- Gujarati News
- Bhaskar khaas
- Sunday jazbaat
- Rudraprayag Survivor Adopted By Stranger; Family Lost To TB
સન્ડે જઝબાતઃ 17 વર્ષનો છું, ટીબીએ પરિવાર છીનવી લીધો:સંબંધીઓ ડરથી દૂર ભાગી ગયા, એક અજાણી વ્યક્તિએ દત્તક લઈને મને જીવન આપ્યું
- કૉપી લિંક

મારું નામ દીપક રાવત છે. 17 વર્ષનો છું. હું ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ખનૌલી ગામનો રહેવાસી છું. મેં થોડા દિવસ પહેલા જ મારા મોટા ભાઈની ચિતાને અગ્નિ આપી. તે આગમાં ફક્ત તેનું શરીર નહોતું બળ્યું- મારો છેલ્લો સહારો પણ રાખ થઈ ગયો.
હું ત્યાં ઉભા-ઉભા નહોતો રડી શકતો, નહોતો ચીસો પાડી શકતો. મારા અંદર જાણે કંઈ બચ્યું જ નહોતું.
આ પહેલા મેં મારી માતાને ગુમાવી હતી. તે પહેલા પિતાને. પછી કાકા અને હવે ભાઈને. એક પછી એક ટીબીએ (TB) મારા આખા પરિવારને ગળી લીધો. મારા સગા-સંબંધીઓ મને અડકતા ડરવા લાગ્યા. તેમને ડર હતો કે તેમને પણ ટીબી થઈ જશે. આ ધરતી પર હવે મારું કોઈ સગું બચ્યું નથી.
જોકે, ભગવાને એક પછી એક બધું જ છીનવી લીધું, પરંતુ અંતમાં એક સંબંધ આપી દીધો... એક અજાણ્યા વિભોર જોશીના રૂપમાં, જેમને હવે મામા કહું છું. તેમણે મને દત્તક લીધો છે. તેમની સાથે ક્યારેય લાગતું જ નથી કે તેઓ પારકા છે.
ખરેખર, અમે પથ્થરના બનેલા એક નાના ઘરમાં રહેતા હતા- હું, મારા પપ્પા, મમ્મી, મોટો ભાઈ અને કાકા. પપ્પા ખેતી કરતા હતા. તે ખેતીથી જ અમારા પરિવારની જિંદગી ચાલતી હતી. પરંતુ તે જિંદગીમાં શાંતિ ઓછી, ડર વધારે હતો.

મને પપ્પાનો ચહેરો યાદ નથી. જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે હું ઘણો નાનો હતો. મારી મમ્મી કહેતી હતી કે પપ્પા ખેતરમાંથી દારૂ પીને ઘરે આવતા હતા. નશામાં તેઓ તેમને (મમ્મીને) અવારનવાર મારતા હતા. મમ્મી વિરોધ કરતી, તો તેઓ તેમને મારીને ઘરની બહાર કાઢી મૂકતા. પછી તે રાત બીજાના ઘરે વિતાવતી હતી. મારી પાસે મારા પપ્પાની બસ આટલી જ યાદ છે.
આ પછી ટીબીએ અમારા ઘરમાં દસ્તક દીધી. એક-એક કરીને બધાને ગળતી ગઈ.
પહેલા પપ્પાને, પછી મમ્મીને, ત્યારબાદ કાકા અને છેલ્લે મારા મોટા ભાઈને.
મમ્મી કહેતી હતી કે પપ્પાને ટીબી થઈ ગયો હતો. શરૂઆતમાં ફક્ત ખાંસી હતી. પછી ખાંસી સાથે લોહી આવવા લાગ્યું. ગામમાં કોઈ હોસ્પિટલ નહોતી, કોઈ ડોક્ટર નહોતા. એક દિવસ અચાનક પપ્પાની હાલત ખૂબ બગડી ગઈ. લોહીની ઉલટીઓ થવા લાગી. મમ્મી ગભરાઈ ગઈ. હોસ્પિટલ લઈને ભાગી, પણ હોસ્પિટલ પહોંચતા-પહોંચતા બહુ મોડું થઈ ગયું હતું. ત્યાં જ પપ્પાનું મોત થઈ ગયું. આજથી લગભગ 15 વર્ષ પહેલાં.
