- Gujarati News
- Bhaskar khaas
- Startup stories
- Gujarat Connplex Cinema Startup Stories Founder Rahul Dhyani Anish Patel
સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-3રાજ્યની એકમાત્ર સિનેમા ચેઇન Connplex:9 રાજ્યમાં 96 સ્ક્રીન ને વર્ષે ₹125 કરોડનો બિઝનેસ; ફાઉન્ડર્સ કહે, ‘અમારે ત્યાં બધી જ સીટો રિક્લાઇનર છે’
- કૉપી લિંક

‘અમારે એવું સિનેમા બનાવવું હતું જે બહુ જ લક્ઝરી હોય, ક્વોલિટી ક્રાઉડ હોય પણ ઓવરક્રાઉડેડ ન હોય. અમારો વિચાર હતો કે, 150-200 રૂપિયા આપીને પણ ટટ્ટાર ન બેસી રહેવું પડે, એટલે અમે બધી જ રિક્લાઇનર સીટ્સ (સોફાવાળી પગ લાંબા કરીને સૂઈ શકો એવી સીટ) જ રાખી. જેથી
આ શબ્દો છે, રાહુલભાઈ ધ્યાનીના… રાહુલભાઈ એટલે આપણાં ગુજરાતની એક માત્ર સિનેમાચેઇન ‘કોનપ્લેક્સ’ના કો-ફાઉન્ડર. વર્ષોથી ફિલ્મ માર્કેટિંગ સાથે જોડાયેલા રાહુલભાઈએ મિત્ર અનિષ પટેલ સાથે મળી 2019માં સિનેમાનો બિઝનેસ શરૂ કર્યો. કોનપ્લેક્સ સિનેમા એટલે સોફાવાળી સીટ આપતાં થિયેટર તરીકે ફેમસ થયેલી ગુજરાતની પોતીકી થિયેટર ચેઇન. PVR જેમ દિલ્હીની ઓળખ છે, આઈનોક્સ મુંબઈની ઓળખ છે, મિરાજ રાજસ્થાનની છે, એ રીતે ગુજરાતની થિયેટર ચેઇન એટલે ‘કોનપ્લેક્સ’ (Connplex). પાંચથી છ વર્ષમાં જ અત્યારે કોનપ્લેક્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપની બની ચૂકી છે. પરંતુ થિયેટર કામ કેવી રીતે કરે? ઓપન કેવી રીતે થાય? તમારે થિયેટર ઓપન કરવું હોય તો? થિયેટરનો બિઝનેસ કેમ કરાય? એ બધી જ વાતો આજે આપણે જાણીશું ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના ત્રીજા એપીસોડમાં. તો ચલો, મસ્ત કન્ફર્ટેબલ સીટ પર રાહુલભાઈ અને એમના કોનપ્લેક્સનું મૂવી જોઈએ… લાઇટ… કેમેરા… એક્શન…

‘હું પાક્કો અમદાવાદી જ છું, મારો જન્મ પણ અહીં જ થયો છે અને હું મોટો પણ અહીં જ થયો છું.’ રાહુલભાઈએ વાતની શરૂઆત કરી, ‘મારા પપ્પા રાજપથ ક્લબના ઈવેન્ટ મેનેજર હતા અને સાથે અમદાવાદની બીજી પણ ઘણી ઈવેન્ટ હેન્ડલ કરતા. મારાં મમ્મી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર હતાં. મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે ને બાદમાં ITનો કોર્સ કરવા હું ન્યૂ ઝીલેન્ડ ગયો હતો. માસ્ટર્સ પૂરું કરી ફરી અમદાવાદ આવી ગયો ને, અહીં પપ્પાનો બિઝનેસ જોઇન કર્યો. પપ્પા સાથે થોડાં વર્ષ કામ કર્યું ત્યાં મને બૉલિવૂડમાંથી એક ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગનો ચાન્સ મળ્યો.’

