- Gujarati News
- Bhaskar khaas
- Pariwarraj
- Sheikh Abdullah's Ancestors Were Hindu Brahmins, Know The Family Story
પરિવાર રાજશેખ અબ્દુલ્લાના પૂર્વજો હિંદુ બ્રાહ્મણો હતા:ફૂલવર્ષા કરીને પુત્ર ફારુકને સત્તા સોંપી, મિત્ર નેહરુએ જ તેમને કેમ જેલભેગા કર્યા?
- કૉપી લિંક

2 જુલાઈ, 1984ની સવાર. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા શ્રીનગરના ગુપકર રોડ પરના તેમના નિવાસસ્થાને પત્ની મૌલી સાથે ચા પી રહ્યા હતા. એટલામાં જ તેમનો ફોન રણક્યો. ફોન પર કહેવામાં આવ્યું હતું કે રાજ્યપાલ જગમોહન મલ્હોત્રા તમને તાત્કાલિક મળવા માગ
ફારુકે ઉતાવળમાં સ્નાન કર્યું અને કાફલા સાથે રાજભવન તરફ પ્રયાણ કર્યું. રાજ્યપાલ પહેલેથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા. ફારુક આવતાંની સાથે જ રાજ્યપાલે તેમને 250 શબ્દોનો પત્ર આપ્યો.
આ પત્રમાં લખ્યું હતું- 'તમે વિધાનસભાના મોટા ભાગના ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી હું તમને જણાવતાં ખેદ અનુભવું છું કે મેં તમને રાજ્યના મુખ્યમંત્રી પદેથી બરતરફ કર્યા છે. તમારા નેતૃત્વ હેઠળની મંત્રી પરિષદનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે.
ફારુકની નજર ત્યાં પહેલાંથી હાજર તેમના બનેવી ગુલામ મોહમ્મદ શાહ પર પડી. શાહની સાથે નેશનલ કોન્ફરન્સના અન્ય 12 ધારાસભ્ય પણ રાજભવનમાં હાજર હતા. આ સમગ્ર કાવતરું તેમના દ્વારા જ ઘડવામાં આવ્યું હતું.
ફારુક ગુસ્સાથી ભરાઈ ગયા. તેમણે સામેના ટેબલ પર પોતાનો હાથ જોરથી માર્યો અને બનેવી તરફ ઈશારો કરીને રાજ્યપાલને કહ્યું, 'તમને જે યોગ્ય લાગે એ કરો, પણ આ માણસને મુખ્યમંત્રી ન બનવા દો.'

દેશના શક્તિશાળી રાજકીય પરિવારોની સિરીઝ 'પરિવાર રાજ'ના ચોથા એપિસોડમાં જમ્મુ-કાશ્મીરના શેખ અબ્દુલ્લા પરિવારના કિસ્સા…

શેખ અબ્દુલ્લાના પૂર્વજો હિંદુ બ્રાહ્મણ હતા શેખ અબ્દુલ્લા પરિવારની કહાનીની શરૂઆત ઝેલમ નદીના કિનારે વસેલા શ્રીનગર શહેરના સૌરા વિસ્તારથી થાય છે. શેખ અબ્દુલ્લાએ પોતાની આત્મકથા 'આતિશે ચીનાર'માં લખ્યું છે કે તેમના પૂર્વજ હિંદુ બ્રાહ્મણ હતા. 1766માં સૂફી મીર અબ્દુલ રશીદ બૈહાકીના પ્રભાવમાં આવીને તેમના દાદાએ ઈસ્લામ અપનાવ્યો.
1905માં શેખ અબ્દુલ્લાના જન્મનાં 2 અઠવાડિયાં પહેલાં જ તેમના પિતા શેખ મોહમ્મદ ઈબ્રાહિમનું અવસાન થયું હતું. તેઓ 9 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. બાળપણમાં શેખ અભ્યાસની સાથે-સાથે તેમની ખાનદાની શાલની દુકાન પર પણ કામ કરતા હતા.
શેખ અબ્દુલ્લા હાયર સ્ટડી માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ગયા. 25 વર્ષની ઉંમરમાં માસ્ટર કરવા ઘાટી પરત ફર્યા. કાશ્મીરમાં ડોગરા શાસનના સમયે કાશ્મીરી મુસ્લિમોના હક માટે સક્રિય થઈ ગયા. આ દરમિયાન 1932માં ચૌધરી ગુલામ અબ્બાસના નેતૃત્વમાં એક નવી પાર્ટી બનાવી, જેનું નામ મુસ્લિમ કોન્ફરન્સ રાખવામાં આવ્યું. શેખ આ પાર્ટી સાથે જોડાયા અને પોતાની લીડરશિપની સ્કિલથી પ્રખ્યાત થયા.

