- Gujarati News
- Bhaskar khaas
- Global gujarati
- Global gujarati shyamal patel cancer struggle family journey divya bhaskar
ગ્લોબલ ગુજરાતી-4'ભીખ માગજે, પણ ભણવાનું પૂરું કરજે....':'અમેરિકામાં ભટકતો હતો ને અચાનક જ સ્વામિનારાયણ ભગવાન મદદે આવ્યા', પટેલ યુવકની 500થી 12 મિલિયન ડૉલર સુધીની સફર
- કૉપી લિંક

જીવનમાં સફળતા ને નિષ્ફળતાનું ચક્ર ફરતું રહે છે. નિષ્ફળતાથી માણસ હતાશા થઈને ભાંગી પડે તો જીવનમાં ક્યારેય સફળતાનો આસ્વાદ માણી શકે નહીં. સફળતા માટે આકરી મહેનત કરવી જરૂરી છે. અમેરિકામાં માત્ર સત્તર વર્ષની ઉંમરે ગયેલા શ્યામલ પટેલ સાથે અમેરિકામાં બબ્બે વાર
‘ગ્લોબલ ગુજરાતી’ના આજના એપિસોડમાં વાત કરીશું શ્યામલ પટેલની. અમેરિકામાં ગુજરાતીઓને કેવાં કેવાં ફ્રોડથી ફસાવવામાં આવી રહ્યા છે? શ્યામલ પટેલ પોતે અમેરિકામાં બબ્બેવાર સ્કેમનો ભોગ બન્યા.. શ્યામલ પટેલે કેવી રીતે પોતાની કંપની ઊભી કરી? શ્યામલ પટેલ અમેરિકા ગયા બાદ કેમ 17 વર્ષ બાદ ભારત આવી શક્યા? ગુજરાતીઓને કેવી રીતે મદદ કરે છે?
'સીધી ચાલતી જિંદગીમાં અચાનક જ કેન્સરને કારણે યુ ટર્ન આવ્યો' અમદાવાદમાં જન્મેલા શ્યામલ પટેલના પપ્પા લેન્ડ ટ્રેડિંગનું કામ કરે છે ને માતા હોમ મેકર છે. નાનો ભાઈ રિયલ એસ્ટેટનું કામ કરે છે. પપ્પાની વાત કરતા શ્યામલ પટેલ જણાવે છે, 'પપ્પાએ ભાવનગરથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને તેમની પાસે પાસે વિદેશ જવાની તક હતી, પરંતુ દાદા-દાદીની ઈચ્છાને કારણે તેઓ ના ગયા. એન્જિનિયર હોવા છતાં તેમણે પાર્ટનરશિપમાં સોના-ચાંદીનો બિઝેસ શરૂ કર્યો. જોકે, કરમની કઠણાઈ એવી આવી કે પપ્પા 33-34 વર્ષના હતા ત્યારે તેમને અચાનક જ થાઇરોઇડ કેન્સર હોવાનું નિદાન થયું. ત્યારે મારો નાનો ભાઈ બે વર્ષનો અને હું અગિયારેક વર્ષનો હતો. જ્યારે ઓપરેશન કર્યું ત્યારે એમ હતું કે ગળામાં એક જ ગાંઠ છે, પરંતુ સર્જરી દરમિયાન ખ્યાલ આવ્યો કે દસ જેટલી ગાંઠો છે. સર્જરીની વચ્ચે જ મમ્મીને બોલાવીને અલગ-અલગ ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવી કે ગેરંટી નહીં કે આ સર્જરી દરમિયાન પપ્પા બચી જ જાય અને તેમને કંઈ થાય તો જવાબદારી ડૉક્ટર્સની રહેશે નહીં. મમ્મી ડરી ગયાં પણ ભગવાનની દયાથી સર્જરી સફળ રહી. અલબત્ત, છ મહિના માટે પપ્પાનો અવાજ જતો રહ્યો. બિઝનેસ જેના ભરોસે મૂક્યો હતો તેણે ધ્યાન આપ્યું નહીં અને ચોરી થવા લાગતાં અંતે બિઝનેસ વેચી નાખ્યો. પછી પપ્પાએ નક્કી કર્યું કે હવે બાળકોના એજ્યુકેશન પર ફોકસ કરીએ અને બીજું કંઈ કરવું નથી. બિઝનેસ વેચ્યા બાદ જે પણ પૈસા આવ્યા તે બંને બાળકોના અભ્યાસ માટે મૂકી રાખ્યા.'

'બચત પૂરી થતાં મિત્રો-સંબંધીઓ પાસેથી ઉધાર લેવા પડ્યા' પપ્પાની તબિયતના તે દિવસોને યાદ કરીને શ્યામલ પટેલ જણાવે છે, 'શરૂઆતમાં દર મહિને અને પછી દર છ મહિને મુંબઈની ટાટા હૉસ્પિટલમાં જવું પડતું. આ દરમિયાન બેવાર કેન્સરે ઊથલો માર્યો એટલે ફરી સારવાર ને કીમોથેરપી ને બધું કરવું પડ્યું. હું 12 ધોરણ ભણ્યો ત્યાં સુધી પપ્પાની તબિયત નરમ-ગરમ જ રહેતી. પપ્પાને એવું હતું કે જે પૈસા બચાવીને રાખ્યા છે, તેનાથી કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ જશે, પરંતુ તે શક્ય બન્યું નહીં. બધી જ બચત પૂરી થઈ ગઈ. પપ્પાએ મિત્રો ને સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લીધા. મારું નક્કી હતું કે મારે ભણી ગણીને આગળ વધવું છે. મને ખ્યાલ હતો કે મારે પરિવારને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો છે.'