રાહુલભાઈ આગળ કહે, ‘2009માં ‘દે દના દન’ મૂવી માટે અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી સાથે મળી ગુજરાતમાં માર્કેટિંગ કર્યું ને એની સક્સેસ પછી તો ઘણી ફિલ્મો મળી. એ પછી મુંબઈ ગયો અને ધર્મા પ્રોડક્શનથી લઈ યશરાજ, એક્સેલ સુધીના મોટાં મોટાં પ્રોડક્શન હાઉસની ‘ઝિંદગી ન મિલેગી દોબારા’, ‘રા-વન’, ‘ડોન-2’ જેવી નહીં નહિ તો પણ દોઢસોથી વધુ બોલિવૂડની ફિલ્મોનું પ્રમોશન હેન્ડલ કર્યું. ફક્ત ઈન્ડિયા પૂરતું જ નહીં, ઘણી ફિલ્મોને તો ઇન્ટરનેશનલ લેવલે પણ પ્રમોટ કરી છે. 2015માં મારા મિત્રોએ ‘છેલ્લો દિવસ’ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી. તો એમના આગ્રહથી એ ફિલ્મના માર્કેટિંગ માટે મારે ફરી અમદાવાદ આવવું પડ્યું. એ પછી પણ ફિલ્મ પ્રમોશન ચાલુ રહ્યું ને મારા પોર્ટફોલિયો મુજબ અઢીસોથી વધુ ફિલ્મોને મેં પ્રમોટ કરી.’

140 કરોડની વસ્તી ને ₹100 કરોડનો જ બિઝનેસ? બહોત ના ઇન્સાફી હૈ!
ફિલ્મોનાં પ્રમોશનમાં આટલું સારું કરિયર ચાલતું હતું તો થિયેટર લાઇનમાં કેવી રીતે આવ્યા? રાહુલભાઈ કહે, ‘મારા માર્કેટિંગ અને પ્રમોશનના કામ વચ્ચે 2017માં એક ફિલ્મ આવી, જેને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુટ કરવા હું USA ગયો હતો. તો ત્યાં મેં જોયું કે, અહીં તો 12-14 સ્ક્રીનનાં એક એક થિયેટર છે. એ ટાઈમે મેં ત્યાં જોયું કે, 33 કરોડની વસ્તીમાં એ લોકો પાંચ હજાર કરોડનો બિઝનેસ કરતા. તેની સામે આપણા ઈન્ડિયામાં 140 કરોડની વસ્તી અને આપણે ફક્ત ₹100 કરોડનો જ બિઝનેસ કરીએ. મને કયુરોસિટી થઈ કે ઈન્ડિયામાં શું કરીએ તો આટલો બધો બિઝનેસ થાય?’

ભારતમાં આટલાં ઓછાં સિનેમા થિયેટર કેમ છે?
રાહુલભાઈએ વાત ચાલુ રાખી, ‘આપણાં ભારતમાં એન્ટરટેઇનમેન્ટના નામે સિનેમા સિવાય કશું છે જ નહીં, તો પણ આટલો ઓછો બિઝનેસ કેમ? આપણે શું એવું કરીએ કે અહીં સિનેમાનો બિઝનેસ આગળ વધે? મેં અને મારા મિત્ર અનિષ પટેલે મળી નક્કી કર્યું કે, ચલો આપણે કંઇક સ્માર્ટ સિનેમા જેવું ઈન્ટ્રોડ્યુસ કરીએ. અમે બહુ બધું રિસર્ચ કર્યું અને એક રિપોર્ટ તૈયાર કર્યો તો ધ્યાને પડ્યું કે, ‘અમેરિકા પાસે 40 હજારથી વધુ કોમર્શિયલ થિયેટર સ્ક્રીન છે, ચાઈના પાસે 70 હજારથી વધુ સ્ક્રીન છે. એટલે અમને એમ થયું કે, ઈન્ડિયામાં 25-30 હજાર સ્ક્રીન તો મિનિમમ હશે, પણ આંકડો કઢાવ્યો તો ખબર પડી કે, ઈન્ડિયામાં તો 10 હજાર સિનેમા સ્ક્રીન પણ નથી. પૂરી દુનિયામાં આપણે જ સૌથી વધુ મૂવી પ્રોડ્યુસ કરીએ છીએ, 14 ભાષાઓમાં ફિલ્મો બને છે, સૌથી વધુ જોઈએ છીએ, સૌથી વધુ વસ્તી છે, છતાં સ્ક્રીન સૌથી ઓછી કેમ?’

