહ-નિર્દેશક સુહાસ પલશીકર માને છે કે સોનિયા ગાંધીનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું એ વંશવાદી રાજકારણનું પરિણામ નથી. રાજીવના અવસાન પછી કોંગ્રેસ પક્ષ જ્યારે વિઘટિત થઈ રહ્યો હતો, ત્યારે તેમને એવા નેતા તરીકે લાવવામાં આવ્યા હતા જે તે સમયે પક્ષના તમામ નેતાઓને સ્વીકાર્ય હતા. જોકે, નહેરુ-ગાંધી પરિવારમાંથી હોવાનો ફાયદો તેમને મળ્યો એ વાતને નકારી શકાય નહીં.

સોનિયાએ રાહુલ ગાંધીને કમાન સોંપી, પરંતુ 2 વર્ષમાં જ રાજીનામું

19 વર્ષથી વધુ સમય સુધી સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા. 2014માં કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારી હતી. રાજ્યોમાં પણ સતત હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે સોનિયા ગાંધીની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી.

આવી સ્થિતિમાં તેમણે અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો હતો. 2017માં જયપુરમાં યોજાયેલી કોંગ્રેસ ચિંતન શિબિરમાં નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી. તે હતા- રાહુલ ગાંધી. ફરી એકવાર કોંગ્રેસની કમાન ગાંધી પરિવાર પાસે જ રહી.

ડિસેમ્બર 2017માં લેવાયેલી તસવીરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ અમદાવાદમાં ચૂંટણી રેલીને સંબોધતા જોવા મળે છે. (ફોટો ક્રેડિટઃ PTI)
ડિસેમ્બર 2017માં લેવાયેલી તસવીરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ અમદાવાદમાં ચૂંટણી રેલીને સંબોધતા જોવા મળે છે. (ફોટો ક્રેડિટઃ PTI)

રાહુલના અધ્યક્ષ બન્યા બાદ પણ હારનો સિલસિલો અટક્યો નહીં. 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય નવા લોકોએ જવાબદારી લેવી પડશે, તેથી હું આ પદ છોડી રહ્યો છું, હવે કોઈ અન્યને પાર્ટી અધ્યક્ષ બનાવવા જોઈએ.

પૂર્ણકાલીન અધ્યક્ષની ગેરહાજરીમાં કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથમાં જ રહી. આખરે 2022માં અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ. જેમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે ચૂંટણી લડી હતી. ગાંધી પરિવાર મલ્લિકાર્જુન ખડગેને ઈચ્છતો હતો અને આખરે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા.

મલ્લિકાર્જુન અધ્યક્ષ બન્યા છતાં પાર્ટીના નિર્ણયમાં ગાંધી પરિવારની ઝલક જોવા મળે છે. સંગઠનમાં મહત્વના હોદ્દા પરના નેતાઓની ચૂંટણી હોય કે મહત્વની પ્રેસ કોન્ફરન્સને સંબોધવાની હોય. મલ્લિકાર્જુનની ટીમમાં અજય માકન, જયરામ રમેશ અને વેણુગોપાલ જેવા ગાંધી પરિવારને વફાદાર લોકો સામેલ છે. આ સિવાય કર્ણાટકમાં ડીકે શિવકુમાર અને મધ્યપ્રદેશમાં કમલનાથના સ્થાને પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુ પટવારીની નિમણૂક પાછળ પણ રાહુલનો હાથ હોવાનું માનવામાં આવે છે.

રાહુલ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા કોંગ્રેસના G-23 જૂથના ઘણા મોટા નેતાઓને નુકસાન વેઠવુ પડ્યું છે. પછી તે ગુલામ નબી આઝાદ હોય કે કપિલ સિબ્બલ. 2024ની ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aએ ભલે પોતાના પીએમ પદના ઉમેદવાર જાહેર ન કર્યા હોય, પરંતુ નિષ્ણાતો માને છે કે કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર રાહુલ ગાંધી જ છે.

2024ની લોકસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ભલે ગાંધી પરિવારની બહારના હોય, પરંતુ તમામ મહત્વપૂર્ણ બાબતોમાં નિર્ણયો ગાંધી પરિવાર જ લે છે.

-------------------------

'પરિવાર રાજ' શ્રેણીના બીજા એપિસોડમાં બિહારના લાલુ પ્રસાદ યાદવ પરિવારના કિસ્સા. ગરીબ પરિવારના લાલુ મુખ્યમંત્રી બન્યા અને કેવી રીતે રાજનીતિમાં પત્ની અને પુત્રોને આગળ વધાર્યા.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links