- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire: The Company Built From Hitler's Dreams
મેગા એમ્પાયર: હિટલરના સપનાથી બની કંપની:આજે ઓડી, પોર્શ, લેમ્બોર્ગિની, સ્કોડા, બુગાટીની પેરેન્ટ કંપની છે ફોક્સવેગન; 153 દેશમાં કારનો બિઝનેસ
- કૉપી લિંક

6 મે 1938ની વાત છે. જર્મનીના એક શહેર ફૉલર્સલેબેનમાં નાઝી પાર્ટીની ભવ્ય રેલી હતી. રેલીમાં જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે સ્ટેજ પરથી કહ્યું - અમે એક કાર બનાવી રહ્યા છીએ, જે દરેક જર્મન માટે હશે. આ કાર સસ્તી, મજબૂત અને પરિવાર માટે સારો વિકલ્પ હશે.
અહીંથી જર્મન ઓટોમોબાઈલ કંપની ફોક્સવેગનની શરૂઆત થઈ હતી, જેની આજે આવક 30.72 લાખ કરોડ રૂપિયા છે. ફોક્સવેગને અત્યારસુધીમાં ભારતીય બજારમાં 10થી વધુ કેટેગરીની કાર લોન્ચ કરી છે. 14મી એપ્રિલે બે નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. Golf GTI પ્રીમિયમ હેચબેક કારની કિંમત લગભગ 52 લાખ રૂપિયા હશે, જ્યારે Tiguan R-line SUV કારની કિંમત લગભગ 55 લાખ થશે.
આજે મેગા એમ્પાયરમાં કહાની આ જર્મન ઓટોમોબાઈલ કંપની ફોક્સવેગની...
વર્ષ 1930માં એડોલ્ફ હિટલરે પોતાના દેશના લોકો માટે સસ્તી કાર બનાવવાનું સપનું જોયું હતું. જર્મન કામદારો અને ખેડૂતો પણ ખરીદી શકે એવી કાર. આ માટે તેમને એક સારા એન્જિનિયર અને ડિઝાઇનરની શોધ હતી. ત્યાર બાદ વર્ષ 1931માં ફર્ડિનેન્ડ પોર્શ નામની વ્યક્તિએ પોતાની એન્જિનિયરિંગ કંપની શરૂ કરી. કંપનીનું નામ હતું Porsche, જે પાછળથી સ્પોર્ટ્સ કાર મેન્યુફેક્ચરર પોર્શ એજી (Porsche AG)ના નામથી પ્રખ્યાત થઈ.

1934માં જ્યારે હિટલરને ફર્ડિનેન્ડ પોર્શ વિશે ખબર પડી તો તેમણે પોર્શને મળવા બોલાવ્યા. હિટલરે ફર્ડિનેન્ડને લોકો માટે સસ્તી અને શ્રેષ્ઠ કાર ડિઝાઇન કરવાનું કામ સોંપવામાં આવ્યું અને નામ ફોક્સવેગન તરીકે નક્કી કરવામાં આવ્યું.
Volkswagen એટલે ફોક્સવેગન જર્મન શબ્દ Volks અને Wagenથી બનેલો છે. જર્મનમાં Volks એટલે લોકો અને Wagen એટલે ગાડી થાય છે. હિટલરના મનમાં પીપલ્સ કાર એટલે કે લોકોની કારનો કોન્સેપ્ટ હતો.
એ પછી 1937માં ફર્ડિનેન્ડ પોર્શે ફોક્સવેગન નામની કંપની શરૂ કરી. કંપની શરૂ કર્યાના એક વર્ષની અંદર ફર્ડિનેન્ડે તેની પ્રથમ કાર, KdF-Wagen ડિઝાઇન કરી, જેને બાદમાં 'બીટલ' કહેવાયું.

