- Gujarati News
- Bhaskar khaas
- Swapnadrushta
- India's First Non Congress Prime Minister Morarji Desai
સ્વપ્નદૃષ્ટા-2મોરારજી દેસાઈ સ્વમૂત્ર પીને 100 વર્ષ જીવ્યા!:લગ્નના બે દિવસ પહેલાં પિતાએ આપઘાત કર્યો, 81મે વર્ષે PM બન્યા, CIAના એજન્ટ હોવાનો આક્ષેપ લાગ્યો
- કૉપી લિંક

1930માં ભારત ગાંધીજીની આગેવાની હેઠળ સ્વતંત્રતાની ચિનગારીથી ધગધગી રહ્યું હતું. આ અશાંત સમયગાળા દરમિયાન ગોધરામાં હિંદુ-મુસ્લિમો વચ્ચે હિંસક રમખાણો ફાટી નીકળ્યાં. એ વખતે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હાર્ટશોન કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ અત્યંત ઉદ્ધત અને પક્ષપાતી પ
આ પગલાને યુવા ડે. કલેક્ટરે પોતાના આત્મસન્માન પર સીધો હુમલો માન્યો. ઘણા સમયથી બ્રિટિશ સરકારની અન્યાયી નીતિઓ સામે નોકરી છોડવાનું વિચારી રહેલા તે યુવા અધિકારીએ તમામ નેતાઓને મુક્ત કર્યા. રોષે ભરાયેલા બ્રિટિશ અધિકારીએ તાત્કાલિક એ યુવા ગુજરાતી ડે. કલેક્ટર પર ‘કોમ્યુનલ બાયસ’નો દોષ મૂકીને તેમની સામે તપાસ આદરી અને તેમને સિનિયોરિટીમાં ચાર હોદ્દા નીચે ઉતારી દીધા.
સિદ્ધાંતો અને સ્વમાન સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા આ યુવાન માટે આ નિર્ણય અસહ્ય હતો. 19 મે, 1930ના રોજ તેમણે ડેપ્યુટી કલેક્ટરની મોભાદાર નોકરીમાંથી રાજીનામું આપી દીધું. રાજીનામામાં તેમણે સ્પષ્ટપણે લખ્યું કે ‘સ્વચ્છંદતા અને અન્યાયના પાયા પર ઊભેલી વિદેશી સરકારની સેવા કરવી એ આત્મસન્માન વિરુદ્ધ છે. તેમણે એ પણ જાહેર કર્યું કે જ્યારે તેમના લાખો દેશવાસીઓ સ્વતંત્રતા માટે લડી રહ્યા હોય ત્યારે મૂકપ્રેક્ષક બની રહેવું અથવા સરકારને મદદ કરવી એ રાષ્ટ્ર સાથે વિશ્વાસઘાત હશે.’ આ યુવાન એટલે મોરારજી દેસાઈ.
***
આ ઘટના ફક્ત એક અધિકારીનું રાજીનામું નહોતું; એ એક સિદ્ધાંતવાદી માણસની ઘોષણા હતી, જેમણે સત્તાના મોહનો ત્યાગ કરીને સ્વતંત્રતા સંગ્રામની અગ્રિમ હરોળમાં ઊભા રહેવાનું પસંદ કર્યું. આ ઘટનાએ તેમની ભાવિ રાજકીય કારકિર્દીનો પાયો પણ નાખ્યો. દિવ્ય ભાસ્કરની સિરીઝ ‘સ્વપ્નદૃષ્ટા’માં આજે વાત કરીએ ગુજરાતની ધરતીએ આપેલા નખશિખ પ્રામાણિકતા અને લોઢાની કરોડરજ્જુ ધરાવતા સ્વમાની રાજનેતા મોરારજી રણછોડજી દેસાઇ વિશે.

ચેપ્ટર-1: પિતાનો આપઘાત અને પરિવારની જવાબદારી
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી, 1896ના રોજ સુરત (અત્યારના વલસાડ) જિલ્લામાં આવેલા ભદેલી નામના નાનકડા ગામમાં અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા રણછોડજી નાગરજી દેસાઈ ભાવનગર રજવાડામાં શિક્ષક હતા, જેમણે નાનપણથી જ તેમનામાં સરળતા અને શિસ્તની ઊંડી ભાવના કેળવી હતી.
દસ વર્ષના મોરારજીએ ચા છોડી, સ્વદેશીનું વ્રત લીધું
મોરારજીભાઇનું બાળપણ કપરું પણ શિસ્તબદ્ધ હતું. તેઓ દરરોજ પાંચ કિલોમીટર ચાલીને-ઔરંગા નદી પાર કરીને વલસાડની બાઈ આવાબાઈ હાઇસ્કૂલ ભણવા જતા. તેઓ ખેતી અને ઘરે રાખેલાં દુધાળાં પ્રાણીઓને સાચવવામાં પણ મદદ કરતા. આ બધાના કારણે તેઓ શરીરે મજબૂત બાંધાના અને હૃષ્ટપુષ્ટ બન્યા.
1905માં બંગભંગ (બંગાળના ભાગલા) સામે ચળવળ શરૂ થઇ, ત્યારે દસ વર્ષના મોરારજીભાઇએ કાયમ માટે ચા છોડી દીધી. પછી લોકમાન્ય ટિળકને છ વર્ષની સજા થઇ ત્યારે એક જાહેરસભામાં સૌની સાથે સ્વદેશીનું વ્રત લીધું. આ બંને વ્રતો તેમણે આજીવન પાળ્યાં.
લગ્નના બે દિવસ પહેલાં પિતાએ કૂવામાં ઝંપલાવ્યું
મોરારજીભાઇ 15 વર્ષના હતા અને મેટ્રિકમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના જીવનની સૌથી મોટી દુર્ઘટના બની. એક સાંજે તેમના પરિવારે ઘરની પાછળ આવેલા કૂવામાં કોઇના પડવાનો ધબાકો અને ચીસો સાંભળી. ખબર પડી કે મોરારજીભાઇના પિતા જ કૂવામાં પડી ગયા હતા. આત્મકથામાં મોરારજીભાઇ લખે છે કે દેખીતી રીતે જ એ આત્મહત્યા હતી, જેનું કોઇ નક્કર કારણ જાણી શકાયું નહોતું. મોરારજીભાઇએ અંદાજ લગાવ્યો કે એક વર્ષથી વધુ સમયથી ડિપ્રેશન અને મેલન્કોલિઆથી પીડાવાને કારણે તેમના પિતાએ આ છેવટનું પગલું ભર્યું હશે. એ વખતે મોરારજી દેસાઇના લગ્ન ગજરાબેન સાથે નક્કી થઇ ગયા હતા અને 1911ના ફેબ્રુઆરીમાં લગ્નને આડે બે દિવસ બાકી હતા ત્યારે જ તેમના પિતાએ આપઘાત કરેલો! લીધા લગ્ન પાછા ન ઠેલાય એવો રિવાજ હોવાથી પિતાના અવસાનના ત્રીજા દિવસે સાદાઇથી લગ્ન પતાવી દેવામાં આવ્યા.

