Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA
  • Gujarati News
  • Bhaskar khaas
  • Lakshadhipati
  • Laxadhipati Series Episode 5: The U. N. Mehta Family Saga—The Tablet Addiction, Business Focus Despite Failing Health, His Life Mantra, And The Roles Of The Third Generation

લક્ષાધિપતિ-5
ટ્રિનિટી કેવી રીતે ટોરેન્ટ બની?:યુ. એન. મહેતાએ દોઢ વર્ષે માતા ગુમાવ્યાં, કેન્સર સહિતની અનેક બીમારી, ટોરેન્ટ ફાર્માથી ગુજરાત ટાઇટન્સ સુધીની પાવરફુલ સફર, અજાણી સંઘર્ષગાથા

અમદાવાદ1 વર્ષ પેહલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

આજે તો ટોરેન્ટ પાવર, ટોરેન્ટ ફાર્મા કે પછી ગુજરાત ટાઇટન્સ માત્ર ગુજરાતી જ નહીં, દેશભરના લોકોની જીભે ચઢેલાં નામ છે. અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલ વિશ્વમાં અલગ જ સ્થાન ધરાવે છે. અલબત્ત, આ સામ્રાજ્ય ઊભું કરવામાં કેટલી મહેનત થઈ હશે એની જાણ ભાગ્યે જ કો

.

‘લક્ષાધિપતિ’ના આજના એપિસોડમાં આપણે વાત કરીશું યુ. એન. મહેતા પરિવારની. ઉત્તમભાઈને કઈ ટેબ્લેટની લત લાગી ગઈ હતી? આ લતને કારણે તેમણે કેવી કેવી સમસ્યાનો સામનો કર્યો? તબિયત સતત કથળતી જતી હતી છતાં બિઝનેસમાં કેવી રીતે ધ્યાન આપ્યું? યુ. એન. મહેતાનો જીવનમંત્ર શું હતો? યુ. એન. મહેતાનાં ચાર સંતાનો આજે શું કરે છે અને ત્રીજી પેઢી શું કરી રહી છે?

દાદા-પિતાનો ધીરધારનો ધંધો ઉત્તમલાલ નાથાલાલ મહેતા (યુ. એન. મહેતા)નો જન્મ 1924માં પહેલી જાન્યુઆરીએ પાલનપુરના નાનકડા ગામ મેમદપુરમાં જૈન પરિવારમાં થયો. ઉત્તમભાઈના દાદા લવજીભાઈ ધીરધારનો ધંધો કરતા. પિતા પાસેથી વારસામાં મળેલા ધીરધારનો ધંધો પછી નાથાલાલ કરવા લાગ્યા. નાથાલાલ ને કંકુબહેનને સૌથી મોટો દીકરો અંબાલાલ, ત્યાર બાદ દીકરી બબુબહેન, પછી એક દીકરો નાની ઉંમરમાં ગુજરી ગયો. પછી દીકરી ચંદન બહેન અને સૌથી નાના ઉત્તમભાઈ. બબુબહેનનાં લગ્ન મેમદપુરમાં જ થયાં હતાં અને ચંદનબહેનનાં લગ્ન ગઠામણ ગામે થયાં હતાં, પરંતુ નાની ઉંમરમાં વિધવા બનતાં તેઓ પિયર આવી ગયાં હતાં. મોટા દીકરા અંબાલાલની વાત કરીએ તો, તેમણે ચાર ધોરણ સુધીનો અભ્યાસ મેમદપુરમાં કર્યો ને પછી પાલનપુર માસી-માસાને ત્યાં રહીને સાત ધોરણ સુધી ભણ્યા. તેમણે નોકરી મળી, પરંતુ મજા ના આવી તો છોડી દીધી. ત્યાર બાદ તેઓ રંગૂન (બર્મા) ગયા, પણ મેમદપુર પરત આવીને ધીરધારનો ધંધો કરવા લાગ્યા. તેઓ પછી ગામથી 10 કિમી દૂર છાપીમાં રહેવા લાગ્યા અને તેઓ વૈદ્ય બન્યા. તેમણે પછી કાંતાબહેન સાથે લગ્ન કર્યાં અને તેમને પાંચ સંતાનો જ્યોત્સ્ના, રંજન, લલિત, કમલેશ તથા સુનીલ થયાં.

દોઢ વર્ષની ઉંમરે માતા ગુમાવ્યાં ઉત્તમભાઈ દોઢ વર્ષના હતા ત્યારે તેમને તથા માતા કંકુબહેનને હડકાયું કૂતરું કરડ્યું. દોઢ વર્ષના ઉત્તમભાઈને એ સમયે અમદાવાદ સારવાર માટે લાવીને ઇન્જેક્શન અપાવવામાં આવ્યાં. કમનસીબે માતાએ ઇન્જેક્શન ના લેતાં તેમનું થોડા સમયમાં જ અવસાન થયું. નાની ઉંમરે માતા ગુમાવવાને કારણે ઉત્તમભાઈને માતાનું કોઈ સ્મરણ યાદ રહ્યું નહીં. પાલનપુર આમ નવાબી રાજ્ય હતું, પરંતુ અભ્યાસને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું ને એ અંગેની સવલતો પણ ભાગ્યે જ હતી. પાંચ વર્ષની ઉંમરે ઉત્તમભાઈને મેમદપુરના ઔટાવાસમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં મૂકવામાં આવ્યા. ત્યારે ગામમાં એવું કે સ્કૂલના જે માસ્તર (શિક્ષક) ગામમાં એકલા રહેતા હોય તો વિદ્યાર્થીઓએ તેમના ઘરનું થોડું કામ કરવાનું, તેમના માટે ચીજવસ્તુ લઈ જવાની રહેતી. ઉત્તમભાઈ આ રીતે ચાર ધોરણ સુધી ભણ્યા. ધીરધારનો ધંધો તૈયાર હતો, પરંતુ ઉત્તમભાઈને ભણવાની ઘણી જ ઈચ્છા હતી. માતા ના હોવાથી નાનકડા ઉત્તમભાઈ ઘરકામ પણ થોડું ઘણું કરતા.

