- Gujarati News
- Bhaskar khaas
- Swapnadrushta
- The Shadow Scientist's Prediction Came True, Verghese Kurien Created The White Revolution
સ્વપ્નદૃષ્ટા-3આણંદને ધિક્કારતા વર્ગીસ કુરિયને ₹1 લાખ કરોડનું 'અમૂલ’ સર્જ્યું:પોલ્સન, નેસ્લે, યુનિસેફનાં મોં બંધ કર્યાં; એક સમયે આ કુંવારા, માંસાહારી, ખ્રિસ્તી યુવાનને કોઈ ઘર નહોતું આપતું
- કૉપી લિંક

છાયાશાસ્ત્રીની સચોટ ભવિષ્યવાણી
1950ના દાયકાની શરૂઆતની વાત છે, જ્યારે વર્ગીસ કુરિયન નામના એક 28 વર્ષીય યુવાન એન્જિનિયર પોતાના જીવનથી કંટાળી ગયા હતા. કેરળના કાલિકટમાં જન્મેલા અને મદ્રાસ અને મિશિગન સ્ટેટ યુનિવર્સિટી (USA)માં સાયન્સ અને એન્જિનિયરિંગનું એજ્યુકેશન મેળવનારા કુરિયનને ગુજરાતના ધૂળિયા, બોરિંગ અને રૂઢિચુસ્ત ગણાતા નાનકડા શહેર આણંદમાં સરકારી ક્રીમરીમાં કામ કરવાની ફરજ પડી હતી. ધાતુશાસ્ત્ર (મેટલર્જી) અને પરમાણુ ભૌતિકશાસ્ત્ર (ન્યૂક્લિયર ફિઝિક્સ)માં માસ્ટર ડિગ્રી સાથે પાછા ફરેલા કુરિયનને ડેરી એન્જિનિયરિંગના બીબાંઢાળ કામથી સખત નફરત હતી.***
પરંતુ પછીનાં વર્ષોમાં સમયનું ચક્ર એવું ફર્યું કે તેઓ ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ (વ્હાઇટ રિવોલ્યુશન)ના પ્રણેતા બન્યા. આજે પણ તેમનો જન્મદિવસ 26 નવેમ્બર ભારતમાં ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઊજવવામાં આવે છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘સ્વપ્નદૃષ્ટા’ના આજના એપિસોડમાં આપણે જાણીએ સવાયા ગુજરાતી એવા ડૉ. વર્ગીસ કુરિયન અને તેમની શ્વેતક્રાંતિ વિશે.
***

છાયાશાસ્ત્રીએ આગાહી કરી અને ‘નાસ્તિક’ વર્ગીસ કુરિયન સ્તબ્ધ થઈ ગયા
યુવાન વર્ગીસ ફક્ત પોતે લીધેલી સરકારી લોનની ચુકવણી કરીને ભાગી જવાની આશામાં સમય પસાર કરી રહ્યા હતા. આ દરમિયાન એક વિચિત્ર ઘટના બની. બોમ્બે મિલ્ક સ્કીમની લેબોરેટરીમાં કેમિસ્ટ તરીકે કામ કરતા તેમના મિત્ર ફિરોઝ મેદોરાએ કુરિયનને કહ્યું કે ‘યાર, મારા ભાઇનાં લગ્ન બાબતે હું એક છાયાશાસ્ત્રીની સલાહ લેવા જાઉં છું. મારી સાથે આવ ને. જ્યોતિષી પોતાને ત્યાં સલાહ લેવા આવનારી વ્યક્તિને બપોરના તડકામાં ઊભી રાખતી અને એનો પડછાયો માપીને પ્રાચીન ગ્રંથોમાં આપેલાં વર્ણન સાથે એને મેચ કરીને ભવિષ્યનું ફળકથન કરતો હતો.
કુરિયન પોતાને નાસ્તિક માનતા હતા, પણ તેમને આ ભેદી વિદ્યામાં રસ પડ્યો અને માત્ર મજા માટે તેમની સાથે આવવા સંમત થયા. જ્યોતિષીએ કુરિયનનો પડછાયો પણ માપ્યો. જૂના ગ્રંથોમાં જોઇને તેમણે કહ્યું, ‘તમે નાસ્તિક છો.’ કુરિયને સંમતિમાં ડોકું ધુણાવ્યું.
પણ પછીની વાત સાંભળીને કુરિયન સ્તબ્ધ થઇ ગયા. છાયા જ્યોતિષીએ તેમના બાળપણ અને પરિવાર વિશે સચોટ વિગતો આપી. પછી તેમણે આગાહી કરી: ‘તમે તમારી વર્તમાન નોકરીથી ખૂબ જ નાખુશ છો, પરંતુ એક મહિનામાં તમે નોકરી બદલી નાખશો અને પછી તમે કારકિર્દી કારકિર્દીની એવી અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે, જે તમારી કલ્પનાથી પણ આગળ હશે.’ કુરિયને એ વખતે વાત હસી કાઢી, પરંતુ એ વાત સાચી હતી કે નોકરીથી કંટાળેલા કુરિયન છેલ્લા આઠ મહિનાથી રાજીનામાં લખી રહ્યા હતા.
જ્યોતિષીની વાત સાચી પડી. એક જ મહિનામાં તેમણે સરકારી ક્રીમરીની નોકરી છોડીને નજીકના ‘કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ’ (KDCMPUL)માં કામ કરવાનું શરૂ કર્યું, જે આજે ‘અમૂલ’ તરીકે ઓળખાય છે. તેમના જીવનમાં આવેલું આ પરિવર્તન ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’નો પાયો બનવાનું હતું.
એક્ચ્યુઅલી ગ્રેજ્યુએશન પછી કુરિયન TISCO (ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની), જમશેદપુરમાં નોકરી કરતા હતા, જ્યાં તેમના મામા જ્હોન મથાઈ (સ્વતંત્ર ભારતના પ્રથમ રેલમંત્રી અને પછી નાણામંત્રી) પણ હતા, જેને કારણે કુરિયન અસહજ અનુભવતા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પોતાના કાકાને કહી દીધેલું કે મને આ નોકરી કરવામાં સહેજેય રસ નથી, કેમ કે અહીં હું માત્ર તમારા ભત્રીજા તરીકે જ ઓળખાઈ રહ્યો છું.

ત્યાં તેમને બ્રિટિશ સરકારની એક જાહેરાત ધ્યાનમાં પડી. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અપાતી સ્કોલરશિપ માટે કુરિયને અરજી કરી. ઇન્ટરવ્યૂમાં તેમને પુછાયું, ‘પેશ્ચરાઇઝેશન વિશે તમે શું જાણો છો?’ કુરિયને કહ્યું, ‘મને ઝાઝી તો નથી ખબર, પણ દૂધને જંતુમુક્ત કરવાની એ પ્રોસેસ છે.’ પેનલે કહ્યું, ‘કર્રેક્ટ. તમને ડેરી એન્જિનિયરિંગ માટે સિલેક્ટ કરવા માગે છે. કુરિયનને હસવું કે રડવું એ જ સમજ ન પડી, કેમ કે તેમને ડેરી એન્જિનિયરિંગમાં લગીરેય રસ નહોતો, પરંતુ ટાટા સ્ટીલમાંથી છૂટવા બેંગલોર ખાતે આવેલી ‘ઇમ્પીરિયલ ડેરી ઇન્સ્ટિટ્યૂટ’માં જોડાવું પડ્યું. આઠેક મહિના પછી 1946ના શિયાળામાં અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં ડેરી એન્જિનિયરિંગ ભણવા ગયા. તેમણે નવી યુક્તિ અજમાવી. ડેરી એન્જિનિયરિંગ માટેના અમુક ટોકન કોર્સમાં એડમિશન લઇને મુખ્યત્વે મેટલર્જી તથા એટોમિક એનર્જી ભણ્યા.
1948માં તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમના આઘાત વચ્ચે ભારતના ભાગલા પડી ચૂક્યા હતા અને લોહિયાળ સંઘર્ષમાં લાખો લોકોનાં લોહી રેડાઈ ચૂક્યાં હતાં.
ભારત સરકારના શિક્ષણ ખાતાના અન્ડર સેક્રેટરીએ આદેશ કર્યો, ‘તમારે આણંદ ક્રીમરીમાં જઇને રિપોર્ટ કરવાનો છે.’‘આણંદ? એ ક્યાં આવ્યું?’ કુરિયને પૂછ્યું.‘મુંબઇની નજીક જ છે!’ મુંબઇથી 474 કિમી દૂર આવેલું આણંદ અન્ડર સેક્રેટરીને નજીક લાગતું હતું. કુરિયને આણંદ જવા નનૈયો ભણ્યો. એક્ચ્યુઅલી, ‘યુનિયન કાર્બાઇડ’ નામની પેસ્ટિસાઇડ્સ બનાવતી કંપની કલકત્તામાં પોતાનું યુનિટ સ્ટાર્ટ કરી રહી હતી અને ત્યાં કુરિયનને 1 હજાર રૂપિયાની બેઝિક સેલરીથી જોબ ઑફર કરી ચૂકી હતી (આ જ યુનિયન કાર્બાઇડ કંપની 1984માં ‘ભોપાલ ગેસ દુર્ઘટના’ માટે જવાબદાર બની).
‘સરકારે તમારા પર 30 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છે. જો તમે આણંદનું અસાઇનમેન્ટ નહીં સ્વીકારો તો હું તમારા પર કેસ કરીશ અને બધા પૈસા રિકવર કરાવડાવીશ.’ અન્ડર સેક્રેટરીએ કડક અવાજે કુરિયનને કહી દીધું.
હવે વર્ગીસ કુરિયનને આણંદ ગયા વિના છૂટકો નહોતો.

