- Gujarati News
- Bhaskar khaas
- Sunday jazbaat
- Advocate Amit Chaudhary Life Story PHOTOS VIDEOS; From Murder Accused To Lawyer Who Fought His Own Case
સન્ડે જઝબાત: પોલીસે મારા પ્રાઇવેટ પાર્ટ પર ઇંટ બાંધી:માથું ખુરશીમાં બાંધીને ઊંધો લટકાવ્યો, વકીલ બનીને કેસ જાતે લડ્યો; 12 વર્ષ પછી નિર્દોષ છૂટ્યો
- કૉપી લિંક

18 વર્ષની ઉંમરે પોલીસે મને મર્ડરનો આરોપી બનાવ્યો. મારી ધરપકડ પહેલા થઈ, પરંતુ કાગળોમાં 10 દિવસ પછી બતાવવામાં આવી. 12 વર્ષ પછી અદાલતે કહ્યું- આ છોકરો નિર્દોષ છે. હું એડવોકેટ અમિત ચૌધરી છું. મારી આ કહાની પર ટૂંક સમયમાં એક ફિલ્મ આવવાની છે.
હું યુપીના બાગપત જિલ્લાના કિરઠલ ગામનો રહેવાસી અમિત ચૌધરી છું. પિતાજી માંડ માંડ ખેતી કરીને પરિવારનો ખર્ચ ઉઠાવતા હતા. પશ્ચિમી યુપીના બાકીના યુવાનોની જેમ મારું પણ સપનું સેનામાં ભરતી થવાનું હતું. તેની તૈયારી માટે હું રોજ દોડતો હતો. મારી આ કાબિલિયતના કારણે જ બીએના અભ્યાસ દરમિયાન મને NCCનું 'C' સર્ટિફિકેટ મળ્યું હતું.
પરંતુ એક હત્યાના કેસમાં જેલમાં ગયા પછી મારું જીવન બદલાઈ ગયું. માતાના કહેવા પર વકીલ બન્યો અને મેં મારો કેસ પોતે લડ્યો. આખરે મારો વિજય થયો. મારા સંઘર્ષની આ કહાની ટૂંક સમયમાં જ એક OTT પ્લેટફોર્મ પર બાયોપિક તરીકે આવવાની છે.
12 ઓક્ટોબર 2011ની એ કાળી રાત, જેણે મારી આખી જિંદગી બદલી નાખી. તે સમયે હું 18 વર્ષ અને બે મહિનાનો હતો. તે દિવસે પિતાજીએ મને એક જરૂરી કામથી શામલી જિલ્લામાં મારી બહેનના ઘરે મોકલ્યો હતો. તે રાત્રે, બહેનના ગામથી લગભગ સાત કિલોમીટર દૂર એક ઘટના ઘટી. કેટલાક ગુનેગારોએ બે પોલીસકર્મીઓ પર હુમલો કરી તેમની રાઈફલ છીનવી લીધી. અથડામણમાં એક સિપાહીનું મોત પણ થયું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો.
પોલીસે શંકાના આધારે આશરે 100 લોકોની ધરપકડ કરી, જેમાં મારા પિતાજી પણ સામેલ હતા. પિતાજીની ધરપકડ પછી અમારા ગામમાં ડર ફેલાઈ ગયો. મારી માતા ખરાબ રીતે ડરી ગઈ. તેણે મને દાદીના પિયર સરુરપુર મોકલી દીધો.
દાદીના પિયરમાં રહેતા 11 દિવસ થઈ ચૂક્યા હતા. 24 ઓક્ટોબરની રાત્રે, આશરે 8 વાગી રહ્યા હતા. હું પરિવારના લોકો સાથે આંગણામાં બેસીને જમી રહ્યો હતો. ત્યારે જ કેટલાક લોકોના આવવાનો અવાજ સંભળાયો. તેઓ ઘરની સીડીથી છત પર ચઢી રહ્યા હતા.
છત પર મારી નજર પડી તો જોયું- પોલીસના લોકો મારી તરફ એકે-47 તાકીને ઉભા હતા. બધા બુલેટપ્રૂફ જેકેટમાં હતા. દાદીનું ઘર સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. આ કાર્યવાહીમાં મારો એક સંબંધી પણ સામેલ હતો, જેની તે દિવસે રજા રદ કરવામાં આવી હતી.