સવારે ચાર વાગ્યે ઊઠીને સ્કૂલે જતા વાચકોને જાણીને નવાઈ લાગશે કે 1929-1933ના સમયગાળામાં ચોથું ધોરણ ઘણું જ અઘરું ગણાતું. જે વિદ્યાર્થી ચોથું ધોરણ પાસ કરે તો તેણે કોઈ મોટો ખિતાબ જીત્યો હોય તેમ માનવામાં આવતું. ઉત્તમભાઈ ચોથા ધોરણમાં આવ્યા ત્યારે રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને સ્કૂલમાં વાંચવા જતા. ગામમાં ચાર ધોરણ સુધીની સ્કૂલ હતી અને પછી વધુ અભ્યાસ માટે પાલનપુર જવું પડતું. ઉત્તમભાઈ પણ ત્યાં ગયા. ચંદનબહેન પછી પાલનપુર રહેતાં અને તેમણે મુશ્કેલીઓ વેઠીને ભાઈને ભણાવ્યો. સ્કૂલમાં ઉત્તમભાઈ ફૂટબોલ, ક્રિકેટ તથા અનેક પ્રકારની રમત રમતા હતા. મેટ્રિકની પરીક્ષા ઉત્તમભાઈએ 62% સાથે પાસ કરી. તેમને આગળ ભણવું હતું તો તેમણે ભાવનગરની સાયન્સ કોલેજમાં એડમિશન લીધું. સાયન્સમાં એડમિશન તો લઈ લીધું, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી પૈસાની ખેંચ થવા લાગી. તેમણે આર્થિક તંગી વચ્ચે પહેલું વર્ષ પાસ કર્યું.

ઉત્તમલાલ નાથાલાલ મહેતા.
ઉત્તમલાલ નાથાલાલ મહેતા.

લોન વિદ્યાર્થી તરીકે કોલેજ કરી આ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે મુંબઈની મહાવીર જૈન વિદ્યાલયમાં એડમિશન મળી શકે છે તો તેમણે જૂન, 1941માં ત્યાં એડમિશન લીધું. તેઓ લોન વિદ્યાર્થી તરીકે ગયા. લોન વિદ્યાર્થી એટલે કે સંસ્થા જે-તે વિદ્યાર્થીનો તમામ ખર્ચ ચૂકવે અને વિદ્યાર્થી કમાતો થાય એટલે પૈસા પરત કરે. આ જ કારણે ઉત્તમભાઈને હવે ઘરેથી પૈસા મંગાવવાની જરૂર પડી નહીં. જૈન વિદ્યાલયથી દોઢ કિમી દૂર આવેલી મુંબઈની વિલ્સન કોલેજમાં એડમિશન લીધું. કોલેજમાં પણ તેઓ ટેનિસ ને બેડમિન્ટન રમતા. એકવાર તેઓ કોલેજની ચૂંટણીમાં ઊભા રહ્યા અને વિજેતા બન્યા. મુંબઈમાં 1942માં ક્રાંતિ મેદાનમાં યોજાયેલી ગાંધીજીની સભામાં ઉત્તમભાઈએ પણ ભાગ લીધો. ગાંધીજીથી ઘણા જ પ્રભાવિત થયા.

કોલેજ પછી નોકરી કરી ઉત્તમભાઈના મનમાં વેપાર કરવાના વિચાર આવે, પરંતુ પાસે પૈસા હતા નહીં એટલે તેમણે શરૂઆતમાં જે નોકરી મળે એ કરવાનું નક્કી કર્યું. 1944માં તેમણે મહિને 125 રૂપિયાના પગાર સાથે રેશનિંગની ઑફિસમાં કામ કરવાની શરૂઆત કરી. ઉત્તમભાઈ કેમિકલ કે ફાર્મામાં આગળ વધવા માગતા હતા એટલે તેમણે ચાર-છ મહિના સુધી ‘એશો કેમ’ કંપનીમાં 100 રૂપિયાના પગારે નોકરી કરી. તેમને હવે ફાર્મામાં જ આગળ વધવું હતું એટલે જ્યારે સમય મળે ત્યારે અલગ-અલગ કંપનીમાં સામેથી ઇન્ટરવ્યૂ આપવા પહોંચી જતા.

પગ નીચેથી જમીન સરકી ગઈ! એકવાર ઉત્તમભાઈ જાણીતી વિદેશી કંપની ‘સેન્ડોઝ’માં ઇન્ટરવ્યૂ માટે ગયા. મેનેજિંગ ડિરેક્ટર સિંઘલે બે કલાકમાં તેમને અગણિત સવાલો પૂછ્યા અને છેલ્લે તેમને કહેવામાં આવ્યું કે તમે આ કંપનીમાં ક્યારથી જોડાઈ શકો છો? આ સાંભળીને ઉત્તમભાઈને લાગ્યું કે પગ નીચેથી જમીન સરકી રહી છે. જ્યાં તેઓ નાની-નાની નોકરી શોધતા હતા ત્યાં તેમને વિદેશી કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવની નોકરી મળી. સેન્ડોઝ કંપનીએ એ સમયે ટીબીનું ઇન્જેક્શન બનાવ્યું હતું. એનો પ્રસાર કરવાનો હતો. ઉત્તમભાઈને મહિને 225 રૂપિયાનો પગાર તથા રોજ 11 રૂપિયા ભથ્થું આપવાનું નક્કી થયું. બે મહિના મુંબઈ ટ્રેનિંગ લીધી અને પછી અમદાવાદ આવ્યા.

લોજનું ખાવાથી તબિયત બગડી મુંબઈમાં અભ્યાસ પૂર્ણ થયો ને નોકરી મળી પછી ઉત્તમભાઈએ લોજમાં ખાવાનું શરૂ કર્યું અને એને કારણે પાચનતંત્રની બીમારી થઈ. અમદાવાદમાં તેમને ક્રોનિક ડિસેન્ટરીની બીમારી થઈ. અમદાવાદમાં નોકરી દરમિયાન તેમણે સૌરાષ્ટ્ર તથા રાજસ્થાન જવું પડતું અને સતત બહારનું જમવું પડતું. આ જ કારણે તેમની તબિયત સારી રહેતી નહોતી.

