Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA
  • Gujarati News
  • Bhaskar khaas
  • Chhutachheda
  • Divorce: The Eighth Verse Of Saptapadi | Divya Bhaskar Series Investigates Alarming Rise In Gujarat Divorce Cases; Episode 1 Focuses On Sex Related Issues

છૂટાછેડા-1
સુહાગરાતે પત્નીને ખબર પડી કે પતિ ગે છે!:ગુજરાતમાં 2-3 વર્ષમાં યુવાનો લગ્નને બદલે લિવ-ઇનમાં રહેશે, 'USમાં પતિ એશ કરે છે એમ માની પત્નીએ પરપુરુષ સાથે સંબંધો બાંધ્યા'

અમદાવાદ1 વર્ષ પેહલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

'પચ્ચીસેક વર્ષની યુવતીને ગાયનેક પ્રોબ્લેમ હતા અને એને કારણે તે શારીરિક સંબંધો બાંધી શકે એમ નહોતી. એમ છતાં પેરેન્ટ્સે દીકરી માટે છોકરાઓ જોવાનું ચાલુ કરી નાખ્યું. એક યુવક પરિવાર સાથે તેને જોવા આવ્યો અને બંનેએ એકબીજાને પસંદ પણ કરી લીધાં. મા-બાપે દીકરીને

.

લગ્નની રાત્રે જ યુવકને ખ્યાલ આવ્યો કે યુવતી શારીરિક સંબંધ બાંધી શકે એમ નથી. યુવકે જરા આવેશમાં આવીને આ મુદ્દે પત્નીને સવાલો કર્યા, પરંતુ તેણે મગનું નામ મરી પાડ્યું નહીં. ત્યાર બાદ યુવકે બેથી ત્રણવાર પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. કંટાળીને યુવકે પત્નીના મેડિકલ ટેસ્ટ કરાવ્યા અને એમાં ગાયનેક સમસ્યા હોવાનું સામે આવ્યું. મેડિકલ રિપોર્ટ સામે હોવા છતાં યુવતી એ વાત સ્વીકારવા જ તૈયાર નહોતી કે તેનામાં કોઈ સમસ્યા છે. યુવકે યુવતીના પરિવારમાં આ અંગે વાત કરી તો ત્યાં પણ તેઓ કોઈ વાત માનવા તૈયાર નહોતાં.

અંતે, યુવકે ફેમિલી કોર્ટમાં આ અંગે કેસ કરવાનું કહ્યું અને મેડિકલ રિપોર્ટ રજૂ કરીને લગ્ન પહેલાંથી જ આ વાત છુપાવી હોવાનું કહીને કેસ કરવાની વાત કરી. આ સમયે યુવતીના પરિવારને લાગ્યું કે જો કોર્ટમાં આ બધું જાહેર થશે તો તેમની દીકરીનું જીવન બરબાદ થઈ જશે અને અંતે તેમણે પરસ્પર સહમતીથી ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.... *** છૂટાછેડાઃ સપ્તપદીનો આઠમો સૂર આ શબ્દો છે અમદાવાદના જાણીતા એડવોકેટ મિહિર લાખિયાના. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે. એક સમયે પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિ હવે અદૃશ્ય થઇ રહી છે અને ‘છૂટાછેડા’નો અછૂત ગણાતો શબ્દ આજની વરવી વાસ્તવિકતા બની રહ્યો છે. ગુજરાતમાં ચિંતાનજક રીતે વધી રહેલા ડિવોર્સના કેસોને વિગતે જાણવા માટે દિવ્ય ભાસ્કર આજથી છ એપિસોડની એક સિરીઝ શરૂ કરી રહ્યું છે, ‘છૂટાછેડા’. આ સિરીઝમાં આપણે રોજે છણાવટ કરીશું કે એક્ઝેક્ટ્લી એવાં કયાં કારણો છે, જે એક સંબંધને ડિવોર્સ સુધી ખેંચી જાય છે.

લગ્નને ફેમિલી કોર્ટના કઠેડામાં લાવીને મૂકી દેતું સૌથી મોટું પરિબળ છે સેક્સ. જાતીય સંબંધો અને એમાં આવતી જાતભાતની મુશ્કેલીઓ કેવી રીતે એક દંપતીને છૂટાં થવા સુધી લઇ જાય છે એ જાણવા માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા ઉપરાંત એડવોકેટ અલ્પા જોગી, વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધી, રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશી સાથે વાત કરી. આ સંબંધોનાં મનોવૈજ્ઞાનિક તથા સામાજિક પાસાં જાણવા માટે સાઇકોલોજિસ્ટ જયવંત મકવાણા અને સમાજશાસ્ત્રી ડૉ. દિનેશ કાંઝારિયા સાથે પણ ખાસ વાતચીત કરી.