'હું બસમાં ટ્રાવેલ કરતો ને ક્લાસમેટ્સ સ્કૂલબસમાં જતા' શ્યામલ પટેલ પપ્પાની બીમારીને કારણે ઘરની આર્થિક સ્થિતિમાં કેવી રીતે ગુજરાન કર્યું તે અંગે કહે છે, 'ધોરણ 10-11-12નો સમય અલગ જ હતો. અમારી વખતે ટ્યૂશન સિસ્ટમ હતી પણ અમારે એવું નહોતું. સાથે ભણતા વિદ્યાર્થીઓ ટૂ વ્હીલર પર આવે, પરંતુ હું સાયકલ પર જાઉં. હંમેશાં આ અંગે ફરિયાદ કરતો. મારા સહ વિદ્યાર્થીઓ સ્કૂલબસમાં જાય ને હું AMTS બસમાં જાઉં. નાનપણમાં જ્યારે પણ કોઈ વસ્તુની ડિમાન્ડ કરીએ તો પૂરી ન થાય.ઘણીવાર એવું થતું કે વ્યાજે પૈસા લાવ્યા હોય અને વ્યાજ ભર્યું ના હોય તો ઘરે ઉઘરાણી કરવા આવતા. તે સમયે તો એમ જ વિચારતા કે પપ્પાનો તો સ્વભાવ જ ગરમ છે એટલે તે આમ બોલે છે.'
'અમેરિકા જવાનું નક્કી હતું' 'દસમું ધોરણ પાસ કર્યા બાદ નક્કી હતું કે આગળ વધવું છે તો વિદેશ જવું જ પડશે. તે સમયે અમેરિકા સિવાય એકેય દેશ મગજમાં નહોતો. આસપાસમાં જ્યારે પણ અમેરિકાથી આવેલા ગુજરાતીઓને જોતો તો તેમની બોલવાની, કપડાંની સ્ટાઇલ બધું અલગ લાગતું. ત્યારથી જ નક્કી હતું કે હું જઈશ તો અમેરિકા જ. બાર સાયન્સમાં આવ્યો ત્યારે પપ્પા સાથે નક્કી કર્યું કે 75%થી વધુ આવે તો ભારતમાં અને ઓછા આવે તો વિદેશ જઈશ. મારે 74% આવ્યા એટલે અમેરિકા જવાનું નક્કી થઈ ગયું.'

'એજન્ટે ફ્રોડ કર્યું' શ્યામલ પટેલ જણાવે છે, 'હું સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો. કોલેજમાં એડમિશન દરમિયાન મારી સાથે સ્કેમ થયું. 2007માં અમારા પરિવારમાં અમેરિકા જઈને ભણનારો હું પહેલો હતો. એરપોર્ટ પર મને 350 લોકો મૂકવા આવ્યા હતા. હું માંડ 17 વર્ષનો હતો ને મારે ફાર્મસીનું ભણવું હતું. હું બાર ધોરણ સુધી અંગ્રેજી મીડિયમમાં ભણ્યો, પરંતુ બોલવામાં મને ડર લાગતો. મેં એજન્ટના કોઈ ડોક્યુમેન્ટ યોગ્ય રીતે જોયા નહોતા. એરપોર્ટ પર અમેરિકા જવાના ઉત્સાહમાં હું એજન્ટને એ પણ પૂછવાનું ભૂલી ગયો કે મને એરપોર્ટ પર લેવા કોણ આવશે? ફ્લાઇટમાં બેઠાં પછી 27 કલાક સુધી સતત રડતો રહ્યો કે ત્યાં હું ક્યાં જઈશ ને શું થશે મારું? કોને મળવાનું છે એ પણ ખ્યાલ નહોતો. ન્યૂ જર્સી એરપોર્ટ પર લેન્ડ થયો અને બે કલાક આમતેમ ભટક્યો. બધા પેસેન્જર જતા રહ્યા પછી એક ભાઈ શ્યામલ ક્યાં છે? એમ કહીને શોધતા આવ્યા. તે ભાઈએ મળીને તરત જ મને બરાબરનો ખખડાવી નાખતા હું પાછો રડવા લાગ્યો. પછી તેઓ મને ઘરે લઈ ગયા. ત્યાં 24 વિદ્યાર્થી રહેતા. ચાર બેડરૂમ એટલે એક રૂમમાં 6 વિદ્યાર્થી રહે. અમને કહેવામાં આવ્યું કે 12 છોકરા ડે શિફ્ટમાં ને 12 છોકરા નાઇટ શિફ્ટમાં હશે. સવારે છ વાગ્યે ઊઠી જવાનું. મને આ સાંભળીને આંચકો લાગ્યો કે હું ક્યાં હતો ને નસીબે મને કેવી જગ્યાએ લાવીને ઊભો કરી દીધો. પછી એડમિશનની વાત આવી તો મને કહેવામાં આવ્યું કે હાલમાં આઇટીમાં એડમિશન મળ્યું છે, પછી ફાર્મસીમાં મળી જશે. ઘરથી એક બ્રિજ ક્રોસ કરો એટલે કોલેજ. જ્યારે વાસ્તવમાં કોલેજ વર્જિનિયામાં હતી અને હું ન્યૂ જર્સીમાં હતો ને ત્યાંથી કોલેજ સાત કલાક દૂર હતી. તે ઘરમાં મારો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો. મારે ત્રણ વર્ષ સુધી આઇટીનું ભણવું પડ્યું. પેરેન્ટ્સને કહી ના શકાય કે મારી સાથે શું થયું છે, હું તો એમ જ કહેતો કે ભણવાનું સારું ચાલે છે. વર્જિનિયામાં હું જે કોલેજમાં જતો તે ગેરકાયદે હતી અને હવે તો એ બંધ પણ થઈ ગઈ છે. મને આજેય યાદ છે જ્યારે અમદાવાદથી અમેરિકા આવવા નીકળ્યો ત્યારે મારા ખિસ્સામાં હાથમાં 500 ડૉલર હતા ને ફી ભર્યાની 3750 ડૉલરની રસીદ લઈને ગયો હતો.'
