Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

ખુદ્દાર કહાની
પોતાનું સંતાન પેદા ન કર્યું:જેમના ઘા પર જીવાતો ખદબદે છે, લોકો ઘૃણા કરે છે તેમના માટે 'અપના ઘર’ બનાવ્યું

3 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

મથુરાથી ભરતપુર બાયપાસ પર આવ્યા પછી હું ખેમરા વળાંક સુધી ઓટો લેવા ઊભો છું. જ્યારે હું એક ઓટો-ડ્રાઇવરને કહું છું કે ખેમરા વળાંક સુધી જવું છે... ત્યારે તેના મોંમાંથી નીકળી પડે છે છે... એ બહુ દૂર છે, લગભગ 17 કિ.મી. હું નહીં જઉં.

.

એટલામાં બીજો ઓટોચાલક આવે છે. તે જવા માટે સંમત થાય છે. રસ્તામાં વાતચીત દરમિયાન હું કહું છું - મારે 'અપના ઘર' જવું છે. તે કહે છે - અરે સાહેબ! તમારે વહેલું બોલવું જોઈતું હતું! આ માર્ગ પર તેમના 4 આશ્રમ છે. આ સંસ્થા સમાજ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે.

હવે આ સંસ્થાની મુલાકાત લેવાની અને તેના સ્થાપકને મળવાની મારી આતુરતા વધી ગઈ. થોડા સમય પછી આખરે હું ‘અપના ઘર’ પહોંચું છું.

એક મોટું કેમ્પસ. વિવિધ ભાગોમાં 6થી વધુ ઇમારતો. હું ગેટની બાજુમાં જ એડમિનિસ્ટ્રેટિવ હોલમાં પ્રવેશ કરું છું. સામે કેટલાક કર્મચારીઓ બેઠા છે. દીવાલ પર રેશન-પાણીનું હોર્ડિંગ લટકેલું છે, જેના પર કેટલાક આંકડા લખેલા છે. બીજી દીવાલ બાજુ આ આશ્રમમાં કેટલા લોકો રહે છે એનો આંકડો લખેલો છે.

હું સ્ટાફને મારો પરિચય આપું છું અને કહું છું – મારે ડૉ. બ્રજમોહન ભારદ્વાજને મળવું છે. થોડા સમય પછી એક બેઠકમાંથી ફ્રી થઈને ભારદ્વાજ મને મળવા આવે છે. ભારદ્વાજ 'અપના ઘર' સંસ્થાના સ્થાપક છે.

'અપના ઘર' સંસ્થાનું કેમ્પસ.
'અપના ઘર' સંસ્થાનું કેમ્પસ.
'અપના ઘર' સંસ્થાના સ્થાપક ડૉ. બ્રજમોહન ભારદ્વાજ.
'અપના ઘર' સંસ્થાના સ્થાપક ડૉ. બ્રજમોહન ભારદ્વાજ.

બ્રજમોહન મને તેમની સાથે કેબિનમાં લઈ જાય છે. હું કહું છું - આટલી બધી ઇમારતો દેખાય છે, એમાં કેવા લોકો રહે છે.

ડૉ.બ્રજમોહન મને રોકે છે અને સરળ અંદાજમાં કહે છે, 'તેમને પ્રભુજી કહો, લોકો નહીં. આ આપણા પ્રભુજી છે. તમે જોયું જ હશે કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રસ્તાના કિનારે હજારો-લાખો એવા લોકો જોવા મળે છે, જેનું આ દુનિયામાં કોઈ નથી.

શરીર પર માખીઓ બણબણી રહી છે. જીવાતોએ ઘણા ભાગોમાં ઘર બનાવ્યું છે. ખાવા માટે કંઈ નથી. તેઓ મહિનાઓથી આ જ અવસ્થામાં પડ્યા છે. આવા લોકોને જ અમે અમારા આશ્રમમાં રાખીએ છીએ. તેમની સેવા કરીએ છીએ.

આ જ તેમનું અપના ઘર છે. હું તમને એ લોકોને મળવા લઈ જઈશ, પછી તમને ઘણી બધી વાત સમજાઈ જશે.’

બ્રજમોહન પોતાનો મોબાઈલ કાઢે છે અને એક વ્યક્તિનો વીડિયો બતાવે છે. આ વીડિયો એટલો ભયાનક છે કે હું થોડીવાર માટે થંભી જઉં છું. તમે કહી શકો કે હું સુન્ન થઈ જઉં છું.

