Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-1
‘5 મિનિટમાં 10 જણનું જમવાનું બનાવતું મશીન’:ફાઉન્ડરે કહ્યું, ‘રેસિપી વિના માત્ર સામગ્રી નાખો, ને 1 હજાર ટેસ્ટી વાનગીઓ બનાવો!’

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

‘ઑન 2 કૂક મશીન મોબાઈલમાં એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે. જેમાં અત્યારે તમે વિવિધ ક્વિઝિન્સની 300થી વધુ આઇટેમ્સ બનાવી શકો છો. કેટલી માત્રામાં તમારે એ આઈટમ બનાવવી છે, એ સિલેકટ કરશો એટલે એપ્લિકેશનમાં તમને કહેશે કે, તે વાનગી બનાવવા માટે તમારે મશીનમાં કઈ કાચી

.

આ શબ્દો છે અમદાવાદ સ્થિત આંત્રપ્રેન્યોર સનંદન સુધીરના... સનંદન એટલે ‘ઓન 2 કૂક’ના ફાઉન્ડર. ‘ઓન 2 કૂક’ એક એવું ‘જાદુઇ’ મશીન છે, જે લિટરલી 5-10 મિનિટમાં તમે કહો એ ડિશ તૈયાર કરી આપે છે. તમારે ફક્ત તેની મોબાઇલ એપ્લિકેશનમાંથી કઈ ડિશ બનાવવી છે તે સિલેકટ કરવાનું અને મશીનને રો-મટિરિયલ (શાક, તેલ-મસાલા વગેરે) આપી દેવાનું; બસ તમારું કામ થઈ ગયું. ફક્ત પાંચથી દસ મિનિટમાં તમારી ગરમાગરમ ટેસ્ટી ડીશ બનીને તૈયાર હશે! એવું શું છે આ મશીનમાં? કેવી રીતે બનાવ્યું? તેના આ મેજિકનું સિક્રેટ શું છે? આ બધી જ વાતો જાણીશું ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના આજના એપિસોડમાં.

યસ્સ, દિવ્ય ભાસ્કર પર આજથી શરૂ થઈ રહી છે નવી સિરીઝ, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’. જેમાં આપણે જાણીશું ગુજરાતનાં પાંચ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ વિશે. તેના આંત્રપ્રેન્યોરની લાઈફ અને સ્ટ્રગલથી લઈ સ્ટાર્ટઅપની આજ સુધીની લાઈફ વિશે. ગુજરાતનાં એવાં પાંચ સ્ટાર્ટઅપ, જેમણે વિચાર્યું કે, આપણે કશું હટકે કરીએ, લોકોના જીવનમાં બદલાવ લાવીએ, ભીડથી થોડા દૂર થઈએ; અને એમણે કરી બતાવ્યું, ફક્ત ગુજરાતને જ નહિ, આખી દુનિયાને બતાવી દીધું કે, અમે ગુજરાતીઓ શું કરી શકીએ છીએ. તો ચલો, આજના આપણાં આંત્રપ્રેન્યોર સનંદનભાઈ સાથે વાતોના ‘વડા’ બનાવીએ અને ટેસ્ટ કરીએ એમની ડિલિશિયસ સ્ટાર્ટઅપ જર્નીને… ચટપટી વાનગીઓ બનાવતા મશીનને બનાવનાર સનંદનભાઈ પણ એટલા જ ચટપટા સ્વભાવના છે. હસી-મજાકવાળો સ્વભાવ, શાર્પ માઇન્ડ અને ઇનોવેશનની તડપ.

ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું અને... ‘1965માં ભારત-પાકિસ્તાનનું ભીષણ યુદ્ધ ચાલુ હતું. એ ટાઈમે રાત્રે 8:35 વાગ્યાના અંધારામાં હિમાચલ પ્રદેશમાં મારો જન્મ થયો હતો.’ હસતાં હસતાં જ સનંદનભાઈએ વાતની શરૂઆત કરી, ‘મારા પપ્પા પંજાબી, જાલંધરમાં હાર્ડવેરની નાનકડી ફેક્ટરી ચલાવતા. મારાં મમ્મી હિમાચલી છે. જાલંધરમાં મારો ઉછેર થયો ને 17 વર્ષની ઉંમરે HSC પાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ કરવા IIT જમશેદપુર ભાગ્યો. જમશેદપુર એ સમયે બિહારમાં હતું. બિહારે મારું ઘડતર કર્યું. પહેલાં તો જતાંવેંત જ રેગિંગથી મારું ‘સ્વાગત’ કર્યું. ત્યાં જઈને મને ખબર પડી કે જાતિવાદ પણ હોય છે. પંજાબમાં તમને કોઈ નહિ પૂછે કે, તમારી જાત શું છે? બિહારમાં કોલેજ પહોંચ્યો ને બસમાંથી ઊતર્યો ત્યાં જ એક જોરથી ઝાપટ પડી…

‘લાફો મારીને મને પૂછ્યું, કૌન જાત હો?’ સનંદનભાઈનું બિહારમાં ‘સ્વાગત’ થઈ ગયું હતું, ‘બે મિનિટ તો મને સ્વીકારતાં થઈ કે, અહીં થયું છે શું? કેમ કે આમ અચાનકથી કોઈ લાફો મારી દે તો શું સમજવાનું? લાફો મારી મને પૂછ્યું, ‘કૌન જાત હો?’ (‘તારી જાતિ શું છે?) હવે જાત શું એ તો મને ખબર જ નહોતી. મેં કીધું જાત શું છે? એ તો મને નથી ખબર, મારું નામ સનંદન સુધીર છે, અમે પંજાબના હડિયાબાદથી છીએ. પહેલાં અમારી સરનેમ શર્મા હતી, પણ પછી સુધીર થઈ ગઈ. પરંતુ જાત નથી ખબર. પહેલા ત્રણ દિવસ તો મેં બરાબરનો માર ખાધો, ઘણું રેગિંગ થયું પણ પછી કંટાળીને મેં ઘરે ફોન કર્યો કે, મને સમજાવો કે જાત શું હોય છે? ઘરેથી કહ્યું કે આપણે બ્રાહ્મણ છીએ, એવું કહી દેજે. (હડિયાબાદમાં બ્રાહ્મણોએ જે તે સમયે મુઘલો સામે લડત કરી હતી, તેમાં જે પરિવારમાંથી કોઈ શહીદ થયું એમની અટક ‘ધીર’ થઈ ગઈ, અને જે પરિવારમાં એકથી વધુ સદસ્યો શહિદ થયા એમની સરનેમ ‘સુધીર’ થઈ ગઈ હતી.)

‘બિહારમાં મને ઘણું જોવા મળ્યું, મારાં મમ્મી ટીચર, પપ્પા બિઝનેસમાં, એટલે સારી લાઈફસ્ટાઇલ જીવીને આવ્યો હતો. એમાં સીધું બિહાર મળ્યું. મેં એ ચાર વર્ષમાં મેં ભણવાની સાથે તીર-કમાન છરી-ચાકાં ચાલતાં પણ જોયા છે, લોકો રસ્તે જતા કૂતરાંને વીંધી નાખે એવું પણ જોયું છે, બે વ્યક્તિઓ ભાગીને જતી હોય ને સામે કોઈ રોકીને તલવારથી એના હાથ કાપી નાખે એવાં ભયાનક દૃશ્યો પણ જોયાં છે. શરૂઆતી દિવસોમાં જ આ બધું મેં મારી આંખેથી જોયું, પણ પછી નક્કી કરી લીધું કે, હું હવે આ બધાની વચ્ચે રહેતા શીખીશ જ. ધીમે ધીમે આદત પડી ગઈ.’