‘કોરોના પણ અમારું કંઈ બગાડી ન શક્યો’
બસ આ જ આંકડાઓની માયાજાળે ‘કોનપ્લેક્સ’ સિનેમાનો ઉદ્ભવ કરાવ્યો. રાહુલભાઈએ વાત ચાલુ કરી, ‘અમે નક્કી કર્યું અને અમારે એવું સિનેમા બનાવવું હતું જે બહુ જ લક્ઝરી હોય, ક્વોલિટી ક્રાઉડ હોય પણ ઓવરક્રાઉડેડ ન હોય. અમારો વિચાર હતો કે, 150-200 રૂપિયા આપીને પણ ટટ્ટાર ન બેસી રહેવું પડે, એટલે અમે બધી જ રિક્લાઇનર સીટ્સ (સોફાવાળી પગ લાંબા કરીને સૂઈ શકો એવી સીટ) જ રાખી. જેથી દરેક મૂવીનો બેસ્ટ એક્સપિરિયન્સ મળી શકે. હું અને અનિષ પટેલ બંને મિત્રોએ મળી 2019માં અમે સિનેમા ચેઇનની શરૂઆત કરી, પણ જેવું ચાલુ કર્યું એના ત્રણ જ મહિનામાં કોવિડ આવી ગયો. પણ અમારું કામ ચાલુ રહ્યું. જ્યારે આખી દુનિયાના સિનેમા બંધ હતા ત્યારે અમે સિનેમાની ચેન સાથે બધાને જોડતા હતા, વીડિયો કૉલથી અમારું કામ ચાલુ જ હતું અને અમે વધારે સારી રીતે બધુ બિલ્ટઅપ કરી શક્યા. ફ્રેન્ચાઇઝી મોડેલ તૈયાર કર્યું અને અત્યારે ભારતનાં 9 રાજ્યોમાં 32 લોકેશન પર 88 સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી છે.’

₹90 કરોડની સામે ₹2200 કરોડનું ફંડિંગ મળ્યું!
અત્યારે તો કોનપ્લેક્સ સિનેમા પબ્લિક લિસ્ટેડ કંપની પણ બની ગઈ છે. રાહુલભાઈ કહે, ‘2024માં અમે નક્કી કર્યું કે, અમારે આ સિનેમા ચેઇનને હજુ પણ આગળ લઈ જવી છે. જેમ PVR દિલ્હીની ઓળખાણ છે, આઈનોક્સ મુંબઈની ઓળખાણ છે, મિરાજ રાજસ્થાનથી છે, એ રીતે મારે ગુજરાતની એક થિયેટર ચેઇન ઊભી કરવી હતી. એટલે 2024થી અમે IPO માટેની તૈયારીઓ શરૂ કરી ને ઓગસ્ટ 2025માં NSE પર કોનપ્લેક્સનો IPO લોન્ચ થયો. અમારે ફક્ત ₹90-95 કરોડનું ફંડિંગ જોઈતું હતું, એની સામે લોકોએ અમને ₹2200 કરોડનું ફંડિંગ આપ્યું.’

Connplex એટલે Connect + Plex
કેટલા ટાઈમમાં આખો બિઝનેસ ઊભો થયો? રાહુલભાઈ કહે, ‘ખાલી રિસર્ચમાં અમારે બેથી ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. પણ એ બે વર્ષ મારે હું અને મારો પાર્ટનર અનિષ પટેલ 100% આની પાછળ લાગી પડ્યા હતા. અમે ત્યારે રિસર્ચ કર્યું તો ખબર પડી કે ઈન્ડિયામાં લોકો ઓછા પૈસે આરામથી ફિલ્મો જોઈ શકે તેવી સારી સિનેમા ચેઇન છે જ નહીં. US જેવા દેશોમાં (આપણા ભાવ પ્રમાણે) ₹1200થી ₹1500ની ટિકિટ મળે છે, છતાં ત્યાં આટલા બધા લોકો ફિલ્મો જોવા જાય છે. એની સામે આપણે ત્યાં ₹200-300માં જો સારી ક્વોલિટી આપીશું તો લોકો જોવા આવશે જ. પછી નામ વિચાર્યું તો અમારે લોકોને કનેક્ટ કરવા હતા, એટલે કનેક્ટનું ‘Conn’ અને ‘Plex’ એટલે એવી જગ્યા કે જ્યાં લોકો મનોરંજન માટે જતા હોય. બંનેને મિક્સ કરી ‘Connplex’ નામ રાખ્યું.’

