Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

સન્ડે જઝબાત: 300 પોલીસકર્મીઓ સાથે શિવ મંદિર પહોંચ્યો:લોકો લાકડી લઈને ઊભા હતા, કહેતા હતા કે- 'ગાયનું ચામડું ઉતારનારા ભગવાનને સ્પર્શી ન શકે'

11 મહિનો પેહલા
  • કૉપી લિંક

હું સંતોષ દાસ, પશ્ચિમ બંગાળના બર્ધવાન જિલ્લાના ગિદ્ધગ્રામ નામના નાનકડા ગામનો રહેવાસી છું. શિવરાત્રિનો એ દિવસ હું ક્યારેય ભૂલી શકતો નથી. 300 પોલીસકર્મીઓની હાજરીમાં અમારા પાંચ જણાએ મંદિરમાં પગ મૂક્યો હતો. પગ ધ્રૂજી રહ્યા હતા. મંદિરની બહાર રમખાણો જેવો મ

.

આ જ શિવ મંદિરમાંથી મારા પપ્પા અને દાદાને ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ હાથ-પગ જોડતા રહ્યા પણ કોઈએ તેમની વાત ન સાંભળી. તેઓ કહેવા લાગ્યા કે તમે લોકો નીચ છો, ગાયના ચામડાનું કામ કરો છો અને અમે ગાયની પૂજા કરીએ છીએ. તમે લોકો તમારું અલગ મંદિર બનાવી લો.

ત્યારે દાદાએ તેમને એમ પણ કહ્યું હતું કે અમારા ઘરમાં વહુઓ છે, જમાઈ આવે છે, લગ્ન-પ્રસંગો હોય છે, ઘણાના ઘરે મૃત્યુ થાય છે, ત્યારે અમે ક્યાં જઈએ? પણ પેલા લોકોએ એક ન સાંભળી. એ વખતે અમે બહુ નાના હતા. અમારા ગામમાં વીજળી પણ નહોતી. તેલના દીવા સળગતા હતા. તે રાત્રે અમારા ઘરમાં કોઈ ઊંઘી શક્યું નહોતું. પપ્પાનું કહેવું હતું કે આપણે અલગ મંદિર કેમ બનાવીએ? આપણે કોઈ પાપ તો કર્યું નથી.

એ દિવસ પછી અમે દરેક દિવસે અમારા દાદાને અપમાનિત થતા જોયા છે. તેઓ દરરોજ પેલા લોકોના ઘરે જતા. ચંપલ-બૂટ પણ તેમના ઘરની બહાર જ ઉતારવા પડતા. દાદા તેમના આંગણામાં જમીન પર બેસીને હાથ જોડીને કરગરતા હતા, વિનંતીઓ કરતા હતા. બદલામાં તેમને માત્ર ગાળો જ મળતી હતી. ત્યારબાદ આ હક માટે મેં મારા પિતાને પણ અપમાનિત થતા જોયા છે.

ગામમાં તેમના સમુદાયના લોકો સાથે સંતોષ દાસ.
ગામમાં તેમના સમુદાયના લોકો સાથે સંતોષ દાસ.

થોડા વર્ષો પછી અમે અમારું અલગ મંદિર બનાવી પણ લીધું હતું. ખરેખર તો, અમારા ગામમાં દલિતોના લગભગ બસો ઘર છે અને મારા દાદાના દાદાએ પણ ક્યારેય આ મંદિરમાં કોઈને જતા જોયા નહોતા. ઉચ્ચ જ્ઞાતિના લોકો અમને દલિતોને શિવ મંદિરમાં જવા દેવા માંગતા નહોતા. તેઓ ગૌમાંસના મુદ્દે પણ અમારા પર આરોપ લગાવતા હતા. જ્યારે હું મોટો થયો અને આ બધું સમજવા લાગ્યો, ત્યારે એક દિવસ મેં નક્કી કરી લીધું કે હવે દલિતો પણ આ જ શિવ મંદિરમાં જશે. ભલે તે માટે મારે કેટલીય લાંબી લડાઈ કેમ ન લડવી પડે.

આ લડાઈ માટે મારે ગામના દલિતોને રાજી કરવાના હતા. દરેકને આ લડાઈ માટે તૈયાર કરવા સરળ નહોતું. બધાને મનાવવામાં, તેમના દિલમાંથી ડર કાઢવામાં અને મંદિર પ્રવેશ માટે જોશ જગાડવામાં મને આઠ મહિના લાગ્યા. અમારું ગામ તો હજારો વર્ષ જૂનું છે. હું નથી જાણતો કે મંદિરમાં પ્રવેશ કેટલા વર્ષોથી બંધ છે, પણ દાદા કહેતા હતા કે તેમના દાદાને પણ આ સૌભાગ્ય મળ્યું નહોતું. સાંભળ્યા મુજબ લગભગ 500 વર્ષથી અમને દલિતોને ગામના શિવ મંદિરમાં જવાની મંજૂરી નહોતી.