આણંદના એક અણગમતા મહેમાન અને સંઘર્ષની શરૂઆત
વર્ગીસ કુરિયન 13 મે, 1949ના રોજ આણંદ રેલવે સ્ટેશન પર ઊતર્યા. અમેરિકાની હવા ખાઈ આવેલા જુવાનિયાને ઠંડું, દેશી અને રૂઢિચુસ્ત આણંદ ક્યાંથી માફક આવે! આણંદમાં કોઈ કુરિયનને રૂમ ભાડે આપવા તૈયાર નહોતું. કારણ કે કુરિયન બહારના હતા, મલયાલી હતા, ખ્રિસ્તી હતા, માંસાહારી અને સૌથી ‘ખરાબ’, કુંવારા હતા. ક્યાંય મકાનનો મેળ ન પડતાં ડેરીની બાજુમાં એક બંધ પડેલું ગેરેજ ભાડે રાખ્યું, જેની વચ્ચોવચ ગ્રીસવાળો ખાડો હતો. કુરિયને પોતાનું એન્જિનિયરિંગનું નોલેજ કામે લગાડ્યું અને તેને પુરાવી દીધો, કામચલાઉ દીવાલો ઊભી કરીને તેને બાથરૂમમાં કન્વર્ટ કરી નાખ્યો. ગેરેજમાં બારી નહોતી તો પતરાં મુકાવીને બારીઓ બનાવી દીધી. ઇન શોર્ટ, આ જગ્યાને એમણે રહેવાલાયક બનાવી અને આણંદમાં લાઇફ શરૂ કરી.
આણંદની સરકારી ક્રીમરીમાં તેમનું કામ સંપૂર્ણપણે અર્થહીન હતું. તેમનો સુપરવાઇઝર તદ્દન આળસુ હતો અને કંઈ કામ કરતો નહોતો. કુરિયન પોતાના 350 રૂપિયાના પગારને સરકારી પૈસાનો બગાડ માનતા હતા અને દર મહિને પોતાનું રાજીનામું મોકલી દેતા હતા. તેઓ આણંદને ધિક્કારવા માંડેલા અને કોઇપણ ભોગે ત્યાંથી છટકવા માગતા હતા, પરંતુ સરકાર સાથે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ હેઠળ બંધાયેલા હોવાને કારણે તેમણે આણંદમાં જ રહેવું પડ્યું.
પરંતુ ભાગ્ય કુરિયનને આણંદની બહાર જવા દેવાના મૂડમાં નહોતું. કુરિયનના મોટાભાઇએ કુરિયનની સેવા માટે એન્થની નામનો એક રસોઇયો કમ બટલર મોકલી આપ્યો. જે પર્ફેક્ટ વ્હાઇટ યુનિફોર્મમાં રોજ સાંજે આવીને જાહેરાત કરતો, ‘માસ્ટર, ડિનર પીરસાઈ ગયું છે.’
સરકારી ક્રીમરીમાં એકમાત્ર કાર્ય દૂધમાંથી દૂધનો પાવડર બનાવવાનું હતું, જે રોલર-ડ્રાયર બગડવાથી બંધ પડ્યું હતું. કુરિયને દસ જ મિનિટમાં તે મશીનનું રિપેરિંગ કરીને તેને સ્ટાર્ટ કરી દીધું. થોડા સમયમાં આ મશીનથી તેમણે 5 ટન મિલ્ક પાઉડર બનાવીને એક બિસ્કિટ ઉત્પાદકને વેચીને પોતાની કાબેલિયત પૂરવાર કરી દીધી.
તે જ વખતે ત્યાંના પાડોશી ‘ખેડા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ના ખેડૂત નેતા ત્રિભુવનદાસ પટેલને તેઓ મળ્યા, જેઓ શક્તિશાળી પોલસન ડેરીના શોષણ સામે શરૂ થયેલી એક નાની સહકારી ચળવળનું નેતૃત્વ કરી રહ્યા હતા.

‘મુંબઈનું દૂધ લંડનની ગટર કરતાંય વધુ ગંદું છે!’
આણંદમાં દૂધના બિઝનેસ પર પેસ્તનજી એદલજી નામના એક પારસી સજ્જનની મોનોપોલી હતી, જે ‘પોલ્સન’ બ્રાન્ડનેમથી માખણ પણ વેચતા હતા.
થયું એવું કે 1942-43ના અરસામાં મુંબઇમાં રહેતા જથ્થાબંધ બ્રિટિશરો માંદા પડ્યા. તપાસમાં ખબર પડી કે એ લોકો દૂધને કારણે માંદા પડ્યા છે. એ દૂધનું સેમ્પલ લંડનની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયું. લંડનથી એક લાઇનનો જવાબ આવ્યો, ‘મુંબઇનું દૂધ લંડનની ગટર કરતાંય વધુ ગંદું છે.’ આથી બ્રિટિશરોને પૌષ્ટિક દૂધ પૂરું પાડવા માટે મિલ્ક કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ. અંગ્રેજોને ધ્યાને આવ્યું કે ખેડા જિલ્લામાં ત્રણેક કંપનીઓ દૂધ ઉત્પાદન કરે છે. 1895થી એક બ્રિટિશ, એક જર્મન અને 1926થી પેસ્તનજી એડલજી નામનો માણસ દૂધ ઉત્પાદન કરી રહ્યો હતો.
બ્રિટિશરો માટે મુંબઈ દૂધ સપ્લાય કરવા માટે પસંદગીનો કળશ ઢોળાયો પોલ્સનવાળા પેસ્તનજી પર. પરંતુ ત્યારે રેફ્રિજરેશનવાળાં ટ્રકો હતાં નહીં, એટલે દૂધ બગડે નહીં તે રીતે ખેડાથી 400 કિમી દૂર મુંબઈ પહોંચાડવું એ મોટી ચેલેન્જ હતી. પેસ્તનજી ભણ્યા નહોતા, પણ કોઠાસૂઝ જબરદસ્ત હતી. એમણે પેશ્ચરાઇઝ્ડ દૂધને મિલ્ક કેનમાં ભરાવ્યું, કેનને ઠંડાં પાણીમાં ડુબાડ્યાં અને મુંબઈ રવાના કર્યાં. આઇડિયા સફળ રહ્યો. અંગ્રેજો ખુશ થયા. એમણે ‘બોમ્બે મિલ્ક સ્કીમ’ની શરૂઆત કરી અને પેસ્તનજીને દૂધ સપ્લાય કરવાનો ઓર્ડર આપી દીધો.
બદલામાં પેસ્તનજીએ ત્રણ શરતો મૂકી. એક, એમને પ્રોસેસિંગ ચાર્જ આપવાનો. બે, એમને નવી મશીનરી માટે ગ્રાન્ટ પૂરી પાડવી. અને ત્રણ, સરકારે એવો કાયદો પસાર કરવો કે આણંદની આસપાસનાં કોઈ ગામમાંથી પેસ્તનજી-પોલ્સન સિવાય બીજું કોઈ દૂધ એકત્રિત ન કરી શકે. અંગ્રેજોએ ત્રણેય ડિમાન્ડ પૂરી કરી.

