Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

લાલ ઇશ્ક-4
‘તૂ મેરે સાથ નહીં આઈ, તો ઇસકા અંજામ દેખેગી’:કરિશ્માને પામવા ચાલુ બાઇકે પતિનું ગળું વેતરી નાખ્યું, આંતરધર્મીય લગ્નનો લોહિયાળ અંત

10 મહિનો પેહલાલેખક: મિતેષ પરમાર
  • કૉપી લિંક

તારીખઃ 2 માર્ચ 2025

.

રાત્રે 8-9 વાગ્યાનો સમય.

ઈસનપુર, ઘોડાસર, અમદાવાદ

ટ્રાફિકથી ફાટ ફાટ થતા અમદાવાદના રસ્તાઓ પર એક યુવાન પોતાની બાઇક પર નરોડા-પાટિયા તરફ જમવા માટે જઇ રહ્યો હતો. આટલા ટ્રાફિકમાં પણ તેણે સામેથી બીજા એક બાઇકસવારને વટવા તરફની દિશામાં જતો જોયો. એ સાથે જ આ યુવાનની આંખોમાં લોહી ધસી આવ્યું. એની નસો તંગ થઈ ગઈ. ક્રોધની જ્વાળામાં એ પોતાનું જમવાનું ભૂલી ગયો. જમવાને બદલે એ સીધો પોતાના ઘરે ગયો અને એક ધારદાર છરી કાઢી. છરીના હેન્ડલ પર પોતાની પકડ તેજ કરીને કશુંક નક્કી કર્યું. છરી તેણે એક કવરમાં મૂકી અને પીઠના ભાગે પેન્ટમાં ભરાવી દીધી. ફરી પાછો પોતાની બાઇક લઇને નીકળી પડ્યો.

તેને ખબર હતી કે વટવાથી નરોડા જતા લોકો આ જ રસ્તે જાય છે. હવે તેણે શાંતિથી રાહ જોવાનું શરૂ કર્યું. એક કલાક, બે કલાક, ત્રણ કલાક થઈ... પણ આ યુવાને ધીરજ ન ગુમાવી. રાત્રિના 12 વાગ્યા. આખરે 12:30 વાગ્યાની આસપાસ તેનો ઇન્તેજાર રંગ લાવ્યો. વટવા કેનાલ પાસેથી એ બાઇકસવાર ફરીથી આવતો દેખાયો. તેણે તરત જ ચહેરા પર નિર્દોષતાના ભાવ ધારણ કરીને પેલા બાઇકસવારને ઊભો રાખ્યો.

છરો લઇને રોડ પર રાહ જોતો એ માણસ કોણ હતો?

‘એક્સક્યુઝ મી, તમે અઝીઝભાઈ ને? મારું નામ રાજુ છે. હું અહીં નરોડા બાજુ જ રહું છું. એક્ચ્યુઅલી મારે મારા શેડ પર સોલર પેનલ લગાવવી છે. તમારો નંબર નહોતો એટલે હું તમારા ઘરે પણ ગયેલો, પણ ત્યાં તમે મળ્યા નહીં. તમે અચાનક રસ્તામાં દેખાઈ ગયા, એટલે તમને રોક્યા.’

‘વાત તો સાચી, રાજુભાઈ, પણ અત્યારે બાર વાગી ગયા છે. હું પણ થાકી ગયો છું. તમે કાલે સવારે મને કૉલ કરો ને, આપણે તમારું કામ પતાવી આપીશું.’

રાજુએ વિચાર્યું, ‘કામ તો બેટા તારું પતાવવાનું છે અને એ પણ અત્યારે જ.’

‘અરે, અઝીઝભાઈ. મેરેકુ થોડા અર્જન્ટ હૈગા. તમે એક કામ કરો. તમે નરોડા બાજુ જઇ રહ્યા છો. મારો શેડ પણ નરોડામાં જ છે. હું પણ એ બાજુ જ જાઉં છું. તમે મને નરોડા ઉતારી દેજો ને રસ્તામાં મારો શેડ ખાલી બહારથી જોઈ લો. પછી કાલે સવારે આવીને સોલર પેનલ ફિટ કરવાનું કામ સ્ટાર્ટ કરી દેજો.’

અઝીઝે થોડી આનાકાની કરી, પણ સાથે-સાથે વિચાર્યું કે કામ અને પૈસા સામેથી આવી રહ્યા છે અને અત્યારે રસ્તામાં ખાલી જોવાનું જ છે, તો ક્યાં ના પાડવી? તેણે રાજુને પોતાની બાઇકમાં પાછળ બેસાડ્યો અને બાઇક નરોડા તરફ મારી મૂકી.

અઝીઝને સપનેય ખ્યાલ નહોતો કે આ તેની જિંદગીની સૌથી મોટી અને સૌથી છેલ્લી ભૂલ પુરવાર થવાની હતી.

અઝીઝ, કરિશ્મા અને રાજુ (સફેદ ટી-શર્ટમાં)
અઝીઝ, કરિશ્મા અને રાજુ (સફેદ ટી-શર્ટમાં)

અંધારામાં લાગ જોઇને ગળા પર છરો ફેરવી દીધો

રસ્તામાં જેવો કેડિલા બ્રિજ આવ્યો કે પાછળથી રાજુ બોલ્યો, ‘અરે અઝીઝભાઈ, ગાડી થોડી સાઇડ મેં લે લેના, યહીં મેરા શેડ હૈ.’