મારા માટે આ માત્ર એક ધાર્મિક અધિકાર નહોતો પણ મારી ઓળખ હતી. જ્યારે અમારા ઘરે નવી વહુ આવે અને મંદિર જવાનું કહે, ત્યારે તેને એ જણાવવામાં અમને શરમ આવતી કે અહીં મંદિર જવાની મંજૂરી નથી. એ સમયે બહુ ખરાબ લાગતું. હું ઘણીવાર રાત્રે સૂતા-સૂતા વિચારતો કે શિવ તો સ્મશાનમાં રહેનારાઓને પણ અપનાવે છે, તો દલિતોને કેમ નહીં અપનાવે? મને લાગતું હતું કે ના, શિવે ક્યાંય દલિતોને મંદિરમાં આવવાની મનાઈ નથી કરી. રામે પણ દલિતોને પોતાનાથી દૂર નથી કર્યા.

મેં ધીમે ધીમે મારા લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. પેઢી દર પેઢી તેઓએ માની લીધું હતું કે આ રિવાજ સદીઓથી ચાલ્યો આવે છે. ઉચ્ચ જ્ઞાતિવાળાએ ફરમાન સંભળાવ્યું અને આપણે માથું નમાવીને માની લીધું. કોઈએ સવાલ જ ન કર્યો. હું એ ભૂલી શકતો નહોતો કે કઈ રીતે મારા દાદા અને પિતાએ તેમની સામે હાથ જોડ્યા હતા, વિનંતીઓ કરી હતી, પોતાના લોકોને એકઠા કરવાની કોશિશ કરી હતી. મને લાગ્યું કે દાદા અને પિતા તો સાવ અભણ હતા. હું સાતમું ભણ્યો છું પણ કાયદો તો જાણું છું કે મારો હક શું છે અને શું નથી. એટલી સમજ તો મારામાં છે.

આજથી 30 વર્ષ પહેલાની વાત છે. હું શાળાએ જતો હતો. જ્યારે મારા પિતાની વિનંતી અને હાથ જોડવા છતાં ઉચ્ચ જ્ઞાતિના લોકો ન માન્યા, ત્યારે મારા પિતાએ પોતાના કેટલાક મિત્રો સાથે મળીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉચ્ચ જ્ઞાતિના તમામ લોકો ભેગા થઈ ગયા અને વાત મરવા-મારવા પર આવી ગઈ. મારા પિતા ડરી ગયા કે તેમના કારણે ગામમાં હિંસા ન થઈ જાય, એટલે તેમણે તમામ પ્રયાસો છોડી દીધા અને શાંતિથી ઘરે બેસી ગયા. મારા અને મારા પિતાના સમયમાં એક જ તફાવત છે કે મને ડરાવી શકાય તેમ નથી.

આ તૈયારીમાં મેં સૌથી પહેલા મારી પત્ની સાથે વાત કરી. જેવું તેણે સાંભળ્યું કે તરત જ તે ગુસ્સે થઈ ગઈ. કહેવા લાગી કે તમારે શું લેવાદેવા છે, દરેક જણ પોતપોતાના કામમાં લાગેલા છે. તમે પણ કોઈ કામ-ધંધો કરો. બીજા કોઈને તો મંદિર જવું નથી. ઘણા દિવસો સુધી અમારી દલીલો ચાલતી રહી, પણ હું મારી જીદ પર અડગ રહ્યો. પત્ની આ લડાઈમાં સાથે નહોતી, પણ તેણે હવે મારો વિરોધ કરવાનું છોડી દીધું હતું. બસ હું એ જ ઈચ્છતો હતો કે જો તે સાથ ન આપે તો કંઈ નહીં, પણ ઓછામાં ઓછું વિરોધ પણ ન કરે.

હું એકલો ઘરે-ઘરે ગયો. ઘરના એક-એક સભ્ય સાથે વાત કરી. મેં તેમને પૂછ્યું કે આપણને મંદિર જવાની મંજૂરી નથી, શું આ સાચું છે? બધાએ કહ્યું કે ખોટું છે. આ રીતે મેં મારી સાથે 100 લોકોને જોડ્યા. અમે 100 લોકોએ એક અરજી તૈયાર કરી. અમે કસમ ખાધી કે આ શિવરાત્રિએ આપણે શિવને જળ અર્પણ કરીશું. અમે શહેરમાં એક રવિદાસ સંસ્થાની પણ મદદ લીધી, જેણે અમને કાયદાકીય અને વહીવટી અધિકારીઓ સુધી પહોંચવા માટે સુવિધા પૂરી પાડી.

