- Gujarati News
- Bhaskar khaas
- Chhutachheda
- Gujarat Divorce Cases PHOTOS VIDEOS: Live In Extra Marital Affairs Rise; Bride Confesses Affair Day Before Engagement
છૂટાછેડા-5'ધર્મના ભાઈ સાથે પત્ની હોટલમાં જતી':'પત્નીના ફોનમાં કોઇનો મેસેજ આવ્યો, આપણી દીકરી શું કરે છે?', 'આજે 10માંથી 4 કિસ્સા એક્સ્ટ્રા મેરિટલ અફેરના'
- કૉપી લિંક

'27-28 વર્ષની યુવતીના પરિવારની સંમતિથી એરેજન્ડ મેરેજ થાય છે. લગ્નજીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું, પરંતુ અચાનક પતિને પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે જાણ થઈ. પત્નીનું કોલેજ ટાઇમથી એક છોકરા સાથે અફેર હતું. લગ્નના કેટલાક સમય બાદ પત્નીનો ફોન પડ્યો હતો
પતિએ આ અંગે ખુલાસો માગ્યો તો પત્નીએ વાત કરવાને બદલે ઘરમાં ઝઘડો કર્યો ને પતિએ લગ્નમાં ચઢાવેલા તમામ દાગીના ને કપડાં બધો જ સામાન લઈને જતી રહી. આટલું જ નહીં, પત્નીએ પતિ તથા સાસરિયાં પર ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરતાં સાસુ-સસરા ને પતિ 10 દિવસ સુધી સેન્ટ્રલ જેલમાં રહ્યાં. સાસુ-સસરાને એકનો એક દીકરો ને એક પરિણીત દીકરી છે. નણંદ પર પણ ફરિયાદ કરી હતી, પરંતુ પછીથી એ રિજેક્ટ થઈ. બહેન એડલ્ટરીમાં હતાં એટલે પછી તો ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ રિજેક્ટ થયો.'
આ શબ્દો છે અમદાવાદનાં એડવોકેટ અલ્પા જોગીના. આજકાલ સમાજમાં લિવ-ઇન રિલેશનશિપ ને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધી રહ્યા છે. કોન્ટ્રેક્ટ મેરેજ પણ જોવા મળે છે. ‘છૂટાછેડા’ સિરીઝના આજના એપિસોડ માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, સિનિયર એડવોકેટ નેહુલ દવે, એડવોકેટ અલ્પા જોગી, એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર, વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધી, સુરતનાં એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા, રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશી તથા સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સાથે વાત કરી હતી.
'સગાઈના આગલા દિવસે યુવતીએ અફેર હોવાનું જણાવ્યું' એક્સ્ટ્રા મેરિટલ અફેરના કિસ્સાથી વાતની શરૂઆત કરનારાં એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, '30-35 વર્ષનાં યુવક-યુવતી હતાં. બંનેના પરિવારે સાથે મળીને એકબીજાની મરજી જાણી લીધા બાદ સંબંધ નક્કી કર્યો. સગાઈ ફિક્સ કરવામાં આવી. સગાઈના આગલા દિવસે યુવતી ભાવિ પતિને મળે છે. ભાવિ પતિને એમ કે નવા જીવનની શરૂઆત થઈ રહી છે તો અવનવી વાતો કહેશે, પરંતુ તે યુવતીએ અચાનક જ એવો ધડાકો કર્યો કે તેનું એક છોકરા સાથે અફેર હતું, જોકે હવે તેણે એ સંબંધો પૂરા કરી નાખ્યા છે, જોકે વાસ્તવમાં આ અફેર ચાલુ જ હતું.
આ વાત સાંભળીને યુવકે સગાઈ તોડવાની વાત કરી અને તમામ દોષો કે જવાબદારી તે પોતાની ઉપર લઈ લેશે એમ પણ કહ્યું, જોકે યુવતીએ એવો વિશ્વાસ અપાવ્યો કે આવું કંઈ જ બનશે નહીં. તેણે બધા સંબંધ પૂરા કરી નાખ્યા છે. યુવકે યુવતીને વારંવાર કહ્યું કે આપણે આ સંબંધો તોડી નાખીએ અને આગળ ના જઈએ. ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી ના થાય એ માટે આ સગાઈ કે લગ્ન ના થાય એ જ પરિવારના હિતમાં છે, જોકે યુવતી એકની બે થવા તૈયાર નહોતી અને તેણે એક જ રટણ ચાલુ રાખ્યું કે મારા સંબંધો તૂટી ગયા છે અને હવે કોઈની સાથે અફેર નથી. યુવક પણ યુવતીની વાતમાં આવી ગયો ને સગાઈ થઈ. ત્યાર બાદ ધામધૂમથી બંનેનાં લગ્ન થયાં. લગ્નને એકાદ-બે વર્ષ થયાં. આ દરમિયાન પત્નીના તે યુવક સાથે સંબંધો ચાલુ જ હતા. આટલું જ નહીં, યુવતીએ આ દરમિયાન દીકરીને જન્મ આપ્યો.'