'સવારે ત્રણ વાગ્યે ઊઠીને કોલેજ જતો' 'તે કોલેજમાં અઠવાડિયામાં માત્ર એક જ દિવસ જવાનું. ન્યૂ જર્સીમાં આવ્યા બાદ થોડા દિવસમાં જ નોકરી શરૂ કરી. હું જ્યાં રહેતો ત્યાંથી 3 માઇલ દૂર એટલે કે 5 કિમી દૂર એક પાકિસ્તાની હોટલમાં નોકરી મળી. પહેલા દિવસે હું સ્વામીનારાયણ હોવાથી નાડાછડી ને તિલકને બધું કઢાવી નાખ્યું. મને વાસણો ધોવાની નોકરી મળી. કલાકના સાડા ચાર ડૉલર મળતા. તે સમયે કલાકના 6-7 ડૉલર ચાલતા. મેં ત્રણ વર્ષ સુધી અલગ-અલગ હોટલમાં જ કામ કરતો. રોજ 10 કિમી ચાલીને જતો. ગુજરાન ચલાવવા રોજ નોકરીએ જવું પડતું. હોટેલમાં બપોરે બે કલાક બ્રેક હોય એટલે રેસ્ટોરાંમાં બપોરે એક થી ત્રણ ખાસ લોકો આવે નહીં એટલે આ દરમિયાન બ્રેક હોય. આ બે કલાકની સેલરી મળે નહીં. હું ત્યાં જ બેસીને ભણતો ને રાતના 12 વાગ્યે ઘરે જતો. એ રીતે રોજના 14-14 કલાક કામ કરતો. તે સમયે મને દિવસ ક્યારે ઊગે છે ને આથમે છે તે પણ ખ્યાલ રહેતો નહોતો.'

'બે વર્ષે પાસપોર્ટ પાછો મળ્યો' શ્યામલ પટેલ કહે છે, 'અમે જ્યાં રહેતા ત્યાં રોજ સવારે એક છોકરી આવીને રોટલી બનાવી જાય. અમારે જાતે દાળ કે શાક એ બધું બનાવવાનું. મહિને અમારે 500 ડૉલર આપવા પડતા અને અમે એક જ ટાઇમ જમતાં. આ દરમિયાન મને ખ્યાલ આવી ગયો કે પાસપોર્ટ ઘરમાં કઈ જગ્યાએ છે અને તક મળતા જ તે લઈ લીધો અને અડધી રાત્રે ઘર ખાલી કરી નાખ્યું. અમે ત્રણ લોકો ત્યાંથી ભાગી ગયા અને ન્યૂ જર્સીમાં બીજે રહ્યા. વર્જિનિયા સ્થિત કોલેજ જવા સવારના ત્રણ વાગ્યે ઊઠીને બે બસ, બે ટ્રેન બદલીને કોલેજ જતો. એક થી સાત કોલેજમાં ભણતો અને બીજા દિવસે સવારે છ વાગ્યે ન્યૂ જર્સી આવતો. ત્રણ વર્ષ આઇટીનું ભણ્યા બાદ મને ખ્યાલ આવ્યો કે કમ્યુનિટી કોલેજમાં પ્રી-ફાર્મસીમાં એડમિશન લેવાથી ચાર વર્ષ ફાર્મસીનું ભણવું પડશે. તો એ રીતે પ્રી ફાર્મસી કર્યું. પ્રી ફાર્મસીના છેલ્લા છ મહિના બાકી હતા ત્યારે હોટલના માલિકે ગેસ સ્ટેશનમાં કામ કરવાની ઑફર આપી અને સાંજથી સવારના છ સુધી કામ હોવાનું મને પણ ગમ્યું. આ દરમિયાન ઘણા ગુજરાતીઓને મળ્યો. પછી ફાર્મસીમાં એડમિશન લેવા માટે અરજી કરી અને ન્યૂ જર્સીમાંથી માા સહિત માત્ર ત્રણ લોકોને જ બોસ્ટનની મેસેચ્યુસેટ્સ કોલેજ ઓફ ફાર્મસીમાં એડમિશન મળ્યું. આ કોલેજ અમેરિકાની સૌથી જૂની ફાર્મસીની કોલેજ છે. એડમિશન તો મળી ગયું, પરંતુ હવે ફી ભરવી કેમની એ સૌથી મહત્ત્વની વાત હતી. ઘરમાં વાત ફી ભરવાની વાત કરી.'
