- Gujarati News
- Bhaskar khaas
- Lakshadhipati
- Laxadhipati Series Episode 2: The Ambani Family Saga—Why Dhirubhai Spent A Night At The Cremation Ground, His First Business, And Who Manages The Third Generation's Ventures
લક્ષાધિપતિ-2ધીરુભાઈ અંબાણીએ જૂનાગઢમાં ભજિયાંની લારી ચલાવી:મમ્મીએ ઠપકો આપતાં સીંગતેલ વેચ્યું ને કહ્યું- 'તમે ચિંતા ના કરો, હું ઢગલામોઢે રૂપિયા કમાઈશ', ત્રીજી પેઢી શું કરે છે?
- કૉપી લિંક


એકવાર એક વ્યક્તિએ ધીરુભાઈને પૂછ્યું કે તમે જીવનમાં ક્યારેય ગીતા વાંચી છે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તે તો ગીતાના આદર્શોથી જીવન જીવે છે.

અંબાણીનું નામ આજે ઘેર-ઘેર જાણીતું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નામ ભારતમાં જ નહીં, દુનિયા આખીમાં લોકપ્રિય છે. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર બિઝનેસમેન છે, પરંતુ તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ક્લાર્ક બનીને અથાગ પરિશ્રમથી આ મેગા અમ્પાયર ઊભું કર્યું છે.
'લક્ષાધિપતિ'ના આજના બીજા એપિસોડમાં આપણે વાત કરીશું અંબાણી પરિવારની. ધીરુભાઈએ કેમ સ્મશાનમાં આખી રાત વિતાવી, આઇસક્રીમ માટે મધદરિયે પડતું મૂક્યું. અંબાણી પરિવારની ત્રીજી પેઢી કયા બિઝનેસ સંભાળે છે. અંબાણી પરિવારની બે દીકરીઓ શું કરે છે...
શિવરાત્રિમાં ભજિયાંની લારી ચલાવી આઝાદી પહેલાં જૂનાગઢ સ્ટેટના ચોરવાડમાં શિક્ષક હીરાચંદ અંબાણીને ત્યાં 28 ડિસેમ્બર, 1932ના રોજ ધીરજલાલ (ધીરુભાઈ) અંબાણીનો જન્મ થયો. પરિવારમાં ધીરુભાઈ પાંચમું સંતાન હતા. પિતા શિક્ષક તો માતા જમનાબહેન ઘર સંભાળતાં. શિક્ષક પરિવાર એટલે પૈસા એટલા બધા પણ નહોતા. ધીરુભાઈમાં નાનપણથી જ વેપારની કુનેહ રહેલી હતી. એકવાર જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ભરાયો તો ધીરુભાઈએ મિત્રો સાથે મળીને મેળામાં ભજિયાંની લારી લગાવી હતી અને એમાંથી પૈસા કમાયા હતા. ગામડું હોવાથી પાણીની સમસ્યા તો અવારનવાર રહેતી તો ધીરુભાઈ ધોમધખતા તાપમાં ત્રણ કિમી પગપાળા ચાલીને પીવાનું પાણી ઘર માટે ભરીને લાવતા.

માતાએ ઠપકો આપ્યો એકવાર માતાએ ધીરુભાઈ ને મોટા દીકરાને એમ કહ્યું કે જુવાન હોવા છતાં તેઓ પરિવારમાં બે પૈસા કમાઈને ઘર ચલાવવામાં સહેજ પણ મદદ કરતા નથી. આ વાત ધીરુભાઈને લાગી આવતાં તેઓ સ્થાનિક વેપારી પાસેથી સીંગતેલનો ડબ્બો લઈ આવ્યા ને પછી તેમણે છૂટક વેચાણ કરીને કમાણીના પૈસા માતાને આપતાં કહ્યું હતું, 'જોયું ને... પૈસા કમાવવા તો કેટલા સહેલા છે. તમે ચિંતા ના કરો. હું ઢગલામોઢે રૂપિયા કમાવાનો છું.'
બોર્ડિંગ સ્કૂલમાં માત્ર બે જોડી કપડાં સાથે ગયા ધીરુભાઈ વધુ અભ્યાસ માટે બોર્ડિંગ સ્કૂલમાં ગયા. ત્યાં તેઓ માત્ર બે જોડી કપડાં લઈને ગયા. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ધીરુભાઈને નાનપણથી જ કપડાંનો ઘણો જ શોખ હતો. તેઓ રોજ રાત્રે કપડાં વ્યવસ્થિત વાળીને ગાદલાંની નીચે મૂકતા, જેથી કપડાં ઇસ્ત્રી કરેલાં જેવાં લાગે.
ગોળપાપડી આજીવન ફેવરિટ રહી ગોળપાપડી (સુખડી) ધીરુભાઈની આજીવન ફેવરિટ હતી. જ્યારે તેઓ 14-15 વર્ષના હતા ત્યારે હોસ્ટેલમાં રહીને ભણતા. હોસ્ટેલમાં અપાતી ગોળપાપડી ટેસ્ટમાં સહેજ પણ સારી નહોતી. ધીરુભાઈએ આ અંગે અનેક ફરિયાદો કરી, પરંતુ કોઈ સુધારો આવ્યો નહીં. અંતે ધીરુભાઈએ મિત્રો સાથે રાત્રે રસોડામાં જઈને જાતે જ ગોળપાપડી બનાવીને ખાવાની શરૂઆત કરી. એકવાર પકડાઈ જતાં બધાને ઠપકો મળ્યો. ધીરુભાઈએ એ ઉંમરે એવો જવાબ આપ્યો કે તમારાથી હોસ્ટેલની મેસ સંભાળાતી ના હોય તો અમને આપી દો અને તેમણે એક આખું વર્ષ હોસ્ટેલની મેસ સંભાળી બતાવી.

