Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

રામની 15 કથા
પાર્ટ-1...કાશ્મીરી પંડિતો વિના વેરાન છે રાજા રામના પહાડ:ઓડિશાના આદિવાસીઓને સીતાનો શ્રાપ, બંગાળમાં 25 રામાયણ

સંધ્યા દ્વિવેદી/ વૈભવ પલનીટકર3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

રામ સર્વત્ર છે. એવી જ રીતે રામની કથાઓ પણ સર્વત્ર છે. દેશ, રાજ્ય અને ભાષાઓ બદલાય છે અને તેની સાથે રામની વાર્તાઓ અને પાત્રો પણ બદલાય છે, પણ રામ એ જ રહે છે. કાશ્મીરના સીતા કુંડ અને રાજા રામ કી લડીથી લઈને ઓડિશાના રામેશ્વર પહાડ અને પશ્ચિમ બંગાળના અયોધ્યા

.

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા છે. આ પ્રસંગે અમે ભાસ્કરની વિશેષ સિરીઝ લાવ્યા છીએ 'રામની 15 કથા'. આ વાર્તાઓ અમે કાશ્મીર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આસામ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા ભારતીય રાજ્યોમાંથી શોધીને લાવ્યા છીએ. આ ઉપરાંત નેપાળ, તિબેટ, તુર્કીસ્તાન, કંબોડિયા, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં ફેલાયેલી રામકથાઓ પણ તમારા સુધી પહોંચાડી રહ્યા છે.

આજે આ સિરીઝના પ્રથમ એપિસોડમાં વાંચો કાશ્મીર, બંગાળ અને ઓડિશાની રામ કથા…

કાશ્મીરી પંડિત ચાલ્યા ગયા, સીતા કુંડ વેરાન થયો ઉત્તર કાશ્મીરનો કુપવાડા જિલ્લો ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા એટલે કે LoCથી થોડાક કિલોમીટર પહેલા આવે છે. મુખ્ય શહેરથી 25 કિમી આગળ જઈએ તો ફરકિન નામનું ગામ આવે છે. આ એક પહાડી ગામ છે, અહીં સીધા ગાડી દ્વારા પહોંચી શકાતું નથી. 4 કિમીની ઊભી ચઢાણ અને પગપાળા જ પહોંચવું પડશે.

ફરકિન ગામની ટોચ પર પહોંચ્યા પછી તેમ ચારેય બાજુથી ટેકરીઓથી ઘેરાઈ જાઓ છો. ગામની મોટાભાગની વસતિ પહાડી ગુર્જર-બકરવાલ મુસ્લિમ છે. જો કે, મુસ્લિમ લોકો હજુ પણ આ પર્વતોને 'રાજા રામ કી લડી' કહે છે.

પહાડોના સાંકડા રસ્તા પર થોડે આગળ વધ્યાં પછી એક કુંડ દેખાય છે. આ કુંડનું નામ સીતા સર એટલે કે સીતાનું કુંડ છે. કુંડની બાજુમાંથી જ ગ્રે ખડકોનો કાટમાળ જોવા મળે છે. આ એક જૂની ઇમારતના અવશેષો છે. એક કે બે થાંભલા હજુ પણ ઊભા છે અને પથ્થરો પર કાળજીપૂર્વક કાપવાના નિશાન છે. અમને ઉત્તર કાશ્મીરના એક દૂરના વિસ્તારમાં રામ-સીતા મળી ગયા છે.

76 વર્ષના વૃદ્ધ મોહમ્મદ સમંદર શેખે પોતાનું આખું જીવન ફરકિનમાં વિતાવ્યું છે. 'રાજા રામ કી લડી' અને 'સીતા સર' વિશે પૂછતાં જ પોતાનું બાળપણ યાદ આવવા લાગે છે. તેઓ કહે છે, 'જ્યારે કાશ્મીરી પંડિતો અહીં રહેતા હતા. તેઓ અવારનવાર સીતા સર કુંડમાં આવતા હતા.'

'તેઓ અમને કહેતા કે અહીં સીતા માઈ રહેતી હતી. રામ અને સીતાએ તેમનો વનવાસ અહીં વિતાવ્યો હતો. રાજા રામ અહીંના રાજા હતા અને તે દરમિયાન આ તેમનું ઘર પણ હતું.'

સ્થાનિક લોકોનું માનવું છે કે કુંડ નજીકથી જ રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું.

કાશ્મીરી સંસ્કૃતિનો ભાગ છે રામ-સીતાની વાર્તાઓ પોતાના લાકડાના ઘરની બારી પાસે બેસીને પહાડો તરફ જોતા સમંદર શેખ કહે છે, 'મને બરાબર યાદ છે કે 40 વર્ષ પહેલાં સુધી અહીં કાશ્મીરી પંડિતો આવતા હતા. તેઓ સીતા કુંડ પાસે પીકનીક કરતા અને ભોજન લેતા હતા. અમે પણ તેમની સાથે ત્યાં બેસતા અને તેઓ અમને વાર્તાઓ સંભળાવતા હતા.'