નેહરુને પોતાના રાજકીય ગુરુ બનાવ્યા! 1937માં ખાન અબ્દુલ ગફ્ફાર ખાને શેખને એ સમયે કોંગ્રેસ-અધ્યક્ષ જવાહરલાલ નેહરુને મળાવ્યા હતા. શેખે જણાવ્યું હતું કે ધર્મને લઈને તેમના વિચાર નેહરુને મળીને બદલાયા. 24 જૂન 1938ના રોજ શેખે મુસ્લિમ કોન્ફરન્સનું નામ બદલીને 'નેશનલ કોન્ફરન્સ' કરી દીધું.
નામ બદલ્યા પછી આઝાદ કાશ્મીરના રાષ્ટ્રપતિ રહેલા ચૌધરી ગુલામ અબ્બાસે કહ્યું હતું કે શેખ અબ્દુલ્લા હવે અમારા હાથ નીચેથી નીકળી ચૂક્યા છે અને હવે તેમણે નેહરુને તેમના રાજકીય ગુરુ બનાવ્યા છે. આ સાથે જ ચૌધરી ગુલામ અબ્બાસ અને મીરવાઇઝ યુસુફ શાહ જેવા મુસ્લિમ નેતાઓએ નેશનલ કોન્ફરન્સ પાર્ટીમાંથી બળવો કર્યો.

મુસ્લિમ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ નેશનલ કોન્ફરન્સમાં જોડાવા લાગ્યા. 1947માં જ્યારે દેશ ભાગલામાંથી પસાર થઈ રહ્યો હતો. પછી કાશ્મીર સમક્ષ પ્રશ્ન એ હતો કે કઈ દિશામાં વળવું. કાશ્મીરી પત્રકાર બશારત પીરે પોતાના પુસ્તક 'કર્ફ્યૂ નાઈટ'માં લખ્યું છે કે કાશ્મીરના રાજા હરિ સિંહ અને શેખ અબ્દુલ્લાએ વિલીનીકરણ અંગે સત્તાવાર નિર્ણય લેવા માટે દિલ્હીથી થોડો સમય માગ્યો હતો.
જોકે શેખ અબ્દુલ્લા દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત દ્વારા પાકિસ્તાનની રચનાના વિરોધમાં હતા, જેના કારણે તેઓ કટ્ટરપંથી મુસ્લિમ નેતાઓના નિશાન બન્યા હતા. શેખે ધર્મનિરપેક્ષ ભારતમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાનું સમર્થન કર્યું હતું.
કહેવાય છે કે શેખ અબ્દુલ્લા બે કારણસર જમ્મુ-કાશ્મીરના પાકિસ્તાન સાથે વિલીનીકરણનો વિરોધ કરી રહ્યા હતા. પ્રથમ- તેઓ નેહરુના મિત્ર હતા અને તેમને ઝીણાની રાજનીતિ પસંદ નહોતી. બીજું, તેમને કાશ્મીર પર પંજાબી મુસ્લિમોના વર્ચસ્વનો ડર હતો.
આઝાદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે નેહરુએ તેમને જેલમાં મોકલી દીધા ઓક્ટોબર 1947ની વાત છે. કાશ્મીર ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો કોઈ સત્તાવાર નિર્ણય લે એ પહેલાં જ આદિવાસીઓએ પાકિસ્તાની સેનાના સમર્થનથી કાશ્મીર પર હુમલો કર્યો.
આ આક્રમણ પછી કાશ્મીરના રાજા હરિ સિંહે ઉતાવળે ભારતમાં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો અને શેખ અબ્દુલ્લા, જેઓ અત્યારસુધીમાં નેહરુના મિત્ર બની ગયા હતા, તેમણે પણ તેમને ટેકો આપ્યો.