'પતિને ભૂલથી ડેટા મોકલાઈ ગયો' 'હવે એક દિવસ થયું એવું કે પત્ની પોતાના ફોનનો તમામ ડેટા મેઇલ પર લેતી હતી. આ દરમિયાન યુવતીથી ખબર નહીં કેવી ભૂલ થઈ કે આ બધો જ ડેટા પોતાના મેઇલ પર આવવાને બદલે પતિને સીધો મોકલાઈ ગયો. પતિએ જ્યારે ડેટા જોયો તો ખ્યાલ આવ્યો કે પત્નીનું તે યુવક સાથે અફેર ચાલુ જ છે. આટલું જ નહીં, એક મેસેજમાં તે યુવક એવું પૂછતો હતો કે આપણી દીકરી શું કરે છે? એટલે કે દીકરી પણ તેમની નથી. આ વાત સાબિત કરવા DNA ટેસ્ટ કરાવવો પડશે. વાત એવી હતી કે પતિ એકદમ વેલસેટલ્ડ ને પૈસાદાર હતો. પત્નીનું જેની સાથે અફેર હતું તે કંઈ જ કામધંધો કરતો નહોતો. પત્નીએ લગ્ન તો પૈસા માટે જ કર્યા હતા અને સંબંધો પ્રેમી સાથે રાખ્યા હતા. હવે પત્ની આ વાત માનવા તૈયાર નથી કે તેના યુવક સાથે કોઈ સંબંધો છે. પતિએ પત્ની પર એકપણ કેસ કર્યો નથી, પરંતુ પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સ ને ભરણપોષણનો કેસ કર્યો હતો, જેમાં ડોમેસ્ટિક વાયોલન્સની અરજી તો કોર્ટે રિજેક્ટ કરી. મને જ્યાં સુધી લાગે છે કે ભરણપોષણનો કેસ પણ રિજેક્ટ થશે, કારણ કે બહેન એડલ્ટરીમાં હતાં અને પતિથી તમામ વાતો છુપાવી છે.'
'લગ્નજીવન વિશ્વાસ પર ચાલે' એડવોકેટ અલ્પા જોગી કહે છે, 'જો વિશ્વાસ સહેજ પણ ડગમગશે તો વાત ડિવોર્સ સુધી પહોંચે. અત્યારે જોવા જઈએ તો જે પરિવારને સાંજે જમવાનું શું બનશે કે સવારના ભોજનની ચિંતા હોય ત્યાં એક્સ્ટ્રા મેરિટલ અફેર કોઈ ભાગ ભજવતા નથી. એકસ્ટ્રા મેરિટલ અફેરનું કારણ પતિ-પત્ની બંને જોબ કરે છે અને પત્ની આર્થિક રીતે સધ્ધર થઈ એ એક પણ છે. આ જ કારણે લગ્નજીવન તૂટે છે.'
'કોરોનાકાળ પછી અચાનક સંમતિથી ડિવોર્સ વધવા લાગ્યા' એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અંગે વાત કરતાં વડોદરાના સિનિયર એડવોકેટ સબીહા સિંધી જણાવે છે, 'કોરોનાકાળમાં કોર્ટ બંધ હતી અન ઑફિસ પણ બે-ત્રણ કલાક માટે ખૂલે અને ઓનલાઇન મિટિંગ્સ થતી. આ સમયે પરસ્પર સંમતિથી ડિવોર્સની ઢગલાબંધ ઇન્ક્વાયરી અચાનક વધી ગઈ. મને ખ્યાલ જ ના આવ્યો કે લોકો કેમ આટલી સહજતાથી ડિવોર્સ માટે તૈયાર થઈ જાય છે. કેટલાક કિસ્સામાં તો એ વાતની નવાઈ લાગી કે પત્નીને ભરણપોષણ નથી જોઈતું, બાળકની કસ્ટડી પણ જોઈતી નથી અને અન્ય કોઈ ડિમાન્ડ પણ નથી. એને તો બસ ડિવોર્સ જ જોઈએ. મને લાગ્યું કે આ અંગે થોડું ડિટેલમાં જવું પડશે.
સામાન્ય રીતે પરસ્પર સમંતિથી ડિવોર્સ બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. ત્યાર બાદ કેટલાંક કપલ્સ સાથે ડિવોર્સ અંગે ડિટેલ્ડમાં વાત કરી કે આખરે તમારા જીવનમાં એવું તો શું થયું કે તમારે આ રીતે ડિવોર્સ જોઈએ છે? વાત કર્યા બાદ એ અહેસાસ થયો કે માત્ર વિદેશ કે દિલ્હી-મુંબઈમાં જ નહીં, ગુજરાતના વડોદરામાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મોટા પ્રમાણમાં થઈ રહ્યાં છે. આ અફેર્સ એટલે કે એવું નહીં કે વ્યક્તિ તેની સાથે લાઇફ સેટ કરવા માગે છે, પરંતુ તે ઇમોશનલી કનેક્ટેડ હોય છે. કોરોનાકાળમાં ત્રણથી ચાર મહિના ઘરે બેસવાનું થયું ને ફોન એકબીજાના પાર્ટનર જોવા લાગ્યા ત્યારે અફેર્સનો ભાંડો ફૂટવા લાગ્યો. હવે જ્યારે અફેર્સની વાત બહાર આવી ગઈ છે તો ડિવોર્સ જ એકમાત્ર વિકલ્પ રહે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ માત્ર હાઇ પ્રોફાઇલ સોસાયટી પૂરતાં નથી, એ તમામ વર્ગના લોકોમાં જોવા મળે છે. વ્યક્તિ ઘરની બહાર એક એવી વ્યક્તિનો સાથ ઈચ્છે છે કે જેની સાથે તે ઇમોશનલી એટેચ્ડ હોય. થોડા ઘણા અંશે આ ખોટું નથી, પરંતુ ખોટું ત્યારે છે જ્યારે લગ્નજીવન દાવ પર લગાવી દેવામાં આવે. આ ફ્રેન્ડ અંગે પાર્ટનરને પણ ખ્યાલ હોવો જોઈએ. આ માત્ર ઇમોશનલ એટેચમેન્ટની વાત છે. આ રિલેશનમાં ફિઝિકલ રિલેશન હોતા નથી.'