કુપવાડાના આ વિસ્તારના સ્થાનિક લોકો કહેતા અચકાતા નથી કે રામ સાથે જોડાયેલી યાદો અને વાર્તાઓ કાશ્મીરી સંસ્કૃતિનો એક ભાગ છે.

આ પછી જમ્મુમાં અમારી મુલાકાત બ્રજનાથ બેતાબ સાથે થાય છે. તે કાશ્મીરી પંડિત છે. ઘાટીમાં સ્થળાંતર કરતા પહેલા તેમનો પરિવાર અનંતનાગમાં રહેતો હતો. બેતાબ લેખક અને પત્રકાર છે. તેમણે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય સાથે મળીને કાશ્મીરમાં રામ અને રામાયણ પર રિસર્ચ પણ કર્યું છે.

હિન્દુ-મુસ્લિમો માને છે કે રામ-સીતાએ કાશ્મીરમાં વનવાસ વિતાવ્યો બેતાબ જણાવે છે કે, 'કાશ્મીરના લોકોમાં એવી માન્યતા છે કે રામ, સીતા અને લક્ષ્મણ તેમના વનવાસ દરમિયાન કાશ્મીર આવ્યા હતા. કાશ્મીરમાં એવા ઘણા સ્થળો છે, જે રામ-સીતા અને વનવાસ સાથે જોડાયેલા છે. આ સ્થાનો આજે પણ મુસ્લિમોમાં આ જ નામથી પ્રખ્યાત છે.'

બેતાબ વધુમાં જણાવે છે કે, 'પહેલાનું ભૌગોલિક કાશ્મીર અને આજનું કાશ્મીર અલગ છે. પહેલા કાશ્મીર ઘણું મોટું હતું. રાજતરંગિણીમાં કાશ્મીરના ઈતિહાસની વિશે સૌથી પ્રાચીન અને પ્રમાણિક માહિતી છે.'

આ પુસ્તકમાં કલ્હણે એક વાર્તા સંભળાવી છે, બીજી સદીમાં રાજા દામોદરના શાસનકાળમાં કેટલાક સાધુઓ રાજા પાસે ગયા અને તેમને ભોજન કરાવવા વિનંતી કરી. રાજાએ ઋષિઓને કહ્યું કે મેં હજી સ્નાન કર્યું નથી અને તેમને ખવડાવી શકીશ નહીં.

'સાધુઓએ કહ્યું કે રાજન સ્નાન કરવામાં તમને સમય લાગશે. રાજાએ સાધુઓને પાખંડી ગણીને તેમને ત્યાંથી જવા કહ્યું. આનાથી તેઓ ગુસ્સે થઈ ગયા. સાધુઓએ રાજાને શ્રાપ આપ્યો. રાજાએ માફી માગી ત્યારે સાધુઓએ કહ્યું, 'તમે 24 કલાકમાં આખી રામાયણનો પાઠ કરશો.'

'રાજતરંગિણી ગ્રંથ બીજી સદીમાં લખવામાં આવ્યો હતો અને તેમાં કાશ્મીરના પ્રદેશમાં રામાયણનો ઉલ્લેખ છે. શમિન્દ્રએ 8મી સદીમાં રામાયણ મંજીરી લખી હતી, તેમાં રામ-સીતાની વાર્તા પણ છે. રાજા લલિતાદિત્યની એક વાર્તા છે. તેઓ શિકાર કરવા ગયા હતા. તેમણે બે છોકરીઓને જોઈ જે નૃત્ય કરી રહી હતી. જ્યારે રાજાએ છોકરીઓને પૂછ્યું તો તેઓએ કહ્યું કે તેઓ અહીં દરરોજ નૃત્ય કરે છે, પછી તે બંને ગાયબ થઈ ગઈ.'

'લલિતાદિત્યને એ જગ્યા ખાસ લાગી. તેમણે ત્યાં ખોદકામ કરાવ્યું. એ જગ્યાએ એક મંદિર નીકળ્યું. મંદિરમાં પ્રતિમાઓ મળી આવી. મૂર્તિ પર લખેલું હતું કે આ ભગવાન રામે સ્થાપિત કરાવી છે. લગભગ 6 વર્ષ પહેલા એક મૂર્તિ મળી હતી જેમાં રામ, લક્ષ્મણ અને સીતા છે. આ પ્રતિમા SPS મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.'

કાશ્મીરના બડગામમાં સીતાહરણ નામનું ગામ બેતાબ કાશ્મીરના અન્ય ઘણા સ્થળો વિશે જણાવે છે, જ્યાં રામ અને સીતાના અસ્તિત્વની વાર્તાઓ છે. તે કહે છે, 'રફિયાબાદ નામનો વિસ્તાર છે, જ્યાં કુશીપોરા છે અને રામ કે કાન નામની જગ્યા છે. બડગામમાં કનસેટપુર અથવા કંચેટપુરા નામની જગ્યા છે. કાશ્મીરી ભાષામાં કનસેટનો અર્થ થાય છે કાપેલા કાન.’