વડાપ્રધાન નેહરુ અબ્દુલ્લાને દિલ્હી અને કાશ્મીર વચ્ચેનો સેતુ માનતા હતા, તેથી 1947માં રાજા હરિ સિંહ પર દબાણ કરીને તેમણે શેખને કાશ્મીરના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. આઝાદી પછી પણ જ્યારે પણ કાશ્મીર પર કોઈ નિર્ણય લેવો પડતો ત્યારે નેહરુ શેખ અબ્દુલ્લા સાથે ચોક્કસ વાત કરતા, પરંતુ ટૂંક સમયમાં એક ઘટના બની.
બોમ્બે હાઈકોર્ટના પૂર્વ વકીલ અને લેખક એ.જી. તૌરાની તેમના પુસ્તક '370 અ કોન્સ્ટિટ્યૂશનલ હિસ્ટ્રી ઓફ કાશ્મીર'માં લખે છે કે 31 જુલાઈ, 1953ના રોજ નેહરુએ એક નોટ શેર કરી હતી, જે તેમના ખાનગી સચિવ એમઓ મથાઈ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી. આ નોંધમાં નેહરુએ કાશ્મીરના સદર-એ-રિયાસતને રાજ્યમાં ચાલી રહેલી અનિયમિતતાઓને કારણે કેટલાક લોકોને પદ પરથી હટાવવાનું કહ્યું છે.
લગભગ એક અઠવાડિયા પછી 8 ઓગસ્ટ, 1953ના રોજ નેહરુએ એક પત્ર લખીને કાશ્મીરના તત્કાલીન વડાપ્રધાન શેખ અબ્દુલ્લાને પદ પરથી હટાવવા અને તેમની જગ્યાએ બક્ષી ગુલામ મોહમ્મદને વડાપ્રધાન બનાવવાની માગણી કરી.
'ધ ટ્રિબ્યુન'ના એક લેખમાં કેબિનેટ સચિવાલયના પૂર્વ વિશેષ સચિવ વપ્પલા બાલાચંદ્રન લખે છે કે શેખ અબ્દુલ્લાને વડાપ્રધાનપદ પરથી હટાવવાનું કારણ તેમની ભારતવિરોધી નીતિઓ છે. તેમણે 1947 અને 1953 વચ્ચે અનેક પ્રસંગોએ કાશ્મીરને સ્વતંત્ર દેશ બનાવવાની વાત પણ કરી હતી.
જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાનપદ પરથી હટાવવાના થોડા સમય બાદ શેખની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. શેખ અબ્દુલ્લાને 11 વર્ષ જેલવાસ બાદ એપ્રિલ 1964માં મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં તેમણે કાશ્મીરની આઝાદીની માગને બાજુ પર રાખી દીધી હતી.

નેહરુના નિધન પર શેખ અબ્દુલ્લા ખૂબ રડ્યા 27 મે 1964ના રોજ જવાહરલાલ નેહરુના આદેશ પર શેખ અબ્દુલ્લા કાશ્મીર મુદ્દે જનરલ અયુબ ખાન સાથે વાત કરવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoK પહોંચ્યા. એ દિવસોમાં નેહરુની તબિયત સારી ન હતી.
પાકિસ્તાન તરફથી આ વાતચીતમાં પ્રખ્યાત ઉર્દૂ કવિ હાફીઝ જલંધરી પણ ભાગ લઈ રહ્યા હતા. ભારતીય પ્રેસ સાથે વાત કરતાં તેમણે કહ્યું- 'આઝાદી પછી ભારતને નેહરુ જેવો નેતા મળ્યો એ સૌભાગ્યની વાત છે. આ અમારી કમનસીબી હતી કે અમે ઝીણા અને લિયાકતને વહેલા ગુમાવ્યા. હવે નેહરુ જવાના છે, તો તમે પણ અમારા લેવલે આવવાના છો.
એ જ દિવસે બપોરે લગભગ 2 વાગ્યે કેન્દ્રીય મંત્રી સી સુબ્રહ્મણ્યમ સંસદમાં આવ્યા અને નેહરુના મૃત્યુની જાણકારી આપી. આ દરમિયાન હાફીઝ જલંધરી પોતાના નિવેદન માટે પોતાને કોસતા જોવા મળ્યા હતા. જલંધરીને સમજાવતી વખતે શેખ અબ્દુલ્લાએ તેમને ગળે લગાડ્યા અને ખૂબ રડ્યા. નેહરુ માટે પાકિસ્તાન એસેમ્બ્લીમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શોકમાં પાકિસ્તાનનો ધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો હતો.

