Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

સન્ડે જઝબાત: અકસ્માતોમાં ઇન્ટરનેશનલ ખેલાડી દીકરા-દીકરીને ગુમાવ્યા:હાર ન માની, 55ની ઉંમરે ફરી પિતા બન્યો; હવે દીકરી અંડર-12, અંડર-14માં વર્લ્ડ ચેમ્પિયન

8 મહિનો પેહલા
  • કૉપી લિંક

હું સત્યાનરાયણ ચેરુકુરી છું. 'ચેરુકુરી વોલ્ગા આર્ચરી એકેડમી' ચલાવું છું. 1959માં આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના નંદીવાડા ગામમાં મારો જન્મ થયો હતો. તે સમયે અમારો વિસ્તાર દર વર્ષે પૂરનો સામનો કરતો હતો. ખેતી પર નિર્ભર પરિવાર માટે સ્થિતિ સરળ નહોતી. દર વર્

.

આ જ કારણે, 1964માં મારી નાનીના કહેવા પર આખો પરિવાર વિજયવાડા આવી ગયો. અહીં પરિસ્થિતિ થોડી થાળે પડી. નાનીએ પિતાને એક બળદગાડું અપાવી દીધું, જેનાથી તેમણે સામાન વહન કરવાનું કામ શરૂ કર્યું. ઘર ચાલવા લાગ્યું.

મારા પિતા માત્ર ખેડૂત કે મજૂર નહોતા, તેમને ડાન્સનો પણ શોખ હતો. કદાચ ત્યાંથી જ મારામાં પણ કલા અને રમત બંનેના બીજ રોપાયા. ધીરે ધીરે હું તીરંદાજીની સાથે સાથે કુચિપુડી ડાન્સ તરફ પણ ખેંચાતો ગયો. આગળ જતાં આંધ્રમાં એક ઓળખ પણ બની.

અમે કુલ પાંચ ભાઈ-બહેન હતા, બે ભાઈ અને ત્રણ બહેનો. સમય જતાં બધા સાથ છોડતા ગયા... અને હવે હું જ એકલો બચ્યો છું.

પિતા ઇચ્છતા હતા કે હું કુચિપુડી ડાન્સર બનું. તેમના કહેવા પર મેં વિધિવત ડાન્સ શીખવાનું શરૂ પણ કર્યું. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારે જ લગ્ન થઈ ગયા... અને પછી ધીરે ધીરે ડાન્સ છૂટી ગયો. જિંદગીએ જાણે તે વળાંક પર એક અલગ દિશા પકડી લીધી.

ડાન્સ છૂટ્યા પછી મારો ઝુકાવ વિદ્યાર્થી રાજકારણ તરફ વધ્યો. તે સમયગાળામાં હું CPIના વિદ્યાર્થી સંગઠન AISF એટલે કે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન સાથે જોડાયો અને સંગઠનના કામમાં સતત સક્રિય રહેતો હતો. આ જ સિલસિલામાં મને લાંબા સમય સુધી રશિયામાં રહેવાની તક મળી.

રશિયામાં વિચાર બદલી નાખનારો સમય હતો. ત્યાં મેં લેનિનને વાંચ્યા અને ધીરે ધીરે તેમનાથી પ્રભાવિત થતો ગયો. ત્યાં અવારનવાર કહેવામાં આવતું કે 'લેનિન' નો અર્થ લખવાની પેન થાય છે. તે સમયે મનમાં એક વાત બેસી ગઈ, જો ક્યારેય દીકરો થશે, તો તેનું નામ લેનિન રાખીશ.

કેટલાક વર્ષો પછી જ્યારે હું ભારત પરત ફર્યો, ત્યારે જિંદગી તેના સામાન્ય પાટા પર આવી ગઈ. પહેલા મારે દીકરી જન્મી. તેનું નામ મેં વોલ્ગા રાખ્યું અને તેના દોઢ વર્ષ પછી દીકરો આવ્યો. તેનું નામ લેનિન રાખ્યું.

અહીં, પાર્ટીના કામના કારણે મારું જંગલો અને આદિવાસી વિસ્તારોમાં આવવા-જવાનું થતું રહેતું હતું. ઘણી વખત ત્યાં દિવસો સુધી રોકાવું પડતું. ત્યાં જ મેં પહેલીવાર તીરંદાજીને નજીકથી જોઈ. ધીરે ધીરે મેં પણ તીર ચલાવતા શીખ્યું.

