- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire: Sold Water Worth 2300 Crores In One Year
મેગા એમ્પાયર: પાણી પીવડાવીને એક જ વર્ષમાં 2300 કરોડની કમાણી:2 વર્ષ પહેલાં કંપની વેચાવાની હતી; દીકરીએ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી બનાવ્યું 7000 કરોડનું સામ્રાજ્ય
- કૉપી લિંક

ભારતમાં પેકેજ્ડ વોટર માર્કેટ પર 55 વર્ષથી રાજ કરી રહેલી બિસ્લેરીની કમાન હવે 44 વર્ષની જયંતી ચૌહાણના હાથમાં છે. ભારતના 32 ટકા મિનરલ વોટર માર્કેટ પર બિસ્લેરી ઈન્ટરનેશનલનો કબજો છે. દેશભરમાં 122 પ્લાન્ટ અને 4500થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ છે.
કંપનીનો બિઝનેસ દુબઈ અને અબુ ધાબીમાં પણ છે. કંપનીની બ્રાન્ડ વેલ્યુ 7000 કરોડ રૂપિયાથી વધુ છે. 2022-23માં બિસ્લેરી ઇન્ટરનેશનલની આવક રૂ. 2300 કરોડથી વધુ રહી છે.
આજે મેગા એમ્પાયરમાં, બિસ્લેરી અને તેના વાઇસ-ચેરમેન જયંતી ચૌહાણની કહાની…

જયંતી ચૌહાણ બોટલ્ડ વોટર ક્ષેત્રે ટોચની બ્રાન્ડ બિસ્લેરીનું નેતૃત્વ કરી રહ્યાં છે. બિસ્લેરી સાથે, તેમણે તેમની કંપનીને આગળ લઈ જવા માટે ઘણાં પ્રીમિયમ સેગમેન્ટમાં વેદિકા જેવી નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી છે. જયંતીએ બિસ્લેરીની કમાન એવા સમયે સંભાળી, જ્યારે કંપની વેચાઈ જવાની કગાર પર પહોંચી ગઈ હતી.
જયંતી 24 વર્ષની હતી ત્યારથી જ તેના પિતાની સાથે કંપનીનું કામ સંભાળી રહી છે. બિસ્લેરીને લોકપ્રિય બનાવવામાં અને એને શિખર પર લઈ જવામાં જયંતીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમના કારણે જ આ કંપનીની ઓફિસ મુંબઈમાં ખોલવામાં આવી હતી અને આજે પાણી ઉપરાંત આ કંપની ફિઝી ફ્રૂટ ડ્રિંક્સ જેવી પ્રોડક્ટ્સ પણ બનાવે છે.
લગભગ ચાર વર્ષ પહેલાં જયંતીનો બિઝનેસમાં રસ ઘટવા લાગ્યો. ત્યાર બાદ જયંતીના પિતા રમેશ ચૌહાણે તેને ટાટા ગ્રુપને વેચવાનો નિર્ણય કર્યો. આ ડીલ 7000 કરોડ રૂપિયામાં થવાની હતી, જોકે વાટાઘાટોના છેલ્લા રાઉન્ડ પહેલાં આ ડીલ રદ કરવામાં આવી હતી.

24 વર્ષની ઉંમરે પિતાને બિઝનેસમાં મદદ કરવાનું શરૂ કર્યું
જયંતીએ 24 વર્ષની ઉંમરે તેના પિતા સાથે બિસ્લેરીની દિલ્હી ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું. તેના શરૂઆતના મહિનાઓમાં જયંતીએ બિસ્લેરી પ્લાન્ટના નવીનીકરણ અને ઓટોમેશન પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કંપનીના HR ઉપરાંત તેમણે સેલ્સ અને માર્કેટિંગ ટીમમાં પણ ઘણા ફેરફારો કર્યા. 2011માં જયંતી દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.
જયંતીનું બાળપણ મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં વીત્યું હતું
જયંતીનો જન્મ 1985માં દિલ્હીમાં થયો હતો. તે તેના પિતાની એકમાત્ર પુત્રી છે. પિતા રમેશ ચૌહાણના પિતાનું નામ પણ જયંતી હતું. તેમણે પોતાની દીકરીનું નામ પણ એ જ રાખ્યું. જયંતી ચૌહાણે તેનું બાળપણ દિલ્હી, મુંબઈ અને ન્યૂયોર્ક જેવાં શહેરોમાં વિતાવ્યું. હાઇસ્કૂલ પછી તેમણે લોસ એન્જલસમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગ (FIDM)થી પ્રોડક્ટ ડેવલપમેન્ટનો અભ્યાસ કર્યો છે.
જયંતીએ લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન સ્ટાઇલ અને ફોટોગ્રાફીનો અભ્યાસ પણ કર્યો છે. તેણે ઘણા અગ્રણી ફેશન હાઉસમાં ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું છે. લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS)માંથી અરબી પણ શીખી છે.