ત્યારે જ એક પોલીસકર્મીએ કડક અવાજમાં પૂછ્યું- અમિત ક્યાં છે?
પરિવારની એક મહિલાએ હાથ જોડીને કહ્યું- સાહેબ, અમિતે કંઈ ખોટું નથી કર્યું. પરંતુ પોલીસ સતત એક જ સવાલ પૂછતી રહી- પહેલા કહો અમિત ક્યાં છે, જ્યાં પણ હોય તેને અમને સોંપી દો.
મેં રોટલીનો એક ટુકડો તોડ્યો જ હતો કે થાળીમાં છોડી દીધો. ઉભો થયો અને કહ્યું- હું જ અમિત છું. મને જોતા જ પોલીસે બંદૂકો નીચે કરી લીધી. એક પોલીસવાળાને તો હસવું આવી ગયું. તે બોલ્યો- અરે, તું જ અમિત છે? ખરેખર, તેઓ કોઈ લાંબા-પહોળા, ખૂંખાર ગુનેગારની શોધમાં હતા, પરંતુ સામે હું 18 વર્ષનો એક નિર્દોષ છોકરો ઉભો હતો.
અમારા સંબંધીઓ પોલીસ સામે હાથ જોડતા રહ્યા, પણ તેમણે મારી ધરપકડ કરી અને બોલેરો જીપમાં સાથે લઈ ગયા. આ મુઝફ્ફરનગરની પોલીસ હતી.
બીજી બાજુ, બાગપત પોલીસ પણ મારી શોધમાં હતી. જ્યારે તેમને ખબર પડી કે મુઝફ્ફરનગર પોલીસ તેમના વિસ્તારમાં દરોડો પાડીને એક ખૂંખાર ગુનેગારને પકડી ગઈ છે, તો તેમણે પણ પોતાની જીપ મારી પાછળ લગાવી દીધી અને ત્યાં સુધી પીછો કર્યો જ્યાં સુધી મુઝફ્ફરનગર પોલીસની જીપ શામલીમાં દાખલ ન થઈ ગઈ.
રસ્તામાં પોલીસકર્મીઓ પોતાના અધિકારીઓને જણાવી રહ્યા હતા- જય હિન્દ સર, અમિતને પકડી લીધો છે. એવી રીતે જણાવી રહ્યા હતા, જાણે હું કોઈ ખૂંખાર આતંકવાદી હોઉં. તેના પર અધિકારીઓએ તેમને નિર્દેશ આપ્યો કે શામલી હેડક્વાર્ટરમાં મોટી સંખ્યામાં મીડિયા હાજર છે, તેથી અમિતને પહેલા શામલી સ્ટેશન અને પછી ત્યાંથી એક કલાક પછી મુઝફ્ફરનગર સિવિલ લાઈન્સ સ્ટેશન લઈ જવામાં આવે.
ત્યારબાદ પોલીસ પહેલા શામલી સ્ટેશન અને પછી એક કલાક બાદ મુઝફ્ફરનગર સિવિલ લાઈન્સ સ્ટેશન લઈ ગઈ. ત્યાં મને જેલમાં બંધ કરી દેવામાં આવ્યો. હવે મને જેલમાં નાખ્યા પછી પોલીસે મારા પિતાજીને કસ્ટડીમાંથી છોડી દીધા.
જેલની બરાબર બાજુમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ હતી. તેના અધિકારીઓ 3 નવેમ્બર સુધી દિવસે મને પોતાની પાસે રાખીને પૂછપરછ કરતા અને રાત્રે જેલમાં બંધ કરી દેતા.

જેલની હાલત જણાવું છું. ત્યાં પહેલા દિવસે મને બટેટાનું શાક અને રોટલી આપવામાં આવી. મેં ખાવાની ના પાડી. તેના પર એક પોલીસવાળાએ કહ્યું કે પહેલા આને કૂટો, પછી ખાશે. ત્યારબાદ એક પોલીસકર્મીએ કહ્યું- હાથ ઉંધો કરીને આગળ કર.
મેં હાથ લંબાવ્યો તો તેણે એટલી જોરથી ડંડો માર્યો કે મારા હાથનું માંસ બહાર આવી ગયું. પછી તેણે મારી કમરમાં મુક્કા માર્યા. તેઓ પૂછી રહ્યા હતા- બોલ રાઈફલ ક્યાં છે? હું દરેક વખતે કહેતો કે ખબર નથી.