‘બે થપ્પડ મારે તો પ્રસાદની જેમ ખાઈ લેવાની’ અમે જરા કૂતુહલથી પૂછ્યું કે, રેગિંગમાં શું શું થતું? સનંદનભાઈ કહે, ‘અરે, અમને લાલચોળ કરી દે એવું મારતા. પહેલાં બે-ચાર લાફા મારે, પછી બે-ચાર સવાલો પૂછે, પછી એમની સામને કહે એવું નાચવાનું. પણ પછી એ લોકો મિત્રો બની જાય, જમવા પણ લઈ જાય ને સિટીમાં પણ ફેરવે. ઇન શોર્ટ, રેગિંગ ઈન્ટ્રોડક્શનનો રસ્તો હતો. એટલે પછી તો હું આ બધાથી ટેવાઇ ગયો. ‘બે-ચાર લાફા પડશે એ જ ને, પણ સાથે નવા નવા મિત્રો બનશે.’ એમ વિચારી રોજ રાત્રે નવા મિત્રો બનાવવા નીકળી પડતો. કેમ કે પહેલી વાર કોઈ મારે તો તમને બીક લાગે, બીજી વાર મારશે તો બીક લાગે, પણ પછી ટેવ પડી જાય કે, આ રસ્તો છે, પણ સામે કાંઠે મજા છે. હું નાનો હતો ત્યારે અમારા ઉત્તર ભારતમાં એક કહેવત સાંભળી હતી કે, ‘પુરુષો જો રાત્રે મહિલાઓને એક-બે થપ્પડ મારી દે તો એને પ્રસાદ સમજી લઈ લેવું, એ કોઈ મોટો પ્રશ્ન નથી.’ અલબત્ત, આ વાત યોગ્ય નથી અને સ્ત્રીઓ કે કોઇપણ વ્યક્તિ ઉપર હાથ ઉપાડવો કોઈ કાળે યોગ્ય નથી, પરંતુ મેં તેને પોઝિટિવલી લઇને, આ રેગિંગને પ્રસાદને જેમ લીધો અને ધીમે ધીમે ટેવાઇ ગયો.'

‘રેસ્ટોરાંમાં માથાકૂટ થઈ, તો હું નજીકથી જોવા ગયો!’ સુધીરભાઈએ વાત ચાલુ રાખી, ‘આ બધાની મારા જીવન પર ઘણી અસર પડી. કોલેજ પછીનો એક કિસ્સો કહું. IIT કરીને હું પંજાબ પાછો આવી ગયો હતો. એક રેસ્ટોરાંમાં અમે ફેમિલી સાથે જમવા ગયા હતા ને ત્યાં થોડા લુખ્ખાઓની ગાડી આવી ને પાછળ પોલીસની 2-3 ગાડીઓ આવી. લુખ્ખાઓ જોર શોરથી આવી સીધા જ અંદર રેસ્ટોરાંના રસોડામાં ઘૂસ્યા. બધું જ પબ્લિક બહાર ભાગ્યું. પણ મને ઊલટાની ઉત્સુકતા થઈ. જ્યાં બધા બહાર ભાગતા હતા ત્યાં હું અંદર જોવા ગયો કે એ લોકો શું કરે છે. બિહારે મારામાં આ પરિવર્તન લાવી દીધું હતું. જીવનમાંથી ડર ભાગી ગયો ને કોન્ફિડન્સ આવી ગયો.’

IIT પછીના એજ્યુકેશન પર વાત કરતાં સનંદનભાઈ કહે, ‘IIT કર્યા પછી મને ડિઝાઇનમાં રસ પડ્યો, તો અમદાવાદ આવી NID (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન)માં એડમિશન લીધું. પાસ થઈ GEH (જનરલ ઇલેક્ટ્રિક હેલ્થકેર)ના R&D સેન્ટર બેંગલોરમાં જોબ શરૂ કરી, જે MRI સિસ્ટમ, સિટી સ્કેન મશીન વગેરે વસ્તુઓ ડિઝાઇન કરી નવી બનાવે છે. ત્યાં જ્યારે પહેલી વાર મેં MRI મશીનને ખુલ્લુ જોયું તો મારી આંખો પહોળી થઇને ખુલ્લી રહી ગઈ કે, એક મશીનની અંદર આટલી બધી ટેક્નોલોજી હોય? આટલું ઊંડાણમાં? અમે ભણ્યા એ તો કશું ભણ્યા જ નથી. 1997થી 2007 સુધી 10 વર્ષ ત્યાં કામ કર્યું ને બધું અલગ અલગ શીખ્યા. ત્યાંથી નીકળ્યો એટલે થોડો કોન્ફિડન્સ આવી ગયો કે, હવે કોઈ ને કોઈ પ્રોડક્ટ તો હું બનાવી જ લઇશ.’