'2025માં ગુજરાતમાંથી 25 હજારથી વધુ ડિવોર્સ કેસ ફાઇલ થાય એવી શક્યતા' અમદાવાદમાં 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા એડવોકેટ મિહિર લાખિયાએ વાતચીતની શરૂઆતમાં જ જણાવ્યું, 'છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં ડિવોર્સનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. ધોળકા, ધંધૂકા તથા વિરમગામને બાદ કરતાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં 31 ઓક્ટોબર, 2025 સુધીમાં ડિવોર્સ કેસ અંદાજે 4000 તથા એલિમની, ચાઇલ્ડ કસ્ટડીના 4500 જેટલા કેસ એટલે કે અંદાજે 8500 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. 2025 પૂરું થાય ત્યાં સુધીમાં માત્ર અમદાવાદમાં જ સાતેક હજાર માત્ર ડિવોર્સ કેસ ફાઇલ થાય એવી શક્યતા છે. ઓલ ઓવર ગુજરાતની વાત કરું તો અંદાજિત આંકડો 25 હજારની ઉપર હોઈ શકે છે. ડિવોર્સ કેસ ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોમાં વધુ નોંધાઈ રહ્યા છે.'

'સહનશક્તિ ઘટતાં ડિવોર્સનું પ્રમાણ વધ્યું' એડવોકેટ મિહિર લાખિયા તથા એડવોકેટ અલ્પા જોગીએ ડિવોર્સનાં કારણો અંગે પણ વાત કરી. બંનેના મતે ડિવોર્સ વધવાનું સૌથી મોટું કારણ છે સોશિયલ મીડિયા તથા આજકાલ યુવાનોમાં સહનશક્તિ પણ ઘટી ગઈ છે.

'અમેરિકામાં પતિ જલસા કરે છે એમ ધારીને પત્નીએ બીજા પુરુષ સાથે સંબંધો બાંધ્યા' એડવોકેટ અલ્પા જોગીએ એક કિસ્સો શૅર કરતાં જણાવ્યું, '30 વર્ષનું કપલ નવ વર્ષ રિલેશનશિપમાં રહ્યાં બાદ લગ્ન કરે છે. પત્ની નોકરી કરતી હતી અને ત્યાં તેનો એક પુરુષ મિત્ર હતો. આ પુરુષ મિત્રને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થઈ ચૂક્યા હતા અને પતિએ આ મિત્રને મળવાની ચોખ્ખી ના પાડી દીધી. લગ્નનાં ત્રણેક વર્ષ પછી પતિને ચાર-પાંચ મહિના માટે કંપનીનાં કામ માટે અમેરિકા જવાનું થયું. આ દરમિયાન પતિની ગેરહાજરીમાં પત્નીએ તે પુરુષ મિત્ર સાથે ફિઝિકલ રિલેશન માણ્યા. પત્નીએ જાતે જ હોટલ બુક કરાવી અને તે ગઈ. પતિને કોઈક રીતે આ વાતની ખબર પડતાં બંને વચ્ચે ઘણો જ મોટો ઝઘડો થયો. તેઓ મારી પાસે આવ્યાં ત્યારે પતિ ડિવોર્સ આપવા મક્કમ હતો, જ્યારે પત્નીને પોતાની ભૂલ માટે સહેજ પણ અફસોસ નહોતો. તેના મનમાં એવું હતું કે પતિ અમેરિકામાં જલસા જ કરવાનો છે ને, તો હું ભારતમાં રહીને કેમ જલસા ના કરું! પત્નીને એમ જ છે કે પતિ ત્યાં અન્ય યુવતીઓ સાથે બધું કરે તો હું કેમ નહીં? સમજાવટ બાદ પણ પતિ લગ્નજીવન ટકાવવા તૈયાર નહોતો. અંતે તેમણે એવું નક્કી કર્યું કે તેઓ પરિવારની જાણ બહાર ડિવોર્સ લેશે, પરંતુ અલગ રહેવાને બદલે છ મહિના સુધી એક જ ઘરમાં રહેશે. જો પત્નીની વર્તણૂક સારી હશે તો તેઓ પાછાં લગ્ન કરી લેશે.'

'આજકાલ ફિઝિકલ રિલેશન અંગે અવાસ્તવિક અપેક્ષાઓ વધી ગઈ છે' સાઇકોલોજિસ્ટ જયવંત મકવાણાએ વાતને સમજાવતાં કહ્યું, 'યુગલોમાં ઘણીવાર ફિઝિકલ રિલેશન અંગે અવાસ્તવિક અપેક્ષાઓ જોવા મળે છે. તેમનામાં ઇમોશનલ ઇન્ટિમસીનો અભાવ હોય છે. તેઓ સતત પોતાની રચેલી કાલ્પનિક દુનિયા સાથે વાસ્તવિકતાની તુલના કરતાં રહે છે. આ જ કારણે તેમને ફિઝિકલ રિલેશનમાં સંતોષ મળતો નથી. યુગલમાં કોમ્યુનિકેશનનો પણ અભાવ જોવા મળે છે. જો યુગલ કાઉન્સેલિંગ માટે આવે તો ફિઝિકલ રિલેશનને કારણે થતા ડિવોર્સનું પ્રમાણ ઘટી શકે છે. '