'પાર્ટનર વિશ્વાસઘાત કરે ત્યારે સામેના પાર્ટનરમાં બદલાની ભાવના આવી જાય છે’ એક્સ્ટ્રા મેરિટલના એક કિસ્સા અંગે સિનિયર એડવોકેટ સબીહા સિંધી કહે છે, 'કોરોનાકાળમાં એક પતિ આવ્યો હતો, તેણે પત્નીની વ્હોટ્સએપ ચેટ, ફોટોગ્રાફ્સ સહિતની બધી ડિટેલ્ડ કાઢી હતી. પતિએ પાછું એવું કહ્યું કે તેને ક્રૂરતાના બેઝ પર ડિવોર્સ જોઈએ છે. પતિનું ઘણું જ કાઉન્સેલિંગ કર્યું. પતિને સમજાવ્યો કે તારે કંઈ એલિમની આપવાની નથી તો કેમ, પત્નીનું અંગત જીવન આ રીતે કોર્ટમાં ઉછાળવું છે. એ કોઈ કાળે માનવા તૈયાર નહોતો. તેના મનમાં બસ એક જ વાત હતી કે મારે તો તેને બતાવી દેવું છે. અંતે, તે માન્યો અને પછી પરસ્પર સંમતિથી ડિવોર્સ થયા. આટલું જ નહીં, તેની પાસે પત્ની વિરુદ્ધ જે પણ કંઈ હતું એ બધું જ ડિસ્ટ્રોય કરાવ્યું. પાર્ટનર જ્યારે વિશ્વાસઘાત કરે ત્યારે સામેના પાર્ટનરમાં એક બદલાની ભાવના આવી જાય છે અને તે કંઈક કરી બતાવવાનું નક્કી કરે છે. સામાન્ય રીતે મલ્ટી નેશનલ કંપનીઓમાં કામ કરતાં યુવક-યુવતીઓ સવારના દસથી રાતના આઠ-નવ વાગ્યા સુધી સાથે કામ કરે છે ને ઘર કરતાં કંપનીમાં વધુ સમય પસાર કરે એટલે સાથી કર્મચારી સાથે ઇમોશનલી એટેચમેન્ટ થઈ જાય. ઘરે તો માત્ર સૂવા ને ખાવા જતાં હોય તેવી લાઇફ થઈ ગઈ છે. રજાઓમાં ઘરનાં કામ ને સોશિયલી ને આરામ કરવાનો હોવાથી પાર્ટનરને પૂરો ટાઇમ આપી શકાતો નથી. આ જ કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થઈ જ જાય છે.'
'આર્થિક સ્વતંત્રતા વધતાં એક્સ્ટ્રા મેરિટલ સંબંધો વધ્યા' એડવોકેટ અલ્પા જોગી કહે છે, 'હવે ફેમિલી કોર્ટમાં વ્હોટ્સએપ ચેટ, વીડિયો બધું જ પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના પુરાવા માટે સર્ટિફિકેટ લેવાનું હોય છે કે આ ફૅક નહીં પણ સાચા છે. આ સર્ટિફિકેટ બાદ કોર્ટમાં આ તમામ વસ્તુઓ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. પહેલાં એવું હતું કે પુરુષ જ ઘરની બહાર લફરાં કે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે. આજકાલ તો પુરુષ કે સ્ત્રી બંનેના સંબંધો ઘરની બહાર હોય છે. ડિવોર્સ થવાનું મુખ્ય કારણ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ જ છે અને તે વધવાનું કારણ સો.મીડિયા છે. આર્થિક રીતે પગભર થઈ ગયા બાદ ભણેલ-ગણેલ છોકરી પોતાને આધુનિક માને છે અને પોતાની મરજી પર જીવવા માગે છે. આમાં ખોટું પણ નથી, પરંતુ ખોટું ત્યાં છે જ્યારે યુવતી પતિ ઉપરાંત અન્ય પુરુષ સાથે સંબંધ રાખે છે. પતિ-પત્નીના સંબંધો જલસા કરવા કે હરવા-ફરવા પૂરતા જ સીમિત નથી. લગ્નમાં કુટુંબો બે જોડાય છે, જવાબદારી પણ છે. આજકાલની જનરેશનને જવાબદારી લેવી નથી. આપણે આધુનિકતા કપડાંની બાબતમાં બતાવી, પરંતુ આપણા આચાર-વિચારમાં લગ્નને મોજશોખ માટે બનાવી દીધાં. આ વાત તદ્દન ખોટી છે. યુવાઓએ સમજવું પડશે કે લગ્ન એટલે શું. લગ્નજીવનમાં જોડાવ તો તેને મનથી અપનાવો. આજની પેઢી સ્વતંત્રતા ને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ ઘણીવાર ભૂલી જાય છે.'
'એક્સ્ટ્રા મેરિટલ અફેર્સમાં ભણેલા કે ઓછું ભણેલાના કોઇ ભેદ નથી હોતા' અમદાવાદના એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર માને છે, 'એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ આજના નથી, તે વર્ષોથી ચાલતા આવે છે અને આજના સમયે તેનું પ્રમાણ વધ્યું છે. આ મુદ્દે પહેલાં પણ ડિવોર્સ થતા હતા અને એ ઘરમેળે થતા હતા. હવે કોર્ટ વધી જતાં હવે આવા કિસ્સા વધી રહ્યા હોવાનું ધ્યાને આવે છે.'

