Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

પરિવાર રાજ
મોરારજીની જેમ સ્વમૂત્ર પીતા હતા શરદ પવાર:ઈન્દિરાને પડકાર આપીને સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બન્યા; ક્યારેય ચૂંટણી હાર્યા નથી, પણ ભત્રીજાએ માત આપી

3 વર્ષ પેહલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક

તારીખ- 29 મે 1991, સ્થળ- તામિલનાડુનું શ્રીપેરુમ્બુદુર, સમય- રાતના 10 વાગ્યાની આસપાસ.

.

એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. ત્યાર બાદ તરત જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 252 સીટ સાથે સૌથી મોટી પાર્ટી બની. રાજીવ ગાંધીની પત્ની સોનિયાએ રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી. હવે મોટો સવાલ એ હતો કે કોંગ્રેસ કોને વડાપ્રધાન તરીકે પસંદ કરશે.

17 જૂન, 1991ના ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કોંગ્રેસના તત્કાલીન નેતા શરદ પવારને ટાંકીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંસદો નક્કી કરશે કે દિલ્હીમાં દેશનું નેતૃત્વ કોણ કરશે. 18મી જૂને ફરી શરદ પવારને પીએમ પ્રોજેકટ કરવાના સમાચાર પ્રકાશિત થયા. મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી ચર્ચા હતી કે શરદ પવાર પીએમપદ માટે યોગ્ય છે.

કોંગ્રેસના સાંસદોનું મતદાન થયું. સોનિયા ગાંધીના સમર્થનમાં પીવી નરસિમ્હા રાવને શરદ પવાર કરતાં 35 મત વધુ મળ્યા હતા. આ રીતે શરદ પવાર દેશના પીએમ બનતાં બનતાં રહી ગયા. જોકે આ સરકારમાં તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા.

શરદ પવાર પોતાની બાયોગ્રાફી 'ઓન માય ટર્મ્સ'માં પૂર્વ ગવર્નર પીસી એલેક્ઝાન્ડરને ટાંકીને લખે છે કે સોનિયા નહોતાં ઈચ્છતાં કે કોઈ સ્વતંત્ર વિચારધારા ધરાવતો કોંગ્રેસી નેતા દેશના વડાપ્રધાન બને.

રાજકીય નિષ્ણાત વિનય સીતાપતિ પોતાના પુસ્તક ‘હૉફ લાયન’માં લખે છે, ‘સોનિયા ગાંધીને લાગતું હતું કે રાવ તેમનું સ્થાન જાણતા હતા. સરકાર અને સંગઠનમાં લાંબા સમય સુધી રહેવા દરમિયાન તેમણે ક્યારેય ગાંધી પરિવાર સામે બળવાનું વલણ દાખવ્યું નહીં. શરદ પવાર આ ધોરણ પ્રમાણે ફિટ નહોતા બેસતા.

દેશના શક્તિશાળી રાજકીય પરિવારોની સિરીઝ 'પરિવાર રાજ'ના સાતમા એપિસોડમાં મહારાષ્ટ્રના શરદ પવાર પરિવારની કહાની…

3 દિવસના શરદ પવાર રાજકીય બેઠકોમાં જવા લાગ્યા હતા શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940ના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં થયો. શરદ પવાર 11 ભાઈ-બહેનોમાંના એક હતા. તેમના પિતા ગોવિંદરાવ પવાર મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટીમાં ઓફિસર હતા.

પોતાના જન્મના ત્રણ દિવસ બાદથી શરદ રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યા હતા. હકીકતમાં શરદનો જન્મ 12 ડિસેમ્બરે થયો હતો અને 15 ડિસેમ્બર 1940ના રોજ તેમની માતા શારદાની પુણે લોકલ બોર્ડમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક હતી.

તેઓ એટલા નાના હતા કે ઘરે એકલા છોડી શકાય એમ નહોતું. આવી સ્થિતિમાં માતા તેમને બેઠકમાં લઈ ગઈ. તેમના બાળપણના દિવસોથી શરદે જોયું હતું કે કેવી રીતે તેમના પિતા ગોવિંદરાવે મરાઠવાડા વિસ્તારમાં ખેડૂતો વચ્ચે મજબૂત પકડ બનાવી હતી.

