- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire, Rs. Kalyan Jewelers Is A 75 Thousand Crore Company
મેગા એમ્પાયર: 75,000 કરોડની કંપની છે કલ્યાણ જ્વેલર્સ:દાદા પૂજારી હતા, પિતા કપડાં વેચતા હતા; આજે દેશભરમાં 250થી વધુ શોરૂમ
- કૉપી લિંક

કલ્યાણ જ્વેલર્સ દિવાળી પહેલાં 25 નવા શોરૂમ ખોલવા જઈ રહ્યું છે. ભારતમાં હાલમાં તેના 250 શોરૂમ છે. કલ્યાણ જ્વેલર્સના ભારત ઉપરાંત UAE, કતાર, કુવૈત અને ઓમાનમાં 30 શોરૂમ છે. કંપની ટૂંક સમયમાં અમેરિકામાં પણ પોતાનો શોરૂમ ખોલવા જઈ રહી છે.
હાલમાં કલ્યાણ જ્વેલર્સને ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ સર્ટિફિકેટ મળ્યું છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 75 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આજે મેગા એમ્પાયરમાં કલ્યાણ જ્વેલર્સની કહાની...
1993માં ટીએસ કલ્યાણરમને કેરળના થ્રિસુર શહેરમાં એક શેરીમાં પહેલો શોરૂમ શરૂ કર્યો હતો. નામ કલ્યાણ જ્વેલર્સ. તેમના દાદા ત્રિશૂરના એક મંદિરમાં પૂજારી હતા. કલ્યાણરમનના પિતા ટીઆર સીતારમૈયા અય્યરની સાથે મંદિરમાં પૂજા કરવા જતા હતા.
તેમના પૂજારી પિતાએ ના પાડવા છતાં તેમણે પૂજા કરવાને બદલે કપડાંની દુકાન ખોલી. ધીમે ધીમે સીતારમૈયાનો કપડાંનો બિઝનેસ ચાલવા લાગ્યો. થોડાં વર્ષો પછી સીતારામૈયાએ ત્રિશૂરમાં જ કાપડ બનાવવાની ફેક્ટરી શરૂ કરી. આ પણ સારી ચાલી.
એ સમય દરમિયાન સીતારમૈયાએ કેરળનાં ઘણાં શહેરોમાં કપડાં વેચવા માટે શોરૂમ ખોલ્યો. જોકે બાદમાં સરકારે તેમની ફેક્ટરીનો કબજો કરી લીધો હતો.

23 એપ્રિલ, 1947ના રોજ સીતારામૈયાને એક પુત્રનો જન્મ થયો. નામ રાખ્યુ કલ્યાણરમન. સીતારમૈયાએ પુત્રના જન્મની ઉજવણી માટે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જ્યારે કલ્યાણરમન 12 વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતાની સાથે તેમની દુકાનો અને કારખાનાંમાં મદદ કરવા જવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓ થોડા મોટા થયા ત્યારે તેઓ બિઝનેસનો હિસાબ-કિતાબ પણ સંભાળવા લાગ્યા હતા.
કલ્યાણરમને તેમના પિતાને તેમના બિઝનેસમાં મદદ કરવા સાથે તેમનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. શ્રી કેરળ વર્મા કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. કલ્યાણરમન ભાઈઓમાં સૌથી મોટા હતા, તેથી પિતા ઈચ્છતા હતા કે મોટો પુત્ર સંપૂર્ણપણે કપડાંનો બિઝનેસ સંભાળે. જ્યારે તેમના પિતાએ તેમને તેમનો જામેલા બિઝનેસ સંભાળવાનું કહ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
કલ્યાણરમનને ગોલ્ડ જ્વેલરી બિઝનેસમાં વધુ સ્કોપ દેખાયો, એનું એક કારણ હતું. જ્યાં તેઓ તેમના પિતા સાથે ત્રિશૂરમાં કપડાંના શોરૂમમાં બેસતા હતા તેની આસપાસ સોનાના દાગીનાની ઘણી દુકાનો હતી. તેઓ પણ કંઈક આવું જ કરવા માગતા હતા.
કલ્યાણરમનને સમજાયું કે વિકલ્પોનો અભાવ અને ઓછી પારદર્શિતાને કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડે છે. તકનો લાભ ઉઠાવીને તેમણે સોનાનો વેપાર કરવાનું નક્કી કર્યું.

