Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-4
દુનિયાનાં 40 બેસ્ટ લોકેશન અમદાવાદમાં ઊભાં કર્યાં:‘ગીતા રબારી, કિંજલ દવેથી લઇ પ્રતીક ગાંધી સહિતના સ્ટાર્સ અમારે ત્યાં શૂટ કરવા આવે છે’

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

‘અમે રિસર્ચ કરીને શરૂઆતમાં લગભગ 4,000 વારમાં દુનિયાભરનાં બેસ્ટ લોકેશન્સવાળી 15-20 થીમ સાથે સ્ટુડિયો બનાવવાની શરૂઆત કરી. બીજા ફિલ્મ સિટીની જેમ થર્મોકોલ અને પ્લાયવાળા ખોખલા નહીં, પણ સિમેન્ટ-પથ્થરથી નક્કર ઓરિજિનલ સેટ બનાવ્યા. સાથે સ્ટુડિયોમાં જ લગભગ 24

.

આપણાં ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે ફરીને ધંધો કરવા માટે ફેમસ છે, પણ આ ગુજરાતીએ તો ધંધો કરવા માટે પૂરી દુનિયાને અમદાવાદમાં લાવી દીધી! આ અમદાવાદી પિતા-પુત્રીએ બધા જ બિઝનેસ છોડી એવો નવો આઇડિયા શોધ્યો કે, કોમન મેનથી લઈ ફિલ્મી કલાકારો સુધીના દરેકના શૂટિંગના પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા. IT ફિલ્ડ છોડી યુવા આંત્રપ્રેન્યોર શિમોલી શાહે તેમના પિતા સૌરીનભાઈ સાથે મળીને અમદાવાદના પાદરે એવો અનોખો સ્ટુડિયો બનાવ્યો કે, જેમાં એક જ લોકેશન પર તમને દેશ-દુનિયાના 40થી પણ વધુ આબેહૂબ લોકેશન મળી રહે. તો ચલો, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના આજના એપિસોડમાં જાણીએ આ યુનિક બિઝનેસ વિશે…

હીરાથી પથ્થર સુધી તમામ કામો કરીને આગળ આવ્યા

મૂળ અમદાવાદના જ સૌરીનભાઈએ વાતની શરૂઆત કરી, ‘ભણવામાં મને એટલો રસ નહોતો એટલે હું ગ્રેજ્યુએશન પૂરું ન કરી શક્યો, એટલે ધંધામાં ઝંપલાવ્યું. 1999 સુધી બિલ ડિસ્કાઉન્ટથી લઈ હીરા સુધી ઘણાં બધાં કામ કર્યાં. ત્યારથી 2008 સુધી આનંદજી કલ્યાણજી પેઢી સાથે જોડાયો અને પાલીતાણા ડુંગર પરનાં મંદિરો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. 2008માં અહીં નળ સરોવર પાસે એક સ્કીમમાં પાર્ટનરશિપ કરી અને બાદમાં 2020 સુધી પ્લોટના લે-વેચનો બિઝનેસ અને કોન્ટ્રાક્ટરનું કામ કર્યું. આ બધા વચ્ચે મારી દીકરી શિમોલીએ ITમાં અહીંથી ગ્રેજ્યુએશન કરી ન્યૂ યોર્ક, USAમાં માસ્ટર્સ પૂરું કર્યું. પણ મારી દીકરી સિંગલ ચાઇલ્ડ હતી એટલે માસ્ટર્સ પૂરું કરી ઈન્ડિયા રિટર્ન આવી અને અહીં જ સેટ થવાનું નક્કી કર્યું.’