શરદ પવાર પુણેની બૃહન મહારાષ્ટ્ર કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી ત્યારથી રાજકારણમાં સક્રિય બન્યા હતા. શરદ પવાર તેમના પુસ્તક 'ઓન માય ટર્મ્સ'માં લખે છે કે કોલેજમાં તેમના વિશે એવું કહેવામાં આવતું હતું કે તેઓ એવરેજ વિદ્યાર્થી છે, પરંતુ સક્રિય રાજકારણી છે.

તસવીરમાં શરદ પવારની માતા શારદા બાઈ (વચ્ચે) અને ભાઈ બસંતરાવ (સૌથી જમણે) છે. બંને પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયાના સક્રિય સભ્ય હતા.
તસવીરમાં શરદ પવારની માતા શારદા બાઈ (વચ્ચે) અને ભાઈ બસંતરાવ (સૌથી જમણે) છે. બંને પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયાના સક્રિય સભ્ય હતા.

20 વર્ષના શરદ પવારે ચૂંટણીમાં તેમના ભાઈને હરાવ્યા શરદ પવારે 1960માં કોંગ્રેસમાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. 1960માં કોંગ્રેસના નેતા કેશવરાવ જેધેનું અવસાન થયું અને બારામતી લોકસભા બેઠક ખાલી પડી ગઈ. પેટાચૂંટણીમાં પિઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે PWPએ શરદના મોટા ભાઈ બસંતરાવ પવારને ટિકિટ આપી, જ્યારે કોંગ્રેસે ગુલાબરાવ જેધને મેદાનમાં ઉતાર્યા.

એ સમયે વાયબી ચવ્હાણ મહારાષ્ટ્રના સીએમ હતા. તેમણે બારામતી બેઠકને પોતાની વિશ્વસનીયતાનો મુદ્દો બનાવ્યો હતો. શરદ પોતાના પુસ્તક 'ઓન માય ઓન ટર્મ્સ'માં લખે છે કે મારો ભાઈ કોંગ્રેસ સામે ઉમેદવાર હતો. બધા વિચારતા હતા કે હું શું કરીશ? એ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હતી.

ભાઈ બસંતરાવ મારી સમસ્યા સમજી ગયા. તેમણે મને બોલાવીને કહ્યું, 'તમે કોંગ્રેસની વિચારધારાને સમર્પિત છો. મારા વિરુદ્ધ પ્રચાર કરતાં અચકાશો નહીં. આ પછી મેં મારું જીવન કોંગ્રેસના ચૂંટણીપ્રચારમાં સમર્પિત કર્યું અને ગુલાબરાવ જેધે જીતી ગયા.'

આ તસવીર શરદ પવાર અને તેમના ભાઈ બસંતરાવ પવારની છે. શરદ પવારે 1960ની લોકસભા પેટાચૂંટણીમાં તેમના વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.
આ તસવીર શરદ પવાર અને તેમના ભાઈ બસંતરાવ પવારની છે. શરદ પવારે 1960ની લોકસભા પેટાચૂંટણીમાં તેમના વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.

માત્ર 27 વર્ષની ઉંમરે શરદ પવાર 1967માં બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા. તેઓ છેલ્લા 5 દાયકામાં 14 ચૂંટણી જીતી ચૂક્યા છે. શરૂઆતના દિવસોથી જ ન સમજદાર રાજકારણી રહ્યા છે.

રાજકારણમાં સક્રિય થયા પછી પવારે જોયું હતું કે કોંગ્રેસના નેતા વસંત રાવ પાટીલને મુખ્યમંત્રીપદ સુધી લઈ જવામાં સહકારી સંસ્થાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, આથી જ પવારે 1980ના દાયકાના અંતથી સહકારી સંસ્થાઓને અંકુશમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો.

એ પછી જ પવારે દૂધ સંઘો, સહકારી શુગર અને કાપડ મિલ, જિલ્લા બેંકો અને શુગર અને અન્ય મિલોને લોન આપતી સર્વોચ્ચ બેંક મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક (MSCB) પર નિયંત્રણ મેળવીને તેમના રાજકીય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.