ઘરના મોભીની અચાનક વિદાયને કારણે પરિવારમાં સૌથી મોટા એવા પંદર વર્ષના મોરારજીભાઇ પર તેમનાં દાદી, માતા, ત્રણ ભાઇ, બે બહેનો અને તેમનાં પત્ની સહિત નવ સભ્યોના બહોળા પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી આવી પડી.
આ સ્થિતિમાં મોરારજીભાઇ મુંબઇ જઇને કોલેજ શી રીતે કરી શકે? પરંતુ એક અણધારી મદદ મળી ગઇ. તેમના પિતા રણછોડજીએ જ્યાં આજીવન શિક્ષક તરીકે કામ કરેલું એ ભાવનગરના મહારાજાએ મોરારજીને મહિને દસ રૂપિયાની સ્કોલરશિપ આપવાનું નક્કી કર્યું.
‘હું કે મારા પરિવારમાંથી ક્યારેય કોઈ ફટાકડા નહીં ફોડીએ’
મોરારજીભાઇની એક બહેન 1912માં દિવાળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે દાઝી જવાથી મૃત્યુ પામી હતી. ત્યારથી મોરારજીભાઇએ સંકલ્પ કર્યો તે તેમના પરિવારમાં કોઇને તેઓ ક્યારેય ફટાકડા ફોડવાની મંજૂરી નહીં આપે. આ નિયમને તેઓ આજીવન વળગી રહ્યા.

ચોકીદારનું ધ્યાન ચૂકવીને સ્ટેડિયમમાં મેચ જોતા
મેટ્રિકમાં મોરારજી યુનિવર્સિટીમાં 45મા ક્રમે પાસ થયા હતા, આથી તેમને મુંબઈની ગોકળદાસ તેજપાલ બોર્ડિંગમાં ચાર વર્ષ સુધી મફત રહેવાની સુવિધા મળી. કોલેજની ફી, પુસ્તકો અને કપડાં પણ ત્યાંથી જ મળતાં હતાં. કોલેજના દિવસોમાં પણ તેઓ મુસાફરી ખર્ચ બચાવવા માટે દરરોજ ચાલીને કોલેજ જતા હતા. ભાવનગરના મહારાજા દ્વારા મળતી સ્કોલરશિપ તેઓ માતાને મોકલી આપતા હતા, જ્યારે પોતે ટ્યૂશનો કરીને અંગત ખર્ચ કાઢતા હતા. ક્રિકેટ જોવાના શોખીન મોરારજીભાઇ ચોકીદારની નજર ચૂકવીને સ્ટેડિયમમાં ઘૂસી જતા અને મેચો જોતા!
આખો એન્સાઇક્લોપીડિયા વાંચ્યો અને કુદરતી ઉપચાર અપનાવ્યો
કોલેજ દરમિયાન મોરારજીભાઇએ ફિઝિકલ કલ્ચરનાં ત્રણ-ચાર હજાર પાનાંના એન્સાઇક્લોપીડિયાના પાંચ ગ્રંથો વાંચી નાખ્યા હતા, જેમાંથી તેમને કુદરતી ઉપચાર પર આજીવન શ્રદ્ધા પેઠી.
બી.એ.ની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ પાસ થતાં તેમને મહિને 50 રૂપિયાની ફેલોશિપ મળી. ત્યાર પછી તેમણે ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) અને મેથેમેટિક્સ લઇને BSc શરૂ કર્યું. તેમની ઇચ્છા MSc કરીને પ્રોફેસર બનવાની હતી, પરંતુ વિધાતાએ તેમના માટે કંઇક જુદું જ નિર્માણ કર્યું હતું.
‘દુનિયા વિશાળ છે, મને યોગ્ય કામ મળી જ રહેશે’
એ અરસામાં બોમ્બે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસ (રેવન્યુ)ની અખબારી જાહેરખબર આવી. મોરારજીભાઇની ઇચ્છા નહોતી, પરંતુ તેમના એક પ્રોફેસરે તેમની પાસે અરજી કરાવી. પોતાની પાસે સારાં કપડાં ન હોવાથી ઇન્ટરવ્યૂમાં એક સિનિયર ફેલોનો કોટ પહેરીને ગયા હતા. ત્રણ અંગ્રેજોએ લીધેલા ઇન્ટરવ્યૂમાં તેમને પુછાયું, ‘તમને આ નોકરી નહીં મળે તો તમને કેવું લાગશે?’ મોરારજીભાઇએ સહેજ પણ સંકોચ રાખ્યા વિના જવાબ આપ્યો, ‘આ નોકરી ન મળે તો મને કંઇ ખાસ નિરાશા થવાની નથી. હું કંઇ આ નોકરી પર મદાર રાખીને બેઠો નથી. મારી જુવાની હજી તો શરૂ થાય છે અને દુનિયા વિશાળ છે. એટલે મને યોગ્ય કામ મળી રહેશે એવો મને વિશ્વાસ છે.’ મોરારજીભાઇને એ નોકરી મળી ગઇ.
1918ના મે મહિનામાં 22 વર્ષની વયે પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર તરીકે તેઓ સરકારી સેવામાં જોડાયા. બે ખાતાકીય પરીક્ષાઓ પાસ કરીને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની સત્તા મળી. 1930માં તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેઓ બે દીકરા-બે દીકરી સહિત પાંચ સંતાનના પિતા બની ચૂક્યા હતા (એક દીકરો નાનપણમાં જ મૃત્યુ પામ્યો હતો).

ગાંધીવિચારથી આકર્ષાયા, પણ પરિવારને પ્રથમ કર્તવ્ય માન્યું
1921માં મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું. ગાંધીજીથી અને તેમના વિચારોથી મોરારજીભાઇ આકર્ષાયા હતા. તેઓ દ્વિધામાં હતા કે નોકરી છોડવી કે નહીં, પરંતુ ભાઇ-બહેનોને ભણાવીને પરણાવવાનું તેમણે પોતાનું પ્રથમ કર્તવ્ય માન્યું અને નોકરીને વળગી રહ્યા.
ચેપ્ટર 2: વહીવટી જીવનની તોફાની કથાઓ (1918–1930)
બ્રિટિશરાજ હેઠળ ડેપ્યુટી કલેક્ટર-ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ તરીકે મોરારજી દેસાઈનો 12 વર્ષનો કાર્યકાળ (1918-1930) કોઇ થ્રિલર વેબસિરીઝથી કમ નહોતો, જ્યાં તેમણે પોતાની અતૂટ પ્રામાણિકતાથી દરેક પગલે સત્તા અને ભ્રષ્ટાચારને પડકાર્યો. કેટલાક પ્રસંગો જાણવા જેવા છેઃ
મોરારજીભાઇને ‘ભૂત’ દેખાયું?
થાણે જિલ્લામાં તેમનું પોસ્ટિંગ હતું ત્યારે તેઓ જે બંગલામાં રહેતા એના માટે કહેવાતું કે ત્યાં ભૂત થાય છે. મોરારજીભાઇ તમામ અફવાઓને અવગણીને ત્યાં જ રહ્યા અને તેમને કદી ‘ભૂત’ દેખાયું નહોતું.