સ્કૂલમાં હડતાળ પાડી ધીરુભાઈના સ્કૂલ સમયનો એક કિસ્સો છે. જૂનાગઢ શિક્ષણ વિભાગે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે સ્કૂલને ગ્રેડ આપવાનું નક્કી કર્યું. આ રીતે સ્કૂલો પર વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભરવાનું દબાણ વધ્યું. આ અન્યાયી નિયમ સામે વિદ્યાર્થીઓએ હડતાળ પાડવાનું નક્કી કર્યું. હડતાળ પડે નહીં એ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓએ ધીરુભાઈ તથા અન્ય વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. અન્ય વિદ્યાર્થી પીછેહઠ કરવા તૈયાર થઈ ગયા, પરંતુ ધીરુભાઈ મક્કમ રહ્યા ને એ દિવસે એક પણ પ્રાથમિક શાળા ખૂલી નહીં.
ગાંધીજી-સરદાર પટેલની અસર ધીરુભાઈ પર પડી ભારતને આઝાદી મળી ત્યારે 1947માં ધીરુભાઈની ઉંમર 15 વર્ષની હતી. તેઓ જૂનાગઢની બહાદુરખાનજી હાઇસ્કૂલ (આજની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ)માં ભણતા ને તેમની જ્ઞાતિની મોઢ વણિકની બોર્ડિંગમાં રહેતા. ભારતને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલનો પણ મહત્ત્વનું યોગદાન છે અને બંને ગુજરાતી હતા. આ બંનેની અસર ધીરુભાઈ પર પણ પડી હતી. બોર્ડિંગમાં રહીને તેમણે જૂનાગઢ વિદ્યાર્થી સમિતિની રચના કરી. આ સમિતિના ધીરુભાઈ મંત્રી હતા. ગાંધીજીના જન્મદિને તેઓ જૂનાગઢની લાઇબ્રેરી આગળ દીવા પ્રગટાવે. ધીરુભાઈ રાત્રે મિત્રો સાથે જૂનાગઢની દીવાલો પર આઝાદી માટેનાં સૂત્રો ને ચિત્રો દોરતા. શર્ટની અંદર ‘જન્મભૂમિ’ ને ‘નવજીવન’ જેવાં અંગ્રેજોએ બૅન મૂકેલાં અખબારોનું વિતરણ કરતા. 1946માં ધીરુભાઈને ખબર પડી કે કનૈયાલાલ મુનશી જૂનાગઢ આવવાના છે. બોર્ડિંગમાં ભણતા વિદ્યાર્થીઓએ કનૈયાલાલ મુનશીનું ભાષણ યોજવાનું નક્કી કર્યું. જૂનાગઢમાં એ સમયે નવાબનું રાજ હતું. નવાબની પોલીસે ધીરુભાઈ ને વિદ્યાર્થી મંડળને ધમકી આપતાં કહ્યું કે મુનશી સાહિત્ય સિવાય રાજકારણ કે આઝાદી અંગે વાત કરશે તો સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. આ સમયે ધીરુભાઈએ કહ્યું, 'જુઓ, આપણે તો એક સાહિત્યકારને બોલાવ્યા છે અને હવે તે બીજી કોઈ વાત કરે તો મામલો તેમની ને પોલીસ વચ્ચેનો છે. આપણે એમાં કોઈ રીતે જવાબદાર નથી.'
રાજકારણમાં જવાની ઈચ્છા હતી મુનશીએ ભાષણ પણ આપ્યું અને આઝાદી અંગે વાત પણ કરી હતી. 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો. જૂનાગઢમાં નવાબે ફરમાન બહાર પાડ્યું કે કોઈએ ધ્વજવંદન કે પ્રભાતફેરી કાઢવી નહીં. ધીરુભાઈએ ડર્યા વગર જૂનાગઢમાં પહેલો ધ્વજ ફરકાવ્યો હતો અને ભાષણ પણ આપ્યું હતું. તેમને પકડીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા, પરંતુ કિશોર હોવાને કારણે પોલીસે તેમને જવા દીધા. મોડીરાત્રે જ્યારે ધીરુભાઈ બોર્ડિંગ આવ્યા તો તેમનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. સ્વાતંત્ર્યની લડાઈમાં સક્રિય રહેવાને કારણે એક સમયે ધીરુભાઈ રાજકારણમાં જવા તૈયાર થઈ ગયા હતા, જોકે પછી તેઓ આગળ વધ્યા નહીં.