6 મે 1938ના રોજ એડોલ્ફ હિટલરે ફોક્સવેગન ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો. શરૂઆતમાં એને ‘Gesellschaft zur Vorbereitung des Deutschen Volkswagens mbH’ નામથી જાણીતી હતી. મેડ ઇન જર્મની કાર માટે ફેક્ટરી શરૂ કરવા સાથે હિટલરે વર્કરો માટે ફેક્ટરીની નજીક એક અલગ શહેર વસાવ્યું.
શહેરનું નામ Stadt des KdF-Wagens (સ્ટેડટ ડેસ કેડીએફ-વેગેન્સ) એટલે કે કારનું શહેર રાખવામાં આવ્યું હતું. અહીં ફેક્ટરી, કામદારો માટે રહેવા માટેનાં મકાનો, શાળા, હોસ્પિટલ, બધું જ પ્લાન કરીને બનાવવામાં આવ્યું હતું. હિટલર માનતો હતો કે તે એક આદર્શ ઔદ્યોગિક શહેર બનશે. બાદમાં આ શહેરનું નામ બદલવામાં આવ્યું અને આજે એને વુલ્ફ્સબર્ગ (Wolfsburg) કહેવામાં આવે છે. ફોક્સવેગનનું હેડક્વાર્ટર હજુ પણ આ શહેરમાં છે.
ફોક્સવેગન શરૂ કરવા માટેના ભંડોળનો મોટો હિસ્સો નાઝી સરકાર દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો અને કેટલાંક નાણાં સામાન્ય જનતાને લગતી બચત યોજનાઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યાં હતાં. આ બચત યોજનાનું નામ Kraft durch Freude હતું, જે એક સરકારી સંગઠન હતું.

સ્કીમ અંગે હિટલરે કહ્યું હતું કે દરેક જર્મન કૂપન સિસ્ટમ દ્વારા કાર ખરીદી શકશે, એટલે કે લોકો દર અઠવાડિયે અમુક પૈસા જમા કરશે અને જેવી રકમ પૂરી થશે કે તરત જ તેમને કાર મળી જશે. આ યોજનામાં લાખો લોકોએ નાણાં જમા કરાવ્યાં હતાં. જોકે જે લોકોએ પૈસા જમા કરાવ્યા હતા તેમને ક્યારેય કાર મળી ન હતી, કારણ કે 1 સપ્ટેમ્બર 1939થી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું અને કારનું પ્રોડક્શન બંધ થઈ ગયું. યુદ્ધ દરમિયાન ફેક્ટરીમાં લશ્કરી વાહનો બનવા લાગ્યાં.
જ્યારે 1945માં વિશ્વયુદ્ધ પૂરું થયું. જર્મની યુદ્ધ હારી ગયું હતું. જ્યારે નાઝી શાસનનો અંત આવ્યો ત્યારે બોમ્બવિસ્ફોટો અને અન્ય હુમલાઓને કારણે ફોક્સવેગન ફેક્ટરી લગભગ નાશ પામી હતી. એ ફેક્ટરી બ્રિટિશ આર્મીના કબજા હેઠળ આવી, કારણ કે જર્મનીના એ ભાગમાં હતી, જે બ્રિટિશ નિયંત્રણ હેઠળ હતું.
બ્રિટિશ અધિકારીઓએ સૌપ્રથમ એને બંધ કરવાનું વિચાર્યું, કારણ કે ફોક્સવેગનની કારની ગુણવત્તા ખૂબ ખરાબ માનવામાં આવતી હતી. પછી બ્રિટિશ આર્મીના મેજર ઈવાન હર્સ્ટ (Ivan Hirst)એ ફોક્સવેગન ફેક્ટરીને બંધ કરવાને બદલે એને ચલાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે જર્મનીમાં બ્રિટિશ આર્મી માટે કાર બનાવવાનું શરૂ કર્યું.

આ રીતે ફરી એકવાર ફોક્સવેગનની 'બીટલ' કારનું નિર્માણ થવા લાગ્યું. શરૂઆતમાં એને ફક્ત બ્રિટિશ આર્મીના ઉપયોગ માટે બનાવવામાં આવી રહી હતી, પરંતુ એની વધતી માગને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં એ સામાન્ય જનતાને વેચવાનું શરૂ કર્યું.
યુદ્ધ પછી ફોક્સવેગનનું સંચાલન 1948માં જર્મન સરકારના નિયંત્રણ હેઠળ આવ્યું. હવે એ જર્મન ઓટોમોબાઈલ ઉદ્યોગનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ફોક્સવેગન બીટલ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ અને આર્થિક, ભરોસાપાત્ર અને ટકાઉ કાર તરીકે જાણીતી થઈ.
1950 સુધીમાં ફોક્સવેગન આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચી. ફોક્સવેગનની કાર ઘણા દેશોમાં વેચાવા લાગી. 1955 સુધીમાં ફોક્સવેગને 10 લાખ કારનું ઉત્પાદન કર્યું હતું. આ કંપની માટે એક ઐતિહાસિક સિદ્ધિ હતી.
ફોક્સવેગન બીટલ 1960ના દાયકાની શરૂઆતમાં અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય બની હતી. અમેરિકન ગ્રાહકોએ એને આર્થિક અને ચલાવવામાં સરળ કાર તરીકે ગણવાનું શરૂ કર્યું. એના કારણે કંપનીએ ત્યાં એક મજબૂત પકડ બનાવી. વર્ષ 1960માં જર્મન સરકારે ફોક્સવેગનને પબ્લિક લિમિટેડ કંપની બનાવી. આનાથી કંપનીને ભંડોળ એકત્ર કરવામાં અને વિસ્તરણ કરવામાં મદદ મળી.
ફોક્સવેગન બીટલ યુદ્ધ પછીનાં વર્ષોમાં વિશ્વની સૌથી વધુ વેચાતી કાર બની. 1972માં બીટલે અમેરિકન કાર ફોર્ડ મોડલ ટી (Ford Model T)ને પાછળ ધકેલી દીધી, જે અત્યારસુધી સૌથી વધુ વેચાતી કાર હતી.
ફોક્સવેગને 1950થી 2000 સુધી જબરદસ્ત ગ્રોથ કર્યો. 30 જાન્યુઆરી, 1951ના રોજ કંપનીના સ્થાપક ફર્ડિનેન્ડ પોર્શનું 75 વર્ષની વયે પશ્ચિમ જર્મનીના સ્ટુટગાર્ટમાં નિધન થયું હતું.