ઇટાલીનું નામ ભારતની ઓળખ બન્યું
બિસ્લેરીની સ્થાપના ઇટાલીના સિગ્નોર ફેલિસ બિસ્લેરી દ્વારા કરવામાં આવી હતી. ફેલિસ બિસ્લેરી આપણા દેશમાં બ્રાન્ડેડ પાણી વેચવાની ફોર્મ્યુલા લાવનાર સૌપ્રથમ હતા, જેમનો જન્મ 1966માં ઈટાલીના નોસેરા ઉમ્બ્રામાં થયો હતો. અહીં ભારતમાં ચાર ચૌહાણ ભાઈઓના પારલે ગ્રુપનું વર્ષ 1961માં વિભાજન થયું હતું. ચાર ભાઈમાંના એક જયંતીલાલ ચૌહાણને પરિવારના ગ્રુપનો સોફ્ટ ડ્રિંક્સનો વ્યવસાય વારસામાં મળ્યો હતો. આ સમયે પારલે ગ્રુપ રિમઝિમ, કિસ્મત અને પારલે કોલા નામથી સોફ્ટ ડ્રિંક્સનું ઉત્પાદન પણ કરી રહ્યું હતું. આ સોફ્ટ ડ્રિંકનો બિઝનેસ ચલાવવો એક મોટો પડકાર હતો, કારણ કે આ એ યુગ હતો જ્યારે દેશવાસીઓને બે ટાઈમનું ખાવાનું પણ મળતું ન હતું.
જયંતીલાલના ત્રણ પુત્રો મધુકર, રમેશ અને પ્રકાશમાંથી, રમેશ ચૌહાણે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ અને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. પૈતૃક વ્યવસાયમાં જોડાતાંની સાથે જ રમેશ ચૌહાણે નક્કી કર્યું કે તેણે સોફ્ટ ડ્રિંક્સમાં વધુ વેરાઇટીની સાથે સોડા પણ લોન્ચ કરવી જોઈએ. યોગાનુયોગ એ સમયે ઇટાલિયન કંપની બિસ્લેરી લિમિટેડ દેશમાં અમીર વર્ગ માટે કાચની બોટલોમાં મિનરલ વોટર વેચતી હતી.

યુવા લીડરનો મજબૂત ટેકો મળ્યો
1969માં રમેશ ચૌહાણે આ બ્રાન્ડને સોડા બ્રાન્ડમાં રૂપાંતરિત કરવાના હેતુથી 4 લાખ રૂપિયામાં ઇટાલિયન બિઝનેસમેન પાસેથી બિસ્લેરી ખરીદી હતી. ત્યારે બિસ્લેરી પાસે સમગ્ર દેશમાં માત્ર 5 સ્ટોર હતા, એક કોલકાતામાં અને 4 મુંબઈમાં. રમેશ ચૌહાણે બિસ્લેરી સોડા લોન્ચ કરી, પરંતુ બિસ્લેરીની બે બોટલ્ડ વોટર બ્રાન્ડ્સ 'બબલી' અને 'સ્ટિલ'ને બંધ કરવામાં આવી ન હતી. પારલે ગ્રુપ ઘણાં વર્ષોથી બિસ્લેરી બ્રાન્ડ નામ હેઠળ સોડા અને પાણી બંનેનું વેચાણ કર્યુ. આ ઉપરાંત રમેશ ચૌહાણે લિમ્કા, થમ્સ અપ, માજા, ગોલ્ડ સ્પોટ જેવાં સોફ્ટ ડ્રિંક્સ પણ લોન્ચ કર્યાં હતાં.
1985 દરમિયાન PET એટલે કે પ્લાસ્ટિક સામગ્રીએ આ બિઝનેસને બદલી નાખ્યો. તે હળવું, મજબૂત અને રિસાઇકલ કરી શકાય એવી પેકેજિંગ સામગ્રી હતી, જેને કોઈપણ આકારમાં ઢાળી શકાય છે. જો પેકેજિંગની સમસ્યા હલ થાય તો ભાવ નીચે આવે છે. આ સમયગાળા દરમિયાન, આર્થિક ઉદારીકરણનો યુગ આવ્યો અને દેશનાં બજારો દુનિયા માટે ખૂલી ગયાં.