38 વર્ષના પવાર ઈન્દિરા ગાંધીને પડકાર આપીને સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા વર્ષ 1978ની વાત છે. કોંગ્રેસ પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ- કોંગ્રેસ (ઈન્દિરા) અને કોંગ્રેસ (રેડ્ડી). અશોક ગેહલોત, હરિદેવ જોશી, શરદ પવાર જેવા નેતાઓ કોંગ્રેસ (રેડ્ડી)માં જ રહ્યા. મહારાષ્ટ્રમાં માર્ચ 1978માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. કોઈપણ પક્ષને બહુમતી મળી નહીં. જનતા પાર્ટીને સરકાર બનાવતી રોકવા માટે બંને કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી.

કોંગ્રેસ (રેડ્ડી) જૂથના વસંતદાદા પાટીલે નવી સરકારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સરકારમાં શરદ પવાર પહેલીવાર ઉદ્યોગમંત્રી બન્યા. સરકાર બન્યા બાદ બંને જૂથના નેતાઓએ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપવા લાગ્યા. સરકારમાં વિવાદો વધતાં મોટા ભાગના મંત્રીઓએ અસહજની સ્થિતિનો સામનો કરવાનું શરૂ કર્યું.

સરકારની રચના થયાને માત્ર ચાર મહિના જ થયા હતા અને 12 જુલાઈએ શરદ પવારે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું. શરદ પવારે કહ્યું હતું કે ઈમર્જન્સી પછી ઈન્દિરા ગાંધીની પાર્ટીના સમર્થનથી સરકાર ચલાવવી યોગ્ય નથી લાગતી. વરિષ્ઠ પત્રકાર મિન્હાજ મર્ચન્ટે તેમના લેખમાં દાવો કર્યો કે શરદ પવારની મુખ્યમંત્રી બનવાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાએ તેમને ગઠબંધન સરકાર તોડવા માટે ઉશ્કેર્યા હતા.

આ પછી પવારે કોંગ્રેસના 40 ધારાસભ્યને તોડીને જનતા પાર્ટી, પિજન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા અને CPM પાર્ટીની મદદથી સરકાર બનાવી. 288 સીટોની વિધાનસભામાં શરદ પાસે 180 ધારાસભ્યો હતા. આ રીતે શરદ પવાર માત્ર 38 વર્ષની વયે મુખ્યમંત્રી બન્યા. સીએમ બન્યા પછી ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ કહ્યું હતું કે 'એક દિવસ આ છોકરો વડાપ્રધાન બનશે.' 1978 સુધી તેમના પહેલા દેશનો કોઈ નેતા આટલી નાની ઉંમરમાં મુખ્યમંત્રી બન્યો નહોતો.

આ તસવીરમાં પૂર્વ સીએમ વસંતદાદા પાટીલ (ડાબેથી પહેલા)ની સાથે શરદ પવાર (ડાબેથી બીજા) જોવા મળે છે. શરદ 38 વર્ષની ઉંમરે તેમની સરકારને પાડીને સીએમ બન્યા હતા.
આ તસવીરમાં પૂર્વ સીએમ વસંતદાદા પાટીલ (ડાબેથી પહેલા)ની સાથે શરદ પવાર (ડાબેથી બીજા) જોવા મળે છે. શરદ 38 વર્ષની ઉંમરે તેમની સરકારને પાડીને સીએમ બન્યા હતા.

શરદ પવારના આ નિર્ણયે એક રીતે ઈન્દિરા ગાંધીને પડકાર ફેંક્યો હતો. બે વર્ષ બાદ 1980માં ઈન્દિરા ગાંધી ફરી એકવાર 353 બેઠક જીતીને દેશના વડાપ્રધાન બન્યા. પીએમ બનતાંની સાથે જ ઈન્દિરાએ ફેબ્રુઆરી 1980માં કલમ 356 દ્વારા મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યની સરકારોને બરખાસ્ત કરી દીધી. આ બધાં એવાં રાજ્યો હતાં, જ્યાં ઈન્દિરાનો વિરોધ કરતી પાર્ટીઓ સત્તામાં હતી.