અંગ્રેજોની ફેવરિટ ‘પોલ્સન’ ડેરીની દાદાગીરી, ‘અમૂલ’નો ઉદય
આમ, દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સના વેચાણમાં પોલ્સનની મોનોપોલી સ્થપાઈ ગઈ. ચાલાક પેસ્તનજી ઊંચા ભાવે દૂધ વેચતો, પણ ખેડૂતોને તેનો કોઈ ફાયદો આપતો નહીં, અને બધો નફો પોતાના ખિસ્સામાં પધરાવતો. નેચરલી, ખેડૂતોનું શોષણ થવા લાગ્યું. ખેડૂતોએ સરદાર પટેલને ફરિયાદ કરી. સરદાર પટેલે પોતાની સ્ટાઇલમાં એક જ સલાહ આપી, ‘પોલ્સનને કાઢી મૂકો.’ તેમણે ખેડૂતોને કહ્યું કે જો તેઓ લડવા અને પોતાનો ડેરી પ્લાન્ટ બનાવવા માગતા હોય, તો તેમણે નુકસાન સહન કરવા તૈયાર રહેવું પડશે.
સરદાર પટેલના કહેવા પર મોરારજી દેસાઈએ 1946માં ખેડૂતોનું નેતૃત્વ કર્યું. એવી એક સભામાં મોરારજીભાઇએ આ સહકારી સંઘના ચેરમેનની શોધ હતી. અમુક લોકો આગળ આવ્યા. સભામાં એક ભાઈ શાંતિથી બેઠા હતા. મોરારજીભાઇએ એમને પૂછ્યું, ‘તમારે ચેરમેન નથી બનવું?’ ‘ના સાહેબ’, યુવાને જવાબ આપ્યો, ’હું હમણાં જ ચોથીવાર જેલમાંથી બહાર આવ્યો છું અને હવે મારી તબિયત પણ સારી નથી રહેતી’. એ હતા સ્વતંત્રતા સેનાની, વકીલ અને રાજનેતા ત્રિભુવનદાસ પટેલ.
મોરારજીભાઇએ કહ્યું, ‘તમને ચેરમેન બનવાની કોઈ લાલસા નથી, એ સ્થિતિમાં તમે જ ચેરમેન બનશો.’
ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં ખેડા દૂધ ઉત્પાદક સંઘનું આંદોલન આગળ વધ્યું. તેમાં બે ઠરાવ પસાર થયા: પોલ્સનને દૂધ વેચવામાં આવશે નહીં, અને બે: દરેક ગામમાં એક સહકારી મંડળી હશે જેનું યુનિયન આણંદમાં પ્રોસેસનું સંચાલન કરશે. ખેડૂતોએ પંદર દિવસની દૂધ હડતાળનું આયોજન કર્યું, રસ્તાઓ પર દૂધ રેડ્યું પરંતુ પોલ્સનને એક ટીપું પણ આપવાનો ઇનકાર કર્યો, જેના કારણે બોમ્બે મિલ્ક સ્કીમ ઠપ્પ થઈ ગઈ.
આઝાદી પછી સહકારી સંઘે ભૂતપૂર્વ સરકારી ક્રીમરીનો અડધો ભાગ ભાડે લીધો. જોકે એમાં પહેલા વિશ્વયુદ્ધના સમયની જર્જરિત મશીનરી સિવાય કશું નહોતું. આ મશીનો ચાલવા કરતાં બગડતાં વધારે. ‘ફોરેન રિટર્ન’ એન્જિનિયર તરીકે ત્રિભુવનદાસ કુરિયનની મદદ માગતા અને ગંજીફાથી રમીને પોતાનો સમય પસાર કરતા કુરિયન એમની મશીનરી રિપેર કરી આપતા.
એક વખત કુરિયને ત્રિભુવનદાસ પટેલને કહ્યું, ‘આ ભંગાર મશીનરી તમને ક્યારેય સફળ થવા નહીં દે. તેને ભંગારમાં કાઢી નાખો અને ક્યાંકથી પૈસા ઉછીના લઇને લેટેસ્ટ મશીનરી વસાવી લો.’ ખાસ્સી મસલત પછી નક્કી થયું કે સહકારી સંઘને ‘પ્લેટ પેશ્ચરાઇઝર’ મશીનની જરૂર હતી, જેની કિંમત 40 હજાર રૂપિયા જેવી થવા જતી હતી. ત્રિભુવનદાસે પોતાના તવંગર સાળા પાસેથી 40 હજાર રૂપિયા ઉછીના લીધા અને કુરિયનને આપ્યા. કુરિયન ગયા સીધા ‘લાર્સન એન્ડ ટુબ્રો’ની ઓફિસે. તેમના ટેબલ પર ચાલીસ હજારની નોટોની થપ્પી મૂકીને કહ્યું કે એમને ‘સિલ્કબોર્ગ પેશ્ચરાઇઝર’ ખરીદવું છે. ઓર્ડર અપાઇ ગયો. મેઇડ ઇન ડેન્માર્ક એવું આ માશીન થોડાં અઠવાડિયાંમાં ડિલિવર થઇને આણંદ ખાતે આવી જવાનું હતું. પરંતુ એ જ અરસામાં એક ઘટના બની.

આણંદથી કંટાળેલા કુરિયન દર મહિને પોતાનું રાજીનામું મોકલતા
આણંદમાં રહી રહીને કંટાળેલા કુરિયન દર મહિને પોતાનું રાજીનામું મોકલતા હતા. એમનાં રાજીનામાંના મારાથી કંટાળીને આખરે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીએ એમનું રાજીનામું સ્વીકારી લીધું. કુરિયને બિસ્તરા-પોટલાં પેક કરીને આણંદથી મુંબઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં એમના ગેરેજ કમ ઘરના બારણે ત્રિભુવનદાસ આવીને ઊભા રહ્યા. એમણે કહ્યું,‘મેં સાંભળ્યું કે તમે આણંદ છોડીને જઈ રહ્યા છો. તમને નવી નોકરી મળી ગઈ?’ ‘ના, બોમ્બે જઇને કોઇક નોકરી શોધી કાઢીશ.’ કુરિયને જવાબ આપ્યો. ‘તો પછી એવું કરો ને, જ્યાં સુધી તમને નવી નોકરી ન મળે ત્યાં સુધી તમે અહીં રહો. અમારી સહકારી મંડળી સાથે કામ કરો. અમે તમને મહિને 600 રૂપિયા પગાર આપીશું. તમે અમને નવી મશીનરી ખરીદવા માટે મનાવ્યા, જે આવતા અઠવાડિયે આવી રહી છે. અહીં અમને કોઇને એ મશીનરી ફિટ કરતા કે ચલાવતા આવડતું નથી. તમે બે મહિના રોકાઈ જાઓ, મશીનરી દોડતી કરી દો, પછી ખુશીથી જતા રહેજો.’
કુરિયન પોતાની આત્મકથા ‘આઈ ટુ હેડ અ ડ્રીમ’માં લખે છેઃ ‘ત્રિભુવનદાસને ના પાડવી અઘરી હતી. ખેડૂતોના હિતને સંપૂર્ણપણે વરેલા અને નખશિખ પ્રામાણિક સજ્જન એવા ત્રિભુવનદાસ પટેલ સાથે કામ કરવું એ મારું સૌભાગ્ય હતું. મશીનરી કામ કરતી કરી દેવા માટે બે મહિનાનો સમય પૂરતો હતો, પરંતુ મને એ નહોતી ખબર કે બે મહિનાનો એ કોન્ટ્રાક્ટ ત્રિભુવનદાસ અને ખેડા જિલ્લાની સહકારી મંડળીઓ સાથે મારો જીવનનો સાથ બની રહેવાનો છે.’ ભેંસના દૂધના ચમત્કારો અને વિશ્વ-સ્તરીય ડેરીનું નિર્માણત્રિભુવનદાસ પટેલ ધીમે ધીમે વર્ગીસ કુરિયનને સહકારી સંઘનાં કામોમાં વધુ ને વધુ સામેલ કરતા ગયા, એવું કહીને કે મને તમારી પ્રોફેશનલ હેલ્પની જરૂર છે. 1950માં કુરિયન KDCMPUL (ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ)માં જનરલ મેનેજર તરીકે વિધિવત્ જોડાયા. આ યુનિયન પાછળથી ‘અમૂલ’ તરીકે જગપ્રસિદ્ધ થવાનું હતું.
કુરિયને સંભળાવી દીધું, ‘તમે બોમ્બેના મિલ્ક કમિશનર છો કે ન્યૂ ઝીલેન્ડના?’
1952 સુધીમાં અમૂલનું દૂધ કલેક્શન 200 લિટર પ્રતિ દિવસથી વધીને 20 હજાર લિટર થઈ ગયું હતું. પરંતુ એક મોટી સમસ્યા હતી: બોમ્બેના મિલ્ક કમિશનર દારા ખુરોદીએ શિયાળામાં વધારાનું દૂધ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. અમૂલની સમસ્યા એ હતી કે ભેંસો શિયાળામાં વધુ દૂધ દેતી હતી અને એ વધારાનું દૂધ ખરીદવાનો ખુરોદીએ સાફ ઇનકાર કરી દીધો.
ખુરોદીએ કુરિયનને ચોખ્ખું સંભળાવી દીધું: ‘બોમ્બેના લોકો ઉનાળામાં એક બોટલ દૂધ અને શિયાળામાં બે બોટલ દૂધ પીતા નથી. તે તમારી સમસ્યા છે.’
એ વખતે મુંબઈમાં દૂધની સપ્લાય જરૂરિયાત કરતાં ઓછી જ હતી, પરંતુ ખુરોદી ન્યૂ ઝીલેન્ડથી મિલ્ક પાઉડર સ્વરૂપે દૂધ મંગાવતા હતા. એટલે કુરિયને ખુરોદીનો સામનો કર્યો, ‘તમે બોમ્બેના મિલ્ક કમિશનર છો કે ન્યૂ ઝીલેન્ડના? તમારા પોતાના ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાને બદલે તમે ન્યૂ ઝીલેન્ડથી મિલ્ક પાઉડર શા માટે મંગાવો છો?’
વળતા પ્રહારથી ખુરોદી ભયંકર ગુસ્સે થઈ ગયા, ‘તમારી હિંમત કેવી રીતે થઇ સરકારને સવાલ પૂછવાની? જાવ, સરકાર તમારું વધારાનું દૂધ નહીં જ ખરીદે.’ ખુરોદીએ ન્યૂ ઝીલેન્ડથી મિલ્ક પાવડરની આયાત કરવાનું ચાલુ રાખ્યું.