આ રીતે પોલીસ રોજ નિર્દયતાથી મારતી અને પૂછતી- બોલ, રાઈફલ ક્યાં છે?
તેઓ દરરોજ અલગ-અલગ રીતે મારપીટ કરતા. એક દિવસ પોલીસે મને જમીન પર સુવડાવ્યો અને મારા બંને પગ બાંધીને દીવાલ પર લટકાવી દીધો. તે દિવસે મારી હાલત ખરાબ હોવાથી હું ચીસો પાડી રહ્યો હતો.
એક દિવસ પોલીસે મારું પેન્ટ ઉતરાવ્યું અને મને મોડે સુધી ઉભો રાખ્યો. પછી ભોંયતળિયે બેસાડીને મારા બંને પગને 360 ડિગ્રી સુધી ખેંચ્યા. એટલો દુખાવો થયો કે હું ચાલી-ફરી શકતો નહોતો.
હવે આ દરમિયાન સહારનપુરમાં એક ઘટના બની ગઈ, જ્યાં કોઈએ પોલીસની રાઈફલ છીનવી લીધી. ત્યારબાદ પોલીસ પર વધુ દબાણ વધી ગયું. તેમને લાગ્યું કે આ કોઈ એક જ ગેંગનું કામ છે. તે દિવસે પોલીસે સહારનપુરની ઘટનાનો ગુસ્સો પણ મારા પર ઉતાર્યો.
તે ઘટના પછી પોલીસે જેલમાં એક ગુનેગારની પૂછપરછ કરતી વખતે પ્રાઇવેટ પાર્ટ પરઇંટ બાંધી દીધી. મને કહેવા લાગ્યા કે હવે તારો વારો છે. તેમણે મારા કપડાં ઉતરાવ્યા અને મારા પણ પ્રાઇવેટ પાર્ટ પર ઇંટ લટકાવી દીધી.
ખેંચાણને કારણે પેટમાં જોરદાર દુખાવો થવા લાગ્યો. લાગ્યું કે હું મરી જઈશ. હાલત બગડતા એક પોલીસવાળાએ કહ્યું- ઇંટ હટાવો, નહીં તો આ મરી જશે.
ત્યારબાદ પોલીસે ઇંટ હટાવી. બીજી સજા આપવામાં આવી. મારું માથું એક ઓખલી જેવી ખુરશીમાં નાખીને મને ઉંધો લટકાવી દીધો. હું મારું માથું ડાબે-જમણે હલાવી શકતો નહોતો. મારી આંખો અને નાકમાં સાબુવાળું પાણી નાખવામાં આવ્યું. હું જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો. બીજી બાજુ પોલીસ મારા પગ પર ડંડા વરસાવી રહી હતી. એટલા કે આજે પણ મારા ઘૂંટણ ત્રાંસા છે. હાલત એવી છે કે આજે પણ હું બરાબર ઉભો રહી શકતો નથી.

4 નવેમ્બરે તે સ્ટેશનમાં મારો છેલ્લો દિવસ હતો. તે દિવસે મને સૌથી વધુ મારવામાં આવ્યો. જેલના ગેટ પર મને જમીન પર બેસાડવામાં આવ્યો. જેવી આંખ મળતી, જોરથી ડંડો મારવામાં આવતો અને ગંદી ગાળો દેવામાં આવતી.
પોલીસની કમાલ જુઓ- તે દિવસે રેકોર્ડમાં મારી ધરપકડ તેમણે 3 નવેમ્બર બતાવી. લખ્યું કે મને જંગલમાંથી પકડવામાં આવ્યો છે, જ્યાં હું કેટલાક ગુનેગારો સાથે એન્કાઉન્ટરનો પ્લાન બનાવી રહ્યો હતો. જ્યારે સત્ય એ હતું કે પોલીસ મને 24 ઓક્ટોબરથી જ કસ્ટડીમાં રાખી રહી હતી.
