- Gujarati News
- Dvb original
- Leopard Human Conflict Prevention; Jesore Forest Launches Poultry Initiative
દીપડાની ભૂખ ભાંગશે 'દેશી ચિકન':ગામમાં ઘૂસતા શિકારી પ્રાણીઓને રોકશે વન વિભાગ, રીંછના ગઢમાં શરૂ કર્યો પ્રયોગ
- કૉપી લિંક

જંગલ એમનું ઘર છે પણ સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ જ્યારે ગામમાં દેખાય ત્યારે સવાલ થાય કે આ શિકારી જંગલ છોડીને માનવ વસ્તી તરફ કેમ વળે છે? જેના 2 કારણ છે, પહેલું જંગલ ઓછા થયા અને બીજું પેટની આગ. વન વિભાગે શિકારી પ્રાણીઓની પેટની આગનો ઉકેલ શોધ્યો છે અને
મરઘાં સંવર્ધન કેન્દ્રની શરૂઆત અંગે દિવ્ય ભાસ્કરે અગ્ર મુખ્ય વન સંરક્ષક અધિકારી અને ગુજરાતના વન વિભાગના વડા જયપાલસિંહ તેમજ બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક પી.જી.ગાર્ડી સાથે વાતચીત કરી હતી. ***
જંગલી મરઘાંને ઉછેરીને જંગલમાં છોડાય છે બનાસકાંઠા જિલ્લાના અરવલ્લીની ટેકરીઓમાં જેસોર રીંછ અભ્યારણ્ય આવેલું છે. મે, 1978માં સ્થપાયેલું આ અભયારણ્ય આશરે 180.66 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને લુપ્તપ્રાય રીંછના સંરક્ષણ માટે જાણીતું છે. આ અભ્યારણ્યમાં કાળા રીંછ ઉપરાંત દીપડા, ઝરખ, નીલગાય, વરુ, જંગલી બિલાડી, સાબર અને વિવિધ પ્રકારના સરિસૃપ તથા પક્ષીઓ જોવા મળે છે.
જેસોરમાં જે સંવર્ધન કેન્દ્ર બનાવ્યું છે તેના માટે કોઇ મોટી વ્યવસ્થા કરવાની જરૂર પડતી નથી. શરૂઆતમાં પ્રજનનક્ષમ પક્ષીઓની જરૂર પડે છે. મરઘીઓ કુદરતી રીતે ઇંડાં મૂકે છે અને તેમાંથી બચ્ચાં બહાર આવે છે અથવા તો ઇંડાંને ઇન્ક્યૂબેટરમાં રખાય છે. કુલ 21 દિવસમાં ઇંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે ત્યારબાદ તેનો ઉછેર કરાય છે. આશરે 40થી 50 દિવસમાં તે મોટાં થાય છે ત્યાર પછી જો તેમની સંખ્યા પૂરતી હોય તો તેમને સીધા જંગલમાં છોડાય છે અથવા તો પહેલાં તેમની સંખ્યામાં વધુ વધારો કરીને એકસાથે મોટી સંખ્યામાં તેમને જંગલમાં છોડાય છે.

આ અંગે વન વિભાગના વડા જયપાલસિંહે જણાવ્યું હતું કે, અત્યારે જંગલી મરઘાંને જંગલમાં છોડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અમે જૂનાગઢના સક્કરબાગમાંથી શરૂઆતની વસ્તી માટે થોડાં જંગલી મરઘાં લાવ્યા છીએ ત્યારબાદ તે ઇંડાં મૂકે, તે ઇંડાંનું ઇન્ક્યૂબેશન થાય અને તેમાંથી બચ્ચાં બહાર આવે પછી તેને જંગલમાં છોડવાની કામગીરી પણ હવે શરૂ કરી રહ્યાં છીએ. ***
જંગલ બહાર આવતા દીપડા પર બ્રેક લાગશે! વન વિભાગ પાસે જૂનાગઢના સક્કરબાગ ઉપરાંત જાંબુઘોડામાં પણ સંવર્ધન કેન્દ્ર હતું. હવે તેમાં જેસોરના સંવર્ધન કેન્દ્રનો વધારો થયો છે. જયપાલસિંહ કહે છે કે, મેં જ્યારે જેસોરમાં કામ કર્યું હતું ત્યારે ત્યાં જંગલી મરઘાંની વસ્તી હતી પરંતુ ધીમે ધીમે તે ઘટી ગઇ. તેથી ફરીથી આ પ્રજાતિની વસ્તી સ્થાપિત થાય અને પહેલાં અહીં જોવા મળતાં જંગલી મરઘાં ફરીથી આ વિસ્તારમાં વસવાટ કરતા થાય તે માટે અમે જંગલી મરઘાંના સંવર્ધન કેન્દ્રની શરૂઆત કરી છે. અમારા પ્રયાસોથી તેમની વસ્તીમાં થોડો વધારો થઇ રહ્યો છે.

