- Gujarati News
- Bhaskar khaas
- Chhutachheda
- Gujarat Divorce Cases PHOTOS VIDEOS: Absurd Trivial Reasons Surprising Advocates; Bonding Breaks Complaint Starts
છૂટાછેડા-2'વહુ સાથે સાસુને ફાવ્યું નહીં તો દીકરાનું બબ્બેવાર ઘર ભંગાવ્યું':'પત્ની યુઝ્ડ ને ગંદાં સેનિટરી પેડ્સ બાથરૂમમાં દિવસો સુધી રાખતી', 'પતિ સાસરે મોડે પહોંચ્યો તો પત્નીએ બેફામ ગાળો ભાંડી'
- કૉપી લિંક

સુરતમાં રહેતાં એક કપલના લગ્નજીવનને 10 વર્ષ જેટલો સમય થયો છે. આ પતિ-પત્નીમાં બેઝિક હાઇજીન જેવી નજીવી બાબતોને લઇને મસમોટા ઝઘડા થવા માંડ્યા. પત્ની લોહીવાળાં યુઝ્ડ સેનિટરી પેડ્સ બાથરૂમમાં મૂકી રાખતી. વપરાયેલાં સેનિટરી પેડ્સ તો રોજે જ નાખી દેવાનાં હોય, પર
બંને વચ્ચે આ વાત એવી વકરી કે પતિએ કંટાળીને કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. હવે પતિને એ સાબિત કરવાનું હતું કે પત્ની બેઝિક હાઇજીન રાખતી નથી, તો તેણે આ રીતે બાથરૂમમાં દિવસો સુધી મૂકી રાખેલાં સેનિટરી પેડ્સના ફોટો ક્લિક કર્યા.
આ કિસ્સો સાચે જ એટલો વિચિત્ર હતો કે એની કલ્પના પણ થઈ શકે એમ નથી. જ્યારે એડવોકેટ તરીકે ફોટો જોયા તો અમને ચિતરી ચઢી ગઈ તો પતિની શું હાલત થતી હશે એ વિચારો. આ માનસિક વિકૃતિ બતાવે છે. તેમને એક બાળક પણ છે. બાળકને કારણે પતિએ વિચાર્યું કે તેના ભવિષ્ય માટે અલગ થવું નથી, પરંતુ વાત હદ બહાર પહોંચતાં તેમણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. પત્ની પોતાના બાળકના યુનિફોર્મ પણ એટલા જ ગંદા રાખે. બાળકને સ્કૂલે જવાનું હોય તો યુનિફોર્મ ધોયા વગરનો એકદમ ગંદો જ હોય. બાળકની સ્કૂલબેગ પણ એટલી જ ગંદી જોવા મળે. માતા તરીકે તે બાળકનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખતી નહોતી. આ કેસમાં હવે બહાર આવ્યું છે કે પત્ની કોઇ માનસિક રોગથી પીડાય છે અને કોર્ટમાં ડિવોર્સ કેસ ચાલી રહ્યો છે.
અન્ય એક કિસ્સામાં વાત એવી હતી કે પતિ પોતાની પત્ની માટે ચોકલેટ લઈને આવ્યો. પત્ની કામમાં હતી તો તેણે એવો જવાબ આપ્યો કે તું ચોકલેટ સાઇડમાં મૂકી દે, પત્નીની વાત સાંભળીને પતિએ ચોકલેટ ફ્રિજ પર મૂકી દીધી. આ દરમિયાન સાસુ ત્યાંથી પસાર થયાં ને તેમણે ચોકલેટ જોઈ. ખબર નહીં કેમ પણ સાસુએ એ ચોકલેટ ખાઈ લીધી. હવે પત્નીએ જ્યારે ચોકલેટ માગી ને મળી નહીં તો પત્નીએ આ વાતને મુદ્દો બનાવીને ઝઘડો કર્યો કે મારો પતિ મારા માટે ચોકલેટ લાવ્યા એ સાસુ કેવી રીતે ખાઈ શકે? મારાં સાસુ અમારા સંબંધોમાં ઇન્ટરફિયર કરે છે. આ તદ્દન બાલિશ ઈસ્યુ એટલો મોટો બની ગયો છે કે હાલમાં કોર્ટમાં કેસ ચાલે છે! *** આ બંને કિસ્સા છે સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલાની પાસે આવેલા બે અલગ-અલગ ડિવોર્સ કેસના. તદ્દન સામાન્ય લાગતી અને બેઝિક સમજણથી વાતનો ઉકેલ લાવી શકાય એવા મુદ્દે જ્યારે કોર્ટમાં ડિવોર્સ ફાઇલ કરવામાં આવે ત્યારે માત્ર પરિવાર જ નહીં, વકીલોને પણ નવાઈ લાગતી હોય છે.