યુ. એન. મહેતાનાં પત્ની શારદાબેન મહેતાનું અમદાવાદમાં 2024માં 93 વર્ષની વયે અવસાન થયું હતું.
યુ. એન. મહેતાનાં પત્ની શારદાબેન મહેતાનું અમદાવાદમાં 2024માં 93 વર્ષની વયે અવસાન થયું હતું.

1947માં લગ્ન કર્યા ઉત્તમભાઈએ ગામમાં જ શારદાબહેન સાથે 27 ફેબ્રુઆરી, 1947માં લગ્ન કર્યા. એ સમયે જૈનોમાં રિવાજ હતો કે વરપક્ષ તરફથી કન્યાપક્ષને લહાણી આપવામાં આવે. ઉત્તમભાઈ આ બધામાં માને નહીં અને એ જ કારણે તેમણે લહાણી આપી નહીં. તેઓ દૃઢપણે માનતા કે જ્ઞાતિના રિવાજ ફરજિયાત હોવા જોઈએ નહીં. શરૂઆતમાં ઉત્તમભાઈના નિર્ણયનો વિરોધ થયો, પરંતુ પછી કોઈ કંઈ બોલ્યું નહીં. તેમનાં લગ્નમાં એ સમયે ચાર હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.

લગ્નના દસમા દિવસે અમદાવાદ આવ્યા લગ્ન કર્યાના દસમા દિવસે ઉત્તમભાઈ પત્ની શારદાબહેન સાથે અમદાવાદની ધનાસુથારની પોળમાં એક રૂમ ભાડેથી રાખીને રહેવા લાગ્યા. ઉત્તમભાઈને ફિલ્મ જોવાનો જબરો શોખ હતો. રાજ કપૂર-નરગિસ તેમનાં ફેવરિટ એક્ટર્સ તો કુંદનલાલ સાયગલ ફેવરિટ સિંગર હતા. અમદાવાદ હોય ત્યારે તેઓ ઘણીવાર ફિલ્મ જોવા જતા. આ ઉપરાંત ઉત્તમભાઈને વાંચવાનો ઘણો જ શોખ હતો અને એક પણ દિવસ એવો ના જાય કે તેમણે વાંચન કર્યું ના હોય. જો ઉત્તમભાઈ કંપનીના કામે વધુ દિવસ બહાર રહે તો 16-17 વર્ષનાં શારદાબહેન છાપી જાય. 1949માં 21, મેના રોજ મોટી દીકરી મીનાનો જન્મ મેમદપુરમાં થયો. ત્યાર બાદ ઉત્તમભાઈએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું. 1952માં ઉત્તમભાઈએ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે ઝાટકણની પોળમાં 45 રૂપિયાના ભાડે રહેવા લાગ્યા. એપ્રિલ, 1952માં બીજી દીકરી નયનાબહેનનો જન્મ પાલનપુરમાં થયો. 1954માં એપ્રિલમાં દીકરા સુધીરભાઈનો જન્મ ને 18 સપ્ટેમ્બર, 1963માં દીકરા સમીરભાઈનો જન્મ. 1945-1954 સુધીમાં ઉત્તમભાઈએ મુંબઈની મહાવીર જૈન વિદ્યાલયની લોન ચૂકતે કરી હતી.

અમેરિકા જવાનો વિચાર પણ આવ્યો 1945માં ઉત્તમભાઈને અમેરિકા જવાનો વિચાર પણ આવ્યો હતો. 1947માં પાંચ હજાર રૂપિયા મેળવીને અમેરિકા જવાનું નક્કી કર્યું, પરંતુ ઉપરાઉપરી ખર્ચ આવી જતાં ત્યારે અમેરિકા જવું શક્ય બન્યું નહીં.

1957માં સેન્ડોઝ કંપનીએ સુપરવાઇઝર નીમ્યો 1957માં સેન્ડોઝ કંપનીએ અમદાવાદમાં ઉત્તમભાઈની ઉપર સુપરવાઇઝર નીમ્યો. આ વાતથી ઉત્તમભાઈને ઘણું જ દુઃખ થયું. તેમને લાગ્યું કે કંપની માટે રાત-દિવસ જોયા વગર ને સ્વાસ્થ્યની પરવા પણ ના કરી, પરંતુ કંપનીએ તેમની સાથે ખોટું કર્યું. સુપરવાઇઝર ગમે તેમ કરીને ઉત્તમભાઈને હેરાન કરે. આ જ કારણે ઉત્તમભાઈ નોકરી છોડવાનું વિચારતા અને અંતે, 1958માં ઓગસ્ટ મહિનામાં તેમણે નોકરી છોડી. ત્યાર બાદ તેઓ મુંબઈ ગયા અને ત્યાં વકીલ તપોધનને મળ્યા. તેમણે ઉત્તમભાઈને ઓછી ફીમાં ઇમ્પોર્ટનું લાઇસન્સ મેળવી આપ્યું. ઉત્તમભાઈએ ‘ટ્રિનિટી લેબોરેટરીઝ’ નામથી દવા બનાવવાનું શરૂ કર્યું ને તેમણે વા માટેની દવા ‘ટ્રિનિપાયરીન’ તથા ‘ટ્રિનિસ્પાઝમીન’ પેટના દુખાવા માટે બનાવી. મુંબઈમાં બે હજાર આપીને નાનકડી ઑફિસ બનાવી. દવા વેચાતી હતી, પરંતુ ઉત્તમભાઈની તબિયત સતત બગડતી જતી હતી. પરિવાર અમદાવાદમાં હતો અને તેઓ એકલા મુંબઈમાં બહારનું ખાતા હતા. દવાનો આ બિઝનેસ જોઈએ એવો ચાલ્યો નહીં અને 25 હજાર રૂપિયાનું આંધણ થયું ને રોડપતિ બની ગયા. જ્યારે ઉત્તમભાઈ નોકરી કરતા ત્યારે સંબંધીઓ ને મિત્રો સાથ આપતા, પરંતુ હવે તેઓ એકલા પડી ગયા હતા.

સમીર મહેતા.
સમીર મહેતા.

