Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

છૂટાછેડા-6
આધેડ પતિ પોર્નસાઇટ પર પત્નીના વીડિયો મૂકતો:પતિએ પત્નીને કહ્યું, મને તારું ગર્ભાશય કાઢીને આપી દે; અમદાવાદ-સુરતમાં દાદા-દાદી કેમ ડિવોર્સ લઈ રહ્યાં છે?

અમદાવાદ1 વર્ષ પેહલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

'લગ્નજીવન 25 વર્ષનું છે, પરંતુ 22 વર્ષથી મૃતઃપ્રાય અવસ્થામાં છે એટલે કે પતિ-પત્ની 22 વર્ષથી અલગ રહે છે. ત્રણ વર્ષ સાથે રહ્યાં ત્યારે તેમને એક બાળક થયું. પતિ કોઈ જાતનો સહકાર આપે નહીં એટલે કંટાળીને પત્ની દીકરા સાથે અલગ થઈ. દીકરો 24 વર્ષનો થઈ ગયો. માતાએ

.

‘પતિ, પત્નીના નોકરીના સ્થળે જાય. ત્યાં તો હેરાન કરે પણ સાથે સાથે અધિકારીઓેને હેરાન કરે. પત્ની કામ કરતી હોય તો તેની ડેસ્ક આગળ સામે આવીને આખો દિવસ એમ જ બેસી રહે. તે એવી એવી વાતો કરે કે મને તારી પર શંકા છે. તું મારી સાથે તો રહેતી નથી એટલે બીજી બીજી જગ્યાએ જતી હોઈશ. તું એક કામ કર, મને તારું ગર્ભાશય કાઢીને આપી દે. એટલે કે બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી દે. વિકૃત પતિ આવી આવી ભાષા વાપરે. પત્નીએ આ બધો જ ત્રાસ એક ચિઠ્ઠીમાં લખીને રાખ્યો. તેણે પિયર ને પરિવારને એક પત્ર લખ્યો કે મને તમે બચાવો. મને લાગતું નથી કે મારો પતિ મને જીવવા દે. બંને અલગ રહેતાં, પરંતુ શહેર એક જ હતું એટલે પતિ રોજ હેરાન કરે. તે સતત એક જ માગણી કરે કે મને તું તારું ગર્ભાશય કાઢીને આપી દે. પતિના મનમાં એવી શંકા કે પત્ની કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન માણશે અને તેનાથી પ્રેગ્નન્ટ થઈ જશે. આવા વિચારોને કારણે હેરાનગતિ ને અસહનીય ત્રાસ કરે. દીકરાનાં લગ્નમાં પણ પતિએ ધમાલ કરેલી ને પોલીસ બોલાવવી પડી હતી. અંતે કંટાળીને પત્નીએ સેપરેશનનાં 22 વર્ષ પછી ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. 22 વર્ષથી અલગ જ છે એટલે સાથે રહેવાના કોઈ સંજોગો જ નથી. આ કપલની ઉંમર 55 વર્ષની આસપાસ છે.'

આ શબ્દો છે, સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલાના. આજકાલ માત્ર યંગ જનરેશન કે મિડલ એજમાં જ ડિવોર્સ નથી થતા. મોટી ઉંમરે એટલે કે 50-55 કે તેનાથી પણ મોટી ઉંમરનાં યુગલો ડિવોર્સ લઈ રહ્યાં છે. મોટી ઉંમરમાં થતાં ડિવોર્સને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે. ગ્રે ડિવોર્સ કેમ વધી રહ્યા છે તે અંગે વાત કરીએ ‘છૂટાછેડા’ સિરીઝના આજના એપિસોડમાં. આ વિશે વધુ જાણવા અમે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, સિનિયર એડવોકેટ નેહુલ દવે, એડવોકેટ અલ્પા જોગી, એડવોકેટ ડૃૉ. અભીષ્ટ ઠાકર, સુરતના વકીલ શિવાની રજનીકાંત ચાહવાલા, વડોદરાના સિનિયર એડવોકેટ સબીહા સિંધી તથા રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશી સાથે ખાસ વાત કરી હતી. આ ઉપરાંત સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.

'જજ પણ ટકોર કરતા હોય છે' સિનિયર એડવોકેટ મિહિર લાખિયા વાતચીતની શરૂઆતમાં જ સ્વીકારે છે, 'ગ્રે ડિવોર્સનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. 60-65 વર્ષથી ઉપરની વયનાં યુગલો ડિવોર્સ લઈ રહ્યા છે. કોર્ટમાં જજ પણ હળવી શૈલીમાં કહેતા હોય છે કે આ ઉંમરે તમને એવું તો શું છે કે તમારે ડિવોર્સ લેવા પડે છે? આ ઉંમરના ડિવોર્સમાં પણ જજ મીડિયેશન ને સમાધાન થાય તેવા પ્રયાસો કરતા હોય છે. ગ્રે ડિવોર્સમાં પણ સેટ ના થતું હોય, ઇલીગલ રિલેશન હોય, માણસની અમુક ઉંમર પછી બૉડી હોર્મોન ચેન્જ થતાં મેન્ટલ કન્ડિશનમાં ફેરફાર આવતા ડિપ્રેશનમાં જતા રહે. નાની-નાની વાતો હવે ઘણી જ મોટી બની જાય, ધ્યાન ના રાખે, વાત ના કરે, ડોમિનેટિંગ નેચર... તે કારણે અલગ થતાં હોય છે.

