Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA
  • Gujarati News
  • Bhaskar khaas
  • Skyliners
  • Skyliners Ahmedabad's Real Estate Evolution: From Bungalows To ₹12 20 Crore Ultra Luxury Apartments—Binori Group MD Rajesh Sharma On The City's Future And His Journey From A Small Hardware Shop

સ્કાયલાઇનર્સ-3
બીનોરી ગ્રુપ માટે હનુમાનજી કેમ ખાસ?:'પપ્પાની રેતી-કપચીની દુકાન હતી, અમદાવાદમાં સપનેય ખ્યાલ નહોતો કે આટલી ઊંચી બિલ્ડિંગ્સ બનશે ને કરોડોમાં વેચાશે'

અમદાવાદ10 મહિનો પેહલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

અમદાવાદમાં એક સમયે બંગલાઓ બનતા અને આજે લક્ઝુરિયસ ને અલ્ટ્રા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ બની રહ્યા છે. અમદાવાદનો ચારેય દિશાએથી વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં કોઈએ સપનેય વિચાર્યું નહોતું કે અપાર્ટમેન્ટ 12-20 કરોડના મળશે, પરંતુ આજે આ હકીકત છે. અમદાવાદના ફ્યૂચર

.

'રાજસ્થાનથી અમદાવાદની સફર' વાતની શરૂઆત કરતાં જ રાજેશ શર્મા કહે છે, 'આમ તો અમે મૂળ રાજસ્થાનના જયપુરથી થોડેક દૂર આવેલા ગામ લાલસોટના છીએ. મારા પપ્પા કૈલાશ શર્મા સૌ પહેલાં અમદાવાદ આવ્યા હતા. 1978માં તેમણે અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે હાર્ડવેર સેનિટરીની દુકાન 'બીનોરી ટ્રેડર્સ'ના નામથી શરૂ કરી હતી. મને આજે પણ યાદ છે કે અમે દુકાનમાં કપચી, ઇંટો, રેતી, ગ્રીડ, ચૂનો, નળ, બેસિન આવું બધું વેચતા હતા. પરિવારમાં હું ને મારો મોટો ભાઈ વિષ્ણુ શર્મા છે. બીનોરીના ફાઉન્ડર મારા પપ્પા જ છે.'

પરિવાર સાથે રાજેશ શર્મા (જમણેથી બીજા)
પરિવાર સાથે રાજેશ શર્મા (જમણેથી બીજા)

'ભગવાનની શ્રદ્ધાને કારણે નામ રાખ્યું બીનોરી' બીનોરી નામ અંગે રાજેશ શર્માએ જણાવ્યું, 'બીનોરી નામ રાખવા પાછળની સ્ટોરી પણ ભગવાનની આસ્થા સાથે જોડાયેલી છે. અમારા લાલસોટ ગામમાં બીનોરી બાલાજી હનુમાનજીનું મંદિર છે. અમે હનુમાનજીના ભક્ત છીએ અને આ જ કારણે અમે અમારી દુકાનનું ને પછી રિયલ એસ્ટેટમાં બીનોરી નામ રાખ્યું છે. ભગવાન સાથે જોડાયેલી શ્રદ્ધાને કારણે અમારી દરેકે દરેક સ્કીમમાં બીનોરી નામ તો અચૂકથી હોય જ છે. ભગવાનના આશીર્વાદ અમારી પર સદાય રહે તે માટે અમે બીનોરી નામ દરેક સ્કીમમાં પહેલા જ રાખીએ છીએ.'

લાલસોટ ગામમાં આવેલું બીનોરી બાલાજી હનુમાનજીનું મંદિર પરથી બીનોરી ગ્રુપનું નામ પડ્યું
લાલસોટ ગામમાં આવેલું બીનોરી બાલાજી હનુમાનજીનું મંદિર પરથી બીનોરી ગ્રુપનું નામ પડ્યું

