- Gujarati News
- Rasihfal 2026 reels
- Vikram Samvat 2083 Annual Horoscope For Aquarius (Kumbh) Ascendant Sign : End Of Panoti, Planetary Support, Love Relationships & Financial Condition
કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ:પનોતીના અંત સાથે ભાગ્ય ચમકશે, કરિયરમાં ગ્રહોનો સાથ મળશે; રાહુના ભ્રમણથી આર્થિક નુકસાનની શક્યતા
- કૉપી લિંક

10 નવેમ્બર, મંગળવારથી વિક્રમ સંવત 2083 શરુ થયું છે. આ સંપૂર્ણ વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ.

નૂતન વર્ષ આપના માટે વૈવાહિક જીવનમાં પ્રેમ અને મધુરતા લઈને આવી રહ્યું છે. વીતેલાં વર્ષ દરમિયાન જીવનસાથી સાથે અણબનાવ કે કડવાશ રહી હશે, તો હવે ધીમે-ધીમે પરિસ્થિતિ સુધરશે. વિશેષ કરીને કુંભ લગ્ન ધરાવતા અવિવાહિતો માટે સગાઈનો યોગ બની રહ્યો છે. જો દશા અનુકૂળ હશે, તો નવા વર્ષમાં સગાઈ થઈ શકે છે.

આરોગ્ય બાબતે વિશેષ ચિંતા કરવાનો અવકાશ નથી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. વૃદ્ધોને આંખ, ગળાની નાની-મોટી ફરિયાદ રહી શકે છે. લાંબા પ્રવાસનું આયોજન થઈ શકે છે. જોકે, જ્યાં સુધી નજીકના નાના પ્રવાસની વાત છે, તો જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કોઈ કારણસર વિલંબ થઈ શકે છે.

નૂતન વર્ષ દરમિયાન ભણતર પ્રત્યે રુચિ વધશે. જેમ-જેમ નવું વર્ષ આગળ વધશે, તેમ-તેમ આળસ દૂર થશે અને એકાગ્રતા વધશે. ગ્રહોનો સાથ મળવાનો છે. તેથી જેટલી મહેનત વધારે કરશો, તેટલું સારું પરિણામ મેળવી શકશો. બુધ, ગુરુ કે શુક્રની દશા ચાલી રહી છે અને MBA કે ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવાની ઈચ્છા છે, તો પુરુષાર્થ કરવાથી સફળતા મળશે.

વેપારીમિત્રો માટે વર્ષ 2027માં એપ્રિલથી વર્ષપર્યંતનો સમય વિશેષ અનુકૂળ રહી શકે છે. નવી ભાગીદારી અને જીવનસાથી સાથેના સહકાર થકી વેપારમાં કંઈક નવું આયોજન થઈ શકે તેમ છે. નવા વર્ષમાં ક્લાયન્ટ્સ વધી શકે છે. વિદેશ સાથેના વેપારમાં થોડા ગૂંચવાડા રહેશે. નોકરી બાબતે પણ વર્ષ 2027નો ઉત્તરાર્ધ પણ સારો રહેશે. નવી નોકરી માટે માર્ચ/એપ્રિલ સુધી ધીરજ રાખવી.

વીતેલા સમય દરમિયાન ભૂમિ-ભવન બાબતે જો વિલંબ થયો હોય, તો હવે પુરુષાર્થ વધારવાથી સફળતા મળી શકે છે. ડિસેમ્બર પછી આ બાબતે વધુ સ્પષ્ટતા જણાશે. મોટી ઉધારી કે જોખમ ન લેવાની સલાહ છે. પોતાના બજેટ પ્રમાણે રોકાણ કરવું વધારે હિતાવહ રહેશે. સૂર્ય, ચંદ્ર, શુક્રની દશા ચાલતી હશે, તો મિલકત, રિનોવેશન વગેરે બાબતે બળવાન યોગ ગણાય.

કોર્ટ-કચેરીની બાબતોમાં ચિત્ર અસ્પષ્ટ બની શકે છે. કોઈ કારણસર ગૂંચવાડા કે વિલંબ થઇ શકે છે. જો સમાધાન કરવાની ઈચ્છા છે, તો પ્રયત્નો વધારવાથી સુખદ પરિણામ મળી શકે છે. ધંધાકીય સ્પર્ધામાં શત્રુ તરફથી હેરાનગતિ થવાની સંભાવના ઓછી છે. જો મૂળ કુંડળી બળવાન હશે, તો સરકારી ટેન્ડર બાબતે એપ્રિલ પછીનો સમય અનુકૂળ રહી શકે છે.

જીવનસાથીનો સહકાર મળશે, પરંતુ સાસરીપક્ષ સાથે કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ રહેશે. જવાબદારી પૂરી કરવામાં સફળતા મેળવી શકશો. સ્વતંત્ર બિઝનેસ કરતી આત્મનિર્ભર સ્ત્રીઓ માટે માર્ચ/એપ્રિલ પછીનો સમય આર્થિક રીતે વધારે અનુકૂળ રહી શકે તેમ છે. નોકરી કરનાર મહિલાઓને વર્ષ 2027 દરમિયાન નોકરીમાં કંઈક ફેરફાર આવી શકે છે.

નૂતન વર્ષ દરમિયાન પ્રેમ અને લાગણીના સંબંધો મજબૂત બનશે. સોશિયલ નેટવર્ક વધશે. મિત્રો સાથે સંતુલન જાળવવું. નાનાં ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ વધશે. પ્રેમ અને હૂંફ માટે કોઈ પ્રિયપાત્રની શોધમાં છો, તો મિત્રો કે સોશિયલ મીડિયા દ્વારા નવા પાત્રનું આગમન થઈ શકે છે. પાત્ર સંસ્કારી અને યોગ્ય છે તો સગાઈ કરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.