'નાનપણમાં એબ્યૂઝનો ભોગ બનેલી યુવતી શારીરિક સંબંધો બનાવી શકતી નહોતી' જયવંત મકવાણાએ એક ચોંકાવનારો કિસ્સો શૅર કર્યોઃ 25-30 વર્ષની વચ્ચેનું એક કપલ મારી પાસે આવ્યું હતું. તેમનાં લવ-મેરેજ હતાં. પતિ જ્યારે પણ પત્ની સાથે ફિઝિકલ રિલેશન બનાવવાનો ટ્રાય કરે તો પત્ની સપોર્ટ જ ના કરે. એવું નહોતું કે પત્ની ફિઝિકલ રિલેશન બનાવવા માગતી નહોતી, પરંતુ તેનાથી શક્ય જ બને નહીં. આવું ખાસ્સા મહિનાઓ સુધી ચાલ્યું અને વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ. આખરે આ યુગલ કાઉન્સેલિંગ માટે આવ્યું. વાતચીત દરમિયાન યુવકે જણાવ્યું કે તે જ્યારે પણ ફિઝિકલ રિલેશન માણવા જાય ત્યારે યુવતી પોતાનું શરીર એ હદે ટાઇટ કરી નાખે અને કોઈ જાતનો સપોર્ટ આપે નહીં. આવું ખાસ્સો સમય ચાલ્યું ને દર વખતે યુવતી પતિ પાસે થોડો સમય માગે. કાઉન્સેલિંગ માટે આવ્યાં ત્યારે સૌપ્રથમ યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું કે કોઈ ગાયનેક સમસ્યા નથી ને? અલબત્ત, બધું જ નોર્મલ હતું. કાઉન્સેલિંગ દરમિયાન એ વાત ધ્યાનમાં આવી કે યુવતી નાનપણમાં ચાઇલ્ડ એબ્યૂઝનો ભોગ બની હતી અને એ જ કારણે જ્યારે પણ તેની સાથે ફિઝિકલ ઇન્ટિમસી કરવામાં આવે ત્યારે તેના મનમાં પેલી વાતો આવી જતી અને તે સપોર્ટ કરી શકતી નહોતી. ધીમે ધીમે કાઉન્સેલિંગથી યુવતી નોર્મલ થઈ અને સદનસીબે તેમના ડિવોર્સ થતા અટકી ગયા.

'પોર્નોગ્રાફી જોવાને કારણે અસંતોષની લાગણી રહેતી' ફિઝિકલ રિલેશનમાં રહેલી ગૂંચવણો સંબંધોને કઈ હદે બગાડી નાખે છે એનો અન્ય એક કિસ્સો જણાવતાં જયવંત મકવાણા કહે છે, 'એક યુવક મારી પાસે કાઉન્સેલિંગ માટે આવ્યો હતો. તેણે વાતચીતમાં જણાવ્યું હતું કે તે જે રીતે રિલેશન બનાવવા માગે છે એ રીતે કરી શકતો નથી અને એને કારણે હંમેશાં અસંતોષ રહે છે. તે યુવક સતત પોર્નોગ્રાફી જોતો હતો અને એમાં જે રીતે બતાવવામાં આવે એ રીતે ફિઝિકલ રિલેશન માણવા માગતો. આ રીતે રિયલ લાઇફમાં શક્ય ના બનતાં તેને અસંતોષની લાગણી રહેતી. આ માટે તેણે વિવિધ જાતનાં તેલ, આયુર્વેદિક જડીબુટ્ટીઓ તથા દવાઓ ડૉક્ટરને બતાવ્યા વગર જાતે જ લેવાનું શરૂ કર્યું. એને કારણે કોઈ ફેર ના પડ્યો. આખરે કંટાળીને તે કોઈ ડૉક્ટર પાસે ગયો. આ ડૉક્ટરે તેની વ્યથા સાંભળ્યા બાદ તે યુવકને મારી પાસે મોકલ્યો હતો. વાતચીતમાં મારે તે યુવકને સમજાવું પડ્યું કે વાસ્તવમાં ફિઝિકલ રિલેશન આ રીતે કરવા શક્ય જ નથી. તેમને પ્રોપર સમજણ આપવામાં આવી કે ફિઝિકલ રિલેશન કેવા હોય. આ વાત સમજ્યા બાદ તે યુવકની અસંતોષની લાગણી દૂર થઈ.'

