- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire Savjibhai Giving Car house As Bonus On Diwali
મેગા એમ્પાયર: દિવાળી પર બોનસમાં કાર-ઘર આપનાર સવજીભાઈ:સુરતમાં હીરા ઘસતા, આજે 86 દેશમાં બિઝનેસ; કહ્યું- જ્યારે તમે આપવાનું શરૂ કરશો, ત્યારે મળવાનું પણ શરૂ થશે
- કૉપી લિંક

સુરતના હીરાના વેપારી સવજીભાઈ ધોળકિયા કે જેઓ દિવાળી પર પોતાના કર્મચારીઓને મોંઘીદાટ ભેટ આપે છે તેથી અવારનવાર ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં તેમણે પોતાના 4 હજારથી વધુ કર્મચારીઓને કાર, ફ્લેટ, જ્વેલરી સેટ, ફિક્સ ડિપોઝિટ અને વીમા પોલિસી આપી છે.
આ વખતે પણ સવજીભાઈ તેમના કર્મચારીઓને મોટું સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે.
આ વર્ષે 29 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ હુરુન ઈન્ડિયાના રિચ લિસ્ટ મુજબ, હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના ચાર માલિકોની કુલ સંપત્તિ 12,500 કરોડ રૂપિયા છે.
આજે મેગા એમ્પાયરમાં હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક સવજીભાઈ ધોળકિયાની કહાની…

એક મુલાકાતમાં સવજીભાઈ કહે છે...

માતાનું સપનું પૂરું થયું. પૈસા કમાઈને સારો માણસ પણ બન્યો. જ્યારે તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યારે તેઓ મોટા માણસ પણ બની ગયા.

ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કંપની હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના ફાઉન્ડર અને ચેરમેન સવજીભાઈ ધોળકિયા એવા વ્યક્તિ છે જે શૂન્યથી શિખર પર પહોંચી ગયા છે. સવજીભાઈની કંપની તેના સારી ક્વોલિટીના હીરા માટે વિશ્વભરમાં જાણીતી છે.
કંપની દર મહિને 40 હજાર હીરા અને દર વર્ષે 5 લાખ હીરા પોલિશ કરે છે. વિશ્વ વિક્રમોથી માંડીને લાખો વૃક્ષો વાવવાથી લઈને 160થી વધુ તળાવો બનાવવા સુદ્ધાં એચકે એક્સપોર્ટની ઘણી સિદ્ધિઓ છે.
સવજીભાઈ પોતે વર્ષોથી હીરાઘસુ (રત્ન કલાકાર) તરીકે ઓળખાતા હતા, પરંતુ જ્યારે તેમણે પોતાની કંપની ખોલી ત્યારે તેમણે હીરા ઘસનાર કારીગરને 'ડાયમંડ એન્જિનિયર' નામ આપ્યું હતું. તેમણે પોતાના કર્મચારીઓ માટે એક શરત પણ મૂકી છે કે ફેક્ટરીમાં કોઈ પાન-ગુટખા-મસાલા નહીં ખાય.

સાડા બાર રૂપિયા લઈને ઘરેથી નીકળ્યો હતો
સવજીભાઈ ધોળકિયાનો જન્મ 12 એપ્રિલ 1962ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં થયો હતો. પિતા ખેડૂત હતા. ઘરમાં આર્થિક સંકડામણના કારણે તેમણે 12 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો. 1977માં તેઓ સુરતમાં તેમના કાકા પાસે સાડા બાર રૂપિયા લઈને આવ્યા હતા. કાકા હીરાના વેપારી હતા. તેમની સાથે રહીને હીરાના વેપારની આંટીઘૂંટી શીખી.
થોડાં વર્ષો પછી, તેમણે સુરતમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. તે સમયે પગાર માત્ર 180 રૂપિયા મળતો હતો. દસ વર્ષ સુધી અહીં હીરા ઘસવાનું કામ કરતા રહ્યા હતા.
સવજીભાઈને લાગ્યું કે જો તેઓ પોતાનું હીરા ઘસવાનું કારખાનું શરૂ કરે તો વધુ રૂપિયા કમાઈ શકે છે. તેના કાકા પાસેથી થોડા ઉછીના રૂપિયા લીધા અને હીરા ઘસવાનું કારખાનું શરૂ કર્યું.
હીરા ઘસવાના કારખાનાનું કામ સારી રીતે ચાલવા લાગ્યું. 1992માં તેમના ભાઈઓ હિંમત અને તુલસી સાથે, તેમણે હરેકૃષ્ણ એક્સપોર્ટ્સ નામની એક અલગ કંપની શરૂ કરી. એક વર્ષમાં કંપનીએ 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. 1995 સુધીમાં કંપનીનું ટર્નઓવર 13 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું.