પેસેન્જર જહાજમાં ટિકિટ ના મળી તો કાર્ગોમાં ગયા ધીરુભાઈના મોટા ભાઈ રમણિકભાઈ એડનમાં એ. બીઝ એન્ડ કંપનીમાં નોકરી કરતા. આ કંપનીના બોસ વેકેશનમાં ગુજરાત આવ્યા હતા અને તેમણે ધીરુભાઈનો ઇન્ટરવ્યૂ લીધો હતો ને તેઓ સિલેક્ટ થઈ ગયા. ધીરુભાઈએ 1950માં પહેલી જૂન સુધી ત્યાં પહોંચવું જરૂરી હતું, કારણ કે પછી ઇમિગ્રેશનના નિયમો કંઈક બદલાઈ જતા હતા. મેટ્રિકની એક્ઝામ આપે માંડ મહિનો થયો. તેમણે ઝડપથી પાસપોર્ટ કઢાવ્યો અને પછી એડન જતા જહાજની ટિકિટ બુક કરાવવાનું નક્કી કર્યું, પરંતુ એકપણ પેસેન્જર જહાજમાં ટિકિટ મળી નહીં. અંતે, ધીરુભાઈએ ઈટાલિયન કાર્ગો જહાજ કોબોટોમાં બેસીને એડન જવાનું નક્કી કર્યું. દરિયાઈ મુસાફરીમાં ઘણીવાર દરિયો તોફાને ચઢ્યો. તેઓ ડેક પર બેસીને એડન પહોંચ્યા.
અંગ્રેજી શીખી ગયા 18 વર્ષની ઉંમરે ધીરુભાઈ એડન તો પહોંચી ગયા, પરંતુ તેમને અંગ્રેજી ભાષા આવડતી નહોતી. શરૂઆતમાં એ. બીઝ એન્ડ કંપનીમાં ધીરુભાઈ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતા. થોડા સમય બાદ જ પ્રમોશન આપીને શેલ ફિલિંગ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા. અંગ્રેજી વગર અજાણ્યા દેશમાં નોકરી કરવી રમત વાત નહોતી, પરંતુ ધીરુભાઈ આખો દિવસ નોકરી કરે અને રાત્રે અંગ્રેજી સાહિત્ય વાંચે. તેઓ હંમેશાં પોતાની સાથે નાની ડિક્શનરી રાખતા. તેઓ આ રીતે ધીમે ધીમે અંગ્રેજી ટ્રેડ મેગેઝિન વાંચવા લાગ્યા ને તેમાંથી તેમને આયાત-નિકાસમાં રસ પડવા લાગ્યો તો તેમણે આયાત-નિકાસના નિયમો માટે જાણીતી ‘ધ રેડ બુક’નો બરોબર અભ્યાસ કરી લીધો. બપોરે લંચના સમયે ધીરુભાઈ એડનના માર્કેટમાં ફરતા અને ખરીદનાર-વેચનાર વચ્ચે થતાં સોદાઓ જોતા અને તેમાંથી અનુભવ મેળવ્યો.
રાત્રિ શાળામાં ભણ્યા ધીરુભાઈ માત્ર મેટ્રિક ભણીને એડન આવી ગયા. આ જ કારણે ત્યાં તેઓ રાત્રિ શાળામાં જઈને નામું, બુક કીપિંગ તથા ટ્રેડના કાયદાઓ, ટાઇપિંગ શીખ્યા. નામાનું પ્રેક્ટિકલ નોલેજ મેળવવા તેઓ એડનમાં નાની કંપની માધવદાસ માણેકચંદમાં ટ્રેઇની તરીકે જોડાયા ને ત્યાં છ મહિના વગર પગારે કામ કર્યું. એડન સાત વર્ષ રહ્યા. 1955માં કોકિલાબેન સાથે લગ્ન કર્યાં ને તેમને પણ એડન લઈ ગયા. ડિસેમ્બર, 1957માં પત્ની ને બાળકો સાથે ભારત પરત ફર્યા. આ સમયે મોટો દીકરો મુકેશ નવ મહિનાનો હતો. મુંબઈમાં 1959માં બીજા દીકરા અનિલનો જન્મ થયો. 1961માં દીકરી દીપ્તિ ને 1962માં દીકરી નીનાનો જન્મ થયો.

પડકારો લેવામાં ક્યારેય પાછા પડતા નહોતા ધીરુભાઈને નિકટથી જાણતા લોકોને ખ્યાલ છે કે તેમને એકવાર પડકાર ફેંકવામાં આવે તો તેઓ ક્યારેય પાછી પાની કરે નહીં. નાનપણમાં તેઓ ભૂતથી ગભરાતા નથી એ વાત સાબિત કરવા આખી રાત સ્મશાનમાં પસાર કરી હતી. ગીરના જંગલમાં પોતાના ગમતા સિંહ પાછળ ફરતા. આટલું જ નહીં, પાછલી ઉંમરે તેઓ ખંડાલાથી પુણે સુધી ચાલતા જતા ને પાછા આવતા. એડનના દરિયામાં ઘણીવાર શાર્ક આવી જતી. એકવાર ધીરુભાઈ મિત્રો સાથે બોટમાં પાર્ટી કરતાં કરતાં મધદરિયે પહોંચી ગયા હતા. આ સમયે એક મિત્રે શરત લગાવી કે જે કિનારે જઈને પાછા આવે તેને આઇસક્રીમનું મોટું બાઉલ મળશે. વાત પૂરી થાય એ પહેલાં તો ધીરુભાઈ એક મિત્ર સાથે પાણીમાં કૂદી ગયા ને થોડીવારમાં તો આવી પણ ગયા.
યાર્નબજારમાં ઝંપલાવ્યું ધીરુભાઈએ ભારત આવીને થોડાં વર્ષો મરી મસાલા બજારમાં કામ કર્યું. મુંબઈના ભૂલેશ્વરમાં મરી-મસાલાની ઓફિસની બાજુમાં જ યાર્ન માર્કેટ હતું. તેમને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે યાર્ન માર્કેટમાં પૈસા બનાવવાની તક છે. તેઓ આ અંગે કંઈ જાણતા નહોતા તો તેમણે યાર્ન માર્કેટમાં રોજ એક ચક્કર મારવાની શરૂઆત કરી. તેમને ખ્યાલ આવી ગયો કે યાર્નની ક્યારે આયાત કરવી ને ક્યારે વેચાણ કરવું. યાર્ન માર્કેટમાં રોકાણ વધુ જોઈએ, પરંતુ ધીરુભાઈ પાસે એવા કોઈ પૈસા નહીં છતાં યાર્ન માર્કેટમાં ઝંપલાવ્યું. માત્ર એક રૂમ ને એક માણસ સાથે શરૂ કરેલી તેમની કંપનીનું નામ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન. તે સમયે નાના-નાના વેપારીઓ એકબીજા પાસે લોન લેતા. આ ઉપરાંત ગુજરાતી બિલ્ડરો પાસે પૈસા વધારે એટલે તેઓ ઊંચા વ્યાજે પૈસા આપતા. ધીરુભાઈએ વેપારીઓ પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું અને જ્યારે સોદો મોટો થાય તો વ્યાજ ઉપરાંત તેઓ થોડું બોનસ પણ આપતા અને આ જ કારણે રોજ સાંજે ધીરુભાઈની ઓફિસની બહાર બિલ્ડર્સ ને વેપારીઓ પૈસાની થોકડી લઈને લાઈન લગાવતા. ધીરુભાઈ ટૂંક સમયમાં જ યાર્નના બિઝનેસમાં સફળ થયા.