તે સમયે હું માંડ બે વર્ષનો હતો. મને મારા પપ્પાનો ચહેરો પણ યાદ નથી. મારા માટે હવે મમ્મી જ પૂરી દુનિયા હતી. પપ્પાના ગયા પછી ઘરની જવાબદારી કાકાએ સંભાળી. ખેતીવાડી તે જ જોવા લાગ્યા. મમ્મી પહેલાની જેમ ઘર ચલાવતી રહી.
પરંતુ તે ઘરમાં ટીબીની બીમારી ફરીથી પાછી ફરવાની હતી.
2017ની વાત છે. મમ્મીને ખાંસી રહેવા લાગી. શરૂઆતમાં કોઈએ ધ્યાન ન આપ્યું. પહાડમાં ખાંસી સામાન્ય વાત છે, પણ ત્રણ-ચાર મહિના વીતી ગયા અને ખાંસી રોકાવાનું નામ લેતી નહોતી. મમ્મી દિવસેને દિવસે નબળી પડતી જતી હતી.
એક દિવસ તે અમને બંને ભાઈઓને કહ્યા વગર એકલા જ શહેરના ડોક્ટરને બતાવવા જતી રહી. ત્યાં ડોક્ટરે જણાવ્યું- ટીબી છે. મમ્મી ઘરે પાછી ફરી, પણ તેણે અમને કંઈ જ જણાવ્યું નહીં.
તે બીમારી છુપાવીને જીવતી રહી. અમારા માટે જમવાનું બનાવતી, કપડાં ધોતી, ઘર સંભાળતી. હોસ્પિટલ દૂર હતી. દવાઓ ક્યારેક સમયસર મળતી, ક્યારેક નહીં. મમ્મી ક્યારેક દવા ખાતી, ક્યારેક છોડી દેતી.
પછી એક દિવસ બધું વિખેરાઈ ગયું.

મમ્મીની હાલત અચાનક બહુ ખરાબ થઈ ગઈ. અમે તેમને હોસ્પિટલ લઈને ભાગ્યા. ડોક્ટરોએ દાખલ કરી દીધા. મમ્મીની સારવાર ચાલતી રહી અને અમે કડકડતી ઠંડીમાં બંને ભાઈ હોસ્પિટલની કેન્ટીન બહાર ભૂખ્યા બેસી રહેતા.
એક દિવસ એક વિભોર જોશી નામના અજાણ્યા વ્યક્તિ અમને મળવા આવ્યા. હવે તેમને મામા કહીએ છીએ.
ખરેખર, કેન્ટીનનો માલિક તેમનો મિત્ર હતો. તેણે જ મામાને જણાવ્યું કે અહીં આ બે બાળકો આવ્યા છે અને તેમની મમ્મી બીમાર છે. આ બાળકો પાસે પૈસા નથી. આ ખાધા-પીધા વગર કેન્ટીન બહાર પડ્યા રહે છે.
તે દિવસે મામા પહેલીવાર મારી મમ્મીને મળ્યા. મમ્મી પલંગ પર પડી હતી. ચહેરો પીળો પડી ગયો હતો. શ્વાસ ભારે હતો. મામાએ જોયું અને તેમનું હૃદય પીગળી ગયું.
બહાર નીકળીને તેમણે કેન્ટીનવાળાને કહ્યું- આ બંને બાળકોને રોજ જમવાનું આપજો અને મમ્મી માટે રોજ બે બાફેલા ઈંડા. પૈસાની ચિંતા કરશો નહીં.
