- Gujarati News
- Bhaskar khaas
- Sunday jazbaat
- Dancer Anjali Chaudhary Molested In Punjab; Not A Sex Worker
સન્ડે જઝબાતઃ ‘સાથે નહીં નાચું’ કહેતા રિવોલ્વર તાકીને નચાવી:એકે કમર પર હાથ મૂકીને પૂછ્યું- કેટલા લેશો? ડાન્સર છું, શરીર વેચનારી નહીં
- કૉપી લિંક

હું અંજલી ચૌધરી. પંજાબના લુધિયાણાની એ ગલીમાં રહું છું, જ્યાંથી અનેક પ્રખ્યાત કલાકારો નીકળ્યા છે. બાળપણમાં જ્યારે એ કલાકારોના કિસ્સાઓ સાંભળતી હતી, ત્યારે લાગતું હતું કે- સ્ટેજ એટલે કે મંચની જિંદગી કેટલી સારી હશે. જોરદાર મ્યુઝિક હોય છે. લોકોની તાળીઓ પડ
ત્યારે નહોતી જાણતી કે સ્ટેજની ચમક પાછળ કેટલી બેઈજ્જતી છુપાયેલી છે. એક લાઈનમાં કહું તો પંજાબમાં સ્ટેજ ડાન્સરની જિંદગી બરબાદી અને દલદલમાં હોય છે, જ્યાં બસ ખૂંપતા જ જવાનું હોય છે.
શરૂઆતમાં ફક્ત પૈસા દેખાય છે, આગળ કિચડ નજરે પડતો નથઈ. મેં શોખમાં ડાન્સ શરૂ કર્યો હતો, પરંતુ હવે બે બાળકોના ઉછેરની મજબૂરીમાં ડાન્સ કરું છું. નાની જ્ઞાતિની છું, તેથી મારી પાસે બીજું કંઈ કરવાનો રસ્તો નથી.
15 વર્ષની હતી. એ દિવસોમાં એક ગીત ઠેર-ઠેર વાગતું સંભળાતું હતું- ‘મેરે હાથોં મેં નૌ-નૌ ચૂડિયાં હૈં, જરા ઠહરો સજન મજબૂરિયાં હૈં…’

તે ગીત મારા માટે ઝનૂન બની ગયું. ઘરનું કામ કરતી વખતે પણ એ જ ગીત વગાડતી. ટીવી પર એ ગીત દેખાય તો બધું છોડીને નાચવા લાગતી. ઘરના લોકોને આ બિલકુલ પસંદ નહોતું.
તેઓ વઢતા હતા. કહેતા- આ શું આખો વખત નાચતી રહે છે, ભણવા-લખવા પર ધ્યાન આપ, પણ જ્યારે એ ગીત વાગતું ત્યારે રોકાઈ શકતી નહોતી.
એક દિવસ ઘરે કોઈ નહોતું. તે ગીત ટીવી પર આવ્યું. વોલ્યુમ તેજ કર્યું અને રૂમમાં નાચવા લાગી. મમ્મી-પપ્પા બહારથી આવ્યા. ઘણી વાર સુધી દરવાજો ખખડાવતા રહ્યા, પરંતુ મને કંઈ સંભળાયું નહીં.
પછી પપ્પાએ દરવાજા પર જોરથી લાત મારી. હું ગભરાઈ ગઈ અને દોડીને દરવાજો ખોલ્યો. ઘરમાં ગીતના અવાજ સાંભળીને પપ્પાને ખૂબ ગુસ્સો આવ્યો.
પછી તેમના હાથમાં જે કંઈ આવ્યું, તેનાથી મને મારી. બે દિવસ સુધી રડતી રહી. વિચાર્યું હવે ક્યારેય ડાન્સ નહીં કરું.
પરંતુ હવે મમ્મી-પપ્પાની સામે નહોતી નાચતી. રાહ જોતી કે તેઓ ક્યારે બહાર જશે. જેવા તેઓ બહાર જતા, એ જ ગીત વગાડીને નાચવાનું શરૂ કરી દેતી.
