Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

સ્વપ્નદૃષ્ટા-4
ચર્ચમાં કંટ્રોલ રૂમ, બળદગાડામાં લાવ્યા રોકેટ!:₹1ના પગારે ડૉ. વિક્રમ સારાભાઈ સ્પેસ ક્રાંતિ લાવ્યા; 52 વર્ષે ભેદી મોત, છેલ્લે ડૉ. કલામ સાથે વાત કરેલી

1 વર્ષ પેહલાલેખક: જયેશ અધ્યારુ
  • કૉપી લિંક

21 નવેમ્બર, 1963. થુમ્બા, કેરળ.

.

રળિયામણા દરિયાકાંઠે આવેલા આ નાનકડા શાંત ગામમાં અચાનક એક રોકેટ આકાશમાં ઊડ્યું. લોકો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા અને બાળકોની તાળીઓ અને ચિચિયારીઓથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું. તે ભારતનું પહેલું સાઉન્ડિંગ રોકેટ હતું, નાઇકી અપાચે. 715 કિલોગ્રામ વજનનું આ રોકેટ 30 કિલોગ્રામ વજનનાં સંશોધન સાધનો (પેલોડ) લઇને આકાશમાં 207 કિમી સુધી સફળતાપૂર્વક ઊડ્યું. ઊંચે આકાશમાં સોડિયમની વરાળનું એક વિશાળ નારંગી વાદળ પેદા થયું.

આ સફળ ઉડાનથી ભારતમાં એક નવી ક્રાંતિનો સૂર્યોદય થયો હતો. આ અભૂતપૂર્વ દિવસે આકાશ તરફ એક સરળ સ્મિત સાથે જોઈ રહેલા 44 વર્ષના ગુજરાતી યુવાને ભારતને સફળતાપૂર્વક સ્પેસ લીગમાં મૂકી આપ્યું હતું. આ યુવાન એટલે ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતામહ ડૉ. વિક્રમ સારાભાઈ.

‘રોટલાંનાં ઠેકાણાં નથી, ને તમારે સ્પેસમાં જવું છે?’

આ એ સમય હતો જ્યારે માંડ દોઢ દાયકા પહેલાં આઝાદ થયેલું ભારત ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા સાથે ઝઝૂમી રહ્યું હતું. દુનિયા પૂછી રહી હતી કે ગરીબ દેશને અવકાશ સંશોધનની શી જરૂર છે. ખુદ ભારતીય અખબારો મથાળાં બાંધી રહ્યાં હતાં કે ‘ઇન્ડિયા નીડ્સ રાઇસ, નોટ રોકેટ’ (ભારતને ચોખાની જરૂર છે, રોકેટની નહીં). પરંતુ વિક્રમ સારાભાઈનું વિઝન હતું કે જો ભારત ગરીબ હોય, તો આપણે અવકાશ ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવું જોઈએ કારણ કે દેશની વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું પ્રચંડ સામર્થ્ય સ્પેસ ટેક્નોલોજીમાં જ છે. ઉપગ્રહોને કમ્યુનિકેશન, હવામાન આગાહી, કૃષિ અને શિક્ષણ સાથે જોડીને તેમણે સાબિત કરી બતાવ્યું કે સ્પેસ ફક્ત યુદ્ધ માટે જ નથી, પરંતુ માનવતાના ભલા માટે પણ છે.

₹1નો પગાર લીધો; ISRO, IIMA, PRL, ATIRAની સ્થાપના કરી

તેમણે ISRO ની સ્થાપના કરીને ભારતને અવકાશ કાર્યક્રમમાં આત્મનિર્ભર બનાવ્યું એટલું જ નહીં, પરંતુ વિજ્ઞાન, સંશોધન અને વ્યવસ્થાપનની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપના પણ કરી જેણે પછાત અને મુશ્કેલીગ્રસ્ત ભારત માટે પ્રગતિના નવા દરવાજા ખોલ્યા. દેશભક્તિ તેમનામાં એટલી ઊંડી રીતે વણાયેલી હતી કે દેશના વિકાસમાં તેમણે પોતાની અંગત સંપત્તિનું રોકાણ કર્યું અને ભારતને અવકાશમાં સ્થાપિત કરવા માટે માત્ર ₹1નો આજીવન ટોકન પગાર સ્વીકાર્યો. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ પણ તેમને પોતાના માર્ગદર્શક અને ગુરુ માનતા હતા. ગુજરાતના મહાન સ્વપ્નદૃષ્ટા ડૉ. વિક્રમ સારાભાઈએ 52 વર્ષના ટૂંકા જીવનમાં ભારતના મૂન મિશનનો પાયો નાખ્યો અને દેશને એવી સંસ્થાઓ આપી જેના પર આજે ભારત ગર્વ કરે છે.

***

ધનાઢ્ય પરિવારમાં જન્મ, સાદગીના સંસ્કાર, સંશોધનનો શોખ

વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદમાં અતિ ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો. તેઓ અંબાલાલ સારાભાઈ અને સરલા દેવીનાં આઠ બાળકોમાંના ત્રીજા નંબરના સંતાન હતા. તેમના પિતા અંબાલાલ સારાભાઈ ગુજરાતમાં અનેક ટેક્સ્ટાઇલ મિલો ધરાવતા હતા. અંબાલાલ સારાભાઈ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત તેમણે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં, સ્વાતંત્ર્ય સેનાનીઓને દરેક શક્ય નાણાકીય સહાય પણ પૂરી પાડી હતી. ગાંધીજી સાથે તેમને આત્મીય સંબંધો હતા. આ જ કારણ હતું કે વિક્રમ સારાભાઈના પિતાના ઘરે તે સમયની ઘણી અગ્રણી હસ્તીઓનો આવરો-જાવરો રહેતો. જ્યારે પણ રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, જે. કૃષ્ણમૂર્તિ, મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, સરોજિની નાયડુ, મૌલાના આઝાદ, સી.એફ. એન્ડ્રુઝ અને વૈજ્ઞાનિક સી.વી. રામન જેવા લોકો ગુજરાતની મુલાકાત લેતા હતા, ત્યારે તેઓ ઘણીવાર અંબાલાલ સારાભાઈના ઘરે રોકાતા હતા.

સારાભાઈ પરિવારના ઘર ‘ધ રીટ્રિટ’ ખાતે કવિવર રવીન્દ્રનાથ ટાગોર (વચ્ચે) સાથે અંબાલાલ (ડાબે, બેઠેલા) અને સરલાદેવી સારાભાઈ (જમણે, બેઠેલા); નાનકડા વિક્રમ સારાભાઈ નીચે જમણી બાજુએ બેઠેલા દેખાય છે, તેમના વિશે ટાગોરે કરેલી ભવિષ્યવાણી શત-પ્રતિશત સાચી સાબિત થઈ
સારાભાઈ પરિવારના ઘર ‘ધ રીટ્રિટ’ ખાતે કવિવર રવીન્દ્રનાથ ટાગોર (વચ્ચે) સાથે અંબાલાલ (ડાબે, બેઠેલા) અને સરલાદેવી સારાભાઈ (જમણે, બેઠેલા); નાનકડા વિક્રમ સારાભાઈ નીચે જમણી બાજુએ બેઠેલા દેખાય છે, તેમના વિશે ટાગોરે કરેલી ભવિષ્યવાણી શત-પ્રતિશત સાચી સાબિત થઈ

ટાગોરે કહ્યું, ‘આ છોકરો મહાન કાર્યો કરવા સર્જાયો છે’

વિક્રમ સારાભાઈના જન્મના થોડા મહિના પછી રવીન્દ્રનાથ ટાગોર તેમના ઘરે આવ્યા હતા. અનેક કળાઓના સ્વામી એવા રવીન્દ્રનાથ ટાગોર સચોટ આગાહીઓ માટે પણ પ્રખ્યાત હતા. એવું કહેવાય છે કે તેઓ વ્યક્તિનું કપાળ જોઈને તેમના જીવનની આગાહી કરી શકતા હતા, જે મોટેભાગે સાચી પડતી હતી. અંબાલાલ સારાભાઈએ ટાગોરને વિનંતી કરી હતી કે તેઓ થોડા મહિના પહેલા જન્મેલા તેમના પુત્રના ભવિષ્યની આગાહી કરે. રવીન્દ્રનાથ ટાગોરે નાનકડા વિક્રમના વિશાળ કપાળને ધ્યાનથી જોયું અને હસતાં હસતાં કહ્યું કે આ બાળક એક દિવસ મહાન કાર્યો કરશે. તેમની આગાહી શત-પ્રતિશત સાચી પડવાની હતી!

મેધાવી વિક્રમ સારાભાઈએ ઘરમાં જ ટ્રેક સાથેનું આખેઆખું ફંક્શન સ્ટીમ રેલવે એન્જિન બનાવી કાઢેલું! (વિક્રમ સારાભાઈ એન્જિન પર બેઠેલા દેખાય છે)
મેધાવી વિક્રમ સારાભાઈએ ઘરમાં જ ટ્રેક સાથેનું આખેઆખું ફંક્શન સ્ટીમ રેલવે એન્જિન બનાવી કાઢેલું! (વિક્રમ સારાભાઈ એન્જિન પર બેઠેલા દેખાય છે)

ઘરમાં જ ભણ્યા, આખે આખું રેલવે એન્જિન બનાવી કાઢ્યું!