વેપાર અર્થે વિદેશ જવાનો બળવાન યોગ બની રહ્યો છે. નવા કરાર, પ્રોજેક્ટ કે ભાગીદારી સંબંધિત કાર્યો બાબતે વિદેશના લોકો સાથે જોડાવાની ઈચ્છા થશે. સૂર્ય, મંગળ, શુક્ર, શનિ કે રાહુની દશા ચાલે છે, તો નાના-મોટા પ્રવાસનો યોગ છે. વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીમિત્રોને સમગ્ર નૂતન વર્ષ દરમિયાન સારી કોલેજ/યુનિવર્સિટીમાં પ્રવેશ મળવાની શક્યતા છે.

દેવાધિદેવ મહાદેવજીના ક્રૂર સ્વરૂપ ‘રુદ્ર’ને સમર્પિત થવું પડશે. નિત્ય ‘ૐ રુદ્રદેવાય નમઃ’ મંત્રનો માનસિક જાપ કરવો. શનિવારે કાળા તલ મિશ્રિત જળથી શિવાભિષેક કરવો. શનિવારે સફાઈ કર્મચારી કે પીડિત જરૂરિયાતમંદને મકાઈ/બાજરી/ચણા અથવા રોકડનું દાન કરવું. જૈનબંધુઓએ પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવી.

પનોતીકાળ લગભગ પૂરો થવા પર હોવાથી અકળામણ, ગૂંચવાડા અને અસંતોષ ઘટતાં જશે, જેની સારી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડશે. 15 ડિસેમ્બર પછી દરેક બાબતમાં સ્પષ્ટતા જણાશે.

આર્થિક બાબતો માટે એપ્રિલ પછીનો સમય વધારે અનુકૂળ રહેશે. પોતાની આવડત, આયોજન અને દીર્ઘ દૃષ્ટિ દ્વારા યોગ્ય આર્થિક આયોજનો કરી શકશો.

નૂતન વર્ષ દરમિયાન દેવગુરુ બૃહસ્પતિનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. વિશેષ કરીને કુંભલગ્નની કુંડળી માટે ગુરુનો સંબંધ આવક, બચત અને રોકડ સાથે છે. ગુરુનું સપ્તમ સ્થાન પરથી ભ્રમણ આવકના નવા સ્રોત ઊભા કરવામાં મદદરૂપ બનશે. જોકે, આ માટે કોઈના સાથ-સહકારની આવશ્યકતા રહેશે. ટીમવર્ક અથવા ભાગીદારી દ્વારા નવું આયોજન કરી શકાય તેમ છે. જો મૂળ કુંડળીમાં ભાગીદારીથી લાભ હશે, તો નવા વર્ષમાં આ લાભ અવશ્ય દેખાશે.

શનિનું ભ્રમણ ધનસ્થાન પરથી થઈ રહ્યું છે. આપની રાશિ ગમે તે હોય, પણ જો આપની ઉંમર 35-36 વર્ષથી વધારે છે, તો આ ભ્રમણ આવક, બચત બાબતે ગંભીરતાનો પાઠ શીખવાડશે. યોગ્ય આયોજન કરી શકશો. આ ભ્રમણ એકંદરે શુભ ગણાય. યુવામિત્રોને હાથ પર રોકડની થોડી અછત રહી શકે છે. જૂન પછી શનિનું તૃતીય સ્થાનમાં ભ્રમણ વિચારશીલ અને બુદ્ધિમતા આપશે. ગણતરીપૂર્વકના સાહસ/પરિશ્રમથી આર્થિક લાભ મેળવી શકશો.

વર્ષ 2027 દરમિયાન રાહુ, કેતુનું ભ્રમણ અનુક્રમે બારમા તથા છઠ્ઠા ભાવ પરથી રહેશે. બારમે રાહુનું ભ્રમણ આર્થિક મોટા જોખમમાં નુકસાન કરાવી શકે, કોર્ટ-કચેરીની બાબતમાં સજાગ રહેવું. વેપાર-ધંધામાં કે વ્યક્તિગત સંબંધમાં કોઈને મોટી ઉધારી આપવી નહીં. કેતુ છઠ્ઠા ભાવમાં નોકરીમાં ફેરફાર આપી શકે છે. દૈનિક જીવનમાં શિસ્ત જળવાઇ રહે તે જરૂરી બનશે. નીતિ-નિયમો અને આરોગ્ય બાબતે સતર્કતા રાખવી જરૂરી બનશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું.
,
વાર્ષિક રાશિફળઃ વિક્રમ સંવત 2083નું વર્ષ બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે? વીડિયો દ્વારા જાણો આવનારા વર્ષનું ભવિષ્યફળ

10 નવેમ્બર, મંગળવારથી વિક્રમ સંવત 2083 શરુ થયું છે. આ સંપૂર્ણ વર્ષ દરમિયાન બારેય રાશિના જાતકોની ગ્રહસ્થિતિ કેવી રહેશે? તેમની નાણાકીય સ્થિતિ, માનસિક સ્થિતિ, લગ્નજીવન અને દાંપત્ય, વ્યવસાય તથા આરોગ્ય કેવું રહેશે? વિગતવાર માહિતી જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી જાણીએ. સંપૂર્ણ સમાચાર વાંચો…
