'45 વર્ષના ભાઈના આઠથી દસ અફેર્સ' એડવોકેટ અલ્પા જોગી એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો કિસ્સો શૅર કરતાં કહે છે, યુગલનાં લગ્નજીવનને 22 વર્ષ થયાં અને બે દીકરીઓ છે. બંનેની ઉંમર 45 વર્ષની આસપાસ છે. ભાઈ પણ સારી પોસ્ટ પર છે. પરિવાર એકદમ શાંતિથી જીવતો હતો. જોકે, પતિમાં એક ખરાબી હતી અને તેમના અલગ-અલગ યુવતીઓ સાથે સંબંધ હતા. ઘણીવાર તો તેઓ ઓફિસમાં સાથે કામ કરતી યુવતીઓ પણ અફેર કરતા. અન્ય યુવતીઓ સાથે ફિઝિકલ રિલેશન પણ હતા. એકાદ-બેવાર પત્નીએ પકડી પણ પાડ્યા, પરંતુ ભવિષ્યનું વિચારીને તથા છોકરીઓનું ભાવિ ખરાબ ના થાય તે માટે માફ કરી દીધા. જોકે, પતિએ સુધરવાને બદલે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ચાલુ જ રાખ્યા. તેમના આઠથી દસ જેટલા અફેર્સ હતા. આ વાતને કારણે તેમની વચ્ચે અનેક ઝઘડા થતાં. પત્નીએ કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છે. પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સ સહિતના અલગ-અલગ કેસ બેથી ત્રણ વર્ષથી ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યા છે.
'દીકરીનાં પેરેન્ટ્સ સપોર્ટ કરતાં હોય છે' એડવોકેટ અલ્પા જોગી પેરેન્ટ્સ અંગે વાત કરતાં કહે છે, પેરેન્ટ્સ દીકરી કે દીકરાના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સને ઘણીવાર સપોર્ટ કરતા હોય છે. ઘણા કિસ્સામાં તો એવું બને છે કે જ્યારે પતિ સાસુ-સસરા સમક્ષ પત્નીના અફેરની વાત કરે તો તેઓ આ મુદ્દે કંઈ જ બોલવા તૈયાર નથી અને મૂંગા રહીને છોકરીને સપોર્ટ કરતા હોય છે. આજકાલ એક કે બે બાળકો હોય ને દીકરી લગ્ન બાદ પણ પેરેન્ટ્સને આર્થિક મદદ કરતી હોય છે. આ જ કારણે પેરેન્ટ્સ પણ દીકરી નારાજ થઈ જશે તેવા ડરથી દીકરી ખોટી હોવા છતાં સપોર્ટ કરે છે.
'સાસરિયાં પર ખોટા કેસ કર્યા' એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના અન્ય કિસ્સા અંગે એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'યુવકની ઉંમર 25-26 વર્ષની હતી. એકાદ-બે વર્ષ સુધી અફેર ચાલ્યું ને અંતે લગ્ન કર્યાં. લગ્ન પહેલાં જ્યારે દીકરો પ્રેમિકાને લઈને ઘરે આવ્યો ત્યારે માતાએ ચોખ્ખી ના પાડી કે આ દીકરી આપણા ઘરમાં સેટ થાય તેમ લાગતું નથી. જોકે, દીકરાનો પ્રેમ જોઈને તેમણે વિચાર બદલીને એમ કહ્યું કે આપણે આ સંબંધ અંગે થોડું હજી વિચારીએ. પરિવારમાં છોકરો, માતા ને છોકરાને નાનો ભાઈ હતા. પિતા બહુ પહેલાં ગુજરી ગયા હતા ને આ યુવક પર આખા ઘરની જવાબદારી હતી. છોકરીને ખ્યાલ આવી ગયો કે છોકરાનાં મમ્મી કદાચ લગ્ન માટે તૈયાર નહીં થાય તો તેણે તરત જ છોકરાને ફોસલાવીને કોર્ટ મેરેજ કરી લીધાં. કોર્ટ મેરેજ પછી છોકરાએ થોડા સમય બાદ ઘરમાં આખી વાત કરી. માતાએ વહુને ઘરમાં લાવવાની વાત કરી. વહુ ઘરે આવી, પણ કંઈ જ કહેતા કંઈ જ કામ કરે નહીં. દીકરા પર માતા ને નાના ભાઈના અભ્યાસની જવાબદારી હતી. લગ્નના થોડા સમય પછી તરત જ વહુએ અલગ ઘરમાં રહેવાની વાત કરી, પરંતુ આ શક્ય નહોતું. લગ્નના બે મહિનામાં જ પત્ની પિયર જતી રહી ને ધમકી આપી કે સાસુ ને દિયર જોડે નહીં રહું. એકલા રહો, નહીં તો કેસ કરીશ. સાસરિયાંએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માનવા તૈયાર નથી ને સાસરિયાં પર ખોટા કેસો કર્યા છે ને કોર્ટમાં કેસ ચાલે છે.'

'પત્નીએ પતિની કારમાં ડિવાઇસ ફિટ કરીને જાસૂસી કરી' અમદાવાદના સિનિયર એડવોકેટ નેહુલ દવે પોતાની પાસે આવેલા એક કેસ અંગે વાત કરતા કહે છે, 'પત્નીએ પતિની કારમાં એક ડિવાઇસ સેટ કરી દીધું. આ ડિવાઇસ પરથી પત્નીને ખબર પડતી કે પતિ ક્યાં જાય છે અને કારમાં પતિ કંઈ પણ બોલે તે રેકોર્ડિંગ થઈને પત્નીના વ્હોટ્સએપ પર આવે. આ રેકોર્ડિંગના બેઝ પર પત્નીએ ધમકી આપી કે તું આવું કરીશ તો તારા પર કેસ કરી દઈશ. ઘણા કેસમાં પતિ પત્નીના ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરે અને તે જે વાતો કરે તે તેને મળી જાય. પતિ-પત્ની વચ્ચે આમેય ઝઘડા ચાલતા હોય અને આ આગમાં ઘી હોમવાનું કામ કરે. આવા ઇશ્યૂ તો અત્યારે બહુ જ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં આનું પ્રમાણ વધશે તે નક્કી છે. જ્યાં સુધી પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો સંબંધ ગાઢ નહીં બને ત્યાં સુધી આ પ્રમાણે ઘટશે નહીં તે નક્કી છે.'