આ દરમિયાન મારી એક મિત્ર અમૃતસરમાં રહેતી હતી. તે સ્ટેજ ડાન્સર હતી. મેં તેને ફોન કર્યો અને કહ્યું- ડાન્સ કર્યા વિના રહી નથી શકતી. ઘરના લોકો બહુ રોકે છે.
તેણે કહ્યું- જો આટલી જ ઈચ્છા હોય, તો અમૃતસર આવી જા. ત્યારે હું 17 વર્ષની થઈ ચૂકી હતી.
એક દિવસ મમ્મી-પપ્પા ઘરે નહોતા. જલ્દી-જલ્દી બે જોડી કપડાં સૂટકેસમાં નાખ્યા. પાસે ફક્ત 500 રૂપિયા હતા. કોઈને પણ કહ્યા વગર ઘરથી નીકળી અને અમૃતસર પહોંચી ગઈ.
જ્યારે પપ્પાને ખબર પડી ત્યારે તેઓ ખૂબ નારાજ થયા. તેમનું સ્પષ્ટ કહેવું હતું- આ કામ બરાબર નથી, પાછી આવી જા. મમ્મી પણ ગુસ્સામાં હતી.
તે વખતે લાગ્યું કે હું મારું સપનું પૂરું કરવા નીકળી છું. ખબર નહોતી કે અસલી મુશ્કેલીઓ હવે શરૂ થવાની છે. અમૃતસર પહોંચ્યાના ત્રીજા દિવસે જ મારો પહેલો શો હતો. મારે પંજાબી ગીતો પર પરફોર્મ કરવાનું હતું.
સ્ટેજ પર જતા ડર લાગતો હતો. સમજાતું નહોતું કે આટલા લોકોની સામે કેવી રીતે નાચીશ. પરંતુ જેવા મ્યુઝિક વાગ્યા અને હું સ્ટેજ પર પહોંચી, લોકોની તાળીઓ પડી. ગભરાટ દૂર થતો ગયો.
પરફોર્મન્સ પૂરું થયું તો આયોજકો ખૂબ ખુશ હતા. લોકો પણ વખાણ કરી રહ્યા હતા. તે રાત્રે મને પહેલીવાર 3,000 રૂપિયા મળ્યા. એ પૈસાને હું વારંવાર જોઈ રહી હતી.
વિશ્વાસ જ નહોતો આવતો કે ડાન્સ કરીને આટલા પૈસા પણ કમાઈ શકાય છે. લાગ્યું કે કદાચ સાચો રસ્તો પસંદ કરી લીધો છે.

પાંચ દિવસ પછી મારો બીજો શો હતો. સ્ટેજ પર ડાન્સ કરવા ગઈ હતી, તો સામે ઉભેલો એક માણસ સતત ગંદા ઈશારા કરી રહ્યો હતો. ડબલ મિનિંગ વાતો કરી રહ્યો હતો. વારંવાર તેનાથી નજર હટાવી રહી હતી, પણ તે માની રહ્યો નહોતો.
તેના ઈશારાઓથી પરેશાન થઈ ગઈ. ડાન્સ બંધ કર્યો અને સ્ટેજની પાછળ જતી રહી. ત્યાં પહોંચતા જ રડવા લાગી. મારા મેનેજર અને બાકીના લોકો સમજાવવા લાગ્યા- આ બધું નોર્મલ છે, સ્ટેજ પર આ બધું ચાલે છે.
મને તેમની વાત પર ગુસ્સો આવ્યો. બોલી- નોર્મલ કેવી રીતે છે? અમે ડાન્સ કરીએ છીએ તો શું અમારી કોઈ ઈજ્જત નથી? અહીં શરીર વેચવા નથી આવી. તેમણે મને પાછી સ્ટેજ પર મોકલવાની ખૂબ કોશિશ કરી, પણ હું ન ગઈ.
મારી સાથે આવું પહેલીવાર થયું હતું. ખબર નહોતી કે સ્ટેજ પર ઉભેલી છોકરીને લોકો આટલી સહેલાઈથી બદચલન સમજી લે છે. તે રાત્રે માને ફોન કર્યો અને રડતા રડતા કહ્યું- મને અહીંથી લઈ જાઓ. મમ્મી-પપ્પા સવારે જ અમૃતસર પહોંચ્યા અને મને પાછી લુધિયાણા લઈ આવ્યા.
