Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-5
ચાના કપ ધોવાના મશીનનો 1 કરોડનો બિઝનેસ:અડધો લિટર પાણી ને 30 સેકન્ડમાં 30 કપ સાફ! ફાઉન્ડર્સ કહે, ‘આ પ્રમુખ સ્વામીના આશીર્વાદ છે’

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

‘ચાના કપ ધોવા માટે દરેક ટપરીએ એક માણસ રાખેલો હોય છે. હવે એ સરખા ધોવે ન ધોવે, એટલે ચોખ્ખાઈનો પ્રશ્ન રહે. વળી એકના એક પાણીમાં સેંકડો કપ ધોવાયા કરે, એમાં કપ શું સાફ થવાના? એની સામે અમારા મશીનનો ઉપયોગ બહુ જ સહેલો છે. તમારા એઠા ચાના કપને એક ટ્રેમાં મૂકી મ

.

એઠાં વાસણો સાફ કરી આપતા ડિશ વૉશર વિશે તમે સાંભળ્યું હશે, પણ ચાના કપ ધોવાના મશીન વિશે સાંભળ્યું છે? ચાની ટપરીએ સૌથી મોટી સમસ્યા હોય છે, કપની અને કપના હાઇજિનની. જો કાગળના કપ રાખે તો ખર્ચો વધુ અને પેટમાં માઇક્રોપ્લાસ્ટિક જવાનો ભય, ને કાચના કપ રાખે તો યોગ્ય રીતે સાફ થયા હશે કે કેમ તેનો પ્રશ્ન. પરંતુ આ વાતનું સોલ્યુશન લાવતું મશીન બનાવી દીધું છે, બનાસકાંઠાના ગામડામાં રહેતા બે યુવાનોએ. જે મશીનમાં એક જ મિનિટમાં ફક્ત અડધા લિટર પાણીથી 30થી 40 કપ એકદમ સ્વચ્છ થઈ જાય છે. એટલું જ નહીં, બંને ભાઈઓ પોતાની ‘પ્રહંતમ’ કંપનીના આ મશીનને ‘શાર્ક ટેન્ક’માં પણ લઈ ગયા હતા, જ્યાં જ્યુરીને ઇન્ટરેસ્ટ પડતાં બધા જ શાર્કનું ઇન્વેસ્ટમેન્ટ પણ મળ્યું હતું. તો ચલો, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના આજના એપિસોડમાં આ બંને ભાઈઓ સાથે વાત કરીએ અને જાણીએ આ યુનિક મશીન વિશે...

‘ભણવામાં ઓછો ને ભાંગફોડમાં વધારે રસ હતો!’

‘મૂળ અમે ધાનેરાના ભાટીબના.’ કો-ફાઉન્ડર ધવલ નાઈએ વાતની શરૂઆત કરી, ‘મેં અને મારા મોટાભાઈ જયેશભાઈએ મળીને આ કંપનીની શરૂઆત કરી. ઘરની વાત કરું તો પપ્પા LICમાં જોબ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. નાનપણથી જ ભણવામાં વધુ રસ નહીં, પણ વસ્તુઓની ભાંગતોડ કરવામાં વધારે રસ એટલે 10 પછી મિકેનિકલમાં ડિપ્લોમા કર્યું. ત્યારે બધું શિખતા હતા એમાં અમને વિચાર આવ્યો કે આવું કશુંક બનાવવું જોઈએ. એટલે મેં મારા પ્રોફેસર બ્રિજેશ પટેલને વાત કરી. સરે સપોર્ટ કર્યો ને સાથે સરકાર તરફથી પણ સપોર્ટ મળ્યો. મારા ભાઈ જયેશભાઈ કોમર્સ ફિલ્ડથી અને હું મિકેનિકલથી, એટલે બંનેએ મળી મસ્ત બિઝનેસ ચાલુ કર્યો.’