'પપ્પાએ અલગ-અલગ બિઝનેસ કર્યા' રાજેશ શર્માએ પોતાની રિયલ એસ્ટેટની જર્ની અંગે વાત કરતાં કહ્યું, 'સાચું કહું તો હું રિયલ એસ્ટેટમાં આવીશ તે બિલકુલ નક્કી નહોતું. અમારી હાર્ડવેરની દુકાન હતી. હવે આ દુકાનમાંથી કેવી રીતે કન્સ્ટ્રક્શનની લાઇનમાં આવી ગયા તે જણાવું તો, હાર્ડવેરની દુકાનમાંથી પપ્પાએ કોટા-સ્ટોન-માર્બલનો બિઝનેસ શરૂ કર્યો. થોડા સમય બાદ તેમણે ધાબાં ભરવા માટે જે લોખંડના સળિયા હોય તેનો પણ બિઝનેસ કર્યો. આ જ કારણે હવે અમારી દુકાનમાં બિલ્ડર્સની ખાસ્સી એવી અવર-જવર વધી ગઈ. આ દરમિયાન કેટલાક બિલ્ડર્સ સાથે સારા સંબંધો સ્થપાયા. બિલ્ડર્સ સાથેના સંપર્કો બાદ પપ્પાને પણ થયું કે આપણે પણ રિયલ એસ્ટેટમાં કામ કરીએ. હવે, પપ્પા પાસે પૈસા તો હતા નહીં પણ હિંમત તો હતી તો તેમણે સૌ પહેલી સ્કીમ સેટેલાઇટ વિસ્તારમાં પ્રેમચંદ નગરની સામે બીનોરી અપાર્ટમેન્ટ લૉન્ચ કરી. હવે, પપ્પા ને મોટાભાઈ સ્કીમ સંભાળતા ને હું દુકાન ચલાવતો હતો. ધીમે ધીમે અમે આ બધા અનુભવો લીધા. હું તો એટલું જ કહીશ કે નીતિ સારી હોય તો ભગવાન તમને ચોક્કસથી મદદ કરે છે. હું આજે પણ માનું છું કે બધાં કામ પૈસાથી થાય તેવું જરૂરી નથી. મેં તો અનુભવ્યું છે કે ઘણીવાર પૈસા હોય તો પણ કામ થતું નથી. જીવનમાં એક જ સિદ્ધાંત રાખવો કે નીતિ સારી હોય તો સફળતા મળે છે.'

'બોપલમાં મારો પહેલો પ્રોજેક્ટ' પોતાના પહેલા પ્રોજેક્ટ અંગે રાજેશ શર્મા કહે છે, '2003માં બોપલમાં બીનોરી બંગલો મારો પહેલો પ્રોજેક્ટ હતો. આ પહેલા પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને બધું ઘણું જ સારું રહ્યું. આજની તારીખમાં પણ બીનોરી બંગલો ઘણા લોકોને ગમે છે. હવે વાત કરું તો, અમે બંને ભાઈઓ બીનોરીના નામથી જ અલગ-અલગ સ્કીમ કરીએ છીએ. એક સ્કીમમાં હું ને મોટાભાઈ પાર્ટનર છીએ. બાકી અમારી સેપરેટ સ્કીમ છે. અમારા બંને ભાઈઓએ બીનોરી નામ જ રાખ્યું છે, પરંતુ અમારો લોગો અલગ-અલગ છે. મારા લોગોમાં ભગવાન હનુમાનજીની ગદા છે ને ભાઈના લોગોમાં બિલ્ડિંગ છે. રિયલ એસ્ટેટ ઉપરાંત હું ફોર સ્ટાર હોટેલ બીનોરી પણ ચલાવું છું. લોગોમાં હનુમાનજીની ગદા રાખવાનું કારણ એ જ કે હનુમાનજીની કૃપા અમારી સ્કીમમાં રહેતા લોકો પર સદા વરસતી રહે.'

રાજેશ શર્માએ કહ્યું, મારો દીકરો ને દીકરા હાલમાં ભણે છે અને તેમની ઈચ્છા હશે તો આવશે. હું માનું છે કે બંનેને જેમાં રસ હશે તેમાં આગળ જશે અને પોતાનું બેસ્ટ આપે.
રાજેશ શર્માએ કહ્યું, મારો દીકરો ને દીકરા હાલમાં ભણે છે અને તેમની ઈચ્છા હશે તો આવશે. હું માનું છે કે બંનેને જેમાં રસ હશે તેમાં આગળ જશે અને પોતાનું બેસ્ટ આપે.