જ્યારે ઘરે પાછો આવ્યો, ત્યારે લાગ્યું કે જે શીખ્યું છે તેને આગળ વધારવું જોઈએ. મેં લેનિનને પણ તીરંદાજી શીખવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે સમયે તેની રુચિ કુચિપુડી ડાન્સમાં વધુ હતી. તે તેમાં જ વ્યસ્ત રહેતો હતો. હા, વચ્ચે-વચ્ચે શોખ ખાતર તીર પકડી લેતો હતો.

પરંતુ એક વાત સ્પષ્ટ હતી, લેનિનના જન્મની સાથે જ મેં એક સપનું જોઈ લીધું હતું કે તેને તીરંદાજીમાં આગળ લઈ જવો છે. માત્ર રમવા સુધી જ નહીં, પણ એક દિવસ તેને ઇન્ટરનેશનલ ખેલાડી અને કોચ તરીકે જોવો છે.

આ જ વિચાર સાથે 1997માં મેં 6 બાળકો સાથે 'કૃષ્ણા ડિસ્ટ્રિક્ટ આર્ચરી એકેડમી' શરૂ કરી. લેનિન અને વોલ્ગા, બંને ત્યાં જ પ્રેક્ટિસ કરતા હતા. જોકે તે સમય સુધી લેનિને નક્કી નહોતું કર્યું કે તે તીરંદાજીને કરિયર બનાવશે. તે ડાન્સ સાથે પણ તેટલો જ જોડાયેલો હતો.

એકેડમીમાં તીરંદાજીની પ્રેક્ટિસ કરતા બાળકો.
એકેડમીમાં તીરંદાજીની પ્રેક્ટિસ કરતા બાળકો.

પછી 2000માં એક વળાંક આવ્યો. સ્કૂલ ગેમ્સમાં લેનિને તીરંદાજીમાં નેશનલ ચેમ્પિયનશિપ જીતી લીધી. અહીંથી જ મેં નક્કી કરી લીધું કે હવે તેને આમાં જ આગળ વધારવો છે. મેં તે સમયે દેશના જાણીતા કોચ લિંબા રામ અને મંગલ સિંહને એકેડમી સાથે જોડ્યા. તેમને કહ્યું, લેનિનને તૈયાર કરવાનો છે. ટ્રેનિંગ શરૂ થઈ. લેનિને પણ પોતાને પૂરેપૂરો તૈયાર કરી દીધો.

2003 સુધીમાં તે યુનિવર્સિટી ચેમ્પિયન બની ચૂક્યો હતો. નામ બનવા લાગ્યું હતું. પરંતુ ઘરની અંદર એક અલગ જ વાત ચાલતી હતી. મારી દીકરી વોલ્ગા ઇચ્છતી હતી કે તેનો ભાઈ ડોક્ટર બને. બંનેમાં દોઢ વર્ષનો જ ફરક હતો, પણ સંબંધ બહુ ઊંડો હતો. વોલ્ગાને જે પણ જોઈતું હોય, તે મને નહીં, સીધું લેનિનને કહેતી હતી.

તેને થમ્સ અપ પીવું બહુ ગમતું હતું. લેનિન તેને ના પાડતો, ખીજાતો પણ ખરો... પણ પછી પોતે જ જઈને લઈ આવતો હતો. પોપકોર્ન, ચિકન, બધું તે જ લાવતો હતો. હકીકતમાં, વોલ્ગા માટે લેનિન માત્ર ભાઈ નહોતો. તેનો સૌથી ભરોસાપાત્ર સાથી હતો.

અને વોલ્ગા પોતે પણ પાછળ નહોતી. 2004 સુધીમાં તે અંડર-14, 17 અને 19 કેટેગરીમાં રમી ચૂકી હતી. પાંચ વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકી હતી. તે પણ તીરંદાજીમાં નેશનલ ચેમ્પિયન હતી.

ઘરમાં એક તરફ મારું સપનું હતું. લેનિન તીરંદાજીમાં આગળ વધે. અને બીજી તરફ વોલ્ગાનું સપનું, ભાઈ ડોક્ટર બને.

બંને પોતપોતાની રીતે એકબીજા માટે જીવી રહ્યા હતા.