'ડિવોર્સ માટે દોઢ વર્ષ રાહ જોવી પડે' એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજકાલના પરિવારો પણ શારીરિક સમસ્યાની વાત છુપાવતા હોય છે. એક કિસ્સો કહુંઃ એક યુવક-યુવતીના એરેજન્ડ્ મેરેજ થયાં હતાં. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે કોઈ ને કોઈ કારણોસર શારીરિક સંબંધો બંધાતા નહીં. બે મહિના બાદ જ પત્નીને અચાનક જ એ વાતની જાણ થઈ કે તેનો પતિ તો ગે છે! આપણે ત્યાંના કાયદા પ્રમાણે, પતિ-પત્ની લગ્નનાં એક વર્ષની અંદર ડિવોર્સ ફાઇલ કરી શકે નહીં. આવા કિસ્સામાં ફેમિલી કોર્ટની પરવાનગી લઈને લગ્નના એકાદ મહિના બાદ જ પતિ ગે છે, પત્નીને ગાયનેક સમસ્યા છે.... આ પ્રકારનાં કારણો સાથે કેસ ફાઇલ કરી શકાય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ બધાં કારણો ત્યારે જ લખી શકાય કે જ્યારે યુવક કે યુવતી આ બધું સ્વીકારવા તૈયાર હોય. મારા અત્યારસુધીના અનુભવ પ્રમાણે એટલું જ કહીશ કે આવું સ્વીકારવા માટે કોઈપણ પક્ષ તૈયાર થતો નથી. આ જ કારણે લગ્ન બાદ તરત જ ડિવોર્સ શક્ય બનતા નથી. લગ્નના એક વર્ષ બાદ ડિવોર્સ ફાઇલ થઈ શકે અને ત્યાર બાદ કોર્ટ છ મહિનાનો કૂલિંગ પિરિયડ આપે છે એટલે યુગલ દોઢ વર્ષ બાદ જ ડિવોર્સ લઈ શકે છે.'

'અકુદરતી ફિઝિકલ રિલેશન માટે દબાણ કરતાં ડિવોર્સ ફાઇલ કર્યા' એડવોકેટ અલ્પા જોગીએ અન્ય કિસ્સાની વાત કરતાં જણાવ્યું, '22 વર્ષની એક હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા. સ્પેશિયલ એક્ટ હેઠળ લગ્ન હોવા છતાં પતિએ બીજા દિવસે પત્નીને જબરદસ્તી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવીને નિકાહ કર્યા. મજબૂરીમાં આવીને પત્નીએ આ બધું જ કર્યું. નવાઈની વાત એ છે કે આ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતાં તેના પેરેન્ટ્સ વચ્ચે ઝઘડો થયો અને તેઓ ડિવોર્સ લીધા વગર જુદા રહેવા લાગ્યાં. દીકરીને કારણે મા-બાપ અલગ થયાં.

લગ્ન બાદ પતિ સતત અકુદરતી રીતે શારીરિક સંબંધો બાંધતો. પત્ની પ્રેગ્નન્ટ થવા ઈચ્છતી નહોતી, તેમ છતાં તેને પ્રેગ્નન્ટ કરી. પતિ સોફ્ટવેર કંપની ચલાવતો હતો તો તેની ઓફિસમાં અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો રાખતો. પત્નીને બધી જ ખબર હતી, પરંતુ પુરાવા ન હોવાથી તે કંઈ જ કરી શકે એમ નહોતી. અંતે, પત્ની પાસે ઑફિસના CCTV આવ્યા અને તેણે પોલીસ સ્ટેશનમાં જઈને લવ-જિહાદની ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહોતી. તે મારી પાસે આવી અને હાલમાં કોર્ટમાં ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે.'

'સોફ્ટ પોર્ન સરળતાથી મળી રહ્યું છે' 'આ ઉપરાંત આજકાલ યુવાન-યુવતીઓમાં એવું પણ જોવા મળે છે કે મને હસબન્ડ કે વાઇફ ફિઝિકલ રિલેશનમાં પૂરતો સંતોષ આપી શકતાં નથી. આ મુદ્દાને આધાર બનાવીને ડિવોર્સ માટે આવતાં હોય છે. આનું મુખ્ય કારણ તો હું એટલું જ કહીશ કે યુવાવર્ગમાં સ્ટ્રેસ લેવલ સતત વધતું જાય છે. ડ્રગ્સ-આલ્કોહોલને કારણે તેમના ફિઝિકલ રિલેશનમાં પ્રોબ્લેમ આવતા હોય એમ લાગે છે', એમ એડવોકેટ મિહિર લાખિયાએ ઉમેર્યું હતું. તો ડૉ. દિનેશ કાંઝારિયા પણ માને છે કે આજકાલ લોકોમાં સોશિયલ મીડિયામાં સોફ્ટ પોર્ન સરળતાથી મળી રહ્યું છે. આ જ કારણે યુવક કે યુવતી ફિઝિકલ રિલેશન ને પાર્ટનરમાં વિવિધતા લાવવા ઈચ્છે છે અને અંતે એ ડિવોર્સમાં પરિણમે છે.