‘કોરોનામાં લોકોએ અમારાં થિયેટરો પસંદ કર્યાં’
...પણ બિઝનેસની શરૂઆત કરવી એટલી પણ સહેલી નહોતી. કેમ કે શરૂઆતમાં જ કોરોના આવી ગયો હતો, પણ રાહુલભાઈએ એ મુશ્કેલીને પણ પગથિયું બનાવી દીધું. રાહુલભાઈ કહે, ‘જ્યારે મેં અને અનિષે કંપનીની શરૂઆત કરી ત્યારે અમારી સાથે સેલ્સ ટીમ માટે એક જ માણસ હતો. પણ શરૂ કર્યું એના ગણ્યા ગાંઠ્યા દિવસોમાં કોરોના આવી ગયો. પણ એનો ફાયદો એ થયો કે, અમને માર્કેટ સાથે રહી શીખવાનો ટાઈમ મળ્યો. અમે વધારે સારી રીતે ડેવલપ કરી શક્યા અને એક સાથે મોટા પાયે લોન્ચિંગ કર્યું. જેવો કોરોનાનો ટાઈમ પૂરો થયો, લોકોએ ક્રાઉડવાળી જગ્યાએ જવું નહોતું. સામે અમારી પાસે 70-80નું જ સિટિંગ હતું. એટલે લોકોએ અમારાં થિયેટર સિલેકટ કરવાનું શરૂ કર્યું. ઉપરથી એ ટાઈમે નિયમ હતો કે, એક સીટ છોડી એકને બેસવું, એટલે પબ્લિક ઓછું આવતું હતું તો અમને અમારી બેઠક સુધારવાનો મોકો મળ્યો.’

દેશનાં 9 રાજ્યોમાં કોનપ્લેક્સ ધૂમ મચાવે છે
કોનપ્લેક્સ અત્યારે ધૂમ મચાવે છે. એ પીક પર છે, પણ શરૂઆતમાં કેટલી અમાઉન્ટના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડી હતી? ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘2019માં જ્યારે શરૂઆત કરી ત્યારે અમે બંને પાર્ટનરે મળી લગભગ દોઢ-બે કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એની સામે અત્યારે દર વર્ષે 40 લાખથી વધુ વ્યુઅર્સને ફિલ્મો બતાવીએ છીએ. આખા દેશમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત ટોટલ 9 રાજ્યોમાં કોનપ્લેક્સ ધૂમ મચાવે છે. એમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા, ભરૂચમાં થઈ ગુજરાતની ટોટલ સારી સ્ક્રીનમાંથી 20% સ્ક્રીન અમારી પાસે છે. નહીં નહીં તો પણ 450થી વધુનો અમારો સ્ટાફ છે, જે સીધા જ અમારી સાથે જોડાયેલા છે, બાકી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા બીજા 300-350 કામ કરે છે.’

આટલા ઓછા રૂપિયામાં આટલી સારી ફેસિલિટી સાથે કામ કરો છો તો ક્યારેય કોઈએ કહ્યું હતું કે, નહીં ચાલે કે નુકસાન જશે? રાહુલભાઈ કહે, ‘ઘણા બધાએ ટોક્યા હતા, ઘણાએ ના પાડી હતી કે ન કરો, મરશો! ઘણાએ કહ્યું હતું કે, આ મોડેલ કામ જ નહીં કરે, ઘણા કહેતા કે તમે વિચારો છો એવા મલ્ટિપ્લેક્સની સક્સેસ આવતાં વર્ષો વીતી જશે. અમે 2019માં બિઝનેસ શરૂ કર્યો અને ગયા વર્ષે અમારી રેવન્યુ ₹90 કરોડની હતી. ₹19 કરોડ જેટલો પ્રોફિટ હતો, આ વખતે તો અડધા વર્ષે જ ₹64 કરોડનું ટર્નઓવર થઈ ગયું છે.’