'અહીં સુથારણ નામનું એક ગામ છે, જેનો સ્થાનિક ભાષામાં અર્થ સીતાહરણ થાય છે. કાશ્મીરમાં રામાયણની 8-9 આવૃત્તિઓ છે, આ કાશ્મીરી, દેવનાગરી અને ફારસી ભાષાઓમાં લખાયેલી છે.’

બેતાબે અમને કહ્યું પછી અમે બડગામ પહોંચ્યા. બડગામ જિલ્લાના સુથારણ ગામમાં ગયા. અહીંની વસ્તી લગભગ 4 હજાર છે. પહેલા કાશ્મીરી પંડિત પરિવારો પણ અહીં રહેતા હતા, પરંતુ તેમના સ્થળાંતર પછી હવે માત્ર મુસ્લિમો જ બચ્યા છે.

સરપંચ અબ્દુલ રશીદ લોન કહે છે, 'ગામના લોકો માને છે કે રામે પોતાનો વનવાસ અહીં વિતાવ્યો હતો. ગામની આસપાસના પર્વતનું નામ રામુનહર છે. પર્વતની ટોચ પર ખડકોથી બનેલી જગ્યા છે, જેને રામનું ઘર માનવામાં આવે છે. પર્વતની તળેટીમાં સીતા નાગ છે. નાગ એટલે કાશ્મીરી ભાષામાં પાણીનો સ્ત્રોત.’

અબ્દુલ રશીદ લોન વધુમાં કહે છે, 'આસપાસના તમામ ગામો સીતા નાગનું પાણી પીવે છે. રામુનહર પર્વતની ટોચ પર જવાનો રસ્તો ઉનાળામાં ખુલ્લો હોય છે, પણ શિયાળામાં આ રસ્તો હિમવર્ષાને કારણે બંધ થઈ જાય છે.' એટલામાં ગામમાં રહેતા લંબરદાર ગુલામ મોહમ્મદ શેખ આવે છે. તેઓ કહે છે, 'હું સીતા ચશ્મા અથવા કહો કે સીતા કુંડ પાસે જ રહું છું.'

શેખ અમને આખા વિસ્તારની મુલાકાતે લઈ જાય છે. રામનુહર પર્વતનો રસ્તો બતાવતા શેખ કહે છે, 'ટોચ પર પથ્થરની બનેલી ઓરડી છે. અમે માનીએ છીએ કે જ્યારે રામજીએ પર્વતની ટોચ પરથી એક પથ્થર ફેંક્યો, ત્યારે એક તળાવ બન્યું. માતા સીતા અહીં સ્નાન કરવા આવતા હતા અને અહીંથી જ તેમનું હરણ કરવામાં આવ્યું હતું. મોહમ્મદે તે પથ્થર પણ બતાવ્યો જેના વિશે માન્યતા છે.’

જ્યારે અમે જવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે મોહમ્મદ એમ પણ કહે છે, લોકો ગમે તે કહે, અમને એ વાતની ખુશી છે કે અમારા ગામનું નામ સીતાજીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ઓડિશાના મંદિરોની દિવાલો પર રામકથાઓ પથરાયેલી છે કાશ્મીરમાં રામની વાર્તાઓ શોધીને પછી અમે ઓડિશા પહોંચ્યા. અહીં પણ રામની વાર્તાઓની ઘણી આવૃત્તિઓ જોવા મળે છે. સૌ પ્રથમ અમે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઓડિશા તરફ વળ્યા. અહીં અમે અધિક્ષક પુરાતત્વવિદ્ ડૉ. ડી.બી. ગણનાયકને મળ્યા.

તેઓ કહે છે, 'રામાયણના મજબૂત પુરાવા માત્ર ઓડિશાની લોકવાયકામાં જ નહીં પરંતુ પુરાતત્વમાં પણ જોવા મળે છે. અહીં ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓમાં મૃગમાયાના શિકાર અને સીતાના હરણની કથાઓ સ્પષ્ટપણે જોવા મળે છે.’

ગણનાયક આગળ કહે છે, 'દેવી કા બારહી મંદિર, સુવર્ણ જલેશ્વર મંદિર, સિંહનાથ મંદિર રામકથાની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ છે. આ 1400-1500 વર્ષ જૂના છે અને એવા પુરાવા છે કે તે સમયે પણ રામ અહીં સામાન્ય લોકોમાં હાજર હતા. આ મંદિરોમાં રામકથાને પથ્થરોમાંથી સુંદર રીતે કોતરવામાં આવી છે.’

સિંહનાથ મંદિર જ્યાં રામ-સીતા-લક્ષ્મણે શિવલિંગની સ્થાપના કરી હતી ડૉ. ડી.બી. ગણનાયક સાથે વાત કર્યા પછી, અમે ભુવનેશ્વરથી લગભગ 75 કિમી દૂર કટક જિલ્લાના ગોપીનાથપુર ગામમાં બદમ્બામાં આવેલા સિંહનાથ મંદિરે પહોંચ્યા.