પેલી બાજુ, લેનિન મેડિકલ એન્ટ્રન્સની તૈયારી કરી રહ્યો હતો. તે વોલ્ગાનું સપનું પૂરું કરવા માગતો હતો… ડોક્ટર બનવાનું.

પરંતુ 29 નવેમ્બર 2004ના રોજ બધું જ અચાનક થંભી ગયું. બપોરના આશરે સાડા બાર વાગ્યાનો સમય હતો. હું અને લેનિન સ્ટેડિયમમાં હતા. બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. હું તેમને તીર પકડવાની રીત સમજાવી રહ્યો હતો. બધું જ સામાન્ય હતું.

ત્યારે જ ફોન આવ્યો. સામે છેડે મારી પત્નીના રડવાનો અવાજ હતો. તેમણે બસ એટલું જ કહ્યું- 'જલ્દી ઘરે આવો... વોલ્ગા...'

અવાજ સાફ નહોતો, પણ વાત સમજાઈ ગઈ- કંઈક ગંભીર થયું છે. મેં લેનિન સામે જોયું અને કહ્યું, 'ચાલ, ઘરે જઈએ.'

અમે તરત જ સ્ટેડિયમથી નીકળ્યા. આખા રસ્તે મનમાં એક જ સવાલ હતો- શું થયું હશે? ઘરની પાસે પહોંચ્યા તો ભીડ જોઈ. હૃદય બેસી ગયું. હું દોડતો અંદર ગયો. લેનિન પાછળ હતો. અંદર જોયું, વોલ્ગા જમીન પર પડી હતી. કોઈ કંઈ બોલતું નહોતું. થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું- તે રહી નથી.

કોલેજથી સ્કૂટી પર પાછી ફરી રહી હતી. ઘરથી થોડે જ દૂર બસે ટક્કર મારી દીધી. ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

સવારે જતી વખતે બસ એટલું જ કહ્યું હતું- 'પપ્પા, કોલેજ જાઉં છું... સાંજે ગ્રાઉન્ડ જઈશું.' તે રોજની જેમ જ ગઈ હતી. પરંતુ તે દિવસે... તે સાંજ ક્યારેય ન આવી.

એકેડમીના પોસ્ટરમાં વોલ્ગા, જેનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું.
એકેડમીના પોસ્ટરમાં વોલ્ગા, જેનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું.

વોલ્ગાના ગયા પછી કંઈ સમજાતું નહોતું. એકેડમી બંધ કરી દીધી. ઘરનું વાતાવરણ પૂરેપૂરું બદલાઈ ગયું. મારી પત્ની વોલ્ગાને યાદ કરીને સતત રડતી. હું તેમને સંભાળવાનો પ્રયત્ન કરતો, પણ પોતે પણ અંદરથી તૂટી ચૂક્યો હતો.

લેનિન સૌથી વધુ બદલાયેલો દેખાતો હતો. તે લગભગ ચૂપ થઈ ગયો હતો. ઓછું બોલતો હતો. બસ ક્યારેક પૂછતો- 'પપ્પા, આ શું થઈ ગયું... ભગવાન દીદીને કેમ લઈ ગયા?'

આ બધાની વચ્ચે પણ લેનિને તીરંદાજી છોડી નહીં. તે પ્રેક્ટિસ માટે જતો રહ્યો. કદાચ એ જ તેનો સહારો હતો. થોડા દિવસો પછી તેનું MBBSમાં એડમિશન થઈ ગયું. તેણે ભણવાનું શરૂ કરી દીધું. પણ ઘરનો સન્નાટો યથાવત રહ્યો.

આશરે બે વર્ષ સુધી અમે પતિ-પત્ની ઘરની બહાર ન નીકળ્યા. ન કોઈને મળવું, ન વાત કરવી. ઘરમાં પહેલા જે અવાજો હતા, હાસ્ય, નોક-ઝોક, બધું ખતમ થઈ ગયું હતું.

આ દરમિયાન લેનિને એક દિવસ સાફ કહ્યું, 'પપ્પા, હું MBBS નહીં કરું. હું તીરંદાજી કરીશ. આપણે ફરીથી એકેડમી શરૂ કરવી જોઈએ.'