1962ના યુદ્ધમાં ફટકો પડ્યો 1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ થતાં યાર્નના ભાવ એકદમ જ ગગડી ગયા. માર્કેટમાં એવી વાતો વહેતી થઈ કે ધીરુભાઈ ખોટ ખાઈને માલ વેચી રહ્યા છે. આ જ કારણે ધીરુભાઈએ નાણાં ધીરતાં લોકોમાં સન્નાટો છવાઈ ગયો. ધીરુભાઈ અફવાથી ડરવાને બદલે તેમણે ઓફિસમાં જાહેરાત લગાવી કે રિલાયન્સને જેણે પણ નાણાં આપ્યાં હોય તેમણે તરત જ પૈસા પરત લઈ જવા અને તેમને તેમની પસંદગીની રૂપિયાની નોટમાં પૈસા પરત મળશે. બધાને એવું હતું કે પૈસા પરત લેવા માટે રિલાયન્સની બહાર લાઇન લાગશે, પરંતુ ગણ્યાગાંઠ્યા જ લોકો પૈસા લેવા આવ્યા. ધીરુભાઈ યાર્ન માર્કેટમાં છવાઈ ગયા. 1964માં તેઓ બોમ્બે યાર્ન મર્ચન્ટ્સ એસોસિયેશન એન્ડ એક્સચેન્જ લિમિટેડના ડિરેક્ટર બન્યા.
નરોડામાં નવું સાહસ કર્યું 1966માં ભારતમાં રૂપિયાનું સતત અવમૂલ્યન થયું. આ જ કારણે યાર્ન માર્કેટની સ્થિતિ કથળવા લાગી. ધીરુભાઈએ તરત જ અન્ય બિઝનેસમાં જવાનું નક્કી કર્યું. તેમણે સિન્થેટિક કાપડનો પ્રોજેક્ટમાં જવાનું વિચાર્યું તેમણે અમદાવાદના નરોડા વિસ્તારમાં પહેલી મિલ શરૂ કરવાનું નક્કી કર્યું. એ સમયે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું. અમદાવાદમાં સુતરાઉ કાપડ બનતું છતાં ધીરુભાઈએ સિન્થેટિક કાપડ બનાવવાનું જોખમ લીધું. ધીરુભાઈએ સાત માણસોથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી, જેમાંથી એક જ ટેક્સટાઇલ એન્જિનિયર હતો. ધીરુભાઈએ નરોડામાં જે પણ મશીનરી ખરીદતા તો તાલીમ લેવા માટે માણસોને વિદેશ જ મોકલી દેતા. સિન્થેટિક કાપડની ડિઝાઇન માટે ધીરુભાઈએ ટોચના બે ડિઝાઇનર રાખ્યા અને તેની નીચે 300 ડિઝાઇનર તૈયાર કરીને એ વખતે એશિયાનો સૌથી મોટો ડિઝાઇન સ્ટુડિયો બનાવ્યો, જેમાં દર મહિને 500 ડિઝાઇન તૈયાર થતી અને એમાં ચાર રંગ રહેતા. આ રીતે મહિને 2000 ડિઝાઇન થવા લાગી. ધીરુભાઈએ ‘વિમલ’ બ્રાન્ડનેમથી સિન્થેટિક સાડી ને કાપડ વેચવાનું શરૂ કર્યું.
રિટેલર્સ પાસે જાતે ગયા હોલસેલર્સે સાડી ને કાપડ લેવાની ના પાડી ત્યારે ધીરુભાઈએ રિટેલર્સ પાસે જવાનું નક્કી કર્યું. તેઓ તેમની ટીમ સાથે જાતે જ કાપડના તાકા લઈને દુકાને દુકાને ફરતા. આ રીતે હોલસેલરનો છેદ ઉડાવીને માલ સીધો રિટેલર્સને વેચવાનું શરૂ કર્યું. ગ્રાહકો માટે આ તદ્દન નવું કાપડ હતું તો તેમને ઘણું જ પસંદ આવ્યું. આટલું જ નહીં, હિંદી સિનેમામાં પણ આ કાપડનો વપરાશ વધ્યો. મિલ શરૂ કરે માત્ર નવ વર્ષમાં ધીરુભાઈની મિલને બેસ્ટ મિલનું સર્ટિફિકેટ મળ્યું.