ઓડિશાની સૌથી પવિત્ર મહાનદી પર બનેલા આ મંદિરના પૂજારી લોકમણિ રાણા કહે છે, 'આ મંદિરના શિવલિંગની સ્થાપના લક્ષ્મણે કરી હતી. વનવાસ દરમિયાન રામ, લક્ષ્મણ અને સીતા અહીંથી પસાર થયા હતા. સીતાને તરસ લાગી. રામે તીર માર્યું અને એક તળાવ બન્યું. સીતાએ પાણી પીધું. તેમની તરસ છીપાઈ ગઈ. તેમણે અહીંથી ત્રણ કિમી દૂર શિવલિંગની સ્થાપના કરી હતી. તેમનું નામ પડ્યું વૈદ્યનાથ.’

પૂજારીની કથા અનુસાર ત્રિકુટ નામનો વિસ્તાર રામની કથાનો એક ભાગ રહ્યો છે. પૂજારીએ કહ્યું, ત્રિકુટમાં શિવના 3 મંદિરો છે. મેં અગાઉની વાર્તા કહી. બીજી વાર્તા એ છે કે જ્યારે સીતાએ શિવલિંગની સ્થાપના કરી ત્યારે રામે પણ વિચાર્યું કે હું પણ શા માટે શિવલિંગની સ્થાપના ન કરું. રામે ત્યાંથી 3 કિલોમીટર દૂર શિવલિંગની સ્થાપના પણ કરી હતી. તે મંદિરનું નામ રામનાથ પીઠ છે.’

પૂજારી આગળ કહે છે, 'સૌથી પ્રસિદ્ધ મંદિર સિંહનાથ છે, પરંતુ ત્રણેય શિવના પીઠ છે. સિંહનાથ કદાચ સૌપ્રથમ બાંધવામાં આવ્યું હતું અને પ્રખ્યાત થયું કારણ કે તે મહાનદી પર છે. ત્રણેય મંદિરો એકબીજાથી 3 કિલોમીટર દૂર છે, ત્રણેય મળીને ત્રિકુટ બનાવે છે.’

રામનાથ અને વૈદ્યનાથ મંદિર સિંહનાથ પછી અમે વૈદ્યનાથ મંદિર પહોંચ્યા. પૂજારીઓ પણ અમારી સાથે હતા. રામનાથ મંદિરથી નીકળતી વખતે અમે 80 વર્ષના સાધુ પદ્મનાભને મળ્યા. પદ્મનાભ બોલ્યા, 'સામે જે માટીનો પહાડ દેખાય છે, તેમાં ન તો કોઈ પથ્થર છે કે ન તો કોઈ મૂળ. રામના આદેશથી હનુમાન તેને રામેશ્વરથી લાવ્યા હતા.’

વાસ્તવમાં, જ્યારે રામે અહીં શિવલિંગ સ્થાપિત કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પહેલા રેતીનું શિવલિંગ બનાવ્યું પણ તે તૂટી જતું હતું. તેમણે હનુમાનને રામેશ્વરથી શિવલિંગ લાવવા કહ્યું. હનુમાન તો હનુમાન હતા, તેઓ આખો પર્વત જ લઈ આવ્યા. તેમાં બે શિવલિંગ હતા. એકની રામનાથમાં સ્થાપના કરવામાં આવી હતી અને એક તેની સામે, જ્યાં હવે દુર્ગા મંદિર છે.’

રામના તીરથી સીતા કુંડની રચના અમે કાશ્મીરમાં બે સીતાકુંડ જોઈ ચૂક્યા છીએ. કટકમાં પણ એક છે. 80 સીડીઓ ચડીને અને પછી લીસા પથ્થરોથી બનેલો ઉબડખાબડ રસ્તો ઓળંગીને અમે સીતા કુંડ પહોંચ્યા.

ઊંચાઈએ પહોંચ્યા પછી, પૂજારી કુલમણિ અટકી ગયા. એક નાનો કુંડ બતાવ્યો અને કહ્યું, બસ બસ આ જ છે. પહેલા તે મોટો હતું, હવે તે નાનો થઈ ગયો છે. તે વરસાદમાં સંપૂર્ણપણે ભરાઈ જાય છે. તળાવની સામે એક પથ્થરની મૂર્તિ હતી, જેના વિશે પૂજારીએ કહ્યું કે તે સીતાની છે.

મયુરભંજઃ જ્યાં રામના પદચિહ્ન છે કટકમાં રામના નિશાન અને રામની કથાનું અન્વેષણ કર્યા પછી અમે રામતીર્થ જવા નીકળ્યા. તે મયુરભંજ જિલ્લાના જશીપુર બ્લોકમાં છે. કટકથી લગભગ 250 કિલોમીટર દૂર સિમલીપાલમાં રામતીર્થનું ટાઈગર રિઝર્વ પણ ખૂબ પ્રખ્યાત છે.

અહીં રામને લગતી લોકકથાઓની ભરમાર છે. અહીંના સ્થાનિક રહેવાસી પશુપતિ અમને ખૈરી નદી પાસે પર લઈ ગયા, જ્યાં રામના પગના નિશાન હોવાનો દાવો કરવામાં આવે છે.