આ રીતે રિપોર્ટ બનાવ્યા પછી પોલીસ મને શામલી હેડક્વાર્ટર લઈ ગઈ અને મીડિયાને રાઈફલ તેમજ કેટલાક હથિયારો બતાવ્યા. એવો દાવો કર્યો કે આ હથિયારો આ જ છોકરા પાસેથી મળી આવ્યા છે. મીડિયા સાથે વાતચીત કર્યા પછી તે દિવસે પણ મને છોડવામાં આવ્યો નહીં. ત્યાં સ્ટેશનના વરંડામાં મારું પેન્ટ ઉતરાવવામાં આવ્યું, પછી ડંડા વરસાવ્યા. મારું આખું પેન્ટ લોહીથી લથબથ થઈ ગયું.
ખેર, 4 નવેમ્બરે મને કોર્ટમાં રજૂ કરવાનો હતો. મારું મેડિકલ કરાવવામાં આવ્યું. મેડિકલ કરાવતા પહેલા પોલીસે મને ફરી એકવાર માર્યો. મારા કાન એટલી જોરથી ઘસ્યા કે હું દર્દથી રાડો પાડી ઉઠ્યો. આખા શરીર પર મારપીટના સ્પષ્ટ નિશાન હતા, પરંતુ ડોક્ટરે રિપોર્ટમાં મને સંપૂર્ણપણે ફિટ બતાવ્યો.
રજૂઆત માટે પોલીસ મને જીપમાં લઈ જઈ રહી હતી. તે દિવસે ગાઢ ધુમ્મસ હતું. રસ્તામાં પોલીસની જીપ એક ગાડી સાથે અથડાતા માંડ બચી. તે ઘટનાનો ગુસ્સો પણ પોલીસે મારા પર ઉતાર્યો અને મને ફરીથી માર્યો.
પોલીસની બદમાશી જુઓ… જજ સામે રજૂ કરતી વખતે મને કમર સુધી ઢાંકીને રાખવામાં આવ્યો હતો, જેથી કમરની નીચેના જખમ અદાલતને ન દેખાય. તે દિવસે કોર્ટમાં ખૂબ ભીડ હતી. જજના રીડરે મારું નામ લીધું. પોલીસે કહ્યું હાથ ઉંચા કરો. મેં હાથ ઉંચો કર્યો. જજે મને જોયો. તેમના રીડરે મારી પાસે એક સહી કરાવી અને ત્યાંથી પોલીસ સાથે જેલમાં મોકલી દીધો.
તે દિવસે પોલીસે મને જેલની હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં એક વ્યક્તિ આવ્યો અને કહ્યું- તને ઈન્જેક્શન લાગશે. મેં પૂછ્યું તમે ડોક્ટર છો? તેણે કહ્યું- ના, કેદી છું, પણ મને આ કામ આવડે છે. તેની વાત સાંભળીને હું ગભરાઈ ગયો. તેણે ઈન્જેક્શન લગાવ્યું.
થોડા સમય પછી મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી એક બેરેકમાં મોકલવામાં આવ્યો. ત્યાં એક પંડિતજી હતા. જતાની સાથે જ તેમની સાથે મારી દોસ્તી થઈ ગઈ. મને લંગડાતો જોઈ તેમણે આખી વાત પૂછી. મેં બધું જણાવ્યું. ત્યારબાદ તેઓ મારી સંભાળ રાખવા લાગ્યા.
જેલની હાલત એવી હતી કે ત્યાં પાણી જેવી દાળ મળતી હતી. હું તેમાં રૂમાલ પલાળીને મારા જખમો પર શેક કરતો હતો. અત્યાર સુધી મને જેલમાં આવ્યાને 15 દિવસ થઈ ગયા હતા. એક દિવસ મારા પિતાજીનું નામ લેવામાં આવ્યું, તો હું ખુશ થઈ ગયો. તેઓ મને મળવા આવ્યા હતા. તે દિવસે અમે બંને એકબીજાને બસ નિહાળતા જ રહી ગયા.
તે દિવસે પંડિતજીએ મને કહ્યું હતું- ધ્યાન રાખજે, બાબુજી તારું લોહીવાળું પેન્ટ ન જોઈ જાય, નહીં તો તેઓ ખૂબ જ દુઃખી થશે.
હું પણ પિતાજીને એ પેન્ટ બતાવવા માગતો નહોતો, પરંતુ વાત કરતા કરતા તેમની નજર મારા પેન્ટ પર પડી ગઈ. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મેં તેમને શાંત પાડવાની કોશિશ કરી. જતી વખતે તેમણે કહ્યું- શું થી શું થઈ ગયું, અમિત. આપણે ક્યાંથી ક્યાં આવી ગયા.