વિમલ બ્રાન્ડ માટે ધીરુભાઈએ દેશભરમાં ફેશન શો કર્યા વિમલ બ્રાન્ડ લોકોમાં જાણીતી બને તે માટે ધીરુભાઈએ ફેશન શો ને રોડ શોનું આયોજન કર્યું હતું. વિમલના ફેશન શો દેશભરમાં પ્રખ્યાત થયા હતા. 70ના દાયકામાં બેંગ્લોર (આજનું બેંગલુરુ)માં વિમલનો શોરૂમ શરૂ કરવાનો હતો. આ સમયે ધીરુભાઈએ હેલિકોપ્ટરથી ગુલાબની પાંખડીઓનો વરસાદ કર્યો હતો.
ઓન્લી વિમલ ધીરુભાઈ લોકોના મનમાં વિમલ બ્રાન્ડ છવાઈ જાય એ માટે તેમણે અલગ જ રીતે જાહેરાત બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. 1977માં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું બજેટ 10 કરોડ રૂપિયા હતું અને એક બ્રાન્ડનું એવરેજ બજેટ 40-50 લાખ રૂપિયા હોય એ સમયે વિમલ પાછળ ધીરુભાઈએ ત્રણેક કરોડ રૂપિયા માત્ર જાહેરાત માટે ખર્ચ્યા હતા. ‘ઓન્લી વિમલ’ના સ્લોગનથી આ બ્રાન્ડ અન્ય કરતાં ક્યાંય આગળ નીકળી ગઈ.
2 કરોડના ફંડ માટે આઇપીઓ લાવ્યા 1977માં મિલના વિસ્તરણ માટે ધીરુભાઈને બે કરોડ રૂપિયાની જરૂર હતી. બેંકે આટલી બધી લોન આપવાની ના પાડી દીધી. આ સમયે ધીરુભાઈએ મધ્યમવર્ગીય પરિવાર પાસેથી પૈસા લેવાનું નક્કી કર્યું. એ સમયમાં શેર માર્કેટ પર માત્ર પૈસાદાર ને એલિટ ક્લાસનો જ દબદબો હતો. મધ્યમવર્ગ ક્યારેય શેર માર્કેટમાં પૈસા રોકતો નહીં. આ જ કારણે ધીરુભાઈએ રિલાયન્સનો આઇપીઓ બહાર પાડવાનું નક્કી કર્યું. આઇપીઓ આવે તેના મહિના પહેલાં ધીરુભાઈની ટીમે અનેક રોડ શો કર્યા ને તેમણે પોતાની વાત મધ્યમવર્ગને સમજાવી. રિલાયન્સનો ઇસ્યુ જે દિવસે આવ્યો એ જ દિવસે ‘હિન્દુસ્તાન ડોર ઓલિવર’નો ઇસ્યુ આવ્યો છતાં ધીરુભાઈનો ઇસ્યુ સાત ગણો ભરાયો. નાના 59 હજાર રોકાણકારોએ ધીરુભાઈની કંપનીમાં નાણાં રોક્યાં.

80ના દાયકામાં ધીરુભાઈએ વિમલ કાપડની જાહેરાતમાં ક્રિકેટર્સને લઈ આવ્યા. આ દેશ માટે તદ્દન નવું જ હતું. 1987માં ભારત-પાકિસ્તાને સાથે મળીને ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું. આ વર્લ્ડ કપને રિલાયન્સે સ્પોન્સર કર્યો અને એ રિલાયન્સ વર્લ્ડ કપ તરીકે લોકપ્રિય થયો. આનો સીધો ફાયદો રિલાયન્સને થયો.
1986માં લકવો થયો ફેબ્રુઆરી, 1986માં ધીરુભાઈને લકવો થયો. ડૉક્ટરને તેઓ જલદીથી ઠીક થઈ જશે એવી આશા નહોતી. કેલિફોર્નિયાના સાન ડિયેગોની હોસ્પિટલમાં ધીરુભાઈએ ફિઝિયોથેરપી દિવસમાં બેવાર શરૂ કરીને માત્ર અઠવાડિયામાં સાજા થઈ ગયા.
1988માં પેટ્રોકેમિકલ્સના બિઝનેસમાં ઝંપલાવ્યું 1988માં ધીરુભાઈએ મહારાષ્ટ્રના પાતાળગંગામાં પીટીએ (પ્યોરિફાઇડ ટેરેપ્થેલિક એસિડ)નો પ્લાન્ટ નાખ્યો ને એ સાથે જ પેટ્રોકેમિકલ્સમાં રિલાયન્સનું નામ થયું. વર્ષ 2000માં કંપનીની વાર્ષિક સભામાં ધીરુભાઈએ જાહેરાત કરી કે તેઓ હવે તેલ ને ગેસના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.1999માં રિલાયન્સે ગુજરાતના જામનગરમાં રિફાઇનરીની શરૂઆત કરી. રિલાયન્સને દેશના પશ્ચિમ તથા પૂર્વ કાંઠે 14 ઓફ શોર બ્લોક ફાળવવામાં આવ્યા. 2002માં રિલાયન્સને ગેસનો ભંડાર શોધવામાં સફળતા મળી. રિલાયન્સ આ ક્ષેત્રમાં ઘણું જ આગળ વધી રહ્યું છે.