સરકારને બરતરફ કરવા પાછળનાં કારણો આ રાજ્યોમાં નરસંહાર અને નબળી કાયદા વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું. આ રીતે પહેલીવાર સીએમ બનેલા શરદ પવારની સરકાર પડી ગઈ.

મોરારજીના કહેવાથી પોતાનો પેશાબ પીતા હતા શરદ પવાર શરદ પવારે પોતાના પુસ્તક 'ઓન માય ટર્મ્સ'માં જણાવ્યું છે કે '1977માં મોરારજી દેસાઈ દેશના પીએમ બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. હું પણ તેમની સાથે એરપોર્ટ પર હતો. અમે દારૂબંધીના મુદ્દા વિશે વાત કરી રહ્યા હતા. એ જ ક્ષણે મને મારી છાતીમાં થોડો દુખાવો થયો, તેથી મેં મારી છાતી પર હાથ મૂક્યો. મોરારજીએ કહ્યું કે તમે શિવામ્બુ ઉપચાર કરો. આનાથી ઠીક થઈ જશો. શિવામ્બુ થેરાપીમાં લોકો પોતાનો પેશાબ પીવે છે.'

થોડા દિવસો પછી જ્યારે મોરારજી અને પવાર મળ્યા, ત્યારે પવારે કહ્યું, 'મેં તમારી સલાહ મુજબ શિવામ્બુ ઉપચાર શરૂ કર્યો છે. હવે એ પહેલાં કરતાં વધુ આરામ છે. આ સાંભળીને મોરારજી ખુશ થઈ ગયા.'

18 નવેમ્બર 1990ની તસવીરમાં શરદ પવાર અને મોરારજી દેસાઈ તત્કાલીન પીએમ ચંદ્રશેખર સાથે વાત કરતા જોવા મળે છે.
18 નવેમ્બર 1990ની તસવીરમાં શરદ પવાર અને મોરારજી દેસાઈ તત્કાલીન પીએમ ચંદ્રશેખર સાથે વાત કરતા જોવા મળે છે.

કોંગ્રેસમાં જોડાયા પછી સોનિયાને વિદેશી કહીને અલગ પાર્ટી બનાવી 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શરદ પવાર શ્રદ્ધાંજલિ આપવા દિલ્હી પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર પરત ફરતાં પહેલાં તેમની મુલાકાત રાજીવ સાથે થઈ. એ સમયે રાજીવ વડાપ્રધાન હતા. તેમણે શરદને કોંગ્રેસમાં જોડાવવા વિનંતી કરી. શરદે થોડો સમય માગ્યો અને મહારાષ્ટ્ર પરત આવી ગયા.

બે વર્ષ પછી 1986માં શરદ પવાર કોંગ્રેસમાં જોડાયા અને 26 જૂન 1988 અને 25 જૂન 1991 વચ્ચે બે વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. 1991માં રાજીવની હત્યા પછી તેમનું નામ પણ વડાપ્રધાનપદ માટે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સોનિયા ગાંધીના સમર્થનવાળા પીવી નરસિમ્હા રાવે બાજી મારી લીધી.

કોંગ્રેસના નેતાઓના કહેવા પર સોનિયા ગાંધીએ 1997માં કોલકાતા સત્રમાં પાર્ટીની પ્રાથમિક સભ્યતા લીધી. સભ્યપદ લીધાના થોડા દિવસો પછી સોનિયા ગાંધી 14 માર્ચ 1998ના રોજ કોંગ્રેસ-અધ્યક્ષ બની ગયાં.

1990ની આ તસવીરમાં તત્કાલીન પીએમ રાજીવ ગાંધી મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા છે. સ્ટેજ પર સોનિયા ગાંધીની બાજુમાં શરદ પવાર બેઠા છે.
1990ની આ તસવીરમાં તત્કાલીન પીએમ રાજીવ ગાંધી મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા છે. સ્ટેજ પર સોનિયા ગાંધીની બાજુમાં શરદ પવાર બેઠા છે.