અંધારું, એકલતા અને બરાબરનો મોકો જોઇને રાજુએ પોતાની પીઠ પાછળ ખોંસેલો છરો કાઢ્યો અને ચાલુ બાઇકે જ અઝીઝના ગળા પર ફેરવી દીધો. રાજુએ એટલા ખુન્નસથી અઝીઝના ગળા પર છરો ફેરવ્યો કે લોહીની ધાર વછૂટી અને તેની અન્નનળી-શ્વાસનળી અને નસો બહાર આવી ગઈ, અડધુંઅડધ ગળું કપાઈ ગયું

એક કારમી ચીસ પાડીને બાઇક સાથે અઝીઝ પડ્યો. પાછળ બેઠેલો રાજુ પણ પડ્યો. રાજુને સહેજ છોલાયું, પણ કપડાં ખંખેરીને ઊભો થયો.

થોડીવાર તરફડીને અઝીઝ શાંત થઇ ગયો. લોહીના ખાબોચિયામાં પડેલા તેના શરીરને રાજુએ પગેથી લાત મારી અને કન્ફર્મ કર્યું કે તે મરી ગયો છે.

બસ, પછી તે ત્યાંથી અંધારામાં અદૃશ્ય થઈ ગયો અને જાણે કશું બન્યું જ ન હોય એેમ ઘરે જઇને સૂઈ ગયો. ***

આંતરધર્મીય પ્રેમલગ્ન અને એક કરપીણ હત્યા

'પતિ, પત્ની અને વો' ના સંબંધો પર જ્યારે લગ્નની મહોર વાગી જાય છતાં એકબીજા પ્રત્યેનો માલિકીભાવ ન છૂટે ત્યારે કેવું લોહિયાળ પરિણામ આવે, એનો શૉકિંગ કિસ્સો ગયા વર્ષે અમદાવાદમાં જોવા મળ્યો હતો. ‘લાલ ઇશ્ક’ના આજના એપિસોડમાં વાત કરીએ ટ્રિપલ તલાક, આંતરધર્મીય પ્રેમલગ્ન અને એક કરપીણ હત્યાની.

***

‘સાહેબ, અહીં એક લાશ પડી છે, કોઇએ એનું આખું ગળું કાપી નાખ્યું છે’

તારીખઃ 3 માર્ચ, 2025

સમયઃ રાત્રે 2-2:30 વાગ્યાની આસપાસ

‘હેલો સાહેબ, અહીં ઘોડાસરમાં કેડિલાબ્રિજ પાસે કોઈ યુવાનની લાશ પડી છે. કોઇએ બહુ ખરાબ રીતે તેનું ગળું કાપી નાખ્યું છે.’

પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ અજાણ્યા માણસનો કૉલ આવ્યો અને પોલીસ દોડતી થઇ ગઇ.

ઘોડાસરમાં આવેલા આ કેડિલાબ્રિજ પાસે અંધારામાં રાજુએ અઝીઝની હત્યા કરી હતી.
ઘોડાસરમાં આવેલા આ કેડિલાબ્રિજ પાસે અંધારામાં રાજુએ અઝીઝની હત્યા કરી હતી.

‘આ હત્યા થઇ એ રાત્રે હું નાઇટ રાઉન્ડ ડ્યૂટી પર જ હતો.’ આ કેસ ડિટેક્ટ કરનારા ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એસ. જાડેજા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી. તેઓ કહે છે, ‘કંટ્રોલ રૂમથી મેસેજ આવ્યો કે ઈસનપુરમાં આવતા ઘોડાસરમાં કેડિલાબ્રિજ પાસે એક લાશ પડી છે. મેસેજ મળતાં જ અમારી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતકની લાશ પાસે તેની બાઇક પણ પડી હતી. બાઇકના નંબર પરથી તેના પરિવારની વિગતો મેળવી. ખબર પડી કે મરનારનું નામ અઝીઝ ખાન હતું. અમે ફોન કરીને તેમના મોટા ભાઈ સાબીરખાનને બોલાવ્યા. તેમની ફરિયાદના આધારે હત્યાની FIR દાખલ કરવામાં આવી.’ આ પ્રકારના કેસમાં શરૂઆતના કલાકો બહુ મહત્ત્વના હોય છે, કેમ કે જેમ જેમ સમય વીતતો જાય તેમ અજાણ્યો હુમલાખોર ક્યાંક દૂર ભાગી જાય એના ચાન્સીસ વધારે રહે છે, આથી પોલીસે એ રાત્રે જ કેસનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. એમાં હત્યાના સ્થળેથી જતી એક વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ લાગી અને પોલીસે એ CCTV ફૂટેજ કબજે કરી લીધા.

ડિવોર્સી અઝીઝને કોણે પતાવી નાખ્યો?

PI જાડેજા કહે છે, ‘તપાસ દરમિયાન અમને મૃતક અઝીઝના ભાઈ પાસેથી જાણવા મળ્યું કે અઝીઝ તેની પત્ની કરિશ્માથી અલગ થઇને વટવા વિસ્તારમાં રહેતો હતો. અમારી એક ટીમ તાત્કાલિક કરિશ્માના ઘરે પહોંચી. કરિશ્મા સાથેની પૂછપરછમાં અમને જાણવા મળ્યું કે તેણે અને અઝીઝે ડિવોર્સ લઈ લીધા હતા. એ પછી તેને રાજુ સાથે પ્રેમ થયો, એટલે તેણે રાજુ સાથે નિકાહ કરી લીધા હતાં. છેલ્લા કેટલાક સમયથી રાજુ અને કરિશ્મા બંને સાથે રહેતાં હતાં.’