64 વર્ષની ઉંમરે ડિવોર્સ લીધા હોય તેવા કિસ્સા બન્યા છે. કેટલીકવાર બંનેની પસંદગી પહેલા સરખી હોય ઉંમર સાથે તેમાં પરિવર્તન આવે. ચોઇસ બદલાતાં પતિ-પત્ની વચ્ચે એ હદે ઝઘડા થવા લાગે કે પછી વાત ડિવોર્સ સુધી પહોંચી જતી હોય છે. પરસ્પર સંમતિ હોય તો પણ કોર્ટ છ મહિનાનો કૂલિંગ પીરિયડ આપે છે. 50 વર્ષથી ઉપરના કપલને ઘણીવાર કહેવામાં આવે છે કે તેમનાં સંતાનો કોઈનું માર્ગદર્શન લે અને પેરેન્ટ્સને અલગ થતાં રોકે.'

'બીજાં લગ્નમાં પત્નીનું અફેર હોવાની વાત કોર્ટમાં સાબિત કરી' સિનિયર એડવોકેટ સબીહાએ ગ્રે ડિવોર્સનો શૉકિંગ કિસ્સો શૅર કરતા કહ્યું, 'એક રિટાયર્ડ ભારતીય કપલ અમેરિકાથી આવ્યું હતું. બંનેનાં આ બીજાં મેરેજ હતાં.. તેઓ થોડો સમય ઇન્ડિયામાં સાથે રહ્યાં. આ દરમિયાન મહિલાનું અન્ય કોઈ સાથે અફેર થયું. મહિલાની ઉંમર 60 વર્ષની હતી. પતિએ કોર્ટમાં મહિલાનું અફેર હોવાની વાત સાબિત કરી હતી. કોર્ટમાં તમારે ઘણા જ પુરાવા ને બધું જ આપવું પડે. જોકે, પતિએ આ ઉંમરે પત્નીનું અફેર કોર્ટમાં સાબિત કર્યું. તેમને ક્રૂરતાના બેઝ પર ડિવોર્સ મળ્યા.

કેસ નવેક વર્ષ ચાલ્યો એટલે કે તેમને 70 વર્ષની આસપાસ ડિવોર્સ મળ્યા. પત્નીએ પણ પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સ સહિતના અલગ-અલગ કેસ કર્યા હતા. બીજાં મેરેજમાં સામાન્ય રીતે પતિ-પત્ની સંમતિથી ડિવોર્સ લેતા હોય છે. આ મહિલાના પહેલા ડિવોર્સ થયા ત્યારે કરોડમાં એલિમની મળી હતી અને બીજા ડિવોર્સ ભારતમાં થયા ત્યારે પણ કોર્ટે પૂરતું ભરણપોષણ આપ્યું હતું.

ગ્રે ડિવોર્સમાં પણ મહિલાને એલિમની તો મળતી જ હોય છે. ગ્રે ડિવોર્સમાં બાળકો મોટાં થઈ ગયાં હોય છે અથવા તો તેમને ત્યાં પણ બાળકો હોય છે.'

'દરેકની સહનશીલતા જવાબ આપી ગઈ' સિનિયર એડવોકેટ નેહુલ દવે જણાવે છે, 'મારી પાસે 70 વર્ષના યુગલે ડિવોર્સ માગ્યા હતા. મોટી ઉંમરે થતા ડિવોર્સ પાછળનું કારણ કહું તો પતિ કે પત્નીની સહનશીલતા જવાબ આપી ગઈ હોય છે. તેઓ એવું કહે છે કે હવે જેટલું જીવન બાકી રહ્યું છે તે શાંતિથી પસાર કરવું છે. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે ડિવોર્સ લીધા એટલે બીજાં લગ્ન કરશે. જોકે, આ ઉંમરના લોકો બીજાં લગ્ન માટે નહીં, પરંતુ માનસિક શાંતિ માટે ડિવોર્સ લેતા હોય છે.'

'ગ્રે ડિવોર્સમાં રાતોરાત લગ્નજીવન કંઈ ખરાબ નથી થતું' એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર જણાવે છે, 'મોટી ઉંમરે ડિવોર્સ લેતાં યુગલોનું પણ પ્રમાણ વધી રહ્યું છે. એ લોકો એવું વિચારે છે કે આટલાં વર્ષો સુધી ખરાબ લગ્ન જીવન સહન કર્યું અને હવે જીવન થોડું બાકી છે તો શાંતિથી પસાર કરીએ. તેમાં કશું ખોટું પણ નથી. લગ્ન કર્યાં પછી બાળકો થયાં અને બાળકોને કારણે બધું સહન કર્યું હોય અને જ્યારે બાળકો મોટાં થઈ જાય ત્યારે પતિ કે પત્ની અલગ થવા માગે છે. ગ્રે ડિવોર્સમાં એવું નથી કે રાતોરાત લગ્નજીવન ખરાબ થઈ ગયું, લગ્નજીવન તો પહેલેથી જ ખરાબ છે, પરંતુ તે બાળકોના ભવિષ્ય માટે, સમાજમાં ખરાબ ના લાગે, પેરેન્ટ્સને નહીં ગમે એવાં કારણોથી ડિવોર્સ લેતા નથી. પછી એક સમયે આ બધી જ જવાબદારી પૂરી થઈ જાય એટલે ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. મારા એક મિત્ર પાસે દાદાની ઉંમર 80 વર્ષથી વધારે હતી તેઓ ડિવોર્સ માટે આવ્યા હતા.'