જીવાતોએ વ્યક્તિના કપાળના પાછળના ભાગને ખોખલો કરી દીધો છે. બંને કાન કીડાઓથી ભરેલા છે. ઘામાં કીડા ખદબદી રહ્યા છે. કેટલાક તબીબી કર્મચારીઓ એને સાફ કરી રહ્યા છે. શસ્ત્રક્રિયા, ડ્રેસિંગ અને ઓપરેશન કરી રહ્યા છે.

બ્રજમોહન કહે છે, 'આનાથી પણ વધુ પીડાદાયક પરિસ્થિતિમાં અમે તેમને બચાવીને પાછા લાવીએ છીએ. હું ઘણી રાતો સુધી સૂઈ શકતો નથી. હું ખાઈ શકતો નથી હું વિચારતો રહું છું કે મનુષ્યની આવી દુર્દશા… .’

બ્રજમોહન આવા લોકોને બચાવીને લઈને આવે છે.
બ્રજમોહન આવા લોકોને બચાવીને લઈને આવે છે.

આ કહેતાં બ્રજમોહનની આંખમાં પાણી આવી જાય છે. તેઓ રડવા લાગે છે. તેઓ કહે છે, 'હું 1993થી આમની સેવા કરી રહ્યો છું. તેમની વ્યથા જોઈને આજે પણ મારું હૃદય ફાટવા લાગે છે.’

અમે બંને થોડીવાર ચૂપ થઈ જઈએ છીએ.

મૌન તોડવા હું બ્રજમોહનને તેમના અંગત જીવન વિશે પૂછું છું. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પોતાના આંસુ લૂછીને કહે છે, 'હું અલીગઢના સરહોઈ ગામનો રહેવાસી છું. ખેતીથી ઘર ચાલે છે. હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એક ઘટના બની. ગામમાં એક બાબા રહેતા હતા. આ દુનિયામાં તેમનું કોઈ નહોતું. તેઓ રોજ આખા ગામની ગાયોને ચરાવવા લઈ જતા. બદલામાં ગામના લોકો તેમને ખાવા-પીવાની વસ્તુઓ આપતા.

થોડા મહિના પછી તેઓ બીમાર થઈ ગયા. હવે કોઈ આપણું હોય, તો જ નિયમિત સારવાર કરાવી શકે. ક્યારેક કોઈ ને કોઈ તેમને વૈદ્ય પાસે લઈ જતા. ધીમે ધીમે તેમની તબિયત વધુ બગડવા લાગી. આખા શરીરે ઘા થઈ ગયા. આખો દિવસ માખીઓ બણબણતી હતી. એક દિવસ તેઓ આ સ્થિતિમાં મૃત્યુ પામ્યા. બાબાની છેલ્લી તસવીર આજે પણ મારા દિલ-દિમાગમાં ચોંટેલી છે. એ પછી હું વિચારવા લાગ્યો કે દેશમાં એવા કેટલાય લોકો હશે, જેમનું કોઈ નહીં હોય. આમ જ તેઓ પણ મૃત્યુ પામતા હશે.

હવે ઉંમર એટલી નાની હતી કે હું શું કરી શકું, પણ આ ઘટના મારા મગજમાં બેસી ગઈ. જ્યારે હું મોટો થયો ત્યારે મેં ડોક્ટર બનવાનું વિચાર્યું, જેથી હું આ લોકો માટે કંઈક કરી શકું.’

ડો. બ્રજમોહન પોતાની ચેમ્બરમાં.
ડો. બ્રજમોહન પોતાની ચેમ્બરમાં.

વાતચીતની વચ્ચે બબીતા ​​ગુલાટી વ્હીલચેર ચલાવતી આવી પહોંચે છે. ગુલાટી બ્રજમોહનને કહે છે- 'બહાર કેટલાક લોકો તમને મળવા આવ્યા છે.'

હું પણ બ્રજમોહન સાથે બહાર આવું છું.

કેટલાક લોકો મહારાષ્ટ્રથી આવ્યા છે. તેમની કોઈ પરિચિત વ્યક્તિ મૃત્યુ પામી છે. પૂછવા પર એક મહિલા કહે છે, 'જેનું મોત થયું છે તે માનસિક રીતે અસ્વસ્થ હતી. કોઈ પોતીકું નહોતું. તે ઘણાં વર્ષોથી અહીં રહેતી હતી.

કેટલાક એવા લોકો પણ આવ્યા છે, જેમની તબિયત ખરાબ છે. કોઈનો અકસ્માત થયો છે. બ્રજમોહન તેમને દવા સૂચવે છે. તેઓ કહે છે, 'મેં હોમિયોપેથીનો અભ્યાસ કર્યો છે. MBBS કરવાની ઈચ્છા હતી, પરંતુ ઉચ્ચ રેન્ક ન હોવાને કારણે BHMS જ મેળવ્યું. ડોક્ટર બનવા જ ભરતપુર આવ્યો હતો, ત્યારથી અહીં જ રહી ગયો છું.’