કાયદેસરની કાર્યવાહી થતા જ ગામમાં ખળભળાટ મચી ગયો. કટવા પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ગામમાં આવ્યા. ઉચ્ચ જ્ઞાતિના લોકોને સમજાવ્યું કે મંદિરમાં જવું એ આ લોકોનો કાયદેસરનો અને સામાજિક અધિકાર છે, તેમને રોકવામાં ન આવે. ગામમાં પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી. મેં વિચારી લીધું હતું કે મરવું હશે તો મરી જઈશું, પણ લાશ તો મંદિરથી જ ઉઠશે. મંદિરમાં પ્રવેશી ન શક્યા તો શું થયું, લાશ તો ત્યાંથી જ નીકળશે. ભગવાનના દર્શન કરતી વખતે કોઈ મારી નાખે તો કોઈ અફસોસ નથી. એક દિવસ તો મરવાનું જ છે. તે દિવસે અમે દસ જણાએ આ મન બનાવી લીધું હતું. લગભગ 300 પોલીસકર્મીઓની હાજરીમાં પાંચ દલિતોએ મંદિરમાં પગ મૂક્યો. પરંતુ બધું શાંતિથી પાર પડી ગયું.

સંતોષ કહે છે કે ઢોલ અને નગારા સાથે મંદિરમાં અમારો પ્રવેશ ઇતિહાસમાં લખાશે.
સંતોષ કહે છે કે ઢોલ અને નગારા સાથે મંદિરમાં અમારો પ્રવેશ ઇતિહાસમાં લખાશે.

ખબર છે, ઇતિહાસમાં આ લખવામાં આવશે કે કેવી રીતે અમે તે દિવસે ઢોલ-નગારા સાથે મંદિર ગયા હતા. આખા ગામમાં દિવાળી જેવો માહોલ હતો, જશ્ન હતો. એસપી મેડમ, એસડીએમ અને તમામ મોટા અધિકારીઓ ઊભા હતા અને અમે પાંચ દલિતો મંદિર જવા માટે આગળ વધી રહ્યા હતા.

પાંચસો વર્ષ પછી અમે મંદિરના પગથિયાં ચઢ્યા ત્યારે હું બસ રડી રહ્યો હતો અને બોલતો હતો કે ભોળા શંકર ગામમાં શાંતિ જાળવી રાખજો. જોકે તે દિવસે ગામમાં જે માહોલ હતો તેનાથી મને અંદરથી ડર લાગતો હતો કે ક્યાંક કોઈનું નુકસાન ન થઈ જાય. મને મારા જીવની કોઈ પરવા નહોતી. મારા માટે તો અંદરથી ડર કરતા વધારે સંકલ્પ હતો કે ભગવાનના દર્શન કરવા માટે મરવું પણ પડે તો મંજૂર છે. કેટલાક લોકોના ચહેરા બતાવી રહ્યા હતા કે તેઓ અમને ધિક્કારી રહ્યા છે, તેઓ નથી ઈચ્છતા કે અમે ત્યાં જઈએ. તેમના વ્યવહારથી અમને કોઈ ફરક નથી પડતો. અમે પહેલા પણ સંયમ રાખ્યો હતો અને આજે પણ સંયમ રાખ્યો છે.

આજે લગભગ નવ મહિનાથી અમે મંદિરે જઈ રહ્યા છીએ અને અત્યાર સુધી કોઈ સમસ્યા આવી નથી. મારો પરિવાર આજે પણ મારા જીવની ચિંતા કરે છે, પણ હું એ વાતથી ખુશ છું કે જે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું તે થઈ ગયું.

એવું લાગે છે કે મેં દાદા અને પિતાનું દેવું ઉતારી દીધું. હવે સન્માન અનુભવાય છે. પોતાની જાત પર ગર્વ થવા લાગ્યો છે. તેઓ મંદિરે જાય છે. મારી આવનારી પેઢીઓએ હવે એ નહીં સાંભળવું પડે કે તમે મંદિર ન જઈ શકો. આ બધું કાયદાની મદદથી શક્ય બન્યું છે, અમે જેટલું ભણ્યા હતા એ કાયદાની મદદ લીધી. હવે ઘણી સમજ આવી ગઈ છે કે શિક્ષિત થવું ખૂબ જ જરૂરી છે.

(સંતોષ દાસે પોતાની આ લાગણીઓ ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કરી છે.)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links