માતાએ બાળપણમાં ત્રણ વાત કહી હતી
એકવાર સવજીભાઈ સુરતથી તેમના ગામ આવ્યા ત્યારે માતા ફુલીબેન ધોળકિયાએ તેમને સમજાવ્યા. માતાએ કહ્યું કે તું ભણી શકતો નથી તો કોઈ ધંધો કર. મા ઈચ્છતી હતી કે સવજી સારો અને મોટો માણસ બને. પોતાની માતાની વાત સાંભળીને સવજીભાઈએ નક્કી કર્યું કે ખૂબ રૂપિયા કમાઈને તેઓ સારા માણસ બનશે.
એક ઈન્ટરવ્યૂમાં સવજીભાઈ કહે છે, '18 વર્ષની ઉંમરે મેં મારી માતાને 1 લાખ રૂપિયા કમાઈને આપવાનું, એક સારો અને મોટો માણસ બનવાનું વચન આપ્યું હતું. થોડા સમય પછી, હું 1 લાખ રૂપિયા કમાયો, પરંતુ એક સારા અને મોટો માણસ બનવાનો વિચાર હંમેશાં મારા મગજમાં ચાલતો રહ્યો. અહીંથી મને પાંચ વિચારો આવ્યા. આ પાંચ વાતોને મારા જીવનનું સૂત્ર બનાવ્યું. જે પછી મેં આ પાંચ વાતોને જીવનભર ફોલો કરતો રહ્યો.

એચકે જ્વેલ્સ લોન્ચ કર્યું
2001-02 સુધીમાં કંપનીએ 0.18 સેન્ટથી 0.98 સેન્ટ સુધીના હીરા પોલિશિંગનું કામ પણ શરૂ કર્યું. તે જ વર્ષે કંપનીનું ટર્નઓવર પણ રૂ. 100 કરોડને પાર કરી ગયું હતું. 2002-03માં કંપનીનો ગ્રોથ 300 ટકા રહ્યો હતો.
2002માં કંપનીએ નવી જ્વેલરી બ્રાન્ડ એચકે જ્વેલ્સ પણ લોન્ચ કરી. 2005માં સવજીભાઈએ વધુ બે નવી બ્રાન્ડ લોન્ચ કરી. તેઓનું નામ એચકે ડિઝાઇન અને ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી હતું. ક્રિષ્ના ડાયમંડ જ્વેલરીએ 29 રાજ્યોમાં 3000થી વધુ આઉટલેટ્સ સાથે ભારતની સૌથી મોટી સ્થાનિક ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ છે. ક્રિષ્નાને અનેક એવોર્ડ પણ મળ્યા છે.
આજે અમે 86 દેશોમાં બિઝનેસ કરીએ છીએ
2008માં કંપનીએ સુરતમાં એક નવું હરેકૃષ્ણ કેમ્પસ બનાવ્યું, જ્યાં હીરા ઘસવામાં આવે છે. હરેકૃષ્ણ એક્સપોર્ટ્સની આવક પણ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. એચકે એક્સપોર્ટ્સનો બિઝનેસ કેનેડા, અમેરિકા, આરબ અને યુરોપિયન દેશો સહિત વિશ્વના 86 દેશોમાં ફેલાયેલો છે.
કંપનીમાં 8000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ સિવાય કંપનીને 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' સર્ટિફિકેટ પણ મળ્યું છે. જેનો અર્થ છે કે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અહીં પોઝિટિવ વર્ક સ્પેસને કારણે ખુશ છે.