'ગમે ત્યાં જઇશ, પણ તમારી સાથે તો નહીં જ રહું' સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ગ્રે ડિવોર્સ વધવાનાં કારણો અંગે કહે છે, 'કોરોના પછી લોકોના મનમાં એ વાત વધુ ગાઢ બની કે જીવન તો એક જ છે તો તેને જીવી લેવું જોઈએ. મારે શેના માટે આ ભાર સહન કરવાનો? વ્યક્તિનો માનસિક કે શારીરિક ત્રાસ કે ભાર કેમ સહન કરું? આ જ કારણે મોટી ઉંમરના લોકો ડિવોર્સ લઈ રહ્યા છે. શિક્ષણ વધ્યું, સ્વતંત્રતા વધી, આ બધાને કારણે મારું જીવન મારી રીતે જીવવું છે તેવી ભાવના વધુ ને વધુ કેળવાતી ગઈ, આમાં કેટલાક સાચા તો કેટલાક ખોટા પણ હોય છે. હવે એવું પણ નથી રહ્યું કે હું તમારાથી દૂર મા-બાપના ઘરે રહીશ કે અલગ રહીશ. તેમને એવું હોય છે કે મારે બસ તારી સાથે નથી રહેવું. હું ગમે ત્યાં જઈશ પણ તમારી સાથે તો નહીં જ રહું.'

'પતિએ કોર્ટ બહાર પત્નીને ચાકુ માર્યું' સુરતનાં એડવોકેટ શિવાની ચાહવાલાએ સંતાનોને કારણે ગ્રે ડિવોર્સ જીવનમાં કેવા વળાંકો લાવી શકે તે કેસ અંગે વાત કરતા કહ્યું, 'સિનિયર સિટીઝનનો કેસ છે. પતિ આયુર્વેદિક ડૉક્ટર એટલે આપણે એવું માનીએ કે તે થોડા સ્થિર ગંભીર સ્વભાવના હશે. પત્નીએ આ ઉંમરે પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો. પત્નીએ કેસમાં એવું કહ્યું કે લગ્નનાં આટલાં વર્ષોથી તે મને સતત હેરાન કરે છે અને હવે તે પતિ સાથે રહી શકવાની સ્થિતિમાં નથી. મારી દીકરી સાથે છે. ઘણીવાર એવું લાગે કે બાળકો જ પરિવારને એક તાંતણે બાંધીને રાખે છે. જોકે આ કેસમાં દીકરીએ માતાને ફુલ સપોર્ટ કર્યો, પરંતુ આ ઉંમરે તે પેરેન્ટ્સનું કાઉન્સિલિંગ કરી શકી નહીં. સમાજમાં આ આયુર્વેદિક ડૉક્ટરની ઇમેજ ઘણી જ સારી. પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સનો તદ્દન ખોટો કેસ મોટી ઉંમરે કર્યો. આ કેસને કારણે ભાઈ પોતાની જાતને સંભાળી શક્યા નહીં. કોર્ટની પહેલી તારીખમાં ડૉક્ટર ને પત્ની દીકરી સાથે હાજરી આપવા આવ્યા. તારીખ ભરીને પત્ની ને દીકરી જેવા બહાર નીકળ્યાં ત્યારે પતિને મનમાં થયું કે એવું તો મેં શું કર્યું કે પત્નીએ જતી જિંદગીએ આ રીતે હેરાન કર્યો. પતિએ જાહેરમાં કોર્ટની બહાર પત્નીને ચપ્પુ મારી દીધું. દીકરી સાથે હતી એટલે તે માતાને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ ને સમયસર સારવાર મળી જવાને કારણે વાંધો ના આવ્યો. ઘા બહુ જ ઊંડો હતો એટલે સાજા થવામાં ખાસ્સો ટાઇમ લાગ્યો. આ બાજુ પતિએ જેલ જવું પડ્યું.'

'આ કેસમાં એવું હતું કે પતિ-પત્ની બંને જુનવાણી છે. એક ટિપિકલ ઘરેડમાં જીવતાં હોય અને તેમના માટે તે જીવન સામાન્ય છે. હવે સંતાનો મોટાં થાય છે અને તેમને આ ગમે નહીં. ઘણીવાર એવું પણ જોવા મળે કે બાળકો પણ પેરેન્ટ્સને અલગ થવા માટે ઉશ્કેરતાં હોય છે. આ કેસમાં આવું જ હતું. તેઓ સતત પેરેન્ટ્સને એમ કહેતા હોય છે, મમ્મી એમ થોડી ચૂપચાપ સહન કરાય, આપણે બોલવું તો પડે ને… તો સામે પતિ જમાના પ્રમાણે એટલી ઝડપથી બદલાતા નથી. એવું નથી કે માતા કે પિતા બંને ખોટા ને બંને સાચા.'

રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશીના મતે, 'સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રે ડિવોર્સનું પ્રમાણ ઘણું જ ઓછું છે. ત્યાં 100એ માંડ એકાદ-બે કેસ બનતા હશે.''

'પત્નીને કોઈ પણ ઉંમરે એલિમની મળે છે' સિનિયર એડવોકેટ મિહિર લાખિયા ગ્રે ડિવોર્સના એક કિસ્સા અંગે કહે છે, '64 વર્ષના દાદા-દાદી ડિવોર્સ માટે અમારી પાસે આવ્યાં હતાં. શરૂઆતમાં તેમને સમજાવ્યા કે આ ઉંમરે ડિવોર્સ લેવા યોગ્ય નથી. જોકે, તેઓ એવા સ્ટેજ પર આવી ગયા હોય છે કે તેઓ બસ અલગ થવાની જ વાત કરે છે. આ કેસમાં બાળકો મોટાં થઈ ગયાં હતાં. પરિણીત દીકરીની ઉંમર 32 વર્ષ હતી ને દીકરો અનમેરિડ હતો. ઝઘડાઓ વધતા હતા. દીકરો-દીકરી માતાના સપોર્ટમાં હતા અને અંતે પરસ્પર સંમતિથી ડિવોર્સ થયા. આ ઉંમરે ડિવોર્સ થાય ત્યારે બાળકો ઘણીવાર માતા કે પિતાને સપોર્ટ કરે. ઘણીવાર તો બાળકોમાં પણ ભાગલાં પડ્યાં હોય ને એક માતા ને એક પિતાને સપોર્ટ કરે. એલિમનીની વાત કરીએ તો, 18 વર્ષથી મોટી ઉંમરનાં બાળકોને ભરણપોષણ મળતું નથી. પત્ની હકદાર છે. કોર્ટમાં આ અંગે કેસ કરીને માગણી કરવી પડે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પર બેંક સ્ટેટમેન્ટ જોયા બાદ કોર્ટ એલિમની નક્કી કરતી હોય છે. કાયમી એલિમનીની જોગવાઈ સેક્શન 25માં છે. આ સેક્શન ડિવોર્સ થઈ જાય પછી લાગુ પડે.'

'ખરાબ લગ્નમાં મરી મરીને જીવવા કરતાં છૂટું થવું વધુ સારું' એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકરના મતે, 'મારો અનુભવ છે કે પહેલાં સમાજ આટલો વોકલ-બોલકો નહોતો એટલે કે યુગલો લગ્નજીવન ખરાબ હોય છતાં પણ બોલે નહીં અને ઘુંટાઈને જીવતાં.છોકરાઓ પર ખરાબ અસર ના પડે એ રીતે કો-પેરેન્ટિંગ કરીને અલગ પડવું જોઈએ. પેરેન્ટ્સ તરીકે સાથે રહો, પરંતુ પતિ-પત્ની નથી એ રીતે અલગ થઈ શકો તો તમારે આ માર્ગ અપનાવો જોઈએ. હું ક્લાયન્ટ્સને કહેતો હોઉં છું કે આરોપો મૂક્યા વગર મીડિયેશનથી ડિવોર્સ લેવા જોઈએ. મીડિયેશન એટલે કે બે વડીલોની હાજરીમાં પતિ-પત્ની પોત-પોતાના વકીલ સાથે બેસીને ચર્ચા કરે કે ડિવોર્સ લેવા છે તો કસ્ટડી ને એલિમની નક્કી કરે અને પછી એ રીતે પરસ્પર સંમતિથી ડિવોર્સ લે.'

'પતિ પત્ની પર મિત્ર સાથે સેક્સ માણવાનું દબાણ કરતો એડવોકેટ અલ્પા જોગી ગ્રે ડિવોર્સ અંગે કહે છે, 'એક કેસની વાત કરું તો, બહેન ટીચર છે. પતિ ખાસ કમાતો નહોતો. લગ્નને 20 વર્ષ થયાં ને દીકરો 17 વર્ષનો છે. પતિ કોલગર્લ પાસે જાય ને અન્ય યુવતીઓ સાથે સંબંધો રાખે. થાઇલેન્ડ-બેંગકોક જઈને ત્યાંની યુવતીઓ સાથે સંબંધ માણતો.