ટેલિકોમમાં ક્રાંતિ વર્ષ 2000 સુધી મોબાઇલ ફોન ઘણા જ મોંઘા હતા. એ સમયે એક મિનિટ વાત કરવાનો ચાર્જ 16 રૂપિયા હતો. ધીરુભાઈને ટેલિકોમમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાયું ને 2002માં ‘રિલાયન્સ ઇન્ફોકોમ’ની સ્થાપના કરી. એ સમયે પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા હતી અને રિલાયન્સના ફોન કોલનો ચાર્જ 40 પૈસા હતો. રિલાયન્સે ટેલિકોમમાં એક ક્રાંતિ સર્જી દીધી. રિલાયન્સના સ્લોગન 'કર લો દુનિયા મુઠ્ઠી મેં..'એ મધ્યમવર્ગીય પરિવારને મોબાઇલ ખરીદતો કરી દીધો.
24 જૂન, 2002માં ધીરુભાઈને સ્ટ્રોક આવ્યો અને તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તેઓ એક અઠવાડિયાથી વધુ સમય કોમામાં રહ્યા. અનેક ડૉક્ટર્સે તેમને બચાવવા ભરપૂર પ્રયાસ કર્યા, પરંતુ 69 વર્ષની ઉંમરે 6 જુલાઈ, 2002માં અવસાન થયું.

ધીરુભાઈએ પોતાની સંપત્તિની વહેંચણી અંગે કોઈ વસિયત લખી નહોતી અને તેમના અવસાનના થોડા સમય બાદ જ બંને ભાઈઓ અનિલ ને મુકેશ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. અંતે, 2005માં માતા કોકિલાબેનની દરમિયાનગીરીથી રિલાયન્સના બે હિસ્સા પાડવામાં આવ્યા, જેમાં મુકેશ અંબાણીના હિસ્સે જામનગર રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ, તેલ-ગેસ તથા ટેક્સટાઇલ બિઝનેસ આવ્યા, જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર, ફાઇનાન્સિયલ સર્વિસ તથા એન્ટરટેઇનમેન્ટ તથા ટેલિકોમ બિઝનેસ આવ્યા.
વાત હવે, ધીરુભાઈ અંબાણીનાં ચારેય સંતાનોની.... મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957માં એડનમાં થયો. 1958માં પરિવાર મુંબઈના ભૂલેશ્વરમાં બે બેડરૂમના અપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યો. ત્યારબાદ તેઓ કોલાબાના 14 માળના ‘સી વિન્ડ’માં રહેવા લાગ્યા. મુકેશ અંબાણીએ ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી પ્રાથમિક ને હાઇસ્કૂલનો અભ્યાસ મુંબઈની ‘હિલ ગ્રેન્જ હાઇ સ્કૂલ’માં ભણ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજીમાંથી બી.ઈ. ઇન કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. 1980માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, પરંતુ પિતાને રિલાયન્સમાં સપોર્ટ કરવા અધવચ્ચે ભણવાનું છોડી દીધું. અંબાણી પોતાના ટીચર્સ વિલિયમ એફ તથા મનમોહન શર્માને ઘણા જ માનતા હતા, કારણ કે તેઓ હંમેશાં આઉટ ઑફ ધ બોક્સ વિચારવા પર ભાર મૂકતા. પિતા ધીરુભાઈએ મુકેશ અંબાણી 24 વર્ષના હતા ત્યારે પાતાળગંગા પ્રોજેક્ટ્સની જવાબદારી સોંપી હતી. આ પ્રોજેક્ટ્સ ઓઇલ રિફાઇનરી માટે મહત્ત્વાકાંક્ષી હતો.

ધીરુભાઈ એકવાર ડાન્સ પર્ફોર્મન્સ જોવા ગયા હતા અને ત્યાં નીતા પર્ફોર્મ કરતાં હતાં. તેમને જોતા જ ધીરુભાઈને દીકરા માટે તેઓ ગમી ગયાં. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે 1985માં લગ્ન કર્યાં. 1991માં ટ્વિન્સ આકાશ તથા ઈશાનો જન્મ થયો. 1995માં અનંત અંબાણીનો જન્મ થયો.
ભાગલા બાદ મુકેશ અંબાણીના હિસ્સે જામનગર રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ, તેલ-ગેસ તથા ટેક્સટાઇલ બિઝનેસ આવ્યા. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાગલા પડ્યા ત્યારે શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અનિલ અંબાણીના બિઝનેસને નુકસાન થાય તેવા કોઈ બિઝનેસ મુકેશ અંબાણી કરી શકશે નહીં. આ કોન્ટ્રાક્ટ 2010માં પૂર્ણ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ સેક્ટર કોર્પોરેશન છે. રિલાયન્સની પાસે સિંગલ લોકેશન પર દુનિયાની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં છે. રિલાયન્સની માર્કેટ કેટ 17.5 કરોડ રૂપિયાથી પણ વધારે છે. રિલાયન્સની કોઈ ને કોઈ પ્રોડક્ટ કે પછી સર્વિસ અંદાજે દરેક ભારતીય વાપરે છે. મુકેશ અંબાણી પહેલી જ વાર 2007માં દુનિયાની સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં સામેલ થયા. છેલ્લાં ઘણાં વર્ષોથી મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર બિઝનેસમેનના લિસ્ટમાં ટોચ પર છે.