દિવ્ય ભાસ્કરની ડેઇલી સિરીઝ ‘છૂટાછેડા’ના બીજા એપિસોડમાં જાણીએ કેવી નજીવી, ક્ષુલ્લક અને હાસ્યાસ્પદ લાગતી બાબતો પણ ડિવોર્સ સુધી કેવી રીતે પહોંચે છે એ વિશે. દિવ્ય ભાસ્કરે આ અંગે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, સિનિયર એડવોકેટ નેહુલ દવે, એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર, એડવોકેટ અલ્પા જોગી તથા સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સાથે ખાસ વાત કરી હતી. આ ઉપરાંત સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી પાસેથી આ કેમ થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
'બોન્ડિંગ તૂટે છે ત્યારે નાની-નાની ફરિયાદો શરૂ થાય છે' સિનિયર એડવોકેટ નેહુલ દવેએ વાત કરતાં જણાવ્યું, 'નાની-નાની વાતો અંગે ફરિયાદ થવાની શરૂઆત ક્યારે થાય છે? એ વિશે પહેલાં વિચારવું જોઈએ. પતિ-પત્ની વચ્ચે બોન્ડિંગ તૂટે ત્યારે આ શરૂઆત થાય છે. આનો સીધો અર્થ એ થયો કે પતિ કે પત્ની બેમાંથી એક આઇસોલેટ-એકલવાયું ફીલ કરે છે. આ જ કારણે પ્રેમ કરતાં ફરિયાદ પર ફોકસ વધે છે. આ વાતને જરા વિસ્તારથી સમજાવું તો હવે થાય છે એવું કે પતિ થાકીને ઘરે આવે છે ત્યારે તે એવું ઈચ્છે છે કે ઘરમાં શાંતિનું વાતાવરણ મળે અને પત્ની સીધી ફરિયાદ ના કરે કે આજે તારાં મા-બાપે આમ કર્યું ને બાળકોએ આવું કર્યું. રોજેરોજ આવી ફરિયાદ થાય એટલે પતિ અકળાઈ જાય છે અને પછી પતિ, પત્નીની નાની-નાની બાબતોની ફરિયાદ કરવાનું શરૂ કરે. સતત નાની ફરિયાદોને કારણે પતિ કે પત્ની હતાશામાં જીવવા લાગે અને અંતે તેમને લાગે છે કે લાઇફ પાર્ટનર બરોબર નથી.'

'પતિને પત્ની ગુડ મોર્નિંગ નથી કહેતી એની સામે વાંધો હતો' એડવોકેટ નેહુલ દવેએ એક કિસ્સો શૅર કરતાં જણાવ્યું, 'મારી પાસે અમદાવાદનો એક કેસ આવ્યો હતો. આ કેસમાં પતિની ફરિયાદ હતી કે પત્ની રોજ સવારે ગુડ મોર્નિંગ કહેતી નથી. સાસુ-સસરાને એવું હતું કે ઘરની વહુ તો ‘જય શ્રીકૃષ્ણ’ બોલવું જ જોઈએ, પરંતુ આ બોલતી નથી. આખો દિવસ વહુ પિયરમાં વાતો કરે છે. અમારા પર તો ધ્યાન જ આપતી નથી, તો સામે પત્નીની ફરિયાદ એવી હતી કે પતિ તેના પરિવાર સાથે સરખી રીતે વાત કરતો નથી ને તેના ઘરના પ્રસંગોમાં હાજરી આપતો નથી. તમે જ વિચારો... આ મુદ્દે ડિવોર્સ લેવાના હોય? પરંતુ આ યુગલના થયા!'
'નાની વાતનું વતેસર બનાવી દે છે' સિનિયર એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'મને તો દરેક ડિવોર્સ કેસ શૉકિંગ જ લાગે છે. ઘણીવાર શૉકિંગ એ રીતે પણ લાગે કે બહારથી સંયુક્ત પરિવાર એકદમ સુખશાંતિથી રહેતો હોય. તેમને પહેલી નજરે જોઈએ તો લાગે પણ નહીં કે પરિવારમાં કંઈક ખોટું થતું હશે. આ પરિવારમાંથી જ્યારે કપલ ડિવોર્સ માટે આવે ત્યારે આઘાત લાગે. આ ઉપરાંત એવું પણ બને છે કે જ્યારે લગ્ન કર્યાં હોય ત્યારે પત્નીને હાથમાં ને હાથમાં રાખે ને પછી બિઝનેસમાં નુકસાન જાય અને પૈસા ના હોય તો પત્ની સમજદારીથી કામ લેવાને બદલે સીધી ડિવોર્સ માટે આવે. આ ઘણું જ ખોટું છે. આ સમયે પતિ- ઘરને સપોર્ટ કરવાનો હોય, પરંતુ તે એમ કહીને ડિવોર્સ માગે છે કે પતિ વાપરવા માટે પૈસા આપતો નથી. આ ક્રૂરતા નથી. સમય ક્યારેક સારો તો ક્યારેક ખરાબ હોઈ શકે છે. ક્રૂરતા ત્યારે ગણાય જ્યારે તે ગેરકાયદે કામ કરે, ગેરકાયદે સંબંધો હોય. ફ્રોડ કરે કે પછી ફ્રોડ જેવી પરિસ્થિતિ ઊભી કરે અથવા તો પત્નીના નામથી ખોટી સહીઓ કરીને પૈસા ઉપાડે. ઉદ્ધતાઇથી વાત કરે, મારામારી કરે. તમને વિશ્વાસ નહીં થાય, પણ સારા સારા ઘરમાં આ રીતના કિસ્સા બનતા હોય છે. આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એનું નિરાકણ જાતે જ લાવવું પડશે. નાની વાતનું વતેસર બનાવીને કપલ વકીલ પાસે ડિવોર્સ કેસ લઈને આવી જતા હોય છે.'