સેક્સ અને સ્ટ્રેસ વિશે છોછ રાખવાની જરૂર નથી એડવોકેટ મિહિર લાખિયા સમાજમાં વધતા જતા ડિવોર્સ કેસ અંગે ચિંતા પ્રગટ કરે છે. આ અંગે તેઓ જણાવે છે, 'ભારતમાં વ્યક્તિ ડિપ્રેશનમાં હોય કે પછી સેક્સ્યૂઅલ લાઇફ સારી ન હોય, તો તે સાઇકોલોજિસ્ટ-સાઇકિયાટ્રિસ્ટ કે સેક્સોલોજિસ્ટ પાસે જતી અચકાય છે. આજે પણ આપણા સમાજમાં આ વાતનો છોછ છે. આ તમામ સમસ્યાની દવા છે, પરંતુ યુવા વર્ગ શોર્ટ ટેમ્પરમાં આવીને પ્રોપર દવા કરે નહીં અને પછી તરત જ ડિવોર્સ લેવાનું ફાઇનલ કરી નાખે છે. સમાજમાં ડિવોર્સનું પ્રમાણ વધે નહીં એ માટે સરકારે સારા મિડિએશન તથા કન્સિલિએશન સેન્ટર ઊભાં કરવાં જોઈએ. આ સેન્ટરમાં સારા સાઇકોલોજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ તથા સેક્સોલોજિસ્ટ હોવા જોઈએ.'

'હવે કોર્ટ બેંક સ્ટેટમેન્ટ જોઈને ભરણપોષણ નક્કી કરે છે' વધુમાં, એડવોકેટ મિહિર કહે છે, 'આજકાલ યંગસ્ટર્સમાં ઇગો પ્રોબ્લેમ બહુ જ જોવા મળે છે. જો યુગલને બાળક ના હોય તો તેઓ જલદીથી ડિવોર્સ લઈને છૂટા થવા માગે છે. 2020માં સુપ્રીમ કોર્ટે રજનીશ-નેહા કેસમાં ઓલઓવર ઇન્ડિયા માટે એક ગાઇડલાઇન બહાર પાડી હતી, જે પ્રમાણે હસબન્ડ કે વાઇફ જે પણ એલિમની માગે એનાં ત્રણ વર્ષનાં ઇન્કમટેક્સ રિટર્ન, ત્રણ વર્ષનાં બેંક સ્ટેટમેન્ટ, રોકાણ, ચલ-અચલ સંપત્તિ આ બધું જોયા બાદ હવે કોર્ટ એલમિની (ભરણપોષણ)ની રકમ નક્કી કરે છે.'

'લગ્નસંસ્થા ધીમે ધીમે ખતમ થઈ જશે' સમાજશાસ્ત્રી ડૉ. દિનેશ કાંઝારિયાએ ડિવોર્સની વાત કરતાં જણાવ્યું, 'આજકાલ યુવાનોમાં લગ્ન બાદ બાળકો નહીં એવો એક ટ્રેન્ડ શરૂ થયો છે. આ જ કારણે હવે પરિવારને એ વાતનો ડર લાગે છે કે વંશ કે કુળનો અંત આવી જશે. આ ઉપરાંત મલ્ટીપલ પાર્ટનરને કારણે યુવક કે યુવતીને સેક્સ્યૂઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની પણ શક્યતા રહે છે. જો આ અટકાવવામાં નહીં આવે તો ધીમે ધીમે સમાજમાંથી લગ્નસંસ્થા ધીમે ધીમે ખતમ થઈ જવાની અણી પર આવીને ઊભી રહેશે.'

'Gen Z મલ્ટીપલ સેક્સ્યૂઅલ પાર્ટનર રાખે છે' સાઇકોલોજિસ્ટ જયવંત મકવાણાના મતે, 'આજકાલ Gen Z વેબસિરીઝમાં બતાવવામાં આવતી દુનિયાને જ વાસ્તવિક માને છે. આ જ કારણે તેઓ રિલેશનશિપ અંગે કન્ફ્યૂઝ રહે છે. Gen Z મલ્ટીપલ સેક્સ્યૂઅલ પાર્ટનર રાખવામાં માને છે. તેઓ એક પાર્ટનર માત્ર ફિઝિકલ રિલેશન માટે, એકમાત્ર ઇમોશનલ સપોર્ટ માટે… એ રીતે અલગ-અલગ બાબતો માટે પાર્ટનર રાખતા થઈ ગયા છે. આ ટ્રેન્ડ સમાજ માટે લાલબત્તી સમાન છે.'

'હવે ફિઝિકલ રિલેશન્સ ચારિત્ર્યનો માપદંડ રહ્યા નથી' સમાજશાસ્ત્રી ડૉ. દિનેશ કાંઝારિયાએ મલ્ટીપલ પાર્ટનર સાથે ફિઝિકલ રિલેશન કેમ બાંધવામાં આવે છે એ અંગેનું કારણ સમજાવતાં કહ્યું, 'ફિઝિકલ રિલેશનને પહેલાં ભારતીય સમાજે ચારિત્ર્ય સાથે જોડ્યું હતું. હવે ચારિત્ર્ય ને ફિઝિકલ રિલેશનનું અંતર સતત વધી રહ્યું છે. આ વેસ્ટર્ન કલ્ચરનો કોન્સેપ્ટ છે. ભારતમાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે, પરંતુ હવે આ વિચારધારા બદલાઈ રહી છે.'