તો પછી એવું તે શું થયું કે કરિશ્માના નવા પતિ રાજુએ જૂના પતિ અઝીઝને આવી ક્રૂર રીતે રસ્તા વચ્ચે ગળું કાપીને મારી નાખ્યો? હવે શંકાની સોઈ રાજુ પર હતી.

રાજુ, ગીતા, કરિશ્મા અને અઝીઝની લોહિયાળ લવસ્ટોરી

આ સ્ટોરીમાં મૂળ ચાર પાત્રો છેઃ રાજુ-ગીતા, અઝીઝ-કરિશ્મા.

મૂળ મહારાષ્ટ્રના શિરડીનો રાજુ શિંદે છેલ્લાં 16 વર્ષથી અમદાવાદના નરોડામાં રહે છે. રાજુ તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો, પણ ખાસ ભણેલો-ગણેલો નહીં, એટલે એક ઇલાસ્ટિક કંપનીમાં નોકરી કરતો હતો. આ જ કંપનીમાં કરિશ્માબાનુ નામની એક મહિલા પણ નોકરી કરતી હતી. બંને એક જ કંપનીમાં કામ કરતાં હતાં. રોજ મળે, વાતો થાય. એટલે બંને વચ્ચે સારી એવી ફ્રેન્ડશિપ થઇ ગયેલી. આ દરમિયાન વર્ષ 2006માં રાજુ શિંદેનાં લગ્ન ગીતા રાઠોડ સાથે થયાં. ત્રણેક વર્ષ પછી 2009માં કરિશ્માના લગ્ન અઝીઝ ખાન નામના યુવાન સાથે થઇ ગયા. અઝીઝ સોલર પેનલ લગાવવાનું કામ કરતો હતો. લગ્ન પછી તરત જ છોકરું થઇ જતાં કરિશ્માએ નોકરી છોડી દીધી. આ તરફ રાજુ પણ તેની પત્ની ગીતા સાથે લગ્નજીવનમાં વ્યસ્ત થઇ ગયો.

પરંતુ ધીમે ધીમે કરિશ્મા અને અઝીઝ વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા, કારણ કે અઝીઝ દારૂ અને નશાના રવાડે ચઢી ગયો હતો. વારંવારના ઝઘડા અને મનમેળ ન હોવાના કારણે બંને વચ્ચે વર્ષ 2022માં છૂટાછેડા થયા.

દોઢ દાયકે બે કપલના ડિવોર્સ થયા, બંને ફરી મળ્યાં

નસીબનો ખેલ જુઓ કે વર્ષ 2024માં એટલે કે લગ્નનાં 18 વર્ષ બાદ કોઇક કારણોસર રાજુ અને ગીતાના પણ છૂટાછેડા થઈ ગયા! કરિશ્માના તેના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે વટવામાં એક ભાડાના ઘરે એકલી તેનાં બાળકો સાથે રહેતી હતી. જ્યારે રાજુ પોતાની પત્ની ગીતા સાથે છૂટાછેડા લઇને નરોડામાં એકલો રહેતો હતો.

રાજુ અને કરિશ્મા બંને વચ્ચે વર્ષો સુધી કોઈ મુલાકાત નહોતી થઈ, પરંતુ કરિશ્માના છૂટાછેડા થયા પછી તેને ઘર ચલાવવા અને સંતાનોનાં પેટ ભરવા માટે પોતે વર્ષો પહેલાં જ્યાં જોબ કરતી હતી તે ઇલાસ્ટિક કંપનીમાં ફરી પાછી નોકરીએ લાગી ગઇ. જ્યારે રાજુ 2016થી ગાંધીનગરના માણસા ખાતે આવેલી ‘સ્ટેરીકોટ હેલ્થ કેર કંપની’માં ફિટર તરીકે નોકરી કરતો હતો, પરંતુ રોકડી કરવા માટે કોઈ કંપનીમાં જરૂર હોય તે કંપનીમાં રજાના દિવસે અથવા રાત્રે કોઈ કંપનીમાં એક્સ્ટ્રા કામ કરવા પણ જતો. એ ન્યાયે એક વખત એ પણ પોતાની જૂની ઇલાસ્ટિક કંપનીમાં કામ કરવા પહોંચી ગયો.

કરિશ્મા અને રાજુની દોઢ દાયકા બાદ ફરીથી મુલાકાત થઈ

તદ્દન ફિલ્મી ઇત્તેફાકથી રાજુએ ત્યાં કરિશ્માને કામ કરતી જોઇ. વર્ષો બાદ કરિશ્માને ત્યાં કામ કરતી જોઇને રાજુ ચોંકી ઊઠ્યો. બંને વચ્ચે લગભગ દોઢેક દાયકે ફરીથી મુલાકાત થઇ હતી. જૂની વાતો તાજી કરી. તેં લગ્ન કર્યાં કે નહીં, છોકરાં કેટલાં છે વગેરે વાતો થઇ. એ ક્રમમાં કરિશ્માએ જવાબ આપ્યો કે ‘મારા તો છૂટાછેડા થઈ ગયા અને હું મારાં છોકરાં સાથે એકલી અલગ રહું છું. હવે ઘર ચલાવવા માટે અહીં ફરીથી નોકરી પર આવી છું.’ સામે રાજુએ પણ પોતાની કરમકથની કહી, ‘મારા પણ છૂટાછેડા થઈ ગયા છે અને હું પણ અલગ એકલો રહું છું.’