'વહુ નાહ્યા વિના રસોડામાં કેમ જાય છે?' એડવોકેટ અલ્પા જોગી વાતની શરૂઆત કિસ્સા સાથે કરતાં કહે છે, 'અમદાવાદની જ એક યુવતીના લગ્ન થયા. સાસરે કલ્ચર અલગ હતું અને આ જ મુદ્દે સાસુ-વહુ વચ્ચે વિખવાદ થવા માંડ્યા. આ યુવતી વર્કિંગ હોવાથી સવારે ઊઠીને સીધી જ રસોડામાં જઈ રસોઈ બનાવવા લાગે. સાસુને એવું કે વહુ નાહ્યા વગર રસોડામાં ના જ જવી જોઇએ. આ મુદ્દે ઘરમાં રોજેરોજ ઝઘડા થવા લાગ્યા. પછી તો સાસુ નાની-નાની વાતોમાં ટોકવા લાગ્યાં. બંને વચ્ચે જનરેશન ગેપ હતો. સાસુએ ક્યારેય નોકરી કરી નહોતી એટલે તેમની જીદ એવી કે વહુ ઘરનાં બધાં કામ કરીને જ ઓફિસ જાય. વહુ માટે આ શક્ય નહોતું. આ પરિસ્થિતિમાં પતિની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. પછી તો સાસુ સફાઈ, ધાર્મિક માન્યતા અંગે ટોક્યાં કરે. કંટાળીને પત્ની પિયર જતી રહી ને એકાદ-બે વર્ષ રાહુ જોઈ, પરંતુ કંઈ સુધારો ના થયો એટલે ડિવોર્સ થઈ ગયા.'

'કંઇ રેસ્ટોરાંમાં જમવું એવા મુદ્દે પણ ડિવોર્સ થાય છે' અમદાવાદના જ એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકરે જણાવ્યું, 'ડિવોર્સના કેસમાં ઘણીવાર અમને એવું થાય કે આટલી નાની બાબતો એવી તો કેવી રીતે આગળ વધી કે છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ. ડિવોર્સ પાછળનાં પરિબળોની વાત કરું તો પહેલાં બધા સંયુક્ત પરિવારમાં રહેતા અને હવે વિભક્ત પરિવારો છે. વિભક્ત પરિવારમાં વડીલ કે પિતાતુલ્ય કોઈ વ્યક્તિ રહી જ નથી કે તે સમજાવે. તમને વિશ્વાસ નહીં આવે કે પણ ઘણીવાર તો ડિવોર્સનાં કારણો એ હદે સામાન્ય હોય છે કે વાત ના પૂછો. કપલ વચ્ચે કંઈ રેસ્ટોરાંમાં જમવા જવું છે, વેકેશનમાં ક્યાં ફરવા જવું છે, બાળકનો ઉછેર કેવી રીતે કરવો, જનરલ લાઇફસ્ટાઇલ કેવી રીતે જીવવી, કેટલા વાગ્યે ઊઠવું ને સૂવું, શું જોબ કરવી, કયા સિટીમાં રહેવું જેવી બાબતોમાં મતભેદ થતા હોય છે. આ નાની બાબતો પતિ-પત્ની વચ્ચે ટકરાવની શરૂઆત થાય પછી બંને વચ્ચેના મતભેદો ક્યારે મનભેદ સુધી પહોંચી જાય તે ખ્યાલ જ નથી રહેતો ને અંતે વાત ડિવોર્સ પર આવીને ઊભી રહે છે.'
'સમજણનો અભાવ સૌથી મોટી સમસ્યા' એડવોકેટ અલ્પા જોગી પણ સ્વીકારે છે, 'આજકાલ બધામાં સહનશક્તિ ને સમજણ ઓછી છે. બંને પક્ષે સમજણનો અભાવ હોય ત્યારે જ આવી નજીવી બાબતોમાં ડિવોર્સ થાય. અન્ય એક કિસ્સાની વાત કરું તો સાસરું એકદમ ટિપિકલ હતું. દીકરાના લગ્ન થયા ને ઘરમાં વહુ આવી. વહુ પર જૂના જમાનાના દરેક નિયમો લાદી દેવામાં આવ્યા. વહુ વર્કિંગ હતી એટલે ઘરનાં તમામ કામો જાતે કરીને ઑફિસ જઈ શકે નહીં. તેણે ઘરકામ માટે કોઈને બોલાવવાની વાત કરી તો એવું કહેવામાં આવ્યું કે તે જોબ કરે છે એટલે ઘરમાં પૈસાનો પાવર બતાવવો છે. ઘરમાં દેરાણી-જેઠાણી બંને હોય છે અને કામને કારણે ઝઘડા થવા લાગ્યા. અંતે પરસ્પર સંમતિથી બંને અલગ થયાં. આજકાલ રાઈનો પર્વત બનાવીને રજૂ કરવાની વૃત્તિ વધી ગઈ છે.'
'ફેમિલીમાં લગ્નપ્રસંગ છે, એ પતે પછી ડિવોર્સ લઇશું' એડવોકેટ અલ્પા જોગી આ પાછળનાં કારણો આપતાં કહે છે, 'પહેલાં વડીલો સમજાવતા અને પતિ-પત્ની સમજી જતાં. હવે બંને આર્થિક રીતે પગભર છે. પત્નીને એવું છે કે હું આટલું કમાઉં છું તો કેમ સામેની વ્યક્તિનું સહન કરું? પહેલાં જતું કરવાની ભાવના જોવા મળતી, પણ હવે નથી. એવું નથી કે ઝઘડા હાલના સમયે જ થાય છે. જૂના સમયમાં પણ સાસુ-વહુ ને પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો થતા જ હતા, પરંતુ ત્યારે પડ્યું પાનું નિભાવી લેવાની ભાવના ને સમાધાનથી જીવન પસાર કરવાની વૃત્તિ હતી. હું અહીં સ્પષ્ટતા કરીશ કે કોઈ તમને મરજી વિરુદ્ધ કોઈ સંબંધમાં રહેવાનું કહેતું જ નથી, પરંતુ સાવ નજીવી બાબતો પર તો ડિવોર્સ ના જ લઈ શકાય. આજકાલનાં તો પેરેન્ટ્સ પણ સંતાનોને સમજવવા તૈયાર નથી.'

