Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

સન્ડે જઝબાત: કિન્નર છું, છતાં છોકરાએ મારી માંગ ભરી:પિતાએ બજારમાં માર માર્યો, વાળ કપાવી નાખ્યા, પરંતુ તેણે પીછેહટ ન કરી; મને દુલ્હન બનાવી

10 મહિનો પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

મારું નામ સોની છે. હું પશ્ચિમ બંગાળના બનગાંવની રહેવાસી છું. મેં પોતાને હંમેશા એક છોકરી જ માની, પરંતુ લોકોએ મને ઓળખ આપી - કિન્નર, હિજડા જેવા શબ્દોથી. લોકો કહેતા હતા,

.

‘ન મા બની શકશે, ન કોઈની દુલ્હન… તો પછી આના જીવવાનો શું મતલબ છે?’

તે વાતો સાંભળતા-સાંભળતા હું જીવી તો રહી હતી, પરંતુ અંદરથી જાણે લાશ બની ગઈ હતી. પેટ ભરવા માટે હું ઓર્કેસ્ટ્રામાં નાચતી હતી.

છપરાના જનતા બજારની એક દવાની દુકાનથી મારા પ્રેમની કહાની શરૂ થઈ. પ્રેમી આદર્શને ખબર નહોતી કે હું કિન્નર છું- છતાં મને માણસ સમજીને મારી પાસે આવ્યો. વીડિયો વાઇરલ થતા જ પરિવારમાં હોબાળો મચી ગયો. માતાએ કહ્યું-

‘જો કિન્નર સાથે લગ્ન કર્યા તો બહેનોના લગ્ન નહીં થાય.’

પોતાના પતિ આદર્શ યાદવને નિહાળતી સોની.
પોતાના પતિ આદર્શ યાદવને નિહાળતી સોની.

હું બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાની છું. જન્મ સમયે જેમ એક છોકરી હોય છે, હું પણ એવી જ હતી. જ્યારે થોડી મોટી થઈ, ત્યારે મારા શરીરમાં અલગ પ્રકારના ફેરફારો દેખાવા લાગ્યા. 12-13 વર્ષની ઉંમર પછી જે બાકીની છોકરીઓમાં થાય છે, તે મારા શરીરમાં ન થયું.

મને માસિક ન આવ્યું. મારું શરીર અને મારા હાવભાવ જોઈને આસપાસના લોકો કહેવા લાગ્યા- આ તો કિન્નર જન્મી છે. હવે તો આને કિન્નર લોકો ઉઠાવીને લઈ જશે. હું તેમની વાતો સાંભળીને ડરના માર્યા ધ્રૂજવા લાગતી હતી.

મા વળતો જવાબ આપતી- મારી દીકરી છે. મેં જન્મ આપ્યો છે. હવે તે જે પણ છે, જેવી પણ છે, મારી સાથે જ રહેશે. મારા પપ્પા ખેતીકામ અને માછલી પાલન કરે છે અને મા ઘર સંભાળે છે.

2019ની વાત છે. હું BAના બીજા વર્ષમાં હતી. ઘરે પૈસાની તકલીફ હતી એટલે મારી એક બહેનપણીએ મને કહ્યું-

બિહાર જઈશ? ત્યાં કામ છે. પૈસા મળશે.

મેં પૂછ્યું-

શું કામ છે?

બહેનપણી બોલી-

ત્યાં અલગ-અલગ કાર્યક્રમોમાં ડાન્સ કરવાનો હશે.

પછી મેં ખચકાતા કહ્યું-

મને તો ડાન્સ નથી આવડતો. ફરવાનો શોખ છે. ઘરે પૂછીને જણાવીશ.

મેં ઘરે આવીને માને જણાવ્યું કે બિહાર જઈ રહી છું. એક મહિના પછી ફરીને આવી જઈશ.

માએ રજા આપી દીધી.

હું પશ્ચિમ બંગાળથી બિહારના છપરા આવી ગઈ. ત્યાં મારા ગ્રુપમાં ઘણી છોકરીઓ હતી. તે બધી જ મારા પાસેના એક ગામની હતી. તે ગામની મોટાભાગની છોકરીઓ બીજા રાજ્યોમાં જઈને આ રીતે ડાન્સ કરે છે. તેમની સાથે મને પણ કોન્ટ્રાક્ટર છપરા-સીવાનની આસપાસ જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં સાથે લઈ જતો હતો.