'લોકોને બંધન વગરનું જીવન જીવવું છે' સિનિયર એડવોકેટ મિહિર લાખિયાના મતે, 'અમદાવાદ ફેમિલી કોર્ટમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની મેટર ઘણી જ આવે છે, જેમાં કેટલાકમાં એક્સ્ટ્રા મેરિટલની વાત સાચી હોય છે તો કેટલાકમાં માત્ર આક્ષેપો જ હોય છે. કોર્ટમાં જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આક્ષેપ મૂકવામાં આવે ત્યારે તે સાબિત કરવો મુશ્કેલ બની જાય છે. મોબાઈલ આજકાલ આપણો સૌથી મોટો દુશ્મન બની ગયો છે. મોબાઇલની દુનિયામાં ડેટા શોધવો મુશ્કેલ નથી. આ ડેટા લેવાનો પ્રયાસ પતિ કે પત્ની હંમેશાં કરતા રહેતા હોય છે. મોબાઇલને કારણે આ સાબિત કરવું હવે અઘરું નથી. હવે તો ફોટા, વીડિયો, ચેટ પુરાવા તરીકે આપવામાં આવે છે. ઘણા કિસ્સામાં તો આમાંથી કંઈ જ કહેતા કંઈ જ હોતું નથી, પરંતુ માત્ર ફોન કોલ્સનો રેકોર્ડ હોય છે. એક્સ્ટ્રા મેરિટલનું પ્રમાણ વધતું જવાનું કારણ સમાજની અંદર દરેકની સહનશક્તિ સતત ઘટતી જાય છે. દેખાદેખીનું પ્રમાણ તો કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. લોકોને કોઈ જાતનાં બંધન વગરની એટલે કે ફ્રી લાઇફ જીવવી છે. આજે તો સમાજમાં યુવક કે યુવતી પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ હોય છે. લોકોને હવે જવાબદારી પણ લેવી નથી. ઘણીવાર એવું પણ હોય છે કે પત્નીને જ્યારે ખબર પડે કે પતિનું કોઈ અન્ય સાથે ચક્કર ચાલે છે તો તે બદલાની ભાવનામાં આવી જાય છે અને પછી ડિવોર્સ ના આપવાનું નક્કી કરે છે. એક કિસ્સામાં એવું છે કે ત્રણ બાળકો છે. પતિના અન્ય સાથે સંબંધ છે. પત્ની થોડો સમય પતિ પરત આવે તેની રાહ જુએ છે, પરંતુ પતિ અન્ય મહિલા સાથે જ રહે છે. અંતે, કંટાળીને બંને ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. સાચું કહું તો આજકાલનાં બાળકો પણ નાની ઉંમરમાં સમજદાર થઈ ગયાં છે. દસેક વર્ષનાં બાળકને પેરેન્ટ્સના અફેર્સની ખબર પડતી હોય છે. સ્કૂલમાં ને ફ્રેન્ડ્સમાં આ અંગે ચર્ચા કરવા લાગે છે. આવા સંજોગોમાં ઘરનું વાતાવરણ બગડી જાય છે. બાળકના ઉછેરમાં પણ સમસ્યાઓ આવવા લાગે છે. બાળક પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. ખરી રીતે તો આ સમાજનું એક દૂષણ છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરને કોર્ટ ક્રૂરતા ગણાવે છે અને આના બેઝ પર ડિવોર્સ મળી શકે છે.'
'કોન્ટ્રેક્ટ મેરેજ માન્ય નથી' વાત હવે કોન્ટ્રેક્ટ મેરેજની કરીએ તો... સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ જણાવ્યું, 'ભારતમાં કોન્ટ્રેક્ટ મેરેજ કાયદાની દૃષ્ટિએ કાયદેસર નથી. હિંદુ મેરેજ એક્ટમાં કોન્ટ્રેક્ટ મેરેજ નથી છતાં લોકો કરાવતા હોય છે. સૌથી મુખ્ય કારણ તો એ છે કે લગ્ન માટે હજી સમય જોઈએ છે અને બંને સાથે રહે છે. આ સમયે બંને પાત્રો વચ્ચે ઝઘડા થવાની શક્યતા વધી જાય છે ત્યારે સાચી-ખોટી ફરિયાદ થાય છે. પોતાને બચાવવા માટે કોન્ટ્રેક્ટ કરવામાં આવે છે, પરંતુ વેલિડ નથી. બીજું એ કે પતિ-પત્નીનો ડિવોર્સ કેસ કોર્ટમાં ચાલતો હોય, કસ્ટડી ઇસ્યુ હોય. ડિવોર્સ લેવાનું નક્કી હોય, પરંતુ કોર્ટમાં મેટર લાંબી ચાલી જાય તો પતિ કે પત્ની ચાલુ પિટિશને પૂછે કે નવા રિલેશનશિપમાં જવું છે તો કોન્ટ્રેક્ટ મેરેજ કે કરાર કરીએ? વકીલ તરીકે અમે સ્પષ્ટ ના જ પાડીએ. નવા રિલેશનશિપમાં બંનેનું સ્ટેટ્સ મેરિડનું ગણાતું નથી. જો તે બંનેને ઝઘડા થાય ત્યારે શું? પતિ કે પત્ની એવું પણ કહી શકે અમારા તો ડિવોર્સ જ નહોતા થયા તો આ સંબંધ કાયદેસર જ નથી. આ સંજોગોમાં લોકો કરાર કરે છે અને પાછા તે નોટરીની સાઇનવાળા હોય છે, પરંતુ જ્યારે કોર્ટમાં આ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે ત્યારે તે માન્ય નથી ગણાતા.'