આ મુદ્દે સિનિયર એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજના સમયે પેરેન્ટ્સ પોતાનું સંતાન ખોટું છે એ વાત સ્વીકારવા તૈયાર નથી. ઘણા કિસ્સામાં પેરેન્ટ્સ સંતાનોને સમજાવે તો ડિવોર્સની શક્યતા ઘટી જાય છે. સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સંતાનોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પેરેન્ટ્સ અંદરોઅંદર ઝઘડી પડે છે. થોડા સમય પહેલાં જ એક કિસ્સો આવ્યો હતો, જેમાં કપલને ત્રણ બાળકો છે. વાઇફ બેથી ત્રણવાર પિયર રિસાઈને જતાં રહ્યાં. પરિવાર એકદમ વેલ સેટલ્ડ છે. પતિ ઈચ્છે છે કે સંમતિથી અલગ થઈએ. પત્ની માટે ભરણપોષણ મુદ્દો મુખ્ય છે. આ ઉપરાંત દિવાળી આવે છે અને બે મહિના બાદ કુટુંબમાં લગ્ન છે તો પત્નીને એવું છે કે અમારું ખરાબ ના દેખાય એટલે ડિવોર્સ અંગે પછીથી વાત કરવાનો આગ્રહ રાખે છે. લોકો આવું પણ કરતા હોય છે. આ સંજોગોમાં પરિવારમાં લગ્ન છે તો સાથે રહેવાથી મનમેળ બેસી જાય તો બની શકે કે તેઓ ડિવોર્સ ફાઇલ ના કરે.'
તો વળી એડવોકેટ લાખિયાના મતે, પહેલાંના સમયમાં પણ ઝઘડા થતા જ હતા, પરંતુ એ ઘરની બહાર નહોતા આવતા. આજકાલ આવું નથી. હું તો એટલું જ કહીશ કે કપલ જ્યારે ડિવોર્સ માટે આવે છે અને તેમને બાળક છે તો તેમણે તેનું ખાસ વિચારવું જોઈએ. આપણે ત્યાં ઘણા કિસ્સામાં બાળક માતા પાસે જ રહેતું હોય છે. આપણા દેશમાં માતૃભાષા જેવો શબ્દ છે, પિતૃભાષા ક્યારેય બોલાતું નથી. કોર્ટ પણ બાળકના હિતનો વિચાર કરીને નિર્ણય લેતી હોય છે.
'ઘણીવાર પેરેન્ટ્સને ખુશ કરવા પણ ડિવોર્સ થાય છે' સિનિયર એડવોકેટ નેહુલ દવે પણ માને છે, આ સમજણની વાત છે. પતિ કે પત્ની થોડો સમય પણ શાંતિથી બેસીને આ મુદ્દે વાત કરે તો આરામથી ઉકેલ મળી જાય, પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે કે કપલને તેમનાં પેરેન્ટ્સ સતત એકબીજા વિરુદ્ધ ઉશ્કેરે છે. પતિ-પત્ની વચ્ચે લાગણીના સંબંધો તૂટી ગયા હોય છે એટલે તેઓ પેરેન્ટ્સને જ સાચાં માને છે. બીજી એક વાત કહું તો દુનિયાની દરેક વ્યક્તિ સામેની વ્યક્તિમાં એક સિક્યોરિટી શોધે છે અને તેની સાથે એટેચ્ડ થાય છે. હવે આ એટેચમેન્ટ ના હોવાથી કપલ પેરેન્ટ્સ સાથે વધુ પડતા ક્લોઝ થાય છે અને મોટાભાગે પેરેન્ટ્સ બંનેને ભેગાં કરવાને બદલે અલગ કરે છે. હવે કપલ પેરેન્ટ્સને ખુશ કરવા ડિવોર્સ લે છે અને પછી એવું વિચારે છે કે તે બીજાં લગ્ન કરશે ત્યારે પેરેન્ટ્સ બધાં સાથે મળીને ખુશ રહી શકશે. અલબત્ત, આવું ભાગ્યે જ થતું હોય છે. '
'સાસુ-સસરાને વહુ સાથે ન ફાવ્યું એટલે દીકરાના ડિવોર્સ કરાવ્યા' વધુમાં એડવોકેટ નેહુલ દવે કહે છે, 'આટલાં વર્ષોના અનુભવ પરથી હું એ તારણ કાઢી શક્યો કે પતિ કે પત્નીને વ્યવસ્થિત સમજણ આપવામાં આવે ને પેરેન્ટ્સ એવું કહે કે અમે અમારું જીવન જીવી લીધું છે, હવે તમારે તમારું જીવન જીવવાનું છે. પેરેન્ટ્સ સંતાનોની ખોટી વાતોમાં સપોર્ટ કરવાને બદલે લગ્નજીવનને બચાવવાનો પ્રયાસ કરે તો ડિવોર્સનું પ્રમાણ ઘટી શકે છે. હું તો એમ કહીશ કે પતિ-પત્ની ફેમિલી કાઉન્સેલિંગ, મેરેજ કાઉન્સેલિંગ થેરપી, સાઇકોલોજિસ્ટ પાસે જાય. પતિ-પત્ની અહમ્ છોડશે તો ઘર તૂટતું બચી જશે.'