સ્ટેજ પર જ્યારે ડાન્સ થતો ત્યારે હું ઉભી ને ઉભી રહી જતી. મને ડાન્સ નહોતો આવડતો. સામે ભીડ બૂમો પાડવા લાગતી. ભોજપુરીમાં કહેતી-

આને હટાવો, ક્યાંથી ઉઠાવી લાવ્યા છો. ડાન્સ નથી આવડતો, તો શું કામ આવી જાઓ છો?

તે સમયે મને હિન્દી કે ભોજપુરી સમજાતી નહોતી.

ત્યારબાદ ધીરે ધીરે ડાન્સ શીખવાનું શરૂ કર્યું. એક મહિનો થયો એટલે પાછી ઘરે આવી ગઈ.

તે સમય સુધી હું આદર્શને મળી નહોતી, કે તેને ક્યારેય જોયો નહોતો.

પોતાના સંઘર્ષની કહાની કહેતી સોની.
પોતાના સંઘર્ષની કહાની કહેતી સોની.

2021-22ની વાત છે. મારા મોટા ભાઈ ત્રણ માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગયા. તેમના શરીરમાં ઘણી જગ્યાએ હાડકાં તૂટી ગયાં. તેઓ મહિનાઓ સુધી બેડ પર આવી ગયા. તેમની જ કમાણીથી ઘર ચાલતું હતું, જે હવે મુશ્કેલ બની ગયું હતું.

મેં વિચાર્યું- હવે તો ડાન્સ શીખી જ લીધો છે. બિહાર જઈને ઓર્કેસ્ટ્રામાં નાચીશ તો ઘરની હાલત સુધરી જશે. ફરીથી હું બિહાર જતી રહી. ત્યાં એક કોન્ટ્રાક્ટરને ત્યાં રહેવા લાગી. તે અમને કાર્યક્રમોમાં નાચવા માટે લઈ જતો. આ સમય સુધીમાં હું નાચતા શીખી ગઈ હતી. એટલું સારું કે ભીડ મારો જ ડાન્સ જોવા માટે વારંવાર સ્ટેજ પર બોલાવતી. હું પણ ખૂબ નાચતી હતી.

આશરે 7 મહિના ડાન્સ કર્યો, પણ કોન્ટ્રાક્ટરે પૈસા ન આપ્યા. હું પરેશાન થવા લાગી. તેની સાથે મારી મારામારી પણ થઈ ગઈ.

ત્યારબાદ હું અને બાકીની છોકરીઓને સાથે લઈને છપરાના જનતા બજારમાં આવી ગઈ. ત્યાં જ આદર્શની એક દવાની દુકાન હતી. તેના પરિવારે આ સ્ટોર ખોલ્યાને થોડા જ મહિના થયા હતા. તે દરરોજ દવાની દુકાને સવારથી સાંજ સુધી બેસતો હતો.

મારી ટીમની કેટલીક છોકરીઓની તબિયત ખરાબ હતી. શરદી-ઉધરસ, શરીરના દુખાવાની દવા લેવાની હતી. હું દવા લેવા ગઈ. આદર્શ તે સમયે દુકાન બંધ કરી રહ્યો હતો. મેં દવાનું નામ જણાવ્યું, તો તેણે કહ્યું-

કેટલીક દવાઓ છે, કેટલીક નથી... કાલે મંગાવી આપીશ. મેં મારું સરનામું અને મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું કે- તે મારા રૂમ પર પહોંચાડી દે.

બીજા દિવસે આદર્શ દવા લઈને મારા રૂમ પર આવ્યો. તે દિવસથી તે અવારનવાર મારી સાથે વાત કરવા લાગ્યો. તે સમય સુધી તેને ખબર નહોતી કે હું કિન્નર છું.

આશરે 6 મહિના પછી આદર્શે એક દિવસ મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે. હું હસતા હસતા બોલી-

લોકો એમ જ બોલે છે. મારા માટે આ કોઈ નવી વાત નથી. સામાન્ય રીતે દરેક છોકરો મને આ જ કહે છે. જ્યારે ડાન્સ કરવા જાઉં છું ત્યારે તેઓ મારો ફોન નંબર માગે છે. કહે છે કે તેઓ મારી સાથે લગ્ન કરવા માગે છે.

