- Gujarati News
- Bhaskar khaas
- Pariwarraj
- Shiv Sainiks Started Beating Balasaheb With Shoes
પરિવાર રાજબાળાસાહેબનો વિરોધ થતાં જૂતાંથી પીટવા લાગ્યા શિવસૈનિકો:દીકરાને પાર્ટી સોંપી તો ભત્રીજાએ બગાવત કરી; શિંદેએ શિવસેના છીનવી
- કૉપી લિંક

1967ની વાત છે...
શિવસેના પાર્ટીની શરૂઆત થયાને એક વર્ષ જ થયું હતું. તેના ટોપ લીડર હતા બાળાસાહેબ ઠાકરે. બળવંત મંત્રીને પાર્ટીના બીજા સૌથી મોટા નેતા માનવામાં આવતા હતા. શિવસેનાના તમામ મોટા પ્લેટફોર્મ પર બાળ ઠાકરે સાથે બળવંત મંત્રી ચોક્કસપણે જોવા મળતા હતા. જો કે, બંને નેતાઓ વચ્ચે કેટલાક મતભેદો ઊભા થવા લાગ્યા હતા.
પત્રકાર પ્રકાશ અકોલકર તેમના પુસ્તક 'જય મહારાષ્ટ્ર'માં લખે છે, 'એક દિવસ દાદરના વનમાલી હોલમાં શિવસેનાની મોટી બેઠક ચાલી રહી હતી. બળવંત મંત્રીએ તેમના ભાષણમાં કહ્યું કે શિવસેનાને એક વ્યક્તિ દ્વારા નિયંત્રિત કરવાને બદલે લોકતાંત્રિક રીતે ચલાવવી જોઈએ. ત્યાં હાજર શિવસૈનિકોને લાગ્યું કે તેઓ બાળાસાહેબ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે.
થોડી જ વારમાં શિવસૈનિકોનું એક જૂથ બળવંત વિરુદ્ધ નારા લગાવતા સ્ટેજ સુધી આવી ગયું. તેઓએ બળવંતને ખેંચીને જૂતા વડે મારવાનું શરૂ કર્યું. તેમનાં કપડાં ફાડી નાખ્યાં, ચહેરા અને શરીર કાળી શાહી લગાવી દીધી. બળવંત રડતાં રડતાં બાળાસાહેબના પગે પડ્યા અને તેમની માફી માંગવા લાગ્યા.

દેશના શક્તિશાળી રાજકીય પરિવારો પરની શ્રેણી 'પરિવાર રાજ'ના છઠ્ઠા એપિસોડમાં મહારાષ્ટ્રના બાળ ઠાકરે પરિવારના કિસ્સા…

શરૂઆત: એક યુવાન કાર્ટૂનિસ્ટ બન્યો મરાઠી માનુસનો હીરો બાળ ઠાકરેનો જન્મ 23 જાન્યુઆરી 1926એ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેઓ 9 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. બાળ ઠાકરે મરાઠી ભાષી કાયસ્થ પરિવારના સભ્ય હતા. તેમના પિતા કેશવ સીતારામ ઠાકરે વ્યવસાયે લેખક અને પત્રકાર હતા.
બાળ ઠાકરેનું જીવનચરિત્ર 'હિન્દુ હૃદય સમ્રાટ- હાઉ ધ શિવસેના ચેન્જ્ડ મુંબઈ ફોરએવર' પુસ્તક લખનાર સુજાતા આનંદનના કહેવા પ્રમાણે, 'ઠાકરેના પિતા કેશવ ઠાકરે અંગ્રેજી લેખક વિલિયમ મેકપીસ ઠેકરેના ચાહક હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને તેમણે તેમના કુટુંબનું નામ ઠૈકરે રાખી લીધું જે પાછળથી ઠાકરે થઈ ગયું.
અભ્યાસમાં રસ ન હોવાને કારણે બાળ ઠાકરેએ ખૂબ જ નાની ઉંમરે શાળા છોડી દીધી. તેમણે 13 જૂન 1948એ મીના ઠાકરે સાથે લગ્ન કર્યા હતા. તે જ વર્ષે તેમણે તેમના ભાઈ સાથે 'માર્મિક' નામનું સાપ્તાહિક અખબાર બહાર પાડ્યું. આ અખબાર માટે તે પોતે કાર્ટૂન દોરતા હતા. 1950માં 24 વર્ષની ઉંમરે બાળ ઠાકરે 'ફ્રી પ્રેસ જર્નલ'માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણ પણ અહીં તેમની સાથે કામ કરતા હતા.
પત્રકાર વૈભવ પુરંદરે તેમના પુસ્તક 'બાળ ઠાકરે એન્ડ ધ રાઈઝ ઓફ શિવસેના'માં લખે છે કે 60ના દાયકામાં મુંબઈમાં મોટા બિઝનેસ પર ગુજરાતીઓનું નિયંત્રણ હતું. નાના વેપારમાં દક્ષિણ ભારતીયો અને મુસ્લિમોનું વર્ચસ્વ હતું. એટલે કે મુંબઈમાં મરાઠી લોકો માટે કામનો બહુ ઓછો અવકાશ બચ્યો હતો.
ઠાકરેએ આ મુદ્દો સમજીને મરાઠી માનુસનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ તેઓ મરાઠી લોકોમાં લોકપ્રિય બની ગયા અને 1966માં શિવસેનાની રચના કરી. શિવસેનાએ ઢંઢેરામાં દક્ષિણ ભારતીય લોકોને બદલે મરાઠી લોકોને નોકરી આપવાની વાત કરી હતી. બાળ ઠાકરેએ દક્ષિણ ભારતીયો વિરુદ્ધ 'પુંગી બજાઓ અને લુંગી હટાઓ' અભિયાન શરૂ કર્યું હતું. ઠાકરે તમિલ ભાષાની મજાક ઉડાવતા તેમને 'યંદુગુંડુ' કહેતા હતા.