સિનિયર એડવોકેટ નેહુલ દવે પણ સ્વીકારે છે, 'હિંદુ મેરેજ એક્ટ કે પછી ક્રિશ્ચિયન કે ભારતમાં થતાં તમામ લગ્નોને એક રૂઢી કે પ્રથા તરીકે જોવામાં આવે છે. આ પ્રથામાં કોન્ટ્રેક્ટ કે કરાર જેવો શબ્દ આવે નહીં, જેમ કે, લગ્ન વખતે 100 કે 500 રૂપિયા કે પછી ગમે તેટલાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરવામાં આવે કે ડિવોર્સ થાય તો પત્ની ભરણપોષણ નહીં માગે. હવે ડિવોર્સ થાય છે અને લખાણ મુજબ પત્ની ભરણપોષણ માગી શકે નહીં, પરંતુ પત્ની કોર્ટમાં કેસ કરીને ભરણપોષણ માગી શકે છે. કોર્ટમાં આ કરારને ન્યાયિક ગણવામાં આવતો નથી. પહેલાંના સમયમાં છૂટાછેડાના કરાર કરીને અલગ પડતાં. સુપ્રીમ કોર્ટે આ કરારને માન્ય ગણાવ્યો નથી. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, હિંદુ એક્ટ હેઠળ આવતી તમામ જ્ઞાતિઓએ કોર્ટમાં જઈને જ ડિવોર્સ લેવા પડે.'
વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ પણ કહ્યું હતું કે કોન્ટ્રેક્ટ મેરેજ માન્ય ના હોવા છતાં લોકો આ અંગે સલાહ લેવા આવે છે. સામાન્ય રીતે કોન્ટ્રેક્ટ મેરેજ કોર્ટમાં ડિવોર્સનો કેસ ચાલતો હોય તેવી વ્યક્તિ કરતી હોય છે. આ રીતના કોન્ટ્રેક્ટ મેરેજ મોટા ભાગે લોઅર ક્લાસમાં વધારે થતાં હોય છે પણ કેટલાક કિસ્સામાં મિડલ ને હાયર મિડલ ક્લાસના લોકો પણ કરે છે. આ કોમ્યુનિટીમાં ત્રીજી વ્યક્તિ રહેવા આવે ત્યારે સાચી વાત જણાવવામાં આવતી નથી. તે સમયે એવું કહેવામાં આવે છે કે તે પેરેન્ટ્સની કેર ટેકર છે. અલબત્ત, મહિલાને ખ્યાલ નથી આવતો આ પ્રકારના મેરેજથી તે કેટલી મુસીબતમાં પડી શકે છે.
લિવ ઇન રિલેશનશિપનો ટ્રેન્ડ પણ આજકાલ સમાજમાં જોવા મળે છે. એ વાત અલગ છે કે કાયદાની દૃષ્ટિએ લિવ ઇન રિલેશનશિપને કોઈ જ માન્યતા મળી નથી.
'યંગસ્ટર્સ લગ્નથી દૂર ભાગે છે ને લિવ-ઇનમાં રહે છે' સિનિયર એડવોકેટ સબીહા સિંધીના મતે, 'લિવ-ઇન રિલેશનશિપ હવે ગુજરાતમાં ઘણા એટલે ઘણા જ કોમન થઈ ગયા છે. ડિવોર્સ વધી રહ્યા છે અને ડિવોર્સમાં પતિએ પત્નીને ભરણપોષણ ચૂકવવું પડે છે. કોર્ટ કેસમાં માથાકૂટ થાય છે. યંગસ્ટર્સ આ બધું જોઈને જ લગ્નથી દૂર ભાગે છે. તેઓ લિવ-ઇનમાં રહેવા તૈયાર છે, પરંતુ લગ્ન કોઈ કાળે કરવા માગતા નથી. ઘણાં યુગલોએ ડિવોર્સ બાદ બીજા લગ્ન કરવાને બદલે લિવ-ઇનમાં રહેવાનું વધારે પસંદ કર્યું. લિવ-ઇન રિલેશનશિપમાં પાર્ટનર એગ્રીમેન્ટ કરતા હોય છે. લિવ-ઇનમાં મહિલા પાસે બહુ જ સીમિત હક રહે છે.'

ભારતમાં લિવ ઇન રિલેશનશિપ માટે અલગથી કોઈ કાયદો નથી. અલબત્ત, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ લિવ ઇનમાં રહેતો પુરુષ કે સ્ત્રી બંને ફાઇલ કરી શકે છે. જો આ રિલેશનશિપમાં બાળક થાય છે અને પછી પાર્ટનર જવાબદારી લેતો નથી તો મહિલા કોર્ટમાં બાળકના ભરણપોષણ માટે કેસ કરી શકે છે. આ બાળકને નાજાયઝ કહેવું કે લિગલ એ અલગ મુદ્દો છે. જોકે, લિવ ઇનમાં બાળક થાય તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે પુરુષ ને મહિલા વચ્ચે લગ્ન જેવા સંબંધો હોવાનું સાબિત થાય છે અને બાળક ભરણપોષણ માટે હકદાર છે. આ કિસ્સામાં મહિલા પાર્ટનરને કોઈ જાતની એલિમની મળતી નથી. લિવ ઇનનો ટ્રેન્ડ વધવાનું કારણ એ પણ છે કે કોઈ જાતનું બંધન રહેતું નથી ને સાથે હોવા છતાં પણ અલગ-અલગ છે.