આશરે બે મહિના સુધી લુધિયાણામાં ઘરે રહી. પપ્પાએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આજે પણ નથી કરતા. મમ્મી અવારનવાર કહેતી- સમજાવ્યું હતું ને કે બહારની દુનિયા બહુ ખરાબ છે. ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહેતી.
એક દિવસ મમ્મી સાથે એક લગ્નમાં ગઈ. ત્યાં કેટલીક છોકરીઓ સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. તેમને જોઈને મારી અંદર દબાયેલો શોખ ફરી જાગી ગયો. વારંવાર સ્ટેજ પર જવાનું મન કરી રહ્યું હતું.
બીજા દિવસે મમ્મીને સાફ કહી દીધું- મારે ફરીથી ડાન્સ કરવો છે. આ વખતે તેમણે ન રોકી. બસ એટલું કહ્યું- જો ડાન્સ જ કરવો હોય, તો પોતાની જવાબદારી પણ જાતે જ ઉઠાવજે. પાછી ફરીને આવતી નહીં.
બીજા દિવસે તૈયાર થઈ અને પાછી અમૃતસર પોતાની મિત્ર પાસે પહોંચી ગઈ. હવે હું પહેલા જેવી રહી નહોતી. દિવસમાં રિહર્સલ, રાત્રે લગ્નો, તેજ મ્યુઝિક, મેકઅપ અને સતત શો. આને જ પોતાની દુનિયા બનાવી લીધી.
એક રાતનો ડરામણો કિસ્સો જણાવું છું. ત્યારે મને સ્ટેજ પર ડાન્સ કરતા ફક્ત એક વર્ષ થયું હતું. અમૃતસરમાં એક લગ્નમાં પરફોર્મ કરવા ગઈ હતી. મારી સાથે એક બીજી ડાન્સર પણ હતી.
ડાન્સ શરૂ થયો. ત્યારે જ નશામાં ધૂત એક છોકરો સ્ટેજ પર ચડી આવ્યો. તેણે મારી સાથીનો હાથ પકડી લીધો અને કહ્યું- મારી સાથે નાચો. તેણે તરત જ હાથ છોડાવ્યો અને તેની સાથે નાચવાની મનાઈ કરી દીધી.
તે ભડકી ગયો. તેણે ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી અને સીધી તેના કપાળ પર તાણી દીધી. જોરથી બૂમ પાડી- જો તું મારી સાથે નહીં નાચે, તો અહીં જ ગોળી મારી દઈશ. તે પછી તો અમારી હાલત ખરાબ થઈ ગઈ. ત્યાં હાજર લોકો તેને શાંત પાડવામાં લાગ્યા હતા.
મારી સાથી રડતા રડતા મેનેજરને કહી રહી હતી- મને અહીંથી લઈ જાઓ, પણ તેમણે કહ્યું- થોડી વારની વાત છે, નાચી લો... મામલો શાંત થઈ જશે.
આખરે પોતાનો જીવ બચાવવા માટે મારી સાથીએ તે છોકરા સાથે ડાન્સ કર્યો. ત્યારે જઈને મામલો શાંત થયો.
પરંતુ તે રાત્રે મારી અંદર કંઈક હંમેશ માટે બદલાઈ ગયું. મને સમજાઈ ગયું કે સ્ટેજ પર નાચતી છોકરીઓને લોકો કલાકાર નથી સમજતા. તેમને લાગે છે કે પૈસા આપ્યા છે, તો અમારી સાથે કંઈ પણ કરી શકે છે.
એમ જ હું એક લગ્નમાં એકલી ગઈ હતી. સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી, ત્યારે જ કેટલાક લોકો અચાનક સ્ટેજ પર ચડ્યા. પહેલા તો તેમણે સાથે નાચવાની કોશિશ કરી, પછી મારો હાથ પકડવા લાગ્યા.