ભાસ્કરે અઝીઝના પરિવાર સાથે મુલાકાત કરીને સમગ્ર માહિતી મેળવી હતી.
ભાસ્કરે અઝીઝના પરિવાર સાથે મુલાકાત કરીને સમગ્ર માહિતી મેળવી હતી.

‘તૂ ભી અકેલી, મૈં ભી અકેલા, બોલ કરેગી મેરે સે શાદી?’

બાદમાં બંને વચ્ચે ફોનનંબરની આપ-લે થઈ અને વાતચીતનો દોર વધતો ગયો. વાતચીત દરમિયાન કરિશ્માએ રાજુને કહ્યું, ‘તું મારા માટે કોઈ બીજી નોકરી શોધી આપ. આટલા ચપટી જીતના પગાર મેં ઘર કૈસે ચલાઉં, ને બચ્ચોં કા પેટ કૈસે પાલું?’

એટલે રાજુએ એકદમ પ્રેક્ટિકલ રસ્તો સૂચવ્યો, ‘તું ફરીથી લગ્ન કરી લે ને કોઇની સાથે સેટ થઈ જા.’

‘તેરી બાત તો સહી હૈ, રાજુ. લેકિન તીન બચ્ચે મેરે પેટ પે પડે હૈ. મુજસે અબ કૌન શાદી કરેગા?’

ત્યારે રાજુએ લાગ જોઇને પોતાના દિલની વાત કહી દીધી, ‘હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. બોલ, કરેગી મેરે સે શાદી?’

આવું સાંભળતાં કરિશ્માને ફરી પાછી પોતાની જિંદગી સેટ થતી દેખાવા લાગી. પછી બંને વચ્ચે રોજ કલાકો સુધી વાતચીત થવા લાગી, બંને નવા નવા પ્રેમીઓની જેમ બહાર મળવા પણ લાગ્યાં.

ફાઇનલી, 2023માં રાજુ અને કરિશ્માએ એક મસ્જિદમાં નિકાહ કરી લીધા. નિકાહ કર્યા બાદ કરિશ્મા વટવાના જે મકાનમાં રહેતી હતી એ મકાનમાં જ રાજુ અને કરિશ્મા બંને પતિ-પત્ની તરીકે નવી જિંદગી શરૂ કરી. આ દરમિયાન રાજુએ ઘરમાં ઘરવખરી માટેનો અંદાજે ₹50 હજારનો સામાન પણ વસાવી આપ્યો.

‘કરિશ્માને મારામાંથી રસ ઊડી ગયો છે, એનું બીજે ક્યાંક અફેર લાગે છે!’

લગભગ 2 વર્ષ સુધી બંનેનું લગ્નજીવન સુખેથી પસાર થયું. પછી ધીમે ધીમે સંસારરથનાં પૈડાંમાં પંક્ચર પડવા માડ્યાં. બંને વચ્ચે નાની નાની વાતે ઝઘડા શરૂ થયા. રાજુ વહેલી સવારે 5 વાગ્યે નોકરી પર જતો હતો, એટલે રાજુ શરુઆતમાં ટિફિન લીધા વગર જતો હતો અને કરિશ્માને કંઈ કહેતો નહોતો, પરંતુ પછીથી તેની અંદરનો પતિ જાગી ગયો.

રાજુએ કરિશ્માને કહ્યું, ‘હું રોજ સવારે વહેલો નોકરીએ જાઉં છું. આપણા નિકાહ થઇ ગયા છે, તોય મારે રોજ બહાર જમવું પડે છે. તું મને ટિફિન બનાવી આપ.’

કરિશ્માએ કહ્યું કે ‘તારે પાંચ વાગ્યે જવાનું હોય તો મારે સવારે ચાર વાગ્યે ઊઠીને રસોઈ કરવી પડે. પછી મારે ઘર સંભાળવાનું, છોકરાં સાચવવાનાં ને મારેય નોકરી છે. આટલા વહેલા ઊઠીને તો રસોઈ બનાવવાનું મારા માટે મુમકિન જ નથી.’

બસ, આ ટિફિનની બાબતને લઇને બંને વચ્ચે ઝઘડાની ચિનગારી ફૂટી, તે ઘરના અલગ અલગ કામોમાં પણ ફેલાઈ. સમય જતાં ઝઘડા વધવા લાગ્યા.

ત્યાં રાજુને શંકા ગઇ કે કરિશ્માનું બીજા કોઈ સાથે અફેર ચાલતું લાગે છે, એટલે જ તેને મારામાંથી રસ ઊડી ગયો છે. કરિશ્માએ પણ રાજુના શંકાશીલ સ્વભાવથી ત્રાસીને તેને કહ્યા વગર બહાર જવાનું ચાલુ કરી દીધેલું.

આખરે કરિશ્મા ગળે આવી ગઈ. ડિસેમ્બર, 2024માં કરિશ્માએ રાજુને કહી દીધું,‘તું હવે બીજે ક્યાંક રહેવા જતો રહે. મારે તારી સાથે નથી રહેવું.’

તલાકશુદા કરિશ્મા જૂના પતિ સાથે ફરીથી લગ્ન કરવાની હતી?