બ્રજમોહન મને અહીં રહેતા કેટલાક લોકોને મળવા લઈ જાય છે. તેઓ સાથે આ સંસ્થાના શરૂઆતના દિવસો વિશે જણાવી રહ્યાં છે. કહે છે કે 'હવે લગભગ 5 હજાર પ્રભુજી (લોકો) રહે છે. 4 સંસ્થા ભરતપુરમાં છે. હાલમાં દેશમાં કુલ 57 ‘અપના ઘર’ છે.

મેં એની શરૂઆત એક રૂમ અને પ્રભુજીથી કરી હતી. મને યાદ છે - કોલેજમાંથી પાસ આઉટ થયા પછી જ મેં સંસ્થા વિશે વિચારવાનું શરૂ કર્યું. જ્યારે મારા મિત્રોને ખબર પડી કે હું આવા લોકો માટે કામ કરવા માંગું છું, ત્યારે લોકો કહેતા હતા – મુંગેરીલાલ કે હસીન સપનેં…. પૈસા ક્યાંથી મળશે?

દેશભરમાં લાખો લોકો એવા છે, જેમનું કોઈ નથી. આ લોકો તેમના દિવસો રસ્તાના કિનારે વિતાવે છે. કેટલા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકીશ.

હું અને મારી પત્ની માધુરી, અમે બંનેએ સાથે મળીને થોડા મહિના પછી 23 પ્રભુજીની સેવા કરવાનું શરૂ કર્યું. પત્ની બધા લોકો માટે ભોજન રાંધતી. તેમને સ્નાન કરાવતી. ઘણા એવા પણ હતા, જેમને ડાયપર પહેરાવવું પડતું હતું. માધુરી તેમને પણ સાફ કરતી હતી.’

ડૉ. બ્રજમોહન તેમનાં પત્ની માધુરી સાથે.
ડૉ. બ્રજમોહન તેમનાં પત્ની માધુરી સાથે.

સામેના આશ્રમમાંથી માધુરી આવી રહી છે. બ્રજમોહન કહે છે, 'અમે બંને એકબીજાને 8-9મીથી ઓળખીએ છીએ. ધીમે ધીમે અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં. માધુરી પણ મારી ઈચ્છા મુજબ કરવા માગતી હતી. બાદમાં અમે બંનેએ પરિવાર વિરુદ્ધ લગ્ન કરી લીધાં. જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે અને જ્યારે મેં આ આશ્રમ શરૂ કર્યો ત્યારે મારે મારા પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

પરિવારજનોએ કહ્યું હતું કે અત્યારે તમને લાગે છે કે તમે આ લોકોની સેવા કરીને સારું કરી રહ્યા છો, પરંતુ પછી તમને પસ્તાવો થશે. તમે તમારા માટે શું કર્યું છે એ વિચારશો.

હું બ્રજમોહન સાથે બિલ્ડિંગમાં પ્રવેશ કરું છું. ભોંયરામાં એક સ્ટોર રૂમ છે, જ્યાં ચોખા, કઠોળ, લોટથી લઈને બાંધકામ સામગ્રી, તેલ-સાબુ બધું રાખવામાં આવે છે. એવું લાગે છે કે અમે બંને કોઈ મોલના ફ્લોર પર છીએ.

'અપના ઘર' સંસ્થાનો સ્ટોર રૂમ.
'અપના ઘર' સંસ્થાનો સ્ટોર રૂમ.

રસોડાનું સંપૂર્ણ સેટઅપ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. મશીન દ્વારા રોટલી બનાવવામાં આવી રહી છે. મોટા ડ્રમમાં દાળ તૈયાર કરવામાં આવી રહી છે. બ્રજમોહન કહે છે કે અહીંથી જ ભરતપુરના તમામ આશ્રમોમાં ભોજન જાય છે.

ડઝનબંધ સ્ટાફ ખોરાક તૈયાર કરવામાં અને પેક કરવામાં વ્યસ્ત છે. અહીં હરિયાણાના રાહુલ ભારદ્વાજ, અલીગઢના કિટ્ટુ ગોસ્વામી અને મધ્યપ્રદેશના બીનાથી બસંત યાદવ મળે છે. આ લોકો સ્ટાફ નથી, પ્રભુજી છે.