શેખ અબ્દુલ્લાએ ફૂલોની વર્ષા કરી પુત્ર ફારુકનો રાજ્યાભિષેક કર્યો શેખ અબ્દુલ્લાની પુત્રી ખાલિદા તેમની ખૂબ નજીક હતી, પરંતુ જ્યારે રાજકીય વારસો સોંપવાની વાત આવી ત્યારે શેખે તેમના મોટા પુત્ર ફારુકને પસંદ કર્યો. પત્રકાર અશ્વિની ભટનાગર તેમના પુસ્તક 'ફારુક ઓફ કાશ્મીર'માં લખે છે કે ફારુક 1965માં મેડિસિનનો અભ્યાસ કરવા લંડન ગયા હતા. તેમણે બ્રિટિશ મહિલા સાથે લગ્ન કરીને ત્યાંની નાગરિકતા લીધી.
1975માં પારિવારિક કારણોસર ફારુકને કાશ્મીર પરત ફરવું પડ્યું હતું. લગભગ છ વર્ષ પછી શેખે ફારુકને સમજાવ્યું કે તે એક યુવાનને પાર્ટીની જવાબદારી સોંપવા માગે છે. તેમણે ફારુકને કહ્યું કે રાજનીતિ દ્વારા તમે ડોક્ટર કરતાં પણ વધુ દેશ અને લોકોની સેવા કરી શકો છો.
1980માં શેખે ફારુકને શ્રીનગર બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી. ફારુક શ્રીનગરથી ચૂંટણી જીત્યા હતા. માત્ર એક વર્ષ પછી શેખે પક્ષની જવાબદારી તેમના પુત્રને સોંપવાનું મન બનાવ્યું. શેખ અબ્દુલ્લાએ ફારુકના રાજ્યાભિષેકની યાદમાં પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 21 ઓગસ્ટ 1981ના રોજ પાર્ટીની કમાન સંભાળતાં પહેલાં ફારુક શ્રીનગરમાં રેલી કાઢશે. કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી હતી કે શ્રીનગરના દરેક ઘરના લોકો ફારુકના સમર્થનમાં રેલીમાં ભાગ લે.
આ દિવસે ફારુકની રેલીમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. નેશનલ કોન્ફરન્સના સમર્થનમાં સૂત્રોચ્ચાર શ્રીનગરના રસ્તાઓ પર ગુંજતા હતા- 'નેશનલ, નેશનલ, બધા છે નેશનલ.' શેખ અબ્દુલ્લાએ હોટલની બાલ્કનીમાંથી ફૂલોની વર્ષા કરીને સરઘસનું સ્વાગત કર્યું હતું. અંતમાં શેખ અબ્દુલ્લાએ અધ્યક્ષ ભાષણ આપ્યું અને પાર્ટી-અધ્યક્ષની કમાન તેમના પુત્ર ફારુકને સોંપી. તેમણે પોતાના શર્ટ પર નેશનલ કોન્ફરન્સનો બેજ લગાવીને ફારુકને પાર્ટીનો વારસો સોંપ્યો.