તે દિવસથી અમારી જમાવાની વ્યવસ્થા થઈ ગઈ. મહિનાઓ વીતી ગયા હતા. અમારી સ્કૂલ છૂટી ગઈ હતી. હોસ્પિટલ જ અમારું ઘર બની ગઈ હતી. એક દિવસ મમ્મીએ મારી પાસે ચા માંગી. હું દોડીને ચા લઈ આવ્યો.
ચાનો ઘૂંટ લેતા જ તેમને લોહીની ઉલટીઓ થવા લાગી. તે પલંગ પર તડપવા લાગી.
તેમણે અમને પાસે બોલાવ્યા. અવાજ ખૂબ ધીમો હતો. કહ્યું- વિભોર મામાને બોલાવી લો.

મામા આવ્યા. મમ્મીએ તેમની તરફ જોયું અને કહ્યું- મારો એક ભાઈ છે, પણ તે હવે મારાથી મતલબ રાખતો નથી. આજથી તમે જ મારા ભાઈ છો. જો મને કંઈ થઈ જાય, તો મારા બાળકોને એકલા ન છોડતા. મને કંઈ સમજાતું નહોતું. હું ડોક્ટરને બોલાવવા ભાગ્યો. ડોક્ટરે કહ્યું- આવું છું, પણ તે મોડા આવ્યા. બહુ મોડા. જ્યારે ડોક્ટર રૂમમાં પહોંચ્યા, તો અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા.
ડોક્ટરે કેટલીક દવાઓ અને ઈન્જેક્શન આપ્યા, પણ કોઈ ફાયદો થયો નહીં. તેના ત્રીજા દિવસે જ મમ્મીનું મોત થઈ ગયું.
અમને સમજાતું જ નહોતું કે હવે શું કરીએ.
હોસ્પિટલમાં મમ્મીનું શરીર પડ્યું હતું અને બહાર અમે બે બાળકો ઉભા હતા- બિલકુલ ખાલી હાથે. તે જ સમયે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી આવેલા ગુરુદ્વારાના કેટલાક લોકો સામે આવ્યા. તેમણે કંઈ પણ પૂછ્યા વગર મમ્મીના અંતિમ સંસ્કારનો પૂરો ખર્ચ ઉઠાવ્યો.
મામાએ તે દિવસે મારા મોટા ભાઈના હાથે મમ્મીને મુખાગ્નિ અપાવી.
મમ્મીની ચિતા બળી રહી હતી. આગની જ્વાળાઓ ઉઠી રહી હતી. ત્યારે હું માત્ર 9 વર્ષનો હતો. તે જ ચિતા પાસે હું લખોટીઓ રમી રહ્યો હતો. મને એ પણ ખબર નહોતી કે મારી મમ્મી હવે ક્યારેય પાછી નહીં આવે.
મને ભૂખ લાગી હતી. મેં મામાનો હાથ ખેંચ્યો અને કહ્યું- મારે જમવું છે. મામા મને જમવાનું ખવડાવવા લઈ ગયા.
અંતિમ સંસ્કાર પછી મામા અમને પોતાના ઘરે લઈ ગયા.

તે દિવસે મામાના ઘરે આખી રાત ઊંઘ ન આવી. રાત્રે વારંવાર પથારીમાંથી ઉઠીને બેસી જતો અને મમ્મીને યાદ કરીને રડવા લાગતો. મામાએ પોતાના જ ઘરે મમ્મીની તેરમી કરી. લોકોને જમવાનું ખવડાવવામાં આવ્યું- પૂરા રીતિ-રિવાજ સાથે.
મામાના ઘરે પહેલીવાર મને પોતાપણું અનુભવાયું. મામાની પત્ની એટલે કે મામી બેંકમાં નોકરી કરે છે, પરંતુ ઘરમાં તેઓ માં જેવા હતા. તેઓ પણ અમારો ખ્યાલ રાખતા. નાની ગરમ-ગરમ જમવાનું ખવડાવતી અને કહેતી હતી- હવેથી હું તારી નાની છું, ડરવાની કોઈ વાત નથી.