ભેંસના દૂધમાંથી મિલ્ક પાઉડર થોડો બને?
કુરિયને આને દેશના ખેડૂતો સાથે અન્યાય માન્યો. તેમણે નક્કી કર્યું કે અમૂલને પોતાનો મિલ્ક પાઉડર પ્લાન્ટ બનાવવો જોઈએ. જોકે, એ વખતે ડેરી નિષ્ણાતો સ્પષ્ટપણે માનતા હતા કે ભેંસના દૂધમાંથી મિલ્ક પાઉડરનું ઉત્પાદન ‘ટેક્નીકલી ઇમ્પોસિબલ’ છે.
1952-53માં કુરિયન પાંચ મહિનાની ફેલોશિપ માટે ન્યૂ ઝીલેન્ડ ગયા અને ભેંસના દૂધમાંથી પાવડર બનાવવો શક્ય છે તેની ખાતરી સાથે પાછા ફર્યા. કુરિયને જોયું કે ન્યૂ ઝીલેન્ડમાં કોઇ ખાનગી ડેરી નહોતી, ત્યાં બધી જ ડેરીઓ સહકારી ધોરણે ચાલતી હતી. કુરિયનની નિષ્ઠાથી ખુશ થઇને ન્યૂ ઝીલેન્ડ સરકારે ભારતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં ડેરી ઉદ્યોગ વિકસાવવા માટે સારી એવી સહાય પણ કરી.
પાછા ફરીને કુરિયને તેમના મિત્ર અને સાથીદાર ડેરી નિષ્ણાત હરિચંદ એમ. દલાયાને આણંદ આવવા માટે તૈયાર કર્યા. નાનપણથી દૂધ ઉત્પાદકો વચ્ચે ઊછરેલા દલાયા મૂળ મથુરાના યાદવ વંશના હતા. તેઓ ગર્વભેર કહેતા કે, ‘અમે તો ભગવાન શ્રી કૃષ્ણના વંશજ છીએ!’ દલાયાના પરિવારને કરાચીમાં એક ડેરી પણ હતી, પરંતુ ભાગલા વખતે બધું છોડીને તેમના પરિવાર ભારત આવવાની ફરજ પડી હતી. કુરિયન સાથે અમેરિકામાં ભણેલા દલાયા અદભુત ડેરી એન્જિનિયર હતા.
કુરિયને દલાયાને કહ્યું: ‘મારી પાસે બોલવાની કુશળતા છે, તમારી પાસે ડેરીનું નિષ્ણાત જ્ઞાન છે; હું વાત કરીશ, તમે કામ કરજો.’ આ રીતે અમૂલ (ત્રિભુવનદાસ, દલાયા, કુરિયન)ની ત્રિપુટીનો જન્મ થયો. દલાયાએ આણંદમાં પાંત્રીસ વર્ષ કામ કર્યું.
1956માં યુનિસેફે અમૂલને મિલ્ક પાવડર પ્લાન્ટ દાન કરવાની ઓફર કરી. ખુરોદીએ પ્લાન્ટને રોકવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા. પરંતુ યુનિસેફની મદદની આડે મુંબઈના મિલ્ક કમિશનર ખુરોદી અને ડેરી મંત્રી દિનકરરાવ દેસાઇ હતા. ખુરોદી ન્યૂ ઝીલેન્ડના કોઈ એક્સપર્ટનું સર્ટિફિકેટ લઈ આવ્યા હતા કે ભેંસના દૂધમાંથી મિલ્ક પાઉડર બનાવવો શક્ય જ નથી.
આનો નિવેડો લાવવા કુરિયન અને દલાયા મુંબઈ ગયા અને ત્યાં અંધેરીમાં આવેલી ટેડિંગ્ટન કેમિકલ્સ લેબોરેટરીમાં ભેંસના દૂધમાંથી મિલ્ક પાઉડર બનાવીને બતાવવાનો પડકાર ઝીલ્યો. સવારે 9 વાગ્યે દલાયા અને કુરિયને ભેંસનું દૂધ મંગાવ્યું અને તેને સફળતાપૂર્વક મિલ્ક પાઉડરમાં કન્વર્ટ કરી બતાવ્યું. ખુરોદીએ તેની દ્રાવ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો. કુરિયને તરત જ પાઉડરને પાણીમાં ઓગાળી બતાવ્યો. ખુરોદીએ સ્વાદ પર પ્રશ્ન ઉઠાવ્યો, અને મંત્રી દેસાઈએ તેનો સ્વાદ ચાખ્યા પછી જાહેર કર્યું, ‘તેનો સ્વાદ એકદમ સરસ છે.’ ખુરોદીના વિરોધનો અંત આવ્યો, અને યુનિસેફે અમૂલને પ્લાન્ટ માટે ભંડોળ આપ્યું.

યુનિસેફની દાદાગીરી સામે પણ ઝૂક્યા નહીં કુરિયન
જોકે અમૂલની કહાનીમાં વધુ એક ટ્વિસ્ટ બાકી હતો. યુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ)નો મેસેજ આવ્યો કે તેઓ ‘ડચ વોલ્મા મિલ્ક પાઉડર પ્લાન્ટ’ મોકલી રહ્યા છે. આ મેસેજથી કુરિયનને વાજબી ચિંતા થઈ, કે જે કંપનીની ઑફિસ ભારતમાં હોય તેનો જ પ્લાન્ટ નખાવો જોઇએ, જેથી જરૂર પડ્યે ફટાફટ મદદ મેળવી શકાય. તેમણે યુનિસેફને વળતો જવાબ મોકલ્યો, ‘અમને ડચ વોલ્મા નહીં, બલકે લાર્સન એન્ડ ટુબ્રો નિરો પ્લાન્ટ જોઇએ છે.’
યુનિસેફ તરફથી કડક શબ્દોમાં જવાબ આવ્યો, ‘યુનિસેફને કયો પ્લાન્ટ મોકલવો તેનો આદેશ આપવાની જરૂર નથી. આમ કરીને ખેડા યુનિયન યુનિસેફની મદદને જોખમમાં મૂકી રહ્યું છે.’ વાતની ગંભીરતા સમજીને કુરિયને ભારત સરકારના તત્કાલીન પ્રિન્સિપાલ ફાઇનાન્સ સેક્રેટરી અને કુરિયનના મિત્ર એવા એચ. એમ. પટેલની મદદ માગી (પછીથી ભારતના ગૃહમંત્રી થનારા એચ. એમ. પટેલે જ વલ્લભ વિદ્યાનગરનો પાયો નાખેલો). કુરિયનને મદદ મળી અને તેઓ સફળ થયા.

ચર્ચમાં પરણ્યા, એ જ દિવસે અમૂલના કામ માટે નીકળી ગયા
આ સમય દરમિયાન કુરિયનના પરિવારજનો એમને પરણાવવા માટે અધીરા થયા હતા. એક દિવસ કુરિયનના ભાઇનો ફોન આવ્યો, જેમણે કડક અવાજે કહ્યું કે તું ફટાફટ ત્રિચુર જઇને મમ્મીને મળી લે. એમણે તારા માટે એક છોકરી શોધી રાખી છે. એ છોકરી એટલે સુઝેન મોલી પીટર, જેના પિતા અને કુરિયનના ડૉક્ટર પિતા બંને ગાઢ મિત્રો હતા. કુરિયન ત્રિચુર પહોંચ્યા તે પહેલાં બંને પરિવારોએ આ મુદ્દે વાત કરી લીધી હતી, માત્ર છોકરા-છોકરીની વાત બાકી હતી. બંને મળ્યાં, એકબીજાંને ગમી ગયાં અને વાત જામી ગઈ. 15 જૂન, 1953ના રોજ સવારે દસ વાગ્યે ત્યાંના ઓલ સેંટ્સ સી.એસ.આઈ. ચર્ચમાં પરંપરાગત ખ્રિસ્તી વિધિથી બંને પરણી ગયાં. એ જ દિવસે ચાર વાગ્યે તો બંને મુંબઈ જતી ટ્રેનમાં હતાં, જ્યાં કુરિયનને ત્રિભુવનદાસ અને દલાયા સાથે મિટીંગ હતી. આણંદ ખાતે ખેડા સહકારી સંઘના ગેસ્ટ હાઉસ તરીકે વપરાતા મકાનમાં કુરિયન રહેતા હતા, જ્યાં તેમનો સંસાર શરૂ થયો. કુરિયન સવારથી મોડી રાત સુધી ડેરીના કામમાં રોકાયેલા રહેતાં, જ્યારે એમનાં પત્ની મોલી એકલે હાથે ઘર સંભાળતાં અને સહકારી સંઘના સત્તાવાર મહેમાનો માટે રહેવા-ખાવાની વ્યવસ્થા પણ કરતાં.
અમૂલના પ્લાન્ટનું ઉદઘાટન, ગણેશજીએ જાતે આશીર્વાદ આપ્યા!
અમુલે તેના નવા ડેરી પ્લાન્ટ માટે જમીન મેળવી. 15 નવેમ્બર, 1954ના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે શિલાન્યાસ કર્યો. શિલાન્યાસ સમારોહમાં રાષ્ટ્રપતિએ પહેલી ઈંટ મૂકી, ત્યારે એક ઉંદર દોડતો આવ્યો અને પથ્થર પર કૂદી પડ્યો. સમગ્ર ભીડ આનંદથી ઉભરાઈ ગઈ, કારણ કે ઉંદર ભગવાન ગણેશનું વાહન હોવાથી આ એક શુભ શુકન માનવામાં આવ્યું.
સરદાર પટેલનાં પુત્રી મણિબેન પટેલે 31 ઓક્ટોબર, 1955 (સરદાર પટેલની જન્મજયંતિ) માટે ઉદ્ઘાટન તારીખ નક્કી કરી અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુને આમંત્રણ અપાયું. કુરિયન અને દલાયાએ 11 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં પ્લાન્ટ તૈયાર કરી બતાવ્યો.
કુરિયને જાતે બુલડોઝર ચલાવ્યું અને લોહીલુહાણ થઈ ગયા
અલબત્ત, બાંધકામ દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ. સ્ટેશન માસ્તરે વેગન લોડ માટે લાંચ માંગી, પરંતુ કલેક્ટર એફ.જે. હેરેડિયાએ કડકાઈને બદલે વૉર્નિંગ આપવાની રણનીતિ અપનાવી, અને સ્ટેશન માસ્તરે સહકાર આપવાનું શરૂ કર્યું. એક દિવસ, નિર્માણાધીન બોઈલર રૂમની છત તૂટી પડી. કોંક્રિટના વિશાળ ઢગલા નીચે કેટલાક મજૂરો દબાયા હોવાની ભીતિ ઊભી થઈ. ત્યાં દારા ખુરોદી પણ હાજર હતા. સમાચાર સાંભળીને દોડી આવેલા કુરિયનને ખુરોદીએ ટોણો માર્યો, ‘દીવાસળીની કાંડી જેવા પિલર બનાવો તો સ્લેબ તૂટી જ પડે ને!’ આ વાતને કાને ધર્યા વિના કુરિયને રેસ્ક્યુ ઑપરેશન ચાલુ કરાવ્યું. બુલડોઝર ઑપરેટર કોંક્રિટનો બાકીનો સ્લેબ પોતાની માથે પડવાની બીકે થોડો ગભરાતો હતો. પરંતુ કુરિયને જાતે બુલડોઝર ચલાવ્યું અને કાટમાળ દૂર કર્યો. સદનસીબે કોઈ શ્રમિકને ગંભીર ઇજા નહોતી થઈ. પરંતુ થોડા દિવસ પહેલાં જ એક ઑપરેશનમાંથી ઊભા થયેલા કુરિયનના પોતાના સર્જિકલ ટાંકા તૂટી નાખ્યા અને તેમનું પેન્ટ લોહીથી નીતરી ઊઠ્યું.