વિક્રમનાં માતા ઇટાલિયન શિક્ષણવિદ મારિયા મોન્ટેસરીએ વિકસાવેલી નવી શિક્ષણ પદ્ધતિથી અત્યંત પ્રભાવિત હતા, જેમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયા જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ શિક્ષણ આપવા પર ભાર મુકાતો હતો. પોતાનાં તમામ સંતાનોને આ પદ્ધતિથી શિક્ષણ આપવા માટે અંબાલાલ-સરલા સારાભાઇએ પોતાના અમદાવાદ ખાતેના નિવાસસ્થાન ‘ધ રીટ્રિટ’ની અંદર જ એક શાળા બનાવી. આ માટે તેમણે યુરોપમાંથી એક ડઝન જેટલા PhD થયેલાં નિષ્ણાત શિક્ષકોને પોતાને ત્યાં રોક્યા હતા. તેમાં જ વિક્રમ સારાભાઇએ પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું.

નાનપણથી જ વિક્રમ સારાભાઇને સાયન્સ અને ટેક્નોલોજીમાં રસ હતો. એમણે પરિવારના પરિચિત ખિમજીભાઇ મિસ્ત્રીની મદદ લઇને એક સ્ટીમ એન્જિન બનાવ્યું હતું. રેલવેના પાટા સાથેનું આ સ્ટીમ એન્જિન ટ્રેક પર આરામથી દોડતું હતું, એટલું જ નહીં, તેની સાઇઝ પણ એટલી મોટી હતી કે એક બાળક તેના પર આરામથી બેસીને સવારી કરી શકે!

PhDમાં બીજા વિશ્વયુદ્ધનું વિઘ્ન

ત્યારબાદ તેમણે આર.સી. હાઇસ્કૂલમાંથી મેટ્રિક અને ગુજરાત કોલેજમાંથી ફિઝિક્સ અને મેથેમેટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું. પછી તેમણે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ત્યાં જ તેમણે 1940માં નેચરલ સાયન્સમાં ટ્રિપોસ (કેમ્બ્રિજ યુનિ.ની પદવી પરીક્ષા) પૂર્ણ કર્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સમાં અભ્યાસ કરતી વખતે વિક્રમ સારાભાઈનો બાળપણનો વિજ્ઞાન પ્રત્યેનો શોખ એક પેશનમાં ફેરવાઈ ગયો. ત્યારબાદ, તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘કોસ્મિક કિરણો’ (Cosmic Rays) પર PhD કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તેઓ થોડા દિવસ માટે રજા પર ભારત પાછા ફર્યા, પરંતુ બીજા વિશ્વયુદ્ધના કારણે તેઓ પાછા ફરી શક્યા નહીં. પરિણામે વિક્રમ સારાભાઈએ ભારતમાં જ પોતાનું રિસર્ચ કાર્ય ચાલુ રાખવા માટે યુનિવર્સિટી પાસેથી પરવાનગી માગી. યુનિવર્સિટીએ એ શરતે સંમતિ આપી કે તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી સી.વી. રામનની દેખરેખ હેઠળ તેમનો થીસીસ પૂર્ણ કરે. તે સમયે સી.વી. રમન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સ (IISc)માં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા.

હોમી ભાભા અને વિક્રમ સારાભાઈઃ યે દોસ્તી…

વિક્રમ સારાભાઈએ ત્યાંથી તેમનું સંશોધન શરૂ કર્યું. તે સમયે IIScમાં કોસ્મિક રેય્ઝ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ બીજા મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી અને પરમાણુ વિજ્ઞાની હોમી ભાભા કરી રહ્યા હતા. પરિણામે હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ વારંવાર મળવા લાગ્યા. કોસ્મિક કિરણો બંનેનો કોમન ઇન્ટરેસ્ટ હતો. હોમી ભાભા વિક્રમ કરતાં દસ વર્ષ મોટા હોવા છતાં તેઓ ઝડપથી સારા મિત્રો બની ગયા.

આ દિગ્ગજોના સાથ અને પોતાની લગનથી 1942માં તેમનું પહેલું વૈજ્ઞાનિક પેપર, ‘ટાઈમ ડિસ્ટ્રિબ્યુશન ઓફ કોસ્મિક રેય્ઝ’ ‘પ્રોસીડિંગ્સ ઓફ ધ ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ’માં પ્રકાશિત થયું. ડૉ. સી.વી. રામને પોતે તેમનો પરિચય આપતાં કહ્યું, ‘વિક્રમ એક શ્રીમંત પરિવારમાંથી આવે છે, પરંતુ તેઓ ફક્ત એક સંપન્ન બેકગ્રાઉન્ડને કારણે અહીં નથી. તેમણે પોતાની કાબેલિયતથી મૌલિક પ્રયોગો કર્યા છે અને તેમના સંશોધન દ્વારા વિજ્ઞાનની દુનિયામાં પ્રવેશ કર્યો છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રતિભા અને સમર્પણ એક દિવસ આપણા દેશના વૈજ્ઞાનિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

‘રોકેટ બોય’ વિક્રમ ‘ડાન્સિંગ ક્વીન’ મૃણાલિનીના પ્રેમમાં પડ્યા

વિક્રમ સારાભાઈ, એક તેજસ્વી વૈજ્ઞાનિક હોવા ઉપરાંત દિલથી એક રોમેન્ટિક વ્યક્તિ પણ હતા. IIScમાં તેમના સંશોધન દરમિયાન તેઓ શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથનના પ્રેમમાં પડ્યા. વિક્રમ સારાભાઈને સંગીત પ્રત્યે ઊંડો જુસ્સો હતો. તેઓ ઘણીવાર અભ્યાસ પછી આરામ કરતા ત્યારે સંગીત સાંભળતા. તેમની પાસે તમામ પ્રકારનાં ગીતોનો વિશાળ સંગ્રહ રહેતો. કર્ણાટક સંગીતનાં વિખ્યાત ગાયિકા ભારત રત્ન એમ. એસ. સુબ્બુલક્ષ્મી સહિત અનેક સંગીતકારો સાથે સારાભાઇનો અંગત પરિચય હતો. સારાભાઇની જેમ હોમી ભાભા પણ સંગીતના શોખીન હતા, પરંતુ એમનો ઝુકાવ જેઝ અને બેલે જેવાં પશ્ચિમી સંગીત પ્રત્યે વધારે હતો. એક વખત બંનેએ ચેરિટી માટે ભરતનાટ્યમનો શો આયોજિત કર્યો, જેમાં તેમની મુલાકાત મૃણાલિની સ્વામીનાથન સાથે થઇ હતી.

મૃણાલિની સ્વામીનાથન પણ અત્યંત પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતાં હતાં. તેમના પિતા મદ્રાસ હાઇકોર્ટના વકીલ હતા, જ્યારે તેમનાં મોટાં દીકરી અને મૃણાલિનીનાં મોટાં બહેન કેપ્ટન લક્ષ્મી સેહગલ સુભાષ ચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’માં ઓફિસર બન્યાં હતાં.

લગ્ન આડે ‘ટુ સ્ટેટ્સ’ જેવો પ્રોબ્લેમ આવ્યો

વર્ષો અગાઉ વિક્રમ અને મૃણાલિની ઊટીમાં ટીનેજર તરીકે મળ્યાં હતાં. ત્યારે વિક્રમે મૃણાલિનીને ફિલ્મ જોવા આમંત્રણ આપેલું, પરંતુ તેમણે નકારી કાઢેલું. પછીથી બંને આ ફંક્શનમાં મળ્યાં અને વાતચીતો-મુલાકાતોનો દોર શરૂ થયો. બંને વિક્રમની વિન્ટેજ બેન્ટમ કારમાં લોંગ ડ્રાઇવ પર જતાં, તાજી મકાઈ સાથે કવિતાઓ, બંગાળી ગીતો અને કાલિદાસ પર વાતો કરતાં. મૃણાલિની સારાભાઇએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેઓ વિક્રમ સારાભાઇની ગહન બુદ્ધિમત્તા અને ઉંમર કરતાં ક્યાંય વધુ મેચ્યોરિટીથી પ્રભાવિત થયાં હતાં. શરૂઆતમાં આનાકાની પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મ જેવો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. બંનેની પારિવારિક પૃષ્ઠભૂમિમાં લિટરલી નોર્થ-સાઉથનું અંતર હતું.