‘દીકરી એક્ઝેક્ટ 365મા દિવસે નોકરીમાં રિઝાઇન આપીને આવી’

સૌરીનભાઈએ વાત ચાલુ રાખી, ‘દીકરીએ ITમાં માસ્ટર્સ કરેલું હતું એટલે મારા જ એક મિત્રની કંપનીમાં ITની જોબ શરૂ કરી. પણ ITમાં સમય પુષ્કળ આપવો પડતો હતો એટલે એ કંટાળી ગઈ કે મારે એ જોબ નથી કરવી. પણ મેં સમજાવી કે શરૂઆત તો આવું લાગશે, થોડો ટાઈમ આપ, એકાદ વર્ષ કામ કર એટલે બધું બરોબર થઈ જશે. શિમોલીએ મારી વાત માની, પણ એને મજા નહોતી આવતી. એટલે એક વર્ષ પછી એક્ઝેક્ટ 365મા દિવસે એની ઓફિસમાં રિઝાઇન આપીને જ ઘરે આવી અને મને કહ્યું કે મેં જોબ છોડી દીધી છે. હવે એને બિઝનેસ કરવો હતો, પણ IT ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ જ નહોતો.’

ફૂડ ટ્રક, કેફે જેવા અઢળક ઓપ્શન પછી પ્રિ-વેડિંગનો આઇડિયા આવ્યો

તો આ ITથી સાવ અલગ આ સ્ટુડિયો બનાવવાનું કઈ રીતે વિચાર્યું? સૌરીનભાઈ કહે, ‘શિમોલીને ITમાં રસ નહોતો એટલે મેં છૂટ આપી કે, કોઈ વાંધો નહીં. તારે જે ફિલ્ડમાં બિઝનેસ કરવો હોય એ કર. શરૂઆતમાં એ થોડા ઓપ્શન લઈને આવી કે, આપણે ફૂડ ટ્રક સ્ટાર્ટ કરીએ, CCD જેવી કૉફી શોપ કરીએ કે કોઈ ફૂડનો બિઝનેસ કરીએ. એટલે મેં કહ્યું કે, જો તારે ફૂડ ટ્રક જ કરવો હોય તો એ માટે આખો દિવસ આપવો પડશે, સવારે 5 વાગ્યે શાકભાજી અને બધો સામાન લેવા જવું પડશે, એ તું કે હું જવાનાં નથી. ત્યાંથી લઈ વાનગીઓ બનાવવા સુધી બધાં જ કામ કારીગર જ કરવાનાં છે. તો એ કામ તો કોઈ ₹25 હજારની જોબમાં પણ કરી આપે, તારું એમાં યોગદાન શું રહે? એટલે પછી એણે ફરી બીજા ઓપ્શન વિચારવાના શરૂ કર્યા. એવો કોઈ પ્લાન હતો કે, પ્રિ-વેડિંગને લઈ કંઇક કરીએ. થોડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે આપણે આ પ્રકારનો અલગ અલગ બેકડ્રોપ ધરાવતો વિશાળ સ્ટુડિયો બનાવી શકીએ.’

નવો આઇડિયા, જૂનો અનુભવ મળીને બન્યો અનોખો સ્ટુડિયો

આ ફિલ્ડ તો તમારા અનુભવ બહારનું હતું, તો કેવી રીતે તૈયારી કરીને ઝંપલાવ્યું? સૌરીનભાઈ કહે, ‘2018માં અમે દિલ્હી જઈને ત્યાં આ પ્રકારના બે-ચાર સ્ટુડિયો જોઈ આવ્યાં. બધું જોયું એટલે શ્યોર થયું કે આ પ્રકારનો સ્ટુડિયો આપણે બનાવી તો શકીએ. સાણંદ-નળ સરોવર રોડ પર મારી પાસે એક પ્લોટ પડ્યો હતો, જેમાં હું પાર્ટનર હતો. અને પાલીતાણામાં મેં ટેમ્પલ કોન્ટ્રાક્ટર તરીકે કામ પણ કર્યું હતું એટલે કન્સ્ટ્રક્શનનો તો મને અનુભવ હતો જ. એટલે આ તરફ બિઝનેસ વધારવાનું શરૂ કર્યું. પ્લસ, કંઇક નવું બનાવવું એ મારો શોખનો વિષય છે. એટલે અમે સારી સારી જગ્યાઓની રેપ્લિકા બનાવવાનું શરૂ કર્યું.’