જવાહરલાલ નેહરુ કુરિયનને ભેટી પડ્યા
બીજી સમસ્યા એ આવી કે પ્લાન્ટ માટે બોઈલર સમયસર પહોંચી રહ્યાં ન હતાં. કુરિયને મોરારજી દેસાઈ (તત્કાલીન બોમ્બે રાજ્યના મુખ્યમંત્રી)નો સંપર્ક કર્યો, જેમણે જહાજ માટે પ્રાથમિકતા બર્થિંગ સુરક્ષિત કરવામાં મદદ કરી. અંતે, ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં જ બોઈલર ઇન્સ્ટોલ અને કાર્યરત કરવામાં આવ્યાં. શરૂઆતની રાત્રે, પ્લાન્ટના ટ્રાયલ રનમાં ભેંસના દૂધમાંથી પ્રથમ દૂધ પાઉડર મળ્યો. સફળતાથી પ્રોત્સાહિત થઈને, હાજર દરેક વ્યક્તિ સ્વયંભૂ મિલ્ક પાઉડર વૉરમાં જોડાયા! બીજા દિવસે 31 ઓક્ટોબર, 1955ના રોજ જવાહરલાલ નહેરુ આવ્યા. મોરારજી દેસાઈએ કુરિયનને તેમની યોજના વિશે પૂછ્યું: ‘જો પાઉડર બહાર ન આવે તો?’ કુરિયને જવાબ આપ્યો: ‘સાહેબ, આપણે પીએમને બતાવવું પડશે કે પાઉડર હોપરમાંથી બહાર આવી રહ્યો છે. જો જરૂરી હોય તો, અમે ઉપરના માળે દૂધના પાઉડરની થેલીઓ રાખીશું અને ત્યાંથી ઇનલેટ ભરીશું.’ આ સાંભળીને, મોરારજી ચૂપ થઈ ગયા, જે તેમની સંમતિ હતી, પરંતુ તેમને આ યુક્તિનો આશરો લેવાની જરૂર નહોતી. જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે ખુરોદી વારંવાર નહેરુને અટકાવતા હતા. મોરારજી દેસાઈએ ખુરોદીને તેમના શર્ટથી પાછળ ખેંચી લીધા. નહેરુ આખરે કુરિયનને ભેટી પડ્યા અને કહ્યું: ‘કુરિયન, મને ખૂબ આનંદ છે કે આપણા દેશમાં તમારા જેવા લોકો છે જે અશક્ય લાગતી વાતને પણ પૂર્ણ કરી શકે છે.’ 48 લાખ રૂપિયાના ખર્ચે બનેલી આ ખેડૂતોની માલિકીની ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની.
‘અમૂલ’ બ્રાન્ડનો ઉદય અને કોર્પોરેટ દિગ્ગજો સાથેનો સંઘર્ષ
પોલ્સન સાથે સ્પર્ધા ખૂબ જ તીવ્ર હતી, કારણ કે તેમનું માખણ માર્કેટમાં પ્રભુત્વ ધરાવતું હતું. કુરિયન માર્કેટિંગનું મહત્ત્વ સમજતા હતા. 1957માં ઘણા વિચાર-વિમર્શ પછી લેબોરેટરીના એક કેમિસ્ટે નામ સૂચવ્યું ‘અમૂલ’ નામ સૂચવ્યું. સંસ્કૃત શબ્દ ‘અમૂલ્ય’ પરથી બનેલો આ શબ્દ ‘AMUL’ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડનું શોર્ટ ફોર્મ પણ બની ગયું. બ્રાન્ડિંગ માટે પણ આ નામ પર્ફેક્ટ હતું.
જ્યારે અમૂલનું માખણ બજારમાં આવ્યું ત્યારે એક વિચિત્ર સમસ્યા ઊભી થઈ. પોલ્સન હંમેશાં વાસી ક્રીમમાંથી માખણ બનાવતું હતું, જે વેક્રિએટર મશીનનો ઉપયોગ કરતું હતું, પરંતુ આ પ્રોસેસમાં એક વિશિષ્ટ ગંધ રહી જતી હતી, જેની લોકોને ટેવ પડી ગયેલી. જ્યારે તાજા ક્રીમમાંથી બનાવેલું અમૂલનું માખણ બજારમાં આવ્યું, ત્યારે લોકોએ ફરિયાદ કરી: ‘આ માખણનો કોઈ સ્વાદ નથી, તે સાવ ફિક્કું લાગે છે!’ ત્યારબાદ અમૂલે સ્વાદ માટે પરવાનગી આપેલું રાસાયણિક ઉમેરણ ડાયસેટીલ ઉમેરવાનું શરૂ કર્યું, ‘પરમિટેડ ફ્લેવર્સ એડેડ’ લાઇન છાપી. એ પછી અમૂલ માખણને સ્વીકૃતિ મળી.
ટી.ટી. કૃષ્ણમાચારી (ટીટીકે)ના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કુરિયને માખણની આયાત સંપૂર્ણપણે બંધ કરવાની માગ કરી. તેમણે ટીટીકેને પત્ર લખીને પહેલાં 25% અને પછી 67.5% આયાત કાપ મૂકવાની માગ કરી. ટીટીકેએ આખરે માખણની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો. બદલામાં, જોકે TTKએ કુરિયન પાસે ખાતરી માગી કે દેશમાં માખણની કોઈ શોર્ટેજ ન થવી જોઇએ. કુરિયને એ સફળતાપૂર્વક કરી બતાવ્યું.
કુરિયને નેસ્લેના MDને કહી દીધું, ‘તમે મારા ભારત દેશનું અપમાન કરી રહ્યા છો’
1956માં તત્કાલીન કોમર્સ મિનિસ્ટર મનુભાઈ શાહે કુરિયનને ‘નેસ્લે’ કંપનીના હેડક્વાર્ટર વેવે (સ્વિટ્ઝર્લેન્ડ) મોકલ્યા. દરઅસલ, નેસ્લેને ભારતમાં કન્ડેન્સ્ડ મિલ્કનું ઉત્પાદન કરવાનું લાઇસન્સ મળેલું હતું. પરંતુ કંપની તેના બહાને મિલ્ક પાઉડર, ખાંડ અને ટિનના ડબ્બા પણ આયાત કરતી હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં કુરિયન નેસ્લેના મેનેજિંગ ડાયરેક્ટર ક્રીબરને મળ્યા. તેમને આ વિશે પૂછ્યું તો ક્રીબરે કહ્યું કે ભેંસના દૂધમાંથી કન્ડેન્સ્ડ મિલ્ક બનાવવું શક્ય જ નથી. કુરિયને કહ્યું કે એ થોડી અઘરી પ્રોસેસ છે, પણ બનાવી તો શકાય જ છે. નેસ્લે ઇચ્છે તો અમૂલ તેમને શીખવી શકે તેમ છે. ભેંસના દૂધમાંથી કન્ડેન્સ્ડ મિલ્ક બનાવવા માટે નેસ્લેને ભારતમાં અલાયદો પ્લાન્ટ સ્થાપવો પડે તેમ હતું. કુરિયને કહ્યું કે પાંચ વર્ષ માટે તમારા એક્સપર્ટ્સ ત્યાં કામ કરે, પછી તે કામ ભારતીયો સંભાળી શકે તેમ છે.
તેના જવાબમાં નેસ્લેના MD ક્રીબરે કહ્યું, ‘લુક મિસ્ટર કુરિયન, કન્ડેન્સ્ડ મિલ્ક બનાવવું એ બહુ નાજુક પ્રક્રિયા છે. એ કામ અમે નેટિવ્સ (દેશીઓ) પર ન છોડી શકીએ.’
આ સાંભળીને કુરિયનનો પિત્તો છટક્યો. એમણે ટેબલ પર મુઠ્ઠી પછાડીને કહ્યું, ‘તમે એ ન ભૂલો મિસ્ટર ક્રીબર કે અત્યારે પણ તમે એક નેટિવ (દેશી) સાથે જ વાત કરી રહ્યા છો. જો તમને એવું લાગતું હોય કે પાંચ વર્ષની ટ્રેનિંગ પછીયે અમે લોકો આ પ્રોસેસ શીખીને નેસ્લેમાં ઊંચા હોદ્દે બેસી શકીએ તેમ નથી, તો તે અમારા દેશનું અપમાન હશે. ભારતને તમારા વિના પણ કામ કરતા આવડે છે.’ ધૂંઆપૂંઆ થયેલા કુરિયન ત્યાંથી નીકળી ગયા.
ભારત પાછા આવીને આ સમગ્ર વાત એમણે કોમર્સ મિનિસ્ટર મનુભાઈ શાહને કહી. જવાબમાં મિનિસ્ટરે કહ્યું, ‘સમાધાન રૂપે હવે અમૂલે જ કન્ડેન્સ્ડ મિલ્ક બનાવવું પડશે.’
બે વર્ષમાં અમૂલે કન્ડેન્સ્ડ મિલ્ક બનાવવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, સરકારને પત્ર લખીને વિનંતિ કરી કે તેઓ આયાતી કન્ડેન્સ્ડ મિલ્ક પર પ્રતિબંધ મૂકી દે. આનો સીધો અર્થ એ થતો હતો કે નેસ્લેની દુકાન બંધ થઈ જાય. સરકારે પ્રતિબંધ મૂકી પણ દીધો. તેની અસર થોડાં અઠવાડિયાંમાં જ દેખાઈ. નેસ્લેની એક સિનિયર ટીમ ભારતની મુલાકાતે આવી, જેમાં ક્રીબર પણ હતા. તેમણે ભારત સરકારની અને કુરિયનની માફી માગી. કુરિયને એમણે અમૂલનો કન્ડેન્સ્ડ મિલ્ક પ્રોડ્યુસ કરતો પ્લાન્ટ બતાવ્યો અને પૂછ્યું, ‘વેલ મિસ્ટર ક્રીબર, હવે નેટિવ્સ વિશે તમારો શો અભિપ્રાય છે?’ ખાસ્સી વિનંતીઓ પછી નેસ્લેને પંજાબના મોગામાં કન્ડેન્સ્ડ મિલ્કનો પ્લાન્ટ નાખવાની મંજૂરી મળી.
ગ્લેક્સો બેબી ફૂડ માર્કેટમાં અમૂલની સ્પર્ધા બ્રિટિશ કંપની ‘ગ્લેક્સો’ સાથે હતી. ગ્લેક્સોના બોસે ઘમંડમાં કહેલું, ‘અમૂલ ક્યારેય બેબી ફૂડ વેચી નહીં શકે અને એમનાં ટીન કબાટમાં પડ્યાં પડ્યાં સડી જશે ત્યારે હું જ તેને ઉઠાવીને અરબ સાગરમાં ફેંકી દઇશ.’ અમૂલે આ ચેલેન્જ પણ સ્વીકારી લીધી અને ક્વોલિટી તથા માર્કેટિંગ બંનેમાં તેને પછાડીને ભારતની સૌથી મોટી બેબી ફૂડ પ્રોડક્ટ કંપની બની ગઈ.