પ્રથમ વિજય: એક રાજકીય હત્યા બાદ જીત્ચો શિવસેનાનો પ્રથમ ધારાસભ્ય 1967ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કૃષ્ણા દેસાઈ પરેલ વિધાનસભાથી ક્રાંતિકારી કમ્યુનિસ્ટ પાર્ટીની ટિકિટ પર જીત્યા. તેમના આક્રમક વલણ અને ઉત્તમ વાણીશૈલીને કારણે તેઓ ટૂંક સમયમાં જ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રખ્યાત થઈ ગયા.
વરિષ્ઠ પત્રકાર પ્રકાશ અકોલકર તેમના પુસ્તક 'જય મહારાષ્ટ્ર'માં લખે છે કે 5 જૂન, 1970ની રાત્રે લાલબાગની લલિત રાઇસ મિલમાં દેસાઈ સામાન્ય લોકોને મળી રહ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ દેસાઈને કોઈ બહાને બહાર બોલાવ્યા હતા. આ સમયે આ વિસ્તારમાં વીજળી હતી નહીં. અંધારામાં વાત કરતાં કરતાં જેવા દેસાઈ બહાર આવ્યા કે તરત જ બે-ત્રણ લોકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં તેમનું મોત થઇ ગયું.
ત્યારે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે આ હત્યા પાછળ શિવસેનાનો હાથ છે. અંતિમ સંસ્કારના વક્તાઓમાં કોમરેડ યશવંત ચવ્હાણે આ હત્યાકાંડ માટે વસંતરાવ નાઈક અને બાળ ઠાકરેને જવાબદાર ગણાવ્યા હતા. જો કે, બાળાસાહેબે આ હત્યાની નિંદા કરી હતી.
18 ઓક્ટોબર 1970એ પરેલ વિધાનસભામાં પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ડાબેરી પક્ષોએ કોમરેડ કૃષ્ણા દેસાઈનાં પત્ની સરોજિની દેસાઈને ઉમેદવાર બનાવ્યાં હતાં. કોંગ્રેસ (R) કુલ 13 ડાબેરી પક્ષોએ સરોજિની દેસાઈને ટેકો આપ્યો હતો. જ્યારે શિવસેનાએ પરેલના કાઉન્સિલર વામનરાવ મહાડિકને પોતાનો ઉમેદવાર બનાવ્યા હતા. વામનરાવ મહાડિક બાળ ઠાકરેના વિશ્વાસુ તરીકે જાણીતા હતા.
આ ચૂંટણીમાં બાળાસાહેબે 15 રેલીઓ કરી હતી. ડાબેરીઓને રાષ્ટ્રવિરોધી કહ્યા. આખરે જ્યારે ચૂંટણી પરિણામો આવ્યાં ત્યારે શિવસેનાના ઉમેદવાર 1600 મતોથી ચૂંટણી જીત્યા. આ રીતે, શિવસેનાની રચનાના 4 વર્ષ પછી એક રાજકીય હત્યા બાદ પાર્ટીના પ્રથમ ધારાસભ્ય બન્યા.