શેખ અબ્દુલ્લાના મૃત્યુ પછી પુત્ર-જમાઈ વચ્ચે સત્તા માટે ઝઘડો થયો સપ્ટેમ્બર 1982માં શેખ અબ્દુલ્લાનું અવસાન થયું. આ પછી પાર્ટી અને રાજ્યની સત્તા કબજે કરવા માટે ફારુક અબ્દુલ્લા અને તેમની બહેન ખાલિદા અને બનેવી વચ્ચે રાજકીય યુદ્ધ શરૂ થયું.
તત્કાલીન રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાએ તેમના પુસ્તક 'માય ફ્રોઝન ટર્બ્યુલન્સ'માં એક રાજકીય ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. મલ્હોત્રા લખે છે, '1 જુલાઈની મોડી સાંજે ફારુકના બનેવી ગુલામ મોહમ્મદ શાહે તેમને માહિતી મોકલી કે 12 ધારાસભ્યના જૂથે તેમને સમર્થન આપ્યું છે. તે ફારુકની સરકારમાંથી સમર્થન પાછું ખેંચીને કોંગ્રેસ (આઈ) સાથે સરકાર બનાવવા માગે છે. આ સમયે રાજ્યના શક્તિશાળી નેતા દેવીદાસ ઠાકુર પણ શાહને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા.
બીજા દિવસે સવારે જ્યારે જગમોહને સરકારને બરતરફ કરવાનો પત્ર ફારુકને આપ્યો. ત્યારે ફારુકે તેમને વિધાનસભા બોલાવવા અને ગૃહના ફ્લોર પર બહુમતનું પરીક્ષણ કરવા કહ્યું. લગભગ 11 વાગ્યાની આસપાસ તેમણે ઈન્દિરા ગાંધી સાથે આ બાબતે વાત કરી અને લીલી ઝંડી મળતાં જ તેમણે ફારુકની સરકારને બરખાસ્ત કરી દીધી.
2 જુલાઈની સાંજે કોંગ્રેસ અને અન્યોના સમર્થનથી ગુલામ મોહમ્મદ શાહે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા..
ફારુકે યોગ્ય સમયે પુત્ર ઉમરને રાજકારણમાં ઉતાર્યો નેશનલ કોન્ફરન્સ 1996માં બહુમતી સાથે સત્તામાં પરત ફર્યા બાદ તરત જ ઉમર અબ્દુલ્લા રાજકારણમાં જોડાયા હતા. તેમણે પાછળથી કહ્યું, 'હું મારા સ્કૂલિંગ માટે લાંબા સમયથી દૂર હતો. 1996માં પાર્ટીની જીત પછી જ મેં રાજકારણ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. હું ચોક્કસપણે મારા દાદા સાથે ઈદગાહ ગયો હતો, પરંતુ ક્યારેય કોઈ રાજકીય રેલીમાં ગયો નથી. જ્યારે હું નાનો હતો ત્યારે શેખ મારી સાથે રાજકારણ વિશે વાત કરતા નહોતા.
1998માં ફારુકે તેમના પુત્ર ઉમરને નેશનલ કોન્ફરન્સમાંથી ટિકિટ આપી અને તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે મનાવ્યા. ચૂંટણી જીત્યા બાદ ઉમર કેન્દ્રમાં મંત્રી બન્યા. 2001માં તેઓ કેન્દ્રમાં એનડીએ સરકારમાં દેશના સૌથી યુવા વિદેશ મંત્રી બન્યા. જોકે તેમણે ડિસેમ્બર 2002માં 17 મહિના બાદ આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
2002માં તેમના પિતાએ તેમને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઉમરે ગાંદરબલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા.

ફારુકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ક્યારેય ઉમરને રાજનીતિમાં લાવવાના પક્ષમાં નથી. ફારુકે વધુમાં કહ્યું, 'જ્યારે મેં રાજનીતિમાં જોડાવાની યોજના બનાવી ત્યારે મારા પિતા (શેખ અબ્દુલ્લા)એ મને એનાથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમણે મને કહ્યું હતું કે એકવાર તું આ નદીમાં કૂદી જઈશ તો કાં તો આ નદીના પ્રવાહ સાથે વહી જઈશ અથવા પ્રવાહ સામે લડીશ. એમાંથી ક્યારેય બહાર નીકળી શકીશ નહીં.
ફારુક તરીકે તેમણે ઉમરને પણ રાજકારણમાં ન આવવાની સલાહ આપી હતી, પરંતુ ઉમરે પણ તેના પિતાની વાત ન માની અને રાજકારણમાં જોડાઈ ગયા.
ફારુક અબ્દુલ્લાએ પત્રકાર મુઝમ્મિલ જલીલને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે શરૂઆતમાં તેમની પત્નીએ પણ ઓમરના રાજકારણમાં પ્રવેશનો વિરોધ કર્યો હતો. ફારુકના કહેવા પ્રમાણે, જ્યારે તેમણે તેમની પત્નીને કહ્યું કે તેમની જેમ એક દિવસ ઉમર પણ રાજકારણમાં આવવા માગશે. આના પર તેમની પત્ની મૌલીએ ગુસ્સામાં કહ્યું કે આ તેમના મૃત્યુ પછી જ શક્ય બનશે.
જ્યારે ઉમરને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હસીને કહ્યું, 'મેં મારી માતાને આ વિશે પૂછ્યું હતું, પરંતુ તેમને આ વાતચીત યાદ નથી.' જોકે ફારુકે જ્યારે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પિતા શેખે ફૂલોની વર્ષા કરીને આવકાર્યા હતા. એ જ રીતે જ્યારે ઉમરને મુખ્યમંત્રી બનાવવાની વાત આવી ત્યારે તેમની માતા મૌલીએ તેમના પતિ ફારુકને તેમના પુત્રને મુખ્યમંત્રી બનાવવાની પેરવી કરી હતી.
જ્યારે ફારૂક અને પુત્ર ઉમર બંને મુખ્યમંત્રી બનવા માગતા હતા 2008ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ ઈચ્છતા હતા કે ફારુક મુખ્યમંત્રી બને. આ ચૂંટણીમાં ફારુક એકસાથે બે વિધાનસભા બેઠકો પરથી જીત્યા હતા. ફારુકે બે વખત મુખ્યમંત્રી બનવાની મહત્ત્વકાંક્ષા પણ ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. તેમની બે પુત્રીમાંથી એકપણ એવું જ ઈચ્છતી હતી, પરંતુ પાર્ટીનો એક વર્ગ ઉમરને મુખ્યમંત્રી તરીકે જોવા માગતો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર મુઝમ્મિલ જલીલ લખે છે કે તેમની માતા મૌલી અબ્દુલ્લાએ ઉમરને સીએમ બનાવવાની આગેવાની લીધી હતી. મૌલીએ તેમના પતિ સાથે વાત કરી અને તેમને આગામી પેઢીને સત્તા સોંપવા કહ્યું, ફારુક સંમત થયા. આમ, જાન્યુઆરી 2009માં શેખ અબ્દુલ્લાની ત્રીજી પેઢીના ઉમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા.
આવનારી પેઢી પણ તૈયાર છે... ઓક્ટોબર 2009ની વાત છે. જમ્મુ અને કાશ્મીર સરકારના સત્તાવાર વિમાનના પાઇલટ કોકપીટ ચેક કરી રહ્યા છે અને તેને આગામી મુસાફરી માટે તૈયાર કરી રહ્યા છે. એ જ સમયે એક 6 વર્ષનું બાળક ત્યાં આવે છે. પાઇલટ બાળકને પૂછે છે - 'તું પ્લેન ઉડાવતા કેમ નથી શીખતો?' બાળક જવાબ આપે છે- 'હું શીખીશ, પણ મારે લીડર બનવું છે, પાઇલટ નહીં.'

એ નાનું બાળક બીજું કોઈ નહીં, પણ જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાના પુત્ર ઝહીર અબ્દુલ્લા હતા. ભલે ઝહીરે આ નિવેદન તેમના મુખ્ય મંત્રી પિતાના જીવનથી પ્રેરિત થઈને આપ્યું હોય, પરંતુ જ્યારે તે મોટો થશે ત્યારે તે રાજકારણમાં પ્રવેશ કરે એવી શક્યતા વાસ્તવિક છે. તેમના પિતા અને દાદાની જેમ ઝહીરનો જન્મ રાજકીય વારસાથી ઘેરાયેલા વાતાવરણમાં થયો હતો.
ઝહીર અબ્દુલ્લા વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા. હાલમાં તે દિલ્હીમાં કાયદાની પ્રેક્ટિસ કરે છે.
9 એપ્રિલના રોજ 'પરિવાર રાજ' સિરીઝના પાંચમા એપિસોડમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ પરિવારની કહાની. કેવી રીતે મુલાયમે પંડિતજીને પૂછીને પોતાના પુત્ર અખિલેશને મુખ્યમંત્રી બનાવ્યા...
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