કર્મચારીઓને દિવાળી બોનસમાં મોંઘી કાર અને ઘર આપે છે
સવજીભાઈએ તેમના કર્મચારીઓને 1995માં ત્રણ કાર આપી હતી. તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે 2016માં તેના કર્મચારીઓને 1260 કાર, 400થી વધુ ઘર અને જ્વેલરી સેટ દિવાળી બોનસમાં આપ્યા.
સવજીભાઈ માને છે કે આ બોનસ કર્મચારીઓ માટે, સંસ્થા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવા બદલ પુરસ્કાર છે, જેમના કારણે તેમની કંપની પ્રગતિ કરી રહી છે.
અત્યાર સુધીમાં તેમણે 4000 કર્મચારીઓને કાર, 4000 કર્મચારીઓને ઘર, મોંઘા દાગીના અને બેંકોમાં ફિક્સ ડિપોઝિટ અને વીમા પોલિસી ભેટમાં આપી છે.
2018માં એચકે એક્સપોર્ટ્સે તેનાં 25 વર્ષ પૂર્ણ કરનારા ત્રણ કર્મચારીઓને મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી. આમાં દરેક કારની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હતી.
એટલું જ નહીં, સવજીભાઈ તેમની કંપનીના કર્મચારીઓને પોતાનો પરિવાર માને છે. કર્મચારીઓનાં માતા-પિતાને પણ દર વર્ષે પ્રવાસ પર મોકલવામાં આવે છે. તેઓ લગભગ 30 વર્ષથી આવું કરી રહ્યા છે.
2022માં રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યા બાદ સવજીભાઈના પરિવારના સભ્યોએ તેમને 50 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ભેટમાં આપ્યું હતું. સવજીભાઈએ તે હેલિકોપ્ટર પણ મેડિકલ અને ઈમર્જન્સી સેવાઓ માટે દાનમાં આપ્યું હતું.
સવજીભાઈએ કહ્યું...

તમારે આપવાનું શરૂ કરવું જોઈએ. આપણે આપણા ભાઈઓ, કર્મચારીઓ, પડોશીઓ અને રાષ્ટ્રને આપવું જોઈએ. જ્યારે તમે આપવાનું શરૂ કરશો, ત્યારે તમને મળવાનું શરૂ થઈ જશે.

પરિવારની પરંપરા, જોબ સ્ટ્રગલની ટ્રેનિંગ
બાળકોને ફેમિલી બિઝનેસમાં જોડાતા પહેલાં,જોબ સ્ટ્રગલની ટ્રેનિંગ માટે કોઈપણ સાધન-સુવિધા વિના ઘરેથી દૂર મોકલવામાં આવે છે. પરિવારની એવી શરત છે કે તેઓ જ્યાં પણ જશે ત્યાં પરિવારની ઓળખ જાહેર નહીં કરે. સામાન્ય વ્યક્તિની જેમ કપડાં પહેરવા પડશે. એક ફોન આપવામાં આવે છે. પોસાય તેવાં સ્થળોએ રહો અને ખાઓ. એક મહિનામાં ત્રણ નોકરીઓ શોધવી પડશે.