15 મે 1999ની વાત છે. CWCની બેઠક દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય 24 અકબર રોડ ખાતે યોજાઈ છે. મિટિંગની વચ્ચે સફેદ ગાદલાં પર સૂતેલા શરદ પવાર ત્યાં હાજર પીએ સંગમાને જોઈને હસે છે. શરદનું આ સ્મિત પાર્ટીમાં બળવા માટેનું ગ્રીન સિગ્નલ હતું. થોડા સમય પછી સંગમાએ બેઠકમાં સોનિયાના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો. સંગમાના શબ્દો સાંભળીને સોનિયા સ્તબ્ધ થઈ ગયાં.

જ્યારે પવારે કહેવાનું શરૂ કર્યું કે સોનિયા ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ તરીકે સારું કામ કર્યું છે ત્યારે સંગમા બેસી ગયા હતા. જોકે વિદેશમાં જન્મેલા હોવાના કારણે જ્યારે વિરોધપક્ષ આ મુદ્દો ઉઠાવશે ત્યારે કોંગ્રેસ એનો સામનો કરી શકશે નહીં. તારિક અનવરે પણ સંગમા અને શરદને ટેકો આપ્યો.

આ વિરોધ બાદ સોનિયાએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને ભાવનાત્મક પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. સોનિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે 'મારો જન્મ વિદેશની ધરતી પર થયો હોવા છતાં મેં ભારતને મારા દેશ તરીકે પસંદ કર્યો છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી ભારતીય રહીશ. ભારત મારી માતૃભૂમિ છે, મારા જીવ કરતાં પણ વધુ પ્રિય છે.'

પૂર્વ કેન્દ્રીય મંત્રી કે.વી. થોમસ તેમના પુસ્તક - 'સોનિયા- ધ બેવલ્ડ ઑફ ધ માસેસ'માં લખે છે કે પવારને વડાપ્રધાન બનવાની મહત્ત્વકાંક્ષા હતી, તેમને લાગ્યું કે જો સોનિયા વડાપ્રધાન બનશે તો તેમનું વડાપ્રધાન બનવાનું સપનું ક્યારેય પૂરું નહીં થાય. પરિપૂર્ણ તેથી જ તેમણે સોનિયાને વિદેશી મૂળનાં કહીને પીએમ બનતાં રોકવાનો પ્રયાસ કર્યો.

આ તસવીર વર્ષ 1999ની છે, જેમાં શરદ પવાર અને સોનિયા કોઈ મુદ્દા પર વાત કરતાં જોવા મળે છે.
આ તસવીર વર્ષ 1999ની છે, જેમાં શરદ પવાર અને સોનિયા કોઈ મુદ્દા પર વાત કરતાં જોવા મળે છે.

સોનિયાના સમર્થનમાં દિગ્વિજય સિંહ, શીલા દીક્ષિત, અશોક ગેહલોત અને ગિરધર ગમાંગ જેવા મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું. કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ ભૂખ હડતાળ શરૂ કરી દીધી. સોનિયા પાસેથી રાજીનામું પાછું ખેંચવાની માગ કોંગ્રેસના કાર્યકરોમાં જોર પકડવા લાગી.

આખરે 20 મે 1999ના રોજ CWCએ શરદ પવાર, સંગમા અને અનવરને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. ત્રણેય નેતાઓએ સાથે મળીને 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે NCPની રચના કરી.

જ્યારે 64 વર્ષના શરદને ખબર પડી કે માત્ર 6 મહિના જ જીવશે વર્ષ 2004ની વાત છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ શરદ પવારે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી . શરદ પોતાના પુસ્તક 'ઓન હિઝ ઓન ટર્મ્સઃ ફ્રોમ ધ ગ્રાઉન્ડ રિયાલિટી ટુ ધ કોરિડોર્સ ઓફ પાવર'માં લખે છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એક દિવસ શરદને મોઢામાં ભારે દુખાવો થવા લાગ્યો. મેં આ અંગે મારા અંગત ડૉક્ટર રવિ બાપટેને ફરિયાદ કરી.