કથા અનુસાર વનવાસ દરમિયાન જ્યારે રામ આ જગ્યાએથી પસાર થયા ત્યારે તેમણે પગના નિશાન રહી ગયા હતા. પથ્થરો પર પગની છાપ પણ છે, પરંતુ તે એક ફૂટ કરતાં મોટી છે.

રામનો પગ આટલો મોટો કેમ હતો? પૂછવા પર પશુપતિએ કહ્યું, 'રામ ત્રેતાયુગના હતા. તેમનો જન્મ લગભગ 5000 વર્ષ પહેલા થયો હતો. તે સમયે માણસો 15-17 ફૂટ ઊંચા હતા એટલે પગ એક ફૂટનો થયો. આ કોઈ મોટી વાત નથી.’

સીતાપતિ, જ્યાં રામ બેઠા હોવાના નિશાન છે જશીપુર પછી અમે નદી પાર કરીને સીતાપતિ પહોંચ્યા. રામતીર્થ પાસે રહેતા પરમેશ્વર નાયકને હિન્દી આવડતું નથી. ઓડિયામાં તેમણે જે કહ્યું તે પશુપતિ અમને સમજાવે છે, 'તે એક ખાડા જેવું દેખાય છે. એ રામના બેસવાની નિશાની છે.'

ભગવાન કહે છે કે આનાથી પણ મોટી એક નિશાની ચિહ્ન છે. તે પથ્થરોમાં નીચે લઈ જાય છે અને કાળા પથ્થરોની લાઈન તરફ ઈશારો કરે છે, 'આ સીતાનું રસોડું છે.'

રામતીર્થની બાજુમાં આવેલા અડાબેડી ગામના કાર્તિક નાયક કહે છે, 'જ્યારે સીતા રામ સાથે વનવાસમાં હતા ત્યારે તેઓ અહીં રોકાયા હતા. સીતાએ ભોજન રાંધવા માટે ચૂલો બનાવ્યો. તેના પર એક હાંડી મુકી અને ચોખાના પીઠા તૈયાર કરવામાં આવ્યા. બધાએ પેટ ભરીને ખાધું અને પ્રાણીઓ માટે જે બચ્યું હતું તે છોડી દીધું. તમે કાળા પથ્થરોના આ નિશાન જુઓ છો, આ એ જ પીઠા છે, જે પાછળથી પથ્થર બની ગયા. આગળ એક પહોળું નિશાન છે, તે હાંડીનું છે.’

રામ લક્ષ્મણ એક પુલ બનાવી રહ્યા હતા...કૂકડાએ બાંગ પોકારી તો અધવચ્ચે અટક્યા પરમેશ્વર નાયક બીજી વાર્તા કહે છે, 'રામ-લક્ષ્મણ એક પુલ બનાવી રહ્યા હતા. આ ત્રણેય સ્તંભો જેવી બાબતો તેનાથી સંબંધિત છે. આ સ્તંભો રામ-લક્ષ્મણે ઉભા કર્યા હતા. તેઓ નદીની એક બાજુથી બીજી તરફ પુલ બનાવી રહ્યા હતા. તેમણે રાત્રે કામ પૂરું કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, પણ રાતે જ કૂકડાએ બાંગ પોકારી. પ્રણ સંપન્ન ન થતાં તેમણે પુલ બનાવવાનું બંધ કરી દીધું. ત્યારથી આ થાંભલા આમ જ ઉભા છે.’

વૈતરણી નદીના કિનારે રામતીર્થ રામની વાર્તાઓ શોધતા શોધતા અમે મયુરભંજથી લગભગ 170 કિલોમીટર દૂર કેંદુઝારમાં આવેલા ચંપુઆ પહોંચ્યા. અહીં વૈતરણી નદીની એક તરફ ઓડિશા છે અને બીજી બાજુ ઝારખંડ છે. અહીં પણ રામતીર્થ છે. અહીં અમે અરબિંદો મહંતને મળ્યા. તેમણે ચંપુઆ પર પુસ્તક લખ્યું છે.

અરબિંદો જણાવે છે, 'લોકવાયકા મુજબ, રામ તેમના વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. મકરસંક્રાંતિના દિવસે રામે અહીં શિવલિંગની પૂજા કરી હતી. આ શિવલિંગ બ્રહ્મા દ્વારા સ્થાપિત માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહીંના શિવલિંગમાં હાજર હોવાનું માનવામાં આવે છે.

આ સ્થાન વિશે એવી પણ માન્યતા છે કે જ્યારે રામ વનવાસ માટે ગયા હતા ત્યારે તેમણે પોતાની પાદુકા અહીં છોડી હતી. અરવિંદો એ પાદુકા બતાવે છે અને કહે છે કે ગામના લોકો માને છે કે આ રામની પાદુકા છે. 2018માં વૈતરણી નદીમાં એક શિલા મળી આવી હતી, એવું પણ માનવામાં આવે છે કે આ ખડક પર રામના પગના નિશાન છે.’

કેસરી કુંડ અને કપિલમુનિ આશ્રમ વૈતરણી નદીના કિનારે કેસરી કુંડ પણ છે. અહીં ત્રણ કુંડ છે, જેમાં મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાની પરંપરા છે.