ધીરે ધીરે મને સમજાયું- ભગવાને મારી પાસેથી એક ઘર છીનવી લીધું હતું, પણ બીજું એક ઘર આપી દીધું હતું. મામાના ઘરે હું થોડા દિવસ રહ્યો. તે ઘર, જ્યાં કોઈએ પહેલીવાર અમને બોજ નહીં, માણસ સમજ્યા.
થોડા દિવસ પછી મામા અમને બંને ભાઈઓને લઈને મારા ગામે પહોંચ્યા. કદાચ એ જોવા કે અમે હવે ત્યાં રહી શકીએ છીએ કે નહીં, પણ ગામવાળાઓએ જવાબ આપવામાં મોડું ન કર્યું. તે દિવસે જ ખબર પડી કે મારા કાકાને પણ ટીબી છે. આ સમાચાર ફેલાતા જ ગામવાળાઓનો વ્યવહાર બદલાઈ ગયો. ગામના કેટલાક લોકો મામા માટે ચા બનાવીને લાવ્યા, પણ અમને ચા આપવામાં ન આવી.
અમે બંને એક ખૂણામાં ઉભા રહ્યા. લોકોને ડર હતો- ‘જો અમે તેમના વાસણમાં ચા પીશું, તો તેમને પણ ટીબી થઈ જશે.’
તે વખતે મામાએ કંઈ ન કહ્યું. તેમણે બસ અમને જોયા. અને કદાચ તે જ પળે નક્કી કરી લીધું કે આ ગામ હવે આ બાળકોનું નથી. મામા તે જ દિવસે પાછા અમને પોતાના ઘરે લઈ આવ્યા.
તેમને અમારી ફક્ત ભૂખ કે બીમારીની નહીં, અમારા ભણતરની પણ ચિંતા હતી. થોડા દિવસ અમને પોતાની પાસે રાખ્યા, અમને સંભાળ્યા, પછી તેમણે એક નિર્ણય લીધો- જેથી અમે રોજિંદી જિંદગીમાં પાછા ફરી શકીએ, મામાએ અમને બંનેને એક હોસ્ટેલમાં રાખી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું.
એવી જગ્યા, જ્યાં અમારી સાથે ઘણા બાળકો હતા. અમે હોસ્ટેલમાં રહીને ભણવા લાગ્યા. જિંદગી જાણે એક નવા પાટા પર દોડવા લાગી હતી. આ બધા વચ્ચે વિભોર મામા ક્યારેય અમને ભૂલતા નહીં. ફોન કરીને હાલચાલ પૂછે છે, મળવા આવી જાય છે.
પછી એક દિવસ હોસ્ટેલમાં મારા ગામથી સમાચાર આવ્યા. જણાવવામાં આવ્યું કે મારા કાકાનું પણ ટીબીથી મોત થઈ ગયું છે. તે સમાચારે મને અંદરથી હચમચાવી દીધો, પણ ત્યાં સુધી હું એ પણ જાણતો નહોતો કે ટીબીની બીમારી શું હોય છે.

હોસ્ટેલમાં મને ખબર નહોતી કે મારી જન્મ તારીખ શું છે. મામાને ખબર પડી તો તેમણે સરકારી ઓફિસોના ચક્કર લગાવ્યા, કાગળો શોધ્યા, રજિસ્ટર તપાસ્યા. કેટલાય દિવસોની દોડધામ પછી એક દિવસ મામા આવ્યા અને હસતા હસતા કહ્યું- ‘આજથી તારો પણ જન્મદિવસ હશે.’
તે દિવસે પહેલીવાર મને ખબર પડી કે મારી જિંદગીની પણ એક તારીખ છે.
