- Gujarati News
- Bhaskar khaas
- Sunday jazbaat
- Dalit Priest: Upper Caste Dont Perform Puja, Built Separate Temples | Brahmin Control Major Temples
સન્ડે જઝબાત: મંત્રો નથી આવડતા છતાં સરકારે પૂજારી બનાવ્યો:ઊંચી જ્ઞાતિના લોકો પૂજા નથી કરાવતા, તેમણે અલગ મંદિર બનાવ્યું; મોટા મંદિરો હજુ પણ બ્રાહ્મણો ચલાવે છે
- કૉપી લિંક

સવારના લગભગ 6 વાગ્યા હશે. નીલગિરિની પહાડીઓ પર હળવી ધુમ્મસ હતી. હું ખેતરેથી પાછો જ ફર્યો હતો - હાથમાં હજુ ખેતરની માટી લાગેલી હતી - કે મંદિરના ઘંટનો અવાજ આવ્યો. કોઈ પરિવાર રાહ જોઈ રહ્યો હતો.
પરિવાર બોલ્યો, ‘રવિ અન્ના, જરા પૂજા કરી દો... દીકરાનો ઇન્ટરવ્યુ છે આજે’.
મેં તરત જ સ્નાન કર્યું. ધોતી પહેરી મંદિરની અંદર ગયો. વાર્સિતી અમ્મન, મીનાક્ષી અમ્મન અને મધુરાઈ વીરનની સામે દીવો પ્રગટાવ્યો. મંત્રો મને નથી આવડતા - આ વાત ગામનો દરેક માણસ જાણે છે. પછી જેવું હંમેશા કરું છું તેમ, દીવો ફેરવ્યો, ધૂપ કર્યો, આંખો બંધ કરી. ધીરેથી કહ્યું, ‘અમ્મા, આનું ભલું કરજો.’
થોડા દિવસ પછી એ જ પરિવાર મીઠાઈ લઈને આવ્યો. બોલ્યા - ‘અન્ના, નોકરી લાગી ગઈ.’
હું 50 વર્ષનો દલિત પુજારી રવિ છું. તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરિની કકંજી કોલોનીનો રહેવાસી છું. અમારા ગામમાં આશરે 200 પરિવાર છે. અહીં જ જન્મ્યો, અહીં જ ઉછર્યો. અમે દલિત પરિવારમાંથી છીએ - પિતા પણ અહીં રહ્યા, દાદા પણ અને તેમના પણ પિતા. કહી શકાય કે અમારી કેટલીય પેઢીઓ આ જ માટીમાં ભળી ગઈ છે.
સાચું કહું તો મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ પોતાના જ ગામના મંદિરમાં પુજારી બનીશ. ન હું ક્યારેય શાળાએ ગયો, ન સંસ્કૃત ભણ્યો, ન કોઈ મંત્રો યાદ હતા. પૂજા-પાઠની તો દૂર-દૂર સુધી અમારા ઘરની કોઈ પરંપરા નહોતી.
પરંતુ જ્યારે પણ કોઈ મંદિરની સામેથી પસાર થતો, મનમાં એક નાનકડી ઈચ્છા જરૂર જાગતી - કાશ, ક્યારેક હું પણ ભગવાનની સામે ઉભો રહીને કોઈના માટે આશીર્વાદ માંગી શકું. બસ આટલી જ ઈચ્છા. કોઈ મોટું સપનું નહીં, કોઈ મહત્વાકાંક્ષા નહીં.
પછી સમય બદલાયો. સરકારે મંદિરોમાં દલિત પુજારીઓની નિમણૂકનો નિયમ બનાવ્યો. જે દિવસે આ સમાચાર આવ્યા, અમારા ગામમાં કેટલાય દિવસો સુધી બેઠકો ચાલી. ચર્ચા થઈ, મતભેદો થયા. કેટલાક લોકો વિરુદ્ધ હતા. પણ અંતે લોકોએ એકમતે મારું નામ નક્કી કર્યું.
લોકોનું કહેવું હતું - ‘રવિ જે માંગે છે, ભગવાન સાંભળી લે છે. તે સીધો માણસ છે. બધાના હાલ-ચાલ પૂછે છે. કોઈના સુખ-દુઃખમાં પાછળ નથી હટતો. ગામના મંદિર માટે તે સૌથી યોગ્ય માણસ હશે.’
મેં સ્પષ્ટ કહ્યું હતું - ‘મને મંત્રો નથી આવડતા.’
ગામવાળાઓએ જવાબ આપ્યો - ‘અમારે મંત્રો નહીં, મન જોઈએ છે.’
બસ, તે દિવસથી હું આ મંદિરનો પુજારી છું. સરકાર મને દર મહિને 20 હજાર રૂપિયા પગાર આપે છે.