આ સમયગાળામાં બીજી એક ઘટના પણ બની. કરિશ્માના ભૂતપૂર્વ પતિ અઝીઝની માતાનું અવસાન થયું. જૂના સંબંધના નાતે કરિશ્મા અઝીઝના ઘરે ખરખરો કરવા ગઈ. તેના પરિવારને મળી. જૂના સંબંધો તાજા થયા. અઝીઝ અને કરિશ્માના બે દીકરાને કરિશ્માએ મદરેસામાં રાખ્યાં હતાં, જ્યારે એક દીકરીને કરિશ્માએ પોતાની બહેનના ઘરે મોકલી આપી હતી. અઝીઝ ખાનના મોટાભાઈ દિવ્ય ભાસ્કરને કહે છે, ‘વાતવાતમાં કરિશ્માએ કહ્યું કે અઝીઝને અને તમને લોકોને વાંધો ન હોય તો મારે ફરીથી તમારી સાથે રહેવું છે, તો બચ્ચાંલોગને પણ સાથે રાખી શકાય.’ આટલા સમયમાં અઝીઝ પણ કરિશ્માને અને પોતાનાં સંતાનોને મિસ કરતો હશે એટલે તેણે પણ ભૂતકાળના બધા ઝઘડા ભૂલીને કરિશ્મા સાથે નવેસરથી નવું જીવન ગુજારવાનું નક્કી કરી લીધું. બંને ફરી નિકાહ કરવાનાં હતાં, એટલે જ કરિશ્માએ રાજુએ ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું.

પોલીસ ગિરફ્તમાં આરોપી રાજુ શિંદે.
પોલીસ ગિરફ્તમાં આરોપી રાજુ શિંદે.

‘હું કરિશ્માને કોઈ કાળે નહીં છોડું’

પરંતુ રાજુ કોઈ કાળે કરિશ્માને છોડવા તૈયાર નહોતો. તેણે કરિશ્માની સાથે જ રહેવું હતું. તેને તો પત્નીની સાથે ઘર પણ મળતું હતું, એટલે તેણે કરિશ્માને બહાનું બતાવ્યું કે ‘મેં તારા ઘરમાં જે 50 હજારનો સામાન વસાવ્યો છે તેના બધા રૂપિયા મને પાછા આપી દે, તો હું તારા ઘરમાંથી નીકળી જાઉં.’ તેને એમ કે કરિશ્મા આટલા રૂપિયા ક્યાંથી લાવવાની? પરંતુ રાજુના આઘાત વચ્ચે અઝીઝે કરિશ્માને 50 હજાર રૂપિયા આપી દીધા, જે કરિશ્માએ રાજુના મોં પર મારી દીધા અને કહી દીધું કે જતો રહે અહીંથી, ને હવે કદી તારું મોં ન બતાવતો.

રૂપિયા મળી જતાં રાજુ ઘરમાંથી બહાર તો નીકળી ગયો, પરંતુ એને કરિશ્મા પર અને તેના પતિ અઝીઝ પર ખૂબ ગુસ્સો હતો. તેનો ઇગો બરાબરનો હર્ટ થયો હતો. તેણે વિચાર્યું કે આ અઝીઝ જ મારી અને કરિશ્માની વચ્ચે કબાબમાં હડ્ડી બનીને આવી ગયો છે. તેનો કાંટો કાઢી નાખવો પડશે.

ચાર કલાક રાહ જોઇ, ને પછી ગળું કાપી નાખ્યું

સમયઃ રાત્રે 8-9 વાગ્યાનો.

નરોડા-પાટિયા તરફ જમવા જતા રાજુએ સામેથી અઝીઝને બાઇક પર આવતો જોયો. તેને ખબર પડી ગઈ કે તે કરિશ્માના જ ઘરે જશે. ઘરે કોઈ છોકરાં નથી, એટલે અત્યારે કરિશ્મા એકલી હશે. એટલે નક્કી કરિશ્મા અને અઝીઝ બંને... એક જ પલંગમાં કરિશ્મા અને અઝીઝને ઇમેજિન કરીને રાજુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ સીધો જ ઘરે જઇને છરી લઈ આવ્યો અને રસ્તા વચ્ચે ઊભો રહીને અઝીઝના પાછા આવવાની રાહ જોવા માંડ્યો

રાત્રે 12 વાગ્યા પછી વટવાથી નરોડા જતા રસ્તે કેનાલ પાસે રાજુએ અઝીઝને આવતો જોઇને તેણે રોક્યો અને સોલર પેનલ લગાવવાનું બહાનું કાઢીને તેની બાઇકમાં બેઠો અને અધવચ્ચે લાગ જોઇને ચાલુ બાઇકે જ એનું ગળું કાપી નાખ્યું.

વટવાથી નરોડા જવાના રસ્તે આવતી કેનાલ, આ રસ્તા પાસે રાજુએ બાઈક પર જતા અઝીઝને ઊભો રાખ્યો હતો.
વટવાથી નરોડા જવાના રસ્તે આવતી કેનાલ, આ રસ્તા પાસે રાજુએ બાઈક પર જતા અઝીઝને ઊભો રાખ્યો હતો.