તે દિવસે તે અમને એકેડમી લઈ ગયો. પહેલા દિવસે એકેડમી પહોંચ્યા તો બધું સૂનું લાગતું હતું. મેદાન ખાલી પડ્યું હતું. કેટલાક જૂના ટાર્ગેટ ધૂળમાં પડ્યા હતા. લેનિને પોતે જઈને તીર-કમાન ઉઠાવ્યા. કેટલાક બાળકોને બોલાવ્યા, જે પહેલા અહીં આવતા હતા. ધીરે ધીરે 4-5 બાળકો આવી ગયા.

તે તેમને લાઈનમાં ઉભા રાખતો, તીર પકડવાની રીત બતાવતો. પોતે ડેમો આપતો. 'આમ પકડો... ધ્યાન સીધું રાખો...' હું અને મારી પત્ની એક બાજુ ઉભા રહીને જોઈ રહ્યા હતા. ઘણા સમય પછી તે મેદાનમાં ફરી અવાજો સંભળાઈ રહ્યા હતા- તીર વાગવાનો અવાજ, બાળકોની હલચલ.

તે જ દિવસથી એકેડમી ફરી ચાલવા લાગી. ધીરે ધીરે બાળકો વધવા લાગ્યા... અને તે જગ્યા ફરીથી જીવંત થવા લાગી.

એકેડમી ફરી શરૂ થઈ, તો લેનિને એક બીજો નિર્ણય લીધો. તેણે કહ્યું- હવે તેનું નામ 'વોલ્ગા આર્ચરી એકેડમી' હશે. તેનો તર્ક સાફ હતો- 'વોલ્ગાને દુનિયા જાણશે. તેનું નામ અહીંથી જ જીવતું રહેશે.'

અને તે જ નામથી એકેડમી ફરી ચાલવા લાગી. ત્યારબાદ લેનિન પૂરેપૂરો તેમાં જોડાઈ ગયો. પોતે પણ ટ્રેનિંગ લેતો અને નાના બાળકોને શીખવતો. સવારથી સાંજ સુધી મેદાનમાં રહેતો. ધીરે ધીરે અસર દેખાવા લાગી.

બાળકો વધવા લાગ્યા. જૂના ખેલાડીઓ પરત ફર્યા. કેટલાક નવા જોડાયા. એકેડમી ફરીથી નેશનલ લેવલ સુધી ખેલાડીઓને મોકલવા લાગી. આ દરમિયાન તેણે એક મોટો નિર્ણય લીધો. MBBS છોડી દીધું.

તે જાણતો હતો કે તીરંદાજી મારા માટે માત્ર રમત નથી, જિંદગી છે. કદાચ એ પણ સમજી ગયો હતો કે હું હવે એકલો આ સંભાળી નહીં શકું. તેણે કુચિપુડી ડાન્સ પણ છોડી દીધો. ધીરે ધીરે તેણે પોતાના બધા રસ્તાઓ સમેટીને એક જ દિશા પસંદ કરી લીધી… તીરંદાજી.

હકીકતમાં, તે માત્ર પોતાનું કરિયર નહોતો બનાવી રહ્યો. તે મારું સપનું અને વોલ્ગાની યાદ, બંનેને સાથે લઈને ચાલી રહ્યો હતો. 2005 સુધીમાં પરિસ્થિતિ પૂરેપૂરી બદલાઈ ચૂકી હતી. દેશના અલગ-અલગ ભાગોમાંથી બાળકો અહીં આવવા લાગ્યા.

બીજી બાજુ, લેનિન પોતે પણ આગળ વધી રહ્યો હતો. કેરળમાં તેણે નેશનલ ચેમ્પિયનશિપ જીતી. આંધ્રપ્રદેશ માટે ગોલ્ડ મેડલ લાવ્યો. અને પછી તેની પસંદગી ઈન્ડિયન ટીમમાં થઈ ગઈ. હવે તે માત્ર કોચનો દીકરો નહોતો, પોતે એક ઉભરતો ઇન્ટરનેશનલ ખેલાડી હતો.

દીકરીના ગયા પછી ઘરમાં સન્નાટો હતો, પણ હવે પૂરું ધ્યાન લેનિન પર હતું. તે જ આશા હતો. તે જ સહારો. ધીરે ધીરે અમે ત્રણેય- હું, મારી પત્ની અને લેનિન વોલ્ગાની યાદ સાથે તે જ સપનાને જીવવા લાગ્યા.

