- Gujarati News
- Bhaskar khaas
- Mega empire
- Mega Empire Four Gujaratis Created 'Asian Paints'
મેગા એમ્પાયરઃ ચાર ગુજરાતીએ બનાવી 'એશિયન પેઈન્ટ્સ':ઘરે ઘરે જઈને પેઇન્ટ વેચ્યો, ISRO પહેલાં સુપર કોમ્પ્યુટર ખરીદ્યું; આજે 60થી વધુ દેશમાં બિઝનેસ
- કૉપી લિંક

એશિયન પેઇન્ટ્સ ભારતના પેઇન્ટ માર્કેટનો 50 ટકા હિસ્સો ધરાવે છે. 15 દેશમાં 27 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે. આ બિઝનેસ 60 દેશમાં ફેલાયેલો છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ રૂપિયા છે.
એશિયન પેઇન્ટ્સની શરૂઆતથી લઈને અત્યારસુધીની કહાની ખૂબ જ રસપ્રદ છે. 1942માં બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને ભારતમાં આઝાદીનું આંદોલન ચરમસીમાએ હતું.
મુંબઈના ચાર ગુજરાતી બિઝનેસમેન એકબીજાના મિત્રો પણ હતા. પોતાનું રોજનું કામ પૂરું કરીને સાંજે જુહુમાં વડાં-પાઉંના સ્ટોલ પર મળતા. આઝાદીનું આંદોલન અને બીજા વિશ્વયુદ્ધ પર તેમની વચ્ચે દરરોજ ગપસપ થતી હતી.
મેગા એમ્પાયરમાં આજની કહાની એશિયન પેઇન્ટ્સની...

1942માં ભારતની બ્રિટિશ સરકારે પેઇન્ટની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. દેશમાં પેઇન્ટ મળવાનું લગભગ બંધ થઈ ગયું હતું. એ સમયે ભારતમાં માત્ર કેટલીક વિદેશી પેઇન્ટ કંપનીઓ અને એક ભારતીય કંપની શાલિમાર પેઇન્ટ્સ જ હતી.
આ ચારેય ગુજરાતી મિત્રોએ આ આફતથી સર્જાયેલી તકને ઓળખીને નવી પેઇન્ટ કંપની શરૂ કરી. આ ચાર મિત્રો હતા ચંપકલાલ ચોક્સી, ચીમનલાલ ચોક્સી, સૂર્યકાંત દાણી અને અરવિંદ વકીલ. ચારેય ગુજરાતના જૈન પરિવારના હતા.
બોમ્બે (મુંબઈ)માં એક મોટા ગેરેજમાંથી કંપનીનું કામકાજ શરૂ કર્યું. હવે સમસ્યા એ હતી કે કંપનીનું નામ શું રાખવું. ખૂબ વિચાર-વિમર્શ પછી પણ નામ પર સર્વસંમતિ ન હતી, તેથી ટેલિફોન ડિરેક્ટરીમાંથી એક રેન્ડમ શબ્દ પસંદ કરવામાં આવ્યો અને કંપનીનું નામ રાખવામાં આવ્યું - એશિયન ઓઇલ એન્ડ પેઇન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ.

ડિસ્ટ્રિબ્યુટર્સે પેઇન્ટ ખરીદ્યો નહીં, તો જાતે ઘરે ઘરે જઈને વેચ્યો
શરૂઆતમાં કંપનીએ કુલ પાંચ કલર તૈયાર કર્યા – લીલો, સફેદ, લાલ, કાળો અને પીળો. ચારેય મિત્રોનો પ્લાન હતો કે તેઓ રંગો બનાવીને જથ્થાબંધ વેચાણ કરશે, પરંતુ તેમનો પ્લાન ઊલટો પડ્યો. કોઈ ડિસ્ટ્રિબ્યુટરે તેમનો પેઇન્ટ ખરીદ્યો નહીં. તેમને ડર હતો કે નવી કંપનીનો સામાન ખરીદીને શા માટે જોખમ લેવું જોઈએ. ચારેયને લાગવા માંડ્યું કે બિઝનેસ ઊપડે એ પહેલાં જ ડૂબી જશે. ચંપકલાલ ચોક્સીએ નવો પ્લાન બનાવ્યો અને ડોર-ટુ-ડોર માર્કેટિંગ સ્ટ્રેટેજી પર કામ કરવાનું શરૂ કર્યું.
ચારેય મિત્રોએ પેઇન્ટને પ્લાસ્ટિકના નાના પાઉચમાં પેક કરીને ગામડાં અને શહેરોમાં ઘરે-ઘરે વેચવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી મુંબઈ અને પુણેમાં ડિસ્ટ્રિબ્યુટર્સને બદલે તેમણે ગામડાંમાં ડીલરોને પેઇન્ટ વેચવાનું શરૂ કર્યું. લોકોને તેમનો પેઇન્ટ ખૂબ ગમ્યો. ગામડાંમાં ડીલરો પણ કંપની પાસેથી સીધો જ પેઇન્ટ ખરીદીને ખુશ હતા. તેમને આ પેઇન્ટ સસ્તામાં પણ મળતો હતો.
એ જ સમયે તામિલનાડુમાં પોંગલ તહેવાર પણ આવવાનો હતો, જેમાં બળદના શિંગડા પર રંગ લગાવીને એમની પૂજા કરવામાં આવે છે. ચંપકલાલને આ તક સારી લાગી. તેમણે વિચાર્યું કે લોકોને ઓછી માત્રામાં ચમકદાર પેઇન્ટની જરૂર છે. તેમણે આવા પેઇન્ટ બનાવ્યાં અને એને તામિલનાડુનાં ગામડાંમાં વેચવાનું શરૂ કર્યું, જેના કારણે કંપનીને ઘણો ફાયદો થયો.
ધીમે ધીમે બજારમાં તેમના પેઇન્ટની માગ વધવા લાગી. આ પછી મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં ડીલરશિપ મળી. એશિયન પેઇન્ટ્સનો પેઇન્ટ ખરીદવા માગતા ન હોય તેવા ડિસ્ટ્રિબ્યુટર્સ તરફથી પણ પેઇન્ટની માગ થવા લાગી. 1945 સુધીમાં કંપનીનું ટર્નઓવર 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું.