એવું મશીન હોવું જોઇએ, જે નીચેથી ગેસ, ઉપરથી ઓવન હોય તો કંપનીની શરૂઆત કેવી રીતે કરી? ફાઉન્ડર સુધીરે વાત માંડી, ‘હું જ્યારે બેંગલોર હતો ત્યારે ત્યાં જમવાનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો. કશું ખાવાનું સરખું ન મળે. એ સમયે 1998ના અરસામાં માઇક્રોવેવ ઓવન આપણે ત્યાં હજુ નવાં નવાં એન્ટર થયાં હતાં. 45 હજાર રૂપિયાનું ઓવન ને સાથે મોટી ચોપડી આવે, જેમાં 300થી વધુ ડિશની રેસિપી લખેલી હોય. મને એમ કે આ એક ઓવન લઈ લઇશ તો મારો જમવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એવું કશું ન થયું. 3-4 રેસિપીથી વધુ કશું ન બન્યું. ઉપરથી બધું જાતે બનાવી બનાવીને ખાવું પડતું. લગ્ન પહેલાં ચાર વર્ષ સુધી મેં આમ જાતે જ જમવાનું બનાવ્યું. ગેસ પર ગ્રેવી બનાવું અને ઓવનમાં શાકભાજી. એ સમયે મારા મિત્રો મારા ઘરે જમવા બહુ આવતા, એ લોકોને મારું બનાવેલું બહુ ભાવતું. મને વિચાર આવ્યો કે, એવું કોઈ મશીન હોવું જોઇએ કે જેમાં માઇક્રોવેવ ઉપરથી ગરમ કરી દે અને ગેસ નીચેથી, તો ખાવાનું જલ્દી બની જાય.’

પ્રોડક્ટ છોડો, એપ બનાવો ત્યારે જ પ્રોડક્ટ બનાવી નાખી? સનંદનભાઈ કહે, ‘ના રે ના, એ સમયે તો મને ખાલી વિચાર આવ્યો હતો. મેં GEમાં મારો આઇડિયા પણ આપ્યો, પણ એ ગ્લોબલ લીડર્સે મારો ઇન્ડિયન આઇડિયા પાસ ન કર્યો. મેં મારું કામ ચાલુ રાખ્યું ને સાઇડમાં પ્રયાસ પણ. 2007 સુધી GEમાં ઘણી બધી ઇન્ટરનેશનલ ટીમ્સ સાથે કામ કરી, 2008માં ફરી અમદાવાદ આવી ગયો. અહીં આવી IIMમાં ફરી પિચ આપી. એ લોકોને પણ મનમાં ન બેઠું. એ ટાઈમે IIT ફક્ત એપ્સ સ્ટાર્ટઅપમાં જ ઇન્વેસ્ટ કરતું, તો મારો ચાન્સ ન લાગ્યો. એ લોકો મને પણ કહેવા માંડ્યા કે, તમે પણ કોઈ એપ બનાવો, તમને ફૂડમાં રસ હોય તો ખાવાની એપ બનાવો, પણ એપ બનાવો. મેં કહ્યું છોડો યાર, મારે તો પ્રોડક્ટ જ બનાવવી છે, આપકો આપકા ઇન્વેસ્ટમેન્ટ મુબારક, મુજે મેરા આઇડિયા.’