ન્યાયાધીશ મોરારજીઃ ચાર મુદતમાં કેસનો નિકાલસબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ફોજદારી કેસો ચલાવવાની જવાબદારી હતી. મોરારજીભાઇ ત્રણ-ચાર મુદતમાં ચુકાદો સંભળાવી દેતા. બાર વર્ષના કાર્યકાળમાં તેમણે એક હજાર જેટલા ફોજદારી કેસમાં ચુકાદા સંભળાવેલા, જેમાંથી માત્ર ત્રણ જ કેસમાં હાઇકોર્ટે ચુકાદા ફેરવેલા, બાકીના યથાવત્ રહેલા.
અંધારામાં આરોપી શી રીતે દેખાયો?
તીક્ષ્ણ ન્યાયબુદ્ધિ અને પૂરી તટસ્થતાથી ચુકાદા આપતા મોરારજીભાઇ ન્યાય આપવામાં ખૂબ કાળજી રાખતા. એક વખત લૂંટનો એક કેસ તેમની પાસે આવ્યો. આરોપી કદાવર, પડછંદ, કરડા ચહેરાવાળો, ઉગ્ર સ્વભાવનો હતો. જોઇને જ ગુનેગાર લાગે. લૂંટ રાત્રે દોઢ વાગ્યે થયેલી. તેને નજરે જોનારા સાક્ષીઓ પણ કોર્ટમાં રજૂ થયેલા. કેસ સ્પષ્ટ લાગતો હતો, પણ ચુકાદો લખતી વખતે મોરારજીભાઇને પ્રશ્ન થયો, જે તિથિએ ચંદ્રના અજવાળામાં લોકોએ આરોપીને જોયો, તેટલા અંતરથી કોઇને સ્પષ્ટપણે જોઇ શકાય ખરો? આઠ દિવસ પછી એ જ તિથિ આવતી હતી. તેમણે ચુકાદો મોકૂફ રાખીને તિથિની રાત્રે દોઢ વાગ્યે એટલા જ અંતરે કેટલાક માણસોને ઊભા રાખ્યા અને જોયું કે આટલા અજવાળામાં કોઇને જોઇ શકાય નહીં. તેમણે આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂક્યો.
બળાત્કારી ફોજદારને જ જેલમાં નાખ્યો
ગોધરામાં શાહબુદ્દીન નામે એક માથાભારે ફોજદાર હતા. DSP (જિલ્લા પોલીસવડા)ને તેના પર આંધળો વિશ્વાસ હતો એટલે ફોજદાર ફાવે તેમ કરતો હતો. એવામાં એક દલિત મહિલાએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો. હોદ્દાની રૂએ મોરારજીભાઇએ જાતે જ તપાસ આદરી. ડાયરી કબજે લીધી તો એમાં ગુનાને દિવસે ફોજદારે તે દલિત મહિલાના ગામની મુલાકાત લીધેલી તેની નોંધ હતી. સાક્ષીઓને પણ તપાસ્યા. એ જ દિવસે સાંજે તેમના પર કલેક્ટરની ચિઠ્ઠી આવી કે DSPએ તમારી સામે ફરિયાદ કરી છે કે ફોજદારને તમે ખોટા સંડોવ્યા છે, ગુનાના દિવસે તેઓ તેમની સાથે હતા. મોરારજીભાઇએ જવાબ વાળ્યો કે ‘તો DSP પાસેથી એ નિવેદન લેખિતમાં લેવું પડશે. પોલીસ ડાયરી જુદું જ કહે છે, જો એવું નિવેદન DSP આપતા હોય તો તેમની સામે પણ પગલાં લેવાની જરૂર ઊભી થશે.’ DSPએ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું અને કલેક્ટર સમજી ગયા કે તેઓ જૂઠું બોલે છે.
મોરારજીભાઇએ વૉરંટ કાઢી ફોજદારને જેલમાં મોકલ્યા, જામીન પણ ન આપ્યા. સેશન્સ કોર્ટે પણ જામીન ન આપતાં ફોજદાર જેલમાં જ રહ્યા. આખા જિલ્લામાં નામચીન ફોજદારને જેલમાં પૂરવાની હિંમત કરનાર માણસ કેવોક છે એ જોવા માટે સેંકડો માણસો ગોધરા આવેલા.

DSP સાથે સીધો મુકાબલો: ₹50 પર જીવવાનો પડકાર
ભરૂચમાં પોસ્ટિંગ દરમિયાન નવા જિલ્લા પોલીસ અધીક્ષક (DSP) ઝિયાઉદ્દીન અહેમદે મોરારજી પર આરોપ મૂક્યો કે તેઓ લોકો સાથે હળતા-મળતા નથી. મોરારજીએ વળતો જવાબ આપતાં DSPને યાદ અપાવ્યું કે તેમણે પહેલા તેમને મળવા આવવું જોઈતું હતું.
બીજા એક પ્રસંગે જ્યારે DSPએ પોલીસની સત્તાઓનો આડકતરી રીતે ઉલ્લેખ કરીને તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે મોરારજીએ તરત જ દાવો કર્યો કે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સત્તા પોલીસ અધિકારી કરતાં વધારે છે. તેમણે DSPને એમ કહીને આશ્ચર્યચકિત કરી દીધા કે તેમની જીવનશૈલી એવી છે કે જો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેઓ ‘મહિને માત્ર ₹50’માં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. આ સ્પષ્ટવક્તા વિદેશી અધિકારીઓની સરમુખત્યારશાહી માટે સીધો પડકાર હતો.
ભ્રષ્ટાચારની શંકાના આધારે તાત્કાલિક ઘર છોડ્યું
ભરૂચમાં તેમના મકાનમાલિકે મોરારજીના નામે લાંચ લીધી. મોરારજીને આ વાતની જાણ થતાં જ તેમણે જાહેરમાં મકાનમાલિકને ઠપકો આપ્યો. કાનૂની પુરાવા ન હોવાથી તેઓ કાનૂની કાર્યવાહી કરી શક્યા નહીં, પરંતુ તેમણે તરત જ ઘર ખાલી કરી દીધું અને બીજી જગ્યાએ રહેવા ગયા. ભ્રષ્ટાચાર સાથેનો કોઈપણ સંબંધ, ભલે ગમે તેટલો પરોક્ષ હોય તે તેમને અસ્વીકાર્ય હતો.
રોકડિયો વહેવાર અને મફતની કાણીપાઈ પણ નહીં
નોકરી માટે ગામડાંમાં ફરતી વખતે સીધું-સામાન સાથે જ રાખતા. જરૂર પડ્યે રોકડેથી ખરીદી લેતા, પણ કશુંયે મફત કે ઉધાર લેતા નહોતા. ગોધરામાં ઘોડા માટે જેની પાસેથી ઘાસ મગાવતા તેણે બિલ આપવાની ના પાડી તો મોરારજીભાઇએ કહી દીધું કે ઘાસની કિંમત કરતાં થોડા વધારે પૈસા તમને મોકલાવી આપીશ અને ફરીથી તમારી પાસેથી કદી ઘાસ નહીં લઉં. પછી એ માણસે કદી બિલ આપવાની આનાકાની કરી નહીં.