‘વરઘોડિયાં’ ડૉ. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સ્વામીનાથનઃ ‘ટુ સ્ટેટ્સ’ જેવી ફિલ્મી લવ સ્ટોરી અને ચેન્નઈમાં અત્યંત સાદાઈથી લગ્ન
‘વરઘોડિયાં’ ડૉ. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સ્વામીનાથનઃ ‘ટુ સ્ટેટ્સ’ જેવી ફિલ્મી લવ સ્ટોરી અને ચેન્નઈમાં અત્યંત સાદાઈથી લગ્ન

ગુજરાતી વિક્રમના ચેન્નઈના ડ્રોઇંગ રૂમમાં લગ્ન થયાં

દીકરાનો નિર્ણય જાણ્યા પછી પિતા અંબાલાલે વિક્રમ સારાભાઇને એક લાંબો પત્ર લખીને પોતાનો ઇનકાર વ્યક્ત કર્યો હતો કે, ‘તે (મૃણાલિની) યુવા, ઇમ્મેચ્યોર અને મહત્ત્વાકાંક્ષી છે… તું તારા નિર્ણય પર ફેરવિચારણા કરી જો… છતાં તને યોગ્ય લાગે તે કર.’ તેમ છતાં વિક્રમે પરિવારને મનાવી લીધો અને 3 સપ્ટેમ્બર, 1942ના રોજ લગ્ન કર્યાં. બંનેનાં લગ્ન સ્વામીનાથનના ઘરના ડ્રોઇંગ રૂમમાં અત્યંત સાદગીથી વૈદિક રિવાજ પ્રમાણે થયાં. મૃણાલિનીએ ખાદીની સફેદ સાડી અને (ઘરેણાંને બદલે) ફૂલોની માળા પહેરેલી. તેમના એક મિત્રે વીણા વગાડેલી. એ રાત્રે જ બંને અમદાવાદ આવવા નીકળી ગયેલાં. પરંતુ એ વખતે ‘ભારત છોડો’ આંદોલન ચાલતું હોવાથી ઠેરઠેર રેલવેના પાટા ઉખાડી નાખવામાં આવેલા, પૂલો ઉડાડી દેવાયેલા, ટેલિફોન-ટેલિગ્રામ સેવાઓ ખોરવાઇ ગયેલી. બંને કનેક્ટિંગ ટ્રેન પકડતાં પકડતાં 60 કલાકે ચેન્નઈથી અમદાવાદ પહોંચેલાં. વિક્રમ અને મૃણાલિની સારાભાઇને બે સંતાન થયાં, કાર્તિકેય અને મલ્લિકા, જે બંને અનુક્રમે પર્યાવરણ કર્મશીલ તથા નૃત્યાંગના-અભિનેત્રી અને કર્મશીલ છે.

ગાંધીવાદી સાદું સમાજલક્ષી જીવન અને ઉત્કૃષ્ટ શિક્ષણ એ પેઢીઓથી સારાભાઈ પરિવારનો સિદ્ધાંત રહ્યો છે
ગાંધીવાદી સાદું સમાજલક્ષી જીવન અને ઉત્કૃષ્ટ શિક્ષણ એ પેઢીઓથી સારાભાઈ પરિવારનો સિદ્ધાંત રહ્યો છે

યુરોપમાં PhD કમ હનીમૂન

વિક્રમ સારાભાઈનું મોટાભાગનું PhD સંશોધન ભારતમાં થયું હતું. જોકે, તેમને તેમની ડિગ્રી પૂર્ણ કરવા માટે કેમ્બ્રિજ પાછા ફરવાની જરૂર હતી. તેથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવતાંની સાથે જ તેઓ 1945માં કેમ્બ્રિજ પાછા ફર્યા. ત્યાં તેમણે કોસ્મિક ઇન્વેસ્ટિગેશન્સ અને ટ્રોપિકલ લેટિટ્યુડ્સ પર ડૉક્ટરેટ પૂર્ણ કર્યું. ઇંગ્લેન્ડની આ ખેપ વખતે મૃણાલિની તેમની સાથે હતાં. એક બાજુ વિક્રમને ડૉક્ટરેટની ડિગ્રી મળી અને બીજી બાજુ મૃણાલિની ગર્ભવતી થયાં. બંનેએ યુરોપ માણ્યું અને નવેમ્બર 1947માં ભારત પાછાં ફર્યાં.

તેઓ સ્વદેશ પાછાં ફર્યાં ત્યારનો દેશ બદલાઇ ગયો હતો. ત્રણ મહિના પહેલાં જ દેશ આઝાદ થયો હતો. ભાગલામાં લાખો લોકોની કત્લેઆમ થઇ હતી. દેશ દરેક મોરચે ગરીબ થઇ ચૂક્યો હતો. ઉદ્યોગ અને ટેક્નોલોજીમાં તો સ્થિતિ ઓર ખરાબ હતી. આ સ્થિતિમાં વિક્રમ સારાભાઈએ પોતાનું આખું જીવન વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને મેનેજમેન્ટ ક્ષેત્રે દેશને આગળ વધારવા માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું.

સંતાનો કાર્તિકેય તથા મલ્લિકા સાથે મૃણાલિની અને વિક્રમ સારાભાઈ
સંતાનો કાર્તિકેય તથા મલ્લિકા સાથે મૃણાલિની અને વિક્રમ સારાભાઈ

ઘરના ઓરડામાં, ગાંઠના ખર્ચે થઈ PRLની સ્થાપના

તેમણે અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની સ્થાપના કરી. આ PRL પાછળથી અવકાશનું જન્મસ્થળ બન્યું. PRLનો આઇડિયા વિક્રમ સારાભાઇને ઇંગ્લેન્ડમાં 1937થી 1940માં તેમના વિદ્યાર્થીકાળમાં રહેવાસ દરમિયાન એક ટ્રેનની મુસાફરી કરતી વખતે આવ્યો હતો. આ મુસાફરી વખતે જ તેમણે આખી ઇન્સ્ટિટ્યુટનો કન્સેપ્ટ અને તે શું શું રિસર્ચ કરશે તેનો પાક્કો ખ્યાલ ઘડી કાઢેલો. આ વાત તેમનાં પત્ની મૃણાલિની સારાભાઇએ વિક્રમ સારાભાઇનાં જીવનકથાકાર અમૃતા શાહને કહેલી.

PRL ‘ધ રીટ્રિટ’ના એમના ઘરના એ જ ઓરડામાં શરૂ થઈ, જ્યાં બાળપણમાં તેઓ પોતાના પ્રયોગો કરતા. ત્યાંથી શિફ્ટ થઇને તે MG સાયન્સ કોલેજની પાછળ આવેલા સર્વિસ ક્વાર્ટર્સમાં ગઈ. કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા ચાલતી ‘અમદાવાદ એજ્યુકેશન સોસાયટી’ (AES) દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર PRLની નવી બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું. જ્યારે અન્ય સપોર્ટ સારાભાઈ પરિવારના પોતાના ‘કર્મક્ષેત્ર એજ્યુકેશનલ ફાઉન્ડેશન’ દ્વારા મળ્યો. લેબોરેટરી નવેમ્બર 1947માં કાર્યરત થઈ.

ત્યારે સ્ટાફને બેસવા-કામ કરવા માટે બે ખોખાં પર એસ્બેસ્ટોસની શીટ મૂકીને કામ કરવાનું ટેબલ બનાવાયેલું, જ્યારે અમુક રેક ભેગાં કરીને તેની ‘લાઇબ્રેરી’ બનાવાયેલી. વિક્રમ સારાભાઈનો પોતાનો રૂમ પેસેજમાં હતો. પૂના ઓબ્ઝર્વેટરીના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર કે. આર. રામનાથનને વિક્રમ સારાભાઇ ખાસ આમંત્રણ આપીને અમદાવાદ લઇ આવ્યા અને માર્ચ, 1948માં તેઓ PRLના ડાયરેક્ટર તથા એટમોસફેરિક ફિઝિક્સના પ્રોફેસર બન્યા.

એ વખતે ભારતમાં જે થોડીઘણી સાયન્સ ઇન્સ્ટિટ્યુટ્સ હતી તે હીટ અને થર્મોડાયનેમિક્સ જેવી ક્લાસિકલ ફિઝિક્સની શાખાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી હતી. જ્યારે ન્યુક્લિયર અને કોસ્મિક રે ફિઝિક્સ જેવા (એ વખતે) બ્રાન્ડ ન્યૂ ગણાતા એરિયામાં રિસર્ચ કરતી આ એકમાત્ર અને સૌપ્રથમ સંસ્થા હતી. દેશભરમાંથી તેજસ્વી અને ઉત્સુક ઇજનેરો આ રિસર્ચ સંસ્થામાં મામૂલી પગારે પણ કામ કરવા માટે જોડાયા હતા.

ન્યૂક્લિયર અને કોસ્મિક રે ફિઝિક્સ જેવા એ વખતે બ્રાન્ડ ન્યૂ એરિયામાં રિસર્ચ કરવા માટે ડૉ. સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) સ્થાપી
ન્યૂક્લિયર અને કોસ્મિક રે ફિઝિક્સ જેવા એ વખતે બ્રાન્ડ ન્યૂ એરિયામાં રિસર્ચ કરવા માટે ડૉ. સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) સ્થાપી

ફેબ્રુઆરી 1952માં નવી લેબોરેટરી બિલ્ડિંગનો પાયો સી. વી. રામને નાખ્યો. ત્યારે હોમી જહાંગીર ભાભા, શાંતિ સ્વરૂપ ભટનાગર, કસ્તુરભાઇ લાલભાઇ પણ ઉપસ્થિત હતા. બે વર્ષ બાદ ફેબ્રુઆરી 1952માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેનું ઉદઘાટન કર્યું.