અને અમારું મિશન ‘On2Cook’ શરૂ થયું તો પછી ઇન્વેસ્ટમેન્ટ? ફાઉન્ડર સાહેબ કહે, ‘હું સમજી ગયો કે, ખાલી આઇડિયા પર તો ઇન્વેસ્ટમેન્ટ મેળવવું અઘરું થશે, પહેલાં કોઈ પ્રોડક્ટ તો બનાવવી જ પડશે. એટલે મેં અને મારી વાઈફે મળીને એક બીજી કંપની ખોલી, ‘ઇન્વેન્ટ ઈન્ડિયા’. જેમાં અમે ડિઝાઇન સર્વિસ પૂરી પાડતાં. મતલબ કે, તમારી પાસે કોઈ સ્ટાર્ટઅપ આઇડિયા છે, પણ એની પ્રોડક્ટ કે કોઈ ડિઝાઇન નથી, તો એ અમે બનાવી આપીશું. પૈસા માટે અમે ઇન્વેન્ટ ઈન્ડિયા શરૂ કર્યું અને 10 વર્ષ સુધી ચલાવ્યું, થોડાં વર્ષોમાં એ ઓટો મોડ પર આવી ગયું, મતલબ એ પછી અમારે એમાં કશું વધારે કરવા જેવું રહ્યું નહીં, હવે અમારી સિનિયર ટીમ જ એ બધું સંભાળી લે છે. હવે અમારું મુખ્ય મિશન હતું, ‘On2Cook’.’

‘ઓન 2 કૂક’ની ગાડી પાટે ચડી ત્યાં કોરોના આવી ગયો સુધીરભાઈએ વાત ચાલુ રાખી, ‘પૈસાનું સેટિંગ થતાં અમે ફરી ઑન2કૂક પર કામ ચાલુ કર્યું. 2017-18માં અમને પેટન્ટ મળી પણ ગઈ. US અને UK બંને જગ્યાએ ગ્રાન્ટ થઈ ગયું. હવે અમે રાજા હતા. અમે પૂરી એનર્જી એના પર લગાવી દીધી કે, હવે તો આ પ્રોડક્ટને મોટી કરીશું જ. ચાર-પાંચ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું. પરંતુ ગાડી પાટે ચડી ત્યાં કોરોના આવી ગયો. દોઢ વર્ષ સુધી ફરી બધું બંધ થઈ ગયું. પણ એ ટાઈમને અમે ટેસ્ટિંગમાં લગાવી દીધો અને મહેનત ચાલુ રાખી. જેવું થોડું ખૂલ્યું કે તરત જ અમે 200-300 રેસ્ટોરાંને મળ્યા ને પ્રોડક્ટ બતાવી. અમને ઘણા ફીડબેક મળ્યા કે શું શું ઇમ્પ્રુવ થઈ શકે છે. એ પછી USના CESમાં (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો - અમેરિકાની બહુ જ મોટી ઇવેન્ટ, જેમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની દુનિયાભરની અવનવી પ્રોડક્ટને શોકેસ કરવામાં આવે, તેમાં) પણ ભાગ લીધો અને બાદમાં શાર્ક ટેન્કમાં પણ ગયાં.’

‘શાર્ક ટેન્કમાં અશનીર ગ્રોવરે મને ‘શાકાલ’ કહ્યો’ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ મળ્યું? સનંદનભાઈ કહે, ‘શાર્ક ટેન્કમાંથી ઇન્વેસ્ટમેન્ટ તો ન મળ્યું પણ એનાથી લોકોને અમારી પ્રોડક્ટ વિશે જાણ થઈ અને મને ઓળખતા થયા. એ સમયે અમારી પાસે રેવન્યુ નહોતી એટલે એમણે ઇન્વેસ્ટમેન્ટ ન આપ્યું. ત્યાં અશનીર ગ્રોવરે મને (‘શાન’ ફિલ્મના વિલન) ‘શાકાલ’ સાથે પણ કમ્પેર કર્યો, એમાં ઘણાં મીમ્સ બન્યા ને લોકો સુધી મારું અને મારી પ્રોડક્ટનું નામ પહોંચ્યું. એ પછી અમને બે-ચાર મહિનામાં જ બીજેથી ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું ને ઓક્ટોબર 2022માં ‘ઓન2કૂક પ્રાઈવેટ લિમિટેડ કંપની’ પણ કરી દીધી. ઇન્વેસ્ટર મયુર દેસાઇએ મેજર ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને અમારી કંપની દોડતી થઈ. ચારેબાજુથી બધું મળી અમને ₹25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું.’

