Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

પંથ
હિન્દુ દેવી-દેવતાઓ સાથે મુસ્લિમની તસવીર:મૂર્તિ લક્ષ્મી-નારાયણની, નામ ચુન્ના મિયાં મંદિર; રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું ઉદઘાટન

બરેલી, યુપી3 વર્ષ પેહલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

એક એવું મંદિર, જ્યાં હિંદુ દેવી-દેવતાઓ સાથે મુસ્લિમની તસવીર છે. એવું મંદિર, જેના માટે એક મુસ્લિમે જમીન દાનમાં આપી, એક લાખ રૂપિયા આપ્યા. સેંકડો કિલોમીટર દૂરથી ભગવાન લક્ષ્મી-નારાયણની મૂર્તિઓ લાવીને મંદિરમાં સ્થાપિત પણ કરી. એવું મંદિર, જેનું ઉદઘાટન દેશન

.
બરેલીના બડા બજારમાં સ્થિત લક્ષ્મી-નારાયણ મંદિર. એની સ્થાપના 1960માં થઈ હતી. આ મંદિર ચુન્ના મિયાં મંદિરના નામથી દેશભરમાં પ્રખ્યાત છે.
બરેલીના બડા બજારમાં સ્થિત લક્ષ્મી-નારાયણ મંદિર. એની સ્થાપના 1960માં થઈ હતી. આ મંદિર ચુન્ના મિયાં મંદિરના નામથી દેશભરમાં પ્રખ્યાત છે.

સવારનો સમય. બરેલી રેલવે સ્ટેશન પહોંચ્યા પછી મારે અહીં લક્ષ્મી નારાયણ મંદિર જવાનું હતું. મેં થોડા ઓટો-રિક્ષાચાલકોને મંદિરનું સરનામું પૂછ્યું, જેમાંથી મોટા ભાગનાએ કહ્યું કે તેઓ જાણતા નથી. પછી જ્યારે મેં ચુન્ના મિયાં મંદિરનું નામ કહ્યું તો રિક્ષાચાલકે તરત જ કહ્યું કે 'ચુન્ના મિયાંમંદિરની તો ખબર છે, ચાલો... ત્યાં લઈ જઉં.'

બરેલીના બડા બજારમાં ધમધમાટ છે. મોટા ભાગની દુકાનો કપડાની છે. સાંકડી શેરીઓ અને ઓવરહેડ વીજ વાયરોનું નેટવર્ક. ઉપર નજર કરીએ તો આકાશ માંડ દેખાય છે.

થોડે દૂર ચાલ્યા પછી મને અઝાન અને મંદિરનો ઘંટારવ એકસાથે સંભળાવા લાગ્યા. હિંદુ ભક્તોની સાથે સારી સંખ્યામાં મુસ્લિમો પણ જોવા મળે છે. જાળીદાર ટોપી પહેરેલા પુરુષો અને બુરખા પહેરેલી સ્ત્રીઓ જોવા મળે છે.

10 મિનિટ પછી રિક્ષાચાલકે મને કહ્યું કે મેડમ, ચુન્ના મિયાં મંદિર આવી ગયું. આ મંદિર એક સાંકડી ગલીમાં છે. ચુન્ના મિયાં મંદિર ક્યાંય કોઈ બોર્ડ કે દીવાલ પર લખેલું નથી. મંદિરની બહારની દીવાલોને મરુન અને પીળા રંગથી રંગવામાં આવી છે. નજીકમાં એક મીઠાઈની દુકાન છે, જ્યાં ચણાના લોટની બરફી વેચાઈ રહી છે.

હું લગભગ દસ પગથિયાં ચઢીને મંદિરની અંદર પહોંચી. દરવાજા પર અશોક સ્તંભ છે. મેં ભારતનાં ઘણાં મંદિરો નજીકથી જોયાં છે, પરંતુ મેં આ પહેલાં ક્યારેય કોઈ હિન્દુ મંદિરમાં અશોક સ્તંભ જોયો નથી. એની નીચે શ્રી લક્ષ્મી-નારાયણ મંદિર લખેલું છે.

ચુન્ના મિયાં મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર અશોક સ્તંભનું ચિત્ર છે. એને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે અહીં સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ચુન્ના મિયાં મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર અશોક સ્તંભનું ચિત્ર છે. એને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે અહીં સ્થાપિત કરવામાં આવ્યું હતું.

મંદિરની અંદરના ગર્ભગૃહમાં ભગવાન લક્ષ્મી-નારાયણની મૂર્તિ છે. જ્યારે દીવાલો પર ભગવાન રામ, શંકરજી, હનુમાનજી, કાલી મા જેવા દેવી-દેવતાઓનાં ચિત્રો છે. આ તસવીરોમાં એક જગ્યાએ અલીગઢી ટોપી પહેરેલા સજ્જનની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર છે, જેની નીચે ભગવાન રામનું ચિત્ર છે અને જય શ્રીરામ લખેલું છે.