રિયલ એસ્ટેટનું કામ કેવી રીતે શીખ્યા? 'રિયલ એસ્ટેટની એબીસીડી કેવી રીતે શીખ્યો તે વાત કરું તો, મારી પાસે શરૂઆતમાં કોઈ પૈસા નહોતા પણ પપ્પાની દુકાને બેસતો થયો. લોકોને કામ કરતા જોયા, બિલ્ડર આવે, તેમની સાથે વાતો કરી...એમ કરીને ધીમે ધીમે નોલેજ આવ્યું. પપ્પાએ સ્કીમ કરી હતી તો તેમાં જતો. ટૂંકમાં કહું તો પ્રેક્ટિકલી મહેનત કરીને શીખીને રિયલ એસ્ટેટમાં કામ કર્યું.'

લોકોના મતે, કન્સ્ટ્રક્શનમાં ચિક્કાર પૈસા છે રાજેશ શર્મા કન્સ્ટ્રક્શન ફિલ્ડ અંગે લોકો શું માને છે તે અંગે વાત કરતાં સમજાવે છે, 'અત્યારે ઘણાને વિચાર આવે છે કે કન્સ્ટ્રક્શનમાં તો ચિક્કાર પૈસા છે, પરંતુ આ વાત સાચી નથી. તમને વોલ્યુમ મોટું લાગે છે. જમીનથી લઈ બાંધકામમાં બહુ મોટી રકમની જરૂર પડે અને સામે બુકિંગમાં પણ મોટી અમાઉન્ટ આવતી હોય છે. આ જ કારણે બધાને એવું લાગે, પરંતુ મોટું વોલ્યુમ હોય એટલે તેની સામે ખર્ચ પણ એટલો જ થતો હોય છે.'

'લગન ને મહેનત જરૂરી' 'અત્યારે રિયલ એસ્ટેટમાં પહેલાં કરતાં આવવું અઘરું છે. પૈસા હોય તો જ આવી શકાય એવું નથી. હું તો માનું છું કે જો આ ફિલ્ડમાં આવવું હોય તો પહેલાં રિયલ એસ્ટેટનું નોલેજ લો. ક્વોલિટી કામ કરતા આવડવું જોઈએ. માર્કેટનો સિનારિયો ખબર હોવી જોઈએ. કન્સ્ટ્રક્શનની એબીસીડી ત્યારે જ આવડે જ્યારે તમે આનું નોલેજ લો ને તેને અમલમા પણ મૂકો. આમ પણ જે-તે ફિલ્ડનું એજ્યુકેશન ને પ્રેક્ટિકલ એમ બંને નોલેજ જરૂરી છે. જો તમારી પાસે એજ્યુકેશન નથી તો તમારે પ્રેક્ટિકલ મહેનત કરવી પડશે અને નસીબનો સાથ હોવો જરૂરી છે. ડેસ્ટિની ક્યારેય સામે ચાલીને આવતી નથી. ડેસ્ટિની બધાએ પોતાની બનાવવાની છે. 5-10 વર્ષ એ લાઇન સાથે કનેક્ટ રહો અને નાના કામથી શરૂઆત કરો. ત્યારબાદ ધીમે ધીમે મોટા કામ કરો. અમેય શરૂઆત નાની-નાની સ્કીમથી કરી હતી. વ્યક્તિએ પહેલું પગથિયું ચઢીને પછી બીજું પગથિયું ચઢવું પડે. પહેલું ને પછી સીધું દસમું પગથિયું ચઢી શકાય નહીં. શરૂઆતમાં મંજિલ દૂર લાગે છે અને લોકો થાકી જાય છે અને અધવચ્ચે છોડી દે છે. આ ફિલ્ડમાં ધીરજ રાખીને મન મજબૂત કરીને મહેનત કરે જવાની છે.'

રાજેશ શર્મા ફોર સ્ટાર હોટલ બીનોરી પણ ચલાવે છે.
રાજેશ શર્મા ફોર સ્ટાર હોટલ બીનોરી પણ ચલાવે છે.

રાજેશ શર્માએ પોતાના લાઇફ મોટો અંગે એમ જણાવ્યું, 'સારાં સારાં ઘર બનાવું ને કસ્ટમર્સ ઘર લીધા બાદ એવું કહે કે મને આ ઘરમાં શાંતિ મળી અને આ બિલ્ડર સાથે મજા આવી. મને જ્યારે લોકોને ઘરમાં શાંતિ મળે તે જોઈને મને સાચે જ સુકૂન ને શાંતિ મળે છે. મને એવું છે કે હું બેસ્ટ ઘર બનાવીને આપું.'

