- Gujarati News
- Bhaskar khaas
- Sunday jazbaat
- Sunday Jazbaat Son Killed In Delhi Blast
સન્ડે જઝબાતઃ દિલ્હી બ્લાસ્ટમાં દીકરો માર્યો ગયો:નવાં કપડાંનો શોખીન હતો, તેમાં જ તેની લાશ મળી, 5 ફૂટ દૂર પડ્યો હતો કપાયેલો હાથ
- કૉપી લિંક

10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં જે મોહસિન માર્યો ગયો હતો, હું તેની મા સંજીદા છું. અમે બધા મેરઠમાં રહીએ છીએ. મારે ત્રણ દીકરા છે. મોહસિન બીજા નંબરનો હતો. તે પોતાના બે બાળકો અને પત્ની સાથે દિલ્હીમાં રહેતો હતો. અમારો હસતો-રમતો પરિવાર એક ધડ
મારો દીકરો દિલ્હીના ચાંદની ચોકમાં બેટરી રિક્ષા ચલાવતો હતો. દિવસના 500-600 રૂપિયા કમાઈ લેતો હતો. તેની પત્ની તેને જબરદસ્તી દિલ્હી લઈ ગઈ હતી.
જે દિવસે આ દુર્ઘટના થઈ, તે દિવસે સવારથી જ મારું મન સારું નહોતું. ગભરામણ થતી હતી, ખૂબ ઉદાસ હતી. તે દિવસે મેં ખાવાનું પણ નહોતું ખાધું. મારી એક દીકરી અહીં પાસે જ રહે છે. તેને ફોન કરીને ઘરે બોલાવી તો તે કહેવા લાગી કે તું મારી પાસે આવી જા. મેં વિચાર્યું હતું કે સાંજ સુધીમાં જતી રહીશ, પણ શું ખબર હતી કે આ સાંજ સુધીમાં તો ઘરમાં માતમ છવાઈ જશે.

સાંજના સમયે નાના દીકરા નદીમ પર મોહસિનની પત્નીનો ફોન આવ્યો. તે રડતા-રડતા કહેવા લાગી કે દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે અને મોહસિનનો ફોન નથી લાગી રહ્યો. નદીમ રડતો-રડતો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે અને મોહસિનભાઈના સમાચાર નથી મળી રહ્યા. નદીમ તે જ વખતે રડતો દિલ્હી જવા નીકળી ગયો. હું પણ તેની પાછળ દોડી પણ તે કહેવા લાગ્યો કે તમે લોકો પછી આવજો.
હું બસ ઉપરવાળા પાસે દુઆઓ માગી રહી હતી, એક મિનિટ માટે પણ ચેન પડતું નહોતું. અડધી રાત્રે મારા પતિનો ફોન વાગ્યો. ઘંટડી સાંભળતા જ મારું હૃદય બેસી ગયું. નદીમે ફોન ઉપાડતા જ કહ્યું, અબ્બુ (પિતા) મોહસિન નથી રહ્યો, અમે તેને લઈને મેરઠ આવી રહ્યા છીએ.
આ સાંભળતા જ મેં કહ્યું કે આટલી રાહ નહીં જોઈ શકું, મને જ દિલ્હી લઈ ચાલો. અમે લોકો દિલ્હી જવા નીકળી ગયા. જ્યારે મોહસિનના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં બધા સગા-સંબંધીઓની ભીડ એકઠી હતી. નવા કપડાંમાં વીંટળાયેલી મારા દીકરાની લાશ સામે રાખી હતી. તેના મૃત્યુ પહેલાં ઘરમાં એક લગ્ન હતા. તેના માટે જ મારા દીકરાએ કપડાં ખરીદ્યા હતા, જે તેણે મરતી વખતે પહેરી રાખ્યા હતા.
કોઈએ જણાવ્યું કે તેનો એક હાથ 5 ફૂટ દૂર પડ્યો હતો, તેને પોસ્ટમોર્ટમમાં જોડવામાં આવ્યો છે. મોં તો ઠીક હતું પણ હાથ અને પગ પર અસંખ્ય ઘા હતા.