પતિ એ હદે ખરાબ કે તે પત્ની સાથે ફિઝિકલ રિલેશન માણે તો તેના ફોટો ને વીડિયો પાડે અને ચહેરો ના દેખાય તે રીતે પોર્ન સાઇટ પર મૂકે. પત્નીએ ખાસ્સાં વર્ષો સુધી આ બધું જ સહન કર્યું. પત્નીને ખબર હતી કે પતિ પોર્ન સાઇટ પર આ રીતના ફોટો- વીડિયો મૂકે છે, પરંતુ તેમણે પેરેન્ટ્સ કે સાસુ સસરાને પતિ વિરુદ્ધ કંઈ જ કહ્યું નહીં. પત્નીને સતત મનમાં એમ જ હતું કે ક્યાંક કહી દઉં ને લગ્નજીવન તૂટી જાય તો બાળકનું શું, તેના પર શું અસર પડે? પત્ની 45 વર્ષનાં થયાં ત્યારે અવાજ ઉઠાવ્યો ને કહ્યું કે હવે મારાથી આ સહન થતું નથી.

પતિએ પત્ની પાસે હવે એવી ડિમાન્ડ કરી કે તે મિત્ર સાથે ફિઝિકલ રિલેશન માણે અને તેનો વીડિયો ઉતારીને તે પોર્ન સાઇટ પર મૂકવા માગતો હતો અને આ અંગે સતત દબાણ કરતો. પત્ની સતત માનસિક ટોર્ચરથી ત્રાસી ગઈ હતી. અંતે તેમણે ફેમિલી કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છે. તે પતિથી અલગ દીકરા સાથે ભાડાના ઘરમાં રહે છે. દીકરો બારમા ધોરણમાં ભણે છે. પત્ની ભરણ પોષણ પણ લેવા માગતી નથી. આટલું જ નહીં, હજી પણ તેમણે પતિની કાળી કરતૂતો પેરેન્ટ્સને જણાવી નથી. તે એમ માને છે કે લગ્નજીવનનાં 22 વર્ષ પછી ડિવોર્સની વાત કરું તો તેમને આઘાત લાગે. આ વાત કરતાં કરતાં તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. હાલમાં પણ પતિ ડિવોર્સ આપવા તૈયાર નથી. પત્ની બાકીનું જીવન શાંતિથી પસાર કરવા ઈચ્છે છે. કોર્ટમાં કેસ ચાલે છે. ફેમિલી કોર્ટમાં પુરાવા આપ્યા છે. દલીલો થયા બાદ નક્કી થશે કે હવે આગળ શું કરવું.'

'પહેલાં સમાજ ને પેરેન્ટ્સનો ડર હતો' કારણોની વાત કરતાં એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'ગ્રે ડિવોર્સનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. પહેલા સમાજ ને પેરેન્ટ્સનો ડર લાગતો. પછી છોકરાઓના ભવિષ્યનો વિચાર રહેતો. પેરેન્ટ્સ પણ એટલાં આર્થિક રીતે સક્ષમ ના હોય એટલે મહિલા પિયર જઈ ના શકે, મહિલા પોતે કમાતી ના હોય એટલે તે ડિવોર્સ માટે તૈયાર થાય નહી અને નાની નાની બાબતો સહન કરે જ જાય. પછી છોકરાઓનાં લગ્ન થઈ જાય ને સેટલ થાય એટલે મહિલાને વિચાર આવે કે કેટલાં વર્ષ હજી ઘૂંટાઈને જીવવું. સંતાનોએ પણ માતાની જિંદગી જોઈ હોય એટલે તેઓ સપોર્ટ કરતા હોય છે.'

'પતિ સાયન્ટિસ્ટ, પણ પત્નીને દાબમાં રાખે' અન્ય એક કિસ્સાની વાત કરતાં એડવોકેટ અલ્પા જોગી કહે છે, '60 વર્ષના એક સાયન્ટિસ્ટ હતા. પત્નીની ઉંમર 55 વર્ષની. પત્ની ભણેલી-ગણેલી, પરંતુ કમાતી નહોતી. પતિનો એવો કડપ કે તેને ક્યાંય જવા ના દે. તે સતત એમ જ કહે કે તારે કામ કરવા ક્યાંય બહાર જવાનું નહીં. મારી રેપ્યુટેશન ડાઉન થાય છે. સાયન્ટિસ્ટ હોવાને કારણે પતિની આવક કરોડોમાં, પરંતુ પત્નીને દર મહિને ઘર ચલાવવા માત્ર 15-20 હજાર જ આપે. તે આડકતરી રીતે એમ જ ઈચ્છે છે કે પત્ની જ આખા ઘરનું તમામ કામ કરે ને કોઈ મેડ કે હાઉસ હેલ્પર રાખે નહીં. પત્નીની ઉંમર વધવા લાગી ને કરોડોના બંગલામાં તે જાતે કચરા-પોતાં ને વાસણ કરે. ઉંમર વધતાં બધાં કામ કરવાં મુશ્કેલ બન્યાં, પરંતુ પતિ ઘર ચલાવવા વધારે પૈસા આપે નહીં. તેમને એકનો એક દીકરો પેરેન્ટ્સના ઝઘડાથી કંટાળીને હોસ્ટેલમાં રહેવા જતો રહ્યો. પતિ 60 વર્ષની ઉંમરે માતા કહે તેટલું જ કરે. હવે આ ઉંમરે પણ તે માતાના કહ્યા પ્રમાણે ચાલે તે થોડું મુશ્કેલ છે. લગ્ન જીવનને 25 વર્ષ થયાં હતાં. પતિએ એટલાં જ રિસ્ટ્રિક્શન પણ મૂક્યાં હતાં. અંતે કંટાળીને પત્નીને એમ થયું કે નાનપણમાં મા-બાપનું, પછી પતિનું ને હવે તો 55 થવા આવ્યા ક્યાં સુધી આ રીતે જીવવાનું? મારું પાછલું જીવન મારી રીતે જીવું ને તેમણે પતિને ડિવોર્સ આપ્યા.'