અમૂલ ગર્લની એન્ટ્રીઃ અટર્લી બટર્લી ડિલિશિયસ
1966માં એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન કંપની (ASP)એ અમૂલની જાહેરખબરો બનાવવાનું એકાઉન્ટ લીધું. તે વખતે ‘પોલ્સન’ની એડ્સમાં ગામડાની એક કન્યાનું ચિત્ર છપાતું હતું. તેના જવાબમાં આ એડ એજન્સીના ક્રિએટિવ આર્ટિસ્ટ યુસ્તેસ ફર્નાન્ડિઝે લાલ ટપકાંવાળું ફ્રોક પહેરેલી નાનકડી ક્યૂટ ‘અમૂલ ગર્લ’નું ચિત્ર બનાવ્યું. એડ એજન્સીના માર્કેટિંગ જિનિયસ સિલ્વેસ્ટર દા કુન્હાએ આ ચુલબુલી અમૂલ ગર્લની સાથે પંચલાઇન બનાવીઃ ‘અટર્લી, બટર્લી, ડિલિશિયસ’. એટલું જ નહીં, તેમણે સાંપ્રત સમયની ઘટનાઓ પર પણ મસ્તી ભરી લાઇન્સ બનાવવાનું શરૂ કર્યું. અલગ અલગ શહેરોમાં હોર્ડિંગ્સ અને અખબારો-સામયિકોમાં છપાતી આ મસ્તીભરી એડ્સ એટલી પોપ્યુલર થઈ કે આજે પાંચ દાયકા પછી પણ તે અવિરત ચાલી રહી છે. તે ભારતીય એડવર્ટાઇઝિંગના ઇતિહાસમાં સૌથી લાંબું એડ કેમ્પેન છે.
ઓપરેશન ફ્લડ: શાસ્ત્રીજીએ કહ્યું, ‘મારે દેશભરમાં આણંદ ઊભાં કરવાં છે’
1964માં કુરિયનના આમંત્રણ પર તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ અમૂલની નવી પશુ-ખાદ્ય કમ્પાઉન્ડિંગ ફેક્ટરીના ઉદ્ઘાટન માટે આણંદની મુલાકાત લેવાનું નક્કી કર્યું, પરંતુ શાસ્ત્રીજીએ એક વિચિત્ર માગણી કરી: હું એક દિવસ પહેલાં પહોંચી જઇશ અને ખેડા જિલ્લાના કોઇ નાના ખેડૂતના ઘરે રાત વિતાવીશ. તેમના સિક્યોરિટી એડવાઇઝર એફ. જે. હેરેડિયાએ આની સામે વાંધો ઉઠાવ્યો, પરંતુ કુરિયને કહ્યું કે જો વડાપ્રધાન એક સામાન્ય ગામડાની મુલાકાત લેવા માગતા હોય, તો તેમણે પોતે જ PMની સિક્યોરિટીની જવાબદારી લેવી પડશે, જેથી પોલીસની ફોજ ઉતારવી ન પડે.