કોઈ મારા ખભા પર હાથ રાખી રહ્યું હતું, તો કોઈ કમર પર હાથ નાખી રહ્યું હતું. હું ગભરાઈ ગઈ. ડાન્સ રોકી દીધો અને સાફ બોલી- પહેલા આમને નીચે ઉતારો, તો જ પરફોર્મ કરીશ.
ખૂબ કહેવા પછી તે લોકોને સ્ટેજ પરથી નીચે ઉતારવામાં આવ્યા, ત્યારે શો આગળ વધી શક્યો. આવી ગંદી હરકતો વારંવાર થવા લાગી. લોકો સ્ટેજ પર ચડી જતા, જબરદસ્તી કરતા.
એટલું જ નહીં, શો પૂરો થવા પર લોકો સ્ટેજની પાછળ આવી જતા અને મારો ફોન નંબર માંગતા. ના પાડવા પર ગાળો દેતા, ધમકાવતા.
એમ જ એક કાર્યક્રમમાં ડાન્સ કરી રહી હતી. કેટલાક છોકરાઓ નીચે નાચી રહ્યા હતા અને કેટલાક સ્ટેજ પર ચડી ગયા હતા. કોઈ રીતે પરફોર્મન્સ પૂરું કરીને સ્ટેજની પાછળ ગઈ, તો તેમાંથી એક છોકરો પાછળ-પાછળ આવી ગયો. તે સતત મારો ફોન નંબર માંગી રહ્યો હતો.
ઘણી વાર સુધી કોશિશ કરતો રહ્યો. જ્યારે મેં નંબર ન આપ્યો, તો તેણે મને થપ્પડ મારી દીધી. તે દિવસે ઘણો હોબાળો થયો હતો.
ઘણી વાર તો લોકો સીધું જ પૂછી લે છે- મેડમ, એક રાતના કેટલા લો છો? સાથે ચાલશો? હું સ્તબ્ધ રહી જાઉં છું.
એમ જ એક બીજા શો માં ડાન્સ કરવા ગઈ હતી. શો પૂરો થયો તો એક છોકરો સ્ટેજની પાછળ આવ્યો. વાતો-વાતોમાં તેણે મારા બ્લાઉઝમાં હાથ નાખી દીધો. તે દિવસે મેં ગુસ્સામાં તેનું કોલર પકડી લીધું હતું.

આ બધું એટલું વધારે થઈ રહ્યું હતું કે મન થયું કે ડાન્સ છોડી દઉં, પણ પાછા જવાનો કોઈ રસ્તો નહોતો. પપ્પા વાત નહોતા કરતા. મમ્મીએ પણ ફોન કરવાનું બંધ કરી દીધું હતું.
ખૂબ પરેશાન હતી. આ વચ્ચે મારી મુલાકાત એક ભાંગડા ડાન્સર સાથે થઈ. તે મારાથી 10 વર્ષ મોટો હતો. તેણે લગ્ન માટે પ્રપોઝ કર્યું, પણ મેં સાફ ના પાડી દીધી.
તે પાછળ પડી ગયો. અવારનવાર ફોન કરીને આજીજી કરતો. કહેતો- તને બહુ પસંદ કરું છું. ક્યારેય દગો નહીં દઉં. તારી સાથે રહેવા માંગુ છું. તે સમયે મારી જિંદગી એવી થઈ ગઈ હતી કે ચારે બાજુથી ઘેરાયેલી નજર આવી રહી હતી.
સ્ટેજ પર બેઈજ્જતી સહન કરી રહી હતી, ઘરના લોકોથી દૂરી હતી અને ભવિષ્યને લઈને ચિંતામાં હતી. એવામાં પહેલીવાર લાગ્યું કે કદાચ કોઈ માણસ છે, જે મને ફક્ત ડાન્સર નથી સમજતો. મારી ઈજ્જત કરે છે.
નવરી હોઉં તો તેની સાથે વાત થતી. એક દિવસ ઘરે હતી. મન થયું કે તેને ફોન કરીને લગ્ન માટે હા કહી દઉં.