હિંદુત્વ પર શિફ્ટ: 1987માં સૂત્ર આપ્યું 'ગર્વથી કહો અમે હિન્દુ છીએ' બાળ ઠાકરે કહેતા હતા કે મહારાષ્ટ્રના સ્થાનિક યુવાનોનાં હિતોનું રક્ષણ કરવું એ સૌથી મહત્ત્વની બાબત છે. ધીરે-ધીરે મુંબઈના દરેક વિસ્તારના સ્થાનિક દબંગ યુવાનો શિવસેનામાં જોડાવા લાગ્યા. એક ગોડફાધરની જેમ બાળ ઠાકરેએ દરેક વિવાદનો ઉકેલ લાવવાની શરૂઆત કરી હતી.
ધીરે-ધીરે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીનો દેખાવ સુધરી રહ્યો હતો, પરંતુ પાર્ટીને વધારે સફળતા મળી રહી ન હતી. આ પછી, ઠાકરેએ મરાઠી માનુસ સાથે કટ્ટરપંથી હિન્દુત્વની વિચારધારા અપનાવી. 1980 અને 1990ના દાયકામાં શિવસેનાને આનો ફાયદો પણ મળ્યો હતો.
મુંબઈમાં વિલે પાર્લે વિધાનસભા બેઠક માટે ડિસેમ્બર 1987માં યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રથમ વખત શિવસેનાએ આક્રમક રીતે હિન્દુત્વનો પ્રચાર કર્યો હતો. 'ગર્વ સાથે કહો કે અમે હિન્દુ છીએ'ની જાહેરાત ચૂંટણીના મેદાનમાં કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં અભિનેતા મિથુન ચક્રવર્તી અને નાના પાટેકરે શિવસેનાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. જો કે હિંદુત્વના નામે મત માંગ્યા બાદ ચૂંટણીપંચે ઠાકરે પાસેથી 6 વર્ષ માટે મતદાનનો અધિકાર છીનવી લીધો હતો.
દક્ષિણ ભારતીય પત્રકાર આર. પદ્મનાભનના જણાવ્યા અનુસાર, જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણ કમિશને ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ પછી મુંબઈમાં થયેલી સાંપ્રદાયિક હિંસા અંગેના તેમના અહેવાલમાં શિવસેનાની સંડોવણી વિશે વાત કરી હતી. પંચે તેમના અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો કે બાળ ઠાકરેએ પોતે તેમના વિશ્વાસુ શિવસૈનિકોને સંગઠિત હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

કટ્ટર ઈમેજઃ જ્યારે બાળાસાહેબે અમિતાભને કહ્યું- હું રમખાણો પર દુ:ખ વ્યક્ત કરતો નથી
1992માં મુંબઈ રમખાણો પછી બાળાસાહેબ ઠાકરે ચોતરફ ચર્ચામાં હતા. તેમના પર રમખાણો ભડકાવવાનો પણ આરોપ હતો. 1995માં મણિરત્નમે આ રમખાણ પર 'બોમ્બે' નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં શિવસૈનિકોને મુસ્લિમોને મારતા અને લૂંટતા બતાવવામાં આવ્યા હતા. બોમ્બે ફિલ્મના અંતમાં બાળ ઠાકરે જેવું પાત્ર આ હિંસા પર દુઃખ વ્યક્ત કરતું જોવા મળે છે.
બાળ ઠાકરેએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. સાથે જ કહ્યું કે તેને મુંબઈમાં રિલીઝ ન થવા દેવી જોઈએ. ફિલ્મના વિતરક અમિતાભ બચ્ચન હતા. અમિતાભ અને ઠાકરે વચ્ચે સારી મિત્રતા હતી.
અમિતાભ ઠાકરે પાસે ફિલ્મ વિશે વાત કરવા ગયા હતા. અમિતાભે તેમને પૂછ્યું કે શું તેમને શિવ સૈનિકોને તોફાની તરીકે બતાવવાનું ખરાબ લાગ્યું. ઠાકરેનો જવાબ હતો, બિલકુલ નહીં. મને રમખાણો પર ઠાકરેના પાત્રએ દુઃખ વ્યક્ત કર્યું તે ખરાબ લાગ્યું. હું ક્યારેય કોઈ બાબત વિશે દુઃખ વ્યક્ત કરતો નથી.