'સેવિંગ્સની ભાવના વીસરાઈ' એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજકાલ મોબાઇલનો વધુપડતો ઉપયોગ થઈ રહ્યો છે અને એમાંય સોશિયલ મીડિયાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મોબાઇલને કારણે પણ ડિવોર્સ કેસ વધ્યા એમ કહી શકાય. બીજી એક વાત કરું તો... પહેલાં દાદા-દાદી, પેરેન્ટ્સ બજેટ પ્રમાણે ઘર ચલાવતાં. આજકાલની જનરેશને આ બજેટનો જ છેદ ઉડાવી કાઢ્યો છે. પહેલાં સેવિંગ્સ કે બચતની ભાવના હતી. આજે તો જે કમાયા એ ઉડાવો એ મંત્ર પર જ આજની પેઢી જીવે છે. જ્યારે પૈસા ખૂટે કે અન્ય નાણાકીય મુશ્કેલી આવે એટલે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને સહન કરવાની આદત ના હોવાથી સીધા ડિવોર્સ લેવાનું નક્કી કરે છે.

'કોમ્યુનિકેશનથી સમસ્યાનો ઉકેલ આવશે' જયવંત મકવાણાએ કપલને સલાહ આપતાં કહ્યું, 'યુવક-યુવતીઓ પાસે આજે પણ ફિઝિકલ રિલેશન અંગે સાચું નોલેજ હોતું નથી અને તેઓ પોર્નોગ્રાફી કે વેબસિરીઝ જોઈને આ બધું શીખતાં હોય છે. તેમણે સેક્સોલોજિસ્ટ પાસે જવાની જરૂર છે. જો ફિઝિકલ રિલેશનમાં કોઈ સમસ્યા છે તો તેની પાર્ટનર સાથે ચર્ચા કરવી જરૂરી છે અને ત્યાર બાદ એક્સપર્ટ પાસે જવું જોઈએ. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. આનાથી સંબંધો સ્ટ્રોંગ બનશે. ફિઝિકલ રિલેશનને કારણે જ લગ્નસંબંધ ટકે એવું ના હોય અને એ વાત આજનાં યુગલોએ સમજવી જરૂરી છે.'

'કોર્ટ પણ ભેગા કરવાનો પ્રયાસ કરે છે' એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'જ્યારે યુગલમાંથી કોઈ એક અમારી પાસે ડિવોર્સ લેવા આવે ત્યારે પરિવારે તો સમજાવ્યા જ હોય છે, પરંતુ અમે પણ સમજાવીએ છીએ. હસબન્ડ-વાઇફ એકલાં હોય તો હજી વાંધો ના આવે, પરંતુ જ્યારે બાળક હોય ત્યારે કસ્ટડીનો પ્રશ્ન ઊભો થાય અને સૌથી વધુ સહન કરવાનું બાળકના હિસ્સે જ હોય છે. કોર્ટમાં કન્સિલિએશન (સમાધાન) તથા મીડિએશન (મધ્યસ્થી)ની જોગવાઈ હોય છે અને એના માધ્યમથી ડિવોર્સ ના થાય એવો પ્રયાસ કોર્ટ પણ કરતી હોય છે. અલબત્ત, આનો સક્સેસ રેશિયો 100એ માંડ 5-10નો છે, યાને કે પાંચ કે દસ કપલ ડિવોર્સ લેવાનું માંડી વાળે છે.'

'માફ કરી દેવાનું સમજાવું છું' એડવોકેટ અલ્પાબેન જોગીએ ફેમિલી કાઉન્સેલિંગ અંગે વાત કરતાં કહ્યું હતું, 'જ્યારે પણ મારી પાસે ડિવોર્સ કેસ આવે ત્યારે હું પતિ કે પત્નીને એકબીજાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરતી હોઉં છું. જો તેમને બાળક હોય તો તેમના ભવિષ્ય અંગે વિચારવાનું કહીને ડિવોર્સ ના લેવાનું સમજાવું છું. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સને કારણે જ્યારે ડિવોર્સ થતા હોય ત્યારે પાર્ટનર પાસે ખાતરી લેવડાવી માફ કરી દેવાની વાત કરતી હોઉં છું.'