જ્યારે હું તેમને પૂછું છું કે તેઓ અહીં કેવી રીતે આવ્યા, તો તેઓ કહે છે, 'પોલીસ મને પકડીને અહીં લાવી હતી. ત્યારથી હું અહીં છું. ઘરે જવા માગે છે, પરંતુ જવાની મંજૂરી નથી. અમારી બળજબરીથી અટકાયત કરવામાં આવી છે. અમે સંપૂર્ણ સ્વસ્થ છીએ. એવા ડઝનબંધ લોકો છે, જેઓ અમારા જેવા ઘરે જવા માગે છે.’

વાત કરવાથી એવું પણ લાગે છે કે આ લોકો માનસિક અને શારીરિક રીતે ઠીક છે.

મહિલા સ્ટાફ રસોઈ બનાવી રહી છે.
મહિલા સ્ટાફ રસોઈ બનાવી રહી છે.
તસવીરમાં રાહુલ ભારદ્વાજ, કિટ્ટુ ગોસ્વામી અને બસંત યાદવ છે.
તસવીરમાં રાહુલ ભારદ્વાજ, કિટ્ટુ ગોસ્વામી અને બસંત યાદવ છે.

એ જ રીતે જ્યારે હું બ્રજમોહન સાથે અન્ય બિલ્ડિંગમાં પ્રવેશ કરું છું ત્યારે કેટલીક સ્ત્રીઓ ખરીદી કરી રહી છે. બંગડી, બિંદી ખરીદી રહી છે. અહીં કેટલીક મહિલાઓ પણ એક અવાજે બોલે છે, મારે ઘરે જવું છે. અમે સંપૂર્ણ સ્વસ્થ છીએ છતાં અમને આશ્રમની બહાર જવાની પરવાનગી નથી.

હું તેમનું નામ અને સરનામું પૂછું છું. બિહારના સહરસા જિલ્લાની રહેવાસી લક્ષ્મી છે, જે આ આશ્રમમાં 7 વર્ષથી રહે છે. દિલ્હીની રહેવાસી રતિ જ્યોતિ 5 વર્ષથી આ આશ્રમમાં છે. જ્યારે બિહારના અરરિયા જિલ્લાના કુરસકાંતા બ્લોકના મરાતીપુરની રહેવાસી વિમલા છેલ્લાં 10 વર્ષથી આ આશ્રમમાં છે.

આ મહિલાઓનું કહેવું છે કે રેલવે સ્ટેશન કે અન્ય જગ્યાએ ભટક્યા બાદ પોલીસ તેમને આ જગ્યાએ લાવી હતી. હવે તેને જવા દેવામાં આવતી નથી.

તમે લોકો શું કરો છો? જ્યારે પૂછવામાં આવે તો મહિલાઓ કહે છે - હું રસોડામાં રસોઈ બનાવું છું.

તસવીરમાં લક્ષ્મી, રતિ જ્યોતિ અને વિમલા.
તસવીરમાં લક્ષ્મી, રતિ જ્યોતિ અને વિમલા.

બધા એક પછી એક આશ્રમમાં પરત જાય છે.

દરમિયાન,મારી નજર એક બોર્ડ પર પડે છે, જે સામાન્ય રીતે દરેક બિલ્ડિંગના ગેટ પર લટકે છે. એના પર લખ્યું છે કે આ લોકો તમને ઘરે જવાનું કહેશે. એમ પણ કહેવામાં આવશે કે તેમને જવા દેવાયા નથી.

આ વાંચીને હું પ્રશ્નાર્થ નજરે બ્રજમોહન તરફ જોઉં છું.

બિલ્ડિંગના ગેટ પર નોટિસ બોર્ડ.
બિલ્ડિંગના ગેટ પર નોટિસ બોર્ડ.

તેઓ કહે છે, 'આ તમારા જેવા લોકો માટે માહિતી છે. હું પણ ઈચ્છું છું કે દરેક તેમના ઘરે જાય, પરંતુ ત્યારે જ કોઈ તેમને લઈ જશે. એવા ઘણા લોકો છે, જેમના પરિવારને ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ તેમને સ્વીકારવા માગતા નથી.

કેટલાક લોકોના સરનામાની ચકાસણી થઈ શકી નથી. અમારી 4 લોકોની ટીમ એડ્રેસ વેરિફિકેશનમાં વ્યસ્ત છે. દર મહિને અમે 150થી વધુ લોકોને તેમના ઘરે લઈ જઈએ છીએ.

સંસ્થામાં રહેતી મહિલાઓ સાથે વાત કરતા બ્રજમોહન.
સંસ્થામાં રહેતી મહિલાઓ સાથે વાત કરતા બ્રજમોહન.