તેમણે મારું મોં ખોલાવ્યું અને પછી કેટલાક સામાન્ય પરીક્ષણો કર્યા. આ પછી તેમણે કહ્યું કે મારે તાત્કાલિક મુંબઈ પરત ફરવું પડશે. મુંબઈમાં તપાસ બાદ એ વાતની પુષ્ટિ થઈ કે મને મોઢાનું કેન્સર છે.

આ પછી મેં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મારા એક ગાલ પર સર્જરી કરાવી. મારી જાંઘમાંથી માંસ કાઢીને ત્યાં લગાવ્યું. મારા બધા દાંત કાઢી નાખવામાં આવ્યા. મારા જડબાને હલનચલન ન થાય તે માટે મારા મોંમાં એક મોટો કોટન બોલ મૂકવામાં આવ્યો.

આ દર્દનાક સમયને યાદ કરતા શરદે લખ્યું કે ઓપરેશનના થોડા દિવસો બાદ એક યુવાન ડોક્ટર મારી સારવાર કરી રહ્યા હતા. મારો મેડિકલ રિપોર્ટ ચેક કરતા તેમણે કહ્યું કે હવે તમે માત્ર 6 મહિનાના મહેમાન છો. મેં તેમને કહ્યું કે હું તમારા કરતાં લાંબું જીવીશ! આ ઓપરેશન પછી શરદ પવારનો ચહેરો થોડો વાંકોચૂંકો થઈ ગયો.

શરદ કહે છે કે તેને લાંબા સમય સુધી હોસ્પિટલો અને ડોક્ટરોની વચ્ચે રહેવું પડ્યું. ચૂંટણી પ્રચારમાંથી મારા હટી ગયા બાદ વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ હતી. આ પછી અમે હોસ્પિટલમાં જ દેશભરના NCP નેતાઓની બેઠક બોલાવી. પરિણામ એ આવ્યું કે મહારાષ્ટ્રમાં NCPની ટિકિટ પર 9 લોકો જીતીને સંસદ બન્યા. શરદ પવાર કેન્દ્રીય કૃષિ મંત્રી બન્યા.

શરદને મોઢામાં કેન્સર થયું ત્યારે ગાલની સર્જરી માટે જાંઘમાંથી માંસ કાઢીને લગાવ્યું. તેનાથી તેમના ચહેરાનો આકાર બદલાઈ ગયો.
શરદને મોઢામાં કેન્સર થયું ત્યારે ગાલની સર્જરી માટે જાંઘમાંથી માંસ કાઢીને લગાવ્યું. તેનાથી તેમના ચહેરાનો આકાર બદલાઈ ગયો.

માત્ર 5 વર્ષ પછી NCP પર હાવી થવા લાગ્યો શરદ પવારનો પરિવાર NCPની રચના થયાને લગભગ 5 વર્ષ થઈ ગયા હતા. શરદ પછી ભત્રીજા અજિત પવાર પાર્ટીમાં બીજા નંબરના નેતા હતા. 2004ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપીએ કોંગ્રેસ કરતાં 2 વધુ બેઠકો જીતી હતી. આમ છતાં શરદ પવારે સીએમ પદ કોંગ્રેસને આપ્યું હતું. અજિતે કહ્યું કે શરદે તેમને સીએમ બનતા રોકવા માટે આ નિર્ણય લીધો છે.

2009માં ફરી આવી સ્થિતિ ઉભી થઈ જ્યારે અજિત પવાર ડેપ્યુટી સીએમ બનવા માગતા હતા, પરંતુ શરદે છગન ભુજબલને ડેપ્યુટી સીએમ બનાવ્યા. શરદે ધમકી આપી હતી કે જો તેમને ડેપ્યુટી સીએમ નહીં બનાવવામાં આવે તો તેઓ પાર્ટી છોડી દેશે. આખરે શરદને અજિત સામે ઝુકવું પડ્યું અને 2010માં તેમને ડેપ્યુટી સીએમ બનાવ્યા.

ત્રીજી તક 2019માં આવી જ્યારે અજિત પવારે પાર્ટી છોડવાની ધમકી આપી. 22 નવેમ્બર 2019ના રોજ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મુંબઈમાં 40 મિનિટની બેઠક થઈ. આ બેઠક બાદ અખબારોમાં હેડલાઈન્સ છપાઈ હતી કે ઉદ્ધવ ઠાકરેને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવી શકે છે.