હજારો કપ ચા, પોલ્યુશન અને ગંદકીનો ડબલ પ્રોબ્લેમ

આ પર્ટિક્યુલર મશીનનો વિચાર કેવી રીતે આવ્યો? ધવલ કહે, ‘અમારા બંને ભાઈઓનો પહેલેથી જ પ્લાન હતો કે અમે મોટા થઈને બિઝનેસ જ કરીશું. અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે પર્યાવરણ ઉપર થોડા પ્રોજેક્ટ કર્યા તો ત્યારે ધ્યાને આવ્યું કે, સૌથી વધુ કચરો તો આ પેપરકપ જ કરે છે. રસ્તા પરનો કોઈ પણ કચરો જોઈએ તો એમાં પેપર કપ અને પ્લાસ્ટિકના કપ જ હોય છે. અમને સવાલ થયો કે આ કચરાનું રિસાઈકલિંગ કેમ નથી થતું? સામે જે લોકો કાચના કપ રાખે છે, એમને હાઇજિન અને ધોવાનો પ્રશ્ન નડે છે. લોકોએ જોયું જ હશે કે એકના એક ડહોળા-ગંદા પાણીમાં સેંકડો વખત કપ ધોવાતા હોય છે. એ બધું જોઇને અમને થયું કે જો આ કપ વોશિંગ કરવાનું કોઈ સોલ્યુશન મળી જાય તો બંને પ્રશ્નો સોલ્વ થઈ જાય. અમે રિસર્ચ ચાલુ કર્યું.’

પછી આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી? ધવલ કહે, ‘બિઝનેસ માટે તો અમારી પાસે પૈસા હતા જ નહિ. એ ટાઈમે અમારા ધ્યાને સરકારની એક પોલિસી આવી, SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ & ઇનોવેશન પોલિસી). જે વર્ષે મેં એડમિશન લીધું એ જ વર્ષે અમારી કોલેજમાં એમનો સેમિનાર થયો અને અમને એ પોલિસી વિશે ખબર પડી. અમને તો જોઈતું હતું ને મળી ગયું. અમે અમારા સરને આગળ વાત કરી તો, અમને એક મેન્ટર ફાળવવામાં આવ્યા. એ મેન્ટર અને સરે મળીને અમને હેલ્પ કરી, સબસીડી મળી અને અમે બિઝનેસની શરૂઆત કરી.’

શાર્ક ટેન્કમાં પહોંચ્યા ત્યાં સુધી કોઇને વાત જ ન કરી!

પણ કોલેજમાં ભણતાં બાળકો માટે બિઝનેસની આ શરૂઆત એટલી સહેલી નહોતી. ધવલ કહે, ‘એ સરકારી સ્કીમથી અમને લાખ રૂપિયાની સહાય તો મળી ગઈ પણ અનુભવની ખોટ હતી. અમે તો હજુ ભણતા હતા એટલે લાખ રૂપિયા તો બહુ મોટી રકમ લાગી. સામે બિઝનેસ શરૂઆત કરી, પણ જોબ કે કશું કર્યું નહોતું, એટલે કામ કઇ રીતે કરવું એનો કોઈ અનુભવ નહોતો. અમે તો વિદ્યાર્થી અને સામે કસ્ટમરને હેન્ડલ કરવા અઘરા થઈ પડ્યા. કેમ કે કોઈ ઇશ્યૂ આવે તો એ કસ્ટમર પાસે જઈ સોલ્વ કેમ કરવા એ અમને નહોતું આવડતું. એમનું થોડું સાંભળવું પડે. સામે એ લોકો પણ ખોટા નહોતા. પૈસા આપીને કોઈ વસ્તુ લીધી હોય અને એ ચાલે નહીં અથવા રિઝલ્ટ ન આપે તો કોઈ પણ બોલવાનું. એમાં ય ઘણા તો પૈસા પાછા માગે, પણ આપણી પાસે તો પૈસા હતા જ નહિ, કેમ કે એ એક મશીન બનાવવા પણ પૈસા જોડી જોડી મહેનત કરી હોય, એમાં હવે પાછા કેમ આપવા? એ બધી પરિસ્થિતિ શીખતા ઘણો સમય લાગ્યો.’

ફેમિલીમાં જ્યારે વાત કરી કે, હું આ રીતે ચાના કપ ધોવાનાં મશીન બનાવીશ, ત્યારે શું રિએક્શન હતા? ધવલ કહે, ‘શરૂઆતમાં તો અમે કોઈને વાત જ નહોતી કરી. જ્યાં સુધી શાર્ક ટેન્કમાં નહોતા પહોંચ્યા ત્યાં સુધી મારા મમ્મી-પપ્પા સિવાય કોઈને જ નહોતી ખબર કે અમે શું કરીએ છીએ. બાકી બધાને એમ જ હતું કે અમે ભણીએ જ છીએ. પણ જેવા શાર્ક ટેન્કમાં આવી ગયા એટલે પછી તો કોઈ કશું બોલી શકે એમ જ નહોતું. પછી તો બધાના બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ જ હતા.’