મુકેશ અંબાણીનાં ત્રણેય સંતાનો શું કરે છે
- આકાશ અંબાણીઃ 2014માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ડિગ્રી લીધી. ત્યારબાદ ફેમિલી બિઝનેસ જોઇન કર્યો. ઓક્ટોબર 2014માં ‘રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ’ બોર્ડમાં સામેલ થયા. જૂન, 2022થી જિયોના ચેરમેન છે. આકાશ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડિજિટલ સર્વિસ બિઝનેસ તથા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના બોર્ડમાં પણ સામેલ છે. 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યાં. તેમને દીકરો પૃથ્વી તથા દીકરી વેદા છે.
- ઈશા અંબાણીઃ યેલ તથા સ્ટેનફોર્ડમાંથી અભ્યાસ કર્યો. 2015માં ફેમિલી બિઝનેસ જોઇન કર્યો. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, જિયો ઇન્ફોકોમ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસ બોર્ડમાં સામેલ છે. ઈશા રિલાયન્સ રિટેલને આગળ વધારી રહી છે. રિલાયન્સ રિટેલના ઇકોમર્સ બિઝનેસ Ajio, ઓનલાઇન બ્યૂટી પ્લેટફોર્મ ટીરા જેવાં ફોર્મેટ લોન્ચ કર્યાં છે. ફૂડ, કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ તથા ફેશન રિટેલમાં રિલાયન્સ રિટેલની પ્રેઝન્સ છે. ઈશાએ ડિસેમ્બર, 2018માં બિઝનેસમેન અજય પિરામલના દીકરા આનંદ સાથે લગ્ન કર્યાં. તેમને ટ્વિન્સ દીકરી આદ્યા તથા દીકરો કૃષ્ણા છે.
- અનંત અંબાણીઃ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. માર્ચ, 2020માં જિયો પ્લેટફોર્મ લિમિટેડ, મે 2022થી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ તથા જૂન 2021થી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ તથા રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર છે. રિલાયન્સનું લક્ષ્ય 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનાવવાનું છે. અનંતે જામનગરમાં પ્રાણી-પક્ષીઓના વેલફેર માટે ‘વનતારા’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અનંતે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યાં છે.
અંબાણી પરિવારના દેશ-વિદેશમાં ઘરો અંબાણી પરિવાર મુંબઈમાં 27 માળના ‘એન્ટિલિયા’માં રહે છે. આ ઘરને મેન્ટેઇન કરવા 600નો સ્ટાફ છે. 160 કાર પાર્ક થઈ શકે તેટલું મોટું ગેરેજ છે. ભારત ઉપરાંત લંડન, દુબઈ, અમેરિકામાં પણ અંબાણી પરિવારનાં ઘર છે. મુકેશ અંબાણી-નીતા અંબાણી આટલા પૈસાદાર હોવા છતાં ઘરમાં ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. તેમનાં સંતાનોનાં લગ્ન ગુજરાતી પરંપરા પ્રમાણે જ કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં, નવરાત્રિથી લઈને દરેક ફેસ્ટિવલ એન્ટિલિયામાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

નીતા અંબાણી સ્કૂલ સંભાળી રહ્યાં છે નીતા અંબાણીએ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરી છે. આ સ્કૂલમાં બોલિવૂડ, ક્રિકેટર્સના સંતાનો ભણતાં હોય છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી તથા મુંબઈમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકેલ ટેક્નોલોજી પણ છે. નીતા અંબાણીએ વર્લ્ડ ક્લાસ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં આર્ટ ને મ્યૂઝિકલ શો થતાં હોય છે. નીતા અંબાણી IPLમાં ‘મુંબઈ ઇન્ડિયન્સ’ ટીમ પણ ધરાવે છે.

અનિલ અંબાણીનો જન્મ 4 જૂન, 1959માં મુંબઈમાં થયો. અનિલ અંબાણીએ કિશનચંદ છેલ્લારામ કોલેજમાંથી B.Scમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ પેન્સિલવેનિયામાંથી MBA કર્યું. 1984માં પિતાના બિઝનેસમાં જોડાયા. પિતાના અવસાન બાદ તેમના હિસ્સામાં રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, રિલાયન્સ પાવર, ફાઇનાન્સિયલ સર્વિસ તથા એન્ટરટેઇનમેન્ટ તથા ટેલિકોમ બિઝનેસ આવ્યા. 2008માં અનિલ અંબાણી રિલાયન્સ પાવરનો આઇપીઓ લાવ્યા અને માત્ર 60 સેકન્ડ્સમાં આઇપીઓ ભરાઈ ગયો હતો.
2008માં 42 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ અનિલ અંબાણીએ 2020માં બ્રિટનની કોર્ટમાં નાદારી નોંધાવી હતી.

ભાગલા બાદ અનિલ અંબાણીએ ઇન્ફ્રા, ડિફેન્સ તથા એન્ટરટેઇનમેન્ટના વિવિધ ફિલ્ડમાં એન્ટ્રી મારી, પરંતુ સફળતા બહુ મળી નહીં. ઉત્તર પ્રદેશના દાદરીમાં ગેસ આધારિત મેગા વીજળી યોજના શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ 2009માં અલ્લાહાબાદ હાઇકોર્ટે જમીન સંપાદિત ડીલ કેન્સલ કરી. ‘એડલેબ્સ’ તથા ‘ડ્રીમવર્ક્સ’ સાથેની ડીલ પણ ખાસ સફળ રહી નહીં. ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર દેવું વધતા આર્થિક સંકટ ગંભીર બન્યું. 2019માં કંપની નાદારીમાં જતી રહી. તે વર્ષે રિલાયન્સ કમ્યુનિકેશન વિદેશી કંપની એરિક્સન ABના ભારતીય યુનિટને 550 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ રહી અને અનિલ અંબાણી જેલમાં જાય તેવી સ્થિતિ ઊભી થઈ. આ સમયે મોટાભાઈ મુકેશ અંબાણી મદદે આવ્યા અને જેલમાં જતા બચાવી લીધા. ચીનની બેંક પાસેથી 2012માં અનિલ અંબાણીએ લોન લીધી હતી અને આ બેંકે લંડનમાં કેસ કર્યો હતો. આ દરમિયાન લંડનની કોર્ટે 680 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપતા જ અનિલ અંબાણીએ પોતાની પાસે કોઈ જ સંપત્તિ ના હોવાની વાત કહી. 2021માં રિલાયન્સ કેપિટલે પણ નાદારી નોંધાવી અને હાલમાં આ કંપનીને હિંદુજા ગ્રુપે ખરીદી છે.