વિરાસતની લડાઈ: ફોટોગ્રાફર પુત્ર માટે નવી પોસ્ટ બનાવીને પાર્ટીની કમાન સોંપી
વર્ષ 2000 સુધીમાં તેમના ભત્રીજા રાજ ઠાકરે શિવસેનામાં બાળાસાહેબ ઠાકરે પછી બીજા નંબરના નેતા બની ગયા હતા. એવું માનવામાં આવતું હતું કે બાળાસાહેબ પછી રાજ ઠાકરે શિવસેના સંભાળશે. બાળાસાહેબને ત્રણ પુત્રો હતા- જયદેવ, બિંદુમાધવ અને ઉદ્ધવ. મોટા પુત્ર જયદેવનું 1995માં અવસાન થયું હતું. બીજા જ વર્ષે બિંદુમાધવે કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો. ઉદ્ધવને રાજકારણમાં કોઈ રસ નહોતો, તેઓ ફોટોગ્રાફી કરતા હતા.

2002માં પિતાના આગ્રહ પર ઉદ્ધવે પહેલીવાર રાજકીય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આયોજનબદ્ધ રીતે બાળાસાહેબે આ વર્ષે યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી ઉદ્ધવને સોંપી. ઉદ્ધવ તેમના પિતાનો સંકેત સમજી ગયા હતા. તેમણે આ ચૂંટણીમાં રાજ ઠાકરેની નજીકના ઘણા નેતાઓની ટિકિટો રદ કરી હતી. નારાજ હોવા છતાં રાજ ઠાકરે કંઈ કરી શક્યા નહીં. ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે શિવસેના અને બીજેપી ગઠબંધનનો વિજય થયો હતો.
આ જીતના બીજા જ વર્ષે 2003માં બાળાસાહેબ ઠાકરેએ ઉદ્ધવને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. અત્યાર સુધી પાર્ટીમાં માત્ર શિવસેના પ્રમુખનું પદ હતું. ઉદ્ધવ માટે પ્રથમ વખત કાર્યકારી અધ્યક્ષનું નવું પદ બનાવવામાં આવ્યું હતું. ઉદ્ધવ કાર્યકારી અધ્યક્ષ બન્યા કે તરત જ રાજ ઠાકરેની કાકા પ્રત્યેની નારાજગી વધવા લાગી.
ભત્રીજાનો બળવોઃ બાળ ઠાકરેએ કહ્યું- શિવસેના અજેય અને અવિનાશી 10 ડિસેમ્બર 2005એ શિવસેનાના મુખપત્ર 'સામના'માં કાર્યકરોને સંબોધિત કરતી વખતે બાળાસાહેબ ઠાકરેએ એક કોલમમાં લખ્યું હતું કે, 'શું શિવસેના પાર્ટી બે ભાગમાં વહેંચાઈ જશે? આ ભાગ કેવી રીતે પડશે? તમારે લોકોએ આ સવાલોની ચિંતા કરવાનું બંધ કરવું જોઈએ. તમારે બધાએ મહારાષ્ટ્ર અને તમારી જાતની ચિંતા કરવી જોઈએ. અમે અમારા કિલ્લાની રક્ષા કરવા સક્ષમ છીએ. હું મીડિયાને કહેવા માગું છું કે તમારા મનમાં જે છે તે થવાનું નથી. શિવસેના અજેય અને અવિનાશી છે.
ત્યાં સુધીમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેના પર વર્ચસ્વ જમાવવાનું શરૂ કરી દીધું હતું. પાર્ટીના દરેક નિર્ણયમાં તેમનો પ્રભાવ દેખાતો હતો. 2005માં ત્યારે હોબાળો થયો જ્યારે રાજ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેને પત્ર લખીને કહ્યું કે ચાપલૂસોની ચોકડી તમને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે કોંકણ લોકસભા સીટ પર હાર માટે પણ આ ચોકડીને જવાબદાર ગણાવી હતી.
પત્રકાર લયલા બાવડમના જણાવ્યા અનુસાર રાજ ઠાકરે જે ચોકડીની વાત કરી રહ્યા હતા તેમાં ઉદ્ધવ, મિલિંદ નાર્વેકર અને સુભાષ દેસાઈનો સમાવેશ થાય છે. બાળાસાહેબને રાજની બળવાખોર શૈલીનો અહેસાસ થઇ ગયો હતો. એવું કહેવાય છે કે રાજે પોતાના પત્રમાં બાળાસાહેબ પાસે એ જ રીતે જવાબ માંગ્યો હતો જે રીતે બચ્ચાએ વાઘને સવાલ કર્યો હોય.
રાજને ઉદ્ધવ સાથે કામ કરવું મુશ્કેલ લાગતું હતું અને તે જ સમયે તેઓ જાણતા હતા કે બાળાસાહેબના સમર્થન વિના શિવસેના પક્ષનું નિશાન અને નામ કબજે કરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર 2005માં તેમણે શિવસેના પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.

