Mon, Nov 16, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

આ અઠવાડિયે 5 ફેક્ટર્સ નક્કી કરશે બજારની ચાલ:થોક મોંઘવારી, વિદેશી રોકાણકારોની ખરીદી-વેચાણ પર નજર, જાણો બજાર કઈ દિશામાં જઈ શકે?

1 દિવસ પેહલા
  • કૉપી લિંક

શેર બજારમાં 16 નવેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં ઘટાડો જોવા મળી શકે છે. જથ્થાબંધ મોંઘવારીના આંકડા, વિદેશી રોકાણકારોની ખરીદી-વેચાણ જેવા પરિબળો બજારની ચાલ નક્કી કરશે.

ચાલો સમજીએ કે આ અઠવાડિયે બજારમાં શું થઈ શકે છે…

વેલ્થવ્યૂ એનાલિટિક્સના ડિરેક્ટર હર્ષુભ શાહના જણાવ્યા અનુસાર, આવનારા અઠવાડિયામાં બજારમાં મંદીનું વર્ચસ્વ રહી શકે છે અને નિફ્ટીમાં નીચે તરફની મૂવમેન્ટ જોવા મળી શકે છે.

શાહના જણાવ્યા અનુસાર, મંગળવાર, 17 નવેમ્બરનું સેશન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો નિફ્ટી મંગળવારના હાઈને મજબૂતીથી તોડીને ઉપર નીકળે છે, તો બજારમાં તેજી પાછી ફરી શકે છે.

બીજી તરફ, જો તે મંગળવારના લો કરતાં નીચે સરકે છે, તો વેચવાલીનું દબાણ વધી શકે છે. ટ્રેડર્સે કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં આ લેવલ્સ તૂટવાની રાહ જોવી જોઈએ.

નિફ્ટીના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ

સપોર્ટ ઝોન: 25,100 | 25,054 | 25,000 | 24,800

સપોર્ટ એટલે તે સ્તર જ્યાં શેર અથવા ઇન્ડેક્સને નીચે પડવાથી સહારો મળે છે. અહીં ખરીદી વધવાથી કિંમત સરળતાથી નીચે જતી નથી. આ સ્તરો પર ખરીદીની તક મળી શકે છે.

રેઝિસ્ટન્સ ઝોન: 25,200 | 25,246 | 25,300

રેઝિસ્ટન્સ તે સ્તર છે જ્યાં શેર અથવા ઇન્ડેક્સને ઉપર જવામાં અવરોધ આવે છે. આવું વેચવાલી વધવાથી થાય છે. જો નિફ્ટી રેઝિસ્ટન્સ ઝોન પાર કરે છે, તો તેજી આવી શકે છે.

હવે 5 ફેક્ટર્સ જે બજારની દિશા નક્કી કરી શકે છે…

1. વિદેશી રોકાણકારો (FII)ની સતત ખરીદી

FII ભારતીય બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. શુક્રવારે સતત 10મા કારોબારી સત્રમાં FII નેટ બાયર રહ્યા. ઑક્ટોબરના અંતથી શરૂ થયેલા આ ખરીદીના તબક્કામાં વિદેશી રોકાણકારોએ અત્યાર સુધીમાં આશરે 89,515 કરોડ રૂપિયા ભારતીય બજારમાં રોકાણ કર્યા છે.

આ વાપસી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 2026ના શરૂઆતના 10 મહિનામાં FIIએ રેકોર્ડ 2.95 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જેના કારણે બજાર પર ભારે દબાણ હતું. આવતા અઠવાડિયે પણ તેમની ખરીદી ચાલુ રહે છે કે નહીં, તેના પર બજારની નજર રહેશે.

કેટેગરીનવીનતમછેલ્લા 7 દિવસછેલ્લા 30 દિવસ
DII-2,254-24,192-35,037
FII/FPI5,73733,34382,910

નોંધ: FIIs અને DIIsના ચોખ્ખા ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.

2. મધ્ય પૂર્વનો તણાવ અને કાચા તેલના ભાવ

ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ 'અસરકારક રીતે સમાપ્ત' થઈ ગયું છે, જેના કારણે કાચા તેલની કિંમત થોડી ઘટી હતી. પરંતુ સાઉદી અરેબિયાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા નવા હુમલાઓ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર પ્રભાવિત થવાથી તેલની કિંમતોમાં ફરી ઉછાળો આવ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ આશરે 96 ડૉલર પ્રતિ બેરલ છે.

ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે. તેલ મોંઘું થવાથી ભારતનું આયાત બિલ વધી શકે છે. આ બજાર માટે ચિંતાની વાત છે.