આખી દુનિયા ફર્યા હતા, પછી દુનિયાને અમદાવાદમાં લાવ્યા

કઈ કઈ થીમ શરૂઆતમાં બનાવી હતી? સૌરીનભાઈ કહે, ‘અમને ફરવાનો ભારે શોખ, એટલે દુનિયાના અલગ અલગ દેશોમાં અમે ફર્યા હતા એ બધું યાદ કર્યું. એ ફોટોઝ તો અમારી પાસે હતા જ, સાથે અત્યારે તો ગૂગલ પર પણ જે માગો તે બધું મળી જ રહે છે. એટલે એ બધું રિસર્ચ કરી શરૂઆતમાં લગભગ 4,000 વારમાં સ્ટુડિયો બનાવવાની શરૂઆત કરી અને 15-20 થીમ બનાવી. પણ બીજા ફિલ્મ સિટીમાં જેમ થર્મોકોલ અને પ્લાય વાપરીને તૂટી જાય તેવા ખોખલા સેટ બનાવે છે, મેં એવું કરવાને બદલે બધું જ ઓરિજિનલ, સિમેન્ટ-પથ્થરથી નક્કર બનાવ્યું. અને સાથે સ્ટુડિયોમાં જ લગભગ 24 જેટલા રૂમ બનાવ્યા. તેની પાછળનો આઇડિયા એવો હતો કે ભવિષ્યમાં જો કદાચ આ બિઝનેસ ન ચાલે તો એને અમે રિસોર્ટ તરીકે તો ચલાવી જ શકીએ. 2019માં અમે આ સ્ટુડિયો ‘La Fabuloso’ લોન્ચ કર્યો. એ વખતે અમદાવાદમાં આ પ્રકારનો કોઈ સ્ટુડિયો હતો જ નહીં એટલે અમારો સ્ટુડિયો બહુ ઝડપથી લોકોની પસંદગી બની ગયો.’

રાજસ્થાનના પેલેસ અમદાવાદમાં ઉભા કર્યા

2019માં તો કોરોના આવી ગયો હતો, તો શરૂઆતમાં જ લોકોની ઘટ ન પડી? સૌરીનભાઈ કહે, ‘એ તો આખી દુનિયાને પ્રોબ્લેમ થયો હતો, એટલે એ વાતનાં રોદણાં રડવાનો કોઈ મતલબ નથી. અમે તો કોરોના પછી સ્ટુડિયોને મોટો કરવાની શરૂઆત કરી. આજુબાજુની જમીનો લઈ સ્ટુડિયોમાં ઉમેરવાનું શરૂ ર્ક્યું. દર વર્ષે નવા નવા ચાર-પાંચ સેટ ઉમેરવાની શરૂઆત કરી. બે વર્ષ પહેલાં લાગ્યું કે લોકો પ્રિ-વેડિંગ વગેરેનાં શૂટ કરવા માટે રાજસ્થાનનાં લોકેશન્સ પર શૂટ કરવા વધારે જાય છે. તો અમે રાજસ્થાનના જેસલમેરનો પેલેસ, સાહેલીઓ કી બાડી બનાવી, જયપુર સિટી પેલેસ, જોધપુર સ્ટ્રીટ બનાવી. ઘણાંને ગાર્ડન શૂટ કરવું હોય છે, તો એમના માટે અમે ગાર્ડન પણ બનાવ્યા. એમ કરતાં કરતાં ‘લા ફેબ્યુલોસો’ અત્યારે ગુજરાતમાં સૌથી વધુ થીમ ધરાવતો સ્ટુડિયો બની ગયો છે. અમારા સ્ટુડિયોમાં અત્યારે 10-15 ઇન્ડિયન થીમ અને 25થી વધુ ઇન્ટરનેશનલ થીમ છે. એમાં પણ અમારી પાસે 7 ઇન્ડોર સેટ છે, જે ગુજરાતમાં કોઈ પાસે નથી. તેમાં બેડરૂમ, બાથરૂમ, કિચન, લાઇબ્રેરી બધું જ છે. એ સિવાય રેડ વેલ્વેટ થીમ છે, જેમાં સબ્યાસાચી (ફેશન ડિઝાઇનર) જેવા રજવાડી હૉલ પણ છે.’