'અમદાવાદનો હોરિઝોન્ટલને બદલે વર્ટિકલ વિકાસ થયો' અમદાવાદના વિકાસની વાત કરતાં રાજેશ શર્માએ સમજાવ્યું, 'પહેલાં અમદાવાદનો હોરિઝોન્ટલ ફેલાવો હતો. પહેલાં એવું નહોતું કે આટલી ઊંચી બિલ્ડિંગ બનશે, તેવો સપનેય કોઈને ખ્યાલ નહોતો. જ્યારથી વિકાસ થયો ત્યારથી અમદાવાદમાં હોરિઝોન્ટલને બદલે વર્ટિકલ ડેવલપમેન્ટ થયું. વર્ટિકલમાં નાની જગ્યામાં ઘણા બધા લોકો રહી શકે. હોરિઝોન્ટલમાં જગ્યાનો વપરાશ વધુ થાય અને લોકો ઓછા રહે. દુનિયાનાં કોઈ પણ ડેવલપ્ડ સિટીની વાત કરું તો, મોટાભાગે ત્યાં ડેવલમેન્ટ વર્ટિકલ જ હોય છે. અમદાવાદમાં આ જ થઈ રહ્યું છે. ઘણા ફેરફાર થઈ રહ્યા છે. અમદાવાદમાં જ્યાં નજર કરો ત્યાં ઠેર ઠેર સ્કીમ થતી જોવા મળે છે અને આ જોઈને દરેકના મનમાં એક જ સવાલ આવે છે કે આટલા બધા ફ્લેટ તો કોઈ ખરીદતું હશે? અમદાવાદમાં માઇગ્રેશન વધ્યું છે. ગુજરાત જ નહીં, પણ બહારનાં રાજ્યોના લોકો પણ અહીંયા આવી રહ્યા છે. માઇગ્રેશનની સામે હજી પણ ઘર ઓછાં બન્યાં હોવાનું લાગે છે.'

'અન્ય રાજ્યોના લોકોને રિટાયર્ડ લાઇફ અમદાવાદમાં પસાર કરવી છે' 'અમદાવાદનું ભવિષ્ય ઘણું જ બ્રાઇટ છે. અમદાવાદમાં મોટા મોટા પ્રોજેક્ટ્સ આવ્યા છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, સાણંદમાં ફેક્ટરી આવી. ફેક્ટરી-જૉબ હોય ત્યાં બાય ડિફોલ્ટ ડેવલમેન્ટ થવાનું જ છે. અમદાવાદમાં કામ જ એટલું બધું છે કે બહારથી લોકો આવે છે. આ લોકોને ગુજરાતની ભૂમિ એટલી બધી ગમી જાય છે કે એ લોકો પછી અમદાવાદમાં જ સેટલ થવાનું વિચારે છે. યુપી, બિહાર, રાજસ્થાન કે પછી સાઉથની વ્યક્તિ પણ એકવાર અમદાવાદ આવી જાય પછી તે અહીંયા જ સેટલ થવાનું વિચારે છે. તે રિટાયર્ડ લાઇફ પોતાના વતન કરતાં અમદાવાદમાં જીવવાનું વધારે પસંદ કરે છે. અમદાવાદમાં શાંતિ છે, અમદાવાદી લોકો સારા છે, ક્રાઇમ રેટ ઘણો ઓછો છે, ઉપરાંત દારૂબંધી હોવાથી મહિલાઓને સુરક્ષા-સલામતીનો અહેસાસ થાય છે. મેં અત્યાર સુધી ઘણા મકાનો વેચ્યાં અને ઘણા લોકોને રોજ મળું છું. હું ઘણાને પૂછું છું કે રિટાયર્ડ લાઇફ તમે કેમ તમારા વતનમાં પસાર કરતા નથી ને હવે અમદાવાદમાં રહેવું છે? સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે અમદાવાદમાં તો સૌરાષ્ટ્ર-મહેસાણા ને ગુજરાતના જ લોકો આવતા હશે, પરંતુ અમારી આંબલી સ્કીમમાં કોલકાતાના ઘણા લોકોએ ઇન્ક્વાયરી કરી. એ લોકો ચોખ્ખું કહે છે કે અમારે કેટલાંક કારણોસર શિફ્ટ થવું પડે એમ છે અને શિફ્ટ તો અમારે ગુજરાતમાં જ થવું છે અને ખાસ તો અમદાવાદમાં આવવું છે. મારી માતૃભૂમિ અમદાવાદ છે. અમદાવાદમાં માઇગ્રેશન દિવસે દિવસે વધ્યું છે. અત્યારે એવું કહેવાય છે કે કોમનવેલ્થને કારણે તેજી આવશે, પણ જો કદાચ કોમનવેલ્થ ના હોત તો પણ તેજી તો આવવાની જ છે. કોમનવેલ્થને કારણે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે. અલગ-અલગ હોટેલ ને બિલ્ડિંગ્સ ને સ્ટેડિયમ બનશે. આ જ કારણે પૈસા આવશે અને તેનાથી વિકાસ વધશે. શહેરને સારું બનાવવાની જવાબદારી માત્ર સરકારની નહીં, પરંતુ ત્યાં રહેતી પ્રજાની પણ છે.'