કંપનીના નામમાં જ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી છે

બાય ધ વે, કેવું રહ્યું શાર્ક ટેન્કમાં? ધવલ ખુશ થઈને કહે, ‘શાર્ક ટેન્કની જ્યારે પહેલી સિઝન બહાર પડી ત્યારે જ લાગ્યું હતું કે આપણે પણ એપ્લાય કરવું જોઈએ. ચાન્સ લાગે એવું લાગતું નહોતું પણ છતાં ફોર્મ ભરી દીધું અને પ્રમુખ સ્વામીની કૃપાથી વારો આવી ગયો. અને અંદર તો ભુક્કા બોલાવી દીધા. અંદર શાર્ક ટેન્કમાં બધા જ શાર્ક અમારી સ્ટોરી સાંભળી ઇમ્પ્રેસ થઈ ગયા હતા. ગામડામાંથી આટલી નાની ઉંમરનાં બે બાળકો અને આટલો સારો બિઝનેસ, જેના કારણે બધા જ શાર્કે મળી અમારા બિઝનેસમાં ₹30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. શાર્ક ટેન્કનો ફાયદો એ થયો કે, અમે અમે જે અમારા ગામડામાં ઘરે બેસી કામ કરતા હતા એના બદલે અમારો એક ધંધો ઊભો થયો અને અમે અમદાવાદ આવીને સારી રીતે પ્રોપર બિઝનેસ કરતા થઈ ગયા. સામે શોના કારણે લોકો અમને ઓળખતા પણ થયા ને સારી એવી પોપ્યુલારિટી મળી.’

પણ આ ‘પ્રહંતમ’ નામ કેવી રીતે પાડ્યું? ધવલ ધાર્મિક વાત કરતાં કહે, ‘2019માં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે જ સ્વામીજીને પગે લાગી નામ રાખ્યું હતું. અમે પહેલેથી જ પ્રમુખ સ્વામી મહારાજના ભક્ત છીએ. જે કંઈ પણ છીએ એ એમના કારણે છીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજના પહેલા અક્ષરનો ‘પ્ર’ અને અત્યારના BAPS સંસ્થાના મહંત સ્વામીના નામથી ‘હંતમ’ મિક્સ કરી ‘પ્રહંતમ’ નામ રાખ્યું છે.’

કોલેજના સાહેબથી મોરેશિયસના CA સુધીના લોકોએ રોકાણ કર્યું

શરૂઆતમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું? ધવલ કોલેજના દિવસોથી વાત કરતાં કહે, ‘કોલેજના મારા પ્રોફેસરે જ સૌથી પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જે બ્રિજેશ સરની વાત કરી એમણે જ ₹10 હજાર આપી શરૂઆત કરાવી હતી. એમને ખબર જ હતી કે આ પૈસા પાછા આવે એની કોઈ ગેરંટી નથી, છતાં એમણે અમારા પર વિશ્વાસ બતાવી ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હતું. એ પછી બીજું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું એક લાખનું! એમાં એવું થયું કે, અમે ઇન્વેસ્ટમેન્ટ માટે ઉત્તર ગુજરાતની ઘણી કોલેજોમાં ફર્યા અને બધા સાહેબોને અમારો આઇડિયા પિચ કર્યો. ત્યારે તો ઇન્વેસ્ટમેન્ટ જેવો શબ્દ પણ ખબર નહોતી. અમને એમ કે સાહેબોને ગમશે અને એ લોકો થોડા થોડા પૈસા આપશે તો આપણી ગાડી દોડશે. અમને એમ કે એક લાખ મળશે, તો એમાંથી થોડાં મશીન બનાવી બે લાખમાં વેચી દઇશું ને એક લાખ રૂપિયા સાહેબોને પાછા આપી દઇશું. લાખ રૂપિયા તો ભેગા થઈ ગયા, પણ ઊલ્ટાનું બધુ નુકસાન ગયું. અને એ પછી શાર્ક ટેન્કથી ₹30 લાખ મળ્યા. એ સિવાય મોરિશિયસથી પણ એક CAએ ₹30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું.’