'ઇમોશનલ ડિવોર્સની જેમ રહેતાં હોય છે' ડૉ. પ્રશાંત ભીમાણીએ ગ્રે ડિવોર્સના એક કેસ અંગે વાત કરતાં કહ્યું, 'મોટી ઉંમરનું એક કપલ અલગ થવા માગતું હતું અને પછી મારે ત્યાં આવ્યાં. અમે સવાલ કર્યો કે કેમ તમારે અલગ થવું છે? શું સમસ્યા છે? તો એવો જવાબ આપ્યો કે અમારી વચ્ચે કોઈ સમસ્યા જ નથી. બસ, એકબીજાની કંપની બહુ બોરિંગ લાગે છે. આટલાં વર્ષો નિભાવ્યું પણ રિલેશનશિપ બહુ જ ડ્રાય છે. મને લાગ્યું કે કાં તો એમને ખ્યાલ નથી અથવા લાગણી નહીં હોય. કશોય પ્રોબ્લમ નથી તો પણ ડિવોર્સ લેવા છે. બંને અલગ થવા તૈયાર જ હતાં, પરંતુ એક છેલ્લો ચાન્સ લેવા માગતાં હતાં. અમે આ બરાબર કરીએ છીએ ને? બાળકોને પૂછ્યું કે નહીં તે સવાલમાં એવો જવાબ આપ્યો કે અમે અમારાં બાળકોને તો જણાવી દઈશું. બાળકોને ઇન્વોલ્વ કર્યા ત્યારે ધીમે ધીમે આખી ઘટનાની જાણ થઈ. ખબર પડી કે વર્ષો પહેલાં તેમની વચ્ચે જ્યારે પણ કોઈ સમસ્યા થતી તો તેને સોલ્વ કરવા બદલે તેની પર ધૂળ નાખીને એટલે કે તેને ત્યાં જ અધૂરી મૂકી દેતાં. આ જ કારણે તેમનાં સંબંધોમાં ડ્રાયનેસ આવી ગઈ. કહેવાય છે ને જ્યાં ધુમાડો દેખાય ત્યાં ક્યાંક ને ક્યાંક અગ્નિ હોય જ. તમને અત્યારે એવું લાગે કે ડિવોર્સનું કોઈ કારણ નથી, પરંતુ તે અંદર ક્યાંક ને ક્યાંક ધરબાયેલું પડ્યું હોય છે. ધીમે ધીમે સોલ્વ કરવામાં આવ્યું અને માણસ સંપૂર્ણ ક્યારેય હોતો જ નથી, બસ ઈચ્છા એવી હોય છે કે સંપૂર્ણ મળે. આ જ કારણે લિમિટેશન ને કેપેસિટી સાથે સ્વીકાર કરવો જોઈએ અને આને જ પ્રેમ કહેવાય.'

વધુમાં ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે, 'જ્યારે કપલમાં આ લાગણી ઓછી થઈ જાય છે અને કપલ હોસ્ટેલના વિદ્યાર્થીની જેમ વર્ષો સુધી રહેતા હોય છે. ઘણા તો એવાં જોયાં છે કે એક જ ઘરમાં બે અલગ-અલગ રૂમમાં રહે છે. આને ઇમોશનલ ડિવોર્સ જ કહેવાય. હવે પછી એમને થાય કે મારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકું. મારે જે કરવું હોય એ કરાય. એટલા માટે મોટી ઉંમરે ડિવોર્સ લેવાનું પ્રમાણ વધ્યું છે. હવે મારે મારા મનની મરજી ચલાવવી છે અને કોઈને પૂછવાની જરૂર નથી. આ એક હકીકત છે.'

'પતિ એટલા ધાર્મિક કે પત્નીએ મોટી ઉંમરે ડિવોર્સ લીધા' એડવોકેટ અલ્પા જોગી બીજા કેસ અંગે વાત કરતાં જણાવે છે, '60 વર્ષની આસપાસનું જ યુગલ હતું ને લગ્નજીવનને 40 વર્ષ થયાં હતાં. ભાઈ વધુ પડતા જ ધાર્મિક હતા. પત્ની નાસ્તિક નહોતી, પરંતુ ભાઈએ એ હદે ધાર્મિક બાબતોના નિયમો બનાવ્યા હતા કે પત્ની માટે તે પાળવા બિલકુલ શક્ય નહોતા. પત્ની કમાતી નહોતી ને હોમ મેકર હતી. આ જ કારણે પહેલાં ડિવોર્સ લેવાનો વિચાર આવે પણ કરે શું એટલે દબાઈને રહ્યાં. દીકરી અમેરિકામા સેટલ્ડ હતી ને દીકરો 35 વર્ષનો થયો ને પરણ્યો. ત્યારે તે પત્નીએ સીધું દીકરાને જ કહ્યું કે હવે તે પતિ સાથે રહેવા તૈયાર નથી અને તેને ડિવોર્સ લેવા છે. દીકરાએ માતાને સપોર્ટ કર્યો ને ડિવોર્સ માટે હા પાડી. જોકે, પતિ ડિવોર્સ આપવા તૈયાર જ નહોતો. દીકરાએ માંડ માંડ પિતાને પ્રેમથી સમજાવ્યા ને અંતે બંનેએ સંમતિથી ડિવોર્સ લીધા.'