‘અમારું મશીન 15 દિવસ સતત ચલાવતા રહો, કશું નહીં થાય’ સનંદનભાઈએ વાત આગળ ધપાવી, ‘અમે પ્રોડક્ટને ઓર ડેવલપ કરી અને માર્કેટમાં લોન્ચ કરી. પ્રોડક્ટના 500 પીસ પણ બનાવ્યા. એમાંથી થોડા જ ટાઈમમાં 400 પ્રોડક્ટ વેચાઈ પણ ગઈ અને 100 પ્રોડક્ટ અમે ટ્રાયલ માટે રાખી. અમે ગેરંટીથી કહી શકીએ છીએ કે, તમે અમારી પ્રોડક્ટને 15 દિવસ સુધી રાત-દિવસ સતત ચલાવતા રહેશો, તો પણ એમાં કશું જ નહીં થાય અને તે એકદમ બરોબર ચાલશે.’

જેવું કામ, એવું જ નામ ‘ઓન ટુ કૂક’ નામ પાછળની સ્ટોરી શું છે? ઓન ટુ કૂકનાં ‘ફોઈબા’ સુધીર હસ્યા, ‘સિમ્પલ છે, જેવી પ્રોડક્ટની ડિઝાઇન એવું નામ. એક ઢાંકણું છે, જે કૂકિંગ પોઈન્ટ પર છે, અંદર જે વસ્તુ કૂક થઈ રહી છે એના પર છે. બસ, ઑન ટુ કૂક (રસોઈની ઉપર). એક બીજું રિઝન એ પણ હતું કે કોઈ પણ ક્રિએટરનું માઇન્ડ કોઈ ને કોઈ વસ્તુ પર હોય છે. એ રીતે મારું ફોકસ ફક્ત ને ફક્ત કૂકિંગ પર જ છે. મતલબ કે અમારી કંપનીનું ફોકસ ફક્ત રસોઈ પર જ છે, ઑન ટુ કૂક.’

તમારી કેટલા લોકોની કંપની છે ને કેટલાનું ટર્નઓવર કરી લે છે? સુધીરભાઈ હસતાં હસતાં કહે, ‘જ્યારે શરૂ કર્યું ત્યારે હું એકલો જ હતો, પણ ધીમે ધીમે લોકોને જોડતો ગયો ને અત્યારે અમે 140-150 લોકોની ટીમ સાથે કામ કરીએ છીએ. પૈસાની વાત કરીએ તો, ઓન2કૂકનું ₹15-20 કરોડનું ટર્નઓવર થઈ જાય છે અને ઇન્વેન્ટ ઈન્ડિયાનું ₹20-22 કરોડ જેવું ટર્નઓવર થઈ જાય છે.’

આ પહેલાં કોઈ જોબ કે બિઝનેસ કર્યો હતો? સનંદનભાઈ સલાહ આપતા કહે, ‘પહેલાં GEમાં નોકરી પણ કરી, વચ્ચે પેન્ટિંગ્સ પણ વેચ્યા, બીજા એક-બે બિઝનેસ માટે પણ ટ્રાય કરી, પણ છેલ્લે નક્કી કર્યું કે, ‘જોબ ને બિઝનેસ બંને સાથે ન થાય.’ તમારે એક તો છોડવું જ પડે. એટલે બધુ મૂકી બિઝનેસમાં તૂટી પડ્યો. અત્યારે અમે પતિ-પત્ની મળી કંપની સાથે ચલાવીએ છીએ, હું મેન્યુફેક્ચરિંગ પાર્ટ સંભાળું છું, પ્રોડક્ટ બનાવું છું. પણ એ પ્રોડક્ટ માટેનો બિઝનેસ આખો મારી વાઈફ જ્યોતિ હેન્ડલ કરે છે. એનું ફોકસ ફક્ત પૈસા પર ને મારુ ફક્ત ટેકનોલોજી પર. જ્યોતિ CEO છે અને હું CTO. આ પહેલાં અમારે બીજો બિઝનેસ કરવો પડ્યું એનું કારણ એ જ હતું કે, કોઈ પ્રોડક્ટ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર જ નહોતું, દરેકે ITમાં જ સ્ટાર્ટઅપ કરવું હતું. એમાં જેવો થોડો પણ ફાયદો થયો એટલે તરત જ ઑન ટુ કૂક શરૂ દીધું.’