જેસોરમાં આ સંવર્ધન કેન્દ્ર શરૂ કરવા પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, જંગલમાં માંસાહારી પ્રાણીઓ માટે તેમની જરૂરિયાત મુજબ તૃણભક્ષી પ્રાણીઓ હોવા જરૂરી છે. આ માટે અમે સતત મૂલ્યાંકન કરતા રહીએ છીએ. આ જ રીતે જેસોર વિસ્તારમાં દીપડાની વસ્તીને ધ્યાનમાં રાખીને શરૂઆતના પ્રયાસરૂપે અમે ચિતલના સંવર્ધન કેન્દ્રની શરૂઆત કરી હતી.
વનવિભાગના આ પ્રયાસથી થનારા ફાયદાની વાત કરતાં તેઓ કહે છે કે, દીપડો અલગ-અલગ પ્રકારનાં તૃણાહારી અને અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. તેમાં મોર, જંગલી મરઘાં અને હરણ જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. જંગલમાં રહેલા વિવિધ પ્રાણીઓની એક વ્યવસ્થિત ખાદ્યશૃંખલા હોય છે અને દીપડો તેના પર આધાર રાખે છે. ક્યારેક તે બકરી જેવાં પાલતુ પ્રાણીઓનો પણ શિકાર કરે છે. આથી જો જંગલમાં રહેલાં પ્રાણીઓની સંખ્યામાં થોડો વધારો કરી શકીએ તો જંગલ બહાર આવતા દીપડાના કારણે સર્જાતી સમસ્યામાં ઘટાડો થઇ શકે છે. જંગલમાં પૂરતા પ્રમાણમાં શિકાર મળી રહે તો દીપડાને બહાર આવવાની જરૂર ઓછી પડે.
તેમણે ઉદાહરણ આપતાં આગળ કહ્યું કે, દીપડાને બહુ વધારે ખોરાકની જરૂર હોતી નથી. ઉદાહરણ તરીકે જો તેણે એક વાર જંગલી મરઘાંનો શિકાર કર્યો હોય તો એક-બે દિવસ સુધી તેને બીજા કોઇ મોટા પ્રાણીનો શિકાર કરવાની જરૂર ન પડે. તેવી જ રીતે જો તેણે ચિતલનો શિકાર કર્યો હોય તો બે-ત્રણ દીપડા પણ તેમાંથી ખોરાક મેળવી શકે છે. આ પ્રકારની તેમની વર્તણૂકને ધ્યાનમાં રાખીને અમે જંગલમાં વિવિધ વન્ય પ્રાણીઓની સંખ્યા વધારવાના પ્રયાસો કરીએ છીએ.

દીપડાની પ્રકૃતિ અંગે તેમણે કહ્યું કે, દીપડો કોઇ એક ચોક્કસ જગ્યાએ જ રહેતો નથી. તે ઘણે દૂર સુધી ફરતો રહે છે. તેથી દીપડા માટે જે અનુકૂળ રહેઠાણ છે તે વિસ્તારમાં અમે જંગલી મરઘાંને છોડીશું. ત્યારબાદ ત્યાં કુદરતી રીતે પણ તેમની વસ્તીમાં વધારો થતો રહેશે. તે વિસ્તારના શિકારી પ્રાણીઓ પોતાની જરૂરિયાત મુજબ ત્યાં અવરજવર કરે અને શિકાર કરી શકે. ***
જંગલનું સંતુલન જાળવવામાં પણ ઉપયોગી ગાંધીનગર, અમદાવાદમાં દેખાયેલા દીપડા અંગે જયપાલસિંહ કહે છે કે, સાબરમતી નદીના પટ્ટામાં દીપડાની વસ્તી છે તેથી ક્યારેક ગાંધીનગરમાં પણ જોવા મળે છે. અગાઉ એક વખત તે સચિવાલયમાં પણ આવી ગયો હતો. આ રીતે ક્યારેક ગાંધીનગરમાં તો ક્યારેક અન્ય વિસ્તારોમાં દીપડો જોવા મળે છે. સામાન્ય રીતે તે કોઇ નુકસાન નથી કરતો અને એક વખત આવીને ફરી પાછો જતો રહે છે. આ તેમની નિયમિત અવરજવરનો એક ભાગ છે. તે નદીના પટ્ટા અને તેની આસપાસના વિસ્તારોમાં ફરતો રહે છે.

બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક (DCF) પી.જી.ગાર્ડીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ઇકબાલગઢ રેન્જમાં વેરા જંગલ સર્વે નંબર 74માં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં જંગલી મરઘાંનો ઉછેર થાય છે.
તેમણે જંગલી મરઘાંથી થતાં ફાયદા અંગે કહ્યું કે, આ મરઘાં ઝેરી જીવજંતુઓ, ઇયળો અને હાનિકારક કીડાઓને પોતાનો ખોરાક બનાવે છે. જેથી વૃક્ષો અને વનસ્પતિઓને કીડાઓના ઉપદ્રવથી બચાવી શકાય છે અને જંગલનું ઇકોલોજિકલ બેલેન્સ પણ જળવાઇ રહે છે. ખોરાકની શોધમાં તે નીકળે ત્યારે તેના અણીવાળા પગથી જમીનનું ઉપલું સ્તર પોચું બને છે. જેના કારણે પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરે છે અને જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે.

3 વર્ષમાં દીપડાએ 35 લોકોનો ભોગ લીધો દીપડા અને માનવ વચ્ચેનો સંઘર્ષ રોકવો શા માટે જરૂરી છે તે આ આંકડા પણ કહે છે. રાજ્યમાં દીપડાની વસતી અંદાજે 2275 જેટલી છે. છેલ્લા 3 વર્ષોમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં દીપડાએ 35 લોકોનો ભોગ લીધો છે.
જંગલની બહાર આવતા દીપડા અને ગામલોકોના રોષ વચ્ચે હવે આ 'જંગલી મરઘાં' કુદરતી સેતુ બનશે. વન વિભાગનો આ પ્રયોગ માત્ર એક શિકારી પશુની ભૂખ ભાંગવા પૂરતો નથી પણ ઇકો-સિસ્ટમને પાટે ચડાવાની અનોખી કવાયત છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