સ્વાભાવિક રીતે જ આ આખો પ્લાન ગુપ્ત રાખવાનો હતો. કુરિયને અજરપુરા ગામના રમણભાઈ પુંજાભાઈ પટેલ નામના ખેડૂતને જાણ કરી કે તેમના ઘરે બે 'વિદેશી મહેમાનો' રહેવા આવવાના છે. જ્યારે શાસ્ત્રી આવ્યા ત્યારે ખેડૂતે બૂમ પાડી ઊઠ્યો: ‘અરે, મારા ઘરે વડાપ્રધાન? સાહેબ, તમે મારી સાથે આ શું કર્યું?’પરંતુ શાસ્ત્રીજી મોજથી રમણભાઇના ઘરે રહ્યા, તેમની સાથે સાદું ભોજન જમ્યા અને મોડી રાત્રે 2 વાગ્યા સુધી ગામલોકો સાથે વાત કરી. તેમણે ખેડૂતોને દૂધ ઉત્પાદન, આવક અને સહકારી મંડળીની કામગીરી વિશે પ્રશ્નો પૂછ્યા.
બીજા દિવસે શાસ્ત્રીજી કુરિયનને મળ્યા અને કહ્યુંઃ ‘મેં માટી, આબોહવા, પશુઓ (યુપીની ભેંસો શ્રેષ્ઠ હતી) અને ખેડૂતો જોયા છે, પરંતુ આણંદની સફળતા માટે કોઈ ચોક્કસ કારણ મને મળ્યું નથી. કુરિયન, તમારી સફળતાનું રહસ્ય શું છે?’
કુરિયનનો જવાબ સીધો હતો: ‘સાહેબ, અહીં ફક્ત એક જ તફાવત છે, અમૂલ ડેરી ખેડૂતોની માલિકીની છે. હું ખેડૂતોનો કર્મચારી છું.’
શાસ્ત્રીજી ખુશ થઈ ગયા અને કહ્યું: ‘આનો અર્થ એ કે આ જ મોડેલથી આપણે ઘણાં બધાં આણંદ બનાવી શકીએ! કુરિયન, કાલથી તમે ફક્ત આણંદ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે કામ કરશો. સરકાર તમને કોરો ચેક આપશે... આખા ભારતમાં આણંદ મોડેલનું પુનરાવર્તન કરો.’
કુરિયને બે શરતો મૂકી:- તેઓ હંમેશાં ખેડૂતોના કર્મચારી રહેશે, સરકારના નહીં.- નવી સંસ્થા દિલ્હીમાં નહીં, પણ આણંદમાં સ્થિત હશે, કારણ કે દિલ્હીના લોકો ખેડૂતો વિશે વિચારતા નથી.
શાસ્ત્રીજીએ બંને શરત સ્વીકારી.
રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)નો જન્મ
1965માં કુરિયને આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ફક્ત ₹30 હજારની માગણી કરી. કૃષિ મંત્રાલયના સરકારી બાબુઓએ એવું કહીને આનો વિરોધ કર્યો, કે તમે વડાપ્રધાન મંત્રાલયની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છો. આવું કહીને તેમણે ભંડોળ રોકી દીધું.
કુરિયન ગુસ્સામાં બોલ્યા: ‘તમે વડાપ્રધાનને કહો કે કુરિયન ભિખારી નથી. તે ભીખ માગવા નથી આવ્યો.’ તેઓ આણંદ પાછા ફર્યા અને અમૂલ બોર્ડને કહ્યું કે NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) બનાવવા માટે તેમને તેમના સમર્થનની જરૂર છે. બોર્ડના એક સભ્યએ ચિંતા વ્યક્ત કરી કે આવું થશે તો અંદરોઅંદર ચડસાચડસી અને સ્પર્ધા વધશે. કુરિયને વળતી દલીલ કરી: ‘જુઓ, એક અમૂલ તોડવું સહેલું છે, પરંતુ સો અમૂલ તોડવાં ખૂબ મુશ્કેલ હશે.’
જોકે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)નો જન્મ અમૂલના ખેડૂતોના પૈસા અને ટેક્નિકલ કુશળતામાંથી થયો હતો.
કુરિયને NDDB દ્વારા ‘ઓપરેશન ફ્લડ’ની યોજના બનાવી, જેનો ઉદ્દેશ્ય ભારતના ડેરી ઉદ્યોગને એક ટીપાથી દરિયા તરફ લઈ જવાનો હતો. આ યોજના જરૂરી હતી, કારણ કે 1970 સુધીમાં ભારતમાં માથાદીઠ દૂધનો વપરાશ 124 ગ્રામથી ઘટીને 107 ગ્રામ થઈ ગયો હતો, અને શહેરોમાં ગાયો અને ભેંસોની કતલ થઈ રહી હતી.
સફેદ જૂઠ અને સત્તાના કોરિડોરમાં સંઘર્ષ
ઓપરેશન ફ્લડ માટે ભંડોળ યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી (EEC) દ્વારા દાનમાં મળેલા મિલ્ક પાઉડર અને માખણ તેલ વેચીને એકત્ર કરવાનું હતું. 1968માં કુરિયન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) સમિતિ સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કરવા રોમ (ઇટાલી) ગયા હતા. પાકિસ્તાની પ્રતિનિધિ નઝીર અહેમદે આ પ્રસ્તાવને રોકવાનો પ્રયાસ કર્યો, અને કુરિયનને પ્રશ્ન પણ કર્યો કે એક ખ્રિસ્તી તરીકે તેઓ NDDBનું નેતૃત્વ કેવી રીતે કરી શકે.
કુરિયને તેમને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું, ‘મિસ્ટર અહેમદ, એટલા માટે કે ભારત એ પાકિસ્તાન નથી.’ તેમણે ભારતની ધર્મનિરપેક્ષતાનો પરિચય કરાવ્યો.
કુરિયને સમિતિ સમક્ષ ભાવુક ભાષણ આપ્યું, જેમાં તેમણે સમજાવ્યું કે તેઓ ખાદ્ય સહાયથી ભારતના અર્થતંત્રને નબળું પાડવા દેશે નહીં, બલકે તેનો ઉપયોગ ભારતના ખેડૂતોના લાભ માટે કરશે.

વેન્ડિંગ મશીન વિવાદ અને દિલ્હી મિલ્ક સ્કીમ (DMS)ની સફાઈ
ઓપરેશન ફ્લડ-1 માં વિલંબનું મુખ્ય કારણ દિલ્હીમાં મધર ડેરી માટે જથ્થાબંધ મિલ્ક વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવાનો વિરોધ હતો. કુરિયને દલીલ કરી હતી કે આનાથી દૂધ માર્કેટિંગની કાર્યક્ષમતામાં સુધારો થશે અને રેશનિંગ દૂર થશે.સરકારી નિષ્ણાતોને ચિંતા હતી કે જો સિક્કો નાખ્યા પછી લોકોને દૂધ નહીં મળે, તો રાજધાનીમાં રમખાણો ફાટી નીકળશે. કુરિયને ત્રણ વર્ષ સુધી સંઘર્ષ કર્યો. તત્કાલીન મંત્રી ફખરુદ્દીન અલી અહેમદે કુરિયનને મશીનો આયાત કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો. પડકાર સ્વીકારીને કુરિયને ભારતમાં જ મશીનો ડિઝાઇન કર્યાં અને તેનું ઉત્પાદન કરાવ્યું. ડિઝાઇનમાં આ ચાર વર્ષનો વિલંબ ઓપરેશન ફ્લડ-1 માં વિલંબનું મુખ્ય કારણ બન્યું. જ્યારે મશીનો આખરે દિલ્હીમાં કાર્યરત થયાં, ત્યારે તેઓ તાત્કાલિક સફળ થયા અને દૂધના માર્કેટિંગમાં ક્રાંતિ લાવી.
આ પહેલાં તત્કાલીન કૃષિમંત્રી સી. સુબ્રહ્મણ્યમે કુરિયનને કુરિયન દિલ્હી મિલ્ક સ્કીમ (DMS)માં ‘સાફસૂફી’નું કામ સોંપ્યું હતું. સુબ્રમણ્યમે તેમને નાણામંત્રી અને કૃષિ મંત્રી બંનેની સત્તા આપવાનું અભૂતપૂર્વ વચન આપ્યું હતું. DMS ભ્રષ્ટાચારનો અડ્ડો હતો, જ્યાં દૂધનું રેશનિંગ થતું હતું અને કોન્ટ્રેક્ટરો બધું લૂંટી લેતા હતા. કુરિયને દિલ્હી અને આણંદ વચ્ચે 42 દિવસ કામ કર્યું અને અમૂલના 92 ગુપ્ત એક્સપર્ટ કર્મચારીઓની મદદથી આખી સિસ્ટમ સાફ કરી દીધી. તેમણે બધી સબસિડી બંધ કરી દીધી અને રેશનિંગ નાબૂદ કર્યું.
કોર્પોરેટ અને રાજકીય વિરોધ
1982-83ની આસપાસ અમૂલ વિરુદ્ધ એક ટીકાત્મક કેમ્પેન શરૂ થયું હતું, જેમાં સિનિયર પત્રકાર પ્રીતિશ નંદીના ‘ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’માં પ્રકાશિત ‘ધ વ્હાઇટ લાઇ’ શીર્ષકવાળી સ્ટોરીનોપણ સમાવેશ થતો હતો. આ સ્ટોરીમાં અને ઓવરઓલ હેટ કેમ્પેનમાં ઓપરેશન ફ્લડને નિષ્ફળ ગણાવવામાં આવ્યું હતું. આ બધાથી NDDBના કર્મચારીઓને અપમાનિત થયાનો અનુભવ થયો. એટલું જ નહીં, કૃષિ મંત્રી રાવ બિરેન્દ્ર સિંહે આ હેટ કેમ્પેનના જવાબમાં એવું નિવેદન આપ્યું કે, ‘NDDB અને IDC (ઇન્ડિયન ડેરી કોર્પોરેશન)ના કર્મચારીઓની કાર્યક્ષમતાનું પુનઃમૂલ્યાંકન થશે અને ઓપરેશન ફ્લડનો આખો પ્રોજેક્ટ અન્ય એક્સપર્ટો દ્વારા નવેસરથી લાગુ કરવામાં આવશે.’ કુરિયન NDDBના તો ચેરમેન હતા જ, પરંતુ ઓપરેશન ફ્લડની કામગીરી જોતાં તેમને IDCનું અધ્યક્ષપદ પણ આપવામાં આવ્યું હતું. ઘણા ટીકાકારોએ આને ‘કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ પણ ગણાવ્યો હતો.
13 ડિસેમ્બર, 1983ના રોજ મંત્રી રાવ બિરેન્દ્ર સિંહના નિવેદનના વિરોધમાં NDDB/IDCના 700થી વધુ અધિકારીઓએ સામૂહિક રીતે રાજીનામાં આપ્યાં. ભારતની કોઇપણ પબ્લિક સેક્ટર કંપનીના ઇતિહાસમાં આ એક નાટકીય અને અભૂતપૂર્વ પગલું હતું.
આખરે તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ હસ્તક્ષેપ કરવો પડ્યો અને કુરિયનના સૂચન પર એલ.કે. ઝાના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય મૂલ્યાંકન સમિતિની નિમણૂક કરી. 11 મહિનાની વ્યાપક તપાસ પછી ઝા સમિતિએ 1985માં NDDBને ક્લીનચીટ આપી અને તેને ‘યોગ્યતા અને સમર્પણ સાથે અમલમાં મૂકાયેલો સફળ કાર્યક્રમ’ જાહેર કર્યો. આમ બધા ટીકાકારોને ચૂપ કરી દીધા.
પરંતુ કૃષિ મંત્રી રાવ બિરેન્દ્ર સિંહના સતત હસ્તક્ષેપને કારણે કુરિયને રાજીનામું આપી દીધું. તેમ છતાં સિંહ ન માન્યા ત્યારે ઇન્દિરા ગાંધીએ કુરિયનને બચાવવા માટે સિંહને જ તેમના પદ પરથી દૂર કર્યા. કુરિયને કહ્યું, ‘હું તમામ યુદ્ધો લડ્યો અને બધાં જ યુદ્ધોમાંથી સાંગોપાંગ બહાર આવી ગયો છું.’
અમૂલ મોડલનું વિસ્તરણ, સિદ્ધાંતો અને વારસો
ઓપરેશન ફ્લડની સફળતાએ કુરિયનને અન્ય ક્ષેત્રોમાં સહકારી મોડેલ શોધવાની પ્રેરણા આપી. નાણામંત્રી એચ.એમ. પટેલની વિનંતી પર NDDB ‘તેલિયા રાજાઓ’ના એકાધિકારને તોડવા માટે ખાદ્ય તેલ બજારમાં પ્રવેશ્યું.
ઓપરેશન ગોલ્ડન ફ્લો, અથવા ઓઇલ પ્રોજેક્ટ, 1979 માં શરૂ થયો હતો. અમૂલના વિતરણ નેટવર્કનો ઉપયોગ કરીને, NDDB એ પોતાનું બ્રાન્ડેડ તેલ, ધારાનું માર્કેટિંગ કર્યું, જે ઉચ્ચ ગુણવત્તાવાળું હતું અને સૌથી નીચું ભાવ ધરાવતું હતું. કુરિયનની વ્યૂહરચના તેલ વેપારીઓને છેતરવાની હતી. તેલ ખૂબ જ અસ્થિર કોમોડિટી હોવા છતાં, ધારાએ બે વર્ષમાં ટોચના બ્રાન્ડેડ તેલ તરીકે પ્રતિષ્ઠા મેળવી. ઓઇલ લોબીએ NDDB ના અનેક અધિકારીઓ પર શારીરિક હુમલાઓનું આયોજન પણ કર્યું, અને ભાવનગરની ઓઇલ મિલને સાત વખત આગ ચાંપી દેવામાં આવી, પરંતુ કુરિયન મક્કમ રહ્યા.દરમિયાન, કુરિયનના જીવનમાં રાજકીય હસ્તક્ષેપ ચાલુ રહ્યો. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના નાગરિક પુરવઠા પ્રધાન 27,000 ટન તેલ એક ખાનગી કંપનીને અડધા ભાવે વેચીને નફો મેળવવા માંગતા હતા. કુરિયનને સમયસર આ વાતની જાણ થઈ. તેમણે તરત જ રાજીવ ગાંધીને મળ્યા અને NDDB ને સંપૂર્ણ ભાવે આખો સ્ટોક ખરીદવાની ઓફર કરી. મંત્રીને એક બેઠકમાં બોલાવવામાં આવ્યા, જ્યાં કુરિયનની હાજરીમાં રાજીવ ગાંધીએ તેમને સખત ઠપકો આપ્યો.