અમદાવાદમાં ઇટાલીનો અનુભવ

આગળ સ્ટુડિયો વિશે વાત કરતાં સૌરીનભાઈ કહે, ‘અમારી ખાસિયત એ છે કે, અમે દરેક રેપ્લિકાની આસપાસનું ઇન્ટિરિયર પણ અદ્દલ સેમ જ બનાવ્યું છે. જેમ કે, ઇટાલીના ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન આલ્બેરોબેલોની થીમ બનાવી હોય, તો એના ફ્લોરથી લઈ છત સુધી અને આજુબાજુનું વાતાવરણ પણ એવું જ બનાવીએ છીએ. એટલે કોઈ ફોટો પડાવે તો એ કોઈ ડમી સ્ટુડિયો કે રેપ્લિકાનો નહીં, પણ એક્ચ્યુઅલ લોકેશન પર જ પડાવ્યો હોય એવું જ લાગે. બીજું, કે અમે ચોખ્ખાઈનું પુષ્કળ ધ્યાન રાખીએ છીએ. ચાર માણસો સતત સફાઇ માટે જ તૈનાત હોય છે. ઉપરથી શિમોલી અથવા હું, બેમાંથી એક ત્યાં સ્ટુડિયો પર સતત હાજર જ હોઈએ છીએ. જેથી ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન થાય કે પ્રોપર્ટીને કોઈ નુકસાન પણ ન પહોંચે. જેનું રિઝલ્ટ એ આવ્યું કે, અત્યારે આખા ગુજરાતના ફોટોગ્રાફરોનો આ ફેવરિટ સ્ટુડિયો છે. એવો કોઈ ફેમસ ફોટોગ્રાફર નહીં હોય જેણે અહીં શૂટ નહીં કર્યું હોય. અમારા 20% કસ્ટમર તો ગુજરાત બહારથી જ આવે છે.’

હવે અમે સવાલોનું સુકાન શિમોલી શાહ તરફ ફેરવ્યું. શિમોલી, તમે અત્યારે ફુલ ટાઈમ સ્ટુડિયો જ ચલાવો છો? શિમોલી જવાબ આપતાં કહે, ‘હા, મોટે ભાગે તો સ્ટુડિયો મેનેજમેન્ટ પર જ મારું ફોકસ હોય છે, પણ જ્યારે સ્ટુડિયો બની રહ્યો હતો, ત્યારે મને મેકઅપ કોર્સ કરવાની ઈચ્છા થઈ તો લંડન જઈને આઠ મહિનાનો મેકઅપ કોર્સ કર્યો. તો અત્યારે સાથે સાથે હું પ્રોફેશનલ મેકઅપનું પણ કામ કરું છું.’

ગુજરાતની ધરતી, યુરોપિયન થીમ્સ અને સ્પેનિશ નામ

સ્ટુડિયોની વાત કરીએ તો અત્યારે ટોટલ કેટલી થીમ હશે? સૌરીનભાઈ કહે, ‘શરૂઆતમાં અમે 10-12 થીમથી જ શરૂઆત કરી હતી, પણ અત્યારે છ વર્ષે લગભગ 50થી વધુ થીમ છે. એ હેન્ડલ કરવા સાફસફાઇ-માળી કામ માટે 6 માણસો અને ઓફિસ વર્ક માટે અહીં ત્રણ માણસો રેગ્યુલર રાખેલા છે. બાકી તો આ સિઝનલ બિઝનેસ છે. લગ્ન સિઝન સિવાય એટલા બધા કસ્ટમર નથી હોતા એટલે અમે માણસો પણ એ જ રીતે કોન્ટ્રાક્ટ પર રાખીએ છીએ.’

આ ‘લા ફેબ્યુલોસો’ જેવા ફેબ્યુલસ નામ પાછળની સ્ટોરી શું છે? શિમોલી કહે, ‘શરૂઆતમાં ‘સૌરીન ફિલ્મ સિટી’ કે ‘શિમોલી ફિલ્મ સિટી’ જેવાં ઘણાં નામ વિચાર્યાં હતાં. પણ કંઈ મજા નહોતી આવતી. અમે જ્યારે સ્ટુડિયો બનાવી રહ્યાં હતાં ત્યારે થયું હતું કે, લોકો આ જોશે તો એમ જ કહેશે કે, ‘વ્હોટ અ ફેબ્યુલસ પ્લેસ!’ એટલે થયું કે ફેબ્યુલસ જ નામ રાખીએ. પણ એ બરોબર બેસતું નહોતું એટલે થયું કે કોઈ બીજી ભાષામાં નામ રાખીએ. સામે અમારી પાસે જેટલી પણ થીમ છે, એમાં સૌથી વધુ યુરોપિયન થીમ છે, એટલે યુરોપિયન નામ વિચાર્યાં અને સ્પેનિશ ભાષામાં ‘લા ફેબ્યુલોસો’ નામ ફાઇનલ કર્યું.’