'પપ્પાને સુસાઇડના વિચારો આવી ગયા' 'પપ્પાએ અમારા એજ્યુકેશન માટે થોડો જમીનનો ટુકડો સાચવીને રાખ્યો હતો અને વિચાર્યું હતું કે જ્યારે જરૂર પડશે ત્યારે વેચશે. ફી ભરવા માટે 3 લાખ ડૉલરની જરૂર હતી. પપ્પાએ જમીન વેચવાનું નક્કી કર્યું પણ આ દરમિયાન કેટલાક લોકોએ પપ્પાની સાઇન કેટલાક ડોક્યુમેન્ટ પર કરાવી ને વીક પછી પેપરમાં જાહેરાત આવી કે આ જમીન વેચાઈ ગઈ છે. પપ્પા એકદમ ડરી ગયા અને તેમણે મને તરત જ ફોન કર્યો. તેમણે ધ્રુજતા અવાજે ફ્રોડની વાત કરી. તેઓ છેલ્લે એમ બોલ્યા કે તું હવે મમ્મી ને ભાઈનું ધ્યાન રાખજે. મને લાગ્યું કે સ્થિતિ ઘણી જ ગંભીર છે તો તેમને સાંત્વના આપવા મેં કહી દીધું કે તમે ચિંતા ના કરો ફીની વ્યવસ્થા થઈ ગઈ છે. બીજા દિવસે ફરી વાર ફોન આવ્યો ત્યારે પપ્પા એકદમ હળવાફુલ હતા. તેમણે સ્વીકાર્યું કે તેમના મનમાં તે સમયે કંઈક અલગ જ વિચારો ચાલતા હતા.'

'હવે ફી ભરવી કેમની તે મોટો પ્રશ્ન હતો. આ દરમિયાન મારી ફિયોન્સી પણ માસ્ટર કરવા અમેરિકા આવી ગઈ હતી. અમેરિકામાં લોન લેવી હોય તો કો-સાઇનરની જરૂર પડે. હવે ફાર્મસીના ચાર વર્ષ એટલે આઠ સેમિસ્ટર માટે મારે લોન લેવાની હતી. શરૂઆતના દિવસોમાં હું ને મારી ફિયોન્સી રોજ લિસ્ટ લઈને ફોન કરવાનું વિચારીએ. પૈસા માગવા ઘણા જ મુશ્કેલ છે, એમાંય એજ્યુકેશન લોન માટે તો એ ભરપાઈ થશે કે નહીં તેની ગેરંટી હોતી નથી. 50ની યાદીમાંથી છેલ્લે 10 શોર્ટલિસ્ટ કર્યા. ફોન કરીએ ને સામે હેલ્લો બોલે એટલે કાપી નાખીએ. પછી એક દિવસ હિંમત કરીને એકને ફોન કર્યો ને કો-સાઇન કરવાની વાત કરી. તેમણે ના પાડી. પછી બીજો ફોન કર્યો ને હા પાડી દીધી. આ રીતે પહેલું સેમિસ્ટર નીકળી ગયું.'
'ફ્રોડે મારો પીછો ના છોડ્યો' શ્યામલ પટેલ હસતાં હસતાં કહે છે, 'તમને નવાઈ લાગશે પણ બોસ્ટનમાં પણ મારી સાથે ફ્રોડ થયો. 2012માં ન્યૂ જર્સીથી બોસ્ટન શિફ્ટ થવાનું હતું ત્યારે મારી પાસે માત્ર 1000 ડૉલર હતા. ઓનલાઇન મેં બોસ્ટનમાં ઘર જોયું અને એ 800 ડૉલર ભાડું ભર્યું. ખિસ્સામાં 200 ડૉલર લઈને બોસ્ટન ગયો. જે એડ્રેસ પર ગયો ત્યાં રહેતી વ્યક્તિએ કહ્યું કે તે જગ્યાએ કોઈ વિદ્યાર્થીઓ રહેતા જ નથી. એજન્ટ ફોન ઉપાડે નહીં. મને તો ખબર જ ના પડે કે આ અજાણી જગ્યાએ હવે શું કરીશ? મને તો જાત પર ગુસ્સો આવ્યો કે મેં ભૂલ શું કરી. હું ન્યૂ જર્સીથી બે દિવસથી ભૂખ્યો તરસ્યો હતો. ડુંગળી-લસણ ખાતો નથી. બેગ લઈને ફરતો હતો ત્યારે કેફેટ એરિયામાં બ્રેડ બટર ખાતો હતો. જમતાં જમતાં અચાનક વૉમિટ થઈ ને અકળામણ ને ગુસ્સામાં ભગવાનને એવું કહેવાયું કે ભગવાન તારે જો મને સેટ જ નહોતો કરવો તો બોસ્ટન શું કરવા લાવ્યા, ન્યૂ જર્સી મારા માટે શું ખોટું હતું? આ રીતે હેરાન જ કરવો હતો તો કેમ મને બોલાવ્યો? ને હું રડવા લાગ્યો.'