'અમદાવાદ અન્ય શહેરોની તુલનામાં સસ્તું' રાજેશ શર્મા માને છે, 'અત્યારે ઘર ખરીદવાનો બેસ્ટ ટાઇમ છે. છેલ્લાં ચારેક વર્ષમાં જમીનના જેટલા ભાવ વધ્યા તેટલા કન્સ્ટ્રક્શનમાં વધ્યા નથી. લોકો મોંઘું વિચારીને લેતા નથી, પણ મારા મતે અત્યારે આ ઘણું જ સસ્તું છે. બીજાં રાજ્યોની તુલનામાં અમદાવાદ સસ્તું છે. અત્યારે સારા લોકેશનમાં ઘર થોડું ઘણું સસ્તું મળી જશે. અમદાવાદ મોઘું થયું જ નથી. રિઝનેબલ રેટમાં સારાં સારાં મકાનો મળી રહે છે. સામાન્ય રીતે જમીન પ્રમાણે ફ્લેટની કિંમત નક્કી થતી હોય છે. હાલમાં સ્ક્વેર ફૂટ ભાવની વાત કરું તો અંદાજે આંબલીમાં 9000 હજાર, સેટેલાઇટમાં 7500-7000 હજાર, વૈષ્ણોદેવી સાઇડ 6500-5000 હજાર, અફોર્ડેબલ સ્કીમમાં સામાન્ય રીતે 3800-4000ની આસપાસ મકાનના ભાવ ચાલે છે. હાલમાં મોટાભાગે અમદાવાદમાંએ રેટ ફિક્સ થઈ ગયો છે પણ જમીનના ભાવ પ્રમાણે થોડું ઘણું વધઘટ થઈ શકે છે. અમદાવાદમાં હાલમાં 12 હજાર રૂપિયા સૌથી હાઇએસ્ટ ભાવ છે, જ્યારે મુંબઈ જેવાં શહેરોમાં સ્ક્વેર ફૂટનો ભાવ 30 હજારથી લઈ 50 હજાર છે. અમદાવાદની બિલિયોનર સ્ટ્રીટમાં હાલમાં સારા સારા ફ્લેટ બની રહ્યા છે. બિઝનેસમેન ને હાઇફાઇ પબ્લિક ત્યાં રહેવા આવે છે અને આ જ કારણે બિલિયોનર સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું.

'બંગલાને બદલે પ્રીમિયમ ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે' અમદાવાદમાં દિવસે દિવસે લક્ઝુરિયસ ફ્લેટનું પ્રમાણ વધી રહ્યું છે. રાજેશ શર્મા કહે છે, 'માત્ર લક્ઝુરિયસ નહીં પણ અફોર્ડેબેલ ફ્લેટ પણ વધ્યા જ છે. અમદાવાદમાં ડેવલમેન્ટ થવાને કારણે ચારે બાજુ ફ્લેટ બનતા હોય તેવું દૃશ્ય ઊભું થયું છે. અમદાવાદમાં 15 કરોડ ને 20 કરોડના ફ્લેટ વેચાય તેવું તો કોઈએ ધાર્યું નહોતું. અમદાવાદને મારા મતે તો મેટ્રો જ ગણાય, બસ સરકારે જાહેર નથી કર્યું. લક્ઝરી અપાર્ટમેન્ટમાં બધું જ પ્રીમિયમ ક્વૉલિટીનું હોય છે. કોસ્ટ નક્કી કરતી વખતે જમીનનો ભાવ, બાંધકામનો ભાવ, નફો ઉમેરીને ફ્લેટ વેચાય. લક્ઝરી અપાર્ટમેન્ટમાં લોકો પોતાની રીતે મોંઘી મોંઘી એક્સેસરીઝથી સજાવટ કરતા હોય છે. આ લોકો માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. અમદાવાદમાં આજે તો એક કરોડથી લઈને 25 કરોડના ફ્લેટ મળી રહ્યા છે. હા, એ વાત છે કે આજે અમદાવાદમાં બંગલા બનાવવા મુશ્કેલ છે. બંગલો બનાવવું મોઘું થયું છે. ફ્લેટ વધી રહ્યા છે. ફ્લેટમાં સેફ્ટી હોવાથી વાંધો આવતો નથી. બંગલાના ક્રેઝને બદલે અમદાવાદીઓમાં લક્ઝુરિયસ ફ્લેટનો ટ્રેન્ડ વધ્યો છે. સંતાનો વિદેશમાં છે ને મા-બાપ એકલા હોવાથી હવે મોટાભાગના બંગલા વેચી વેચીને ફ્લેટમાં શિફ્ટ થઈ રહ્યા છે. બંગલો જેવી ફીલિંગ આવે તે માટે તેઓ પ્રીમિયમ ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે.'