અરબિંદો કહે છે, 'કપિલમુનિનો આશ્રમ અહીંથી લગભગ 4-5 કિલોમીટર દૂર છે. વનવાસ દરમિયાન રામ તેમની પાસે રોકાયા હતા. કપિલમુનિએ રામને કહ્યું કે એક રાક્ષસ યજ્ઞમાં અવરોધ ઊભો કરી રહ્યો છે. રામે રાક્ષસને મારવા માટે 3 તીર માર્યા, જે તેમના શરીરને આરપાર નીકળી ગયા. આ ત્રણેય તીર વૈતરણી નદીના કિનારે પડ્યા અને ત્રણ કુંડ બની ગયા.’

આ પછી અમે કપિલમુનિ આશ્રમ પહોંચ્યા. અહીં પ્રાચીન મંદિરોના નિશાન છે, પરંતુ કોઈ મોટા મંદિરો નથી. પર્વતની ટોચ પર એક આશ્રમ હતો. ત્યાં ન તો વીજળી હતી કે ન તો કોઈ રહી શકે એવો શેડ. કપિલમુનિ આશ્રમ હજુ પણ સરકારી રક્ષણથી દૂર છે.

ઓડિયા રામાયણ: દાંડી રામાયણ અને વિચિત્ર રામાયણ ઓડિશાની વિવિધ રામ કથાઓ વિશે વધુ વિગતવાર જાણવા માટે, અમે નિવૃત્ત ઇતિહાસના પ્રોફેસર સુષ્મિત પાણીને મળ્યા. તેઓ કહે છે, 'ઓડિયા ભાષામાં મહાભારત સૌથી વધુ લોકપ્રિય છે, પરંતુ એવું નથી કે રામાયણ કે રામકથા અહીં હાજર નથી.'

'જ્યારે ચૈતન્ય મહાપ્રભુ બંગાળથી ઓડિશા આવ્યા ત્યારે મહાભારત પ્રસિદ્ધ થયું કારણ કે તેઓ કૃષ્ણના ભક્ત હતા. ચૈતન્ય અને ઓડિયા કવિ જગન્નાથ દાસ મિત્રો બન્યા. જગન્નાથ દાસે ઓડિયામાં ભાગવત લખી, જે સૌથી લોકપ્રિય ધાર્મિક ગ્રંથ છે.’

સુષ્મિત આગળ જણાવે છે, 'અહીં ઘરોમાં ભાગવત ટુંગી પ્રચલિત છે. એક ચબુતરો હોય છે જેના પર સ્ટેજ જેવી બેઠક છે. તેના પર બેસીને ભાગવતનો પાઠ કરવામાં આવે છે. જગન્નાથજી પ્રથમ આદિવાસી દેવતા હતા. 12મી સદીની આસપાસ તેઓને વિષ્ણુ સાથે જોડીને જોવામાં આવ્યા. રામને પણ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તેથી તેઓનો પણ સ્વીકાર થવા લાગ્યો.

તેઓ આગળ જણાવે છે કે, ‘દાંડી રામાયણ ઓડિશામાં ખૂબ જ લોકપ્રિય છે. આ તુલસીદાસના રામચરિત માનસ અથવા વાલ્મીકિની રામાયણથી કંઈક અલગ છે.’

રામાયણની ભૂગોળ અને સંસ્કૃતિ અહીંની છે. ઓડિશામાં તમે જ્યાં પણ જશો ત્યાં લોકો રામનો કિસ્સો કહેશે. તેઓ કહેશે કે અહીં રામના ચિહ્નો છે. રામ અહીં આવ્યા હતા. મયુરભંજ જિલ્લો અને અવિભાજિત કોરાપુટ અથવા બસ્તરનો વિસ્તાર અહીં રામકથાના કેન્દ્રમાં છે.

દાંડી રામાયણની વાર્તા જે વાલ્મીકિ અને તુલસીની રામાયણમાં નથી… પ્રોફેસર પાણી કહે છે, 'રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણમાં કહેવામાં આવ્યું છે કે રાવણ સાથેની લડાઈ દરમિયાન જ્યારે લક્ષ્મણને નાગપાશ વાગ્યો ત્યારે હનુમાન સંજીવની બુટિ સાથે આખો પર્વત લઈ આવ્યા હતા. તે પર્વતને પરત મૂકવા જવાનો ઉલ્લેખ છે, પરંતુ દાંડી રામાયણ કહે છે કે તે પર્વત ઓડિશાના બાલાંગીરીનો છે. હનુમાન તેને પાછો તો લઈ જઈ રહ્યા હતા, પરંતુ પછી તેને અહીં વચ્ચે જ રાખી દીધો.