કોસ્મિક કિરણોના અભ્યાસ માટે વિક્રમ સારાભાઇની સૂચનાથી PRLના તેમના વિદ્યાર્થીઓએ દોઢ ફૂટ લાંબા સિલિન્ડરોનો ઉપયોગ કરીને ગાયગર કાઉન્ટર ટેલિસ્કોપની આખી સિરીઝ બનાવી હતી અને એક રેકોર્ડિંગ સ્ટેશન પણ ઊભું કર્યું હતું. ગાયગર કાઉન્ટર વિકિરણોની હાજરી અને તેની તીવ્રતા માપે છે. થોડા સમય પછી ત્રણ ફૂટનાં પણ આવાં ગાયગર કાઉન્ટર ટેલિસ્કોપ પણ બનાવાયાં. 1949માં વિક્રમ સારાભાઇએ કોડાઇકેનાલ હિલ સ્ટેશનની ઊંચાઇએ બીજું સ્ટેશન પણ ઊભું કર્યું હતું. જ્યારે 1954માં તેમણે ત્રિવેન્દ્રમ ખાતે સી-લેવલ સ્ટેશન ઊભું કર્યું હતું.

1950માં વિક્રમ સારાભાઈના પિતા અંબાલાલ સારાભાઈએ તેમને ‘સારાભાઈ કેમિકલ્સ’ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા. તેના મેનેજમેન્ટ માટે તેમને દર અઠવાડિયે વડોદરા જવું પડતું. એ વખતે અમદાવાદ વડોદરા વચ્ચે ડાયરેક્ટ સડક માર્ગ ન હોવાને કારણે તેઓ ટ્રેનમાં વડોદરા જતા. પરંતુ રિસર્ચ એમનો પહેલો પ્રેમ હતો. તેમણે રસ્તો કાઢ્યો કે જ્યારે પણ તેમને વડોદરા જવાનું થાય, ત્યારે PRLનો એક વિદ્યાર્થી એમની સાથે આવે. આથી, ટ્રેનની મુસાફરી દરમિયાન પણ ડિસ્કશન અને વિચારમંથન ચાલુ રહે.

ટેક્સ્ટાઇલનું હબ હોવા છતાં અમદાવાદના મિલમાલિકોએ ટેક્નિકલ માર્ગદર્શન અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે બ્રિટન પર આધાર રાખવો પડતો હતો, ડૉ. સારાભાઈએ ATIRA (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન) સ્થાપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો
ટેક્સ્ટાઇલનું હબ હોવા છતાં અમદાવાદના મિલમાલિકોએ ટેક્નિકલ માર્ગદર્શન અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે બ્રિટન પર આધાર રાખવો પડતો હતો, ડૉ. સારાભાઈએ ATIRA (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન) સ્થાપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો

ATIRA: ઇસ્ટના માન્ચેસ્ટરને ટેક્સ્ટાઇલ રિસર્ચનું હબ બનાવ્યું

1950ના એક રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં કાપડનું ઉત્પાદન કરતી 1.95 લાખ લૂમ હતી, જેમાં રહેલી તકલીઓ (સ્પિન્ડલ)ની સંખ્યા તો 1.10 કરોડ કરતાં પણ વધારે હતી. પરંતુ ‘માન્ચેસ્ટર ઑફ ધ ઇસ્ટ’ કહેવાતા અમદાવાદના મિલમાલિકો ટેક્નિકલ માર્ગદર્શન અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે બ્રિટનના ઓરિજિનલ માન્ચેસ્ટર સ્થિત એક્સપર્ટ્સ પર રાખતા હતા, જે વિક્રમ સારાભાઇના મતે આટલી પ્રચંડ મોટી ઇન્ડસ્ટ્રી માટે શરમજનક બાબત હતી. તેમના મતે બ્રિટન જેવી જ ટેક્સ્ટાઇલ પર રિસર્ચ કરતી સંસ્થા આપણે ત્યાં પણ હોવી જોઇએ. સહકારી ધોરણે ચાલતી આ સંસ્થા સરકાર અને મિલમાલિકોને નજીક લાવે તે પણ તેનો ઉદ્દેશ હતો. આથી કાપડ ઉદ્યોગમાં રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે તેમણે 1949માં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (ATIRA)ની સ્થાપના કરી. વિક્રમ સારાભાઇને તેના પ્રથમ માનદ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

અલબત્ત, શરૂઆતમાં તેમને આ સંસ્થા ચલાવવામાં ટ્રેડિશનલ માઇન્ડસેટ વર્સિસ સાયન્ટિફિક અપ્રોચનો પ્રોબ્લેમ આવેલો. ખુદ તેના કો-ફાઉન્ડર એવા કસ્તૂરભાઈ લાલભાઈએ આ સંસ્થા સ્થાપવા માટે 50 લાખ રૂપિયા આપવાનો વાયદો કરેલો, તેમણે પણ શરૂઆતમાં નિરાશા વ્યક્ત કરેલી. પરંતુ અત્યંત કુનેહથી સૌને સાથે લઇને ચાલનારા વિક્રમ સારાભાઇએ તમામ અવરોધો પાર કરી બતાવ્યા. આજે ભારત અને વિદેશની 146 કંપનીઓ આ સંસ્થાની સભ્ય છે. શહેરની વચ્ચે આવેલું અને 2.72 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું ‘અટીરા’નું લીલુંછમ કેમ્પસ મોર્નિંગ વૉકર્સ માટે પસંદીદા સ્થળ છે. તેનાં એક હજારથી પણ વધુ વૃક્ષો દેશ-વિદેશનાં પંખીઓનું ઘર પણ છે.

IIMA: દેશની પહેલી વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ

1950ના દાયકામાં ભારતમાં મેનેજમેન્ટનું પદ્ધતિસરનું શિક્ષણ આપતી કોઈ સંસ્થા નહોતી. વિક્રમ સારાભાઈ માનતા હતા કે જેમ સાયન્સ અને ટેકનોલોજી દેશની પ્રગતિમાં મદદ કરે છે, તેમ મેનેજમેન્ટનું શિક્ષણ પણ તેના આર્થિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. આ વિચારને ધ્યાનમાં રાખીને પહેલાં તો તેમણે 1956માં ‘અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન’ (AMA)ની સ્થાપના કરી, જેથી કંપનીઓના કર્મચારીઓને મેનેજમેન્ટની તાલીમ આપી શકાય. એક બેંકના એક ઓરડામાં શરૂ થયેલી આ સંસ્થાની સ્થાપનામાં પણ કસ્તૂરભાઇ લાલભાઇ તેમની સાથે હતા.

દેશમાં મેનેજમેન્ટનું પદ્ધતિસરનું અને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપતી એકેય સંસ્થા નહોતી ત્યારે ડૉ. વિક્રમ સારાભાઇએ કસ્તૂરભાઈ લાલભાઈ સાથે મળીને IIM-A (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ)ની સ્થાપના કરી
દેશમાં મેનેજમેન્ટનું પદ્ધતિસરનું અને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપતી એકેય સંસ્થા નહોતી ત્યારે ડૉ. વિક્રમ સારાભાઇએ કસ્તૂરભાઈ લાલભાઈ સાથે મળીને IIM-A (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ)ની સ્થાપના કરી

તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે રાષ્ટ્રીય સ્તરની મેનેજમેન્ટ સંસ્થાની સ્થાપના અંગે ચર્ચા કરી. સરકારે આ બાબતમાં નોંધ લીધી. આ સંસ્થા દેશના કયા શહેરમાં સ્થાપિત થવી જોઈએ અને કયા મોડેલ પર ચલાવવી જોઈએ તે અંગે સરકારને ભલામણ કરવા માટે બે સમિતિઓની રચના કરવામાં આવી. બે વર્ષના વિગતવાર વિશ્લેષણ પછી, બંને સમિતિઓએ ત્યારબાદ ભલામણ કરી કે સંસ્થા મુંબઈમાં સ્થાપિત થાય અને સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર સ્વાયત્તતાના મુદ્દા પર સર્વસંમતિ પર પહોંચી શક્યા નહીં. પરિણામે, વિક્રમ સારાભાઈએ કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મૂક્યો કે મેનેજમેન્ટ સંસ્થા અમદાવાદમાં સ્થાપિત થાય. તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને પણ સંસ્થા માટે જમીન આપવા માટે રાજી કર્યા. જોકે, આ ઝઘડાએ ઘણો સમય બગાડ્યો. આખરે, કેન્દ્ર સરકારે દેશમાં એક સાથે બે IIM સ્થાપવાનો નિર્ણય લીધો, એક અમદાવાદમાં અને બીજું કોલકાતામાં. ત્યારબાદ, નવેમ્બર 1961માં IIM કોલકાતાની સ્થાપના કરવામાં આવી અને ડિસેમ્બર 1961માં IIM અમદાવાદની સ્થાપના કરવામાં આવી, અને વિક્રમ સારાભાઈને IIM અમદાવાદના માનદ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

આ ઇન્સ્ટિટ્યુટ ઇન્ટરનેશનલ લેવલની બને તે માટે વિક્રમ સારાભાઇએ વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું હતું. જ્યારે તેમાં ઇન્વેસ્ટ કરવા માટે ‘ફોર્ડ ફાઉન્ડેશન’ને પણ મનાવ્યું હતું. જોકે ફોર્ડ ફાઉન્ડેશનની ટીમે ભારતની મુલાકાત લઇને એવો નિરાશાજનક રિપોર્ટ આપ્યો કે, ‘ભારતને આવી અત્યાધુનિક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટની નહીં, પણ પ્રાઇમરી સ્કૂલોની જરૂર છે.’ આનાથી નિરાશ થયા વિના સારાભાઇએ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા. તેઓ પોતાનો 10% સમય અને ધન આ સંસ્થા પાછળ ખર્ચતા હતા.