તે દિવસે સૌથી પહેલા મમ્મીને ફોન કર્યો. બધી વાત કહી. તેમણે તરત જ કહ્યું- તે માણસ તારાથી 10 વર્ષ મોટો છે. તને બરબાદ કરી દેશે. તેનાથી દૂર થઈ જા.
મમ્મી સાથે વાત કર્યા પછી મેં તેને ફોન કર્યો અને લગ્ન કરવાની ના પાડી દીધી. તે દિવસે તેનો એક વાર પણ ફરી ફોન ન આવ્યો. રાત થઈ.
હવે મારું મન થયું કે તેની સાથે એક વાર વાત કરું. મેં રાત્રે તેને ફોન કર્યો. તે ફરી લગ્ન કરવાની વિનંતી કરવા લાગ્યો. આખરે મેં હા કહી દીધી.
મમ્મીને પણ ફોન કરીને જણાવ્યું. મમ્મીએ ફરી રોકી, પણ હું ન માની. વિચારી રહી હતી કે લગ્ન પછી મારી જિંદગી કદાચ થોડી સ્થિર થઈ જશે.
લગ્ન થયા. અમે ભાડાના એક ફ્લેટમાં રહેવા લાગ્યા. શરૂઆતમાં આશરે ત્રણ મહિના બધું ઠીક રહ્યું. અચાનક તેનું વર્તન બદલાવા લાગ્યું. તે મારા પર શંકા કરતો, નાની-નાની વાતો પર ઝઘડો કરવા લાગ્યો અને મારપીટ પણ કરવા લાગ્યો.
તે ફ્લેટ પર પોતાના મિત્રોને બોલાવતો અને તેમની સાથે પાર્ટીઓ કરતો. ફ્લેટ પર તેના મિત્રો છોકરીઓ લઈને આવતા. મને બહુ ખરાબ લાગતું હતું.
એક દિવસ પોતાની સાસુને ફોન કર્યો અને બધી વાત કહી. તેમણે પતિને ફોન કરીને તરત ગામ પાછા આવવા કહ્યું.
તે પછી અમે ગામમાં રહેવા લાગ્યા. મને લાગ્યું હતું કે કદાચ હવે જિંદગી થોડી શાંત થઈ જશે, પણ એવું ન થયું. હું ગર્ભવતી થઈ ગઈ. પતિ ભાંગડા ડાન્સ માટે અવારનવાર ઘરની બહાર રહેતા હતા, પણ એક પૈસો પણ આપતા નહોતા.
બીજી તરફ, મારા જેઠ શરૂઆતથી જ નહોતા ઈચ્છતા કે હું એ ઘરમાં રહું. એક દિવસ કોઈ વાત પર તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેમણે મને મારવાનું શરૂ કરી દીધું. તે વારંવાર એ જ કહી રહ્યા હતા- આ નાચવાવાળી છે, આને અમે અમારા ઘરની વહુ ન બનાવી શકીએ.
મારી સાસુએ વચ્ચે પડીને બચાવ કર્યો, ત્યારે મામલો શાંત થયો.
એક દિવસ તો હદ થઈ ગઈ. તે વખતે આઠ મહિનાની ગર્ભવતી થઈ ચૂકી હતી. ઘરમાં મારી સાસુ, જેઠ અને ઘરના બાકીના લોકો અંદરોઅંદર ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. હું પાસે જ ઉભી હતી.
સાસુને કહેતા સાંભળ્યા- અત્યારે આને મારો-પીટો નહીં. બાળક થઈ જશે, તેને પોતાની પાસે રાખી લઈશું... પછી આને ઘરની બહાર કાઢી મૂકીશું.
સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. વિચાર્યું જો અહીં રોકાઈશ, તો મારા બાળકથી પણ હાથ ધોઈ બેસીશ. ચૂપચાપ પોતાનો સામાન પેક કર્યો અને ઘરથી નીકળી ગઈ.
એક બસમાં બેસી ગઈ હતી, પણ સાસરીવાળા પાછળ-પાછળ પહોંચી ગયા. તેઓ બસમાં ચડ્યા અને ડ્રાઈવરને ધમકાવવા લાગ્યા કે- જો તેં બસ ચલાવી તો આગ લગાડી દઈશું.