એક ટેબ્લેટને કારણ વધી મુશ્કેલી આ દરમિયાન ઉત્તમભાઈની એક આદતે પરિવારને હેરાન-પરેશાન કરી દીધો. 1954માં ઉત્તમભાઈ જ્યારે ભાવનગર હતા ત્યારે તેમને શરદી થઈ તો ડૉક્ટરે એમ્ફેટેમિન ટેબ્લેટ આપી. આ દવાથી વ્યક્તિ એકદમ તાજગી અનુભવતી થઈ જાય, પરંતુ તેની સાઇડ ઇફેક્ટ્સ ઘણી હતી. ઉત્તમભાઈને આ દવાની આદત પડી ગઈ હોય એમ લાગ્યું. ઉત્તમભાઈએ દસ વર્ષ સુધી આ દવા લીધી. આ દવા જો ના લે તો તેમને કામ કરવાનું મન થાય નહીં. આ દવાની સાઇડ ઇફેક્ટ્સ ધીમે ધીમે વધવા લાગી ને તેઓ માનસિક બીમારીનો ભોગ બન્યા. તબિયત વધુ લથડતાં ઉત્તમભાઈનાં પત્ની શારદાબહેને પરિવાર સાથે છાપી જવાનું નક્કી કર્યું. છાપીમાં ઉત્તમભાઈની તબિયતને કારણે પરિવાર આર્થિક તંગીમાં સપડાયો. ઉત્તમભાઈ ખાસ કમાતા કરતા નહોતા ને વધુમાં ટેબ્લેટની લત તો લાગેલી જ હતી. આ સમયે ઉત્તમભાઈએ શિક્ષક તરીકે નોકરી કરવાનું નક્કી કર્યું, પરંતુ ટ્રસ્ટીઓએ ઉંમરનો વાંધો કાઢીને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા જ નહીં. સ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરમાં ચાર-પાંચ દિવસે એકવાર જ શાક બનતું ને પરિવાર માત્ર દૂધ ને રોટલી પર ગુજરાન ચલાવતો. ઉત્તમભાઈ કહ્યા વગર નોકરી કે ધંધા માટે ક્યારેક અમદાવાદ તો પાલનપુર કે સિદ્ધપુર જતા. ટેબ્લેટની આદત એ હદે પડી ગઈ હતી કે એની અસરો હવે દેખાવા લાગી હતી. એકવાર તો એવું થયું કે શારદાબહેન પાસે થોડી-ઘણી બચત તરીકે 300 રૂપિયા હતા અને તેમણે આ પૈસા શરાફને આપ્યા હતા. ઉત્તમભાઈએ 300 રૂપિયા લઈને દવા બનાવવાનું નક્કી કર્યું, પરંતુ ટેબ્લેટની લત હોવાથી તેમણે આ પૈસા તેમાં ખર્ચી કાઢ્યા. ઉત્તમભાઈને બહારના માણસો જુએ તો કોઈ ના કહે કે આમને કોઈ બીમારી છે. માનસિક બીમારીની જાણ માત્ર પરિવારના લોકોને જ હતી. ઉત્તમભાઈ દવાની અસર હેઠળ પોલીસ સ્ટેશન જઈ ખોટી ફરિયાદ કરે, ક્યારેક દવા માટે દૂર-દૂર જતા રહે. ઘણીવાર તો ઉત્તમભાઈને પણ ખ્યાલ ના રહેતો કે તેઓ દવાની અસર હેઠળ કેવું વર્તન કરે છે. પરિવાર સમજાવવાનો અથાગ પ્રયાસ કરે, પરંતુ તેઓ માને જ નહીં. મરોલીમાં માનસિક રોગોની હૉસ્પિટલમાં શોક પણ આપવામાં આવ્યો હતો. અંતે, એમ્ફેટેમિન દવા (સરકારે પછી આ દવા પર બૅન પણ મૂક્યો હતો)ની લત છૂટી.

દવા બનાવવાને બદલે પૈસા બીજે વાપરી કાઢ્યા આ પ્રતિકૂળ સમયમાં શારદાબહેનના નાના ભાઈ સુમિતે હંમેશાં સાથ આપ્યો. ઉત્તમભાઈએ છાપીમાં ફરી એકવાર ‘ટ્રિનિપાયરીન’ દવા બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેઓ પાલનપુરના આસપાસનાં ગામડાંમાં જતા. સાયન્સ ગ્રેજ્યુએટ હોવાથી પેન્ટ-શર્ટ તથા ટાઇ પહેરીને મહેસાણા-બનાસકાંઠામાં ડૉક્ટર્સ પાસે આ દવા માટે જતા. એ વાત અલગ છે કે તેમણે પેન્ટ સાળાનું માગેલું હોય. તે સવારે પહેરે અને રાતે શારદાબહેન ધૂએ અને પછી પાછું બીજા દિવસે પહેરે. એ રીતે ઘણા સમય સુધી કર્યું. 1965માં ઉત્તમભાઈએ માનસિક રોગ સ્કિઝોફ્રેનિયા માટે ‘ટ્રિનિકામ’ ટેબ્લેટ બનાવી. આ ટેબ્લેટ માત્ર 18 પૈસામાં મળતી. પિતાના અવસાન બાદ ઉત્તમભાઈને મેમદપુરમાં ઘર મળ્યું અને એ વેચીને છ હજાર રૂપિયા મળ્યા. આ રૂપિયાથી ‘ટ્રિનિકામ પ્લસ’નું ઉત્પાદન કર્યું. પાલનપુરમાં એક સમયના તેમના સહાધ્યાયી જેસિંગભાઈ સાથે ઉત્તમભાઈએ ભાગીદારીમાં દવાઓ મેન્યુફેક્ચરિં શરૂ કર્યું, પરંતુ બે વર્ષ બાદ જેસિંગભાઈને ખાસ વળતર મળવાની આશા ના લાગતાં તેઓ છૂટા થયા. ઉત્તમભાઈએ છાપીમાં સાળાના મકાનમાં ટ્રિનિટી કંપનીની ઓફિસ શરૂ કરી.

ટોરેન્ટ ગ્રુપે IPLની ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’માં 67% હિસ્સો ખરીદ્યો હતો; ડાબેથી, અમિત સોની, વરુણ મહેતા, સિદ્ધાર્થ પટેલ, શાન મહેતા, અમન મહેતા.
ટોરેન્ટ ગ્રુપે IPLની ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’માં 67% હિસ્સો ખરીદ્યો હતો; ડાબેથી, અમિત સોની, વરુણ મહેતા, સિદ્ધાર્થ પટેલ, શાન મહેતા, અમન મહેતા.