30 સેકન્ડમાં 30-40 કપ એકદમ ચકાચક

આ મશીન કામ કેવી રીતે કરે? ધવલ કહે, ‘ચાના કપ ધોવા માટે દરેક ટપરીએ એક માણસ રાખેલો હોય છે. હવે એ સરખા ધોવે ન ધોવે, એટલે ચોખ્ખાઈનો પ્રશ્ન રહે. વળી એકના એક પાણીમાં સેંકડો કપ ધોવાયા કરે, એમાં કપ શું સાફ થવાના? એની સામે અમારા મશીનનો ઉપયોગ બહુ જ સહેલો છે. તમારા એઠા ચાના કપને એક ટ્રેમાં મૂકી મશીનમાં મૂકો અને ‘ON’નું બટન દબાવો. બસ તમારું કામ થઈ ગયું. મશીન તમને કપ ધોઈ આપશે. ફક્ત 30 સેકન્ડમાં 30-40 કપ એકદમ ચકાચક થઇ જશે! એ પણ માત્ર પાણીથી નહીં, દરેક કપ અંદર અને બહારથી ડિટર્જન્ટથી સાફ થશે.’

‘એક વખતમાં કેટલા કપ ધોવાય અને કેટલું પાણી જોઈએ?’

બહાર ટપરીએ એક દિવસનું સેંકડો લિટર પાણી વપરાતું હશે, એની સામે અમારે ત્યાં મેક્સિમમ ફક્ત દોઢથી બે લિટર પાણીમાં 30-40 કપ ધોવાઈ જાય છે.’

17 રાજ્યોમાં વેચાણ અને વર્ષે એક કરોડનું ટર્નઓવર!

કેટલાં મશીન વેચાયાં હશે અત્યાર સુધીમાં? બિઝનેસમેન ધવલ કહે, ‘અમારાં મશીનની અલગ અલગ રેન્જ છે, જેમાં ₹30 હજારથી લઈ એક લાખ સુધીનાં મશીન છે. બધા પ્રકારનાં મશીન મળી વર્ષે લગભગ 100થી વધુ મશીનો વેચાય છે. જેમાં સાઉથની સૌથી મોટી ચા ફ્રેન્ચાઇઝી ‘યેવલે અમૃતુલ્ય’ જેવા ઘણા મોટા ક્લાયન્ટ પણ છે. એમની મોટા ભાગની આઉટલેટ પર અમારાં જ મશીન છે. સાઉથની આવી બીજી બે-ત્રણ ફ્રેન્ચાઇઝી અમારી કસ્ટમર છે. ઇવન IIT ગાંધીનગરમાં પણ અમારાં મશીન છે. એ સિવાય ‘Bonne Bouche’ જેવી મોટી બ્રાન્ડ પણ અમારાં મશીન યુઝ કરે છે.’

અત્યારે કેવો ચાલે છે બિઝનેસ? ધવલ કહે, ‘અત્યારે તો પૂરા દેશમાં ધૂમ મચાવી રહ્યા છીએ. અમારાં સૌથી વધુ મશીન સાઉથ ઈન્ડિયામાં વેચાય છે, જે અમારું સૌથી મોટું માર્કેટ છે. આખા દેશનાં 17 રાજ્યોમાં 500થી વધુ મશીન વેચ્યાં છે. બધું થઈ વર્ષે એકાદ કરોડ જેટલું ટર્નઓવર થઈ જાય છે.’