'ભગવાને અચાનક જ મદદ કરી' 'એ જ સેકન્ડ મારા ગુરુ નિત્યાસ્વરૂપ સ્વામીનું મૌન ચાલતું હતું. તેમણે એક ચિઠ્ઠી લખીને મોકલાવી કે 'શ્યામલને કહેજો કે ચિંતા કરે નહીં, ભગવાન તારી જોડે છે.' પંદરેક મિનિટથી હું ઉદાસ ચહેરે બેઠો હતો ત્યાં અચાનક પતિતપાવન સ્વામીનો ફોન આવ્યો કે શ્યામલ શું કરે છે? ગુરુશ્રીએ ચિઠ્ઠી લખીને મોકલી છે કે ચિંતા કરતો નહીં, ભગવાન આપણી સાથે છે. એ શબ્દો સાંભળીને મારામાં હિંમત આવી ને હું બેગો લઈને ઘર શોધવા નીકળી પડ્યો. હું બેગ લઈને બહાર નીકળ્યો ને એક વિદ્યાર્થીએ પાછળથી બૂમ પાડી, 'એ ભૂદેવ કઈ બાજુ....' મારા માથામાં શિખા છે એટલે તે વિદ્યાર્થીએ મને ભૂદેવ કહ્યો હતો. હું ફર્યો એટલે માથામાં તિલક જોયું તો તેણે કહ્યું કે તમે સ્વામિનારાયણ છો અને મારા પપ્પા પણ આ જ સંપ્રદાયમાં માને છે. મારું નામ જય બ્રહ્મભટ્ટ છે. તેણે પૂછ્યું કે તમે શું કરો છો તો જવાબમાં મેં કહ્યું કે ઘર શોધી રહ્યો છું તો તે મને ઘરે લઈ ગયો, તે એકદમ કોલેજની સામે જ હતું. તે ઘરમાં 12 લોકો હતા અને હું તેરમો થયો. ઘરમાં એક રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. જયના રૂમમાં અમે ચાર વિદ્યાર્થીઓ થતા હતા. આ જ કારણે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ વિરોધ કર્યો પરંતુ પછી તેઓ માની ગયા. હવે મારે માત્ર 300 ડૉલર ભાડુ ભરવાનું હતું. માત્ર શિખા ને તિલક-ચાંદલો જોઈને તદ્દન અજાણી વ્યક્તિએ મને ઘરમાં આશરો આપ્યો. પછી તે જ ઘરમાં પાંચ વર્ષ પસાર કરી નાખ્યા. ફાર્મસીમાં ચાર વર્ષ કોલેજ અને એક વર્ષ રોટેશનનું હતું. કોલેજમાં આઇટીની જૉબ મળી ને વીકમાં 20 કલાક જૉબ કરતો.'
'ભીખ માગજે, પણ ભણવાનું છોડતો નહીં....' શ્યામલ પટેલને પૂછવામાં આવ્યું કે આટલા સંઘર્ષોની વચ્ચે ક્યારેય એમ ના થયું કે ભણવાનું છોડી દઉં? તેમણે કહ્યું, 'એક સમયે એવું લાગ્યું કે હું જૉબ છોડીને નોકરી કરવા લાગું. પહેલું સેમિસ્ટર પૂરું થયું ને બીજા સેમિસ્ટરમાં કો-સાઇનર માટે ફોન કરવાનો થયો. આઠ ફોન કર્યા ને બધાએ ના પાડી. આ સમયે હિંમત હારી ગયો. ત્યારે મારા એક સાથી મિત્રનો 7 ઇલેવન સ્ટોર હતો. તેણે મને આ બધું છોડીને સ્ટોરમાં વર્ષે 50 હજાર ડૉલરની નોકરીની ઑફર કરી ને કહ્યું કે પછી તો બે નંબરમાં અમેરિકામાં રહી જવાનું. હું તો તરત જ તૈયાર થઈ ગયો. પછી ઘરે પપ્પાને ફોન કરીને આ વાતની જાણ કરી. પપ્પાએ ખખડાવતાં કહ્યું, 'મરી જજે પણ આ રસ્તે જતો નહીં. ગમે તે થાય પણ ભણવાનું છોડવાનું નથી. ભીખ માગવી પડે તો ભીખ માગજે પણ ભણવાનું પૂરું કરવાનું છે.' આ શબ્દો મારા મનમાં અંકિત થઈ ગયા ને નક્કી કર્યું કે ગમે તે થાય ડિગ્રી તો લેવાની જ છે. પછી આ વિચાર માંડી વાળ્યો. નવમો ફોન કર્યો એટલે તે માણસે કો- સાઇન માટે હા પાડી ને પછી તો હિંમત આવી ગઈ. હું નવ વર્ષ અમેરિકામાં ભણ્યો. ત્રણ વર્ષ આઇટી ને છ વર્ષ ફાર્મસીના. આ દરમિયાન મારી ફી પાછળ ચાર લાખ 25 હજાર ડૉલરનો ખર્ચ થયો. આઇટીના ત્રણ વર્ષના દોઢ લાખ ડૉલર તો એમ જ બગડ્યા.'

'બે મહિના જોબ ના મળી' '2017માં ફાર્મસીનું ભણવાનું પૂરું થયું ને જૉબ શોધવાની શરૂ કરી, પરંતુ બે મહિના સુધી જૉબ જ મળી નહીં. પછી અચાનક યાદ આવ્યું કે કોલેજકાળમાં કીર્તિ શાહ નામના વિદ્યાર્થીએ જોબ આપવાની વાત કરી હતી. બન્યું એવું હતું કે જ્યારે કોલેજમાં હતો ત્યારે સિનિયર વિદ્યાર્થી કીર્તિ શાહે મને શનિ-રવિ જોબ શોધી આપવાનું કહ્યું. હું ત્યારે કોલેજમાં આઇટી મેનેજર હતો તો મેં તેને શનિ-રવિમાં મારા કલાકો ઘટાડીને તને જોબ આપી. ત્યારે મેં હસતા હસતા એવું કહ્યું હતું કે હું જોબ આપીશ તો તું શું આપીશ? ત્યારે કીર્તિ શાહે મને ફાર્મસીમાં જોબ અપાવવાની વાત કરી હતી. મેં તરત જ સો.મીડિયામાં કીર્તિ શાહને શોધ્યો ને ફોન કરીને વાત કરી. તેણે તાત્કાલિક પેન્સિલવેનિયાના પ્રજ્ઞેશ પટેલને ફોન કર્યો. બીજા દિવસે ઇન્ટરવ્યૂ ને સાત દિવસમાં મને જોબ મળી ગઈ. હું બોસ્ટનથી પેન્સિલવેનિયા શિફ્ટ થયો. તેમની પાસે ત્રણ ફાર્મસી હતી અને તેમાંથી એક નવી જ શરૂ કરી હતી. આ નવી દુકાનમાં મને રાખ્યો. મારો એક કલાકનો પગાર 50 ડૉલર હતો એ હિસાબે એક લાખ આઠ હજાર ડૉલર વાર્ષિક પગાર હતો. મેં એક વર્ષ ત્યાં કામ કર્યું. પછી તેમણે નવી દુકાન વર્જિનિયામાં શરૂ કરી તો ત્યાં વર્કિંગ પાર્ટનર બનાવ્યો ને ત્યારે સવા લાખથી દોઢ લાખ તથા બોનસ મળતું.'