આ પછી પપ્પા દર મહિને મને મળવા આવતા. હું તેમને કહેતો કે મારો અભ્યાસ છૂટી ગયો છે. તેઓ કહેતા- કંઈ નહીં, તારી જાતને 12મું પાસ માની લે. પણ મારું દિલ માનતું નહોતું.
જેલમાં રોજ એક જ પાણીના સપ્લાય પાઈપથી અમે 100 થી વધુ કેદીઓ નહાતા હતા. સાંજ પડતા જ બધાને એક જગ્યાએ ઉભા કરી દેવામાં આવતા. ત્યાં વાતચીત થતી- ગુનાની, સજાની, અને સૌથી વધુ કાયદાની. મને લાગતું, આ જેલ નથી, પોતાની રીતે એક ચાલતી-ફરતી અદાલત છે. દરરોજ બેરેકમાં કોઈ નવો કેદી આવતો અને કાયદા પર નવી ચર્ચા છેડાઈ જતી. મારો કાયદાનો પ્રેક્ટિકલ અભ્યાસ ત્યાં જ થઈ ગયો હતો.
તે જ જેલમાં પશ્ચિમી યુપીના નામી-ગિરામી ગેંગસ્ટરો પણ બંધ હતા. તેઓ મને જોતા અને રોજ પોતાની ગેંગમાં સામેલ થવા માટે આમંત્રણ આપતા. તેમને લાગતું હતું કે મેં પોલીસના હથિયારો લૂંટ્યા છે. ખૂંખાર ગુનેગાર છું અને ભણેલો-ગણેલો પણ.
હકીકતમાં તેઓ ઇચ્છતા હતા કે હું તેમની ગેંગનો હિસાબ-કિતાબ- લૂંટ, જમાબંધી અને બાકીના કાગળિયાં કામ સંભાળું. પરંતુ પંડિતજીએ મને સમજાવ્યું હતું- અહીં જે જેવું બોલે, હા માં હા મેળવતા રહેવું. હું તે જ કરતો. બહારથી હામી ભરતો, અંદરથી ફક્ત એ જ વિચારતો- પોતાની જાતને નિર્દોષ કેવી રીતે સાબિત કરું.
ત્યાં મારી બેરેકમાં એક મોટા અધિકારી પણ બંધ હતા, જેનું નામ નથી લઈ શકતો. તેઓ મારી પાસે પત્રવ્યવહાર અને અરજીઓ લખાવતા હતા. તેમની સાથે રહેતા મને કાયદાકીય દાવપેચ અને કાયદાકીય ભાષાની ઊંડી સમજ થઈ ગઈ. એક દિવસ ત્યાં એક ગામના સરપંચ આવ્યા હતા. તેમની જ મદદથી મારી એક વકીલ સાથે વાત બની. તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં મારી જામીન અરજી આપી.
અને પછી 7 ફેબ્રુઆરી 2014ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મને જામીન મળી ગયા.
અહીંથી જ મારી કહાનીએ એક નવો વળાંક લીધો. મારી જેલમાંથી મુક્તિ થઈ રહી હતી. તે દિવસે જેલના લગભગ તમામ કેદીઓ મને ગેટ સુધી મૂકવા આવ્યા. કારણ સ્પષ્ટ હતું- હું તેમના લખવા-વાંચવાનું કામ કરતો હતો. જેલમાં બે ગેંગ ચાલતી હતી. બંનેની એકબીજા સાથે લોહિયાળ દુશ્મની હતી. પરંતુ મારી મુક્તિના દિવસે બંને ગેંગના કેદીઓ મને મૂકવા આવ્યા હતા.
તે જોઈને જેલર પણ હેરાન રહી ગયો હતો. તેણે પૂછ્યું- આજે એવો કયો માણસ છૂટી રહ્યો છે ભાઈ, જેને બે દુશ્મન ગેંગ એકસાથે મૂકવા આવી છે? બંને ગેંગના લોકોએ મને કહ્યું- જેલમાંથી બહાર જઈને ખૂબ નામ કમાજે. તું અમારો બાળક છે. સારા રસ્તે ચાલજે.