કાર, તોપ, હોડી, વૃક્ષો જેવાં 200થી વધુ પ્રોપ્સનો ખજાનો

આવા તો ઘણા ફોટો સ્ટુડિયો હશે, પણ ‘લા ફેબ્યુલોસો’માં એવી તે શું ખાસિયત છે? સૌરીનભાઈ અને શિમોલી કહે, ‘સૌથી મોટી બાબત કે અમે બધું ઓરિજિનલ જ તૈયાર કર્યું છે. જે રીતે ઘર બનાવતા હોઇએ એવી જ રીતે એકદમ ઝીણવટપૂર્વક દરેક થીમ બનાવી છે. બીજું કે, અમે સનલાઇટનું ખાસ ધ્યાન રાખ્યું છે, જે કોઈ નથી વિચારતું. તમે અમારા જેસલમેર પ્લેસ પર સવારે કે સાંજે શૂટ કરતા હો તો સૂર્યપ્રકાશ પ્રોપર આવશે. ગ્રીસનું સેન્ટોરિની છે, એની પાછળ એકદમ બ્લુ રંગનો દરિયો ઘૂઘવે છે. તો તેના પરથી થીમ બનાવતી વખતે પાછળ આખું કોરું બ્લુ આકાશ દેખાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે. અલ્બેરોબેનોના પથ્થર ખાસ હોય છે, એ માટે અમે આખું ગુજરાત ફર્યાં હતાં. આખરે છેક પોરબંદરમાંથી અમને એવા જ પથ્થર મળી ગયા, જે દેખાવમાં એકઝેક્ટ સેમ લાગતા હતા. આવી નાની નાની બાબતોનું કોઈ ધ્યાન નથી રાખતું, જે અમે રાખ્યું છે. ઉપરથી જે જે થીમ રાખી છે, એ દરેક થીમને રિલેટેડ પ્રોપર્ટીઝ જેમ કે જીપ, ઘોડા, બગી, ગાયો, ફૂલ-છોડ, ફર્નિચર જેવાં 200થી વધુ પ્રોપ્સ રાખ્યાં છે. જેથી ત્યાં શૂટ કરનારને એકદમ રિયલ લોકેશનની જ ફીલ આવે. જેમ કે વેનિસ શહેર પાણીની ઉપર વસેલું છે, તો એ થીમમાં આપણે વચ્ચે રિવર અને બોટ પણ રાખી છે. જેસલમેરની વાત કરીએ તો એ થીમમાં ફાયબરની તોપ લાવીને મૂકી છે.’

‘રાજસ્થાનીઓ રાજસ્થાન છોડીને અહીં શૂટ કરવા આવે છે!’

તો આ બધું બનાવવા માટેના કારીગરો? સૌરીનભાઈ કહે, ‘રાજસ્થાનની જેટલી થીમ છે, એ બધી જ થીમ બનાવવા માટે કારીગરો પણ બધા રાજસ્થાનથી જ લાવ્યા હતા. બાકી ઇન્ટરનેશનલ થીમ અહીંના લોકલ કારીગર પાસે કરાવી છે. પરંતુ હું પહેલાં આર્કિટેક્ટ જ હતો, એટલે આ બધું કામ તો સારી રીતે કરાવી શકું છું. બીજું કે મારાં જૂનાં મંદિરોના કારીગરો હતા, એમને પણ બોલાવ્યા અને મોટા મોટા ડોમ બનાવી ઉપર કારીગરી કરાવી, જેમાં તમને સ્ટોન જેવું જ ફીલ થાય. એમાં પણ રાજસ્થાની થીમ તો એટલી સરસ બની છે કે, રાજસ્થાની પબ્લિક પણ એમનું શૂટ કરવા અહીં આવે છે. કેમ કે ત્યાં જો ઓરિજિનલ પેલેસ પર જાય તો ત્યાં પાર વિનાની પબ્લિક હોય. ઉપરથી શૂટ કરવામાં પણ જાતભાતની મર્યાદાઓ નડે, એટલે શાંતિથી શૂટ ન થઈ શકે. એના બદલે અહીં આવે તો કોઈ ઝંઝટ જ નહિ.’