આ મંદિરમાં ત્રણ દેવી-દેવતાઓ બિરાજમાન છે - વાર્સિતી અમ્મન, મીનાક્ષી અમ્મન અને મધુરાઈ વીરન. મારી પૂજા કરવાની રીત ખૂબ જ સરળ છે. હું ધૂપ પ્રગટાવું છું, દીવા-બત્તી કરું છું. પછી ભગવાનની સામે ઉભા રહીને ધીરે-ધીરે દીવો ફેરવું છું. આંખો બંધ કરું છું અને મનોમન કહું છું- ‘આમનું ભલું કરજો.’ બસ આટલું જ.
એકવાર ગામનો એક પરિવાર મારી પાસે આવ્યો. વર્ષોથી તેમના ઘરે સંતાન નહોતું. ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે કહ્યું, ‘રવિ અન્ના, અમારા માટે પ્રાર્થના કરી દો.’ મેં હંમેશની જેમ દીવો પ્રગટાવ્યો, ધૂપ કરી અને ભગવાનને કહ્યું- ‘અમ્મા, આમના ઘરે પણ પારણું બંધાય.’
થોડા મહિનાઓ પછી એ જ પરિવાર ખુશખબરી લઈને આવ્યો. તેમના ઘરે બાળકનો જન્મ થયો હતો. તેઓ મીઠાઈ લઈને આવ્યા અને મારા પગે લાગવા માંડ્યા. હું થોડો સંકોચમાં પડી ગયો. મેં કહ્યું- ‘આ બધી ભગવાનની કૃપા છે.’
હવે તમે જ કહો, આમાં મંત્રોનું શું કામ હતું?
સાચું કહું તો જ્યારે પણ હું કોઈના માટે પૂજા કરું છું, પૂરા મનથી કરું છું. મને લાગે છે કે ભગવાન મનની ભાષા સમજે છે. હું એટલું જ જાણું છું કે હું જે કંઈ પણ કહું છું, સાચા દિલથી કહું છું. કદાચ એ જ સત્યનો અવાજ ઉપર સુધી પહોંચતો હશે.
અમે આખા મહિનામાં ફક્ત એક જ દિવસ સામૂહિક પૂજા કરીએ છીએ. પોંગલ, દિવાળી, પૂનમ, તમિલ નવું વર્ષ બધું અહીં ઉજવીએ છીએ. મંદિરમાં વર્ષમાં ત્રણ વાર વાર્ષિક તહેવાર હોય છે. તે દિવસે અન્નદાન કરવામાં આવે છે. વાર્ષિક તહેવાર પર ગામના જે લોકો બહાર રહેતા હોય, દેશ કે વિદેશ ગમે ત્યાં, તેમને ગામમાં આવવું પડે છે. વર્ષે દરેક પરિવાર પાસેથી બે થી ત્રણ હજાર રૂપિયા લેવામાં આવે છે.
આ સિવાય ઘણા લોકો આ મંદિરમાં ખાસ પ્રકારની પૂજા કરાવવા પણ આવે છે. આવા પ્રસંગોએ ગામના લોકોના સગા-સંબંધીઓ અને તેમના મિત્રો પણ આવી શકે છે. આ રીતે સરકાર દ્વારા ચલાવવામાં આવતા મંદિરોમાં કોઈ પણ જઈ શકે છે. જોકે, દલિતો સિવાય અહીં અન્ય જ્ઞાતિ કે સમુદાયના લોકો આવતા નથી. આ ઉપરાંત ગામડાઓમાં કેટલાક ખાનગી મંદિરો પણ છે.