‘રમજાન પછી તમારાં બંનેનાં ફરીથી નિકાહ કરાવી આપીશું’

કશા જ દેખીતા કારણ વિના, માત્ર ઇર્ષ્યા ભાવનાથી પોતાના ઘરનો જુવાનજોધ દીકરો અને ત્રણ બાળકોનો પિતા ગુમાવનારા અઝીઝના પરિવાર સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી. અઝીઝના મોટાભાઈ સાબીર ખાન કહે છે, ‘કરિશ્મા સાથે તલાક થયા, એ પછી અઝીઝ અમારી સાથે જ રહેતો હતો. જ્યારે કરિશ્મા રાજુ શિંદે નામના એક માણસ સાથે રહેતી હતી. અઝીઝની હત્યા થઇ તેના 20 દિવસ પહેલાં કરિશ્મા અહીં આવેલી. એણે અમને કહ્યું કે મારે હવે રાજુ સાથે નથી રહેવું. મારે ફરીથી મારાં બાળકોના પિતા અઝીઝ સાથે રહેવું છે. અમે વિચાર્યું કે, જો કરિશ્મા ફરી પાછી આવી જાય અને બાળકો સાથે અઝીઝની પણ જિંદગી સુધરતી હોય તો ઉપરવાળાની મહેર થાય. અમે તેને હા પાડી અને કહ્યું કે, રમજાન બાદ તમારાં ફરીથી નિકાહ કરાવી આપીશું.’

‘અઝીઝ દારુ પીને રડ્યા કરતો ને કરિશ્માને યાદ કરતો’

સાબીરભાઈ આગળ કહે છે, ‘કરિશ્મા ગઈ પછી અઝીઝ એક-બે વાર કરિશ્માના વટવા ખાતે આવેલા ઘરે ગયો હતો, જે માટે અમે એને ટોક્યો હતો કે હવે તમારા તલાક થઇ ગયા છે, તો શા માટે જાય છે? તું હવે એને એનું જીવન જીવવા દે. પરંતુ અઝીઝ દારુ પીને રડ્યા કરતો ને કરિશ્માને યાદ કરતો રહેતો. પરંતુ જ્યારે કરિશ્મા પાછી મળી ત્યારે એના ચહેરા પર ફરીથી ખુશી આવી ગઈ હતી. જ્યારે અઝીઝની હત્યા થઈ ત્યારે કરિશ્મા પોલીસની પૂછપરછ બાદ બે દિવસ પછી અમારા ઘરે આવી હતી, ત્યારે અમે તેને સાફ શબ્દોમાં પૂછ્યું હતું કે, આ બનાવમાં તારો કોઈ હાથ છે ખરો? ત્યારે તેણે ના પાડી કે ના, મારો આમાં કોઈ હાથ નથી. મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આવું કંઇક થઈ જશે. પછી તે તેના પિયર બહીયલ જતી રહી અને બાદમાં ફરી તે તેના જુના ઘરે વટવા રહેવા જતી રહી.’

‘રમજાનમાં જ એ રાજુએ મારા ભાઇને હલાલ કરી નાખ્યો’

જે રાત્રે અઝીઝની હત્યા થઈ એ દિવસે શું બન્યું હતું. એ વિશે અમે અઝીઝના પરિવારજનો વચ્ચે સવાલ વહેતો કર્યો. ફરીથી ઘરના વડીલ એવા સાબીર ખાને જ વાતનો દોર સંભાળ્યો. તેઓ કહે, ‘માર્ચ મહીનો એટલે અમારા મુસ્લિમો માટે રમજાનનો પવિત્ર મહિનો. 2 માર્ચ 2025ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ અઝીઝ અહીં અમારા નરોડાના ઘરેથી નીકળીને કરિશ્મા અને તેનાં બાળકોને કપડાં અને રૂપિયા આપવા વટવા ગયો હતો. તેમને મળીને રાત્રે 11 વાગ્યાની આસપાસ અહીં પાછો આવવા નીકળ્યો હતો. પરંતુ એ કમીનો રાજુ રસ્તામાં જ મારા ભાઈને ભટકાઈ ગયો.’

તમને તમારા ભાઈ સાથે આવું બની ગયું છે તેની ક્યારે ખબર પડી? સાબીર ભાઈ કહે, ‘રાત્રે દોઢ વાગ્યાની આસપાસ મારા ઘરે પોલીસ આવી અને મને ઉઠાડીને કહ્યું કે, તમારા નાના ભાઈ અઝીઝ ખાનની બાબતે ઈસનપુર પોલીસ તમને કેડીલા બ્રિજ પાસે ઘોડાસરમાં બોલાવે છે. અમે સૌ ડરી ગયા. હું તાત્કાલિક પોલીસ સાથે ઘોડાસર જવા રવાના થયો. રસ્તામાં મને મારા નાના ભાઈના હત્યા થઈ છે એવી કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. રસ્તામાં મેં પોલીસને ઘણું પૂછ્યું, પણ એ લોકોએ એક જ રટણ ચાલુ રાખ્યું કે કોઈ કેસ બાબતે બોલાવ્યા છે, વધુ ડિટેલ તો સાહેબને ખબર. આખરે મને ઘટના સ્થળે લઈ જવાયો. સ્વાભાવિક વાત છે કે, તરત તો તેઓ મને કહે નહીં કે, તમારા ભાઈની કોઇએ હત્યા કરી નાખી છે.’