એકવાર એક ભાઇ કેરીનો કરંડિયો લઇને મોરારજીભાઇને આપવા આવેલા. મોરારજીભાઇએ એ લેવાની ના પાડીને કહ્યું કે કોઇ જરૂરિયાતમંદને આપી દો તો સારું થાય. તે માણસે કહ્યું, તમે જ આપી દો. મોરારજીભાઇએ તેમના કમ્પાઉન્ડમાં રહેતા એક દલિત પરિવારને કરંડિયો મોકલી આપ્યો.
આ ઘટનાઓ દર્શાવે છે કે મોરારજી દેસાઈએ 1930માં રાજીનામું આપતાં પહેલાં જ વહીવટી સેવામાં સિદ્ધાંતો અને આત્મસન્માનનો પાયો નાખ્યો હતો.

ચેપ્ટર 3: સ્વતંત્રતા સંગ્રામમાં નૈતિક સંઘર્ષ
સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી, મોરારજી દેસાઈએ સ્વતંત્રતા સંગ્રામમાં સંપૂર્ણ રીતે ઝંપલાવ્યું અને ત્રણ વખત (1930, 1932-33 અને 1942-45) જેલમાં જવું પડ્યું. જેલમાં તેમનો સમય આત્મનિરીક્ષણ અને નૈતિક શિસ્તની કસોટી સમાન બની રહ્યો.
આખી ભગવદ્ ગીતા કંઠસ્થ કરી લીધી
1934માં યરવડા જેલમાં કારાવાસ દરમિયાન મોરારજી દેસાઈએ સંપૂર્ણ ભગવદ્ ગીતા કંઠસ્થ કરવાનો સંકલ્પ કર્યો. તેમણે આ કાર્ય ફક્ત અઢાર દિવસમાં પૂર્ણ કર્યું. આ પ્રથાએ તેમને ગીતાના ઉપદેશોને જીવનના અનુભવો સાથે જોડવામાં અને ક્રોધના સાચા સ્વરૂપને સમજવામાં મદદ કરી. તેમણે તારણ કાઢ્યું કે જ્યારે વ્યક્તિ દલીલો ખતમ કરી દે છે અથવા જ્યારે તેઓ પોતાની અક્ષમતા કે ભૂલ છુપાવવાનો પ્રયાસ કરે છે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. આ અનુભવથી તેમને ખાતરી થઈ કે કોઈપણ પરિસ્થિતિમાં ક્રોધ અયોગ્ય છે.
જેલના 'તિકડમ' પર સરદાર પટેલ સાથે વૈચારિક મતભેદો
1930ના સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલે સાબરમતી જેલમાં એક નિયમ બનાવ્યો કે બધા રાજકીય કેદીઓ એકતા જાળવવા માટે ઓછામાં ઓછી સુવિધાઓ (સી-ક્લાસ સુવિધાઓ) સ્વીકારશે, જોકે જ્યારે કેટલાક અન્ય કેદીઓએ ગુપ્ત રીતે અખબારો અને સારું ભોજન મેળવીને જેલના નિયમોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું (જેને મોરારજી દેસાઈ ‘તિકડમ’ કહેતા હતા), ત્યારે તેમણે આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેમના સાથી કેદીઓ તેમને ‘મુશ્કેલ’ અને ‘એક કઠોર વ્યક્તિ’ કહેવા લાગ્યા.
સરદાર પટેલ પણ ચિંતિત થયા અને તેમને સલાહ આપી કે ‘તેમના જેલના સાથીઓને ગુસ્સે કરવા કરતાં બી-ક્લાસ ખોરાક સ્વીકારો.’ મોરારજી દેસાઈએ સરદાર પટેલને નમ્રતાપૂર્વક ના પાડી દીધી, અને કહ્યું કે તેઓ ‘ફક્ત કોઈને ખુશ કરવા’ જે નિયમ માને છે એ તોડી શકતા નથી. તેમણે ઉમેર્યું કે જો તેઓ નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે તો જેલના અધિકારીઓ પણ તેમનો આદર કરશે.
પેન્શન મેળવવાનો ઇનકાર
ગાંધી-ઇરવિન કરાર (1931) બાદ મહાત્મા ગાંધીએ મોરારજી દેસાઈ માટે પેન્શનની માગણી કરી, જેને વાઇસરોયે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી, જોકે મોરારજી દેસાઈએ પેન્શન સ્વીકારવાનો ઇનકાર કર્યો. 1937માં જ્યારે તેઓ પોતે મહેસૂલમંત્રી બન્યા ત્યારે પણ તેમણે પોતાનો દાવો છોડી દીધો અને કહ્યું કે તેમના ‘સ્વૈચ્છિક અને બિનશરતી રાજીનામા’ પછી ‘સંઘર્ષના લાભ માટે’ પેન્શન સ્વીકારવું "ખોટું" હશે.
ચેપ્ટર 4: ગાંધી, પટેલ અને નહેરુ સાથે નૈતિક મુકાબલો
મોરારજી દેસાઈએ તેમની રાજકીય કારકિર્દીમાં ટોચના નેતાઓ સાથે પણ ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહીં.
બાપુની સ્ત્રીઓના ખભે હાથ મૂકીને કેમ ચાલે છે?
મોરારજી દેસાઈને ગાંધીજીના વ્યક્તિગત વર્તનના એક પાસા સામે ગંભીર નૈતિક વાંધો હતો. તેમણે બાપુ સાથે ખાનગીમાં ચર્ચા કરી હતી કે તેમને બે મહિલાના ખભા પર હાથ રાખીને ચાલવાની ગાંધીજીની આદત પસંદ નથી.
મોરારજી દેસાઈએ દલીલ કરી હતી કે ગાંધીજીના ઈરાદા શુદ્ધ હતા અને આ પ્રથા ચાલીસ વર્ષથી ચાલી રહી હોવા છતાં તે સમાજમાં દુષ્ટો અથવા નબળા ઈચ્છા ધરાવતા લોકો દ્વારા દુર્વ્યવહાર માટે ખતરનાક દાખલો બેસાડી શકે છે. તેમણે જાહેરહિત અને નૈતિક સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી એનો વિરોધ કર્યો. ગાંધીજી શરૂઆતમાં અસંમત હતા, પરંતુ થોડા દિવસો પછી તેમણે તેમના અખબાર ‘હરિજન’માં એક લેખમાં મોરારજીનો મુદ્દો ટાંક્યો અને જાહેરમાં સ્વીકાર્યું કે એક યુવાન કાર્યકર્તાના અનુભવોના આધારે મોરારજી દેસાઈનો દૃષ્ટિકોણ જાહેરહિતમાં હતો.