'દાદા-દાદી પાસેથી જીવન જીવતાં શીખો' વધુમાં અલ્પાબેન કહે છે, 'હું ડિવોર્સ માટે આવતાં કપલને હંમેશાં એક વાત કહેતી હોઉં છું કે પતિ-પત્નીને ભગવાને અલગ જ રીતે બનાવ્યાં છે અને તેથી જ નાના-નાના ઝઘડા થવા સ્વાભાવિક છે. આ ઝઘડાને કેવી રીતે ટાળી શકાય એ જોવું જરૂરી છે. ઝઘડા તો આપણાં દાદા-દાદી, મા-બાપ વચ્ચે પણ થતા. તેઓ ક્યારેય એકબીજાને 'આ ઘરમાંથી જતી રહે' કે 'હું મારે પિયર જાઉં છું' કે 'હું ઘર છોડીને જતી રહીશ' એવું કહેતાં નહોતાં. આપણે તેમની પાસેથી સાથે જીવવાની રીત શીખવાની જરૂર છે.'

રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ જણાવ્યું, 'ડિવોર્સના કેસનું પ્રમાણ વધવાનાં કારણોમાં મોબાઇલ, સહનશક્તિનો અભાવ તથા મા-બાપની દખલગીરી જવાબદાર છે. ઘણીવાર મહિલાઓ 498ની કલમ (ક્રૂરતા) તથા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો દુરુપયોગ કરતી હોય છે. ઘણીવાર જોવા મળ્યું છે કે યુવતી લગ્ન કરીને સાસરે તો આવી જાય છે, પરંતુ પિયર સાથેનું એટેચમેન્ટ સતત રહે છે. તે સાસરીની નાની નાની વાતો ત્યાં શૅર કરે છે. આ જ કારણે યુવતી સાસરે સેટ થવામાં તકલીફ અનુભવે છે. પિયર છોડવાની વાત નથી, પરંતુ સાસરિયાંને અપનાવવાની વાત થાય છે. ઘણીવાર એવું લવ-મેરેજ પણ કલ્ચર ડિફરન્સને કારણે ડિવોર્સ થતા હોય છે. ભવિષ્યમાં લગ્નસંસ્થા સામે જોખમ ઊભું થવાનું છે. જો આ જ રીતે ડિવોર્સનું પ્રમાણ વધતું ચાલ્યું તો આગામી વર્ષોમાં લગ્નને કારણે સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જાય તો નવાઈ નહીં.'

‘આજકાલ તો દરેકને ડિવોર્સ જોઈએ છે' વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ કહ્યું હતું, ડિવોર્સ કેસમાં ઉછાળો આવ્યો છે. એવું લાગે છે કે દરેકને ડિવોર્સ જોઈએ છે. નાનીએવી વાત થઈ અને ડિવોર્સ લેવા ઉતાવળાં બની જાય છે. હવે કાઉન્સેલિંગની ઘણી જ જરૂર છે. હવે મહિલાઓ કામ કરવા લાગી છે. મહિલાઓ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. મહિલા ને પુરુષ ઇન્ડિપેન્ડન્ટ થાય એ અલગ છે. મહિલાઓમાં આજકાલ પુરુષ માનસિકતા હાવી થઈ ગઈ છે. આપણે પિતૃસત્તાક સમાજમાં રહીએ છીએ અને આ વાત આપણે સમજવી પડશે. આપણી સંસ્કૃતિ આ જ છે. જ્યારે મહિલા 'હું આ જ કરીશ' એ ભાવના પરિવારમાં લાવવા લાગે ત્યારે ઘરમાં ઝઘડા શરૂ થાય છે. મહિલાઓએ ગુલામી કરવાની નથી અને સામે આપણે બીજા કોઈને ગુલામ બનાવી શકીએ નહીં એ સમજવાનું છે. પેરેન્ટ્સ પહેલાં સાથે રહેતાં હતાં એટલે સમજાવતાં હતાં. હવે દરેક મહિલા એમ જ કહે છે કે હું ને મારો પતિ. બીજું કોઈ ના જોઈએ. આ કારણે હવે કોઈ સમજાવવાવાળું રહ્યું નથી અને કોઈ સમજતું પણ નથી. આ જ સૌથી મોટી તકલીફ છે.'