મારા માટે આ નવી વાત છે. આ પહેલાં મેં કોઈ મંદિરમાં હિન્દુ દેવતાઓ સાથે મુસ્લિમ વ્યક્તિની તસવીર જોઈ નથી. મેં મંદિરના પૂજારી પ્રમોદ મિશ્રાને આ તસવીર વિશે પૂછ્યું.

પ્રમોદ મિશ્રા કહે છે, 'આ ચુન્ના મિયાંની તસવીર છે. તેમણે આ મંદિર માટે એ કામ કર્યું છે, જે મોટા હિંદુઓ કરી શકતા નથી, તેથી જ તેમની તસવીર અહીં છે. અહીંના લોકો પણ તેમનું ખૂબ સન્માન કરે છે.

મંદિરના મુખ્ય પૂજારી પ્રમોદ મિશ્રા.
મંદિરના મુખ્ય પૂજારી પ્રમોદ મિશ્રા.

1960ની વાત છે. ચુન્ના મિયાંનું સાચું નામ ફઝલુર રહેમાન હતું. એ સમયે તેઓ બરેલીના પ્રખ્યાત શેઠ હતા. તેઓ અહીંના રાજકીય રીતે શક્તિશાળી લોકોમાંના એક હતા. તેમણે મંદિર બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી. એક લાખ રૂપિયા પણ આપ્યા. એ જમાનામાં એક લાખ રૂપિયા આપવા એ બહુ મોટી વાત હતી.

દાનની સાથે તેમણે મંદિરના નિર્માણમાં શ્રમદાન પણ કર્યું હતું. આજે પણ મંદિરની દીવાલ પર દાતાઓની યાદીમાં ચુન્ના મિયાંનું નામ સૌથી ઉપર છે.’

મંદિરની અંદર દીવાલ પર ચુન્ના મિયાંની તસવીર. તેમનું સાચું નામ ફઝલ ઉર રહેમાન છે. તેઓ બરેલીના અમીર શેઠ હતા.
મંદિરની અંદર દીવાલ પર ચુન્ના મિયાંની તસવીર. તેમનું સાચું નામ ફઝલ ઉર રહેમાન છે. તેઓ બરેલીના અમીર શેઠ હતા.

મંદિર પ્રબંધન સમિતિ સાથે જોડાયેલા સુરેશ સેઠી કહે છે, 'ચુન્ના મિયાં પોતે જયપુર ગયા હતા અને ભગવાન લક્ષ્મી-નારાયણની મૂર્તિ લઈને આવ્યા હતા. તેમણે જ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને મંદિરના ઉદઘાટન માટે આમંત્રણ મોકલ્યું હતું, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર પણ કર્યો હતો.

મંદિરનું ઉદઘાટન 1960માં રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. આ પછી આખા દેશમાં ચુન્ના મિયાંની ચર્ચા થવા લાગી. તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ એ સમયે ઈરાનમાં હતા, તેમણે ત્યાંથી ચુન્ના મિયાંને અભિનંદન પત્ર મોકલ્યો હતો. ચુન્ના મિયાં મંદિરમાં નિયમિત આવતા હતા. તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મુન્ના મિયાં પણ મંદિરમાં આવતા હતા.

શું હવે ચુન્ના મિયાંના પરિવારમાંથી કોઈ અહીં આવતું નથી?

મારા પ્રશ્ન પર, મંદિર સાથે સંકળાયેલા એક સજ્જને નામ ન આપવાની શરતે કહ્યું, 'બાબરી મસ્જિદ વિવાદ પછી ચુન્ના મિયાંના પરિવારે મંદિરમાં તેમની મુલાકાત ઓછી કરી દીધી. ક્યારેક તેમના પૌત્રો મંદિરે જાય છે. તેઓ મંદિરની જાળવણી માટે દાન પણ આપે છે, પરંતુ પહેલાંની જેમ આવતા-જતા નથી.

પ્રમોદ મિશ્રા કહે છે, 'મંદિરમાં ચાર વખત આરતી થાય છે. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી, બપોરે બાર વાગ્યે આરતી, સાંજે આરતી-પૂજા અને રાત્રે શયન આરતી. દર વખતે આરતીની સાથે ભગવાનને પણ ભોગ ધરાવાય છે. સવારની પૂજા પછી મંદિર 12 વાગ્યે બંધ થાય છે અને પછી સાંજે ચાર વાગ્યે ખૂલે છે.

મંદિરમાં આરતી કરતા પૂજારી પ્રમોદ મિશ્રા. આ મંદિરમાં દરરોજ ચાર વખત આરતી કરવામાં આવે છે.
મંદિરમાં આરતી કરતા પૂજારી પ્રમોદ મિશ્રા. આ મંદિરમાં દરરોજ ચાર વખત આરતી કરવામાં આવે છે.