તેવી જ રીતે, ઓડિશાની એક આદિજાતિ બોંડા છે. આ જાતિ કોરાપુટ અને ખાસ કરીને બસ્તરમાં જોવા મળે છે. આ લોકો માને છે કે વનવાસ દરમિયાન રામ, સીતા અને લક્ષ્મણ આ વિસ્તારમાં રહેતા હતા. એક દિવસ જ્યારે સીતા નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક કાગડાએ તેમને ફળ સમજીને તેમને ચાંચ મારી. આ જોઈને ત્યાં હાજર અન્ય મહિલાઓ હસવા લાગી. બોન્ડા જનજાતિ ખુદને એ હસતી સ્ત્રીઓના વંશજ હોવાનું માને છે.

સીતાએ તેમને શ્રાપ આપ્યો કે તમે ક્યારેય વસ્ત્રો પહેરશો નહીં. આ જાતિની મહિલાઓ આજ સુધી તેમના સ્તન ઢાંકવા માટે માળાનો ઉપયોગ કરતી આવી છે. જો કે, આજકાલ મહિલાઓ કપડા પહેરવા લાગી છે. અગાઉ સીતાના શ્રાપને કારણે અહીંના લોકો માથા પર વાળ પણ રાખતા નહોતા.’

ઉત્કલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના નિવૃત્ત પ્રોફેસર રઘુનાથ પાંડા કહે છે, 'વિચિત્ર રામાયણ દાંડી રામાયણ કરતાં ઓડિશામાં વધુ લોકપ્રિય છે. શા માટે તેનું નામ વિચિત્ર છે... ખબર નથી, કારણ કે તેમાં કશું જ વિચિત્ર જેવું નથી. જો કે, આ રામાયણ એવી રીતે લખવામાં આવી છે કે બાળકોને તે વાંચવાની મજા આવે. કદાચ તેથી જ તેને આ નામ પણ આપવામાં આવ્યું હોય.’

રઘુનાથ પાંડાએ આ રામાયણને લયબદ્ધ રીતે ગાઈ અને સંભળાવી. રામાયણનું કવર બતાવતા તેઓ કહે છે, 'તેમાં જનક અને એક ટોકરીમાં સૂતેલી બાળકીની તસવીર છે. આ સીતા છે. આ તે સમયનું નિરૂપણ છે જ્યારે જનકને સીતા મળ્યા હતા.’

શું અહીંની રામાયણમાં કોઈ ફરક છે? પ્રશ્નના જવાબમાં પાંડા કહે છે, 'કંઈ ખાસ નથી. અહીં પણ રામ મર્યાદા પુરુષોત્તમ છે, એક સારા પુત્ર, સારા ભાઈ અને સારા રાજા છે.’

પશ્ચિમ બંગાળમાં પણ અયોધ્યા પર્વત અને સીતા કુંડ ઓડિશા પછી અમે પશ્ચિમ બંગાળ પહોંચ્યા. અહીં પણ માન્યતા કાશ્મીર અને ઓડિશાથી અલગ નથી. અહીંના લોકો પણ એવું માને છે કે રામ, સીતા અને લક્ષ્મણે તેમના વનવાસ દરમિયાન પુરુલિયા વિસ્તારમાં સમય વિતાવ્યો હતો. બંગાળની ધરતી પર રામ મંદિરો બહુ ઓછા છે, પરંતુ અહીંની સંસ્કૃતિ, લોકવાયકા, કહેવતો અને પૌરાણિક સ્થળોમાં રામ સમાયેલા છે.

બંગાળીમાં, જ્યારે કોઈને ભૂતથી ડર લાગે તો હોય તેના માટે એક કહેવત છે - 'ભૂત આમાર પૂત, પેતની આમાર ઝી, રામ લખન બુકે આહે, ભોય આમાર કી'

મતલબ કે 'ભૂત મારો પુત્ર છે, ભૂત મારી પુત્રી છે, જ્યારે રામ-લખન મારા હૃદયમાં છે, તો પછી અમને શું ડર લાગે?' બંગાળી ભાષામાં સદીઓથી પ્રચલિત આ કહેવત આજે પણ બોલાય છે. .

રામની વાર્તાઓ શોધતા શોધતા અમે રાજધાની કોલકાતાથી લગભગ 300 કિમી દૂર ઝારખંડની સરહદે આવેલા જિલ્લા પુરુલિયા પહોંચ્યા. અહીં પણ એક અયોધ્યા પર્વત છે, જેના પર સીતા કુંડ પણ છે.

અયોધ્યા પર્વત પર રહેતા જૈમિની સિંહ અમને સીતા કુંડ લઈ ગયા. જૈમિની કહે છે, 'એવું માનવામાં આવે છે કે જ્યારે રામ વનવાસ પર ગયા હતા, ત્યારે તેઓ અહીં રોકાયા હતા. આ દરમિયાન માતા સીતાને તરસ લાગી એટલે રામે પોતાનું તીર કાઢીને ધનુષ્ય વડે જમીન પર તીર મારીને કુંડ બનાવ્યો. આ જ તે સીતા કુંડ છે.’

બંગાળી ભાષામાં રામાયણના 25 પ્રકાર પશ્ચિમ બંગાળમાં ભગવાન રામની સંસ્કૃતિ પર કામ કરતા લેખક અને પત્રકાર સુજીત રોય કહે છે કે બંગાળી કવિઓએ રામાયણની લગભગ 25 આવૃત્તિઓ લખી છે.