'પગાર વધારે છતાં બચત તો હજાર રૂપિયા જ થતી' વાતને આગળ વધારતા શ્યામલ પટેલ કહે છે, '2017-2019 સુધી મેં જૉબ જ કરી હતી. લોનનો હપ્તો મહિને સાડા ચાર હજાર ડૉલર હતો ને પગાર 8 હજાર ડૉલર હતો પણ ટેક્સ કપાઈને સાડા પાંચ હજાર આવે. બચત તો હજાર ડૉલર જ થતી. તો હજાર ડૉલરમાં એક એક ડૉલર ગણતરીથી વાપરવો પડે. આ જ કારણે સાડા ત્રણ ડૉલરનું દૂધ 15 દિવસ ચાલે ને બાકીના 15 દિવસ પાણીથી ચલાવતા. લોનના હપતા ચાલુ થયા એટલે ખ્યાલ આવ્યો કે પહેલાં 15 વર્ષ તો વ્યાજમાં જાય ને પછીના 10 વર્ષ મૂડી કપાય, આ સમયે લાગ્યું કે જોબમાં તો લોન ચૂકતે કરવામાં વર્ષો થઈ જશે. આ સમયે લાગ્યું કે હવે પોતાનો ધંધો કરવો પડશે. સાચું કહું તો, જ્યારે અમેરિકા ગયો ત્યારે જ પપ્પાએ કહ્યું હતું કે જવું હોય તો ત્યાં ધંધો જ કરવાનો. પટેલોના લોહીમાં નોકરી કરવાનું લખ્યું જ નથી. જ્યાં પણ જઈએ ત્યાં ધંધો જ કરવાનો. બીજાને એવું લાગે કે આ નોકરી કરે છે, પરંતુ પટેલો તો કંઈક ને કંઈક શીખતા જ હોય છે. એ ક્યારેય સ્ટ્રગલિંગ પીરિયડમાં હોતા નથી ને તક મળે એટલે પોતાનો બિઝનેસ શરૂ કરે.'

'પહેલું ગેસ સ્ટેશન ખરીદ્યું' '2019માં કોવિડ આવ્યો. આ સમયે ઘણા બિઝનેસ ડાઉન થયા. ગેસ સ્ટેશન વેચાવા લાગ્યા હતા. વર્જિનિયામાં મારી ફાર્મસીની નજીક ગેસ સ્ટેશન 60 હજાર ડૉલરમાં વેચાવાનું હતું તો મેં એ ખરીદી લીધું. મારા વાઇફ આઇટીની જોબ કરતાં તો તેમને જોબ છોડવાનું કહ્યું. નાનો ભાઈ ભણવા માટે અમેરિકાથી આવ્યો હતો તો તેને ગેસ સ્ટેશનમાં ધ્યાન આપવાનું કહ્યું. હું ફાર્મસીમાં કામ કરતો. પછી ફાર્મસીમાં હેમ્પની દવાઓ માર્કેટમાં આવી. આ દવાઓ ડિપ્રેશન, ઊંઘની તકલીફ તથા ઘૂંટણમાં દુખાવામાં લેવામાં આવતી. આ દવા મોંઘી બહુ જ હતી. આ દવા જાતે બનાવવી હોય તો શું કરવું એ વિચાર્યું ને પછી. ગેસ સ્ટેશનનું સેવિંગ ભેગું કરતો ગયો. પછી હેમ્પ માટે મેન્યુફેક્ચર શોધ્યો ને મારી રીતે વેચવાની શરૂ કરી. પછી જૉબ છોડી દીધી. એક દવાથી શરૂ કરેલી કંપનીમાં આજે 350 પ્રોડ્ક્ટ્સ બનાવું છું, જેમાં 70% દવાઓ તથા 30% હેમ્પમાંથી કપડાં બનાવવામાં આવે છે. મારી પ્રોડક્ટ આખા અમેરિકામાં વેચાય છે. હાલમાં મહિને એક મિલિયન ડૉલર જેટલું ટર્ન ઓવર છે.'
'પાંચ વર્ષના વિઝા હતા, 17 વર્ષ સુધી ભારત આવી શક્યો નહીં' શ્યાામલ કહે છે, 'મને પાંચ વર્ષના વિઝા મળ્યા હતા. પછી કોલેજ જેટલા સમયનો કોર્સ હોય તેટલા સમય I-20 આપે. મને 2017 સુધી I-20 મળ્યું. વિઝાની જરૂર ત્યારે પડે જ્યારે હું અમેરિકા છોડીને બીજા દેશમાં જાઉં. મારે આ જોખમ લેવું નહોતું એટલે હું ભારત આવ્યો જ નહોતો. 17 વર્ષ સુધી મા-બાપને મળ્યો નહીં. H1B વિઝા મળશે તેવી આશા હતી, પરંતુ ત્રણ વર્ષ રાહ જોયા બાદ પણ મને એ વિઝા મળ્યા નહીં. આ વિઝા ના હોય તો તમે ટ્રાવેલ કરી શકો નહીં. જૉબ કરીને સાથે સાથે નવી નવી કોલેજમાં પાર્ટ ટાઇમ કોર્સ કરીને ડે 1 CPTથી કામ ચલાવ્યું. પછી તો મેં EB 5 વિઝા લીધા.'