આદર્શ શરમાતા બોલ્યો- હું ખરેખર પ્રેમ કરું છું.

મેં તેને મારી પાસે બેસાડ્યો અને સમજાવ્યું-

હું કિન્નર છું. હું સામાન્ય છોકરી નથી. હું ક્યારેય મા બની શકીશ નહીં.

આદર્શ સાંભળતા જ બોલ્યો- ...તું મા ન બની શકે તો શું થયું. આપણે બંને સાથે તો રહી શકીએ ને!

હું તેને ધમકાવતા બોલી-

દરેક છોકરો આવું જ કહે છે. પછી છેતરીને જતો રહે છે. હું નાચવાવાળી છું. કિન્નર છું. તારા ઘરના લોકો મને ક્યારેય સ્વીકારશે નહીં. નાચું છું તો ફક્ત પેટ ખાતર. જો ખરેખર મને પ્રેમ કરતો હોય, તો તારા ઘરના લોકોને જણાવ. દુનિયાની સામે મને ઈજ્જત આપવી પડશે.

આદર્શ દરેક વાત માટે તૈયાર થઈ ગયો. અંતે અમે બંનેએ સાથે એક વીડિયો બનાવ્યો, જે વાઇરલ થઈ ગયો.

આદર્શના ઘરના લોકોને ખબર પડી ગઈ કે તે એક કિન્નરને પ્રેમ કરે છે. તેણે પોતાની માને જણાવ્યું, તો માએ ઠપકો આપતા કહ્યું-

નાચવાવાળી છક્કા, હીજડા સાથે લગ્ન કરીશ? પાગલ થઈ ગયો છે?

આશરે દોઢ-બે મહિના સુધી આ બધું ચાલતું રહ્યું.

તેના ઘરના લોકો ખૂબ પરેશાન હતા. એક દિવસ આદર્શના પિતાએ ભરેલા બજારમાં લોકોની સામે તેને ખૂબ અપમાનિત કર્યો. ખૂબ માર્યો-પીટ્યો. તેના વાળ કપાવી નાખ્યા, જેથી તે મને ગમે નહીં.

પરંતુ તે પાછળ હટવા તૈયાર ન થયો. તે દિવસે આદર્શની માએ તેને સમજાવતા કહ્યું હતું-

તું ઘરમાં સૌથી મોટો છે. તું નચનિયા, કિન્નર સાથે લગ્ન કરીશ, તો બાકીના બાળકોનું શું થશે? કોઈ તારી બહેન સાથે લગ્ન નહીં કરે. પિતાએ વર્ષો સુધી વિદેશમાં નોકરી કરી છે. બધી ઈજ્જત ધૂળમાં મળી જશે.

પરંતુ આદર્શે કંઈ માન્યું નહીં. તેણે ખાવા-પીવાનું છોડી દીધું. તેની મા પરેશાન થઈને મને ફોન કરીને કહેતી-

દીકરાએ હજુ સુધી જમ્યું નથી. તું કહીશ તો જમી લેશે." પણ આદર્શ જીદ પર અડગ હતો. આશરે બે મહિના પછી આદર્શે મને કહ્યું-

તે પણ બંગાળ આવવા માગે છે. અંતે મેં તેને મારી પાસે બોલાવી લીધો.

જે દિવસે તે મારા ઘરે આવ્યો, તે દિવસે ગામના લોકો મારા દરવાજે ભેગા થઈ ગયા. કહેવા લાગ્યા- લગ્ન વગર અજાણ્યો છોકરો કેવી રીતે કોઈ છોકરી સાથે રહી શકે? પહેલા લગ્ન કરવા પડશે, પછી જ બંને સાથે રહી શકશો.

ત્યારબાદ તમામ રીત-રિવાજો સાથે અમે બંને પાસેના એક મંદિરમાં ગયા અને લગ્ન કરી લીધા.

શું વાત કરું! તે દિવસે જ્યારે આદર્શે મારી માંગ ભરી, ત્યારે લાગ્યું કે જાણે જિંદગીની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ.