1968માં ઉત્તમભાઈ ફરીવાર અમદાવાદ આવ્યા નાની પુત્રી નયનાબહેન ને નાનો પુત્ર સમીરભાઈ કોલેજ જવા યોગ્ય થઈ ગયા એટલે પરિવારે અમદાવાદ આવવાનું નક્કી કર્યું ને તેઓ જૂન, 1968માં ટ્રકમાં સામાન ભરીને અમદાવાદ આવ્યા. આ સમયે ઉત્તમભાઈએ મણિનગરની કમલકુંજ સોસાયટીમાં મકાન ભાડે લીધું. ઘરમાં પંખો લાવવા જેટલા પૈસા નહોતા. જૂનની ગરમીમાં પરિવાર કેટલાય દિવસો પસાર કર્યા. થોડા સમય બાદ મણિનગરની જલારામ પાર્ક સોસાયટીમાં રહેવા આવ્યા. આ સમયે ચાર હજાર રૂપિયામાં ઇમ્પોર્ટ લાઇસન્સ મળ્યું. પછી દસ હજાર રૂપિયાનું લાઇસન્સ મળ્યું એટલે જલારામ પાર્કમાં 14 બાય 10 ફૂટનો એક રૂમ લીધો ને ત્યાં ઑફિસ બનાવવામાં આવી ને. દવાનું પેકિંગ ત્યાં થતું.

દીકરીએ કોલેજનું ફોર્મ ભર્યું ત્યારે ઉત્તમભાઈની આંખમાંથી પાણી આવ્યું દીકરી મીનાબહેને પાલનપુરની આર્ટ્સ કોલેજમાં EBC (ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ)માં ફોર્મ ભર્યું. આ જોઈને ઉત્તમભાઈની આંખમાં આંસુ આવી ગયાં. એક વખતે વિદેશી કંપની સેન્ડોઝમાં સારા પગારે નોકરી કરતા અને આજે તેમની પાસે કંઈ જ નહોતું. 1967માં દીકરી મીનાબહેનના લગ્ન થયા. આ સમયે શારદાબહેન પાસે ચાર સોનાની બંગડી હતી, તેમાંથી બે મીનાબહેનને આપી. મામેરું 5 હજારનું થયું અને એ રીતે ઉત્તમભાઈએ દીકરીના લગ્ન કર્યા.

અચાનક જ ટોરેન્ટ નામ પાડવામાં આવ્યું ઉત્તમભાઈએ અમદાવાદના શાહઆલમ વિસ્તારના એક મકાનમાં ફેક્ટરી બનાવવાનું નક્કી કર્યું. આ મકાન ત્રિકોણ આકારમાં હતું અને તેથી જ એને અપશુકનિયાળ માનીને ઘણાએ એ લેવાની ના પાડી, પરંતુ ઉત્તમભાઈ આ બધામાં માનતા જ નહોતા. જે દિવસે ફેક્ટરી શરૂ કરવાની હતી એ જ દિવસે ઉત્તમભાઈની ‘ટ્રિનિટી કંપની’ પર ટ્રેડમાર્ક ભંગનો કેસ મદ્રાસ (હાલનું ચેન્નઇ)ની એક કંપનીએ કર્યો. આ જ કારણે દર પંદર દિવસે મદ્રાસ કોર્ટ કેસના ધક્કા માટે જવું પડતું. ઉત્તમભાઈ ટ્રેડમાર્ક બદલવા તૈયાર હતા, પરંતુ સામા પક્ષે આ વાતને વટની બનાવી દીધી. અંતે થોડાં વર્ષ બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું ને ઉત્તમભાઈએ ટ્રિનિટીમાંથી નામ બદલીને ‘ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ’ કર્યું.

ઉત્તમભાઈની દવા ટ્રિનિટી તરીકે ગુજરાતમાં જાણીતી બની હતી અને હવે અચાનક જ તેનું નામ બદલાયું. ઉત્તમભાઈને ફરીથી એકડો ઘૂંટવાનું થયું. ઉત્તમભાઈ સતત વાંચન કરતા અને લોકોમાં જેની ડિમાન્ડ હોય એ દવા બનાવવાનું વિચારતા. બીજી કોઈ કંપનીની દવા માર્કેટમાં આવે તે પહેલાં તેઓ પોતાની દવા બજારમાં મૂકતા. અમદાવાદની જલારામ સોસાયટીમાં ત્રણેક વર્ષ રહ્યા. આ દરમિયાન તેમના પડોશી બાબુભાઈના બનેવી ડાહ્યાભાઈ જમનાદાસ શાહ અમદાવાદમાં રહેતા. તેઓ ‘બીટેક્સ’ ને ‘જર્મ્સ કટર’ જેવી દવાઓનું વેચાણ બંગાળ, દક્ષિણ ભારત, બિહાર, હરિયાણામાં કરતા ને તેમની દિલ્હી-કલકત્તા (હાલનું કોલકાતા)માં ઑફિસ હતી. ઉત્તમભાઈએ ડાહ્યાભાઈને વેચાણ કરવાની વાત કરી, પરંતુ તેમણે ના પાડી. પછી તેમણે દિલ્હી ને કોલકત્તામાં ઉત્તમભાઈની દવા વેચવાનું નક્કી કર્યું. આ રીતે ઉત્તમભાઈની દવાઓ ગુજરાત બહાર મળતી થઈ. આ દરમિયાન તેમણે નવી-નવી દવાઓ બનાવીને મૂકી. અમદાવાદમાં એક ડૉક્ટરે ‘ટ્રિનિબિયમ’ ને ‘ટ્રિનિસ્પાઝમીન ટેબ્લેટ’નો બે લાખ ઓર્ડર આપ્યો. ઉત્તમભાઈ માટે આ મોટી તક હતી.

ઉત્તમભાઈના મનમાં સતત આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું એક જ વાક્ય ફર્યા કરે, પોતાની મુશ્કેલીઓને અવરોધરૂપ માનવાને બદલે એમાંથી ભવિષ્યની ઊજળી તકો શોધવી.