જાદુઈ મશીનઃ ફિલ ઇટ, શટ ઇટ, ફરગેટ ઇટ! સનંદનભાઇ પોતાની પ્રોડક્ટ વિશે ગર્વભેર સમજાવતાં કહે, ‘ઑન 2 કૂક મશીન મોબાઈલમાં એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે. જેમાં અત્યારે તમે વિવિધ ક્વિઝિન્સની 300થી વધુ આઇટેમ્સ બનાવી શકો છો. આવનારા સમયમાં આ આંકડો વધીને એક હજાર વાનગીઓનો થઈ જશે! કેટલી માત્રામાં તમારે એ આઈટમ બનાવવી છે, એ સિલેકટ કરશો એટલે એપ્લિકેશનમાં તમને કહેશે કે, તે વાનગી બનાવવા માટે તમારે મશીનમાં કઈ કાચી સામગ્રી કેટલા પ્રમાણમાં અંદર ઉમેરવાની છે. એ બધું જ અંદર ઉમેરી મશીનનું ઢાંકણ બંધ કરીને ઑન કરી દો. 5-10 મિનિટમાં કોઈ પણ આઈટમ બનીને એકદમ તૈયાર થઈ જશે. જે વાનગી બનાવતા તમારે ફુલ અટેન્શન સાથે એકથી દોઢ કલાક થતો હશે એ ફક્ત 5-10 મિનિટમાં તૈયાર થઈ જશે.’

સનંદનભાઈ આગળ કહે, ‘દુનિયામાં બે પ્રકારના લોકો છે, એકને રસોઈ બનાવતા આવડે છે અને એકને નથી આવડતું. બંને માટે અલગ અલગ મેસેજ છે. જેને રસોઈ આવડે છે, એમને કહીશ કે, તમને અડધા પૈસામાં 70% ઝડપથી દુનિયાનું સૌથી ટેસ્ટી ફૂડ મળશે. જ્યારે બીજા પ્રકારના જે લોકોને જમવાનું બનાવતા આવડતું જ નથી, એમને કહીશ કે, ‘ભાઈ (કે બહેન) તમારાં મનમાં જે વિચાર આવે એ વાનગી વિચારો, એપમાંથી સિલેકટ કરો, ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરો, અને ચપટી વગાડતાંમાં બેસ્ટ ટેસ્ટવાળું ફૂડ તૈયાર મળશે! કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી.’

