Mon, Nov 16, 2026Updated 02:19 PM IST
Google Preferred Source CTA

ગુડબાય 2025
31 ડિસેમ્બર સુધીમાં પતાવો 4 કામ:પાનને આધારથી લિંક કરો, સસ્તી કાર ખરીદવાની તક અને સ્મોલ સેવિંગ્સ સ્કીમના રોકાણમાં પણ ફાયદો

11 મહિનો પેહલા
  • કૉપી લિંક

આ મહિનાના છેલ્લા દિવસ, એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં કાર ખરીદવાની સારી તક છે. કંપનીઓ 1 જાન્યુઆરીથી ભાવ વધારવાની તૈયારીમાં છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરો પણ ઘટી શકે છે, તેથી જો તમે હમણાં રોકાણ કરવાનો પ્લાન બનાવો છો તો તમને વધારે વ્યાજદરોનો લાભ મળી શકે છે. આ ઉપરાંત અન્ય બે કામ માટેની સમયમર્યાદા પણ પૂરી થઈ રહી છે.

31 ડિસેમ્બર સુધીમાં પતાવો 4 કામ...

1. 31 ડિસેમ્બર સુધીમાં સસ્તી કાર ખરીદવાની તક

1 જાન્યુઆરીથી કારના ભાવમાં વધારો થશે. ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે 1 જાન્યુઆરી, 2026થી MG મોટરની તમામ કારની કિંમત 2% વધી જશે. MG હેક્ટર ₹38,000 મોંઘી થશે.

છેલ્લાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડને ધ્યાનમાં લેતાં મારુતિ, ટાટા અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓની કારના ભાવમાં વધારો લગભગ નિશ્ચિત છે, જોકે તેમણે હજુ સુધી સત્તાવાર રીતે આ જાહેરાત કરી નથી. MG ઉપરાંત, મર્સિડીઝ અને BMWએ લક્ઝરી સેગમેન્ટમાં 2-3%ના ભાવવધારાની જાહેરાત કરી છે.

2. નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે

31 ડિસેમ્બર સુધીમાં નાની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ઘટાડો જાહેર થઈ શકે છે. RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 5.25% કર્યો છે, તેથી સરકારી બચત યોજનાઓ પરના વ્યાજમાં પણ ઘટાડો થવાનું અનુમાન છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના, NSC, માસિક આવક યોજના, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, KVP અને ટાઈમ ડિપોઝિટ જેવી પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. PPF વ્યાજદરની પણ સમીક્ષા કરવામાં આવશે.

વ્યાજદર કેમ ઘટી શકે છે?

  • રેપો રેટ ઘટવાથી બેંકોને પૈસા સસ્તા મળે છે.
  • એેનાથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને નાની બચત યોજનાઓ પરના દર ઘટે છે.
  • સરકાર દર ક્વાર્ટરમાં (જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર) દરોની સમીક્ષા કરે છે.

3. આધારથી લિંક નહીં હોય તો પાનકાર્ડ બંધ થઈ શકે

જે લોકોનું આધાર કાર્ડ 1 ઓક્ટોબર, 2024ના રોજ અથવા એ પહેલાં બનાવવામાં આવ્યું હતું, તેમણે 31 ડિસેમ્બર સુધીમાં તેને પાન સાથે લિંક કરવું જરૂરી છે. જો લિંક નહીં હોય તો પાનકાર્ડ બંધ થઈ શકે છે.

આધારને પાનકાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ

  • ઈન્કમટેક્સની ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર જાઓ. લિંક આધાર પર ક્લિક કરો → પાન અને આધાર નંબર દાખલ કરો → ઈ-પે ટેક્સ દ્વારા ₹1,000 ફી ચૂકવો. એસેસમેન્ટ યર 2026-27 પસંદ કરો. ટાઈપ ઓફ પેમેન્ટમાં (500) Other Receipts પસંદ કરો. તમારી સુવિધા મુજબ ચુકવણી કરો.
  • 3-4 કલાક પછી ફરી પોર્ટલના 'Link Aadhaar' સેક્શનમાં જાઓ. પાન અને આધાર નંબર દાખલ કરી 'Validate' પર ક્લિક કરો. 'Your payment details are verified' એવો મેસેજ દેખાશે, પછી 'Continue' પર ક્લિક કરો. તમારું નામ અને મોબાઇલ નંબર દાખલ કરો અને OTP વડે માન્ય કરો.
  • સ્ટેટસ ચેક કરવા માટે પોર્ટલ પર 'Link Aadhaar Status' પર જાઓ. તમારો પાન અને આધાર નંબર દાખલ કરો. જો લિંક થઈ ગયું હશે તો 'ગ્રીન ચેકમાર્ક' દેખાશે.

જો લિંક નહીં કરો તો કઈ સમસ્યાઓ ઊભી થશે?

જો પાનકાર્ડ બંધ થઈ જશે તો તમે તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરી શકશો નહીં અથવા તમારું બાકી રિફંડ મેળવી શકશો નહીં. તમને બેંક ખાતા અથવા મ્યુચ્યુઅલ ફંડથી જોડાયેલાં કામોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

4. ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ ન કરવાથી રિફંડ અટકી શકે છે

જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો તમે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં લેટ ફી સાથે ફાઈલ કરી શકો છો. આમ ન કરવાથી નોટિસ, દંડ અને અન્ય કાનૂની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

જો તમે 5 લાખથી ઓછી આવક માટે મોડું આવકવેરા રિટર્ન ફાઈલ કરો છો તો તમારી પાસેથી 1,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે. 5 લાખ કે તેથી વધુ આવક માટે તમારી પાસેથી 5,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે.

ટેક્સ એક્સપર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) આનંદ જૈનના (ઈન્દોર) મતે જો તમે 31 ડિસેમ્બર પછી તમારું ITR ફાઈલ કરો છો, તો તમે તમારા રિફંડનો દાવો કરી શકશો નહીં. રિફંડના રૂપિયા સરકાર પાસે જશે.

ITR-U ભરવા પર વધારાનો દંડ લાગશે

જો તમે 31 ડિસેમ્બર પછી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો, તો તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે:

  • 12 મહિનાની અંદર: કુલ ટેક્સના 25% વધુ.
  • 24 મહિનાની અંદર: કુલ ટેક્સના 50% વધુ.
  • 36 થી 48 મહિનાની અંદર: 60% થી 70% વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links