'ભારત છોડો' આંદોલન દરમિયાન હિંસાનો ભય
1942માં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું એ પહેલાં મોરારજી દેસાઈએ ગાંધીજી સાથે ચર્ચા કરી અને ચિંતા વ્યક્ત કરી કે સત્યાગ્રહના સિદ્ધાંતોનું પાલન આંદોલનમાં નહીં થાય. તેમણે ચેતવણી આપી હતી કે આંદોલનમાં ભાગ લેનારાઓ, ખાસ કરીને સમાજવાદી જૂથના લોકો, અહિંસામાં માનતા નથી અને ભૂગર્ભમાં રહીને હિંસક પગલાં (જેમ કે તોડફોડ અને બોમ્બમારો) કરશે. મોરારજી દેસાઈને ડર હતો કે જો મોટા પાયે હિંસા લોકપ્રિય થશે, તો ગાંધીજીના પચીસ વર્ષના અહિંસાના પ્રયાસો વ્યર્થ જશે અને આ હિંસા પછીથી સ્વતંત્ર ભારતના રાજકારણમાં ખતરનાક ઝેરની જેમ ફેલાઈ જશે. ગાંધીજીએ સ્વીકાર્યું કે મોરારજી દેસાઈની દલીલોમાં ‘ઘણું સત્ય’ છે, પરંતુ દેશમાં નિરાશા દૂર કરવા માટે આંદોલનને જરૂરી ગણાવ્યું.
જેલમાં કુરાન વાંચ્યું, પયગંબર સાહેબ અહિંસક હતા તેની ખાતરી થઇ
ત્રણ વર્ષના જેલવાસ દરમિયાન મોરારજીભાઇએ કુરાન વાંચ્યું. તેમને ઇસ્લામ પ્રત્યે ઘણો આદરભાવ થયો. પયગંબર સાહેબ અહિંસામાં જ માનતા હતા, એની તેમને ખાતરી થઇ. જેલમાં તેમણે ઉર્દૂ ભાષાનો પણ અભ્યાસ કર્યો હતો.
શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવું જોઇએ
મોરારજીભાઇ બોમ્બે સ્ટેટના મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણના માધ્યમનો પ્રશ્ન ઘણો ચર્ચાયો હતો. તેઓ દૃઢપણે માનતા હતા કે શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવું જોઇએ. દેશમાં વિપુલ બુદ્ધિધન હોવા છતાં ઓછા નિષ્ણાતો હોવાનું કારણ વિદેશી ભાષામાં અપાતું શિક્ષણ જ જવાબદાર છે.
જવાહરલાલ નહેરુએ ‘બલિના બકરા’ બનાવ્યા
1959માં જ્યારે દ્વિભાષી બોમ્બે રાજ્યના વિભાજનનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે મોરારજી દેસાઈએ નહેરુના આ પગલાનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે તેમને જાણીજોઈને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો હતો. આત્મકથામાં મોરારજીભાઇએ લખ્યું છે કે નહેરુ પોતે બોમ્બે રાજ્યનું વિભાજન કરવા કે બોમ્બે શહેરને મહારાષ્ટ્રમાં સામેલ કરવાના પક્ષમાં નહોતા. તેમ છતાં તેમણે જાહેરમાં એવી છાપ ઊભી કરી હતી કે દેસાઈ મહારાષ્ટ્રને બોમ્બે ન મળે એ માટે જવાબદાર હતા. મોરારજી દેસાઈએ પાછળથી આ અંગે નહેરુનો સામનો કર્યો અને નહેરુએ સ્વીકાર્યું કે તેમણે ‘રાજકીય દાવપેચ’નો આશરો લીધો હતો.

ચેપ્ટર 5: ગુજરાતના નિર્માણની ગાથા
દ્વિભાષી બોમ્બે સ્ટેટના ભાષાને આધારે ભાગલા પડે અને સ્વતંત્ર ગુજરાત રાજ્ય રચાય એના મોરારજીભાઇ વિરોધી હતા. તેમનો મત હતો કે કમસે કમ દસ વર્ષ સુધી ‘રાજ્ય પુનર્રચના પંચ’ની કાર્યવાહી ન કરવી જોઇએ, પરંતુ લોકમાગણી જોતાં ભારત સરકારે આ પંચ નીમવું પડ્યું. તેમાં મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાની ચર્ચાને પગલે મુંબઇમાં તોફાનો ફાટી નીકળ્યાં. ચોપાટી પર કોંગ્રેસે યોજેલી સભામાં પથ્થરમારો થયો, જેમાં મોરારજીભાઇને પણ ઇજા થયેલી. ઠેર ઠેર થયેલાં તોફાનોમાં ગુજરાતીઓ પર હુમલા થયા, તેમની દુકાનો લૂંટાઈ. પોલીસ ગોળીબારમાં 80 લોકોનાં મોત થયાં. મરાઠી અખબારોએ મોરારજીભાઇને હલકી ગાળો દઇને બદનામ કર્યા છતાં તેઓ વિચલિત ન થયા.
ગુજરાતમાં પણ ઇન્દુલાલ યાજ્ઞિકની રાહબરી હેઠળ ચાલી રહેલા ‘મહાગુજરાત આંદોલન’ના તેઓ ‘વિલન’ બનેલા. અમદાવાદમાં પણ તેમની સભામાં પથ્થરમારો થયેલો, જેમાં તેમનાં પત્ની ગજરાબહેનને ઇજા થયેલી. લોકહિંસા રોકવા માટે મોરારજીભાઇએ ઉપવાસ આદરેલા. આ સમગ્ર ઘટનાક્રમ વિગતે આપણે ‘સ્વપ્નદૃષ્ટા’ સિરીઝના પ્રથમ એપિસોડમાં વાંચી ગયા છીએ.
વહીવટી અને ન્યાયિક સુધારા: આધુનિક ગુજરાતનો પાયો
બોમ્બે રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોરારજી દેસાઈએ વહીવટને લોકો પ્રત્યે વધુ જવાબદાર બનાવવા માટે ઘણા સીમાચિહ્નરૂપ સુધારાઓ રજૂ કર્યા, જે આધુનિક ગુજરાતનો આત્મા બન્યો.
ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવું
તેમણે ન્યાયતંત્રને કારોબારીથી સંપૂર્ણ રીતે અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી, જેથી ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે. પંચાયતી રાજને મજબૂત બનાવવા તેમણે મુંબઈ રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થા સફળતાપૂર્વક વિકસાવી. ગુજરાત ક્ષેત્રમાં તેમણે તમામ જમીન મહેસૂલ પંચાયતોને તબદિલ કરી. વધુમાં પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા રસ્તાઓ (નેશનલ હાઇવે સિવાય) જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ પંચાયતોને તબદિલ કરવામાં આવી. આ પગલાથી આધુનિક ગુજરાતમાં લોકશાહી અને સહભાગી શાસનની ભાવના મજબૂત થઈ.