અનિલ અંબાણીએ બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનીમ સાથે 1991માં લગ્ન કર્યાં. બંનેને બે દીકરા જય અનમોલ તથા જય અંશુલ છે. પરિવાર 2010થી 14 માળની ‘સી વિન્ડ’ બિલ્ડિંગમાં રહે છે.
- જય અનમોલ અંબાણીઃ અનિલ અંબાણીનો મોટો દીકરો જય રિલાયન્સ કેપિટલ લિમિટેડને ફરી ઊભી કરવાના ભરપૂર પ્રયાસો કરે છે. હાલમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રિયલ એસ્ટેટ તથા ઇલેક્ટ્રિક વાહનો જેવાં નવાં ફિલ્ડમાં કામ કરે છે. 2022માં મુંબઈના બિઝનેસમેન નિકુંજ શાહની દીકરી ક્રિશા શાહ સાથે લગ્ન કર્યાં.
- જય અંશુલ અંબાણીઃ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટ્રેઇની તરીકે કામ કરે છે. રિલાયન્સ કેપિટલ તથા રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં પણ કામ કર્યું છે. રિન્યૂએબલ એનર્જી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપી રહ્યો છે.
અનિલ અંબાણી રનર છે 2003માં અનિલ અંબાણીએ બોસ્ટન મેરેથોન માટે તાલીમ લીધી હતી. ન્યૂ યોર્કની એક ઇવેન્ટમાં અનિલ અંબાણીના વજન પર સવાલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેમનું વજન 110 કિલો હતું. ત્યારબાદ અનિલ અંબાણીએ દોડવાનું શરૂ કર્યું. તેઓ અઠવાડિયામાં છ દિવસ 15 કિમી જેટલું રનિંગ કરે છે. મુંબઈમાં 2004થી મેરેથોન શરૂ થઈ છે અને ત્યારથી અનિલ અંબાણી ભાગ લે છે. અનિલ અંબાણીના મતે, તેમના પિતાએ સલાહ આપી હતી, સારાં કપડાં, સારું ભોજન પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ સારું સ્વાસ્થ્ય ક્યારેય ખરીદી શકાતું નથી.

અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ 2009માં મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ શરૂ કરી છે. 2016માં મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં 18 જેટલા કેન્સર કેર યુનિટ શરૂ કર્યાં છે.
નીના કોઠારીએ 1986માં બિઝનેસમેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યાં. તેમને બે બાળકો અર્જુન તથા નયનતારા છે. ફેબ્રુઆરી, 2015માં ભદ્રશ્યામનું અવસાન થતાં એચ.સી. કોઠારી ગ્રૂપનાં ચેરપર્સન નીના કોઠારી બન્યાં. આ ઉપરાંત કોઠારી શુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, કોઠારી સેફ ડિપોઝિટ્સ લિમિટેડ તથા કોઠારી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ પણ જુએ છે. ‘જાવાગ્રીન’ કૉફી તથા ફૂડ કેકે પણ ચલાવે છે.

દીપ્તિ સલગાંવકરે ગોવાના બિઝનેસમેન દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યાં. ગોવામાં ફેમસ ફૂટબોલ ક્લબના માલિક પણ છે. ગોવામાં દત્તરાજ ટ્રાવેલ એજન્સી, રિયલ એસ્ટેટ, ફાઇનાશિયલ સર્વિસનું કામ પણ કરે છે. આ ઉપરાંત ગોવામાં મેરિયોટ રિસોર્ટ તથા સ્પા છે.

દીપ્તી તથા દત્તરાજને એક દીકરી ઇશિતા છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 2016માં ઇશિતાએ નીરવ મોદીના ભાઈ નીશાલ મોદી સાથે લગ્ન કર્યાં, પરંતુ તે લાંબું ટક્યાં નહીં. 2022માં ઇશિતાએ ‘નેક્સઝૂ મોબિલિટી’ના ફાઉન્ડર અતુલ્ય મિત્તલ સાથે ફેરા ફર્યા. જ્યારે દીકરો વિક્રમ વી. એમ. સાલગાંવકર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે.
રેફરન્સ બુક્સઃ 1. ધીરુભાઈઝમ 2. ધીરુભાઈ અંબાણીઃ અવરોધોની આરપાર હિંમત, ધીરજ અને દીર્ઘદૃષ્ટિની અમરકથા
(‘લક્ષાધિપતિ’ના ત્રીજા એપિસોડમાં વાંચો, ‘નિરમા’ના ફાઉન્ડર કરસનભાઈ પટેલની કહાની. કેવી રીતે તેમણે નિરમા કંપની ઊભી કરી, આજે તેમનાં સંતાનો શું કરે છે, નિરમા કંપનીએ કેવી રીતે મલ્ટિનેશનલ કંપનીઓને ટક્કર આપી?)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