પહેલા આ મંદિરોની આખી વ્યવસ્થા બ્રાહ્મણોના હાથમાં જ હતી. અમારા જેવા લોકો માટે મંદિરની અંદરની જગ્યા કંઈક અલગ જ લાગતી હતી, પરંતુ ત્યાં સુધી પહોંચવાનો અમને અધિકાર નહોતો. આ જ પરંપરા ચાલતી આવતી હતી.
પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યમાં મારી જેમ દલિત પુજારીઓની નિમણૂક થઈ છે. પરંતુ આ ફેરફાર બધાને પસંદ નથી આવ્યો. કેટલાક લોકોને આજે પણ સારું નથી લાગતું કે અમે પૂજા કરાવીએ. તેમણે અમારા મંદિરે આવવાનું બંધ કરી દીધું છે. પોતાના અલગ મંદિરો બનાવી લીધા છે. હવે તમિલનાડુમાં ઠેર-ઠેર લોકોના પોતાના મંદિરો જોવા મળે છે.
પરંતુ મને તેનાથી ફરક પડતો નથી. તેઓ પોતાની રીતે પૂજા કરે છે, અમે અમારી રીતે. હા, હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. અમને કોઈપણ મંદિરમાં જવા કે પૂજા-પાઠ કરવાથી રોકી શકાતા નથી. આ તફાવત હું મારી પોતાની આંખોથી જોઈ રહ્યો છું.
કેટલાક મોટા મંદિરો જ્યાં બ્રાહ્મણોની સાથે દલિત પુજારીઓ નિમાયા છે, ત્યાં તેમની સાથે હજુ પણ ભેદભાવ થાય છે. મોટી વિધિઓ તેમને કરવા દેવામાં આવતી નથી. માનસિક શોષણ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેમનામાં પૂરી યોગ્યતા નથી. તેઓ મંત્રો બરાબર જાણતા નથી.
મારા મંદિરમાં હું એકલો જ છું, તેથી મારે આ બધું સહન કરવું પડતું નથી. પછાત સમાજના લોકો હવે તો અમારી વધુ ઈજ્જત કરવા લાગ્યા છે. અમારી પ્રાર્થનાથી તેમનું કામ થઈ જાય છે, તો તેઓ અમને પૈસા, કપડાં અને મીઠાઈઓ લાવીને આપે છે. પરંતુ બ્રાહ્મણ અને ઊંચી જ્ઞાતિના લોકો હજુ પણ અમારાથી અંતર જાળવી રાખે છે.
તમિલનાડુના મોટા મંદિરોમાં આજે પણ પુજારીઓ બ્રાહ્મણ જ છે. જ્યારે ક્યારેક હું એ મંદિરોમાં જાઉં છું - ભીડની વચ્ચે ઉભા રહીને, માથું નમાવીને દર્શન કરું છું - ત્યારે સ્પષ્ટ દેખાય છે કે ત્યાંની આખી વ્યવસ્થા હજુ પણ તેમના જ હાથમાં છે. ગર્ભગૃહની અંદર કોણ જશે, પૂજા કોણ કરાવશે, બધું નક્કી છે. પરંતુ ત્યાં અમારે પુજારી બનીને ઉભા રહેવાની વાત... હજુ દૂરની વસ્તુ છે.
તેમ છતાં કહું તો, જેટલું થયું છે, તે પણ ઓછું નથી. પહેલા જ્યાં પ્રવેશ પણ નહોતો કરવા દેવાતો, આજે નાના મંદિરોમાં અમે પૂજા કરાવી રહ્યા છીએ. સરકારે ઓછામાં ઓછી શરૂઆત તો કરી છે. મંદિરોમાં સંપૂર્ણ સમાનતા ભલે હજુ નથી મળી, પરંતુ એટલું જરૂર લાગે છે કે અમારી સાથે ઘણી હદ સુધી ન્યાય થયો છે. બાકી જે રહી ગયું છે, કદાચ તે આવનારા સમયમાં થઈ જશે.

સરકારી નીતિની વાત કરું તો કાગળ પર તો સ્પષ્ટ લખ્યું છે- કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ પુજારી બની શકે છે. નિયમ મુજબ અમારી નિમણૂક મોટા મંદિરોમાં પણ થવી જોઈએ. પરંતુ જો અચાનક મોટા મંદિરોમાં અમારી નિમણૂક કરી દેવામાં આવે, તો કદાચ રાજ્યમાં હંગામો મચી જાય. વિરોધ-પ્રદર્શનો થઈ શકે છે.
સાંભળવા મળે છે કે બ્રાહ્મણો સરકારની આ વ્યવસ્થા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે. જોકે, મને આ વિશે બહુ ખબર નથી. સુપ્રીમ કોર્ટમાં કેસ હોવાને કારણે રાજ્યમાં અત્યારે ઘણી બધી જગ્યાઓ ખાલી છે. ઘણા બધા મંદિરોમાં નિમણૂક થવાની બાકી છે.
પરંતુ વિચારું છું- ચાલો, શરૂઆત તો થઈ. સાચું કહું તો, જ્યારે પોતાના જ ગામના મંદિરમાં દીવો પ્રગટાવું છું, ત્યારે મન ગદગદ થઈ જાય છે. લાગે છે કે જે ક્યારેય અશક્ય હતું, તે આજે સામે થઈ રહ્યું છે. અને પછી મનમાં એક આશા પણ જાગે છે- કદાચ આવનારા વર્ષોમાં ચિત્ર વધુ બદલાશે. અમારી આવતી પેઢી કોઈ પણ ડર કે વિરોધ વગર મોટા મંદિરોમાં પૂજા કરાવશે.
જોકે, અત્યારે સરકારે એક બીજું સારું કામ કરી દીધું છે. કોઈ પણ ગમે તે જ્ઞાતિનો હોય, જો તે પુજારી બનવા માંગતો હોય તો તે કાયદેસર 3 વર્ષનો અભ્યાસ કરીને પુજારી બની શકે છે.
હું જાણું છું કે તમિલનાડુ સિવાય બાકીના રાજ્યોમાં આવું નથી. ત્યાં કોઈ દલિત પુજારી બની શકતું નથી. એટલું જ નહીં, ત્યાં તો દલિતોના મંદિરે જવા પર પણ પ્રતિબંધ છે. હવે તો હું એમ જ કહીશ કે તમિલનાડુ આ બાબતમાં એક મોડેલ છે. ઉત્તર ભારતમાં આવું થતું નથી, જે સારું નથી. જો તમિલનાડુના મોડેલને અનુસરવામાં આવે તો ત્યાંના સમાજમાં પણ ઘણું સારું થઈ શકે છે. લોકો ખુશ રહેશે.

(દલિત પુજારી રવિએ પોતાના જઝબાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે વ્યક્ત કર્યા છે)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