મારા પુત્રને કોચી મોકલ્યો હતો સવજીભાઈ ધોળકિયાના પુત્ર દ્રવ્યએ ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. દ્રવ્ય તેના પિતા સાથે બિઝનેસ મિટિંગ માટે લંડન ગયો હતો. પપ્પાને પાપડ ખાવાનો શોખ છે, તેથી દીકરાએ રેસ્ટોરન્ટમાં ખાવાની સાથે પાપડનો ઓર્ડર આપ્યો.
જમ્યા પછી જ્યારે બિલ આવ્યું ત્યારે એક પાપડની કિંમત ચાર પાઉન્ડ (અંદાજે 360 રૂપિયા) હતી. તે સમયે સવજીભાઇએ તેમના પુત્રને કંઈ કહ્યું નહીં, પરંતુ મનમાં નક્કી કર્યું કે પુત્રને પૈસાની કિંમત સમજાવવી જરૂરી છે.
જ્યારે દ્રવ્ય ન્યૂયોર્કથી સુરત પરત ફર્યો ત્યારે પારિવારિક બિઝનેસમાં જોડાવાને બદલે સવજીભાઈએ તેને કેરળના કોચી શહેરમાં ફ્રેશર તરીકે કામ કરવા મોકલ્યો. દ્રવ્યને માત્ર ઈમર્જન્સીમાં ખર્ચ કરવા માટે 7000 રૂપિયા આપ્યા. ત્યાં તેણે મેકડોનાલ્ડ્સ, જૂતાની દુકાન અને બેકરીમાં કામ કર્યું. દ્રવ્યએ કહ્યું કે ત્યાં જઈને તેને ખબર પડી કે સામાન્ય માણસનું જીવન કેવું હોય છે, લગભગ 60 જગ્યાએ તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

50 હજારની હીરા સાથેની વીંટીનો વર્લ્ડ રેકોર્ડ
2023માં એચકે ડિઝાઇને પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કંપનીએ એક વીંટી બનાવી હતી જેના પર 50 હજારથી વધુ હીરા જડેલા હતા. આ વીંટી વિશ્વમાં સૌથી વધુ હીરાની વીંટી છે. તેના પર 50907 હીરા જડેલા છે. આ વીંટી બનાવવામાં 9 મહિનાનો સમય લાગ્યો હતો. આ આખી વીંટી રિસાઇકલ કરેલ સામગ્રીમાંથી બનેલી છે. રિંગમાં 18 કેરેટ રિસાઇકલ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં જે હીરા જડેલા છે તે પણ ગ્રાહકોએ પરત કરેલા. આ વીંટીનું નામ યુટીએરિયા રાખવામાં આવ્યું.

સૂકા વિસ્તારોમાં 160થી વધુ તળાવો બાંધવામાં આવ્યાં છે
સવજીભાઈની એચકે એક્સપોર્ટ સમાજ કલ્યાણનું પણ કામ કરે છે. કંપનીએ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં 160થી વધુ તળાવ બનાવ્યાં છે. 300થી વધુ ગામોના 2.5 લાખ ખેડૂતોને આ તળાવોનો લાભ મળ્યો છે.
આ વિસ્તારની ગાગડિયા નદીને પુનઃજીવિત કરવાનું કામ પણ સવજીભાઈ કરી રહ્યા છે. સવજીભાઈએ 2027 સુધીમાં 100 અબજ લિટર પાણી સંરક્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં 32 લાખથી વધુ વૃક્ષો વાવ્યાં છે.

શા માટે ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ સર્ટિફિકેટ મળે છે
કંપની 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' વર્કપ્લેસ કલ્ચરમાં ગ્લોબલ લીડર છે. તે અન્ય કંપનીઓને તેમના કર્મચારીઓને પોઝિટિવ વર્કસ્પેસનો અનુભવ કરાવવામાં મદદ કરે છે. જે કંપનીઓ તેમના કર્મચારીઓને વર્કપ્લેસ પર સારો અનુભવ અને વર્કસ્પેસ આપે છે તેમને 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' સર્ટિફિકેટ આપવામાં આવે છે.
‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ સર્ટિફિકેટ મેળવવાના લાભો આ સર્ટિફિકેટ કંપનીની પ્રતિષ્ઠા વધારે છે. તેનાથી કંપનીને નવા કર્મચારીઓ મેળવવાનું સરળ રહે છે. આ કર્મચારીઓનો નોકરી છોડવાનો દર ઘટાડે છે. તેનાથી કર્મચારીઓમાં ક્રિએટિવિટી અને કંઈક નવું કરવાનું પ્રોત્સાહન મળે છે.
રિસર્ચ- રાજેશ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