હવે અમે બીજી ઇમારત તરફ આગળ વધીએ છીએ. માનસિક રીતે અસંતુલિત લોકો અહીં રહે છે. દીવાલના ટેકા સાથે લોખંડની જાળીની ફ્રેમ બનાવવામાં આવી છે. બ્રજમોહન કહે, 'તેમને આ રીતે રાખવા એ આપણી મજબૂરી છે. જેઓ સ્વસ્થ છે, તેમને તેમના અનુસાર અલગ-અલગ કામોમાં વ્યસ્ત રાખવામાં આવે છે. એવા ઘણા લોકો છે, જે પથારીમાંથી ઊઠી શકતા નથી. અમે આ બધાને રોડ, પ્લેટફોર્મ, બસ સ્ટોપ પરથી લાવ્યા છીએ.

થોડે દૂર ચાલ્યા પછી એક ઈમારતમાંથી બાળકોને રમતાં, બૂમો પાડતાં, રડવાનો અવાજ આવી રહ્યો છે. અંદર પ્રવેશતાં જ બિલ્ડિંગના વરંડામાં સૌથી વધુ બાળકો રમતાં જોવા મળ્યાં. બ્રજમોહનને જોઈને બધાં ગળે મળે છે. તેઓ બાબા-બાબા કહેવા લાગે છે.

આગળના રૂમમાં ડઝનબંધ પારણાં રાખવામાં આવ્યાં છે. આમાં નાનાં બાળકો રમતાં હોય છે. બ્રજમોહન કહે છે, 'દર મહિને બે-ચાર સગર્ભા સ્ત્રીઓ અહીં આવતી રહે છે. કેટલાકને એ પણ ખબર નથી હોતી કે તે તેમનું બાળક છે કે પછી તેઓ ગર્ભવતી છે.

બ્રજમોહન બાળકો સાથે રમે છે.
બ્રજમોહન બાળકો સાથે રમે છે.

તે બાળકોને જોઈને હું બ્રજમોહનને પૂછું છું. તમને કેટલાં બાળકો છે?

તેઓ હસીને કહે છે - પોતાનું બાળક શું છે, આ બધા મારાં બાળકો જ છે. મને લાગે છે કે જો મેં ફેમિલી પ્લાન બનાવ્યો હોત તો કદાચ હું આ બાળકો સાથે, આ પ્રભુજી સાથે આટલો લગાવ ન પામ્યો હોત. માધુરીનો પણ એ જ નિર્ણય હતો કે અમે અમારા બાળકને જન્મ નહીં આપીએ.

સાંજ થવા આવી છે. પ્રભુજીના ભોજનની તૈયારી ચાલી રહી છે. જે રીતે વ્યવસ્થા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે સંસ્થા ચલાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હશે.

મારા ઈશારાથી બ્રજમોહન સમજી ગયા. તેઓ કહે છે, 'આટલું બધું ગણિત ન કરો, તમે શરૂઆતમાં જે હોર્ડિંગ જોયું હશે એ ઠાકુરજીના નામનો પત્ર છે.

બધી પરિપૂર્ણતા આપમેળે જ થાય છે. મને ઠાકુરજીમાં વિશ્વાસ છે.

દરરોજ 10 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. સંસ્થાની જરૂરિયાત મુજબ અમે રોજ ઠાકુરજીને પત્ર લખીએ છીએ. ભગવાન જાણે છે કે બધું દાન, સરકાર અથવા કોઈપણ સંસ્થાના ભંડોળ વિના પૂર્ણ થાય છે. લોકો જાતે જ દાન આપવા આવે છે.

આવતા બુધવારે 26 જુલાઈએ ખુદ્દાર કહાનીમાં વાંચો....

................................................................................

ડિલિવરી થતાં જ તે કોમામાં જતી રહી, બંને હાથ અને પગ કાપવા પડ્યા; પુત્રને ક્યારેય તેડી શકી નહીં

'2018નું વર્ષ, હું ગર્ભવતી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. પ્રેગ્નન્સીનો સમય પૂરો થયો ત્યારે લેબર પેઈન શરૂ થયું. લગભગ 27 કલાક સુધી પીડાયા પછી પુત્રને જન્મ આપ્યો, પરંતુ તેને ભેટી શકી નહીં. ડિલિવરી પછી લોહીની એટલી બધી ઊણપ થઈ કે હું કોમામાં જતી રહી. હાથ-પગમાં ગેંગરીન રોગ ફેલાવા લાગ્યો, જેના કારણે હાથ-પગ પર ઘા થવા લાગ્યા. અંતે, ડૉક્ટરને બંને હાથ અને પગ કાપવા પડ્યા.

ખુદ્દાર કહાનીના આગામી એપિસોડમાં સંપૂર્ણ કહાની....

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links