‘પ્રતીક ગાંધીથી કિંજલ દવે, ગીતાબેન રબારી સહિતના સ્ટાર્સ અહીં શૂટ કરી ગયાં છે’

આગળ વાત કરતાં શિમોલી કહે, ‘ખાલી પ્રિ-વેડિંગ જ નહીં, ઘણા બધા સ્ટાર્સ પણ અહીં શૂટ માટે આવે છે. જાણીતા એક્ટર પ્રતીક ગાંધી, સિંગર જિગરદાન ગઢવી, એક્ટ્રેસ દીક્ષા જોશી, ભક્તિ કુબાવત, સિંગર કિંજલ દવે, ગીતાબેન રબારી, ગમન સાંથલ, વિજય સુવાળા, હાસ્યકાર સાંઈરામ દવે, સિંગર ઓસમાણ મીરથી લઈ રેપર એમીવે બંટાઇ સહિતની ઘણી બધી સેલિબ્રિટિઝ અમારે ત્યાં આવી ગઈ છે. સિંગર્સ તો ઓલમોસ્ટ બધા જ આવી ગયા હશે.’

‘કોઈ સ્ટાર્સની કોલેબ ઑફર્સ આવે છે?’

સૌરીનભાઈ કહે, ‘આવે છે પણ અમે એક્સેપ્ટ નથી કરતાં, કેમ કે એનો ફાયદો ફક્ત એમને જ થાય છે. એટલે અમે એક્સેપ્ટ નથી કરતાં.’

ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ અહીં નથી થતાં કારણ કે...

ફિલ્મોના શૂટ માટે સ્ટુડિયો આપો છો? સૌરીનભાઈ એક જ ઝટકે ના પાડતાં કહે, ‘બિલકુલ નહીં, એ લોકો બહુ જ ગંદકી કરી મૂકે છે. એક વાર ગુજરાતી ફિલ્મ માટે આપેલું. એ પછી ના પાડી દીધી. કેમ કે એક સાથે 70-80 લોકોનું ધાડું આવે અને પાનની પિચકારીઓથી લઈ બધું ભરી મૂકે છે. એ સાફ કરતાં અમારે ત્રણ-ચાર દિવસ નીકળી જાય છે. એટલે હવે આપતા જ નથી.’

તમારા સ્ટુડિયોમાં શૂટ માટેનાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન ખરાં? સૌરીનભાઈ કહે, ‘હા, હા, 100%! રાખવા જ પડે ને. અમે એક શૂટ માટે 8 માણસોથી વધુ કોઈને એન્ટ્રી નથી આપતા. ઉપરથી જે કપલનાં શૂટ માટે આવ્યા હોય, એમની સાથે આવેલાં એમના કોઈ ભાઈ-બહેનને પણ શૂટ કરવાની પરમિશન નથી. કોઈ જગ્યાએ ગંદકી કે ન્યૂસન્સ નહિ ચલાવવામાં આવે. એ બધા જ નિયમો પાળવા જ પડે. બાકી સર્વિસ અને લોકેશન અમારા ત્યાં બેસ્ટ મળશે, પણ રૂલ્સ સ્ટ્રિક્ટ જ રહેશે. બાકી અમે ક્વોલિટી સર્વિસ આપવા માટે દર વર્ષે કશુંક ને કશુંક નવું નવું એડ કરતાં રહીએ છીએ. અમારા 80% કસ્ટમર એવા હોય છે કે, જેમને અહીં શૂટ કરીને કોઈ ગયું હોય એમણે સજેસ્ટ કર્યું હોય.’

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links