મને આજે પણ યાદ છે- જ્યારે પહેલીવાર ખબર પડી હતી કે હું કિન્નર છું, ત્યારે લાગતું હતું કે હવે કોઈની વહુ નહીં બની શકું, કે ન દુલ્હન. તે સમયે કોઈની માંગમાં સિંદૂર જોતી, તો થતું કે કાશ હું પણ આ સિંદૂર, બિંદી મોટી થઈને કોઈના નામની લગાવી શકી હોત!

આ રીતે આદર્શ સાથે મારા લગ્ન થઈ ગયા.

બંગાળના એક મંદિરમાં આદર્શ સાથે લગ્ન દરમિયાન સોની.
બંગાળના એક મંદિરમાં આદર્શ સાથે લગ્ન દરમિયાન સોની.

આદર્શે એક દિવસ કહ્યું-

તું ઓર્કેસ્ટ્રામાં નાચવાનું છોડી દે. તું નાચે છે તો મને ગમતું નથી.

મેં તેની વાત માની લીધી. હવે અમે બંને મળીને સોશિયલ મીડિયા પર બ્લોગિંગ કરીએ છીએ. વીડિયો બનાવીએ છીએ. તેનાથી સારી કમાણી થઈ છે. તેનાથી જ હવે હું મારું પોતાનું ઘર બનાવવા જઈ રહી છું.

આદર્શ હજુ પણ પોતાના ગામે જાય છે. તે પટનાથી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી રહ્યો છે.

તે અવારનવાર અફસોસ વ્યક્ત કરે છે કે-

મારો કિન્નર તરીકે જન્મ થવો શું ગુનો હતો, જે આ સમાજ કે તેના ઘરના લોકોએ સ્વીકાર્યું નહીં. તેને આજે પણ ડર છે કે જો હું તેના ઘરે ગઈ, તો ઘરના અને ગામના લોકો તેને બહાર કાઢી મૂકશે.

આદર્શના ઘરના લોકોનું એમ જ કહેવું છે કે મારી સાથે લગ્ન કર્યા પછી હવે તેમની દીકરીઓના લગ્ન નહીં થઈ શકે. તેમણે અમને બંનેને અપનાવવાની સાફ ના પાડી દીધી છે. તેની માતા કહે છે- જો તમે લોકો આ ઘરમાં આવશો, તો લોકો અમને ગામમાંથી કાઢી મૂકશે.

તેના ગામના લોકો કહે છે- કિન્નરે માસૂમ છોકરા પર બંગાળનો કાળો જાદુ કરી દીધો છે. હિજડો ક્યાંનો, હવે કિન્નરો પણ લગ્ન કરવા લાગી છે શું, એ પણ એક નોર્મલ છોકરા સાથે. પરંતુ તેમને શું ખબર કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.

પરંતુ હું વિચારું છું કે આખરે હું પણ એક છોકરી જ છું ને. શરીર, આત્મા બધું છોકરીનું જ છે. મારી પણ બાકીના લોકોની જેમ જિંદગી છે. બસ મા નથી બની શકતી. તેના માટે પણ હું ડોક્ટરને બતાવી રહી છું. જો મા નહીં બનું તો શું થયું, કોઈ બાળક દત્તક લઈ લઈશ, નહીં તો IVF કરાવીશ.

હવે લોકો મારા પતિ આદર્શને પૂછે છે-

કિન્નર સાથે લગ્ન કર્યા છે, ખુશ કેવી રીતે રહો છો? તેમને શું ખબર કે જે સંબંધ એક છોકરી અને છોકરા વચ્ચે હોય છે, એવો જ પતિ-પત્ની વચ્ચે પણ હોઈ શકે છે. અમારી વચ્ચે પણ એવો જ સંબંધ છે.

હવે તો મેં લોકોને જવાબ આપવાનું જ છોડી દીધું છે...

લગ્ન કરીને દુલ્હન બનેલી સોની. તે કહે છે- તેઓ બંને એકબીજાને પ્રેમ કરે છે.
લગ્ન કરીને દુલ્હન બનેલી સોની. તે કહે છે- તેઓ બંને એકબીજાને પ્રેમ કરે છે.

(સોનીએ પોતાના આ જઝબાત ભાસ્કર રિપોર્ટર નીરજ ઝા સાથે વ્યક્ત કર્યા છે)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links