દવા વેચાણમાં ઉત્તરોત્તર વધારો થયો 1965-66માં ઉત્તમભાઈએ પોતાની બનાવેલી 20 હજાર રૂપિયાની દવાનું વેચાણ કર્યું. 1967-68માં વધીને 66 હજાર રૂપિયાનું વેચાણ થયું.1972-73માં 4 લાખ 47 હજાર રૂપિયાનું વેચાણ થયું. 1974-75માં વેચાણ અગિયાર લાખ રૂપિયાને આંબી ગયું. આ દરમિયાન તેમણે લોન લાઇસન્સ મળ્યું અને અમદાવાદમાં દવાનું ઉત્પાદન શરૂ થયું. મુંબઈથી જરૂરી કેમિકલ્સ મગાવવામાં આવતાં. 1989માં મહેન્દ્ર ઇલેક્ટ્રિકલ લિમિટેડ હસ્તગત કરી ને 1992માં ‘ગુજરાત ટોરેન્ટ એનર્જી કોર્પોરેશન’ની શરૂઆત કરી.

1970માં પહેલી કાર લીધી ઉત્તમભાઈએ 1970માં પહેલી જ વાર 13 હજાર રૂપિયામાં સેકન્ડ હેન્ડ એમ્બેસેડર કાર લીધી. ઉત્તમભાઈ માનતા કે આ કાર તેમના માટે શુકનવંતી રહી છે. પછી તો તેમણે અનેક કાર લીધી ને આજે તો સમીરભાઈ-સુધીરભાઈ પાસે લક્ઝુરિયસ કારનો ખડકલો છે. 1973માં ઉત્તમભાઈ મણિનગર છોડીને પ્રીતમનગરના ન્યૂ આશિષ ફ્લેટમાં રહેવા આવી ગયા. 1975માં પાલડીમાં નીલપર્ણા સોસાયટીમાં જમીન ખરીદી ને એક વર્ષ બાદ પાક્કો દસ્તાવેજ કર્યો. 1977માં મકાન બન્યું.

1977-78માં બીમાર પડ્યા મોટા દીકરા સુધીરભાઈ પિતાની સાથે બિઝનેસ સંભાળવા લાગ્યા હતા. 1976ની આસપાસ ઉત્તમભાઈને રોજ તાવ આવવા લાગ્યો ને પછી એક દિવસ અચાનક ગાંઠ નીકળી. ડૉક્ટર્સે અલગ-અલગ નિદાન કર્યું, કોઈએ ટીબી તો કોઈએ હોચકિન્સ નામનો રોગ હોવાનું કહ્યું. તેમણે અમદાવાદના એક ડૉક્ટરને સ્લાઇડ આપી અને હોચકિન્સ ડિસીસ નામનું કેન્સર હોવાનું નિદાન થયું. તેઓ પછી મુંબઈ ગયા ને ત્યાંના પેથોલોજિસ્ટે હોચકિન્સ ડિસીસ હોવાનું કહ્યું. પછી ઉત્તમભાઈને થયું કે મુંબઈમાં છીએ તો ટાટા કેન્સર હૉસ્પિટલમાં બતાવીએ. પત્ની સાથે ત્યાં ગયા. ડોક્ટરે એન્જિયા ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફએડેનોપથી થયો હોવાનું કહ્યું. આ રોગનો ભારતનો સર્વપ્રથમ કેસ હોવાનું પણ સાથે જણાવ્યું. કેન્સરના ઇન્જેક્શનની સાથે સાથે કોપ થેરપી શરૂ કરી. સામાન્ય રીતે આ બીમારીમાં વ્યક્તિ ત્રણથી છ મહિના જ જીવે. ભારતમાં આ પહેલો જ કેસ હતો એટલે બહુ માહિતી પણ નહોતી. ઉત્તમભાઈએ બીમારીની સારવાર માટે વિશ્વમાં આવેલી અલગ-અલગ કેન્સર સોસાયટીને પત્ર લખીને આ અંગે માહિતી માગી. આ દરમિયાન ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિને જણાવ્યું કે આ બીમારીમાં રોબર્ટ લ્યૂકસ તથા હેન્રી રાપાપોર્ટ એક્સપર્ટ છે. ઉત્તમભાઈની તબિયત દિવસે દિવસે બગડતી હતી. તાવ સતત રહેતો ને શરીર પર ગાંઠો વધતી જતી અને ખંજવાળ પણ આવતી. ઉત્તમભાઈને જાણ થઈ કે ડૉ. હેન્રી રાપાપોર્ટ મુંબઈ છ કલાક માટે આવે છે તો તેમણે તરત જ મુંબઈ જવાનું નક્કી કર્યું.

અમન મહેતાએ સંજય લીલા ભણસાલીની ભાણી શર્મિન સાથે લગ્ન કર્યાં છે.
અમન મહેતાએ સંજય લીલા ભણસાલીની ભાણી શર્મિન સાથે લગ્ન કર્યાં છે.

મકાનનું વાસ્તુ પૂરું કરી મુંબઈ ગયા, અચાનક કમળો થયો આ દરમિયાન ઉત્તમભાઈ પર રોબર્ટ લ્યૂકસનો તાર આવ્યો ને સ્લાઇડ મગાવી.1978માં ઘરનું વાસ્તુ પૂજન હતું અને તેના બીજા જ દિવસે રાપાપોર્ટ મુંબઈ આવવાના હતા. પૂજા પૂર્ણ કરીને ઉત્તમભાઈ એ દિવસે સાંજે જ ટ્રેનમાં મુંબઈ ગયા. મુંબઈમાં ટાટા હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે તો ડૉ. હેન્રીએ તેમની સ્લાઇડ્સ જોઈ લીધી હતી. હૉસ્પિટલમાં ઉત્તમભાઈએ લ્યૂકસના તાર અંગે વાત કરીને સ્લાઇડ મગાવી. બંનેએ એન્જિયા ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફએડેનોપથી હોવાનું જણાવ્યું. ઉત્તમભાઈની કોપ થેરપી પણ પૂરી થઈ. ઉત્તમભાઈ સારવાર માટે અમેરિકા જવાનું વિચારતા હતા ને અચાનક કમળો થયો અને તેઓ બેભાન થઈ ગયા. સ્થિતિ એ હદે ખરાબ હતી કે તેઓ બચશે કે નહીં એ પણ એક સવાલ હતો. અલબત્ત, દોઢ મહિના બાદ તેઓ કમળામાંથી ઊગરી ગયા.