અન્ય એક કિસ્સાની વાત કરતાં એડવોકેટ નેહુલ દવે જણાવે છે, 'મારા એક મિત્રે પહેલાં લગ્ન કર્યા. નવી વહુ ઘરમાં આવી, પરંતુ સાસુ-સસરાને ફાવ્યું નહીં તો તેમણે એકના એક દીકરાને એમ કહ્યું કે આ તો આપણા ઘરમાં સેટ જ નહીં થાય. દીકરાએ ડિવોર્સ આપ્યા. પછી બીજાં લગ્ન કર્યાં. આ વખતે પણ પેરેન્ટ્સે એમ જ કહ્યું કે આ તો આપણા ઘરનાં રીત-રિવાજો, રીત-ભાત પ્રમાણે ચાલશે નહીં. ઘરનાં નીતિ-નિયમો માનતી નથી. અમે જે કહીએ તેવું કરતી જ નથી. તે પોતાનું ધાર્યું કરે છે. આવું આપણા ઘરમાં ચાલશે નહીં એટલે ડિવોર્સ આપી દે. દીકરાએ ફરી મા-બાપની વાત માનીને બીજી પત્નીને પણ ડિવોર્સ આપી દીધા. દીકરાએ ત્રીજાં લગ્ન તો કરી નાખ્યાં, પરંતુ આ વખતે તેણે પેરેન્ટ્સથી અલગ રહેવાનું નક્કી કર્યું એટલે ત્રીજું લગ્નજીવન ટકી ગયું. ઘણા કિસ્સામાં મેં પતિ-પત્નીને સમજાવ્યાં અને તેઓ પછી પેરેન્ટ્સથી અલગ થઈને પોતાનું નવું જીવન શરૂ કરે છે. કહેવાનો અર્થ એટલો જ કે પેરેન્ટ્સે પણ વધુ પડતી દખલગીરી કરવાની હોય નહીં. મારા મતે તો ડિવોર્સ લેવાનાં કોઈ કારણો હોતા જ નથી, હું સ્પષ્ટ માનું છું કે તે ઊભાં કરવામાં આવે છે.'
'મોડા ઊઠવા, ક્રિકેટ જોવા કે ફરવા ન લઈ જવા મુદ્દે પણ છૂટાછેડા થાય છે' સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ કહ્યું, 'લગ્નજીવનની સાચી હકીકત ક્યારેય ઘરના ઉંબરાની બહાર આવતી નથી. છોકરા-છોકરી લગ્ન માટે જ્યારે મળતાં હોય છે ત્યારે એકબીજાને સવાલ કરતાં હોય છે અને બંનેને ખ્યાલ હોય છે કે કોણ શું કરશે. હવે લગ્ન થાય છે. કામવાળો ના આવે કે રસોઈયો ના આવે એટલે તરત જ પત્ની જમવાનું બનાવવાની કે કામ કરવાની પાડી દે છે. આ મુદ્દે પછી ઘરમાં ઝઘડા થાય. પત્નીની હંમેશાં ફરિયાદ હોય છે કે પતિ તો ક્યાંય બહાર ફરવા નથી લઈ જતો. સાચું કહું તો ઘણીવાર તો પતિ-પત્નીને ખ્યાલ જ નહીં હોતો કે બંનેની લાઇકિંગ શું છે ને એમને કઈ દિશામાં આગળ વધવું છે. લગ્નજીવનમાં જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે જોડાય છે ત્યારે બંનેએ એકબીજાને સમજીને આગળ વધવાનું છે. તમે નહીં માનો, બેડરૂમમાં એવા મુદ્દે ઝઘડા થાય કે એક વહેલું સૂએ છે તો બીજું મોડું ઊઠે છે. એકને ટીવી જોવાનો શોખ છે તો અવાજ વધારે રાખે છે. કેટલાકને ક્રિકેટ મેચ જ જોવી છે. આ બધી અલગ-અલગ બાબતોને આજની જનરેશન એવું માને છે કે અમે બંને અલગ છીએ એટલે અમે સાથે ના રહી શકીએ. આનો રસ્તો કાઢવો સરળ છે, પરંતુ કોઈને કાઢવો નથી.'
'વડીલોની મધ્યસ્થતામાં વાત કરીને ઉકેલ મેળવો' એડવોકેટ ડૉ. અભીષ્ટ કહે છે, 'જ્યારે સાવ નાની બાબતો લઈને ક્લાયન્ટ્સ ડિવોર્સ માટે આવે ત્યારે અમને સિરિયસલી શોક લાગે કે આ તો બહુ ઇઝલી સોલ્વ થઈ શકે તેમ છે. જોકે, એક વાતમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી નીકળે છે… ને પછી તો સંબંધ બચાવવા શક્ય જ રહેતા નથી. આવી નાની નાની બાબતો અંગે વડીલો સમજાવે તો ડિવોર્સ થવાની શક્યતા ઘટી જાય છે. '

'આજની પેઢીને થોડું પણ સહન કરવું નથી' અન્ય કારણો અંગે એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'પતિ-પત્ની એકબીજાની લાગણી સમજવા તૈયાર નથી. જીવનમાં દરેક સમય સરખો ના હોય. ક્યારેક અપ્સ-ડાઉન હોય. આજની પેઢી યુઝ એન્ડ થ્રોમાં માને છે. નથી બનતું તો સીધી જ વાત ડિવોર્સ પર આવે છે. પત્નીમાં એક એવી ભાવના આવવા માંડી છે કે હું આર્થિક રીતે સક્ષમ છું તો મારે તારી ગરજ કે જરૂર નથી. હું કેમ તારી ગુલામી સહન કરું. વાત તો ગુલામીની હોતી જ નથી. તેઓ એક ક્ષણ માટે પણ વિચારતા નથી કે બીજું પાત્ર સારું મળશે કે નહીં અને તેમાં કેટલો સમય જશે, ત્યાં પણ તમારે કંઈક તો ઉપર-નીચે હશે તો હાલમાં જે સંબંધ છે તેને થોડો ટાઇમ આપીને સમજણ દાખવીને કેમ બચાવી ના શકાય. પેરેન્ટ્સ તો આખી જિંદગી રહેવાનાં નથી. આ વાત આજની પેઢીએ સમજવી જ નથી. આજકાલનાં સંતાનો તો પેરેન્ટ્સનું પણ માનતાં નથી. જો તેઓ સમજાવે તો સમજવા તૈયાર જ નથી. મેચ્યોરિટી ઓછી છે કે પછી તેઓ આર્થિક સક્ષમ હોવાથી સહેજ પણ નમતું જોખવા તૈયાર નથી. એમ કહેવું પણ ખોટું નથી કે આજની પેઢીમાં અમેરિકન કે વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ ગયું છે કે આજમાં જીવો, ભવિષ્યની ચિંતા કેમ કરવી. છોકરીઓ ઘણીવાર પૈસાનો પાવર બતાવે છે તો સાસુને પોતાની રૂઢિઓ પ્રમાણે જીવવું છે, જે અંતે ઝઘડામાં પરિણમે છે.'