આખરે મારે બસમાંથી ઉતરવું પડ્યું. આશરે એક મહિના પછી મારા દીકરાનો જન્મ થયો. પૈસાની બહુ તંગી હતી. પતિ જે કંઈ કમાઈ રહ્યા હતા, ફક્ત પોતાના પર ઉડાવી રહ્યા હતા. માને ફોન કરીને મદદ માંગી, તો તેમણે મદદ કરવાની ના પાડી દીધી.
કંઈ સમજમાં નહોતું આવતું. મેં બાળકની સંભાળ માટે એક પાર્લરમાં નોકરી કરી. ત્યાં બે વર્ષ કામ કર્યું અને બાળકને મોટું કર્યું.
આ દરમિયાન ફરી ગર્ભવતી થઈ. વિચારવા લાગી કે એક બાળકનો ખર્ચ ઉઠાવી નથી શકી રહી, બીજા બાળકને કેવી રીતે પાળીશ. આ જ ડરમાં એકલી જ ડોક્ટર પાસે એબોર્શન (ગર્ભપાત) કરાવવા પહોંચી ગઈ.
ડોક્ટરે તપાસ પછી કહ્યું- ગર્ભ ત્રણ મહિનાથી વધુનો થઈ ચૂક્યો છે, હવે એબોર્શન ન થઈ શકે. તે દિવસે પાછી ઘરે આવી ગઈ. પતિને બધી વાત કહી અને તેમની પાસે પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું.
તે કહેતા- ક્યાંથી લાવું પૈસા? ચોરી કરું કે લૂંટ ચલાવું? એક દિવસ પૈસાને લઈને તેમની સાથે ઝઘડો એટલો વધ્યો કે તેમણે મારા પર ચાકુથી વાર કરી દીધો.
ફરિયાદ પછી ઘરે પોલીસ પહોંચી. મેં પોલીસને બધી વાત કહી અને પોતાના પિયર પહોંચાડવા કહ્યું. પોલીસ તરત જ મને લુધિયાણા મારા પિયર લઈને આવી ગઈ.
ઘરે પહોંચી તો મારી હાલત જોઈને મમ્મીને દયા આવી ગઈ. તેમણે મને પોતાની સાથે રાખી લીધી. જોકે, વર્ષભર જ તેમની પાસે રહી.
ખર્ચ ચાલતો નહોતો. એક ભાડાનો રૂમ લીધો અને ફરીથી સ્ટેજ પર ડાન્સ શરૂ કરી દીધો. હવે ડાન્સની કમાણીથી બાળકોને પાળી રહી છું. પતિ આજે પણ વચ્ચે-વચ્ચે ઝઘડો કરવા આવી જાય છે.
ઘણી વાર મારપીટ કરે છે. કહે છે કે બાળકોને પોતાની સાથે લઈ જશે, પણ હું મારા બાળકોથી કોઈ પણ કિંમતે અલગ નથી રહી શકતી. આમને સારી સ્કૂલમાં ભણાવી રહી છું.
ઈચ્છું છું કે આમની સાથે એવું કંઈ ન થાય, જેવું મારી જિંદગીમાં થયું.

આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, તો લાગે છે સ્ટેજની ચમક ફક્ત બહારથી સુંદર દેખાય છે. તેજ મ્યુઝિક, રંગબેરંગી લાઈટો, લોકોની તાળીઓ અને ઉડતી નોટો- બધું જ થોડી વાર માટે બહુ સારું લાગે છે. પરંતુ મ્યુઝિક બંધ થતા જ એ જ લોકો ચાલ્યા જાય છે, અને અમે અમારી જિંદગીની લડાઈ ફરી એકલા લડતા રહી જઈએ છીએ. કદાચ પંજાબની મારા જેવી ઘણી ડાન્સરોની વાર્તા પણ આનાથી બહુ અલગ નથી.

(અંજલીએ આ જઝબાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કર્યા)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