અમૂલનો જન્મ અને સહકારી ક્રાંતિ
મોરારજી દેસાઈ સામાજિક અને આર્થિક વિકાસ માટે સહકારને મહત્ત્વપૂર્ણ માનતા હતા. 1945ના અંતમાં, જ્યારે ખેડા જિલ્લાના ખેડૂતોએ આણંદમાં ‘પોલ્સન’ ડેરી દ્વારા શોષણની ફરિયાદ કરી, ત્યારે મોરારજી દેસાઈએ તેમને વિરોધ ન કરવાની સલાહ આપી.તેમણે ખેડૂતોને કહ્યું કે જો તેઓ દૂધ વેચવા માટે પોતાની સહકારી સંસ્થા બનાવે તો જ તેઓ સફળ થશે. તેમની સલાહને અનુસરીને, તેમણે ખેડા જિલ્લાના કાર્યકર ત્રિભુવનદાસ પટેલને આ કાર્ય સોંપ્યું. આ સંગઠન 36 સભ્યોથી શરૂ થયું અને ટૂંક સમયમાં પ્રખ્યાત ‘અમૂલ’ ડેરીમાં વિકસ્યું, જે આજે ગુજરાતની આર્થિક કરોડરજ્જુનો મુખ્ય આધારસ્તંભ છે.
વધુમાં, તેમણે આદિવાસી લોકોને વન ઠેકેદારો દ્વારા થતા શોષણથી બચાવવા માટે સહકારી સંસ્થાઓનો ઉપયોગ કર્યો. તેમણે નિર્દેશ આપ્યો કે વાજબી વેતન અને નફામાં હિસ્સો સુનિશ્ચિત કરીને આદિવાસી સહકારી સંસ્થાઓને વન કરાર આપવામાં આવે.
સામાજિક સુધારા: પ્રતિબંધ અને જાતિ સમાનતા
મોરારજી દેસાઈ દારૂબંધીના કટ્ટર સમર્થક હતા, તેઓ માનતા હતા કે તે ગરીબ અને મજૂર વર્ગના ઉત્થાન માટે નૈતિક જરૂરિયાત છે. મુંબઈમાં દારૂબંધી લાગુ થયા પછી બ્રિટિશ કપાસ મિલના સંચાલકો મોરારજી દેસાઈને મળ્યા અને કામદારો પર તેની પોઝિટિવ અસરની જાણ કરી. તેમણે જોયું કે કામદારોની પત્નીઓ હવે વધુ સારાં કપડાં ખરીદી રહી છે, ખોરાકની ગુણવત્તામાં સુધારો થયો છે અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.
પ્રતિબંધથી થયેલા મહેસૂલી નુકસાનની ભરપાઈ કરવા માટે વેચાણ વેરો વધારવામાં આવ્યો, જેનાથી નુકસાન કરતાં વધુ આવક થઈ. મોરારજી દેસાઈએ આગ્રહ કર્યો કે એકવાર પ્રતિબંધ લાગુ થઈ ગયા પછી, તેને ગમે તે હોય ઊલટાવી ન શકાય.
દલિત-આદિવાસી સુધારાઓમાં તેમણે 1947માં આદેશ આપ્યો કે જે ગામડાંઓમાં દલિત બાળકો અન્ય બાળકો સાથે બેસી શકતાં નથી ત્યાંની શાળાઓ બંધ કરી દેવામાં આવે. ખેડા જિલ્લામાં રૂઢિચુસ્ત હિન્દુઓ દ્વારા કાનૂની પડકાર ફેંકાવા છતાં મોરારજી દેસાઈની સરકાર જીતી ગઈ અને દલિત બાળકોને સમાન રીતે બેસાડવાની ફરજ પાડવામાં આવી. તેમણે ગુનાહિત જનજાતિ અધિનિયમ પણ રદ કર્યો, જે આધુનિક ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતું.
ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ધારાસભાની ચૂંટણીના પ્રચાર માટે તેઓ ગુજરાતમાં ફરી રહ્યા હતા. તે ક્રમમાં એમની મંડળીને ડાકોરમાં રણછોડરાયજી મંદિરે દર્શન માટે જવાનું સૂચન કરાયું. પરંતુ એ વખતે મંદિરમાં દલિતોને પ્રવેશ નહોતો અપાતો. જે મંદિરમાં દલિતોને પ્રવેશ ન હોય, ત્યાં ન જવાનો મોરારજીભાઇનો નિયમ હતો. આથી તેઓ ચૂંટણી પરિણામ પર શું અસર પડશે તેની ચિંતા કર્યા વિના ડાકોરના એ પ્રસિદ્ધ મંદિરમાં ન ગયા, તે ન જ ગયા.

વિભાગ 6: કેન્દ્રીય રાજકારણમાં નૈતિકતાનું શિખર
1956માં કેન્દ્ર સરકારમાં પ્રવેશ્યા પછી મોરારજી દેસાઈએ નાણામંત્રી (1958) અને નાયબ વડા પ્રધાન (1967) તરીકે સેવા આપી. આ સમય દરમિયાન, તેમણે એવા સાહસિક આર્થિક નિર્ણયો લીધા જેનાથી તેમની વ્યક્તિગત રાજકીય કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ, પરંતુ તેમણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું.
ગોલ્ડ કંટ્રોલ ઓર્ડર: દેશ માટે રાજકીય જોખમ
1962ના ભારત-ચીન યુદ્ધ પછી દેશે નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો. નાણામંત્રી તરીકે, તેમણે ગોલ્ડ કંટ્રોલ ઓર્ડર (1963) લાગુ કર્યો, જેનો મુખ્ય હેતુ કરોડો રૂપિયાના સોનાની દાણચોરી અટકાવવાનો હતો. તેમણે 14 કેરેટથી વધુ શુદ્ધતાવાળા સોનાના દાગીનાના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો. આ વિવાદાસ્પદ આદેશની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે આ પગલું તેમની રાજકીય કારકિર્દીને જોખમમાં મૂકી શકે છે, પરંતુ તેમણે રાષ્ટ્રનાં હિતોને તેમની વ્યક્તિગત કારકિર્દીથી ઉપર રાખ્યાં.
આ સાથે, તેમણે કમ્પલ્સરી ડિપોઝિટ સ્કીમ (1963) પણ અમલમાં મૂકી, જેનો ઉદ્દેશ્ય સંરક્ષણ ખર્ચ માટે સંસાધનો એકત્ર કરવાનો અને નાગરિકોમાં બચત કરવાની આદત કેળવવાનો હતો. આ યોજનાઓનો ભારે વિરોધ થયો, પરંતુ મોરારજી દેસાઈ અડગ રહ્યા.
બેંકો પર સામાજિક નિયંત્રણની હિમાયત
1967માં, જ્યારે બેંકોનાં રાષ્ટ્રીયકરણની માગણીઓ ઊભી થઈ ત્યારે મોરારજી દેસાઈએ તેનો વિરોધ કર્યો. તેમણે દલીલ કરી કે રાષ્ટ્રીયકરણ એક ઉતાવળિયું પગલું છે જે આર્થિક માળખાને નુકસાન પહોંચાડી શકે છે.તેના બદલે, તેમણે સોશિયલ કંટ્રોલની હિમાયત કરી. આ યોજનાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે ધિરાણ સુવિધાઓ ફક્ત ઉદ્યોગપતિઓ સુધી મર્યાદિત ન રહે, પણ કૃષિ અને નાના ઉદ્યોગો જેવાં ઉપેક્ષિત ક્ષેત્રો તરફ પણ નિર્દેશિત થાય. તેમણે ત્યાં સુધી કહેલું કે જો બે વર્ષમાં સોશિયલ કંટ્રોલ નિષ્ફળ જાય, તો તેઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રીયકરણનો પ્રસ્તાવ મૂકશે.