આર્થિક સુધારા એક શુભ સંયોગ બની ગયો
ભારતમાં આર્થિક સુધારા પછી, બજારનો વિકાસ અને સારા નફાને જોતા, તે દિવસોમાં દર ત્રીજા મહિને એક નવી બ્રાન્ડ લોન્ચ થવા લાગી ત્યારે એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણયમાં રમેશ ચૌહાણે સોફ્ટ ડ્રિંકનો કારોબાર અમેરિકન જાયન્ટ કંપની કોકા-કોલાને વેચી દીધો અને પોતાનું ધ્યાન પાણીના બિઝનેસ પર જ લગાવી દીધું. તેમણે બિસ્લેરી બ્રાન્ડને એટલી ચતુરાઈથી પ્રમોટ કરી કે તે શુદ્ધ જળનો પર્યાય બની ગયો. આ સમયગાળા દરમિયાન, બિસ્લેરીની સફળતાથી પ્રેરાઈને, ઘણી નવી બ્રાન્ડ્સે શુદ્ધ જળના દાવા સાથે બજારમાં ઝંપલાવ્યું, જ્યારે 90ના દાયકામાં, બિસ્લેરીએ પણ 'પ્યોર એન્ડ સેફ' સૂત્રનો આશરો લેવો પડ્યો.
બોટલ્ડ વોટરના નામે બ્રાન્ડ વોર
વર્ષ 2000ની શરૂઆતમાં, પેપ્સી, કોકા કોલા અને નેસ્લે જેવી કંપનીઓએ બિસ્લેરીની ઈજારાશાહીમાં ગાબડું પાડ્યું. આ સાથે, બોટલ્ડ વોટર માર્કેટ પણ પ્રીમિયમ, પોપ્યુલર અને બલ્ક સેગમેન્ટમાં વિભાજિત થયું. જ્યારે પોપ્યુલર સેગમેન્ટમાં બિસ્લેરી, બેલી, એક્વાફિના અને કિન્લેનો કબજો હતો, ત્યારે પ્રીમિયમ સેગમેન્ટ પર ડેનોન ઈવિયન, નેસ્લે પેરિયર અને સાન પેલાગ્રિનો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. એ જ રીતે, પાંચ, દસ અને વીસ લિટરના પેકમાં બલ્ક સેગમેન્ટમાં, બિસ્લેરી, એક્વાફિના અને કિન્લે અગ્રણી બ્રાન્ડ્સ બની.

રંગ લાવી પેકેજિંગ વ્યૂહરચના
અન્ય બ્રાન્ડ્સથી મળી રહેલી ટક્કરને ધ્યાનમાં રાખીને બિસ્લેરીએ બજારમાં વિવિધ કદનાં આકર્ષક પેક લોન્ચ કર્યાં. ભીડ વચ્ચે આયોજનોને કેન્દ્રમાં રાખીને, 300 મિલીનો કપ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે 'પ્યોર એન્ડ સેફ' જાહેરાત ઝુંબેશને નવા પેકેજિંગ સાથે બંધ કરીને 'પ્લે સેફ' જાહેરાત શરૂ કરવામાં આવી હતી. આમ કરીને બિસ્લેરી બ્રાન્ડે યુવા અને મનોરંજનને જોડવા માટે તેના પ્રચાર અભિયાનમાં ‘ફન એલિમેન્ટ’નો પણ સમાવેશ કર્યો છે.
હવે બિસ્લેરીની કહાની પર આવીએ...
વિદેશી કંપનીમાંથી બિસ્લેરીની ભારતીય કંપની બનવાની કહાની ઘણી રસપ્રદ છે. બિસ્લેરી કંપનીને ઈટાલીમાં સાઈનોર ફેલિસ બિસ્લેરીએ શરૂ કરી હતી. ત્યારબાદ આલ્કોહોલ રેમીડી બનાવવાના આશયથી કંપની ડેવલપ કરવામાં આવી હતી. ફેલિસના ફેમિલી ડોક્ટર, સેસરી રોસી તેમના ખાસ મિત્ર હતા. 1921માં ફેલિસના મૃત્યુ પછી રોસી બિસ્લેરીના માલિક બન્યા.
વ્યવસાયે ડોક્ટર રોસી ઇટાલીની બહાર કંઇક અલગ કરવા ઇચ્છતા હતા. તેમણે ભારતમાં મિનરલ વોટર બ્રાન્ડ શરૂ કરવાનું વિચાર્યું. આ માટે તેમણે તેના ભારતીય મિત્ર અને વકીલ ખુશરુ સુન્તુક સાથે વાત કરી અને તેઓ સંમત થયા. આ પછી તેઓ ભારત આવ્યા અને 1965માં મુંબઈના થાણેમાં બિસ્લેરીનો પહેલો પ્લાન્ટ શરૂ થયો.