પિતા, માતા અને પછી કાકાના ગયા પછી હોસ્ટેલમાં હવે મારો સહારો મારો ભાઈ જ હતો. તે મારા કપડાં ધોતો, મારા માટે જમવાનું બનાવતો અને મારા ભણતરનો ખ્યાલ રાખતો. મમ્મી મારા માટે જે કરતી હતી, તે બધું હવે મારો ભાઈ કરી રહ્યો હતો- થાક્યા વગર, ફરિયાદ વગર.
તે મને બહુ પ્રેમ કરતો હતો, પણ કડકાઈ પણ રાખતો હતો. હું જ્યારે કોઈ ખોટું કામ કરતો, તો તે મને ટોકતો.
મને યાદ છે, હું અવારનવાર ગુસ્સામાં નોટબુકના કાગળો ફાડી નાખતો હતો. તે આ જોઈને ભડકી ઉઠતો. ખીજાતા કહેતો-
‘તે જ નોટબુકમાં તો તું લખીશ-ભણીશ. જો નોટબુક જ નહીં રહે, તો ભણીશ કેવી રીતે?’
ક્યારેક ક્યારેક તે મને મારતો પણ હતો. ત્યારે મને લાગતું હતું કે તે મારાથી નારાજ છે. આજે સમજાય છે- તે મને બચાવી રહ્યો હતો.
મને બીજા પર પથ્થર ફેંકવાની આદત હતી. આના પર પણ તે મને ખીજાતો, રોકતો, ક્યારેક હાથ ઉપાડી લેતો.
તે ઈચ્છતો હતો કે હું એવો ન બનું, જે સંજોગો મને બનાવી રહ્યા હતા.
મારી બદનસીબી એ હતી કે જે બીમારીએ મારા મમ્મી-પપ્પા અને કાકાને છીનવ્યા, તે જ બીમારી મારા ભાઈના શરીરમાં પણ પલી રહી હતી- અને મને આની ગંધ સુદ્ધાં નહોતી.
એક દિવસ હોસ્ટેલ તરફથી અમને ફરવા માટે લઈ જવામાં આવ્યા. મારો ભાઈ પણ મારી સાથે હતો. અમે બંનેએ સાથે મળીને કચોરીઓ ખાધી.
રાત્રે હોસ્ટેલ પાછા ફરીને અમે દાળ-ભાત ખાધા અને સુવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક મારો ભાઈ બેચેન થવા લાગ્યો. બીજી જ પળે તેને જોરદાર ઉલટીઓ થવા લાગી.
અવાજ સાંભળીને એક ટીચર દોડીને આવ્યા. તે તરત જ તેને લઈને હોસ્પિટલ ભાગ્યા. જતી વખતે તેમણે મારા માથા પર હાથ મૂકતા કહ્યું-
‘ડરીશ નહીં, ભાઈ સાજો થઈને જલ્દી આવી જશે. તું અહીં હોસ્ટેલમાં જ રહે.’
ભાઈ હોસ્પિટલમાં દાખલ હતો. તે રાત્રે હોસ્ટેલનો રૂમ મને પહેલા કરતા ક્યાંય વધારે સુનો લાગી રહ્યો હતો. હું પહેલીવાર ભાઈ વગર સુવા જઈ રહ્યો હતો. ડર લાગતો હતો. ટીચરે મારી હાલત જોઈ અને તે દિવસે મને પોતાની સાથે સુવડાવી દીધો. તે રાત્રે હું ઊંઘ્યો તો હતો, પણ પહેલીવાર મારા ભાઈ વગર.
બીજી સવારે ડોક્ટરોએ કહ્યું- બધું બરાબર છે. તે દિવસે ભાઈ હોસ્પિટલથી પાછો આવ્યો. મને લાગ્યું- બધું ટળી ગયું. થોડા દિવસ વીત્યા. એક રાત્રે અમે જમવા જઈ રહ્યા હતા. થાળી ઉઠાવવાના જ હતા કે ભાઈ અચાનક નમી ગયો. પછી ઉલટીઓ થવા લાગી. એ જ ડર, એ જ ગભરાટ.