બ્રિટિશ ભારતના પહેલા ડિવોર્સ ભારતમાં હિંદુ રીત-રિવાજમાં ક્યાંય છૂટાછેડા કે તલ્લાક જેવી પરંપરા નથી. તલાક શબ્દ પણ અરબી છે. હિંદુ ધર્મ લગ્નને જન્મોજન્મનો સંબંધ માને છે. આ જ કારણે ભારતમાં ડિવોર્સની વાત એક સમયે આંચકાજનક કહેવાતી. ભારતમાં ડિવોર્સના કાયદા હેઠળ કોણે સૌપ્રથમ વાર છૂટાછેડા લીધા હતા, એ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. આ ડિવોર્સ રખમાબાઈ રાઉતે લીધા હતા અને એની ચર્ચા છેક બ્રિટન સુધી થઈ હતી. રખમાબાઈનો જન્મ 22 નવેમ્બર, 1864માં મુંબઈમાં થયો હતો. માતાએ માત્ર 14 વર્ષની ઉંમરે લગ્ન કર્યા ને 15 વર્ષે દીકરી રખમાબાઈને જન્મ આપ્યો. લગ્નનાં ત્રણ વર્ષ બાદ પતિનું અવસાન થતાં ડૉ. સખારામ અર્જુન રાઉત સાથે બીજા લગ્ન કર્યા. ડૉ. રાઉતે સાવકી દીકરી રખમાબાઈના જીવનમાં ખાસ્સો પ્રભાવ પાડ્યો ને અભ્યાસથી લઈ દરેક બાબતમાં સાથ આપ્યો. રખમાબાઈ 11 વર્ષનાં હતાં ને તેમના લગ્ન આઠ વર્ષ મોટા દાદાજી ભીકાજી સાથે કરાવવામાં આવ્યાં, જોકે તેઓ સાસરે રહેવાને બદલે પિયર રહીને અભ્યાસ કરતાં હતાં. લગ્નનાં નવ વર્ષ બાદ દાદાજીએ પત્નીને સાસરે આવવાનું કહ્યું, પરંતુ રખમાબાઈએ ના પાડી. દાદાજીએ 1885માં બોમ્બે હાઇકોર્ટમાં કેસ કર્યો. જસ્ટિસ રોબર્ટ હિલ પિન્હે આ કેસ ડિસમિસ કરીને એમ કહ્યું કે રખમાબાઈને સાસરે આવવા માટે બળજબરી કરી શકાય નહીં, કારણ કે જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેઓ બાળક હતાં.

રખમાબાઈ.
રખમાબાઈ.

રાણી વિક્ટોરિયાએ દરમિયાનગીરી કરતાં રખમાબાઈના પક્ષમાં ચુકાદો આવ્યો દાદાજીએ ફરી અપીલ કરતાં આ કેસ બે જજની બેંચ પાસે ગયો. જસ્ટિસ ફરહાને માર્ચ, 1887માં દાદાજીની તરફેણમાં ચુકાદો આપતાં કહ્યું કે રખમાબાઈ પાસે માત્ર બે જ વિકલ્પ છે, એક તો તેઓ પતિ સાથે સાસરે જાય અથવા છ મહિનાની જેલની સજા ભોગવે. બધાના આશ્ચર્યની વચ્ચે રખમાબાઈએ પતિને બદલે જેલવાસ પસંદ કર્યો. એ સમયે આખા ભારતમાં આ કેસની ચર્ચા થઈ હતી. સમાજે રખમાબાઈ પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો હતો. રખમાબાઈ હિંદુ ધર્મ માટે કલંક હોવાનું કહેવામાં આવ્યું, જોકે રખમાબાઈ પોતાના નિર્ણય પર મક્કમ જ રહ્યાં. રખમાબાઈએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ‘અ હિંદુ લેડી’ નામની કોલમ શરૂ કરી અને એમાં તેઓ સામાજિક મુદ્દા, મહિલા અધિકારીઓ તથા સામાજિક ક્રાંતિ અંગે વાત કરતાં. આ કોલમ એ સમયના જાણીતા લોકોમાં ચર્ચાસ્પદ બની. એ જ કારણે બેહરામજી મલબારી તથા રમાબાઈ રન્નાદેએ રખમાબાઈ પ્રોટેક્શન કમિટીની રચના કરી અને આ કેસમાં તેમને સપોર્ટ કરવા પબ્લિક રેલી કાઢવામાં આવી. રખમાબાઇને દેશભરમાંથી સમર્થન મળ્યું અને પછી તેમણે ઇંગ્લેન્ડમાં પ્રિવી કાઉન્સિલમાં અપીલ કરી. રાણી વિક્ટોરિયાના ધ્યાનમાં રખમાબાઈના આર્ટિકલ્સ આવ્યા. આ જ કારણે તેમણે આ કેસમાં દરમિયાનગિરી કરી અને રખમાબાઈને થયેલા અન્યાયને સ્વીકારીને તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. જુલાઈ, 1888માં રૂખમાબાઈને ડિવોર્સ મળ્યા. ત્યાર બાદ રખમાબાઈએ ‘લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફોર વુમન’માં અભ્યાસ કર્યો અને ડૉક્ટર બન્યાં. રખમાબાઈ કેસ બાદ બ્રિટિશ ભારતમાં એજ ઓફ કન્સેન્ટ એક્ટ 1891 બનાવવામાં આવ્યો અને શારીરિક સંબંધ માટે મહિલાની ઉંમર 10થી વધારીને 12 કરવામાં આવી.

(આવતીકાલે 'છૂટાછેડા' સિરીઝના બીજા એપિસોડમાં વાંચો, સાવ નાની-નાની વાતો તથા હાઇજિનને કારણે આજકાલ યંગસ્ટર્સ ડિવોર્સ લઈ રહ્યા છે. એક કિસ્સામાં તો પત્ની દિવસો સુધી યુઝ્ડ સેનિટરી પેડ્સ બાથરૂમમાં મૂકી રાખતી. અંતે કંટાળીને પતિએ ડિવોર્સ કેસ ફાઇલ કર્યો.)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links