'ઓલ ઓવર ઇન્ડિયામાં લિવ ઇનનો ટ્રેન્ડ વધ્યો' એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર જણાવે છે, 'લિવ ઇન રિલેશનશિપમાં બે પરિપક્વ વ્યક્તિ એક જ છત નીચે રહેવાનું શરૂ કરે છે. આ તેમની પસંદ છે અને કોઈ તેમને રહેવા માટે મજબૂર કરતું નથી. ભારતમાં લિવ ઇન રિલેશનશિપ અંગે ચોક્કસ કોઈ કાયદો નથી. જેમ જેમ સોસાયટી પ્રોગ્રેસ કરશે અને લિવ ઇન રિલેશનશિપમાં જેમ જેમ સમસ્યા આવતી જશે તેમ તેમ કાયદો બનશે.' તો સિનિયર એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'લિવ ઇન રિલેશનનો ટ્રેન્ડ હવે ઓલ ઓવર ઇન્ડિયામાં વધી ગયો છે. અમદાવાદમાં યુવક-યુવતી ફેમિલી સાથે રહે તો તેઓ લિવ ઇનમાં ના રહે, પરંતુ જો યુવક કે યુવતી અમદાવાદ બહાર જોબ કરે તો તે ત્યાં લિવ ઇનમાં રહેતાં હોય છે. પેરેન્ટ્સ કે જોઇન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે એક જ સિટીમાં લિવ ઇનમાં રહેવાનું પ્રમાણ ગુજરાતમાં બહુ જ ઓછું છે, પરંતુ દિલ્હી-મુંબઈમાં વધારે છે. આજકાલ યુવાનો પેરેન્ટ્સને કહીને પણ લિવ ઇનમાં રહેતા હોય છે. પહેલાં લગ્ન વગર સાથે રહેવામાં શરમ આવતી. આજે તો એવું કંઈ જ રહ્યું નથી.'
'લિવ-ઇન રિલેશનશિપ કોર્ટમાં માન્ય નથી' સિનિયર એડવોકેટ મિહિર લાખિયાના મતે, 'આજની પેઢી લિવ ઇન રિલેશનશિપમાં રહીને લગ્ન કરતાં પહેલાં જોવા માગે છે કે તેમને ફાવે છે કે નહીં. જો ફાવે તો જ લગ્ન અંગે વિચારે. લિવ-ઇન રિલેશનશિપના એગ્રીમેન્ટ બનાવે છે, પરંતુ ફરી એ જ કહીશ કે કાયદાની દૃષ્ટિએ એને કોઈ જ માન્યતા નથી. કપલ લિવ-ઇનમાં જાય છે અને બાળક થાય તો બાળકનું શું? હવે જો બંને વચ્ચે ઝઘડા થાય છે અને સાથે ફાવતું નથી તો બાળક ભરણપોષણનું હકદાર છે. લિવ-ઇન રિલેશનશિપ કરારથી કપલ એવું માને છે કે સમાજમાં તેમનો સંબંધ માન્ય છે. આ કરાર સંબંધને કોઈ જાતની વેલિડિટી આપતો નથી. આપણી સંસ્કૃતિ ને કાયદો હંમેશાંથી લગ્ન બચાવવા પર ભાર મૂકે છે. સમાજમાં પતિ-પત્નીનું જે સ્ટેટ્સ મળે તે લિવ ઇનમાં ક્યારેય મળતું નથી. જોકે, આપણો સમાજ ઘણો જ ઓપન થઈ ગયો છે અને હવે એવી વાતો થાય છે કે આ તો લિવ-ઇનમાં રહે છે. હવે તો મા-બાપને પણ આનો વાંધો નથી. યુગલ સાથે રહે છે અને પછી ઝઘડા થાય છે ત્યારે ઘણી વાર મહિલા રેપના કેસ કરતી હોય છે અને દુર્વ્યવહારની વાત કરે છે. આ બધાથી બચવા માટે કોન્ટ્રેક્ટ થાય છે, પરંતુ તે માન્ય નથી.'

'કોર્ટમાં દલીલો બાદ લિવ-ઇનમાં રહેતી મહિલાને બાળકને મળવાની છૂટ મળી' લિવ-ઇનના એક કેસ અંગે વાત કરતા સિનિયર એડવોકેટ સબીહા સિંધી જણાવે છે, 'એક મહિલા લગ્નજીવનથી બિલકુલ ખુશ નહોતી. મહિલાએ નોકરી કરવાની શરૂઆત કરી અને ત્યાં એક સાથી કર્મચારી સાથે પ્રેમ થયો. આ સાથી કર્મચારી ડિવોર્સી હતો. મહિલા ઘરેથી ભાગીને આ પ્રેમી સાથે લિવ-ઇનમાં રહેવા લાગી. આશ્ચર્યની વાત એ છે કે એ લગ્નથી એ હદે ત્રાસી ગઈ હતી કે પોતાનું બાળક પણ સાસરે મૂકી દીધું. મહિલાએ એવું વિચાર્યું કે તે પ્રેમી સાથે થોડી સેટ થશે એટલે બાળક લઈ જશે. મહિલા લિવ-ઇનમાં રહેવા લાગી ને પછી તેણે કોર્ટમાં બાળક પાછું લેવા કેસ કર્યો. કોર્ટે બાળક આપવાની ચોખ્ખી ના પાડી દીધી. કોર્ટે એવું કહ્યું કે તમે બાળકને મૂકીને બીજા પુરુષ પાસે જતાં રહ્યાં છો એટલે બાળક ના મળે. કોર્ટમાં દલીલ કરવામાં આવી કે સ્ત્રી પ્રેમી સાથે ગઈ તેનો અર્થ એવો નથી કે તેનું ચારિત્ર્ય ખરાબ છે. વેશ્યાને પણ પોતાના બાળક પર પૂરતો હક હોય છે. આ મહિલા તો વેશ્યા નથી, પરંતુ એક માતા છે. તેને લગ્નજીવનમાં કઈ હદે ત્રાસ આપવામાં આવ્યો હશે કે તે લિવ-ઇનમાં રહેવા ગઈ. ખાસ્સી દલીલો બાદ કોર્ટે પોતાનો ચુકાદો ચેન્જ કર્યો ને બાળકને મળવા ને સાથે રમવાની છૂટ આપી. એ વાત અલગ છે કે બાળક પિતા પાસે જ રહ્યું.'