બોલો, તમારે પણ થિયેટર સ્ટાર્ટ કરવું છે?
કોઈને કોનપ્લેક્સની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો? ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘અમારી ફ્રેન્ચાઇઝી તમે પણ લઈ શકો છો. અમે બસ થોડાં પેરામીટર સેટ કર્યાં છે. અમારી ફ્રેન્ચાઇઝી ટીમ પહેલાં ચેકલિસ્ટ પ્રમાણે એનાલિસિસ કરે છે. જેમાં એરિયાની વેલ્યૂ, પર હેડ ઇન્કમ, સ્પેન્ડિંગ કેપેસિટી કેટલી છે? ઇન્કમ કેટલી મળશે? ઇન્વેસ્ટરને કેટલા ટાઈમમાં રિટર્ન મળશે? ટિકિટ પ્રાઇઝ કેટલી ચાલે? આ બધાં જ પેરામીટર ચકાસ્યા બાદ કોઈને પણ ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. અત્યારે મોટા સિટીના દરેક લોકેશન પર 15થી વધુ ઇન્ક્વાયરી પેન્ડિંગ છે. હવે તમને પ્રાઈઝિંગની વાત કરું.’

પ્રાઇસ વિશે વાત કરતાં રાહુલનભાઈ કહે, ‘ફ્રેન્ચાઇઝીનાં અમારી પાસે ત્રણ મોડેલ છે. જેમાં શરૂઆત થાય છે, એક સીટના ₹85 હજારથી ₹1.5 લાખ સુધી, એ પણ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. ફ્રેન્ચાઇઝીએ ફક્ત ઇન્ટિરિયર પાર્ટ જ જોવાનો હોય છે, ટેક્નોલોજી પાર્ટ અમે હેન્ડલ કરીએ છીએ. એટલે જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થાય, કંઈ ખામી આવે કે કશું પણ થાય તો એ બધું જ અમે મેનેજ કરીએ છીએ. એક વાર ફ્રેન્ચાઇઝી લીધા પછી ઇન્ટિયર સિવાય કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ બધું અમારી ટીમ હેન્ડલ કરે છે. પછી વાત રહી કોન્ટેન્ટની તો 99% ફિલ્મો અમારાં થિયેટરમાં આવી જ જાય છે.’

OTTના યુગમાં કોઈ થિયેટરમાં શા માટે જાય?
OTT આવવાના કારણે લોકોએ થિયેટરમાં આવવાનું ઘણું ઓછું કરી દીધું છે, એવું લાગે છે? થિયેટર ચેનના ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘સાચી વાત છે, પણ એ પસંદગીનો સવાલ છે. તમને ઘરે બેસી થિયેટર જેવો 7.1 ડોલ્બી સાઉન્ડ, લોકો વચ્ચે બેસીને જોવાની મજા, આટલી મોટી સ્ક્રીન અને 3D સ્ક્રીન મળશે? જેને આ બધાથી કોઈ મતલબ ન હોય એ લોકો ઘરે પણ જોઈ લે છે, પણ જેને આ ફેક્ટર્સથી ફરક પડતો હોય, એ લોકો ચોક્કસથી થિયેટરમાં આવશે જ. લોકોની ફિલ્મો માટેની ભૂખ વધી છે, એટલે લોકો બે ફિલ્મો જોતાં એના બદલે હવે 5 જોવે છે પણ 2 ફિલ્મો જોવા તો હજુ થિયેટરમાં આવે જ છે.’