'સરકારી નોકરી કરતી પત્નીને પતિ હેરાન કરતો' અન્ય એક કેસની વાત કરતાં એડવોકેટ અલ્પા જોગી કહે છે, 'યુગલની ઉંમર 55 વર્ષની આસપાસ હતી. પત્ની સરકારી સ્કૂલમાં ટીચર હતી. એક દીકરો 25 ને બીજો 22 વર્ષનો હતો. લગ્ન થયાં ત્યારથી પતિ નોકરી છોડવાની વાત કરે, પરંતુ સરકારી નોકરી હોવાથી પત્નીએ છોડી નહીં. પતિનો શંકાશીલ સ્વભાવ એટલે નગણ્ય બાબતોમાં હેરાન કરે.

પેરેન્ટ્સના ડરથી, છોકરાઓના ભવિષ્ય માટે ડિવોર્સ ના લીધા. થોડા સમય પછી પતિ અલગ રહેવા જતા રહ્યા. પછી અચાનક પતિએ જ સ્ટેમ્પ પેપર પર ડિવોર્સ લેવાનું નક્કી કર્યું જોકે, પછી તેમને ખ્યાલ આવ્યો કે આ વેલિડ નથી. તો તેમણે ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. પછી સમજાવટથી બંનેએ સંમતિથી ડિવોર્સ લીધા. ગ્રે ડિવોર્સ આપવાનું પ્રમાણ પતિ-પત્ની બંનેમાં સરખું છે.'

'સાયકો પત્નીથી પતિ મોટી ઉંમરે અલગ થયો' એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલાએ ગ્રે ડિવોર્સનો કિસ્સો શૅર કરતાં કહ્યું, '58 વર્ષની ઉંમરનું કપલ હતું. 22-25 વર્ષનો દીકરો. પત્ની ‘સાયકો’ અને પતિ વર્ષોથી તેની સારવાર કરાવે. પતિએ પત્નીની બીમારીને સહજભાવે સ્વીકારી લીધી. જોકે, જેમ જેમ વર્ષો પસાર થતાં ગયા તેમ તેમ પત્નીની સ્થિતિ ઘણી જ ગંભીર બનતી ગઈ. તે પતિ પર ગમે તેવા આક્ષેપો મૂકવા લાગી. એ ગુસ્સો કાબૂમાં રાખી શકતી નહોતી. પત્નીના આ વર્તનથી પતિ ઘણો જ કંટાળી ગયો અને સ્થિતિ ત્યાં આવીને ઊભી રહી ગઈ કે હવે બંને એક જ છત નીચે રહી શકે તેમ નહોતાં. લગ્નજીવન 30 વર્ષનું છે અને ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છે.'

એડવોકેટ શિવાની ચાહવાલા સ્પષ્ટ માને છે, 'અંગત રીતે હું માનું કે પરિવારમાં 20 વર્ષથી મોટી ઉંમરનાં સંતાનો હોય તો તેમણે જાતે જ પેરેન્ટ્સને સમજાવીને એક રાખવા અને ડિવોર્સ ના લે તે માટે કાઉન્સિલિંગ કરવું જોઇએ.'

'બાળકો માટે જીવનભર સાથે રહેવાનું વિચારે છે' વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ વાતચીતમાં કહ્યું, 'બાળકો મોટા થઈ જાય, ભણવા લાગે કે પછી નોકરી કરતાં હોય ત્યારે માતાઓને એ વાતનો અહેસાસ થાય છે કે તેઓ હવે પતિ સાથે જીવન પસાર કરી શકશે નહીં. લગ્નજીવન એટલા માટે પહેલા ટકાવી રાખ્યું હતું કે પોતે કમાતી નથી, બાળકો નાનાં છે તો ભણી લે એમનું ભવિષ્ય બની જાય. 55-60 ઉંમરની મહિલાઓ ઘણી આવતી હોય છે. તેઓ અલગ થવા માગે છે. તેઓ વાતની શરૂઆત જ એમ કરે કે મારી સાથે ઘણું બધું થયું અને મેં અત્યાર સુધી ઘણું સહન કર્યું. તેમની વાત સાંભળીને તેમને તરત જ કહું કે તમારે તો પહેલાં જ ડિવોર્સ લેવા જોઈતાં હતાં. હવે, કેમ? તો તેઓ બાળકોના ભવિષ્યની જ વાત કરે. હાલમાં જ એક ગ્રે ડિવોર્સનો કેસ આવ્યો છે, જેમાં પતિનું એકસ્ટ્રા મેરિટલ અફેર છે અને તેની સાથે જ રહે છે. પત્નીને ડિવોર્સ લેવાની સહેજ પણ ઈચ્છા નથી. તેને એવું છે કે સંતાનનાં લગ્ન થઈ જાય પછી તેઓ આ અંગે આગળ વધશે. લગ્નજીવનમાં ઘણી મહિલા કે પુરુષો ખુશ હોતાં નથી. જોકે, તેઓ માત્ર ને માત્ર બાળકો માટે સાથે રહેવાનું નક્કી કરે છે અને બાળકો જેવાં પગભર થઈ જાય એટલ તેઓ અલગ થવાનું વિચારવા લાગે છે.'