23 નવેમ્બરની સવારે અચાનક સમાચાર આવ્યા કે શરદ પવારના ભત્રીજા અજિત પવારે 12 ધારાસભ્યો સાથે ભાજપને સમર્થન આપ્યું છે. વહેલી સવારે ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા.

આ ઘટના બાદ શરદ પવારે કહ્યું કે આ કંઈ નવું નથી, મેં આ બધું ઘણા પ્રસંગોએ જોયું છે. શરદના નિવેદન પરથી સ્પષ્ટ હતું કે તેમણે આવો બળવો પહેલા પણ જોયો હતો અને તેને રોકવો તેમના માટે મુશ્કેલ નહોતો.

આ ઘટનાનો ઉલ્લેખ શરદ પવારે તેમની મરાઠી આત્મકથા 'લોક માજે સંગતિ'માં કર્યો છે. તેમણે લખ્યું છે કે જ્યારે અજિત પવારે 2019માં બળવો કર્યો ત્યારે તેમની સાથે બળવો કરનાર પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો તેમના સંપર્કમાં હતા. મારી પત્ની પ્રતિભા પવારે પોતે અજિતને પરત લાવવાની જવાબદારી લીધી હતી.

શરદે જણાવ્યું કે અજીત અને પ્રતિભા વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. પ્રતિભા ક્યારેય રાજકીય બાબતોમાં સામેલ ન હતી, પરંતુ પ્રથમ વખત તેણે આગેવાની લીધી. અંતે અજિત પાછો ફર્યો અને પોતાની ભૂલ માટે માફી માગી. આ મારા માટે પૂરતું હતું.

આ રીતે શરદ પવારે 12 ધારાસભ્યો સાથે બળવો કરનાર તેમના ભત્રીજાનું ભાવિ પલટી નાખ્યું. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે NCP એટલે પવાર પરિવાર અને પવાર પરિવાર એટલે NCP છે.

એપ્રિલ 2023ની તસવીરમાં અજિત પવાર શરદ પવાર સાથે સ્ટેજ પર બેઠા છે. વચ્ચે જયંત પાટીલની ખુરશી ખાલી છે. સુપ્રિયા અજીતને કંઈક કહેતી જોવા મળે છે.
એપ્રિલ 2023ની તસવીરમાં અજિત પવાર શરદ પવાર સાથે સ્ટેજ પર બેઠા છે. વચ્ચે જયંત પાટીલની ખુરશી ખાલી છે. સુપ્રિયા અજીતને કંઈક કહેતી જોવા મળે છે.

પુત્રીને પાર્ટી અધ્યક્ષ બનાવતા જ અજિતે ચોથી વખત બળવો કર્યો '1 મે, 1960થી 1 મે, 2023 સુધી જાહેર જીવનમાં લાંબો સમય વિતાવ્યા પછી મારે હવે વિરામ લેવાની જરૂર છે. તેથી મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું પ્રમુખ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.'

શરદ પવારે 2 મે 2023ના રોજ મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં આ વાત કહી હતી. શરદ પવારે આ વાત કહેતા જ એનસીપીના વરિષ્ઠ નેતાઓ જેમ કે પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને જિતેન્દ્ર અવહાદ ભાવુક થઈ ગયા હતા. વાયબી ચવ્હાણ સેન્ટરમાં જ આગેવાનો અને કાર્યકરો હડતાળ પર બેસી ગયા હતા.

અજિત પવાર મંચ પર આવ્યા અને કહ્યું કે શરદ પવાર તેમના રાજીનામાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. લગભગ એક મહિના પછી 10 જૂને શરદ પવારે પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. શરદના આ નિર્ણયથી અજિત પવાર નારાજ થઈ ગયા.