કમલા ચૌધરી સાથેના સંબંધોને વિક્રમ સારાભાઈએ ક્યારેય છુપાવ્યા નહોતા
કમલા ચૌધરી સાથેના સંબંધોને વિક્રમ સારાભાઈએ ક્યારેય છુપાવ્યા નહોતા

કમલા ચૌધરીઃ પતિ, પત્ની અને વોહ

આ સમય દરમિયાન વિક્રમ સારાભાઈનું નામ બીજા કારણોસર પણ ચર્ચામાં આવ્યું. પરિણીત હોવા છતાં તેમનો કમલા ચૌધરી નામનાં એક મહિલા સાથે લગ્નેત્તર સંબંધ હતો. તેમણે ક્યારેય આ સંબંધને લોકોથી છુપાવ્યો નહીં. જોકે, જ્યારે આ લગ્નેત્તર સંબંધ વ્યાપકપણે ચર્ચામાં આવ્યો, ત્યારે કમલા ચૌધરી આ લવ ટ્રાયેંગલથી કંટાળી ગયાં. તે સમયે તે વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત ATIRAમાં કામ કરતાં હતાં, અને તેમનાથી દૂર રહેવા માટે દિલ્હી જવા માગતાં હતાં. જોકે, વિક્રમ સારાભાઈ કમલાને પોતાની નજીક રાખવા માગતા હતા અને તેમને દિલ્હી જતા અટકાવવા માટે તમામ પ્રયાસો કર્યા. પહેલાં તેમણે કમલાને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની ડિરેક્ટરશિપની ઓફર કરી. પરંતુ કમલાએ ના પાડી. જ્યારે IIM અમદાવાદમાં સ્થાપિત થયું, ત્યારે વિક્રમ સારાભાઇના આગ્રહથી કમલા ચૌધરીને તેનાં પ્રથમ રિસર્ચ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં.

કમલા ચૌધરીના ભત્રીજા સુધીર કક્કડે પાછળથી તેમના પુસ્તક ‘અ બુક ઓફ મેમરિઝ’માં લખ્યું કે વિક્રમ સારાભાઈએ ફક્ત કમલા ચૌધરી પ્રત્યેના પ્રેમને કારણે IIMને અમદાવાદ લાવવા માટે ભરચક પ્રયત્નો કર્યા હતા. જોકે, વિક્રમ સારાભાઈનાં પુત્રી મલ્લિકાએ આ વાત સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘તેમના પિતાનું કમલા ચૌધરી સાથે અફેર હતું, પરંતુ તેના પ્રત્યેના પ્રેમને કારણે જ તેઓ IIMને અમદાવાદમાં લાવ્યા એમ કહેવું તે તેમના યોગદાન અને વિઝન સાથે અન્યાય થશે.’

ભારત સરકારે ડૉ. વિક્રમ સારાભાઇના અધ્યક્ષપદે INCOSPAR (ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ)ની સ્થાપના કરી તેના અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, આ સંસ્થા પાછળથી ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) બની
ભારત સરકારે ડૉ. વિક્રમ સારાભાઇના અધ્યક્ષપદે INCOSPAR (ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ)ની સ્થાપના કરી તેના અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, આ સંસ્થા પાછળથી ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) બની

પહેલાં INCOSPAR, પછી બન્યું ISRO

બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે કોલ્ડ વૉર શરૂ થઇ ગયું હતું. તેના ભાગરૂપે બંને વચ્ચે સ્પેસ વૉર પણ પૂરજોશમાં ચાલી રહી હતી. સોવિયેતે તેનો પ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક વન’ અને અમેરિકાએ ‘એક્સપ્લોરર વન’ લોન્ચ કરી દીધા હતા. આનો વિક્રમ સારાભાઈ પર ઊંડો પ્રભાવ પડ્યો. તેઓ માનતા હતા કે સ્પેસ ટેકનોલોજી ભવિષ્યની ચાવી છે, અને તેના વિના ભારત પાછળ રહી જશે.

તેમણે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સમક્ષ એક સ્વપ્નદૃષ્ટા વિચાર રજૂ કર્યો અને તેને આગળ વધારવાની પરવાનગી માગી. તે સમયે ભારત ગરીબી, ભૂખમરો અને નિરક્ષરતા જેવા અસંખ્ય પડકારોનો સામનો કરી રહ્યું હતું. ઘણા લોકોએ તેમને એવું વિચારીને મજાક ઉડાવી કે અવકાશ સંશોધનમાં રોકાયેલો ગરીબ દેશ મૂર્ખ છે. જો કે, વિક્રમ સારાભાઈ એક સ્વપ્નદૃષ્ટા હતા અને માનતા હતા કે ભારતે ગરીબ હોવા છતાં અવકાશ ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવું જોઈએ. તેમનો તર્ક સ્પષ્ટ હતો: ઉપગ્રહો કમ્યુનિકેશનમાં સુધારો કરશે, દૂરના વિસ્તારોમાં શિક્ષણ લાવશે, હવામાનની સચોટ આગાહી પૂરી પાડશે અને ખેડૂતોને સીધી મદદ કરશે. તેમના દૃષ્ટિકોણને વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પરમાણુ વૈજ્ઞાનિકોએ ટેકો આપ્યો. સારાભાઇના મિત્ર ડૉ. હોમી ભાભા તે સમયે ડિપાર્ટમેન્ટ ઑફ એટોમિક એનર્જી (DAE)ના વડા હતા. વિક્રમ સારાભાઈએ હોમી ભાભા સાથે મળીને 1961માં DAEની અંદર ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ (INCOSPAR)ની સ્થાપના કરી, અને તેના પ્રથમ અધ્યક્ષ બન્યા.

કેરળના થુમ્બા ખાતેથી 21 નવેમ્બર, 1963ના રોજ ભારતનું પહેલું રોકેટ ‘નાઇકી અપાચે’ સફળતાપૂર્વક લૉન્ચ થયું, આ સાથે જ ડૉ. વિક્રમ સારાભાઇએ ભારતને વિશ્વના સ્પેસ મેપમાં મૂકી આપ્યું
કેરળના થુમ્બા ખાતેથી 21 નવેમ્બર, 1963ના રોજ ભારતનું પહેલું રોકેટ ‘નાઇકી અપાચે’ સફળતાપૂર્વક લૉન્ચ થયું, આ સાથે જ ડૉ. વિક્રમ સારાભાઇએ ભારતને વિશ્વના સ્પેસ મેપમાં મૂકી આપ્યું

કેરળના થુમ્બામાં છૂટ્યું દેશનું પહેલું રોકેટ

વિક્રમ સારાભાઈએ ભારતનો અવકાશ રોડમેપ તૈયાર કર્યો હતો, પરંતુ તેને આગળ વધારવા માટે રોકેટ લોન્ચિંગ સ્ટેશનની જરૂર હતી. રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે તેમણે પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત (મેગ્નેટિક ઇક્વેટર)ની નજીક એક છૂટાછવાયા વસ્તીવાળા દરિયા કિનારાના સ્થાનની શોધ કરી, જે સાઉન્ડિંગ રોકેટ અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે આદર્શ માનવામાં આવે છે. તેમણે આ જવાબદારી તેમના વિદ્યાર્થી ઈ.વી. ચિટનીસને સોંપી. ચિટનીસે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો અને 200 સ્થળોની યાદી તૈયાર કરીને સારાભાઈને સોંપી. સારાભાઈએ તેમાંથી બે સ્થળો પસંદ કર્યા: વેલનથુરુથુ (કોલમ, કેરળ) અને થુમ્બા (તિરુવનંતપુરમ, કેરળ). ત્યારબાદ તેમણે અને હોમી ભાભા બંને સ્થળોનું નિરીક્ષણ કર્યું અને અંતે રોકેટ લોન્ચિંગ સ્ટેશન માટે કેરળમાં થુમ્બાને પસંદ કર્યું કારણ કે થુમ્બા ચુંબકીય વિષુવવૃત્તની ખૂબ નજીક આવેલું છે અને એરપોર્ટ પણ તેની ખૂબ નજીક હતું, જેના કારણે અન્ય શહેરોમાંથી સાધનો લાવવાનું સરળ બને તેમ હતું.