લેનિને પણ પોતાને પૂરેપૂરો તીરંદાજીમાં નાખી દીધો. નાની ઉંમરે જ તેની ઓળખ બનવા લાગી. માત્ર 18 વર્ષની ઉંમરે તે લેવલ-3 કોચ બની ગયો. તીરંદાજીની ટેકનિક કમ્પાઉન્ડમાં તેનું પ્રદર્શન સતત સારું થતું ગયું. નેશનલ જીત્યો, પછી ઇન્ટરનેશનલ સર્કિટમાં નામ બનાવ્યું.

તે સિંગાપોર ગયો, ત્યાં ટ્રેનિંગ લીધી. ત્યાંના જ એક કોચે મને કહ્યું હતું- 'લેનિન બહુ આગળ જશે.' તે સમયે આ વાત હિંમત આપતી હતી... અને બાદમાં સાચી પણ સાબિત થઈ.

2010 સુધી આવતા-આવતા લેનિન એક જાણીતો ખેલાડી હતો. તે જ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં અમારી એકેડમીના ખેલાડીઓએ સિલ્વર મેડલ જીત્યો. રાજ્ય સરકારે 23 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં તેને સન્માનિત કરવા માટે બોલાવ્યો.

કાર્યક્રમ પૂરો થયો. વરસાદ જોરદાર હતો. અમે કારથી વિજયવાડા પાછા ફરી રહ્યા હતા. અહીં હજારો લોકો તેના સ્વાગતની રાહ જોઈ રહ્યા હતા. સાંજે આશરે 4:40 વાગ્યા હતા. વિજયવાડાથી થોડા અંતર પહેલા અચાનક સામે એક રિક્ષાએ યુ-ટર્ન લીધો. લેનિન ગાડી ચલાવી રહ્યો હતો. તેણે બચાવવાનો પ્રયત્ન કર્યો, બ્રેક મારી... ગાડી ઉછળી... અને થોડી જ સેકન્ડમાં બધું પૂરું થઈ ગયું.

લેનિન દૂર જઈને પડ્યો. ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. હું પણ ઘાયલ હતો. માથામાં ઈજા હતી, હાથ તૂટી ગયો હતો... પણ તેનાથી મોટો આઘાત એ હતો કે જે દિવસે તેને સન્માન મળ્યું, તે જ દિવસે તે ચાલ્યો ગયો.

24 વર્ષનો મારો દીકરો, જે દેશ માટે રમી રહ્યો હતો... હવે આ દુનિયામાં નથી રહ્યો. તેણે પોતાની નાની કરિયરમાં ઘણું બધું કર્યું હતું. નેશનલ ચેમ્પિયન રહ્યો, ઈન્ડિયન ટીમનો હિસ્સો રહ્યો. રેલવેમાં નોકરી મળી અને સૌથી મહત્વનું… એકેડમીને ઊભી કરી.

એક પોસ્ટરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલો પુત્ર લેનિન.
એક પોસ્ટરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલો પુત્ર લેનિન.

હવે જ્યારે હું એકેડમીમાં જોઉં છું, ત્યારે દરેક ખૂણો તેની યાદ અપાવે છે. તેના ગયા પછી એક ક્ષણ માટે લાગ્યું, બધું ખતમ થઈ ગયું. પણ પછી એક સવાલ સામે હતો, જે બાળકો અહીં શીખી રહ્યા છે, તેમનું શું થશે?

મેં તે જ દિવસે નક્કી કર્યું કે એકેડમી બંધ નહીં થાય. જે દિવસે લેનિનનું મોત થયું... તે જ દિવસે હું એકેડમી ગયો. કામ કર્યું. સાંજે બાળકો મારી પાસે આવ્યા. બોલ્યા- 'સર, અમે બધા લેનિન છીએ... તમે એકલા નથી.' તેમની વાત સાંભળીને લાગ્યું કે કદાચ આ જ રસ્તો છે. તે દિવસ પછી એકેડમી એક પણ દિવસ માટે બંધ નથી થઈ.

પરંતુ લેનિનના ગયા પછી ફરી હિંમત મારી પત્નીએ આપી. તેણે કહ્યું કે હવે ઘરમાં નથી રહેવું. પહેલા અમે એકેડમીથી થોડા દૂર રહેતા હતા. લેનિનના ગયા પછી હું અને મારી પત્ની એકેડમીમાં જ શિફ્ટ થઈ ગયા. અમે અહીં રહેવા લાગ્યા.