લોકોને થિયેટરની ટિકિટો મોંઘી લાગે છે?
ઘણા લોકો એવી પણ ફરિયાદ કરે છે કે, ટિકિટના ઊંચા ભાવોના કારણે ફિલ્મો જોવા નથી જવાતું. થિયેટર ચલાવતા રાહુલભાઈ એ દર્શકોને જવાબ આપતાં કહે, ‘ભાવ વધારે છે જ નહીં, 200-250 રૂપિયા ત્રણ કલાકના મોંઘા છે જ નહીં. તમે બહાર બેસી કોફી પીઓ એ કરતાં ઓછા પૈસામાં તમને સોફા જેવી સીટ્સમાં બેસી ફિલ્મનો આટલો સારો એક્સપિરિયન્સ મળે એ મોંઘું થોડું કહેવાય?’
‘પણ જ્યારે 99 રૂપિયામાં ટિકિટ હોય ત્યારે તો થિયેટર ફુલ થઈ જાય છે, તો એ ટિકિટના કારણે જ ને?’ રાહુલભાઈ કહે, ‘એ ઈનિશિએટિવ ‘મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ દ્વારા લેવામાં આવ્યું છે. દર મંગળવારે ₹99માં ફિલ્મની ટિકિટ! કેમ કે, મંગળ, બુધ, ગુરુ સૌથી ડલ વીક ડેઝ હોય છે. એટલે કોવિડ પછી પબ્લિકને ફરી સિનેમા તરીકે ખેંચવા માટે આ પ્રયાસ કર્યો હતો. સામે ફિલ્મ પ્રોડ્યુસર્સ પણ એગ્રી થયા એટલે શરૂઆત કરી હતી, એટલે સક્સેસ ગયું.’

બિઝનેસ માટે માર્કેટિંગ મહત્ત્વનો ભાગ છે. તમે કેવી રીતે માર્કેટિંગ કરો છો? રાહુલભાઈ કહે, ‘બધી જ રીતે પોસિબલ હોય એટલું માર્કેટિંગ કરીએ છીએ. ડિજિટલ, પ્રિન્ટ, રેડિયો, ઇવેન્ટ્સ બધી જ જગ્યાએ માર્કેટિંગ કરીએ છીએ. સરકારની પણ જેટલી ઇવેન્ટ્સ આવે એમાં પણ સપોર્ટ કરીએ છીએ.’
‘લોકો ધંધો તો શરૂ કરી દે છે પણ પછી થોડું નુકસાન જવાથી બંધ કરી દે છે, એમને શું કહેશો?’ ‘નુકસાન કે પ્રોફિટ એ તો ધંધાનો પાર્ટ છે, નુકસાન જાય છે મતલબ તમે ધંધામાં છો.’

‘PVR, આઇનોક્સ તો ફેમિલી જેવાં છે’
PVR, આઈનોક્સ જેવા જાયન્ટ હાથીની સામે કોમ્પિટિશનમાં કેવી રીતે ટકી શકો છો? રાહુલભાઈ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલતા કહે, ‘કોમ્પિટિશન જેવું તો છે જ નહીં, આજે પણ જ્યારે અમને કોઈ મુશ્કેલી પડે કે ક્યાંય કોઈ સમજણ ન પડે કે કોઈ મૂંઝવણ થાય તો અમને PVR કે આઈનોક્સના ટોપ મેનેજમેન્ટને જ કૉલ કરીએ છીએ. એ લોકો અમને બહુ જ સારી રીતે સમજાવીને હેલ્પ કરે જ છે. ઇન શોર્ટ, બીજી બ્રાન્ડ અને અમે પરિવારની જેમ સાથે જ રહીએ છીએ.’
યંગ આંત્રપ્રેન્યોરને શું સલાહ આપશો? રાહુલભાઈ કહે, ‘યંગ આંત્રપ્રેન્યોરને સૌથી પહેલાં તો એ કહીશ કે કંઈ પણ ચાલુ કરતાં પહેલાં બહાર ફરો અને નેટવર્કિંગ કરો. દુનિયામાં ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે, કઈ કઈ ટેકનોલોજી માર્કેટમાં છે? એ બધું જ પહેલાં જાણો. અને કોની પાસેથી સલાહ લો છો એ ખાસ જુઓ, ભલે તમારી જ ફિલ્ડનો માણસ હોય, પણ સમજી વિચારીને કોઈ પાસેથી સલાહ લો, સાચા માણસની સલાહ જ તમને સક્સેસ સુધી લઈ જશે.’
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