ખોબા જેવડા થુમ્બા ગામમાં આવેલા ચર્ચને રોકેટ લોન્ચિંગ સ્ટેશનનો કંટ્રોલ રૂમ બનાવ્યો અને પાદરીના ઘરને ઑફિસમાં કન્વર્ટ કર્યું, સ્થાનિક લોકોએ વિરોધ કર્યો તો પાદરીએ જ તેમને દેશના વિકાસ માટે આ જરૂરી હોવાનું કહીને મનાવ્યા
ખોબા જેવડા થુમ્બા ગામમાં આવેલા ચર્ચને રોકેટ લોન્ચિંગ સ્ટેશનનો કંટ્રોલ રૂમ બનાવ્યો અને પાદરીના ઘરને ઑફિસમાં કન્વર્ટ કર્યું, સ્થાનિક લોકોએ વિરોધ કર્યો તો પાદરીએ જ તેમને દેશના વિકાસ માટે આ જરૂરી હોવાનું કહીને મનાવ્યા

ચર્ચને બનાવ્યો કંટ્રોલ રૂમ, પાદરીનું ઘર બન્યું ઑફિસ

રોકેટ લોન્ચિંગ માટે સ્થળ પસંદ થયા પછી વિક્રમ સારાભાઈ અને હોમી ભાભાએ થુમ્બાના સેન્ટ મેરી મેગ્ડેલિન ચર્ચને રોકેટ લોન્ચિંગ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં અને ચર્ચના પાદરીના ઘરને ઓફિસમાં કરી નાખ્યું. અલબત્ત, ખ્રિસ્તી ધાર્મિકોએ આનો વિરોધ કર્યો, પરંતુ ચર્ચના પાદરીએ જાતે સૌને સમજાવ્યા કે આ દેશના કલ્યાણ માટે એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે. લોકો સંમત થયા, પરંતુ માછીમારો ચર્ચની આસપાસના વિસ્તારમાં રહેતા હતા, અને તેમનું વિસ્થાપન જરૂરી હતું, કારણ કે રોકેટ લોન્ચ દરમિયાન સહેજ પણ ભૂલ તેમના જીવ જોખમમાં મૂકી શકે તેમ હતી. તેથી થુમ્બા કલેક્ટર માધવન નાયરની મદદથી માછીમારોને તેમની જમીનના બદલામાં કાયમી મકાનોની વ્યવસ્થા કરવામાં આવી. તે પછી જ રોકેટ લોન્ચિંગ સ્ટેશન માટે જમીન સંપાદિત કરવામાં આવી.

પહેલું રોકેટ ‘નાઇકી અપાચે’: જસ્ટ ડુ ઈટ!

હવેનો પડકાર આ ઉજ્જડ દરિયાકાંઠાના વિસ્તારમાં યોગ્ય રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો હતો. તે સમયે સંસાધનો એટલાં ઓછાં હતાં કે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સાધનો પહોંચાડવા માટે ટ્રક પણ નહોતા, અને સાયકલ અને બળદગાડાં પર સાધનો લઈ જવામાં આવતાં હતાં. સંસાધનો મર્યાદિત હોવા છતાં વિક્રમ સારાભાઈના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોનો જુસ્સો આભને આંબી રહ્યો હતો. વિક્રમ સારાભાઈએ અમેરિકા, સોવિયેત યુનિયન અને કેટલાક યુરોપિયન દેશોની મદદ લીધી. USની સ્પેસ એજન્સી ‘નાસા’ અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી ‘CNES’ તરફથી સાઉન્ડિંગ રોકેટ અને કેટલાંક મૂળભૂત સાધનો ભારતમાં લાવવામાં આવ્યાં. અંતે મહિનાઓની સખત મહેનત પછી 1962માં થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન પૂર્ણ થયું. 21 નવેમ્બર, 1963ના રોજ ભારતનું પહેલું સાઉન્ડિંગ રોકેટ ‘નાઇકી અપાચે’ આ સ્ટેશનથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટ લોન્ચ વિક્રમ સારાભાઈનો વિશ્વને સંદેશ હતો કે ભારત હવે સ્પેસ રેસમાં પ્રવેશી ગયું છે, અને ચર્ચમાં પ્રજ્વલિત આ ચિનગારી એક દિવસ ભારતને સ્પેસ સુપરપાવર બનાવશે. વિક્રમ સારાભાઈ હંમેશાં માનતા હતા કે વિજ્ઞાન ફક્ત લેબોરેટરી સુધી મર્યાદિત ન રહેવું જોઈએ પરંતુ તેનો ઉપયોગ સમાજનાં ભલા અને બાળકોનાં ભવિષ્ય માટે થવો જોઈએ. આ દૃષ્ટિકોણ સાથે, તેમણે 1960માં ગ્રુપ ફોર ઇમ્પ્રૂવમેન્ટ ઓફ સાયન્સ એજ્યુકેશન (GISC)ની સ્થાપના કરી અને તેમાં ઘણા વૈજ્ઞાનિકો, શિક્ષકો અને સામાજિક કાર્યકરોનો સમાવેશ કર્યો. જે પાછળથી ‘વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર’ બન્યું.

વિક્રમ સારાભાઈ અને હોમી ભાભાઃ સ્પેસ અને ન્યૂક્લિયર સાયન્સ ક્ષેત્રે ભારતના બે દિગ્ગજ સ્વપ્નદૃષ્ટા આપણે બહુ નાની ઉંમરે ગુમાવી દીધા
વિક્રમ સારાભાઈ અને હોમી ભાભાઃ સ્પેસ અને ન્યૂક્લિયર સાયન્સ ક્ષેત્રે ભારતના બે દિગ્ગજ સ્વપ્નદૃષ્ટા આપણે બહુ નાની ઉંમરે ગુમાવી દીધા

હોમી ભાભાનું પ્લેન ક્રેશમાં ભેદી મોત, સારાભાઈ એટોમિક એનર્જીના હેડ બન્યા

આ દરમિયાન દેશને મોટો આંચકો લાગ્યો. વિક્રમ સારાભાઇના નજીકના મિત્ર અને પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. હોમી જહાંગીર ભાભાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. ભારતના પરમાણુ કાર્યક્રમનો પાયો નાખનારા હોમી ભાભાનું કદ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાયમાં ખૂબ ઊંચું હતું. તેમની ભેદી અને આકસ્મિક વિદાયથી સર્જાયેલા પ્રચંડ વેક્યુમને પૂરવા માટે એવી વ્યક્તિની જરૂર હતી જે ફક્ત વૈજ્ઞાનિક રીતે સક્ષમ હોય, એટલું જ નહીં પણ વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. આ ભૂમિકા માટે વિક્રમ સારાભાઈ પર્ફેક્ટ ચોઇસ હતા.

ન્યુક્લિયર બોમ્બ નહીં, એનર્જી બનાવો

આથી મે 1966માં તેમને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પરંતુ વિક્રમ સારાભાઈ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના હિમાયતી હતા. તેઓ ન્યુક્લિયર બોમ્બ વિકસાવવાને સમગ્ર વિશ્વનો નાશ કરવાના માર્ગ તરીકે જોતા હતા. તેઓ માનતા હતા કે પરમાણુ બોમ્બ એક શસ્ત્ર તરીકે માત્ર કાગળનો વાઘ છે. એવું કહેવાય છે કે પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ બન્યા પછી તેમની પહેલી પહેલ ભારતના પરમાણુ બોમ્બ કાર્યક્રમને રોકવાની હતી. ન્યુક્લિયર ફિઝિક્સને બદલે તેમનું સ્પેસ રિસર્ચનું બેકગ્રાઉન્ડ અને તેમના વિચારોને કારણે DAEમાં ઘણા લોકો તેમને પોતાના બોસ તરીકે માનવાનું પસંદ કરતા ન હતા.

જોકે, વિક્રમ સારાભાઈ એક વૈજ્ઞાનિક હોવા ઉપરાંત ખૂબ જ સારા વહીવટકર્તા પણ હતા. તેમની પાસે લોકો સાથે હળીમળીને રહેવાની અને કોઈપણ વાતાવરણમાં ઝડપથી અનુકૂલન સાધવાની અદભુત ક્ષમતા હતી. આનાથી તેઓ પરમાણુ ઊર્જા આયોગના વૈજ્ઞાનિકો સાથે ઝડપથી મનમેળ કરીને થોડા મહિનામાં જ પરમાણુ કાર્યક્રમને પાટા પર લાવી દીધો. પરમાણુ કાર્યક્રમની જવાબદારી સંભાળ્યા પછી વિક્રમ સારાભાઈએ પરમાણુ ઊર્જા આયોગ હેઠળ યુરેનિયમના રિસોર્સને સિસ્ટમેટિક રીતે એક્સપ્લોર કરશે તો જ તે આત્મનિર્ભર બનશે. આ દૃષ્ટિકોણ સાથે 1967માં જદુગોડામાં યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (UCIL)ની સ્થાપના કરવામાં આવી હતી. વધુમાં તેમણે ન્યુક્લિયર ફિઝિક્સ રિસર્ચ માટે પાર્ટિકલ એક્સલરેટર્સની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સરકારને સ્વદેશી સાયક્લોટ્રોન વિકસાવવા માટે તૈયાર કરી. આનાથી ભારતમાં વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન પ્રોજેક્ટનો પાયો નાખ્યો.