'આજની જનરેશનને સમસ્યા કોને કહેવાય તે ખ્યાલ જ નથી' એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'ઘણીવાર તો કપલ અમારી પાસે આવે ત્યારે એમ કહે કે હું બેઠો હતો ને પત્નીએ પાણી ના આપ્યું. પત્ની કહે, મારાં પેરેન્ટ્સ આવ્યાં ત્યારે તું પગે ના લાગ્યો. તું તેમને માન-સન્માન નથી આપતો. આ બહુ સામાન્ય બાબત છે. આપણે લગ્નને એક સંસ્કાર તરીકે જોઈએ છીએ. કોર્ટ પણ બને ત્યાં સુધી લગ્ન ટકી રહે તેવા પ્રયાસો કરતી હોય છે.' તો એડવોકેટ અલ્પા જોગી કહે છે, સાચું કહું તો ઘણીવાર એવી નજીવી બાબતો હોય છે કે મારે તેમને કહેવું પડે કે તમને વાસ્તવમાં ખ્યાલ છે કે સમસ્યા કોને કહેવાય? પતિ કમાતો ના હોય, પતિ દારૂ પીને મારતો હોય, ઘરની કોઈ જવાબદારી લેતો ના હોય, ઘરમાં પૈસા આપતો ના હોય. ખાવા ના આપે...આમાંથી કોઈ સમસ્યા હોય જ નહીં. હું ઘણીવાર કપલને કહું કે તમે તમારા બંનેની 10 સમસ્યા કાગળ પર લખીને આપો. મોટેભાગે સાતથી આઠ સમસ્યા તો એમ જ ઉકેલાઈ જતી હોય હોય છે. બે-ત્રણ સમસ્યા થોડી સમજણ ને એડજસ્ટમેન્ટથી સોલ્વ કરવાની હોય છે અને લગ્નજીવન બચી જાય છે. પત્નીની સમસ્યા એક જ હોય છે કે પતિ મારું કહ્યું કરતો નથી તે તો તેની માતાની સાઇડ લે છે. પતિ પત્નીનું માને તો ‘જોરુ કા ગુલામ’ ને માતાનું માને તો ‘માવડિયો’. પતિની સ્થિતિ દયનીય બની જતી હોય છે. જોકે, આ સમયે સાસુ ને વહુ બંનેએ પોતાની મમત છોડવી પડે. જો સાસુ ને વહુ થોડું ઉપર-નીચે ચલાવતાં શીખી જશે તો પાંચેક વર્ષમાં જ બંને વચ્ચે સારું બોન્ડિંગ થઈ જશે. અલબત્ત, આજકાલ તો કોઈને લગ્નજીવનમાં સમય જ આપવો નથી. બે-પાંચ મહિનામાં જ મનનું ધાર્યું ના થાય એટલે પતિ કે પત્ની તરત જ અલગ થવાની વાત કરવા લાગે છે. '
'જીવનનો મહત્ત્વનો સમય કોર્ટ કેસમાં જતો રહે છે' સુરતનાં એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા જણાવે છે, 'આજકાલ ખબર નહીં સહનશક્તિ ને સમજણ જેવું કંઈ જ જોવા મળતું નથી. સમજણ તો ખબર નહીં આજકાલ ક્યાં જતી રહી એ જ ખ્યાલ નથી આવતો. હવે કપલ આ સમજતાં નથી અને પછી વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે અને બંને અલગ થાય જ છે. મનમાં નાની-નાની વાતોને ભેગી કરતા જાય છે અને પછી તે એટલો મોટો પર્વત બને છે કે લગ્નનાં બે કે ત્રણ વર્ષમાં અલગ થઈ જાય છે. ડિવોર્સ કેસમાં મોટાભાગના યુગલોનાં લગ્નને એકથી પાંચ વર્ષનો સમય થયો હોય છે. આ સમયગાળો તો એકબીજાને સમજવાનો ને બોન્ડિંગ વધારવાનો છે, પરંતુ તેઓ જીવનના આ મહત્ત્વના સમયે જ ડિવોર્સ માટે કેસ લડી રહ્યાં હોય છે.'