ફોક્સવેગને વર્ષ 2001માં ભારતમાં પ્રવેશ કર્યો હતો, જોકે એ સમયે ભારતમાં માત્ર થોડી જ પ્રીમિયમ કારની આયાત CBU (Completely Built Units)તરીકે કરવામાં આવી હતી, એટલે કે કારનું મેન્યુફેક્ચરિંગ વિદેશમાં થતું હતું અને ભારતમાં લાવીને વેચવામાં આવી હતી.
ત્યાર બાદ 2007માં ફોક્સવેગને ભારતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું. પુણે, મહારાષ્ટ્રમાં પ્રોડક્શન પ્લાન્ટની સ્થાપના કરી. બે વર્ષ પછી 2009માં કારનું પ્રોડક્શન પુણે પ્લાન્ટમાં શરૂ થયું. આ પ્લાન્ટને ભારતમાં કંપનીના રોકાણનો મુખ્ય ભાગ માનવામાં આવતો હતો. પોલો, વેન્ટો જેવી કાર અહીંથી બનવા લાગી.
2016 અને 2017માં ફોક્સવેગન વિશ્વની સૌથી મોટી કાર નિર્માતા કંપની બની. તેણે આ વર્ષોમાં સૌથી વધુ ગાડીઓનું વેચાણ કર્યું હતું. 2019માં કંપની 1.3%ના વધારા સાથે વિશ્વભરમાં 1 કરોડ 9 લાખ 74 હજાર 600 ગાડી વેચી.
ફોક્સવેગનનું ટર્નઓવર 20 વર્ષમાં 4 ગણું વધ્યું
- 2000- રૂ. 4.92 લાખ કરોડ રૂપિયા
- 2005- રૂ. 4.3 લાખ કરોડ રૂપિયા
- 2010- રૂ. 16.7 લાખ કરોડ રૂપિયા
- 2015- રૂ. 19.8 લાખ કરોડ રૂપિયા
- 2020- રૂ. 20.5 લાખ કરોડ રૂપિયા
હાલમાં ફોક્સવેગનની કાર વિશ્વના 153 દેશમાં વેચાઈ રહી છે અને આ કંપનીમાં 6 લાખ 71 હજાર કર્મચારી કામ કરી રહ્યા છે. લગભગ 27 દેશમાં ફોક્સવેગન ગ્રુપના 124થી વધુ પ્રોડક્શન પ્લાન્ટ છે. ફોક્સવેગન પાસે ગિલોબલ લેવલ પર 60થી વધુ વિવિધ મોડલ છે. હાલમાં આ ગ્રુપના સીઇઓ ઓલિવર બ્લૂમ છે.
આજે આ કંપની Audi, Porsche, Lamborghini, Bentley, Skoda અને Bugatti જેવી કંપનીઓની પેરેન્ટ કંપની છે. વર્ષ 2028 સુધીમાં 70થી વધુ નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારીઓ છે. દર વર્ષે 10 લાખથી વધુ ઈલેક્ટ્રિક કારના વેચાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે કંપની રૂ. 3.12 લાખ કરોડનું રોકાણ કરી રહી છે.

રિસર્ચ- રતન પ્રિયા
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