3. મોંઘવારીના આંકડાઓ પર રહેશે રોકાણકારોની નજર

ઓક્ટોબર મહિનાના જથ્થાબંધ મોંઘવારીના આંકડા 16 નવેમ્બરે જાહેર થશે. તે પહેલાં 12 નવેમ્બરે જાહેર થયેલા છૂટક મોંઘવારી દરમાં ઓક્ટોબરમાં વધારો થઈને તે 6.09% પર પહોંચી ગયો, જે સપ્ટેમ્બરમાં 5.54% હતો.

આ સતત 12મો મહિનો છે જ્યારે મોંઘવારી વધી છે. ઓક્ટોબરનો આંકડો RBI એટલે કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના 2%થી 6%ના નિર્ધારિત દાયરાની બહાર નીકળી ગયો છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે ડિસેમ્બરમાં RBI વ્યાજદરોમાં 0.25%નો વધારો કરી શકે છે. તેથી બજારમાં આ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કારોબાર થશે.

4. એનવિડિયાના પરિણામો અને વિવાદની અસર

અમેરિકન ચિપમેકર કંપની એનવિડિયા આ દિવસોમાં મોટા વિવાદોમાં છે. કંપનીના CEO જેન્સેન હુઆંગે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે તેમના એક બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હતા. અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ તે બિઝનેસ એક્ઝિક્યુટિવ પર ચીની જાસૂસ હોવાનો આરોપ મૂક્યો છે.

કંપનીએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ સમાચાર બાદ છેલ્લા 5 દિવસમાં શેર 5%થી વધુ ઘટ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં શેરની કિંમતમાં 25%થી વધુનો ઘટાડો થયો છે.

હવે સૌની નજર મંગળવાર, 17 નવેમ્બરે જાહેર થનારા એનવિડિયાના ત્રિમાસિક પરિણામો પર છે. તેનાથી વૈશ્વિક AI ટ્રેડમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, જેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે.

5. ટેકનિકલ પરિબળ

નિફ્ટીમાં 24,800નું સ્તર તૂટતાં વેચવાલી આવી શકે છે

LKP સિક્યોરિટીઝના ટેકનિકલ એનાલિસ્ટ વત્સલ ભુવાનું માનવું છે કે નિફ્ટી જ્યાં સુધી 24,800ના મહત્વપૂર્ણ સ્તરથી ઉપર જળવાઈ રહે છે, ત્યાં સુધી બજારમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહેશે.

તાજેતરની તેજી બાદ ઇન્ડિકેટર્સ થોડા 'ઓવરબૉટ' ઝોનમાં જરૂર છે, જેના કારણે બજારમાં થોડી સુસ્તી અથવા ઘટાડો આવી શકે છે, પરંતુ તેને ટ્રેન્ડ બદલાવાને બદલે ખરીદીની તક તરીકે જોવું જોઈએ.

ઉપરની તરફ નિફ્ટી 25,500થી 25,800ના સ્તર સુધી જઈ શકે છે, જ્યારે નીચેની તરફ 25,000 પર પ્રથમ અને 24,800 પર મજબૂત સપોર્ટ છે. આની નીચે બંધ આવે ત્યારે જ તેજીનો સિલસિલો તૂટશે.

મર્યાદિત દાયરામાં કારોબાર જોવા મળી શકે છે

જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સના વિનોદ નાયર અનુસાર, અમેરિકામાં મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં વધુ રહેવાને કારણે ત્યાં પણ ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની આશંકા વધી છે. દેશમાં ખાદ્યપદાર્થોના ભાવ વધવાને કારણે મોંઘવારી બે વર્ષના ઉચ્ચતમ સ્તરે છે.

નાયરનું માનવું છે કે બજારમાં મર્યાદિત દાયરામાં કારોબાર જોવા મળી શકે છે. તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે તેઓ પસંદગીના શેરોમાં જ નાણાં રોકે, મજબૂત કમાણીની સંભાવના ધરાવતા લાર્જ-કેપ શેરોને પ્રાથમિકતા આપે અને બજારના ઘટાડાનો ઉપયોગ ખરીદીની તક તરીકે કરે.

શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું હતું બજાર

નફાવસૂલી અને ગ્લોબલ AI ટ્રેડમાં હલચલને કારણે શુક્રવારે સેન્સેક્સ 319 પોઈન્ટ ઘટીને 81,592 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 155 પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને તે 25,144ના સ્તરે આવી ગયો.

જોકે, શુક્રવારના ઘટાડા છતાં વિદેશી રોકાણકારો (FII)ની ખરીદી અને કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામોના સહારે બજાર સાપ્તાહિક ધોરણે તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યું.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links