50 લાખની લોન લઈને પહેલો શોરૂમ ખોલ્યો
કલ્યાણરમને સોનાનો બિઝનેસ શરૂ કરવાનો હતો. તેમની પાસે નવો શોરૂમ ખોલવા માટે પૂરતા પૈસા નહોતા. તેમણે અગાઉ તેના પૈતૃક બિઝનેસમાં થોડો સમય કામ કરીને 25 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. સોનાના દાગીનાનો બિઝનેસ શરૂ કરવા માટે આટલા રૂપિયા ઓછા પડી રહ્યા હતા. તેમણે બેંકમાંથી 50 લાખ રૂપિયાની લોન લીધી.
75 લાખ રૂપિયા એકઠા કર્યા બાદ તેમણે ત્રિશૂરમાં પહેલો શોરૂમ ખોલ્યો. શોરૂમનું નામ કલ્યાણ જ્વેલર્સ હતું. શહેરમાં મોટા ભાગના જ્વેલરીના શોરૂમ 300 ચોરસ ફૂટની જગ્યામાં હતા. આ શોરૂમ 4 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો હતો. અહીંથી જ્વેલરી ખરીદવી એ શહેરના લોકો માટે એક નવો અનુભવ હતો. કલ્યાણ જ્વેલર્સનો બિઝનેસ અહીંથી શરૂ થયો હતો.

કલ્યાણ જ્વેલર્સનો બિઝનેસ ત્રિશૂરમાં સારો ચાલવા લાગ્યો. આજુબાજુના વિસ્તારના લોકો પણ આવી કલ્યાણમાંથી ઘરેણાં ખરીદવા લાગ્યા. કલ્યાણરમને વિચાર્યું કે અન્ય શહેરોમાં પણ શોરૂમ ખોલવા જોઈએ. ઘણા ગ્રાહકો કેરળના પલક્કડ શહેરમાંથી કલ્યાણરમન પાસે આવતા હતા. તેમણે આ જ શહેરમાં બીજો શોરૂમ ખોલ્યો. નવો શોરૂમ ખોલતાંની સાથે જ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ખરેખરમાં પલક્કડના ગ્રાહકો ત્રિશૂરના ગ્રાહકો કરતાં અલગ હતા. ખરીદદારો સમૃદ્ધ હતા, પરંતુ તેમની ખરીદીની શૈલી સંપૂર્ણપણે અલગ હતી. કલ્યાણરમને તેમની સ્ટ્રેટેજી બદલી. તેમણે પુત્ર રમેશ કલ્યાણરમનને પલક્કડ મોકલ્યા.
રમેશે ત્યાં ઘણાં અઠવાડિયાં વિતાવ્યાં અને ત્યાંના ગ્રાહકોની જરૂરિયાતોને સમજ્યા. રમેશે ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર સેવાઓમાં ફેરફાર કર્યો. આ કારણે પલક્કડમાં કંપનીનું વેચાણ વધવા લાગ્યું અને ત્યાંના લોકોનો તેમના કલ્યાણ માટે વિશ્વાસ પણ વધ્યો.

પલક્કડમાંથી બોધપાઠ લઈને કલ્યાણરમને દરેક શહેરમાં જ્યાં તેમણે પોતાનો શોરૂમ ખોલ્યો ત્યાં હાઇપર લોકલ ફોર્મ્યુલા અપનાવી. હવે તેઓ એ વિસ્તારમાં શોરૂમ ખોલતાં પહેલાં જ્વેલરીના રિસર્ચ અને ડિઝાઇન માટે એક ટીમ મોકલે છે.
આ પછી જ્વેલરીને એ વિસ્તારના રીત-રિવાજો અને સંસ્કૃતિ અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે. સ્ટાફ પણ એવો રાખવામાં આવ્યો છે કે તેઓ જે-તે વિસ્તારના રિવાજો અને ગ્રાહકોને સમજે. કલ્યાણ જ્વેલર્સે વિવિધ રાજ્યો અને ભાષાઓમાંથી બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.