‘હત્યારાએ મારા ભાઇનું આખેઆખું ગળું ચીરી નાખ્યું હતું’

સાબીરભાઇની આંખ સામે એ રાતનું ભયાનક દૃશ્ય તરવરી ઊઠ્યું, ‘ઘોડાસર પહોંચતાં કેડિલા બ્રિજ પાસે આવેલા BRTS મેઈન રોડથી ડાબી બાજુ અંદર જતા કાચા રોડ પર અંધારામાં મને લઈ ગયા. ત્યાં પોલીસની 10-12 ગાડીઓ ઊભી હતી, અને કપડું ઢાંકેલી હાલતમાં એક લાશ પડી હતી. મને તેની નજીક લઈ જઇને કપડું હટાવીને પોલીસે મને પૂછ્યું કે, આ ભાઈ કોણ છે? હું લાશ જોઇને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એ લાશ મારા નાના ભાઈ અઝીઝની હતી. સાહેબ, એનું ગળું આખેઆખું ચીરી નાખ્યું હતું. અંદરથી બધું માંસ બહાર દેખાતું હતું. આજે પણ એ યાદ આવે છે ને મારી આંખોમાં આંસુ આવી જાય છે.’

‘સાહેબ, રાજુને એવી કડકમાં કડક સજા કરાવો કે...’

થોડા સ્વસ્થ થઇને સાબીરભાઇ કહે છે, ‘મેં ઘરે જાણ કરવા માટે ફોન બહાર કાઢ્યો, ત્યારે પોલીસ મારો ફોન અંદર મુકાવી દીધો. મને કહ્યું કે, અત્યારે કોઇને જાણ ન કરશો. પછી મને પૂછ્યું કે, શું તમારો કે અઝીઝનો કોઈ દુશ્મન છે? મેં ના પાડી. પછી પૂછ્યું કે, તમને કોઇના પર શંકા ખરી? તો મેં જવાબ આપ્યો કે, આખો દિવસ તેની સાથે રહેતા હરતા-ફરતા ભાઈબંધોને ખબર હશે. એટલે મેં અઝીઝનો એક મિત્ર જે નજીકમાં બોમ્બે હોટેલ પાસે રહે છે, તેની જાણકારી આપી. પોલીસ મને તેના ઘરે લઈ ગઈ. પરંતુ તે ઘરે મળ્યો નહીં. પછી શંકાના દાયરામાં અમારા ઘરની બે વ્યક્તિઓની પણ પોલીસે અટકાયત કરી હતી, પરંતુ તેમાં કંઈ મળ્યું નહીં. એ પછી મેં અઝીઝની પહેલી પત્ની વિશે જાણકારી આપી, તો પોલીસ વટવાથી કરિશ્માને ઉઠાવી લાવી. તેની પૂછપરછ કરી, તો પોલીસને રાજુ શિંદેની ખબર પડી. તરત જ પોલીસ રાજુને તેના ઘરેથી ઉપાડી લાવી. પોલીસની તપાસમાં રાજુએ કરિશ્માને ફરીથી પામવા માટે અઝીઝની હત્યા કરી હતી તેવી અમને જાણ થઈ. અમારી માગ છે કે, અમારા ભાઈ અઝીઝની હત્યાના આરોપી રાજુ શિંદેને કડકમાં સજા થાય...’

‘ગુનો કબૂલ્યા પછીયે હત્યારાના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો નહોતો’

PI બી. એસ. જાડેજા કહે છે, ‘વહેલી સવારે અમે નરોડાથી રાજુને ઉઠાવી લાવ્યા. શરૂઆતમાં તો રાજુએ ગલ્લાંતલ્લાં કર્યાં, પરંતુ અમે જે CCTV ફૂટેજ કબજે કર્યા હતા, એમાં દેખાતી શંકાસ્પદ વ્યક્તિની ચાલ અને રાજુની ચાલ એક જેવી જ દેખાતી હતી. એટલે અમારી શંકા વધુ પ્રબળ બની. પછી અમે અમારી રીતે કડક ભાષામાં પૂછપરછ કરતાં રાજુ ભાંગી પડ્યો અને પોપટની જેમ આખો ગુનો કબૂલ કરી લીધો. તેના નરોડાવાળા ઘરેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ મળી આવી. ફાઇનલી, રાજુને જેલ હવાલે કર્યો હતો. ઠંડા કલેજે અઝીઝનું ગળું વેતરી નાખ્યું હોવા છતાં પકડાયો ત્યારે રાજુના ચહેરા પર કોઇ જ અફસોસ દેખાતો નહોતો.’

‘અઝીઝ એક નંબરનો નશેડી હતો’

આ પેચીદા કેસમાં જેના માટે અઝીઝની હત્યા થઇ તે કરિશ્માબાનુનો પક્ષ જાણવો પણ જરૂરી હતો, જેથી અમે તેમનો સંપર્ક કર્યો. તેમણે મળવાની ના પાડી, જોકે ટેલિફોનિક વાતચીતનો જ આગ્રહ રાખ્યો. કરિશ્મા કહે, ‘આ બનાવ બન્યા પછી હું ખૂબ જ હેરાન-પરેશાન થઈ છું. હાલમાં હું મારાં ત્રણ બાળકો સાથે વટવામાં એકલી રહું છું. પિયર ગામડે હોવાથી ત્યાં કોઈ આવકનું સાધન નથી, જેથી અમદાવાદમાં એકલી રહીને મારાં છોકરાંઓનું પેટ ભરું છું.’

અમે કરિશ્માને સવાલ કર્યો કે, સવારે પાંચ વાગ્યે ટિફિન બનાવવાની બાબત પર ઝઘડા થતા હતા એવું અમને જાણવા મળ્યું છે, શું આ વાત સાચી છે? જેના પર કરિશ્માએ જવાબ આપતાં કહ્યું, ‘આવી કોઈ વાત નથી. દરેક ઘરમાં કોઈ ને કોઈ બાબતે અનબન તો થયા જ કરે, ઘરમાં વાસણ હોય તો ખખડે પણ ખરાં.’