'ચાર ગેસ સ્ટેશન, હેમ્પ જાતે જ ઉગાડે છે' શ્યામલ પટેલ હાલમાં અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં રહે છે. તેમના વર્જિનિયામાં ત્રણ ને એક નોર્થ કેરોલિનમાં ગેસ સ્ટેશન છે. હેમ્પનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓરેગોન સ્ટેટમાં છે. શ્યામલ પટેલે લગ્નની વાત કરતા કહ્યું, 'મારા ફિયાન્સી 2013માં અમેરિકા આવ્યા. તેઓ રાહ જોતાં હતાં કે હું ઇન્ડિયા આવું ને સગાઈ કરીએ. અમે સ્કૂલમાં હતા ત્યારથી એકબીજાને પસંદ કરતા. તેમના પેરેન્ટ્સને ભણતા ત્યારે એકવાર જોયાં હતાં. અમે નક્કી કર્યું કે H1B થાય એટલે ભારતમાં લગ્ન કરીશું પણ સાત વર્ષ રાહ જોયા બાદ પણ કંઈ થયું નહીં. અંતે કંટાળીને એક દિવસ ઊઠ્યાને ખબર પડી કે આજે વસંતપંચમી છે તો કોર્ટમાં જઈને 100 ડૉલર આપીને લગ્ન કર્યા.'

'15 મિનિટ સુધી અમદાવાદની હવાને શ્વાસમાં ભરી' શ્યામલ પટેલને પૂછવામાં આવ્યું કે 2024માં અમદાવાદની ધરતી પર પગ મૂક્યો ત્યારે કેવી લાગણી થઈ? તેઓ જવાબમાં કહે છે, '17 વર્ષ બાદ હું ગુજરાત આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે 15 મિનિટ શાંતિથી ઊભા રહીને ગુજરાતની હવાને માણી હતી. બહુ જ લાંબા સમય બાદ આવ્યો હોવાથી અમદાવાદ-ગુજરાત બહુ જ અલગ લાગ્યું. અમદાવાદ જોયું ત્યારે લાગ્યું કે ઘણો જ વિકાસ કર્યો છે. અમેરિકા જેવું જ મને અમદાવાદ લાગ્યું. રિવરફ્રન્ટથી લઈને બધું જ બદલાઈ ગયું. નવી ને મોટી બિલ્ડિંગ જોઈ. વિદેશમાં મળતી દરેક વસ્તુ અમદાવાદમાં મળે છે. 2024 પછી સાત વાર ઇન્ડિયા આવ્યો.'
'મારી પાસે ₹50 લાખ હોત તો હું ક્યારેય અમેરિકા ગયો જ ના હોત....' અમેરિકાના ક્રેઝ અંગે પૂછવામાં આવ્યું તો શ્યામલ પટેલ કહે છે, 'એટલું જ કહીશ કે જો તે સમયે મારી પાસે હાથ પર 50 લાખ રૂપિયા હોત તો હું ત્યારે અમેરિકા ના ગયો હોત. અત્યારે અમેરિકાની જે સ્થિતિ છે તે આગામી ત્રણ વર્ષ સુધી રહેશે. બે નંબરમાં તો ક્યારેય અમેરિકા જવું નહીં. ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીના પોઝિટિવ પરિણામ આવશે તો નવા પ્રેસિડન્ટ પણ તે ચાલુ જ રાખશે. અમેરિકામાં આવું જીવન જીવવું એના કરતાં ભારતમાં મહેનત કરીને જીવવું વધારે સારું. ઘણા ગુજરાતીઓ વ્યાજે પૈસા લઈને આવે છે. ઘણા પરિવારો તો પહોંચી પણ શકતા નથી. ઘણા પરિવારો બે-ત્રણ મહિને અમેરિકા પહોંચે છે અને પકડાય છે. લીગલી જવાનો ટ્રાય કરો ને વિદેશમાં જ બાળકને ભણાવવું હોય તો તેમને દસમા ધોરણથી જ ટ્રેઇન કરો. મોટાભાગના ગુજરાતીઓનો અમેરિકા સેટલ થવા માટે જ જવું હોય છે. અમેરિકામાં રહેતા લોકો માટે નવી નવી તકો ઊભી થશે. છોકરાઓએ અમેરિકા ભણવા જવું જ જોઈએ અને ટેલેન્ટ હશે તો નોકરી સરળતાથી મળશે. નોકરીઓની તક વધશે એટલે કોઈ જાતનું ટેન્શન કરવાની જરૂર નથી.'