‘બૂંદ બૂંદથી ઇન્વેસ્ટમેન્ટનો સાગર ભરી રહ્યા છીએ’

શરૂઆતમાં નુકસાન ગયું તો એ મેનેજ કેવી રીતે કરતાં? નાની ઉંમરે મોટા બિઝનેસમેન બનેલા ધવલ કહે, ‘અઘરું થઈ પડતું. પણ કટકે કટકે જ ગાડી ચાલતી. એક-બે મશીનમાં નુકસાન જાય તો સામે જે થોડાં મશીનનું સારું વેચાણ થાય તો એમાંથી કવર થઈ જતું. પ્લસ, સરકાર તરફથી થોડી ઘણી સહાય મળી રહેતી. અલગ અલગ પિચ કરવા જતા તો એ લોકો થોડી થોડી સહાય કરતા. એમાં ઘણી જગ્યાએ કોઈ ઇવેન્ટમાં પ્રાઈઝિંગ હોય તો ત્યાં પર્ફોર્મ કરતાં થોડી આર્થિક મદદ મળી રહેતી. જ્યાંથી પણ આર્થિક હેલ્પ મળી શકે એ બધે જ ધ્યાન રાખતા. જેમ કે શાર્ક ટેન્કવાળા અનુપમ મિત્તલ નેશનલ લેવલે એક પ્રોજેક્ટ ચલાવે છે, જેમાં પ્રોબ્લેમ સોલ્યુશન સ્ટાર્ટઅપ હોય તો એમાં હું ઇન્વેસ્ટ કરીશ. તો એમાંથી પણ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું હતું.’

‘અમે અલ્ટ્રાસોનિક વોશિંગવાળાં મશીન બનાવી રહ્યાં છીએ’

ક્યારેય લાગ્યું હતું કે, જો આવું મશીન અને તેનું સ્ટાર્ટઅપ નહિ ચાલે તો શું કરીશું? ધવલ કહે, ‘શરૂઆતમાં જ્યારે બનાવ્યું ત્યારે એ પ્રોબ્લેમ તો હતો કે, આવું મશીન કોઈ ખરીદશે તો ખરા ને? શરૂઆતમાં સેલિંગ પણ નહોતું થતું. પણ પછી જ્યારે અમે એક વિજ્ઞાન મેળામાં ગયા હતા, ત્યાં એક યુટ્યુબરે અમારા મશીનનો વીડિયો બનાવ્યો અને એ વાઇરલ થઈ ગયો. એ પછી તો કોલ આવવાના શરૂ થઈ ગયા ને થોડાં મશીન પણ વેચાયાં. પછી કોન્ફિડન્સ આવી ગયો કે, આપણે જે કંઈ પણ બનાવ્યું છે, એ લોકો માટે ઉપયોગી તો છે જ.’

આગળ ફ્યુચરનો શું પ્લાન છે? ધવલ કહે, ‘અત્યારે તો અમારા મશીનમાં ફક્ત કાચના જ ગ્લાસ ધોવાય છે. પણ આગળ હજુ અમે બીજાં મશીન બનાવી રહ્યા છીએ. જેમાં અમે અલ્ટ્રાસોનિક વોશિંગ થઈ શકે એવું મશીન અને મોટા કોમર્શિયલ ડિશ વૉશર બનાવવા પર કામ કરી રહ્યા છીએ. અત્યારે ઈન્ડિયામાં એક પણ એવી કંપની નથી જે ગ્લાસ વૉશર કે ડિશ વૉશર બનાવતી હોય. અમે એ બનાવવા પર કામ કરી રહ્યા છીએ.’

‘આજે કંઈ છીએ તે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજને કારણે જ છીએ’

સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ધવલ આગળ વાત કરતાં કહે, ‘પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદના કારણે જ આજે અમે અહીં છીએ. જ્યારે જ્યારે માનસિક રીતે થાકી જઈએ ત્યારે પણ અમે એમનો જ સહારો લઈએ છીએ. અમે આજે જે કંઈ પણ છીએ એમાં 100% ફાળો અમારા ગુરુદેવ મહંત સ્વામી મહારાજનો જ છે. શરૂઆતમાં જો એમણે કહ્યું હોત કે, આટલી તકલીફ પડે તો રહેવા દ્યો, તો અમે આ ધંધો છોડી જ દીધો હોત અને આજે ક્યાંક જોબ જ કરતા હોત, પણ એમણે જે સપોર્ટ આપ્યો, એના કારણે આજે અહીં છીએ. અમને જ્યારે જ્યારે કોઈ મુશ્કેલી આવી છે, ત્યારે અમે મહંત સ્વામીને ઈમેલ પર પત્ર મોકલીએ છીએ અને સ્વામીજી એમનો કિંમતી સમય કાઢી અમને જવાબ પણ આપે છે.’

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links