આભને આંબતું વિઝન, સંખ્યાબંધ ઉત્કૃષ્ટ સંસ્થાઓ અને વિરાટ સિદ્ધિઓઃ ડૉ. વિક્રમ સારાભાઈ જેવા વીરલાઓ જવલ્લે જ પાકે છે
આભને આંબતું વિઝન, સંખ્યાબંધ ઉત્કૃષ્ટ સંસ્થાઓ અને વિરાટ સિદ્ધિઓઃ ડૉ. વિક્રમ સારાભાઈ જેવા વીરલાઓ જવલ્લે જ પાકે છે

દેશનું પહેલું ડિજિટલ કમ્પ્યૂટર, EVM: થેન્ક્સ ટુ વિક્રમ સારાભાઈ

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL)ની સ્થાપનામાં વિક્રમ સારાભાઈએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ECILએ ભારતને આયાતી ટેક્નોલોજી પરની નિર્ભરતામાંથી મુક્ત કર્યું અને સ્વદેશી જટિલ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પૂરાં પાડ્યાં, જેમાં દેશનાં પ્રથમ ડિજિટલ કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને પરમાણુ ઊર્જા, ડિફેન્સ, સ્પેસ અને ટેલિકોમ્યુનિકેશન માટે મહત્ત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આજે ECIL ને કારણે ભારતે આયાતી ટેકનોલોજી પરની તેની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જ્યારે વિક્રમ સારાભાઈ પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યા હતા, ત્યારે અવકાશ કાર્યક્રમ માટેનું તેમનું વિઝન પણ સમાન જોશથી કામ કરી રહ્યું હતું.

ISRO સ્વતંત્ર હશે તો જ આભને આંબશે

ધીમે ધીમે તેમને સમજાયું કે INCOSPAR પરમાણુ ઊર્જા વિભાગનું પેટા સંગઠન હોવાથી તેમના વિશાળ સ્પેસ વિઝનને પૂર્ણ કરવામાં અસમર્થ છે. વિક્રમ સારાભાઈને દેશના અવકાશ કાર્યક્રમને વેગ આપવા માટે એક સ્વતંત્ર, સંપૂર્ણ સંસ્થાની જરૂર હતી જેની પોતાનું સ્ટ્રક્ચર, બજેટ અને લાંબા ગાળાનાં આયોજન હોય. આ હેતુ સાથે 1969 માં, વિક્રમ સારાભાઈએ INSPARને પરમાણુ ઊર્જા વિભાગથી અલગ કરીને ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન’ (ISRO)ની સ્થાપના કરી. આ ISRO પછીથી ભારતને ચંદ્ર પર લઈ જવાનું હતું. વિક્રમ સારાભાઈ ISROના પહેલા અધ્યક્ષ બન્યા અને આ સંસ્થાને સફળ બનાવવા માટે એટલા સમર્પિત હતા કે તેમણે ISROમાં તેમના કામ માટે દર મહિને માત્ર ₹1 નો ટોકન પગાર સ્વીકાર્યો. તેમના માટે દેશનો વિકાસ સર્વોપરી હતો. તેઓ હંમેશાં કહેતા હતા કે, ‘આપણે સ્પેસ સાયન્સનો ઉપયોગ વિકસિત દેશોની જેમ સ્પેસ વૉરમાં ભાગ લેવા માટે નહીં, બલકે માનવતાની સેવા માટે કરીશું.’

SITE: સેટેલાઇટ ટેલિવિઝનના પણ પિતામહ

વિક્રમ સારાભાઈએ ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝન લાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટેલિવિઝન દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિક્રમ સારાભાઈએ સેટેલાઇટ ટેલિવિઝનના ઉપયોગ અંગે સરકારને એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો. આના પરથી સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (SITE) સ્ટેશનનો વિકાસ થયો. આ માટે યુનાઇટેડ નેશન્સની સહાયથી અમદાવાદમાં એક અર્થ સ્ટેશન, TV સ્ટુડિયો અને ખેડા જિલ્લાના પીજ ખાતે TV ટ્રાન્સમિટર મુકાયું હતું.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના ગુરુ

વધુમાં વિક્રમ સારાભાઈએ પ્રોજેક્ટ આર્યભટ્ટ શરૂ કર્યો, જેમાં ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ બનાવવા અને લોન્ચ કરવા માટે ડૉ. ઉડુપી રામચંદ્ર રાવના નેતૃત્વમાં એક સમર્પિત ટીમ બનાવી. વિક્રમ સારાભાઈ માનતા હતા કે દેશનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે નવા વૈજ્ઞાનિકોને તકો આપવામાં આવશે. તેથી તેઓ હંમેશાં તેમના જુનિયરોને રિસ્ક લેવા માટે પ્રોત્સાહિત કરતા. જો કોઈ મિશન નિષ્ફળ જાય, તો તેઓ જાહેરમાં ભૂલની જવાબદારી લેતા, પરંતુ જ્યારે સફળતા પ્રાપ્ત થતી, ત્યારે તેઓ તેમની ટીમને શ્રેય આપતા. આનું એક ઉત્તમ ઉદાહરણ ભારતના ‘મિસાઇલ મેન’ તરીકે જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હતા, જેમણે વિક્રમ સારાભાઈને પોતાની સફળતાનો શ્રેય આપ્યો અને તેમને પોતાના માર્ગદર્શક કહ્યા હતા. તેમણે તેમની આત્મકથા ‘વિંગ્સ ઓફ ફાયર’માં વિક્રમ સારાભાઈ સાથે વિતાવેલી ક્ષણોને ખૂબ જ આદર સાથે શેર કરી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ અને ‘મિસાઇલમેન’ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (છેક ડાબે) ડૉ. વિક્રમ સારાભાઇને પોતાના ગુરુ અને માર્ગદર્શક માનતા, પોતાની આત્મકથા ‘વિંગ્સ ઑફ ફાયર’માં તેમણે ડૉ. સારાભાઇ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે
પૂર્વ રાષ્ટ્રપતિ અને ‘મિસાઇલમેન’ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (છેક ડાબે) ડૉ. વિક્રમ સારાભાઇને પોતાના ગુરુ અને માર્ગદર્શક માનતા, પોતાની આત્મકથા ‘વિંગ્સ ઑફ ફાયર’માં તેમણે ડૉ. સારાભાઇ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે

ઇન્દિરાએ કહ્યું, ‘વિક્રમ, તમે થોડો આરામ કરો’

વિક્રમ સારાભાઈનો વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે પણ ખૂબ જ ખાસ સંબંધ હતો. તેઓ એવા જૂજ લોકોમાંના એક હતા જેમને ઇન્દિરા ગાંધી તેમના નામ ‘વિક્રમ’થી બોલાવતા. જ્યારે પણ ઇન્દિરા ગાંધી અમદાવાદની આવતાં, ત્યારે વિક્રમ સારાભાઈ તેમને તાજા ગુલાબનો હાથે ગુલદસ્તો ભેટમાં આપતા. ઇન્દિરા ગાંધી પણ તેમનો આદર કરતા અને ઘણીવાર તેમની સાથે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરતા. નવેમ્બર 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં ઇન્દિરા ગાંધીએ વિક્રમ સારાભાઈને વડાપ્રધાન કાર્યાલય (PMO)માં બોલાવ્યા અને કહ્યું, ‘હું તમારા નેતૃત્વ હેઠળ એક નવું સ્પેસ કમિશન બનાવવા જઈ રહી છું. પરંતુ તમારી પાસે પહેલેથી જ ઘણું કામ છે. તેથી તમારે પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું જોઈએ.’ આ સાંભળીને વિક્રમ સારાભાઈને લાગ્યું કે ઇન્દિરા ગાંધીને હવે તેમનામાં પહેલાં જેવો વિશ્વાસ નથી રહ્યો. ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘જો તમે આ ગતિએ કામ કરતા રહેશો, તો અમને ડર છે કે અમે તમને ખૂબ જ જલ્દી ગુમાવી દઈશું.’ ઇન્દિરા ગાંધી ખરેખર તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતાં. વિક્રમ સારાભાઈ ઘણીવાર દિવસમાં 18થી 20 કલાક કામ કરતા હતા. થાક નામનો શબ્દ વિક્રમ સારાભાઇની ડિક્શનેરીમાં નહોતો. જોકે, ઇન્દિરા ગાંધી તેમને કેટલીક જવાબદારીઓથી મુક્ત કરવા માગતાં હતાં જેથી દેશ લાંબા ગાળા માટે તેમના વિઝનને પૂર્ણ કરી શકે. તે દિવસે PMO છોડ્યા પછી વિક્રમ સારાભાઈએ પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું નક્કી કરી લીધું હતું.

ઇન્દિરા ગાંધી ડૉ. સારાભાઈને ‘વિક્રમ’ કહીને સંબોધતાંઃ ‘તમે થોડો આરામ કરો, નહીંતર દેશ તમને ગુમાવી દેશે’ એવી એમની ચેતવણી કમનસીબે એક જ મહિનામાં સાચી પડી
ઇન્દિરા ગાંધી ડૉ. સારાભાઈને ‘વિક્રમ’ કહીને સંબોધતાંઃ ‘તમે થોડો આરામ કરો, નહીંતર દેશ તમને ગુમાવી દેશે’ એવી એમની ચેતવણી કમનસીબે એક જ મહિનામાં સાચી પડી

વિક્રમ સારાભાઈ પણ અનંતની વાટે ચાલી નીકળ્યા

ડિસેમ્બર 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ ફાટી નીકળ્યું. સ્પેસ અને ન્યુક્લિયર ડિપાર્ટમેન્ટને અલગ કરવાની જાહેર જાહેરાત થાય તે પહેલાં ઇન્દિરા ગાંધીનો ડર એક મહિના પછી સાચો પડ્યો. 30 ડિસેમ્બર, 1971ના રોજ વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન ખાતે એક પરિષદમાં હાજરી આપવા માટે તિરુવનંતપુરમ આવ્યા હતા. ત્યાં હાજરી આપ્યા પછી તેઓ કોવલમ બીચ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. તે સમયે ડૉ. અબ્દુલ કલામના નેતૃત્વમાં સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SLV)ની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું હતું. તે જ રાત્રે વિક્રમ સારાભાઈએ SLVની પ્રગતિ વિશે પૂછપરછ કરવા માટે અબ્દુલ કલામ સાથે ફોન પર લાંબી વાત કરી અને પછી સૂઈ ગયા.