ઘર, કેફે, રેસ્ટોરાંઃ રસોઈ બનાવતો અલાદ્દીનનો જાદુઈ ચિરાગ તમારી પ્રોડક્ટ B2B જ છે એટલે કે રેસ્ટોરાં વગેરેને જ વેચો છો કે સામાન્ય કસ્ટમર પણ ખરીદી શકે છે? સનંદનભાઈ કહે, ‘અમે કોઈ એવું લિમિટેશન નથી રાખ્યું, પણ અત્યારે આ પ્રોડક્ટની કિંમત ₹1.5 લાખ જેવી છે, એટલે પોતાના ઘર માટે વસાવતા કસ્ટમર ઓછા મળે છે, પરંતુ જે કેફે અને રેસ્ટોરાંમાં અમારી પ્રોડક્ટ જાય છે, એમના ઘણા માલિકોએ એમના ઘર માટે ખરીદી છે. જો કોઈને લેવું હોય તો એ લોકો ખરીદી જ શકે છે, કોઈ ના નથી. બાકી મોટે ભાગે રેસ્ટોરાં અને કેફે અમારી પ્રોડક્ટ ખરીદે છે, જેમાં હોક્કો, કાફા, ટીપોસ્ટથી લઈ જસ્સી દે પરાઠે સુધીની ઘણી મોટી બ્રાન્ડ્સ અમારી કસ્ટમર છે. અમારો ટાર્ગેટ છે કે, આ ફાઇનાન્શિયલ વર્ષમાં અમે 3 હજાર પ્રોડક્ટ વેચવાનો, જે ઓલમોસ્ટ પૂરો થઈ જશે. અમારાં નવાં નવાં મશીનોનું પ્રોડક્શન પણ ચાલુ જ છે.’

10 મિનિટમાં 10 લોકોનું જમવાનું તૈયાર! અત્યારે એક જ પ્રોડક્ટ છે? સુધીરભાઈ કહે, ‘હા, અત્યારે આ એક પ્રોડક્ટ છે, અને હજુ આના જેવી જ બીજી બે-ત્રણ પ્રોડક્ટ અમે ડેવલપ પણ કરી રહ્યા છીએ. એક વખતમાં આ મશીન 3 કિલો જેટલું જમવાનું બનાવી શકે છે. અને જે બીજું બનાવીએ છીએ એ 10 લિટર જેટલું બનાવી શકે છે. ઉદાહરણ તરીકે તમારે પાસ્તા બનાવવા છે તો બે કિલો પાસ્તા ફક્ત 7 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. બાકી તો 4-5 લોકો માટે બનાવવું હોય તો 4-5 મિનિટમાં તૈયાર. જો તમારે બિરયાની બનાવવી છે, તો 15 લોકો ખાઈ શકે એટલી 3 કિલો બિરયાની ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે. 10 મિનિટમાં 10 લોકોનું જમવાનું તૈયાર!’

‘આવતાં 10 વર્ષોમાં તો 100 દેશમાં અમારી પ્રોડક્ટ વેચાતી હશે’ તમારું સૌથી મોટું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? સુધીરભાઈ કહે, ‘સૌથી વધુ તો ક્લાઉડ કિચન, રેસ્ટોરાં અને નાના કેફે જ ખરીદે છે. જે લોકોએ એકથી વધુ આઉટલેટ બનાવવી છે, એ સૌથી વધુ અમારી પ્રોડક્ટ ખરીદે છે. જેથી કોઇપણ વ્યક્તિ ગમે તે બ્રાન્ચમાં એક વાનગી બનાવે છતાં તેમને દરેક ઠેકાણે એકસરખો ટેસ્ટ મળી રહે. એટલું જ નહિ, અમારું આ મશીન વિદેશમાં પણ એટલી જ વેચાય છે. દુબઈમાં અમરા ડિસ્ટ્રિબ્યુટર છે, UKમાં શરૂ થઈ રહ્યું છે. 2030 સુધીમાં 10 દેશમાં અમારી પ્રોડક્ટ વેચાતી હશે, બાકી આવતાં 10 વર્ષોમાં તો 100 દેશોમાં પહોંચી જઈશું.’

યંગ આંત્રપ્રેન્યોર્સને શું સલાહ આપશો? સનંદનભાઈ ફિલ્મી સ્ટાઇલમાં કહે, ‘એક જ વાત કહીશ, ‘છોડને કા નહીં, કુછ ભી હો જાયે.’ અમારા 15 પ્રોટોટાઈપ નિષ્ફળ ગયા પછી આ આઈટમ બની છે. હું ત્રણ નિષ્ફળતા પછી પણ છોડી શકતો હતો ને 14 પછી પણ છોડી શકતો હતો, પણ મંડ્યું રહેવાનું. એક દિવસ સફળતા મળશે જ.’

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links