ગોવા પર લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરનારા એકલવીર
1961માં જ્યારે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવા માટે લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો, ત્યારે મોરારજી દેસાઈ એકમાત્ર કેબિનેટ મંત્રી હતા જેમણે આ પગલાનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ કાર્યવાહી ભારતની શાંતિપૂર્ણ સમાધાનની નીતિની વિરુદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની નૈતિક સ્થિતિને ગંભીર નુકસાન પહોંચાડશે. તેમણે કહ્યું કે ભારતે લશ્કરી કાર્યવાહી કરતાં પહેલાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ને 12 મહિનાની નોટિસ આપવી જોઈતી હતી.
પદ માટે સોદાબાજી કરવાનો ઇનકાર
1964માં નેહરુના મૃત્યુ પછી જ્યારે વડાપ્રધાનપદ માટે સંઘર્ષ શરૂ થયો અને લાલ બહાદુર શાસ્ત્રીએ તેમને નાયબ વડાપ્રધાન બનાવવાની ઓફર કરીને તેમનો ટેકો માગ્યો, ત્યારે મોરારજી દેસાઈએ તરત જ આ સોદો નકારી કાઢ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું: ‘હું આવી કોઈ પણ સોદો સ્વીકારવાનો નથી. હું કોઈપણ પદ માટે મારું આત્મસન્માન ગુમાવવા માગતો નથી.’

ચેપ્ટર 7: આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટવક્તા
મોરારજીભાઈમોરારજી દેસાઈનું સ્પષ્ટવક્તાપણું માત્ર રાષ્ટ્રીય રાજકારણ પૂરતી મર્યાદિત નહોતું; તેમણે આંતરરાષ્ટ્રીય મંચો પર પણ પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા હતા.
વાઇસરોય સાથે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
1938માં જ્યારે મોરારજી દેસાઈ ખેડૂતોની જપ્ત કરાયેલી જમીન અંગ્રેજોને પરત કરવાના પ્રસ્તાવિત બિલ માટે વાઇસરોય લોર્ડ બ્રેબોર્નની સંમતિ મેળવવા શિમલા ગયા, ત્યારે વાઇસરોયે દલીલ કરી હતી કે બ્રિટિશ સરકાર દ્વારા વેચાયેલી જમીન પરત કરવી એ ‘બ્રિટિશ સરકારના વચનનો ભંગ’ હશે અને તેનાથી તેમની પ્રતિષ્ઠા દાવ પર મુકાશે.
મોરારજી દેસાઈએ હિંમતભેર જવાબ આપ્યો: ‘બ્રિટિશ સરકાર માટે પોતાનું વચન તોડવું સહેલું છે, પરંતુ 'આવી રહેલી કોંગ્રેસની સરકાર' માટે ખેડૂતોને આપેલું વચન તોડવું અશક્ય છે.’ તેમણે વાઇસરોયને એમ પણ કહ્યું કે, ‘બ્રિટન વિશ્વાસઘાત માટે જાણીતું છે, તેથી તેમનું વચન તોડવું એ કંઈ નવું નહીં હોય.’ અલબત્ત, વાઇસરોયે તેમના એટિટ્યુડને પોઝિટિવ રીતે લીધો અને આખરે બિલને પોતાની સંમતિ આપી.નિકિતા ખ્રુશ્ચેવ સાથે વૈચારિક સંઘર્ષ1960માં મોરારજી દેસાઈની રશિયા મુલાકાત દરમિયાન નિકિતા ખ્રુશ્ચેવે મજાકમાં તેમને કહ્યું: ‘મિસ્ટર દેસાઈ, તમે સામ્યવાદના દુશ્મન છો,’ અને તેમને સામ્યવાદીઓનું કાર્ય જોવા માટે આમંત્રણ આપ્યું.મોરારજી દેસાઈએ તરત જ જવાબ આપ્યો કે તેઓ કોઈ વ્યક્તિ કે સિદ્ધાંતના દુશ્મન નથી કારણ કે તેઓ દુશ્મનીમાં માનતા નથી. તેમણે કહ્યું, ‘હું શત્રુતામાં માનતો નથી... હું એવા કોઈનો પણ દુશ્મન નથી જે મારા પ્રત્યે શત્રુતા રાખતો હોય.’ તેમણે કહ્યું કે ભલે તેઓ પોતે સામ્યવાદમાં ન માનતા હોય, છતાં પણ તેઓ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં તો માનતા જ હતા.
જ્યારે ખ્રુશ્ચેવે યુનાઇટેડ સ્ટેટ્સની ‘યુદ્ધપ્રિય’ તરીકે ટીકા કરી, ત્યારે મોરારજી દેસાઈએ તેમને અટકાવીને પૂછ્યું, ‘જો અમેરિકનો યુદ્ધપ્રિય છે, તો શું તેમને શાંતિપ્રિય બનાવવાની આપણી ફરજ નથી?’ ખ્રુશ્ચેવે આ સ્પષ્ટ અને તાર્કિક ભાષણને વ્યક્તિગત રીતે લીધું અને ત્યાર બાદ તેમને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું નહીં, જ્યારે અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મોરારજી દેસાઈ પોતાનું જ મૂત્ર કેમ પીતા?
જૂન, 1978માં મોરારજી દેસાઈ અમેરિકાની યાત્રાએ હતા. ત્યારે CBS ન્યૂઝ ચેનલના પત્રકાર ડેન રાથરે ‘60 મિનિટ્સ’ નામના શો માટે તેમનો ઇન્ટરવ્યૂ લીધેલો. એ વખતે મોરારજીભાઈ 80ના દાયકામાં પ્રવેશી ગયા હતા અને રાજકારણમાં ભરપૂર એક્ટિવ હતા. પત્રકારે તેમને સવાલ કર્યો કે તમારી ફિટનેસનું રહસ્ય શું છે? મોરારજીભાઇએ જવાબ આપ્યો, ‘ફળો, ફળો અને શાકભાજીનો રસ, તાજું દૂધ, સાદું દહીં, મધ, લસણની પાંચ કળી અને સવારે ખાલી પેટે મારું મૂત્ર પી લઉં છું.’
પત્રકારે ડચકારો બોલાવીને પોતાની સૂગ વ્યક્ત કરી. જવાબમાં સહેજ પણ વિચલિત થયા વિના મોરારજીભાઇએ કહ્યું, ‘પ્રાણીઓ પોતાનું મૂત્ર પીને સાજા રહે છે. મારા દેશમાં માતાઓ પોતાના બાળકના પેટનો દુખાવો મટાડવા મૂત્ર પીવડાવે છે. હિંદુ શાસ્ત્રોમાં ગૌમૂત્રને પવિત્ર માનીને દરેક પૂજામાં સામેલ કરાયું છે. તમારા દેશના વિજ્ઞાનીઓ પણ હવે માનવમૂત્રના અર્કમાંથી દવાઓ બનાવવા પર સંશોધન કરી રહ્યા છે. તમે લોકો બીજાનું મૂત્ર પીશો, પણ પોતાનું નહીં પીઓ.’