મજૂરોની હડતાળને મચક ના આપી આ દરમિયાન ટોરેન્ટ કંપનીમાં મજૂરોએ હડતાળ પાડીને ખાસ્સોએવો પગાર વધારો માગ્યો. ઉત્તમભાઈ આ માટે તૈયાર નહોતા. તેમણે અલગ જ રીતે આ હડતાળનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું ને તેમણે ન્યૂઝપેપરમાં જાહેરાત છપાવીને નવ કામદારને બદલે 40 કામદાર લીધા અને એક કેમિસ્ટને બદલે 6 કેમિસ્ટની નિમણૂક કરી. આ રીતે ફેક્ટરી દિવસ-રાત ચાલવા લાગી. છ મહિને આ હડતાળનું સમાધાન આવ્યું. આ ઘટનાથી ઉત્તમભાઈએ ફેક્ટરી વટવામાં તથા ઑફિસ આશ્રમરોડ પર આવેલા બી.પી. જાદવ ચેમ્બર્સના ત્રીજા માળે શરૂ કરી.

અમેરિકા જતાં પહેલાં જ્યોતિષીને મળ્યા ઉત્તમભાઈએ અમેરિકામાં લોસ એન્જલસમાં ડૉ. હેન્રી ને રોબર્ટ પાસે સારવાર કરાવવાનું નક્કી કર્યું. અમેરિકા જતાં પહેલાં તેમણે જ્યોતિષીને કુંડળી બતાવી આયુષ્ય અંગે સવાલ કર્યો હતો. જ્યોતિષીએ જવાબ આપવાની ના પાડી દીધી. એનો અર્થ એવો હતો કે ઉત્તમભાઈનું આયુષ્ય ટૂંકું હતું. ઉત્તમભાઈ પછી આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરને મળ્યા અને તેમણે એમ કહ્યું કે તમારે અમેરિકામાં કોઈ ઓપરેશન કરાવવાની જરૂર પડશે નહીં અને માત્ર ઇન્જેક્શન લેવું પડશે. ઉત્તમભાઈ પત્ની શારદાબહેન સાથે અમેરિકા ગયા અને ત્યાં તેમની સારવાર માટે કોઈ ગંભીર ઓપરેશન જરૂરી ન હોવાનું કહીને ઇન્જેક્શન આપવામાં આવ્યું. અલબત્ત, લ્યૂકસ તથા રાપાપોર્ટે કોઈપણ જાતનાં ઇન્ફેક્શનથી સાવચેત રહેવાનું કહ્યું હતું.

મહેતા પરિવાર.
મહેતા પરિવાર.

બીમારીઓ સતત સાથે રહી 1986માં ઉત્તમભાઈ ફરીવાર અમેરિકા ગયા અને ત્યાં તેમને હાર્ટ બ્લોકેજ હોવાની જાણ થતાં હ્યુસ્ટનમાં બાયપાસ સર્જરી કરાવી. 1990માં દિલ્હીમાં ટોરેન્ટ ઑફિસનું ફંક્શન હતું, પરંતુ ડૉક્ટર્સને ડર હતો કે ઉત્તમભાઈને પેરાલિસિસની અસર છે એટલે અમદાવાદ જ આરામ કરવાનું કહ્યું. ઉત્તમભાઈ સામાન્ય રીતે દર છ મહિને મેડિકલ ચેકઅપ માટે મુંબઈ જતા. 1992માં ઉત્તમભાઈ લગ્નપ્રસંગે મુંબઈ ગયા અને ત્યાં ચેકઅપ કરાવ્યો. ટેસ્ટમાં મલ્ટીપલ લિમ્ફનોડ (કેન્સરનો ઊથલો) હોવાની જાણ થઈ. અલગ-અલગ ટેસ્ટ થયા ને અંતે એ વાત સામે એવી કે ઉત્તમભાઈને લો ગ્રેડ લિમ્ફોમા છે. ડૉક્ટર્સે આ બીમારીમાં હાલમાં કોઈ દવાની જરૂર ના હોવાનું જણાવ્યું. સમયાંતરે મેડિકલ ચેકઅપમાં એ વાત સામે આવી કે ગાંઠો ધીમે ધીમે ઘટી રહી છે. આ દરમિયાન ઓગસ્ટ, 1992માં ઉત્તમભાઈને હરપીઝ (એક જાતનો ચામડીનો રોગ) થયો. આ ઉપરાંત તેમને સેપ્ટિસીમીયા, કેન્ડિડિયાસીસ, ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સીસ સહિતની બીમારીઓ થઈ હતી. 1995માં બ્રેઇનમાં બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા ઊભી થઈ હતી. 1997માં હાર્ટ-અટેક આવ્યો. એકવાર જમતી વખતે અચાનક જ કન્વર્ઝન ડિસઓર્ડરને કારણે બેભાન થતાં પંદરેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. છેલ્લે ઉત્તમભાઈની કિડની ફેલ થઈ અને તેઓ ડાયાલિસિસ પર હતા અને 1998માં 31 માર્ચે તેમનું અવસાન થયું.

મોતના 14 કલાક પહેલાં વચન માગ્યું ઉત્તમભાઈની સારવાર અમદાવાદના ડૉક્ટર આર.કે. પટેલ કરતા હતા. મોતના 14 કલાક પહેલાં ઉત્તમભાઈએ ડૉક્ટર પાસેથી વચન લીધું કે તેઓ સાધુ, સાધ્વી બીમાર પડે તો ક્લિનિક પર બોલાવવાને બદલે સામેથી તપાસવા જશે.