મય્યતનો સમય થઈ રહ્યો હતો. મોહસિનની પત્ની અને સસરા જીદ કરવા લાગ્યા કે મય્યત દિલ્હીમાં જ થશે. અમે આના માટે તૈયાર નહોતા, કારણ કે મેરઠના કબ્રસ્તાનમાં જ અમારા પૂર્વજોની કબરો છે. તેથી અમે ઇચ્છતા હતા કે મોહસિનની કબર પણ ત્યાં જ હોય. તેની પત્ની માનવા તૈયાર નહોતી. તે અમને તેની યાદોનો વાસ્તો આપતા કહેવા લાગી કે તેની યાદો અહીં છે. તે ત્રણ વર્ષ પહેલાં જ દિલ્હી ગયો હતો તો ત્યાં તેની કેવી યાદો? ઉછેર તો મેરઠમાં થયો હતો.

અમારી જીદ કરવા પર તે લોકોએ મોહસિનની લાશ અમને આપી દીધી, પણ તેની પત્ની અમારી સાથે ન આવી. નદીમે કહ્યું કે કાગળની કાર્યવાહી પછી મોહસિનની પત્ની અને બાળકોને સાથે લઈને આવશે. અમે મેરઠમાં રાહ જોતા રહ્યા, તે ખબર નહીં કેવી રીતે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પોલીસવાળાઓ કહેવા લાગ્યા કે આ બધું તારું કર્યું-કરાવેલું છે, તેં તારા માતા-પિતાને મોહસિનની લાશ આપી દીધી અને તું પોતે અહીં રહી ગયો. પોલીસવાળાઓએ નદીમને માર્યો પણ અને બુલડોઝરથી ઘર તોડવાની પણ ધમકી આપી.
જ્યારે નદીમ ખૂબ મોડે સુધી મેરઠ ન પહોંચ્યો, ત્યારે અમે મોહસિનની પત્નીને ફોન કર્યો. તો તે કહેવા લાગી કે નદીમ પોલીસ સ્ટેશનમાં કેદ છે, મને મોહસિનની લાશ આપી દો તો નદીમને છોડાવી દઈશ. અમારું દુઃખ તો એટલું મોટું હતું કે આ બધું સમજાતું જ નહોતું.
મેં તેને હાથ જોડ્યા, મારા જેઠે પોતાની પાઘડી સુધી તેના પગમાં રાખી દીધી કે અમને મય્યત અહીં કરવા દો, નદીમને છોડાવી દો. તમારું પણ અહીં રહેવું બને છે પણ તે ન માની. અમને લાગ્યું કે એક દીકરો તો જતો રહ્યો છે, હવે બીજો દીકરો પણ આખી જિંદગી જેલમાં સડશે, તેથી દલીલ કરવાનો કોઈ ફાયદો નથી.

જ્યારે અમે મોહસિનની પત્નીને તેના મય્યત સોંપી, ત્યારે ત્યાં નદીમને છોડી દેવામાં આવ્યો, પણ અમારામાંથી કોઈ પણ દિલ્હી મોહસિનની માટીમાં (મય્યત) સામેલ ન થયા. તે મારા બાળકને લઈને જતી રહી.
મારો મોહસિન બાળપણથી જ તોફાની હતો. ખાવામાં તો કંઈ પણ રાંધીને આપી દો, ક્યારેય ના નહોતો કહેતો, પણ હા, ક્યારેય ચાલીને નહોતો જતો. તેને તેડીને જ લઈ જવો પડતો હતો. ક્યારેય કોઈ ફરમાઇશ નહોતો કરતો. તેણે ક્યારેય મારી પાસે કંઈ માગ્યું નહોતું, પણ હા, ક્યારેય ક્યાંય જવાનું હોય તો કહેતો કે હું નહીં જાઉં જ્યાં સુધી મને નવી પેન્ટ-શર્ટ નહિં લાવી આપો. આ હદ સુધી શોખીન હતો કે તેનું મૃત્યુ પણ નવા કપડાંમાં થયું. હેસિયત મુજબ બધા બાળકોને એક સરખા કપડાં લાવી આપતી હતી.
એટલું જ નહીં, સામાન્ય રીતે પણ કોઈ સગા-સંબંધીમાં જવાનું હોય તો નવા કપડાં પહેર્યા વગર નહોતો જતો. મજૂર લોકો છીએ અમે. મારા પતિ લૂમ પર કામ કરે છે. બાળકોને બહુ ભણાવી ન શક્યા અમે. બસ જે બની શકતું હતું તેમના માટે કરતા હતા.
મારા મોહસિને નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘરમાં જ પાવર લૂમ હતી. બાળકે બાળપણથી પોતાના પિતાને આ કામ કરતા જોયા હતા. તેથી બાળકો પણ આ જ કામ કરવા લાગ્યા.