જેલમાંથી બહાર આવ્યા પછી હું મારા પિતાજી સાથે ઘરે ગયો. તે દિવસે મમ્મીએ મારો મનપસંદ મટર-પુલાવ બનાવ્યો હતો. ઘરના લોકોએ મને જણાવ્યું કે મારા જેલમાં ગયા પછી તેમણે કેટલું બધું સહન કર્યું. લોકોએ ખુલીને સામાજિક બહિષ્કાર તો નહોતો કર્યો, પણ પીઠ પાછળ કહેતા હતા- શું ખબર એમના છોકરાએ મર્ડર કર્યું હોય.
આ વાતો સાંભળી સાંભળીને માતા પરેશાન રહેતી હતી. તે મને કહેતી- બેટા, તું જામીન પર બહાર આવી ગયો છે. બસ આ કેસનો જે કલંક આપણા માથા પર લાગ્યો છે, તેને મિટાવી દે. અહીંથી જ હું વિચારવા લાગ્યો કે નિર્દોષ કઈ રીતે છૂટી શકાય. તે સમયે મમ્મીને ડર રહેતો હતો કે ક્યાંક કોઈ મને નુકસાન ન પહોંચાડી દે. તે ઈચ્છતી હતી કે હું ગામ છોડી દઉં.
ત્યારબાદ હું ગામ છોડીને ગુરુગ્રામમાં એક પરિચિત મિત્રને ત્યાં આવી ગયો. ત્યાં ગુજરાન ચલાવવા માટે હું કેલેન્ડર વેચતો હતો. સાથે જ એક વકીલ સાથે 3 હજાર મહિને ક્લાર્કનું કામ કરતો હતો.
ત્યાંથી 22 નવેમ્બર 2015ના રોજ હું પાછો મેરઠ આવ્યો. અહીંથી LLBમાં એડમિશન લીધું. ભણવાની ફી એકઠી કરવામાં મારા મિત્રોએ મદદ કરી. કોર્ટની દરેક તારીખ પર જવા માટે તેઓ મને 500 રૂપિયા ઉધાર આપતા હતા. પછી નાના-મોટા કામ કરીને તે ચૂકવી દેતો.
મારી કેટલીક ફી પણ એક મિત્રએ ભરી. ત્યારબાદ 2018માં મેં LLB પૂરું કર્યું. 2020માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી મેં LLM કર્યું. ત્યાં મારા રિસર્ચનો વિષય હતો- ભારતમાં કેદીઓના અધિકાર અને કારાગાર વ્યવસ્થાનો વિશ્લેષણાત્મક અભ્યાસ.
LLMની ફી યુપીના એક પીસીએસ અધિકારીએ ભરી, જેમનો પ્રેમ અને સહયોગ મને આજે પણ મળે છે.
હવે મારી અસલી જંગ શરૂ થાય છે. મેં અદાલતમાં પોતાની પેરવી કરવાની અરજી આપી. તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો. મેં અદાલત સામે પહેલો પુરાવો એ રાખ્યો- જે ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો, તેણે પોતાના નિવેદનમાં સાફ કહ્યું હતું- આ છોકરો ઘટનામાં સામેલ નહોતો.
પછી મેં બીજો મહત્વનો પુરાવો રજૂ કર્યો- આ ઘટના 12 ઓક્ટોબરની હતી. મારી 24 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી, જ્યારે ઘાયલ પોલીસકર્મીની તપાસ અધિકારીએ પૂછપરછ 12 નવેમ્બરે કરી હતી. મારો સવાલ સાફ હતો- ઘાયલ પોલીસકર્મીનું નિવેદન લીધા વગર મારી ધરપકડ કેવી રીતે કરી લેવામાં આવી?
એટલું જ નહીં, પોલીસે કાગળોમાં મારી ધરપકડ 3 નવેમ્બરે એક ફેક એન્કાઉન્ટરમાં બતાવી, જ્યારે હું 24 ઓક્ટોબરથી જ પોલીસ કસ્ટડીમાં હતો. હું આ વાત અદાલતમાં સાબિત કરવામાં સફળ રહ્યો.
આખરે, 27 સપ્ટેમ્બર 2023ના રોજ મને કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો.

(એડવોકેટ અમિત ચૌધરીએ પોતાના જઝબાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કર્યા છે)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