લોકશાહીનું શિક્ષણ અને કુરિયનનો અંતિમ સિદ્ધાંત
કુરિયન હંમેશાં રાજકારણથી દૂર રહેતા. 1990માં જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવી લાલ અને મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ આણંદની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે ત્યાં 50 હજાર ખેડૂતોને ભેગા થયેલા જોયા. દેવી લાલે પૂછ્યું કે વિવિધ રાજકીય પક્ષોના આ ખેડૂતો કેવી રીતે સાથે રહી શકે છે. ખેડૂતોએ જવાબ આપ્યો કે સહકારી મંડળીમાં તેઓ પહેલાં ખેડૂત હતા, પછી પક્ષના સભ્યો.
કુરિયન માનતા કે જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના ખેડૂતોને તેમની આર્થિક સ્વતંત્રતા માટે એક કરવા એ ભારતને એક કરવાનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. કુરિયનનો વિચાર સ્પષ્ટ હતો: વાસ્તવિક વિકાસ એ સ્ત્રીઓ અને પુરુષોનો વિકાસ છે. વિકાસના સાધનો તેમના હાથમાં સોંપવા જોઈએ. કુરિયનને ગર્વ હતો કે ₹1,000 કરોડથી વધુ ખર્ચ કરનાર NDDB હજુ પણ પોતાના નામે કંઈ રાખતું નથી, કારણ કે બધું ખેડૂતોની સહકારી સંસ્થાઓનું છે.
1994માં ત્રિભુવનદાસ પટેલનું અવસાન થયું. કુરિયનને તેમનો છેલ્લો સંદેશ હતો: ‘કુરિયનને કહો કે મેં 6:30 સુધી રાહ જોઈ. હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. તમારે ખેડૂતોના હિત અને સહકારી સંસ્થાઓ તેમને સોંપવી જોઈએ.’ કુરિયને તેમના માર્ગદર્શકનો વારસો આગળ ધપાવ્યો.
NDDB દ્વારા શરૂ કરાયેલી શ્વેત ક્રાંતિને કારણે ભારતમાં દૂધ ઉત્પાદન છેલ્લાં 20 વર્ષમાં 4.8%ના સ્વસ્થ દરે વધ્યું છે, અને ભારત આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આજે માથાદીઠ દૂધની ઉપલબ્ધતા 1970ની સરખામણીમાં બમણી (214 ગ્રામ પ્રતિ દિવસ) છે.

એક અધૂરાં સ્વપ્નનો સંઘર્ષ
ડૉ. કુરિયનને તેમના જીવનકાળ દરમિયાન 150થી વધુ પુરસ્કારો મળ્યા હતા. પરંતુ તેમને સૌથી વધુ ગર્વ પદ્મ વિભૂષણ (1999) અને ખેડૂતો દ્વારા આપવામાં આવેલા સન્માન પર હતો. તેમણે કોર્પોરેટ મેનેજમેન્ટને બદલે ગ્રામીણ વ્યવસ્થાપન માટે વ્યાવસાયિકોને તાલીમ આપવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)ની સ્થાપના કરી.31 ડિસેમ્બર, 2004ના રોજ પોતાનાં સંસ્મરણોનો અંત લાવતાં કુરિયને લખ્યું કે તેમના ઘણા સાથીદારો દ્વારા પોષાયેલું NDDB આજે તેની પોતાની ખેડૂતોની સહકારી સંસ્થાઓ સામે સ્પર્ધા કરી રહ્યું છે. કુરિયને આને સહકારી ચળવળના આત્મા પર હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે તેઓ હંમેશાં લડશે.ડૉ. કુરિયનને તેમના મૂળ મલયાલમમાં એક કહેવત યાદ આવી: ‘પોતાના આંગણામાં ખીલેલાં ચમેલીનાં ફૂલની સુગંધ બીજાના બગીચામાં ખીલેલા ચમેલી જેટલી મીઠી હોતી નથી.’ તેમનું માનવું હતું કે કદાચ આ જ કારણ હતું કે તેમને પોતાના દેશમાં માન્યતા મળવામાં મોડું થયું.
વર્ગીસ કુરિયન માનતા હતા કે જો લોકોની ઊર્જા અને જ્ઞાનને વ્યાવસાયિક કૌશલ્ય સાથે જોડવામાં આવે તો ભારતના ખેડૂતો કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. તેમનું અધૂરું સ્વપ્ન ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ભારતના ખેડૂતોને સમાન તક મળશે.
તેમની મોટી સિદ્ધિ એ હતી કે તેમણે બતાવ્યું કે ગરીબી દૂર કરવાનો એક જ રસ્તો છે - લોકોની આવક વધારવી અને શ્વેત ક્રાંતિએ લાખો લોકોની આવક બમણી અને ત્રણ ગણી કરી.
આ એવા માણસની સ્ટોરી છે જેણે ગેરેજથી શરૂઆત કરીને રાષ્ટ્રને દૂધ શક્તિ આપી, અને સાબિત કર્યું કે એક સાચો પ્રોફેશનલ હંમેશાં ખેડૂતનો નોકર બની શકે છે, રાજાનો નહીં.


(સંદર્ભઃ ‘આઈ ટુ હેડ અ ડ્રીમ’ આત્મકથા ડૉ. વર્ગીસ કુરિયન)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