મોહસિનના લગ્નને લગભગ 14 વર્ષ થઈ ચૂક્યા હતા. ત્રણ વર્ષ પહેલાં અમને દીકરીઓના લગ્ન માટે ઘર વેચવું પડ્યું. જેવું અમે ભાડાના ઘરમાં શિફ્ટ થયા, તેની પત્ની કહેવા લાગી કે હું તો દિલ્હી જઈશ. ખરેખર, તે દિલ્હીની રહેવાસી હતી. તેથી ત્રણ વર્ષ પહેલાં મોહસિનને સાથે લઈને દિલ્હી ચાલી ગઈ. જો તે મારા દીકરાને દિલ્હી ન લઈ ગઈ હોત તો આજે મારો દીકરો જીવતો હોત.
જ્યારે તે પહેલીવાર દિલ્હી ગયો હતો, તો મારી પાસેથી થોડા પૈસા પણ લઈને ગયો હતો. કહેવા લાગ્યો કે કપડાંનું કામ કરીશ. તેણે ચાંદની ચોકમાં ચાદરોનું કામ કર્યું પણ ચાલ્યું નહીં. ત્યારે તે કહેવા લાગ્યો કે બે નાના બાળકો છે મારા, ઓછામાં ઓછા તેમના કપડાં-લત્તા અને ખાવાની વ્યવસ્થા તો કરવી જ પડશે. તેથી ગયા વર્ષે અહીં આવીને ફરીથી લૂમ પર કામ કરવા લાગ્યો.
મોહસિનની પત્ની નહોતી ઇચ્છતી કે તે લૂમ પર કામ કરે. તેથી એક મહિના પછી જ મારો દીકરો ફરીથી દિલ્હી જતો રહ્યો. ત્યાં તેણે બેટરી રિક્ષા લીધી. દિલ્હી જઈને તો ધક્કા જ ખાધા છે તેણે. અહીંથી ગયા પછી તે મને ફોન નહોતો કરી શકતો. કામમાં એટલો મગ્ન થઈ જતો હતો. હું જ ફોન કરતી હતી તેને. હું કહેતી હતી કે ઓછામાં ઓછી તારી રાજીખુશી આપી દે બસ. કહેતો હતો કે બસ કામમાં ધ્યાન નહોતું રહેતું.
મારો દીકરો સૌથી અલગ હતો. તેને ગાવાનો પણ શોખ હતો. જ્યારે હું ક્યારેક તેનાથી નારાજ થઈ જતી હતી, તો મને ગીત ગાઈને મનાવી લેતો હતો.
દર મહિને મને મળવા આવતો હતો પણ આ વખતે બે મહિના પહેલાં પોતાના દીકરા સાથે આવ્યો હતો. મેં તેના માટે બિરયાની બનાવી હતી. તેણે ખૂબ શોખથી બિરયાની ખાધી હતી. તે રિક્ષા ચલાવતો હતો તેથી હું તેને ફોન નહોતી લગાવતી. જે દિવસે તેનું મૃત્યુ થયું, તે દિવસે હું તેને ફોન લગાવવાની હતી. મને શું ખબર હતી કે હવે તેની સાથે ક્યારેય વાત જ નહીં થઈ શકે.
બસ હું તો સબ્ર કરીને બેઠી છું. તેના માટે દુઆ કરું છું. રડી-કૂટીને સમય કાઢી લઉં છું. હરવખત દુઆમાં રહું છું. તેણે મને મારા બાળકને માટી પણ નથી દેવા દીધી, મારો છેલ્લો હક પણ છીનવી લીધો. બાળકોને પણ લઈ ગઈ. મારો દીકરો તો જતો રહ્યો, પણ મારા દીકરાના બાળકો સાથે પણ હવે વાત નથી કરવા દેતી. કયા હકથી તેમની સાથે વાત કરું. શું કરું. જિંદગીભર આ મલાલ રહેશે. મેં અંતિમ સમયે દીકરાને જોયો સુધ્ધાં નહીં.
આ બોમ્બ ધમાકાને કારણે જે અન્યાય મારી સાથે થયો છે, બીજા બહેનો અને માઓ સાથે થયો છે, તેમના ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. મને તો ન્યાય મળ્યો, પણ દુઆ છે કે બાકીનાને મળી જાય.
(સંજીદાએ પોતાના આ જઝબાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કર્યા છે.)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