મોરારજી દેસાઇની આ કબૂલાત આખી દુનિયામાં એટલી બધી ચર્ચાઈ કે એમના સ્વમૂત્ર પીવાના પ્રયોગને ‘મોરારજી કોલા’ જેવું તોફાની નામ મળી ગયેલું!
પ્રાકૃતિક ઉપચારમાં દૃઢપણે માનતા મોરારજી દેસાઇ વેક્સિનના પણ વિરોધી હતા. ગુજરાતમાં પ્લેગ ફેલાયો ત્યારે પ્લેગગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરીને લોકોને રસી મુકાવડાવેલી, પરંતુ પોતે મુકાવી નહોતી. ઇવન, દેશના ગૃહમંત્રી-પ્રધાનમંત્રી તરીકે પણ તેઓ વેક્સિન લીધા વિનાના નેતાઓને સ્વીકારતા ન હોય તેવા દેશની સત્તાવાર મુલાકાત લેવાનું પણ ટાળતા હતા.

મોરારજી દેસાઈ CIAના એજન્ટ હતા?
1983માં અમેરિકન પત્રકાર સિમોર હર્શના પુસ્તક ‘ધ પ્રાઇસ ઓફ પાવર’માં દાવો કર્યો કે, ‘મોરારજી દેસાઈ 1960 અને 1970ના દાયકા દરમિયાન અમેરિકન જાસૂસી સંસ્થા CIA (સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ના એજન્ટ હતા. એમને દરવર્ષે 20 હજાર ડૉલર પણ ચૂકવાતા હતા.’ આ આરોપોએ સનસનાટી મચાવી દીધી. મોરારજીભાઇએ તેને નકારી કાઢ્યા અને શિકાગોની અદાલતમાં હર્શ અને તેના પ્રકાશક પર 5 કરોડ ડૉલરનો માનહાનિનો દાવો માંડેલો. જોકે કોર્ટમાં આ આરોપ સાબિત થયો નહીં, અને છેવટે જ્યુરીએ આ કેસ ફગાવી દીધો.
દેશના સૌપ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન
કટોકટી પછીની ચૂંટણીમાં જેલમાંથી છૂટેલા નેતાઓએ જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ, ઇમર્જન્સીનો વિરોધ કરનારા તમામ વિરોધપક્ષોનું એક સંગઠન બનાવ્યું. કોંગ્રેસ (ઓ), જનસંઘ, સોશિયલિસ્ટ પાર્ટી, ભારતીય ક્રાંતિ દળ વગેરેએ મળીને ‘જનતા પાર્ટી’ની સ્થાપના કરી, જેણે 1977ની ચૂંટણીમાં સૌથી વધુ 295 સીટ મેળવી અને મોરારજી દેસાઈ દેશના ચોથા અને સૌપ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા. તે વખતે તેમની ઉંમર 81 વર્ષ હતી! વિવિધ વિચારધારાઓના બનેલા આ જૂથને એકસાથે રાખીને મોરારજીભાઇએ 28 મહિના આ સરકાર ચલાવી.
મોરારજી દેસાઈની નોટબંધી
મોરારજી દેસાઈએ 1978માં ભારતના વડાપ્રધાન તરીકે ₹1000, ₹5000 અને ₹10,000ની ઊંચી મૂલ્યની ચલણી નોટોની નોટબંધી (High Denomination Notes Demonetisation) કરી હતી. તેનાં મુખ્ય કારણો કાળું નાણું ઘટાડવું, નકલી નોટોનો ત્રાસ દૂર કરવો, ટેક્સ ચોરી અને ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવો અને સમાંતર ઇકોનોમી પર વજ્રાઘાત કરવાનાં હતાં. આ નોટબંધી જનતા પાર્ટી સરકારનાં પ્રથમ મોટાં આર્થિક પગલાંમાંનું એક હતું અને તેનો હેતુ દેશની આર્થિક વ્યવસ્થાને સ્વચ્છ બનાવવાનો હતો.

ચેપ્ટર 8: ગુજરાતના આત્મામાં સિદ્ધાંતો અને યોગદાનનો વારસો
1992માં ભારત સરકારે મોરારજી દેસાઇને સર્વોચ્ચ નાગરિક સન્માન એવા ‘ભારત રત્ન’થી નવાજ્યા. એ પહેલાં 1988માં પાકિસ્તાને પણ તેમને પોતાનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ એનાયત કર્યું હતું. 29 ફેબ્રુઆરીના ‘લીપ ડે’ પર જન્મેલા મોરારજીભાઇએ 1995માં 100મા વર્ષમાં પ્રવેશ કર્યો. પરંતુ એ જ વર્ષે 10મી એપ્રિલે ફેફસાંમાં ચેપ લાગવાથી મુંબઇમાં તેમનું અવસાન થયું.
મોરારજી દેસાઈએ તેમના જીવન દરમિયાન પ્રામાણિકતા, શિસ્ત અને આત્મસન્માનના સિદ્ધાંતોને સર્વોપરી રાખ્યા હતા. 1930માં બ્રિટિશ સેવામાંથી રાજીનામું આપ્યાથી લઈને કેન્દ્રમાં નાયબ વડા પ્રધાન બનવા સુધી, તેમણે દરેક નિર્ણય આ માપદંડો દ્વારા જ નક્કી કર્યો. ભાષાને આધારે રાજ્યોની રચના દેશની અખંડિતતા માટે જોખમી માનતા હોવાને કારણે જ તેમણે દ્વિભાષી બોમ્બે સ્ટેટને સમર્થન આપેલું. પરંતુ તેમની અડગતાએ ગુજરાતને નૈતિક અને મજબૂત વહીવટી પાયો આપ્યો.
તેમણે ગુજરાતમાં વિકેન્દ્રિત ગ્રામીણ શાસન, સ્વતંત્ર ન્યાયતંત્ર અને મજબૂત સહકારી ચળવળ (જેમ કે અમૂલની સફળતા)નો પાયો નાખ્યો. મોરારજી દેસાઈએ આધુનિક ગુજરાત માટે નૈતિકતા અને શિસ્ત પર આધારિત વહીવટી વારસો આપ્યો. તેમણે સાબિત કરી બતાવ્યું કે સક્રિય રાજકારણમાં રહેવા છતાં સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલી શકાય છે. ભારતીય રાજકારણમાં એક પ્રામાણિક, અડગ અને સ્પષ્ટવક્તા રાજકારણી એવા મોરારજી દેસાઈએ આજીવન રાષ્ટ્રીય હિત અને સિદ્ધાંતોને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાથી પર રાખ્યા.

{સંદર્ભઃ ‘મારું જીવનવૃત્તાંત’ (આત્મકથા), મોરારજી દેસાઈ (યશવંત દોશી)}
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