શિવસેનામાં વિભાજન થયા બાદ બાળાસાહેબે ફરી એકવાર પાર્ટીને મજબૂત કરવા કમાન સંભાળી હતી. તેમણે મરાઠી અને હિન્દુત્વના નારાને મજબૂત કરીને શિવસેનાના નબળા સંગઠનને નવું જીવન આપ્યું.
2006માં શિવસેનાના 40મા સ્થાપના દિવસે બાળ ઠાકરેએ મુસ્લિમોને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા. સન્મુખાનંદ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે મુસ્લિમોને 'ગ્રીન પોઈઝન' કહ્યા હતા. બાળ ઠાકરેના આ ભાષણ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા. જ્યારે તેમણે આ નિવેદન કર્યું ત્યારે આખો હોલ શિવસેનાના સમર્થનમાં નારાથી ગુંજી ઊઠ્યો હતો.
ભૂમિકામાં ફેરફારઃ મહારાષ્ટ્રમાં મોટા ભાઈની ભૂમિકા છીનવાઈ જતાં જ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું
1989ની લોકસભાની ચૂંટણી પહેલાં પહેલીવાર ભાજપ અને શિવસેના વચ્ચે હિન્દુત્વના એજન્ડા હેઠળ ગઠબંધન થયું હતું. 1990ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 183 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 52 પર જીત મેળવી હતી, જ્યારે ભાજપે 104 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 42 બેઠકો જીતી હતી. તે સમયે શિવસેનાના મનોહર જોશી વિપક્ષના નેતા બન્યા હતા.
1995માં ભાજપ-શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. શિવસેનાએ 73 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 65 બેઠકો મળી હતી. બાળા સાહેબ ઠાકરેએ ફોર્મ્યુલા આપી હતી કે જે પક્ષની બેઠકો વધુ હશે તે જ મુખ્યમંત્રી બનશે. તેના આધારે મનોહર જોશીને સીએમની ખુરશી મળી અને ભાજપના ગોપીનાથ મુંડેને ડેપ્યુટી સીએમનું પદ મળ્યું.

2004ની ચૂંટણીમાં શિવસેનાએ 62 સીટો જીતી અને ભાજપે 54 સીટો જીતી. 2009માં બંને પક્ષોની બેઠકો ઘટી હતી, પરંતુ પહેલીવાર ભાજપને શિવસેના કરતાં વધુ બેઠકો મળી હતી. આ સમયગાળા દરમિયાન ભાજપે 46 અને શિવસેનાએ 45 બેઠકો જીતી હતી.
બાળાસાહેબના સમયમાં શિવસેનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી. એટલે કે તે વધુ બેઠકો પર ચૂંટણી લડતી હતી અને મોટા નિર્ણયોમાં બાળ ઠાકરેના અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવતો હતો.
બાળા સાહેબ ઠાકરેનું 2012માં અવસાન થયું હતું. ઉદ્ધવ હવે શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા હતા. 2014ની ચૂંટણી પહેલાં તેમણે સામનાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, છેલ્લાં 25 વર્ષના ગઠબંધનમાં શિવસેના સડી ગઈ છે. ભાજપ સાથે ગઠબંધન કરીને શિવસેનાને નુકસાન થયું છે. આ સાથે જ બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું.
2014ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 288 બેઠકો પર ચૂંટણી લડ્યા બાદ પણ શિવસેનાને ભાજપ કરતાં અડધી બેઠકો મળી હતી. ભાજપે 122 અને શિવસેનાએ 63 બેઠકો જીતી હતી. જોકે, શિવસેના બાદમાં ભાજપની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ થઈ હતી.
ત્રીજી પેઢી: ઉદ્ધવે તેમના પુત્ર આદિત્યને રાજકારણમાં ઉતાર્યા મુંબઈ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુરેન્દ્ર જોંધલેના જણાવ્યા અનુસાર, બાળાસાહેબની જેમ ઉદ્ધવે પણ 2010માં તેમના પુત્રને રાજકારણમાં ઉતાર્યા. તેમને શિવસેનાની યુવા પાંખના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આદિત્યએ 2019માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતી હતી. ઉદ્ધવે તેમના 32 વર્ષના પુત્રને તેમની સરકારમાં કેબિનેટ મંત્રી બનાવ્યા.
પ્રોફેસર જોંધલેનું કહેવું છે કે આદિત્યએ 2019ની વિધાનસભા ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આદિત્યના કારણે જ પહેલીવાર ઉગ્ર શિવસૈનિકોની ઈમેજમાં બદલાવ જોવા મળ્યો હતો. ત્યારથી જ તેઓ પક્ષમાં સ્થાપિત થઇ ગયા હતા.