પ્રખ્યાત મેસ્કોટ ગટ્ટુથી બની ઓળખ
વર્ષ 1952 સુધીમાં કંપનીની આવક 23 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. ચંપકલાલ ચોક્સીએ બિઝનેસને વધુ વિસ્તારવા માટે માર્કેટિંગ વધારવાનું નક્કી કર્યું. તેમણે એ સમયના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણને જાહેરાત માટે મેસ્કોટ બનાવવા માટે કહ્યું હતું.
આર.કે. લક્ષ્મણે બનાવેલો મેસ્કોટ એક તોફાની છોકરાનો હતો, જેના હાથમાં પેઇન્ટ બ્રશ અને પેઇન્ટની ડોલ હતી. એને નામ આપવા માટે એક સ્પર્ધા યોજાઈ હતી. બેસ્ટ નામ આપનાર વ્યક્તિને 500 રૂપિયાનું ઇનામ આપવાનું હતું.
સ્પર્ધામાં 47 હજાર લોકોએ ભાગ લીધો હતો, જેના કારણે આ કાર્ટૂન ચર્ચામાં આવ્યું હતું. મુંબઈમાં રહેતા બે લોકોએ મેસ્કોટનું નામ 'ગટ્ટુ' આપ્યું. આ નામ ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત હતું.
1954માં કંપનીએ પેઇન્ટ કેન અને જાહેરાતો પર મેસ્કોટ ગટ્ટુનો ઉપયોગ કર્યો. આ કાર્ટૂન કંપનીની ઓળખ બની ગયું. એ જ સમય દરમિયાન કંપનીએ એનું જાહેરાત અભિયાન 'હર ઘર કુછ કહેતા હૈ' લોન્ચ કર્યું. આનાથી કંપનીને એટલો ફાયદો થયો કે આગામી ચાર વર્ષમાં એનો બિઝનેસ 10 ગણો વધી ગયો. એશિયન પેઇન્ટ્સે 2002 સુધી ટેલિવિઝન જાહેરાતોમાં ગટ્ટુનો ઉપયોગ કર્યો હતો.

બિઝનેસ મોડલથી કર્યા લોકોને ટાર્ગેટ
એશિયન પેઈન્ટ્સની મજબૂતાઈનું શ્રેય તેમણે શરૂઆતથી જ ગ્રાહકોનાં વલણો અને પેટર્નને ઓળખીને વિકસાવેલી વ્યૂહરચનાને આભારી છે. યોગ્ય વ્યૂહરચના સાથે યોગ્ય વર્ગના લોકોને લક્ષ બનાવવામાં સક્ષમ બનો એ પણ કંપનીની માર્કેટિંગ વ્યૂહરચનાનો મૂળ મંત્ર બન્યો છે.
કંપનીની જાહેરાતમાં ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેત્રી દીપિકા પાદુકોણ, કરણ જોહર અને દક્ષિણના કલાકારો અને અભિનેત્રીઓ જોવા મળે છે. કંપનીએ તેની જાહેરાતમાં ભારતની પ્રાદેશિક સંસ્કૃતિ પર ફોક્સ કર્યું છે. હવે તેઓ તેમની સંસ્કૃતિ મુજબ રાજ્યોની સેલિબ્રિટીઓને તેમની જાહેરાતો માટે કોન્ટ્રેક્ટ કરી રહ્યા છે.
એશિયન પેઇન્ટ્સ 1967થી અત્યારસુધીની સૌથી મોટી પેઇન્ટ કંપની છે
1965માં એશિયન ઓઇલ એન્ડ પેઇન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડનું નામ બદલીને એશિયન પેઇન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કરવામાં આવ્યું. વર્ષ 1967 સુધીમાં કંપની બજારમાં સૌથી મોટી પેઇન્ટ કંપની બની ગઈ. ચોક્સીને લાગ્યું કે કંપનીને બિઝનેસને આગળ લઈ જવા માટે સમજદાર લોકોની જરૂર છે.
ચોક્સીએ તેની રણનીતિ તેના ભાગીદારોને સમજાવી. તેમણે કહ્યું કે હવેથી અમે કંપનીમાં માત્ર પ્રોફેશનલ લોકોને જ નોકરી આપીશું.
આ પછી કંપનીએ અલગ-અલગ બિઝનેસ સ્કૂલ અને IIM પાસઆઉટ વિદ્યાર્થીઓને હાયર કરવાનું શરૂ કર્યું. આ પછી કંપનીએ જૂની ટેક્નોલોજીની જગ્યાએ નવી ટેક્નોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું. નવા પ્લાન્ટ સ્થાપવા લાગ્યા અને મશીનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો.