‘એકવાર તો એ છરો લઇને મને મારવા આવેલો!’

અમે પૂછ્યું, ‘તમે રાજુ સાથે રહેતાં હતાં તો પછી કેમ તમારે ફરી પાછું અઝીઝ જોડે જવું પડ્યું?

જવાબમાં કરિશ્મા કહે, ‘મેં મારા પહેલા પતિ અઝીઝ સાથે 14-15 વર્ષ વિતાવ્યાં. અઝીઝ ખૂબ જ નશો કરતો હતો. રોજ કોઈ ને કોઈ નશામાં જ પડ્યો રહેતો હતો. એકેય એવો નશો નહીં હોય જે તેણે ન કર્યો હોય. ઘરમાં પણ ધ્યાન નહોતો આપતો. પત્ની અને બાળકોને શું જોઈએ તેનું પણ કશું ભાન નહોતું. નશો કરીને આવે ત્યારે મને મારે, હું છોરાં માટે કમાઈને આવું તો તે રૂપિયા લઈ લેતો હતો. હું પછી ઘર ચલાવું? બાળકોને સંભાળું? કે પછી શું કરું? જેથી હું તેનાથી કંટાળી ગઈ હતી. અઝીઝની ખરાબ આદતોના કારણે તેના ઘરના લોકો પણ તેને નહોતા બોલાવતાં. પરંતુ મેં છેક સુધી અઝીઝનો સાથ આપ્યો. મને એવું હતું કે અઝીઝ આજે નહીં તો કાલે સુધરી જશે, પરંતુ તેમનો નશો સમય જતાં વધતો જ ગયો. અમે નરોડા પાટિયાવાળા ઘરમાં એકલાં રહેતાં હતાં ત્યારે તે મને ચાકુ લઈને મારવા પણ આવ્યો હતો. પછી મારા જેઠને કહ્યું તો તેમણે કહ્યું કે તમારે તેની સાથે જે કરવું હોય એ કરો, અમે ખુદ તેનાથી પરેશાન થઈ ગયા છીએ.’

‘અગર તૂ મેરે સાથ નહીં આઈ, તો ઇસકા અંજામ તુ દેખેગી’

છતાં તમે તેની સાથે ફરીથી રહેવાનું નક્કી કર્યું? કરિશ્મા કહે, ‘અઝીઝને તલાક આપ્યા બાદ અને રાજુ જોડે મારું જીવન સેટ થઈ ગયા બાદ એક વખત અઝીઝનો મારી પર ફોન આવ્યો અને મને બધું પૂછવા લાગ્યો કે તું શું કરે છે? ક્યાં રહે છે? એટલે મેં બધું ભોળા ભાવે કહી દીધું કે, મેં બીજાં લગ્ન કરી લીધાં છે અને હું મારા જીવનમાં ખુશ છું. હવે તમે પણ કોઈ જગ્યાએ સારું પાત્ર જોઈને બીજા નિકાહ કરી લો. જો તમે પહેલા જ સુધરી ગયા હોત તો મારે તલાકનું પગલું ન ભરવું પડ્યું હોત, પણ અઝીઝ મને ફરી તેની સાથે લઈ જવા માટે ફોર્સ કરતો હતો. એકવાર તો અઝીઝે મને ધમકી આપી હતી કે તારે કોઈપણ હાલતમાં મારી સાથે આવવું પડશે. ‘અગર તૂ મેરે સાથ નહીં આઈ તો ઈસકા અંજામ તૂ દેખેગી’. એનાથી કોઈ બનાવ બની જાય, એ કંઇક કરી બેસે, તો નુકસાન તો મને જ હતું ને, કારણ કે રાજુ અને અઝીઝ બંને મારા હતા, એટલે મેં ફરી અઝીઝ સાથે જવાનું વિચાર્યું.’

‘રાજુએ મારાં સંતાનોને તેના બાપની કમી મહેસૂસ થવા નથી દીધી’

અઝીઝની હત્યા કરનારા પોતાના બીજા પતિ રાજુને ક્લીન ચિટ આપતાં કરિશ્મા કહે છે, ‘રાજુ સારો માણસ છે. તેને કોઈપણ પ્રકારનો નશો નથી. મારાં ત્રણેય બાળકોને પણ સગા પિતા કરતાં પણ વધુ પ્રેમ આપ્યો છે. ક્યારેય પિતાની કમી મહેસૂસ નથી થવા દીધી, પરંતુ અઝીઝ મને વારંવાર ધમકી આપતો હતો અને આ વાત ફક્ત હું અને અઝીઝ જ જાણતા હતા, એટલે મારે મજબૂરીમાં તેની સાથે જવાનું નક્કી કરવું પડ્યું. હાલમાં હું મારાં બાળકો સાથે એકલી રહું છું અને અત્યારે ત્રીજા નિકાહ કરવાનો કોઈ જ વિચાર નથી.’

અત્યારે રાજુ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. પોલીસે અઝીઝની પત્ની કરિશ્માબાનુની પૂછપરછ કરી, પણ હત્યામાં તેની કોઇપણ જાતની સંડોવણી બહાર આવી નહોતી. બલકે, તેને તો પતિ, બાળકો અને પરિવાર સાથે રહેવાની ખુશી હતી. રાજુ અઝીઝની હત્યા કરીને જેલભેગો થઇ ગયો, એટલે કરિશ્મા અને તેનાં બાળકો ફરીથી નોધારાં થઇ ગયાં.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links