બંગાળી કવિ કૃતિવાસી ઓઝા દ્વારા 15મી સદીની આસપાસ બંગાળમાં કૃતિવાસી રામાયણની રચના કરવામાં આવી હતી. આ પુસ્તક માત્ર રામાયણનું ભાષાંતર નથી, પરંતુ તે બંગાળની સામાજિક રચના અને સંસ્કૃતિની ઝલક પણ આપે છે. બંગાળીમાં લખાયેલા આ મહાકાવ્યમાં 6 એપિસોડ છે - આદિ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ અને લંકા કાંડ.

અગાઉ, 9મી સદીમાં રામાયણનો પ્રથમ વખત બંગાળી ભાષામાં અનુવાદ થયો હતો. સંધ્યાકર નંદીએ 11મી સદીમાં રામાયણની બે આવૃત્તિઓ લખી હતી. 10મી સદીમાં, જયદેવ પ્રસન્ન રાઘવે બંગાળમાં રામાયણની આવૃત્તિ લખી હતી. આ પછી 12મી સદીમાં કવિચંદ્ર શંકર ચક્રવર્તીએ વિષ્ણુપુરી રામાયણ લખી.

બંગાળમાં રામની હાજરીનો પુરાવો સોનામુખીનો રામ નવમીનો મેળો પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના સોનામુખી નામના નાના શહેરમાં રામ નવમીનો મેળો પ્રખ્યાત છે. સોનામુખી મેળાની વિશેષતા એ છે કે તે જૂના બંગાળી વૈષ્ણવ સંપ્રદાય, સંથાલી અને રજવાડી સંસ્કૃતિનું મિશ્ર સ્વરૂપ છે. રામ નવમીના દિવસે, બંગાળના વિવિધ ભાગોમાંથી લેખકો, કવિઓ અને ગાયકોની ભીડ અહીં સોનામુખીમાં એકઠી થાય છે.

ગુપ્તીપારા, હુગલીનું રામ મંદિર

ટેરાકોટાથી બનેલું આ રામ મંદિર હુગલી જિલ્લામાં છે. એવું કહેવાય છે કે તે 18મી સદીની આસપાસ બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
ટેરાકોટાથી બનેલું આ રામ મંદિર હુગલી જિલ્લામાં છે. એવું કહેવાય છે કે તે 18મી સદીની આસપાસ બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

હુગલીના રામ મંદિર પરિસરમાં રામ ઉપરાંત કૃષ્ણચંદ્ર, વૃંદાવન ચંદ્ર અને ચૈતન્યના મંદિરો પણ બનેલા છે. આ તમામ મંદિરો અલગ-અલગ સમયગાળામાં બંધાયા હતા.

ચંદ્રકોણા, મેદિનીપુરનું રઘુનાથ મંદિર,

આ મંદિરોનું નિર્માણ 17મી સદીમાં બર્ધમાનના રાજા કૃતચંદે કરાવ્યું હતું. રઘુનાથ મંદિર લગભગ 52 ફૂટ ઊંચું છે. રાજપૂત વંશના રાજા ચંદ્રકેતુએ આજના મેદિનીપુરમાં ચંદ્રકોણા નામનું શહેર વસાવ્યું હતું. આ સંકુલમાં ભગવાન રામ અને કૃષ્ણ બંનેના મંદિરો છે.

કિશનગંજ, નદિયાનું રામ સીતા મંદિર 18મી સદીમાં પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કિશનગંજમાં રામ સીતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ 1762માં થયું હતું. આ સંકુલમાં ત્રણ મંદિરો હતા - રામ સીતા મંદિર, રાજરાજેશ્વર શિવ મંદિર અને રાગિણીશ્વર શિવ મંદિર.

શુક્રવાર, 19 જાન્યુઆરીએ 'રામની 15 વાર્તાઓ' શ્રેણીના બીજા ભાગમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠીની રામકથાઓ વાંચો.

રામે લાકડી વડે મંથરાનો પગ તોડી નાખ્યો, શૂર્પણખા તેના પુત્રના મૃત્યુનો બદલો લેવા આવી.

દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ભાષાઓમાં સેંકડો રામ કથાઓ છે. એવી પણ વાર્તાઓ છે, જે તુલસીદાસના રામચરિતમાનસ અને વાલ્મીકિ રામાયણમાં નથી. આવી જ એક વાર્તા એવી છે કે રામે મંથરાને લાકડી વડે મારતા તેનો પગ તોડી નાખ્યો હતો. જ્યારે શૂર્પણખા રામ-લક્ષ્મણ પાસેથી પુત્રના મૃત્યુનો બદલો લેવા આવી હતી.

વિશેષ આગ્રહ: કૃપા કરીને દૈનિક ભાસ્કરના આ સમાચાર તમારા પરિવાર, પ્રિયજનો અને સામાજિક જૂથોમાં શેર કરો. રામ મંદિરના સમાન સમાચાર વાંચવા અહીં ક્લિક કરો - રામ મંદિર વિશેષ

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links