સુરતનાં એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલાએ જણાવ્યું, 'લિવ ઇનમાં રહ્યા બાદ ભરણપોષણ માગે છે. ડિવોર્સ પાછળનું સૌથી મોટું કારણ ફ્રીડમ છે. કોઈએ કોઈને કશું જ કહેવું નહીં. જેને જેમ કરવું હોય ને જેમ જીવવું હોય તે રીતે જીવવાની આઝાદી આપવાની. જો તેમને કંઈક કહેવામાં આવે એટલે તરત જ ડિવોર્સની વાત આવે.'
અન્ય એક કેસ અંગે વાત કરતા સિનિયર એડવોકેટ સબીહા સિંધી કહે છે, 'એક યુગલ હતું, પત્ની પતિ કરતાં ઉંમરમાં ઘણી જ નાની અને પછી તેમના ડિવોર્સ થઈ ગયા. બંને અલગ-અલગ વ્યક્તિ સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યા. ભાઈએ તો લિવ ઇન એગ્રીમેન્ટ બનાવ્યો હતો અને તેમાં જો તે મહિલા પાર્ટનરથી અલગ થાય તો પૈસા આપશે સહિતની બાબતો લખવામાં આવી હતી. લિવ ઇનમાં બેથી ત્રણ વર્ષ રહ્યાં અને પછી તેની સાથે લગ્ન કર્યાં.'
'રાજકોટમાં લિવ ઇન રિલેશનશિપના ઓછા કિસ્સા' રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ કહ્યું, 'લિવ ઇન રિલેશનશિપને કાયદાની દૃષ્ટિએ માન્યતા મળી નથી. મૈત્રી કરાર કરવામાં આવે છે, પરંતુ તે લીગલ નથી. એક અંદાજ પ્રમાણે લિવ ઇન રિલેશનશિપના 100એ 2 કેસ રાજકોટમાં આવતા હશે. સૌરાષ્ટ્રમાં એવું બને કે ડિવોર્સ કેસ ચાલતો હોય અને લાંબો સમય થઈ ગયો તો પતિ અન્ય મહિલા સાથે લિવ ઇનમાં રહે છે, પરંતુ આનું પ્રમાણે ઘણું જ ઓછું છે. અલબત્ત, રાજકોટમાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરના કિસ્સા ઘણા જ બને છે. ઘણીવાર પતિ કે પત્ની મોબાઇલ ચેટના સ્ક્રીનશોટ લઈને આવતા હોય છે. હવે સ્ત્રી ને પુરુષ બંનેમાં એક્સ્ટ્રા મેરિટલ જોવા મળે છે. કોર્ટમાં રેકોર્ડ પર આ પુરાવા રજૂ કરવામાં આવે છે. 100એ 50-60 કેસમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આક્ષેપો હોય છે. આ પ્રકારના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે.'

રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશીના મતે, 'ઘણાં વર્ષો પહેલાં એક મેટર આવી હતી અને હું મહિલાતરફી હતો. તેમને બે બાળકો હતાં. આગળ જતાં પતિ સાથે ઝઘડા થતાં તે બંને બાળકો સાથે પિયર આવી ગઈ. તેણે પોતાના માટે નહીં, પરંતુ બે બાળકો માટે બે કરોડ રૂપિયાનું ભરણપોષણ માગ્યું હતું. આ મહિલાને અચાનક જ વિદેશ જવાનું થયું ને તાત્કાલિક પરસ્પર સંમતિથી ડિવોર્સ લેવાની વાત કરી. આ મહિલા બે કરોડ માગતી હતી, પરંતુ પછી તેણે એકપણ રૂપિયો લીધા વગર ડિવોર્સ આપ્યા. તે બેન પછી વિદેશમાં બે બાળકો સાથે સેટ થઈ ગયાં. મારા માટે આ આશ્ચર્યજનક કિસ્સો હતો.'
'વ્યક્તિ ઘરની બહાર વધારે રહે છે' સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે, 'હવે એવું છે કે વ્યક્તિ ઘરમાં જેટલા કલાકો રહે છે એના કરતાં કામ માટે બહાર વધુ રહે છે. આ દરમિયાન અમુક લોકોની નજીક આવવું, કોઈક પ્રત્યે આકર્ષણ જાગવું, અમુક બાબતો ઘરે ખૂટતી હોય તો તે બહાર દેખાય છે. આ જ કારણે લગ્ન બહારના સંબંધો વધી ગયા છે. સ્વતંત્રતા અમુક હદ કરતાં વધી ગઈ. આર્થિક સ્વતંત્રતા વધી ગઈ. એકબીજાની નજીક આવવાના ચાન્સ બહુ જ વધી ગયા. બીજું એ છે કે જ્યારે એક પાર્ટનરને એક્સ્ટ્રા મેરિટલ રિલેશન બંધાય ત્યારે બીજું પાર્ટનર બતાવી દેવાની ભાવનાથી એક્સ્ટ્રા મેરિટેલ અફેર કરે છે. ક્યાંક ઇમોશનલ ગેપ, ફિઝિકલ રિલેશન ગેપ, સોશિયલ ગેપ અથવા તો કમ્યુનિકેશન ગેપ હોય ત્યારે આવું થાય છે.'
(આવતીકાલે છૂટાછેડા સિરીઝના છઠ્ઠા ને છેલ્લા એપિસોડમાં વાંચો, દાદા-દાદી કેમ ડિવોર્સ લઈ રહ્યાં છે? પતિ ફિઝિકલ રિલેશન માણીને પત્નીના વીડિયો પોર્ન સાઇટ પર મૂકતો...)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