બીજા દિવસે સવારે જ્યારે તેમનો દરવાજો લાંબા સમય સુધી ખૂલ્યો નહીં, ત્યારે લોકોને કંશુંક અમંગળ થયાની હોવાની આશંકા થવા લાગી. તેમના રૂમનો દરવાજો તોડવામાં આવ્યો. લોકોએ વિક્રમ સારાભાઈને મચ્છરદાની અંદર શાંતિથી સૂતેલા જોયા. તેમની છાતી પર એક પુસ્તક ખુલ્લું પડ્યું હતું. જ્યારે લોકો તેમને જગાડવા ગયા, ત્યારે ખબર પડી કે વિક્રમ સારાભાઇના શ્વાસ અટકી ગયા હતા. ડૉક્ટરને તપાસીને કહ્યું વિક્રમ સારાભાઈનું બે કલાક પહેલાં જ અવસાન થયું છે. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, અને એકલા હોવાથી તેઓ કોઇની મદદ પણ ન માગી શક્યા.

વિજ્ઞાનનો વારસો, ભારતને સ્પેસમાં પહોંચાડવાનું સ્વપ્ન સેવનારા ડૉ. વિક્રમ સારાભાઇએ તિરુવનંતપુરમ ખાતે રાત્રે ડૉ. એપીજે અબ્દુલ કલામ સાથે વાત કરી અને પછી હૃદયરોગના હુમલાને કારણે અનંતની વાટે ચાલી નીકળ્યા
વિજ્ઞાનનો વારસો, ભારતને સ્પેસમાં પહોંચાડવાનું સ્વપ્ન સેવનારા ડૉ. વિક્રમ સારાભાઇએ તિરુવનંતપુરમ ખાતે રાત્રે ડૉ. એપીજે અબ્દુલ કલામ સાથે વાત કરી અને પછી હૃદયરોગના હુમલાને કારણે અનંતની વાટે ચાલી નીકળ્યા

એકદમ હેલ્ધી વિક્રમ સારાભાઇ અચાનક કેમ જતા રહ્યા?

માત્ર 52 વર્ષની વયે અનંતની વાટે નીકળી પડેલા ડૉ. વિક્રમ સારાભાઇનું મૃત્યુ દેશ માટે પ્રચંડ નુકસાન હતું. તેઓ પોતાની કરિયરની ટોચે હતા, ભારતનો સ્પેસ પ્રોગ્રામ શરૂ થઇ જ રહ્યો હતો. પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખતા, રોજ સવારે બાર સૂર્ય નમસ્કાર કરતા, સ્વિમિંગ કરતા અને વજન ન વધે તે માટે માપસરનો ખોરાક જ ખાતા વિક્રમનું અકાળે અવસાન આઘાતજનક હતું. તેમના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યો, જ્યાં પરિવારની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનાં પુત્રી મલ્લિકા સારાભાઇએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.

જ્યારે પુજારીએ તેમની ચિતા પર ઘીના થીજેલા ટુકડા નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની માતાએ રડતાં રડતાં કહ્યું, ‘ધીમે ધીમે નાખો, વિક્રમને વાગી જશે.’ આ પળે અનેક લોકોની આંખો ભીંજાયેલી હતી. હોમી ભાભાની જેમ ડૉ. વિક્રમ સારાભાઇનું પણ પોસ્ટ મોર્ટમ નહોતું કરાયું.

ચંદ્રની ધરતી પર સર્જાયું ‘સારાભાઇ ક્રેટર’

પછીના વર્ષે 1972માં ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી મરણોપરાંત સન્માનિત કર્યા. તેમના માનમાં થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TRLS)નું નામ બદલીને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) રાખવામાં આવ્યું. અહીં જ ભારતે રોકેટ ટેકનોલોજીમાં તેનાં પ્રારંભિક પગલાં માંડ્યાં હતાં. તેમના વારસાનું સન્માન ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થયું. 1974માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ ચંદ્ર પરના એક વિશાળ ખાડા બેસિલ ક્રેટરનું નામ બદલીને ‘સારાભાઈ ક્રેટર’ રાખ્યું.

‘આર્યભટ્ટ’થી ‘ચંદ્રયાન-મંગળયાન’: થેન્ક યુ ડૉ. વિક્રમ સારાભાઈ

વિક્રમ સારાભાઈ પછી સતીશ ધવને ‘ઈસરો’ની કમાન સંભાળી, જેમના નેતૃત્વમાં ભારતે એપ્રિલ 1975માં પોતાનો પહેલો ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ અવકાશ ભ્રમણકક્ષામાં મોકલ્યો. આમ, વિક્રમ સારાભાઈ દ્વારા શરૂ કરાયેલો પ્રોજેક્ટ તેમના અવસાનનાં લગભગ ત્રણ વર્ષ પછી સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે તેમના સાથીદારો તરફથી તેમને અપાયેલી સાચી શ્રદ્ધાંજલિ હતી. 2008માં ભારતે તેનું પહેલું મૂન મિશન ‘ચંદ્રયાન-1’ લોન્ચ કર્યું ત્યારે તેમણે વાવેલાં બીજ વટવૃક્ષ બનીને ખીલી ઊઠ્યાં. ચંદ્ર પર પાણીની શોધથી ત્યાં જીવનની ચાલી રહેલી શોધને નવી દિશા મળી. પાંચ વર્ષ પછી ભારતે માર્સ ઓર્બિટર મિશન દ્વારા મંગળની ભ્રમણકક્ષામાં પોતાનો ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો. ભારત પોતાના પહેલા જ પ્રયાસમાં મંગળ ભ્રમણકક્ષામાં ઉપગ્રહ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ત્યારબાદ, ઈસરોએ ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 લોન્ચ કર્યાં, અને તેના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષના સન્માનમાં તેના લેન્ડરનું નામ ‘વિક્રમ’ રાખ્યું. આજે પણ ચંદ્ર પર રહેલું આ વિક્રમ લૅન્ડરની સપાટી પર વિક્રમ સારાભાઈના વિઝનની ગવાહી આપે છે. વર્ષ 2023માં ‘આદિત્ય L1’ યાન પણ લોન્ચ કરવામાં આવ્યું.

વિક્રમ સારાભાઈના માનમાં ભારત સરકારે બહાર પાડેલી ટપાલ ટિકિટ, જેમાં તેમનું પ્રથમ રોકેટ લૉન્ચ અને સાયન્સનો શાંતિપૂર્ણ ઉપયોગ થવો જોઇએ તે માન્યતા પ્રતિબિંબિત કરતું ઓલિવ બ્રાન્ચ પકડેલું કબૂતર દૃશ્યમાન થાય છે
વિક્રમ સારાભાઈના માનમાં ભારત સરકારે બહાર પાડેલી ટપાલ ટિકિટ, જેમાં તેમનું પ્રથમ રોકેટ લૉન્ચ અને સાયન્સનો શાંતિપૂર્ણ ઉપયોગ થવો જોઇએ તે માન્યતા પ્રતિબિંબિત કરતું ઓલિવ બ્રાન્ચ પકડેલું કબૂતર દૃશ્યમાન થાય છે

આજે જ્યારે ભારતીય ખેડૂતો સેટેલાઇટ ડેટાની મદદથી પોતાના પાક બચાવે છે, ગામડાંનાં બાળકો ડિજિટલ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે, હવામાનની સચોટ માહિતી લાખો લોકોના જીવ બચાવે છે, IIMAના વિદ્યાર્થીઓ વિશ્વની અગ્રણી કંપનીઓમાં ઊંચા હોદ્દા શોભાવે છે અને નવી કંપનીઓ સ્થાપે છે… ત્યારે વિક્રમ સારાભાઈના શબ્દો યાદ આવે છેઃ ‘આપણે સ્પેસમાં એટલા માટે નથી જતા કે વિશ્વમાં નામ કમાઈ શકીએ, બલકે એટલા માટે જઇએ છીએ કે આ ટેક્નોલોજી આપણા સમાજની વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે.’ આજે ભારતનું દરેક અવકાશ મિશન અને તેમણે સ્થાપેલી સંસ્થાઓ વિક્રમ સારાભાઈના વિઝનને પ્રતિબિંબિત કરે છે, જેમણે આપણને શીખવ્યું કે સાયન્સ અને ટેક્નોલોજીનો સાચો હેતુ સમાજની સેવા કરવાનો છે.

{સંદર્ભઃ વિક્રમ સારાભાઈ - અ લાઇફ (અમૃતા શાહ)}

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links