આ વખતે તેને શ્રીકોટની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. મને વિશ્વાસ હતો- ગઈ વખતની જેમ તે ફરી પાછો આવશે, પણ બીજી સવારે હોસ્ટેલના રૂમાં એક અજીબ હલચલ હતી. મારા ભાઈના કપડાં ઉપાડવામાં આવી રહ્યા હતા. કબાટ ખાલી કરવામાં આવી રહ્યો હતો.
મેં ગભરાઈને ટીચરને પૂછ્યું- ‘એવું કેમ કરી રહ્યા છો?’
તેમણે મને છાતીએ લગાવી લીધો. પછી કહ્યું- ‘તમારા ભાઈનું મોત થઈ ગયું છે.’
હું સ્તબ્ધ થઈ ગયો. મમ્મીના ગયા પછી તે જ મારું બધું હતું. હવે તે પણ ચાલ્યો ગયો હતો. તે પળે મને લાગ્યું- હવે આ દુનિયામાં મારું કોઈ નથી.
હું રડતા રડતા હોસ્પિટલ પહોંચ્યો. મારો ભાઈ સામે એક સફેદ ચાદરમાં બંધાયેલો હતો. એ જ ભાઈ, જે મને જગાડતો હતો, મારું હોમવર્ક જોતો હતો, રાત્રે મારી સાથે સુતો હતો. હવે તે કંઈ બોલી રહ્યો નહોતો. તે પળે મને સમજાઈ ગયું- હવે મારી આગળ-પાછળ કોઈ બચ્યું નથી.
મામા સાથે ભાઈના અંતિમ સંસ્કાર કરી હું પાછો હોસ્ટેલ ફરી આવ્યો, પણ તે રાત્રે ઊંઘ મારાથી બહુ દૂર હતી. સાચું તો એ છે કે કેટલાય રાતોથી હું ઊંઘ્યો જ નહોતો.
મને મમ્મીની એક વાત વારંવાર યાદ આવી રહી હતી. મરતા પહેલા એક દિવસ મમ્મીએ ભાઈના હાથમાં મારો હાથ આપ્યો હતો અને કહ્યું હતું- નાનાનું ધ્યાન રાખજે. તેને ક્યારેય એકલો ન છોડતો. ભાઈ તે વાદો નિભાવી રહ્યો હતો, પણ હવે તે પણ ચાલ્યો ગયો હતો.
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મારા ભાઈની ચિતાને અગ્નિ આપીશ. જ્યારે મામાને ખબર પડી કે હું હોસ્ટેલમાં આખી રાત જાગતો રહું છું, તો તેઓ એક દિવસ ચુપચાપ આવ્યા. મારો હાથ પકડ્યો અને કહ્યું- હવે તું એકલો નહીં રહે. અને મને પોતાના ઘરે લઈ આવ્યા.
તે દિવસ પછીથી મામાએ મને ક્યારેય એકલો છોડ્યો નથી. તેઓ મને દરેક જગ્યાએ પોતાની સાથે રાખે છે. પોતાની સાથે બેસાડીને જમવાનું ખવડાવે છે. મારા સુવાથી લઈને જાગવા સુધીની દરેક ચિંતા કરે છે. તેઓ મને જીવતા શીખવી રહ્યા છે.
તેમની સાથે મારો કોઈ લોહીનો સંબંધ નથી. છતાં હવે તે જ મારી માતા, મારા પિતા અને મારા ભાઈ છે.
ભગવાને મારી પાસેથી ઘણું બધું છીનવી લીધું, પણ એક સંબંધ એવો આપ્યો, જેણે ક્યારેય એવું અનુભવવા ન દીધું કે હું એકલો છું.
(દીપક રાવતે પોતાના આ જઝબાત ભાસ્કર રિપોર્ટર નીરજ ઝા સાથે શેર કર્યા છે)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