'પતિએ મોડું આવવાનું કહેતાં જ પત્ની બેફામ ગાળો બોલવા લાગી' અલ્પા જોગી એક આંચકાજનક કેસ અંગે વાત કરતાં કહે છે, 'તમને જાણીને આશ્ચર્ય થશે કે માંડ 26-27 વર્ષનું કપલ હતું. પત્નીના પિયરમાં કંઈક જમવાનો પ્રોગ્રામ હશે તો સાંજે સાત વાગ્યે જવાનું હતું. પતિએ એવું કહ્યું કે ઑફિસમાં કામ છે તો તે સાડાઆઠ વાગ્યે આવશે. આટલું જ કહેતાં પત્ની બેફામ ગાળો બોલવા લાગી. વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ. કોર્ટમાં પત્ની બેફામ ગાળો બોલતી હોય તેવા રેકોર્ડિંગ પુરાવા તરીકે આપ્યા અને પછી ડિવોર્સ થયા. હવે તમે જ નક્કી કરો કે આ ડિવોર્સ લેવા જેવી બાબત હતી? પતિની કોર્પોરેટ જોબ છે તો સાતને બદલે સાડા ઠે જમવા જાય તો શું ખાટું-મોળું થઈ જવાનું છે? પત્નીએ પણ વિચારવું પડે કે જોબમાં આજકાલ પ્રેશર-સ્ટ્રેસ ને કામનું ભારણ વધી ગયું છે તો વહેલું-મોડું થાય. જોકે પત્નીની એક જ જીદ હતી કે તે સાત વાગ્યે કેમ ના આવે અને પછી તો નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. ડિવોર્સ કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ફેમિલી કોર્ટમાં સવારે 11 વાગ્યે એટલી ભીડ હોય કે એમ થઈ જાય કે આ કઈ જગ્યાએ આવી ગયા?'

'નાની વાતો જ્વાળામુખી બનીને ફાટે છે' નાની બાબતોને કારણે ડિવોર્સ લેવાના કારણો અંગે એડવોકેટ મિહિર લાખિયા પણ માને છે કે લોકોમાં સહનશક્તિ નથી. દેખાદેખી વધી ગઈ છે. ક્યાંક બહાર ગયા ને કોઈક પતિ કે પત્નીએ પોતાના લાઇફ પાર્ટનર માટે સારું કર્યું તો પછી બીજા કપલ આ જોઈને ઘરમાં ઝઘડો કરે. હવે નાની નાની વાતો એટલી ભેગી થાય કે પછી એમ લાગે કે હવે સાથે નહીં રહી શકાય એટલે ડિવોર્સ લઈએ. હું માનું છું કે કોર્ટ તથા સરકાર મારફતે સાયકિયાટ્રિસ્ટ તથા સાયકોલોજિસ્ટ હોય એવું એક સેન્ટર બનાવવું. કોર્ટમાં મીડિએશન સેન્ટર છે, પરંતુ તેમાં હજી વધારે કામ કરવાની જરૂર છે. આ સેન્ટર થેરપીથી લોકોને સમજાવવાનું કામ કરે. કોર્ટને લાગે તો મીડિએશન સેન્ટરમાં કપલને મોકલતી હોય છે. ઘણીવાર કોર્ટમાં જજ પોતાની ચેમ્બરમાં બોલાવીને કપલ સાથે વાત કરે છે, પરંતુ આમાં સમય આપવો પડે. કોર્ટ પાસે કામનું ભારણ જ એટલું છે કે તે આ બધું કરી શકે નહીં. આ જ વાતમાં સૂર પૂરાવતાં એડવોકેટ શિવાની ચાહવાલા કહે છે, 'નાની બાબતો જ્યારે મનમાં ઘર કરી જાય છે પછી તે ગમે ત્યારે જ્વાળામુખી બનીને ફાટે છે. ખરી રીતે તો ઇન્ટરફિયર જેવું કંઈ જ આવતું નથી. પછી પત્નીએ ભૂતકાળની સાવ નાની વાતો યાદ કરીને એકબીજા સાથે કનેક્ટ કરી દીધી. તેની એક જ વાત હતી કે સાસુ અમને ઇરાદાપૂર્વક એક થવા દેતી નથી. ઘણા કિસ્સામાં સાસરિયાંનો કોઈ જ વાંક હોતો નથી અને પત્નીની સમજણ ઓછી હોય છે. ઘણા કિસ્સામાં સાસુ-સસરા ને પતિનો વાંક હોય છે. તેઓ પત્નીને એક કમ્ફર્ટ ઝોન પણ આપતાં નથી.'
'જીવનમાં એડજસ્ટમેન્ટ જરૂરી છે' એડવોકેટ લાખિયા છેલ્લે યંગ જનરેશનને સલાહ આપતાં કહે છે, 'સહનશક્તિ વધારો. દેખાદેખી ના કરો. સમાજ- ફેમિલી વેલ્યૂને ધ્યાનમાં રાખો તથા બાળકોનું ખાસ વિચારો. એક વાત કહીશ કે કોઈ પણ વ્યક્તિ પર્ફેક્ટ નથી. જો કોઈ એમ કહેતું હોય કે હું બધી જ રીતે સક્ષમ ને વ્યવસ્થિત છું તો આ વાત જ ખોટી છે. ઇસ્યુ બનાવવા કરતાં એ ઇસ્યુને સમજવાનો પ્રયાસ કરો. ઇસ્યુ તો દરેકની લાઇફમાં હોય જ છે અને દરેકના ઘરમાં ઝઘડા પણ થતા હોય છે. લગ્ન બાદ મહિલા કે પુરુષે એકબીજા સાથે એડજસ્ટ થવાનું છે. એકબીજાના પ્રોફેશનને સમજીને સપોર્ટ કરવાનો છે. ખાસ કરીને સ્ટ્રેસ લેવલ તથા મેન્ટલ કન્ડિશન સ્ટેબલ રાખવાની જરૂર છે. ઓફિસનો ગુસ્સો ઘરમાં કાઢી ના શકાય ને ઘરની કચકચને ઓફિસમાં લઈ ના જવાય આ બંનેને કેવી રીતે અલગ રાખવા તે આપણે જાતે જ શીખવાનું છે. લક્ષ્મણ રેખા આપણે જાતે જ દોરવાની છે. બીજા આપણને સમજાવે ને આપણે કરીએ તો તેનાથી કંઈ ખાસ ફાયદો થશે નહીં. એકબીજાની પસંદ, નાપસંદનો ખ્યાલ રાખવાનો. લગ્નના શરૂઆતમાં પાર્ટી કરી શકાય, પરંતુ બાળકના જન્મ બાદ પાર્ટી કરવી મુશ્કેલ છે તો આ વાત સમજવાની હોય. આ મુદ્દે ઝઘડો કરવાનો ના હોય તમારી ઉંમર વધે તે રીતે સંયુક્તમાં પરિવારમાં રહેતા હો કે ના રહેતા હો પણ પેરેન્ટ્સની ઉંમર વધે છે અને તેમને સ્વાસ્થ્યની નાની-મોટી તકલીફો આવે છે તો તેમની સંભાળ લેવાની હોય. આ વાત કોઈ સમજાવે નહીં અને આ વાતને કારણે ઝઘડવાનું ના હોય.'