ISRO અને IIMથી પણ પહેલાં સુપર કોમ્પ્યુટર ખરીદ્યું
1970માં એશિયન પેઇન્ટ્સે ISRO પાસેથી ભારતનું પ્રથમ સુપર-કોમ્પ્યુટર ખરીદ્યું. એ સમયે એની કિંમત 8 કરોડ રૂપિયા હતી. એની મદદથી કંપનીએ તેના વેચાણ, માગ અને સપ્લાય ચેઇનની સમસ્યાઓ હલ કરી.
30 વર્ષમાં એશિયન પેઈન્ટ્સે આ કોમ્પ્યુટરની મદદથી એટલો બધો ડેટા એકત્રિત કર્યો હતો કે તેઓ અગાઉથી અનુમાન લગાવી શકે છે કે કયા રંગ અને કદના પેઇન્ટ કયા ડીલર પાસે વધુ વેચાશે. કંપનીએ 1970માં તેની ટ્રકો પર નજર રાખવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
1979માં એશિયન પેઇન્ટ્સે રંગોના નવા શેડ્સ બનાવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે 6થી 7 દિવસ લાગતા કામ થોડા કલાકોમાં થવા લાગ્યું.

ચંપકલાલના મૃત્યુ પછી ફાઉન્ડરો વચ્ચે ઘણા વિવાદો થયા
વર્ષ 1990 સુધીમાં કંપનીના મોટા ભાગના શેર ચાર પરિવારો પાસે હતા. 1997માં ચંપકલાલના નિધન પછી તેમના પુત્ર અતુલ ચોકસીએ અડધા શેર યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને અને બાકીના શેર ત્રણ ભાગીદારોને વિવાદ પછી વેચી દીધા. સૂર્યકાંત દાણીના પુત્ર અશ્વિન દાણી પર પણ નાદકર્ણી પરિવારે પેટન્ટ હડપ કરવાનો આરોપ લગાવ્યો છે.
આજે એશિયન પેઇન્ટ્સ સંપૂર્ણપણે પ્રોફ્શનલ લોકો સંભાળી રહ્યા છે. હાલમાં એશિયન પેઇન્ટ્સના સીઇઓ અને એમડી અમિત સિંગલ છે. તેઓ લગભગ 30 વર્ષથી કંપની સાથે કામ કરી રહ્યા છે. ચીમનલાલ ચોક્સી, સૂર્યકાંત દાની અને અરવિંદ વકીલના પરિવારના સભ્યો નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એશિયન પેઇન્ટ્સનો બિઝનેસ સંભાળી રહ્યા છે.

60થી વધુ દેશોમાં બિઝનેસ
વર્ષ 1982માં એશિયન પેઈન્ટ્સે આઈપીઓ લોન્ચ કર્યો હતો. આજે એશિયન પેઈન્ટ્સમાં માત્ર થોડા રંગો જ નથી, પરંતુ હજારો શેડ્સ, રંગો છે.
1970ના દાયકામાં કંપનીએ ફિજીમાં એનો પહેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો. આજે કંપનીના 15 દેશમાં 27 પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. 60 દેશમાં બિઝનેસ કરે છે.
તે અમેરિકાના PPG Inc સાથે 50:50 જોઈન્ટ વેન્ચરમાં કાર્ય કરે છે, જે વિશ્વની સૌથી મોટી ઓટોમોટિવ કોટિંગ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે. એશિયન પેઇન્ટ્સ ગ્રુપમાં ઘણી કંપનીઓ છે. આમાં એશિયન પેઈન્ટ્સ બર્જર, ઈપકો કોટિંગ્સ, SCIB પેઈન્ટ્સ, તોબમેન્સ, એશિયન પેઈન્ટ્સ કોઝવે અને કેડિસ્કો એશિયન પેઇન્ટ્સ દુનિયાભરમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે.
એશિયન પેઇન્ટ્સ એ ભારતની સૌથી મોટી, એશિયામાં બીજી સૌથી મોટી અને વિશ્વની દસ સૌથી મોટી પેઇન્ટ કંપનીઓમાં સામેલ છે.
આજે, એશિયન પેઈન્ટ્સે હવે બાથ ફિટિંગ્સ, કિચન અને વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સ, કલર કન્સલ્ટન્સી, પેઈન્ટિંગ સર્વિસ અને ઈન્ટીરિયર ડિઝાઈનિંગ જેવી સેવાઓમાં પોતાનો વિસ્તાર કર્યો છે.

રિસર્ચ-રાજેશ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