'આપણો સમાજ સો કોલ્ડ મોડર્ન બની ગયો છે' સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ પુરુષોના મનની વાત કરતાં કહ્યું, 'તેમણે 50 વર્ષની આસપાસ ઠીકઠીક પૈસા કમાઈ લીધા હોય છે, સમાજમાં એક માન-મોભો હોય છે. આ સમયે તેમને પોતાની પત્નીને બદલે અન્ય મહિલાઓ પ્રત્યે વધારે આકર્ષણ થાય છે અને તેઓ ડિવોર્સ આપવાનું પગલું ભરે છે. પૈસા હોવાને કારણે સામાન્ય રીતે અન્ય મહિલાઓ પણ આકર્ષાય છે. તમે નહીં માનો પણ પતિ 60 વર્ષનો હોય છે તો તેની પાર્ટનરની ઉંમર ઘણીવાર 25-30 વર્ષની હોય છે. આ ઓલઓવર ઇન્ડિયામાં બની રહ્યું છે. આપણો સમાજ સો કોલ્ડ મોડર્ન બની ગયો છે. આપણને લાગે છે કે આમાં કંઈ જ ખોટું નથી.'

'મહિલાને ભવિષ્યમાં શું તકલીફ આવશે તે ખ્યાલ જ હોય છે' એડવોકેટ સબીહા સિંધીએ ગ્રે ડિવોર્સ લેતી મહિલાઓની મનોદશા સમજાવતાં કહ્યું, 'ગ્રે ડિવોર્સમાં એ વાત સમજવી પડશે કે જે મહિલાએ આ ઉંમરે અફેર કર્યું હોય કે પછી ડિવોર્સ ફાઇલ કર્યા હોય તેને ખ્યાલ જ હોય છે કે ભવિષ્યમાં શું થવાનું છે. જેનામાં હિંમત નથી કે પછી કેપેબલ નથી તે લગ્નજીવનમાં ચલાવી લેવાની ભાવના સાથે જીવન પસાર કરી નાખે છે. જે મહિલા ડિવોર્સ ફાઇલ કરે તેને ખ્યાલ જ છે કે જીવનમાં હવે કેવી કેવી મુશ્કેલીઓ આવશે તે બધાની તૈયારી કરીને જ ડિવોર્સ ફાઇલ કરે છે. બહુ જ ઓછા કેસમાં મેં જોયું છે કે મહિલાને એવી કોઈ મુશ્કેલી આવી હોય. જેમને વાસ્તવમાં તકલીફ હોય તેમને જ વધુ મુસીબત આવતી હોય છે અને તેઓ ગ્રે મેરેજ કે ડિવોર્સમાં આવતા નથી. હાલમાં લોકો વોકલ બન્યાં છે.'

'હવે લોકો સાયકોલોજિસ્ટ પાસે જતા થયા છે' ડૉ. ભીમાણી કહે છે, 'પહેલાં લોકો સાયકોલોજિસ્ટના નામથી દૂર ભાગતા. પરંતુ હવે માનતા થયા છે કે શરીરની જેમ મનને પણ ક્યારેક સારવારની જરૂર પડે. કાઉન્સિલિંગ જરૂરી હોય તો લેવું જોઈએ. લોકો હવે ક્લિયર કટ કહેતા થયા છે. પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરે છે. આ સારી વાત છે. આપણને એવું લાગી રહ્યું છે કે ડિવોર્સ વધ્યા છે, પરંતુ વર્ષો પહેલાં એક જ ઘરમાં કપલ ડિવોર્સ હોય તેમ જ રહેતા હતા. કહેવાય પરણેલાં, પણ અંદરથી જુદાં જ હોય. આ રીતે અનેક કપલ રહ્યાં છે. સહન કરીને રહ્યાં છે. ઘણીવાર કોઈનો માર સહન કર્યો છે. સમાજની બીકે રહ્યાં છે. ખરેખર એવા લોકોને તો આનાથી મુક્તિ મળે છે. બીજું પાસું એ જોવા મળ્યું કે લોકો સહેજ પણ સહનશક્તિ રાખ્યા વગર એટલે કે એકબીજા સાથે એડજસ્ટ થવાની સમજણની વાત છે. આ લોકોની અંદર ઓછું થતું ગયું છે. બુદ્ધિ ને લાગણીનું સંતુલન રાખીને જો સંબંધ નિભાવવામાં આવે તો લગ્ન ચોક્કસ ટકે છે.'

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links