રાજેશ શર્મા સ્પષ્ટ રીતે કહે છે, રેરામાં રજિસ્ટ્રેશન જોયા બાદ જ ફ્લેટ બુક કરાવવો જોઈએ.
રાજેશ શર્મા સ્પષ્ટ રીતે કહે છે, રેરામાં રજિસ્ટ્રેશન જોયા બાદ જ ફ્લેટ બુક કરાવવો જોઈએ.

ઘર લેવામાં શું કાળજી રાખવી? 'પ્રોપર્ટી લેવામાં બિલ્ડરની છાપ, કેટલા પ્રોજેક્ટ કેવા કર્યા, પઝેશન ક્યારે આપ્યું, બેકગ્રાઉન્ડ ચેક કરવું. તમે જ્યારે કાર લેવા જાવ છો કેટલી તપાસ કરો છો તે જ રીતે ઘર માટે કરો. ટ્રેક રેકોર્ડ તપાસો, પ્લાન જુઓ. આજે ઘણા બિલ્ડર્સ માત્ર ક્વૉલિટી કામ જ કરે છે. હવે રિયલ એસ્ટેટમાં મારે આના કરતાં વધુ સારું કામ કરવાની કોમ્પિટિશન છે. ઘર ખરીદવાનો આ રાઇટ ટાઇમ છે. આમાં તો મોડું કરવું ના જોઈએ. અમદાવાદમાં ઘણી સ્કીમ છે. અમદાવાદમાં મંદી આવશે ને ભાવ ડાઉન થશે તો તે ભૂલ છે. દસ વર્ષ પહેલાં ભાવ ઓછો હતો અને અત્યારે વધારે છે. થોડા સમય પહેલાં સ્નેહાંજલિને કારણે અમનેય આંચકો લાગ્યો. હું તો એટલી જ સલાહ આપીશ કે વકીલને ડોક્યુમેન્ટ બતાવો. રેરા રજિસ્ટ્રેશન બાદ જ ફ્લેટ બુક કરાવો. ટાઇટલ ચેક કરો. હાલ તો નવી જનરેશનને કારણે સારા સારા બિલ્ડર્સ જ કામ કરી રહ્યા છે અને તેઓ આવું કંઈ જ કરતા નથી.'

'ભૂકંપનો મુશ્કેલ સમય પણ કાઢ્યો' રાજેશ શર્મા ભૂકંપના મુશ્કેલ દિવસો યાદ કરીને કહે છે, 'ભૂકંપ આવ્યો ત્યારે અમે ફ્લેટમાં જ રહેતા હતા. પહેલાં તો ખબર જ ના પડી કે આખરે આ શું થઈ રહ્યું છે? આંચકો આવતાં અમે લોકો તરત નીચે ઊતર્યા. પછી ખ્યાલ આવ્યો કે આ તો ભૂકંપ છે. પછી તો અમદાવાદમાં બિલ્ડિંગ્સ પડી ગયાની વાતો સાંભળી. તરત જ મનમાં વિચાર આવ્યો કે અમે પણ બિલ્ડિંગ્સ બનાવી છે. ભગવાનની કૃપાથી અમે નીતિ પ્રમાણે કામ કર્યું હતું એટલે અમારા બિલ્ડિંગ્સને કોઈ નુકસાન થયું નહોતું. અમે અર્થક્વેકનો મુશ્કેલ સમય પણ કાઢી નાખ્યો.'