સાંજની આરતી માટે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. જ્યારે હું મંદિરમાં હાજર હતી ત્યારે લોકો હર્ષોલ્લાસથી જયકાર કરતા હતા, ઘંટ વગાડતા હતા અને શંખ ફૂંકતા હતા. મને કહેવામાં આવ્યું કે દર મંગળવારે અહીં ભંડારો થાય છે, જેમાં લોકો દૂર-દૂરથી પ્રસાદ લેવા આવે છે.

આ મંદિરમાં પૂજા નૈમિષ પીઠના પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. આ પીઠના નારદાનંદ સરસ્વતીની મૂર્તિ અહીં સ્થાપિત છે. નૈમિષ પીઠનો મુખ્ય મઠ લખનઉ નજીક સીતાપુર ખાતે ગોમતી નદીના કિનારે છે. એને સંતોનું ધામ માનવામાં આવે છે. આ સ્થળ યજ્ઞ અને અનુષ્ઠાન માટે પ્રસિદ્ધ. અહીંથી ભણેલા પંડિતોને દેશનાં અલગ-અલગ મંદિરોમાં પૂજા માટે રાખવામાં આવે છે.

જ્યાં મંદિરનું નિર્માણ થયું છે એને કટરા મનરાઈ કહેવામાં આવે છે. પહેલાં અહીં મુસ્લિમોની મોટી વસતિ હતી. વિભાજન બાદ 1957માં પાકિસ્તાનથી હિંદુ-પંજાબી પરિવારો અહીં આવીને વસ્યા. એ સમયે એ પરિવારો માટે પૂજા માટે કોઈ સ્થાન ન હતું. મંદિર ન હતું. તેઓ ખાલી જગ્યા પર પોતાનું ભજન-કીર્તન કરતા.

આ જમીન ચુન્ના મિયાંની હતી. એક દિવસ કોઈએ તેમને જાણ કરી કે તેમની ખાલી જગ્યા પર હિંદુઓ અને પંજાબીઓ પૂજા કરી રહ્યા છે. શરૂઆતમાં ચુન્ના મિયાંએ તેમની જમીન ખાલી કરવા કહ્યું, પરંતુ આ લોકોએ જમીન ખાલી કરવાની ના પાડી. આ પછી ચુન્ના મિયાં મામલો કોર્ટમાં લઈ ગયા.

મંદિર હંમેશાં પ્રવૃત્તિમય રહે છે. આરતીના સમયે માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો આવે છે.
મંદિર હંમેશાં પ્રવૃત્તિમય રહે છે. આરતીના સમયે માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો આવે છે.

આ દરમિયાન હરિદ્વારના સંત હરિમિલાપીજીએ ચુન્ના મિયાં સાથે મુલાકાત કરી. તેમને સમજાવ્યા હતા. આ પછી ચુન્ના મિયાંનું હૃદય એટલું બદલાઈ ગયું કે તેણે કેસ પાછો ખેંચી લીધો. એટલું જ નહીં, મંદિર બનાવવા માટે જમીન પણ દાનમાં આપી, એક લાખ રૂપિયા આપ્યા અને જયપુર જઈને મૂર્તિ પણ લઈ આવ્યા.

તેઓ ઇચ્છતા હતા કે આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ બને, તેથી તેમણે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને મંદિરનું ઉદઘાટન કરવા વિનંતી કરી. રાજેન્દ્ર પ્રસાદે ચુન્ના મિયાંની વિનંતી સહજતાથી સ્વીકારી લીધી.

મંદિરની બાજુમાં એક નાની કન્યા શાળા પણ ચાલે છે. શાળાના પ્રિન્સિપાલ આશા ગુલાટીએ જણાવ્યું હતું કે અહીં આઠમા ધોરણ સુધી અભ્યાસ થાય છે, જેમની પાસેથી ઘણી ઓછી ફી લેવામાં આવે છે. આ શાળાના નિર્માણમાં પાકિસ્તાનથી આવેલા કૃષ્ણવંતીનું વિશેષ યોગદાન હતું. તેમણે મંદિર વતી અહીંનાં ગરીબો અને મહિલાઓ માટે અનેક સામાજિક કાર્યો કર્યા. આજે પણ લગ્ન દરમિયાન મંદિર દ્વારા પલંગ અને વાસણો આપવામાં આવે છે.

ચુન્ના મિયાં મંદિરની બાજુમાં શ્રી લક્ષ્મી-નારાયણ ગર્લ્સ હાઈસ્કૂલ છે. આઠમા ધોરણ સુધીનાં બાળકો એમાં અભ્યાસ કરે છે.
ચુન્ના મિયાં મંદિરની બાજુમાં શ્રી લક્ષ્મી-નારાયણ ગર્લ્સ હાઈસ્કૂલ છે. આઠમા ધોરણ સુધીનાં બાળકો એમાં અભ્યાસ કરે છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links