અમદાવાદમાં હાર્ટની બીમારી માટે યુ.એન. મહેતા હૉસ્પિટલ જાણીતી છે
અમદાવાદમાં હાર્ટની બીમારી માટે યુ.એન. મહેતા હૉસ્પિટલ જાણીતી છે

સિવિલ હૉસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો ઉત્તમભાઈનું સપનું હતું કે અમદાવાદમાં હાર્ટ હૉસ્પિટલ બનવી જોઈએ. 1982માં યુ. એન મહેતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી ને આ જ વર્ષે તેમણે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો. 10 વર્ષ પછી 1992માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ સાથે જ હૉસ્પિટલમાં 35 બેડ ઊભા કરવામાં આવ્યા. 1996માં આ ઇન્સ્ટિટ્યૂટનું નામ યુ. એન. મહેતા આપવામાં આવ્યું અને બેડની સંખ્યા વધારીને 75 કરવામાં આવી. આજે તો યુ. એન. મહેતા હૉસ્પિટલમાં હૃદય સંબંધિત લેટેસ્ટ સારવાર મળી રહી છે અને તે ગુજરાતભરમાં જાણીતી છે. 2020માં ટોરેન્ટ ગ્રૂપે PM કેર ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

  • ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલ્સ ભારતની સૌથી મોટી ફાર્મા કંપનીમાંથી એક છે. કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાત, મધ્યપ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશમાં છે. રિસર્ચ સેન્ટર અમદાવાદના ભાટ નજીક બનાવવામાં આવ્યું છે.
  • ટોરેન્ટ પાવરની વાત કરીએ તો, ગુજરાતના અમદાવાદ તથા સુરતમાં, મહારાષ્ટ્રના ભીંવડીમાં, ઉત્તર પ્રદેશમાં આગ્રા તથા કાનપુરમાં ઇલેક્ટ્રિસિટી પૂરી પાડે છે.
  • ટોરેન્ટ ગેસ ભારતમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, તેલંગાણા તથા પુડુચેરીના 34 જિલ્લામાં CNG તથા PNG પૂરું પાડે છે.
  • ગુજરાત ટાઇટન્સ, ટોરેન્ટ ગ્રૂપે 2025માં ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ગુજરાત ટાઇટન્સમાં પાંચ હજાર કરોડમાં 67% હિસ્સો ખરીદ્યો.

સંતાનોની વાત કરીએ તો,

  • સૌથી મોટાં દીકરી મીનાબહેનના લગ્ન દિનેશભાઈ સાથે થયા અને પછી દિનેશભાઈ ટોરેન્ટ કેબલમાં જોડાયા. તેમને ચાર સંતાનો, જેમાં ત્રણ દીકરી વૈશાલી, ટ્વિંકલ તથા પાયલ ને દીકરો રુચિર છે.
  • 1976માં બીજાં દીકરી નયનાબહેનના લગ્ન દુષ્યંતભાઈ સાથે થયા. દુષ્યંતભાઈની કાપડની એજન્સી હતી. દુષ્યંતભાઈ ટોરેલ કોસ્મેટિક્સ કંપની સંભાળે છે. તેમને બે સંતાનો, દીકરો જીનેશ તથા દીકરી વિહંગી છે.
  • દીકરા સુધીર મહેતાની વાત કરીએ તો, તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનાં પત્ની અનિતા અને તેમને બે દીકરાઓ જીનલ મહેતા તથા વરુણ મહેતા છે. સુધીર મહેતા ટોરેન્ટ ગ્રુપના ચેરમેન છે. તેમના દીકરા જીનલ મહેતાએ બેચલર ઑફ બિઝનેસ સ્ટડી તથા માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ ટેકનોલોજી સિડનીમાંથી કર્યું છે. હાલમાં તેઓ ટોરેન્ટ ફાર્મામાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ ઉપરાંત જીનલ મહેતા ટોરેન્ટ પાવરના વાઇસ-ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર છે તો ટોરેન્ટ ગેસના ચેરમેન છે. ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં જીનલ મહેતા ડિરેક્ટર છે. બીજા દીકરા વરુણ મહેતાની વાત કરીએ તો તેમણે ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ વોરવિકમાંથી B.Sc ઇન મેનેજમેન્ટ તથા ફ્રાન્સમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ ટોરેન્ટ પાવરમાં નોન એક્ઝિક્યુટિવ મેમ્બર છે અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ડિરેક્ટર છે.
  • સૌથી નાના દીકરા સમીર મહેતાએ અમદાવાદની શેઠ સીએન વિદ્યાલયમાંથી સ્કૂલિંગ કરીને એચ.એલ.માંથી કોમર્સમાં બેચલરની ડિગ્રી લીધી. ત્યાર બાદ અમદાવાદની બી. કે. મેનેજમેન્ટ કોલેજમાંથી MBAનો અભ્યાસ કર્યો. હાલમાં તેઓ ટોરેન્ટ ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. તેમને બે સંતાનો અમન તથા શાન. અમન મહેતાએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો અને પછી ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી MBA કર્યું. હાલમાં તેઓ ટોરેન્ટ ફાર્મામાં મેનેજિંગ ડિરેક્ટર તથા ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ડિરેક્ટર છે. અમન મહેતાએ 2019માં સમારા માધવાણી સાથે લગ્ન કર્યાં. સમારા માધવાણી બોલિવૂડ એક્ટ્રેસ મુમતાઝની નણંદ ગાયત્રીની દીકરી છે. અમન તથા સમારાનાં લગ્ન માંડ એક વર્ષ જ ટક્યાં અને બંને અલગ થઈ ગયાં. 2023માં અમને બોલિવૂડ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ભાણી શર્મિન સેહગલ સાથે લગ્ન કર્યાં અને મે, 2025માં તેઓ દીકરાનાં પેરેન્ટ્સ બન્યાં. સમીર મહેતાના બીજા દીકરા શાને કોલંબિયા યુનિવર્સિટીમાંથી MBA કર્યું અને હાલમાં તેઓ ટોરેન્ટ ફાર્મામાં સ્ટ્રેટેજિક પ્લાનિંગના હેડ છે.

રેફરન્સ બુકઃ આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખરઃ યુ.એન. મહેતાનું જીવનચરિત્ર

(‘લક્ષાધિપતિ’ના છઠ્ઠા ને છેલ્લા એપિસોડમાં વાંચો, અમદાવાદના પહેલા નગરશેઠ કહેવાતા લાલભાઈ પરિવાર અંગે, કેવી રીતે અરવિંદ મિલની સ્થાપના થઈ, લાલભાઈ ગ્રુપ આજે શું કરે છે…)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links