પત્નીએ કહ્યું કે એકેડમીના બાળકો હવે આપણા બાળકો છે. વોલ્ગા અને લેનિન બંનેના નામની મિલકત મેં એકેડમીમાં લગાવી દીધી.

લેનિનને ગયા આશરે દોઢ વર્ષ જેવું થયું હતું. ઘર અને એકેડમી.. બંને જાણે ચૂપ હતા. તે દરમિયાન એક દિવસ મારી પત્નીએ કહ્યું- તેને બાળક જોઈએ છે. મારી ઉંમર 55 વર્ષ હતી. એક ક્ષણ માટે લાગ્યું કે શું આ સાચો સમય છે? પણ પછી લાગ્યું, કદાચ આ જ આગળ વધવાનો રસ્તો છે. મેં હા પાડી દીધી.

2012માં અમારા ઘરે શિવાની જન્મી. શરૂઆતથી જ તેનામાં કંઈક અલગ હતું. હું તેને જોતો... તો વારંવાર લેનિન યાદ આવતો. ધીરે ધીરે આ અહેસાસ વધુ ઊંડો થતો ગયો. તેના હાવભાવ, ચાલવાની રીત, રમવાનો અંદાજ... બધું જ ક્યાંક ને ક્યાંક લેનિન જેવું લાગતું.

બે વર્ષની થઈ, તો મેં તેના હાથમાં ધનુષ આપી દીધું. આ કોઈ નક્કી કરેલો નિર્ણય નહોતો, બસ એક સહજ ક્ષણ હતી. તેણે તેને પકડી લીધું... અને પછી છોડવા માગતી નહોતી.

તે આ જ એકેડમીમાં ઉછરી છે. મેદાન, ટાર્ગેટ, તીર- આ જ તેના રમકડાં હતાં.

સમયની સાથે તેણે પોતાની ઓળખ બનાવવાની શરૂ કરી દીધી છે. આજે તે અંડર-9 તીરંદાજીમાં દેશની ચેમ્પિયન છે અને અંડર-12 તથા અંડર-14માં વિશ્વ ચેમ્પિયન તીરંદાજ. અમેરિકા અને જર્મનીથી લોકો તેના પર ડોક્યુમેન્ટ્રી બનાવવા પણ આવ્યા.

એકેડમીમાં પ્રેક્ટિસ દરમિયાન દીકરી શિવાની.
એકેડમીમાં પ્રેક્ટિસ દરમિયાન દીકરી શિવાની.

હવે તે આગળની તૈયારી કરી રહી છે. ટાર્ગેટ છે ઓલિમ્પિક મેડલ લાવવો.

હું અવારનવાર કહું છું કે મને શિવાની નહીં, તેનામાં લેનિન દેખાય છે. મારા બે બાળકો ચાલ્યા ગયા... પણ મારા માટે લેનિન ક્યાંય ગયો નથી. તે દરેક દિવસે અહીં જ છે. શિવાનીની આદતોમાં, તેની મહેનતમાં, તેની રમતમાં.

કદાચ એટલે જ હું હવે પાછળ વળીને બહુ જોતો નથી. બસ એક જ વાત મગજમાં રહે છે કે લેનિનનું નામ આગળ વધારવું છે.

પરંતુ અત્યારે મારી સાથે આઘાતજનક બાબત બની છે. મારી એકેડમીના તૈયાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને કેટલાક કોચે પૈસા આપીને ખરીદી લીધા છે. તે ચેમ્પિયન ખેલાડીઓએ પૈસા લઈને તેમને પોતાના કોચ ગણાવ્યા છે, જ્યારે કે તેમના કોચ મારો દીકરો લેનિન હતો.

મેં આને કોર્ટમાં પડકાર્યો છે. મારું મન બહુ દુખી થયું જ્યારે ગુરુ-શિષ્યની પરંપરાને તોડીને કેટલાક લોકો પૈસા માટે વેચાઈ ગયા. દુખ થાય છે જ્યારે તેઓ ઇન્ટરવ્યૂમાં લેનિનને બદલે કોઈ બીજાનું નામ બોલે છે.

સત્યાનરાયણ ચેરુકુરી.
સત્યાનરાયણ ચેરુકુરી.

(સત્યાનરાયણ ચેરુકુરીએ પોતાના આ જઝબાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કર્યા છે.)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links