'Zen-G લગ્નજીવનને બીજી તક આપવા તૈયાર જ નથી' સિનિયર એડવોકેટ નેહુલ દેવે કહે છે, 'Zen-Gની વાત કરીએ તો એમાં હવે કોર્પોરેટ કલ્ચર જોવા મળે છે. આ પેઢી કોર્પોરેટ લાઇફમાં એટલે કે જોબમાં વધારે બિઝી છે. આ જ કારણે આ પેઢીનાં યુગલ એકબીજાને બહુ જ ઓછો ટાઇમ આપે છે. કોર્પોરેટ જોબ હોય એટલે સવારે નવ વાગ્યે નીકળે ને રાત્રે નવ વાગ્યે ઘરે આવે. માંડ શનિ-રવિ એકબીજાને મળતાં હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ સંબંધો રાખી શકતા નથી. આ દરમિયાન જો બાળક થઈ ગયું તો તેને સાથે મળીને મોટું કરી શકતાં નથી અને તેમાં ઝઘડા વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પતિ કે પત્ની સમાધાન કરવાના મૂડમાં હોતાં નથી. પતિ-પત્ની બંને આર્થિક રીતે પગભર હોય એટલે પત્ની તરત જ એમ કહે છે કે બાળકની આર્થિક જવાબદારી તારી પણ છે અને તું પૈસા આપીશ તો ઠીક છે, નહીંતર હું કોર્ટમાંથી લઈ લઈશ. Zen-G એવું માને છે કે મારાં પેરેન્ટ્સે જે સહન કર્યું એ અમે તો નહીં જ કરીએ. જો પતિ એમ કહે કે તારે મારી શરતો પ્રમાણે કે મારા કહ્યા પ્રમાણે જીવવું પડશે અને પત્ની ના પાડે એટલે તરત જ બ્રેકઅપ કરે છે. તેઓ લગ્નજીવનને બીજી તક આપવા તૈયાર નથી. તેઓ સીધું એમ જ કહી દે છે કે નથી ફાવતું તો પરિવારને જાણ કર્યા વગર સીધા ફેમિલી કોર્ટમાં જશે અથવા તો કોઈક ને કોઈક કેસ કરી બેસશે. કોર્ટમાં જ્યારે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે પણ ત્યાં સુધી એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે સામેનું પાત્ર સ્વીકારવા તૈયાર જ ના થાય. હું અંગત રીતે આ પેઢીને એ જ સલાહ આપીશ કે કોઈ ઇશ્યૂ ઊભા થાય તો સીધા કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં જવાને બદલે પરિવારને ભેગા કરો, મીડિયેટર તરીકે કોઈને બોલાવો અને પછી ચર્ચા કરો.' 'આજે માત્ર પોતાનું જ જોવામાં આવે છે'
આ મુદ્દે સાઇકોલોજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણીએ વાત કરતાં કહ્યું હતું, 'સાવ નાનાં-નાનાં કારણોથી ડિવોર્સ થવાનું એકમાત્ર કારણ આજકાલ લોકોની સહનશક્તિ ઘટી ગઈ છે. આજકાલ માત્ર પોતાનું જ જોવામાં આવે છે. આઇ, મી ને માયસેલ્ફ. મારે મારું જ જોવાનું ને બીજા કોઈનું કંઈ જ નહીં. પહેલાં પરિવાર ને સમાજની વાતો થતી, પરંતુ હવે માત્ર ને માત્ર મારી જ વાત એ પ્રકારનો આગ્રહ રાખવામાં આવે છે. સમાજમાં આવો ફેરફાર આવતાં ઝઘડાનું પ્રમાણ વધ્યું છે અને તેમાંય નાની નાની વાતો ઘણીવાર ડિવોર્સ લેવા સુધી પહોંચી જાય છે. સામાન્ય ઝઘડામાં ઇગો કે અહંકારની વાત આવે છે. આ જ કારણે લોકો છૂટા પડી જાય છે.'
(આવતીકાલે 'છૂટાછેડા' સિરીઝના ત્રીજા એપિસોડમાં વાંચો, આજકાલ અમદાવાદ-સુરતમાં હાઇ સોસાયટીમાં પતિની નજર સામે પત્ની અન્ય વ્યક્તિ સાથે રિલેશન માણે છે, તે વ્યક્તિ રૂમની બહાર જાય એટલે પતિ-પત્ની ફિઝિકલ રિલેશન માણે છે.. કેમ આ ટ્રેન્ડ વધી રહ્યો છે...)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