'હાલની પરિસ્થિતિ જોતાં તમામ ડોક્યુમેન્ટ્સ સાથે રાખો' તાજેતરમાં જ બનેલા એક કિસ્સાની વાત કરતા શ્યામલ પટેલ જણાવે છે, 'થોડા સમય પહેલા જ અમેરિકામાં ગુજરાતના બે ભાઈઓ એક માસ્ટર ને એક બેચરલ કરવા આવ્યા. તેમને એજન્ટે એવી કોઈ માહિતી ના આપી કે હવે ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ જોડે રાખવા. બંનેની કોલેજ વોશિગ્ટન ડીસીમાં હતી ને એજન્ટે બંનેને શિકાગોમાં લેન્ડ કરાવ્યા. ત્યાં કેમ કરાવ્યા તે બંને ભાઈઓને પણ ખ્યાલ નહોતો. ઇમિગ્રેશને પણ આ જ સવાલ કર્યો પણ જવાબ નહોતો. ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ માગ્યા તો તેમની પાસે નહોતા. પહેલા સેમિસ્ટરની ફી ભર્યાની રિસિપ્ટ પણ આપી. અંતે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે 10 વર્ષ માટે બંને ભાઈઓના વિઝા બૅન કર્યા ને તરત જ ઇન્ડિયા ડિપોર્ટ કર્યા. હું એટલી જ સલાહ આપીશ કે વિઝા લેતા સમયે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ લઈને જવામાં આવે છે તે તમામ એરપોર્ટ પર લેન્ડ થઈએ ત્યારે ફિઝિકલ કૉપી સાથે હોવા જોઈએ. જ્યાં કોલેજ હોય તે જ સ્ટેટના એરપોર્ટ પર લેન્ડ થવું તથા જ્યાં રહેવાનું છે તેની લિઝની કૉપી પણ રાખવી.'

'ગુજરાતીઓને હની ટ્રેપમાં ફસાવવામાં આવે છે' શ્યામલ પટેલ અમેરિકામાં ગુજરાતીઓને કેવા કેવા સ્કેમમાં ફસાવવામાં આવે છે તે અંગે વાત કરતા કહ્યું, 'અમેરિકામાં છોકરીઓ સો.મીડિયાના માધ્યમથી ગુજરાતી છોકરાઓનો સંપર્ક કરે છે. 4-6 વીક ચેટ થાય છે. આ ચેટમાં છોકરી ક્યાંક એવું મેન્શન કરે છે, 'મારી ઉંમર 18 વર્ષથી ઓછી છે. તને મળવામાં વાંધો નથી ને.' ફોટો એવો દેખાય કે તે મોટી છે એટલે ગુજરાતી છોકરાઓ મળવા માટે તૈયાર થઈ જાય છે અને કહે છે કે તેને આ મુદ્દે કોી વાંધો નથી. ઘણીવાર છોકરાઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં બસ કે ટ્રેનમાં મુસાફરી કરીને મળવા આવે છે. ઘણીવાર મેરિડ પણ હોય છે. જ્યારે તેઓ મળવા જાય ત્યારે ત્યાં છોકરી ને બદલે પોલીસ કેમેરા સાથે હાજર હોય છે અને ત્યાંથી તેને ઉપાડીને લઈ જાય છે. વિદ્યાર્થીઓએ આ બધી બાબતોમાં ધ્યાન આપવું નહીં. આ ઉપરાંત અમેરિકામાં રહેતા દરેક ગુજરાતીને ઝડપથી પૈસા કમાવવા છે. ડિજિટલ એરેસ્ટ કરીને પડાવેલા નાણા એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવા અમેરિકામાં ગુજરાતી પટેલના છોકરાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. પટેલને ટાર્ગેટ કરવાનું કારણ એટલં જ કે જો તે ભાગી જાય તો તેમના મૂળિયા ગુજરાતમાં છે તે બધાને ખ્યાલ હોય છે. આમાં એવું થાય કે સો.મીડિયામાં મેસેજ આવે કે રોજના 1000 ડૉલર કમાવવા છે. આ વાંચીને કોઈ ના પાડે નહીં. આખો દિવસ મજૂરી કર્યા બાદ 70-80 ડૉલર મળે ત્યાં 1000 ડૉલર બહુ વધારે કહેવાય. એટલે વિદ્યાર્થી મેસેજ કરે. પછી ફોર્મ ભરીને મોકલવાનું કહેવામાં આવે. પછી ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક થાય.ત્યારબાદ કહેવામાં આવે કે તમારા નામે ગાડી ભાડે લીધી છે. તમારે ગાડી ચલાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલ પિક ને ડ્રોપ કરવાનું છે. ગુજરાતીઓને આ ઘણું જ ઇઝી લાગે છે. તે એ વિચારતા નથી કે આ પેકેટમાં શું છે. પેકેટમાં પૈસા ને ઘણીવાર ગોલ્ડ કોઇન્સ પણ હોય છે. ઉપરના લેવલ પર બેસેલા છોકરાઓ અમાઉન્ટના 10% કમિશન લે. આજના સમયમાં અમેરિકાની પોલીસ પણ સ્માર્ટ બની છે. IP એડ્રેસથી ટ્રેક કરે છે. ગુજરાતી છોકરાને ખ્યાલ નથી કે આ ટ્રેપ છે. પોલીસ પકડે છે ત્યારે ગુજરાતી મેસેજ કરનાર વ્યક્તિને ફોન કરે પણ તે તો ફોન જ બ્લોક કરી દે. પોલીસ આ ગુજરાતીને જ રંગેહાથ પકડ્યો હોવાથી જેલમાં નાખે છે અને પછી પાંચ-સાત વર્ષની જેલ થાય છે ને છેલ્લે ડિપોર્ટ થાય. ગુજરાતીઓ ક્વિક પૈસા કમાવવાની લાલચમાં ફસાવવું નહીં.'
આવતીકાલે 'ગ્લોબલ ગુજરાતી'ના પાંચમા ને છેલ્લા એપિસોડમાં વાંચો, રમેશ પટેલે કેવી રીતે ઉત્તરસંડા જેવા નાનકડા ગામમાંથી નીકળીને ઓસ્ટ્રેલિયાની સફર ખેડી..
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