પાણી વેચવાના આઈડિયાથી લોકો પાગલ કહેતા હતા બિસ્લેરીએ શરૂઆતમાં પાણીની બોટલની કિંમત 1 રૂપિયા રાખી હતી. પડકાર એ હતો કે એ સમયે સામાન્ય લોકોને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં આજે 1 રૂપિયાની કિંમતની પાણીની બોટલ વેચવી એ પેકેટમાં સ્વચ્છ હવા ભરીને વેચવા જેવું હતું. પાણી વેચવાના આ આઈડિયા માટે લોકો કંપનીના માલિકને પાગલ કહેતા હતા.
ડિમાન્ડ માત્ર 5 સ્ટાર હોટલ સુધી જ રહી એની શરૂઆત પછી લગભગ 4 વર્ષ સુધી આ પાણીની માગ માત્ર અમીર વર્ગના લોકો અને કેટલીક 5 સ્ટાર હોટલોમાં જ રહી. 1969માં બિસ્લેરીને પારલેના રમેશ જયંતીલાલ ચૌહાણે 4 લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી.
રમેશ ચૌહાણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ અભ્યાસ કરીને પાછા ફર્યા ત્યારે તેમની પ્રથમ જવાબદારી બિસ્લેરી બની હતી. તેમણે ટેલેન્ટેડ લોકોની શોધ કરી, પછી ભલે તે તેના સલાહકારો હોય કે જાહેરાત એજન્સીઓના લોકો. આ નિર્ણય સાથે કંપની આગળ વધી.
સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પાછા ફર્યા ફેબ્રુઆરી 2016માં 'બિસ્લેરી પૉપ'ના લૉન્ચ સાથે સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં ફરી પગલાં માંડ્યાં. લિમોનાટા, પીના કોલાડા, ફોન્ઝો અને સ્પાઈસી વેરિયન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, બજારમાં ભારે કોમ્પિટિશનને કારણે એ નિષ્ફળ ગયાં.
જ્યારે મને સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં પ્રવેશવાની તક મળી ત્યારે મેં કર્યું. લોકો માર્કેટમાં વેરાઇટીની માગ કરી રહ્યા છે. અમે માર્કેટને હચમચાવવા માટે માર્કેટ બનાવવામાં માનીએ છીએ.

પર્યાવરણને સુધારવા માટે પગલાં ભર્યાં
બિસ્લેરી ગ્રીનર પ્રોમિસ જેવી ઘણી પહેલો ચલાવવામાં આવી રહી છે. એ ક્લાઈમેક્સ ચેન્જ અને પાણીના કુદરતી સ્ત્રોતોને બચાવવા માટે કામ કરી રહી છે. 283થી વધુ ચેકડેમ બનાવવામાં આવ્યા છે અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં 26.35 અબજ લિટર પાણીની બચત કરવામાં આવી છે.
આ પહેલાં 4 ઓક્ટોબર 2015ના રોજ ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો, જેમાં 8 કલાકમાં 23,53,890 કિલો વજનની બોટલો રિસાઇકલ કરવામાં આવી હતી. રિસાઇક્લિંગ પછી, શૂઝ, ટી-શર્ટ અને બેગ જેવી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. આ વર્ષે 31 જાન્યુઆરીના રોજ, બિસ્લેરીએ તામિલનાડુના કોઈમ્બતુરમાં 12 કલાકમાં 79 ટન પ્લાસ્ટિક બોટલનું રિસાઇકલ કરીને ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. બિસ્લેરી પ્રથમ વિદેશી કંપની હતી, એ બાદમાં ભારતમાં શરૂ કરવામાં આવી હતી.

રિસર્ચ-અનમોલ શર્મા
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