‘કોરોનામાં ઘરની અંદર જ બેસી રહ્યા. તે સમયે તો કંઈ કામ જ નહોતું કર્યું. ખરાબ પરિસ્થિતિમાંથી આપણે ને દેશ બહાર નીકળ્યા. હું તો માનુ છું કે કંઈક ખરાબ વસ્તુ થાય પછી ભગવાન સારું કરવાની ડબલ તાકાત આપે જ છે. ભગવાન જ્યારે જ્યારે તકલીફ આપે ત્યારે તે ત્યાં ઝડપથી સુખ આપતો હોય છે. કોરોના બાદ લોકોની માનસિકતા, વિચારશક્તિ, લાઇફસ્ટાઇલ ને સ્વભાવ બદલાયો.’

રાજેશ શર્માએ જણાવ્યું, અમારી જનરેશને બધું જ જોઈ લીધું. સાદા ટેલિફોનથી પેજરથી લઈ સ્માર્ટફોન જોયા. ટેક્નોલોજી પણ બદલાતી જોઈ.
રાજેશ શર્માએ જણાવ્યું, અમારી જનરેશને બધું જ જોઈ લીધું. સાદા ટેલિફોનથી પેજરથી લઈ સ્માર્ટફોન જોયા. ટેક્નોલોજી પણ બદલાતી જોઈ.

'તેજી-મંદીનું ગણિત' રિયલ એસ્ટેટના તેજી-મંદીના ગણિત અંગે રાજેશ શર્માએ સમજાવ્યું, 'તેજી-મંદી સિક્કાની બે બાજુ જેવી છે. તમારે તો બસ કામ સારું કરવાનું છે. હું તો માનું છું કે તેજી એટલે કે એક જ દિવસમાં 10 મકાનો વેચાય તેના કરતાં ધીમે ધીમે વેચાય તે વધારે સારું છે. મારું માનવું છે કે બિલ્ડિંગ જેમ જેમ બને ને તેમ તેમ વેચાય તે વધારે સારું. આ જ કારણે વ્યક્તિ ઓવર ટ્રેડિંગ કરશે નહીં. અમદાવાદમાં ક્યારેય મંદી આવી નથી. હું હાલના સમયને જ એક્ચ્યુઅલ માર્કેટ તરીકે જોઉં છું. બિલ્ડરની ઇમેજ, શાખ સારી હોય તો બુકિંગ સ્પીડમાં થાય છે. નવા લોકો હોય તો થોડી વાર લાગતી હોય છે.'

'હતાશા તો આવે ને જાય' 'હતાશા તો જીવનમાં આવતી-જતી રહે અને તેમાંથી બહાર પણ જાતે જ આવવાનું હોય છે. ભગવાન પર આસ્થા ને શ્રદ્ધા રાખવાની એટલે ક્યારેય વાંધો આવે નહીં. જે પણ થાય નિયત બગાડ્યા વગર કોઈને તકલીફ ના થાય તેમ જીવવાનું છે ને કામ કરવાનું છે,' તેમ રાજેશ શર્મા માને છે.

'સેફ્ટી સાથે મકાનો બની રહ્યાં છે' રાજેશ શર્મા સ્વીકારે છે, ‘હવે આગ ને ભૂકંપને લગતા નિયમો ઘણા જ સ્ટ્રિક્ટ થયા છે, આ જ કારણે લોકોએ ડરવાની બિલકુલ જરૂર જ નથી. જાપાનમાં પણ અવાર-નવાર ભૂકંપ આવે છે અને ત્યાં પણ ઊંચી ઊંચ બિલ્ડિંગ્સ તો છે જ ને. ત્યાં પણ કોઈને ડર નથી જ લાગતો. અમદાવાદમાં પણ બધા ડેવલપર પૂરતા પ્રિકોશન ને સેફ્ટી સાથે ફ્લેટ બનાવી રહ્યા છે. લોકોએ મનમાં રહેલા ડરને દૂર કરવાની જરૂર છે.’

('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે ચોથા એપિસોડમાં જાણો, યશ બ્રહ્મભટ્ટે કેવી રીતે 'શિલ્પ' એમ્પાયર ઊભું કર્યું…)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links