કંપનીએ કેરળમાં જ પોતાનો કારોબાર સ્થાપવામાં પ્રથમ 10 વર્ષ ગાળ્યા. 2004માં કેરળની બહાર પ્રથમ શોરૂમ તામિલનાડુના કોઈમ્બતુરમાં શરૂ કરવામાં આવ્યો હતો. 2010 સુધીમાં કલ્યાણે કર્ણાટક અને તેલંગાણાનાં બજારોમાં શોરૂમ ખોલ્યા.
2012માં દક્ષિણ ભારતની બહાર પ્રથમ શોરૂમ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો હતો. 2013 સુધીમાં, કંપનીએ મહારાષ્ટ્ર અને આરબ દેશોમાં પણ તેના શોરૂમ ખોલ્યા હતા.
અમિતાભ બચ્ચનને બ્રાન્ડ-એમ્બેસેડર બનાવાયા
2012માં કલ્યાણ જ્વેલર્સે અમિતાભ બચ્ચનને પોતાના બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યા હતા. અમિતાભ બચ્ચનનું નામ જોડાવાથી કલ્યાણ જ્વેલર્સને ઘણો ફાયદો થયો. ત્યાર બાદ કલ્યાણે વિવિધ રાજ્યોમાં સ્થાનિક ગ્રાહકો સુધી પહોંચવા માટે ઘણા પ્રાદેશિક બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યા.
આજે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કેટરીના કૈફ, નાગાર્જુન, પ્રભુ ગણેશન, વામિકા ગબ્બી, પૂજા સાવંત, શિવ રાજકુમાર, કિંજલ રાજપ્રિયા, રીતાભરી ચક્રવર્તી જેવી હસ્તીઓ કલ્યાણ જ્વેલર્સનાં બ્રાન્ડ-એમ્બેસેડર છે.

'હીરા સબકે લીએ હૈ' કેમ્પેને કંપનીને ઓળખ અપાવી
લગભગ 10 વર્ષ પહેલાં કલ્યાણ જ્વેલર્સે 'હીરા સબકે લીએ હૈ' નામનું કેમ્પેને ચલાવ્યું હતું. આ કેમ્પેને કલ્યાણે હીરા વિશે લોકોની ધારણાને બદલી નાખી. આ કેમ્પેનથી હીરાને મધ્યમવર્ગ સુધી લઈ જવામાં મદદ મળી, જે પહેલાં માત્ર શ્રીમંત લોકો જ ખરીદી શકતા હતા.
પ્રચાર દરમિયાન અમિતાભ બચ્ચન કલ્યાણની ડાયમંડ જ્વેલરી વિશે વાત કરતા હતા, જેની કિંમત 8000 રૂપિયાથી શરૂ થાય છે. આટલી ઓછી કિંમતે બનેલી ડાયમંડ જ્વેલરીએ મધ્યમવર્ગના ગ્રાહકોને આકર્ષ્યા હતા.

કલ્યાણે ઓનલાઈન માર્કેટમાં પ્રવેશવા માટે 2017માં કેન્ડેરેના શેર ખરીદ્યા અને હસ્તગત કર્યા. Candere એક ઓનલાઈન જ્વેલરી સ્ટોર છે, જેની 2013માં રૂપેશ જૈને શરૂઆત કરી હતી. જૂન 2024માં કલ્યાણે રૂપેશના બાકીના 15 ટકા શેર પણ ખરીદ્યા અને બાકીનો હિસ્સો હસ્તગત કર્યો હતો.

હાઇપર લોકલ શું છે?
ત્યાંના પ્રદેશ, સંસ્કૃતિ અને લોકો અનુસાર, પ્રોડક્ટ્સ બનાવવી અને તેમના સુધી પહોંચાડવી. ગ્રાહકોના પ્રતિસાદના આધારે બિઝનેસ મોડલમાં ફેરફાર કરવો.
‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ સર્ટિફિક્ટ શા માટે મળે છે
કંપની 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' વર્કપ્લેસ કલ્ચરમાં ગ્લોબલ લીડર છે. એ અન્ય કંપનીઓને તેમના કર્મચારીઓને પોઝિટિવ વર્કપ્લેસનો અનુભવ આપવામાં મદદ કરે છે. જે કંપનીઓ તેમના કર્મચારીઓને વર્કપ્લેસનો સારો અનુભવ અને વર્ક સ્પેસ આપે છે તેમને 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' સર્ટિફિક્ટ આપવામાં આવે છે.
'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' સર્ટિફિક્ટ મેળવવાના લાભો
આ પ્રમાણપત્ર કંપનીની પ્રતિષ્ઠા વધારે છે. આ કંપની માટે નવા કર્મચારીઓ મેળવવાનું સરળ બનાવે છે. આ કર્મચારીઓના નોકરી છોડવાા દરને ઘટાડે છે. એનાથી કર્મચારીઓમાં ક્રિએટિવિટી અને કંઈક નવું કરવાની ઈચ્છા વધે છે.
રિસર્ચ- રાજેશ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