શિવસેના તૂટ્યુંઃ ઓટો ડ્રાઈવર રહેલા શિંદેએ ઠાકરે પરિવાર પાસેથી શિવસેના છીનવી લીધી મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં 9 ફેબ્રુઆરી 1964ના રોજ જન્મેલા એકનાથ શિંદે 16 વર્ષની ઉંમરે શિવસેનામાં જોડાયા હતા. શિવસેનાના વરિષ્ઠ નેતા આનંદ દિઘેથી પ્રભાવિત થઈને તેઓ તેમના કહેવા પર શિવસેના પક્ષમાં જોડાયા હતા.
20 વર્ષની ઉંમરે તેમની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી શિંદે તેમના પરિવારનું ભરણપોષણ કરવા થાણેમાં ઓટોરિક્ષા ચલાવતા હતા. 1984માં શિવસેનાએ થાણે અને તેની આસપાસના વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવાની જવાબદારી શિંદેને સોંપી.
1997માં શિંદે પ્રથમ વખત થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા. શિંદે 2004માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી તેઓ સતત વિધાનસભા ચૂંટણી જીતી રહ્યા છે. જૂન 2022માં અચાનક પાર્ટીના જૂના સૈનિક ગણાતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો હતો. હકીકતમાં, જૂન 2022માં મહારાષ્ટ્રમાં 10 એમએલસી બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી હતી.
આ ચૂંટણીમાં તમામ પક્ષોના ધારાસભ્યોની સંખ્યાના હિસાબે નક્કી હતું કે ભાજપને 4 બેઠકો મળશે જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને 2-2 બેઠકો મળશે. જો કે ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે ભાજપના 5 ઉમેદવારો જીત્યા હતા. આનાથી સ્પષ્ટ થયું કે મહા વિકાસ અઘાડીના ધારાસભ્યોએ ભાજપના સમર્થનમાં ક્રોસ વોટિંગ કર્યું છે.

ઉદ્ધવ ઠાકરેને કહેવામાં આવ્યું કે કોંગ્રેસ સિવાય તેમની પાર્ટીના 12 ધારાસભ્યોએ પણ ભાજપને વોટ આપ્યો છે. ખતરાની જાણ થતાં ઉદ્ધવે ધારાસભ્યોની બેઠક બોલાવી. આ બેઠકમાં એકનાથ શિંદે સહિત 12 ધારાસભ્યોએ હાજરી આપી ન હતી. આ પછી, તમામ પ્રયાસો છતાં ઉદ્ધવ શિંદેને મનાવી શક્યા ન હતા.
40થી વધુ ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું. આ રીતે 56 વર્ષ પહેલાં બનેલી શિવસેના પાર્ટી તૂટી ગઈ. આ પહેલીવાર હતું કે જ્યારે કોઈ બળવાખોર નેતાએ માત્ર પાર્ટી તોડી ન હતી પરંતુ પાર્ટીના નામ અને ચિહ્ન પર દાવો પણ કર્યો હતો. ચૂંટણીપંચે શિંદે જૂથને વાસ્તવિક શિવસેના માન્યું અને પક્ષનું ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર શિંદે જૂથને મળ્યું.
-----------------------------------
'પરિવાર રાજ' શ્રેણીના સાતમા એપિસોડમાં 13મી એપ્રિલે મહારાષ્ટ્રના શરદ પવાર પરિવારના કિસ્સા વાંચો...
-----------------------------------
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