બરાબર 2 મહિના પછી 2 જુલાઈ 2023ના રોજ, અજિત પવારે 8 ધારાસભ્યો સાથે તેમની NCP પાર્ટી સામે બળવો કર્યો. શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બનેલા અજિત પવારે એનસીપી પર પોતાનો દાવો કર્યો છે. 29 વર્ષ પહેલા બનેલી NCP પાર્ટી પતનની આરે પહોંચી ગઈ છે. અજિત પવારે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો. ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરી 2024ના રોજ કહ્યું હતું કે અજિત પવાર જૂથ વાસ્તવિક NCP છે.

6 મહિના સુધી ચાલેલી 10 સુનાવણી પછી પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક ગડી અજીત જૂથને આપવામાં આવ્યું. આ પછી પંચે શરદ પવારના જૂથ માટે NCP શરદ ચંદ્ર પવારનું નામ આપ્યું. આ પાર્ટીનું ચૂંટણી ચિન્હ તુતારી છે. આ રીતે જ્યારે એનસીપી પાર્ટી બે ભાગમાં તૂટી ગઈ, ત્યારે બંને પક્ષોની કમાન પવાર પરિવારના હાથમાં રહી.

2 જુલાઈના રોજ અજિત પવાર ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારમાં જોડાયા. તે જ દિવસે તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે આવેલા આઠ ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવ્યા.
2 જુલાઈના રોજ અજિત પવાર ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારમાં જોડાયા. તે જ દિવસે તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે આવેલા આઠ ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવ્યા.

હવે પાર્ટી વિભાજિત થઈ છે તો જનતા કોને સમર્થન આપશે? પૂર્વી મહારાષ્ટ્રના 11 જિલ્લા એટલે કે વિદર્ભ 10 સાંસદોને લોકસભામાં મોકલે છે. તે જ સમયે પશ્ચિમ મહારાષ્ટ્રના માત્ર 5 જિલ્લામાં લોકસભાની 10 સીટ છે. આ સીટ પુણે, માવલ, શિરુર, બારામતી, સતારા, કોલ્હાપુર, સાંગલી, હાતકલંગલે, માધા અને સોલાપુર (SC) છે.

2019માં ભાજપે ચાર સીટ કબજે કરી હતી, જ્યારે શિવસેના અને એનસીપીએ ત્રણ-ત્રણ સીટ જીતી હતી.

આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં મરાઠા સત્રપ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે ખરાખરીનો જંગ છે. અજિત પવારની પત્ની સુનેત્રા પવાર બારામતી સીટ પરથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી રહ્યા છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર ઉમેશ ઘોંગડે કહે છે કે શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિ, રાજકીય સંસ્કૃતિ અને પક્ષોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના સહકારી ક્ષેત્રમાં તેમની મજબૂત પકડ છે. શરદ પવાર 40 વર્ષથી સુગર લોબી પર છે. આ સુગર લોબી ઘણી બેઠકોને પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં શરદને નબળા પાડવા એટલું સરળ નથી.'

7 એપ્રિલ 2024ની તસવીર એ સમયની છે જ્યારે સુપ્રિયા સુલેએ બારામતીમાં એક મોટી સભાનું આયોજન કર્યું હતું.
7 એપ્રિલ 2024ની તસવીર એ સમયની છે જ્યારે સુપ્રિયા સુલેએ બારામતીમાં એક મોટી સભાનું આયોજન કર્યું હતું.

પાર્ટીમાં વિભાજન થયા બાદ એનસીપીના એક વરિષ્ઠ નેતા નામ ન આપવાની શરતે કહે છે, 'રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. જનતા નક્કી કરે છે કે કોને મત આપવો. હું માનું છું કે બારામતીના લોકોનો શરદ પવાર અને સુપ્રિયા સુલે સાથે અલગ પ્રકારનો સંબંધ છે. તેઓ વિશ્વાસ તોડશે નહીં.

તે જ સમયે, અજીત જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીનું માનવું છે કે લોકોનું શરદ પવાર સાથે એક પ્રકારનું જોડાણ છે. તે એમ પણ કહે છે કે એ પણ સાચું છે કે જ્યારે ફિલ્ડમાં કામ કરવાની કે લોકો સાથે સારા સંબંધો બનાવવાની વાત આવે છે ત્યારે આ મામલે અજીતને કોઈ હરાવી શકે નહીં.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links