- Gujarati News
- Bhaskar khaas
- Laal ishq
- Dalit Son in law Was Raped In Front Of His Daughter
લાલ ઇશ્ક-5દીકરીની નજર સામે જ દલિત જમાઇને રહેંસી નાખ્યો:પોલીસ ગાડી છોડીને ઊભી પૂંછડીએ ભાગી છૂટી, સમગ્ર ગુજરાતને હચમચાવતો કિસ્સો
- કૉપી લિંક

તારીખઃ 8 જુલાઈ, 2019
સમયઃ બપોરે 2:30 વાગ્યે.
ગામઃ વરમોર, તાલુકોઃ માંડલ, જિલ્લોઃ અમદાવાદ ગ્રામ્ય.
‘હેલો, અભયમ ટીમ?’
‘યસ્સ, ભાવિકાબેન ભગોરા હિયર.’
‘ભાવિકાબેન, એક ઇન્ટરકાસ્ટ મેરેજનો કેસ આવ્યો છે. કચ્છના એક અરજદાર હરેશભાઇ સોલંકીનાં પત્ની ઉર્મિલાબેનને તેમના પરિવારજનો સાસરેથી લઈ ગયાં છે અને પરત મોકલતા નથી. અરજદાર ત્યાં આવવા નીકળી ગયા છે. તમે માંડલ પાસે વરમોરા ગામે છોકરીના પરિવારને સમજાવવા માટે પહોંચો.’
***
સમયઃ તે જ દિવસે સાંજે 5:30 વાગ્યે.
માંડલ બસ સ્ટેન્ડથી ‘અભયમ’ની ગાડી અરજદાર હરેશ સોલંકી, અભયમ ટીમનાં કાઉન્સેલર ભાવિકાબેન ભગોરા, એક મહિલા પોલીસ કર્મચારી અને ડ્રાઇવર સાથે રવાના થઇ. થોડીવારમાં અભયમની ટીમ ઉર્મિલાના ઘરે પહોંચીને તેમની સાથે શાંતિપૂર્વક વાતચીત ચાલુ કરીઃ
‘જુઓ દશરથભાઈ, દીકરી પુખ્ત વયની છે. છોકરા-છોકરી બંનેએ પરસ્પર સંમતિથી લગ્ન કર્યાં છે. છોકરી એક મહિનો સાસરે રહી આવી છે. બંને એકબીજા સાથે સુખી છે. તો મોટું મન રાખો, ને આશીર્વાદ આપો. અત્યારે આપણે 21મી સદીમાં આવી જાત-પાતની વાતો કરીએ એ સારું ન કહેવાય. છોકરીના ભવિષ્યનું પણ વિચારો… છોકરો અમારી સાથે બહાર પોલીસની ગાડીમાં જ બેઠો છે. તમે હા પાડો તો એને બોલાવું, બંનેને આશીર્વાદ આપો અને દીકરીને સાસરે વળાવી દો.’

દીકરી ઉર્મિલાના પિતા દશરથસિંહ નીચું જોઇને માથું ધુણાવતા રહ્યા. પરંતુ ત્યાં બેસીને બધું સાંભળી રહેલો ઉર્મિલાનો ભાઈ ઈન્દ્રજીતસિંહ બહાર ગયો અને ફરી પાછો આવી ગયો.
દશરથસિંહે કહ્યું, ‘જુઓ બેન, આમાં જ્ઞાતિમાં અમારું બહુ નીચાજોણું થયું છે. અમને એક મહિનાનો સમય આપો. સમાજના વડીલોને પૂછીને પછી નક્કી કરીએ. બધા ખુશ થતા હોય તો અમને સમાધાન કરવામાં વાંધો નથી, પણ એક મહિનો આપો.’
આ રીતે સુખદ સમાધાનની આશાએ સાંજે લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ અભયમની ટીમ ઘરની બહાર નીકળી. જેવા તે લોકો ગાડી પાસે પહોંચ્યાં તે સાથે જ ક્યાંકથી આઠેક લોકો લાકડીઓ, તલવાર, ધારિયું લઇને ધસી આવ્યા. પોલીસની ગાડીની આગળ ટ્રેક્ટર, બાઇકો મૂકીને રસ્તો બંધ કરી દીધો. અભયમની ટીમને ધક્કો મારીને પછાડી દીધી અને કારનો આગળનો કાચ ફોડી નાખ્યો.

હુમલાખોરો પોલીસની હાજરીમાં હરેશને કારમાંથી ખેંચીને તેના પર તૂટી પડ્યા
હુમલાખોરોએ ખેંચીને કારની અંદર બેઠેલા હરેશ સોલંકીને બહાર કાઢ્યો. ત્યાં તો ઘરમાંથી છોકરીના પિતા દશરથસિંહ, તેનો ભાઈ ઇન્દ્રજીત અને અન્ય સંબંધી પુરુષો હરેશ પર તૂટી પડ્યા.
‘સ્સા… અમારી દીકરીને ભગાડી ગયો? નીચી જાતનો થઇને અમારી ઇજ્જત પર હાથ નાખ્યો? મારી નાખો સાલાને, આજે છોડતા નહીં…’ આવું બોલીને દશરથસિંહે હરેશને માથામાં ધારિયું ઝીંકી દીધું. ઉર્મિલાના ભાઇ ઇન્દ્રજીત ઉર્ફે ‘કાના’એ હરેશના ગળા પર છરાથી એક પછી એક વાર કરવા માંડ્યા. બાકીના લોકો લાકડીઓ લઇ લઇને હરેશને આડેધડ મારી રહ્યા હતા. હરેશે થોડીવાર ‘બચાવો… બચાવો…’ની બૂમો પાડી, ને થોડી વારે શાંત થઇ ગયો.
‘ધડક’ ફિલ્મ જેવો લોહિયાળ કિસ્સો ગુજરાતમાં થયો
કેલેન્ડર પ્રમાણે આપણે ભલે 2026માં પહોંચી ગયા હોઇએ, પરંતુ જાત-પાત, છૂત-અછૂત, ઊંચી કોમ-નીચી કોમ વગેરેની વાડાબંધી આજે પણ એટલી જ જડબેસલાક છે. ક્યારેક ધર્મથી પણ વધુ ઊંડાં મૂળિયાં જાતિ અને કોમનાં હોય છે. તેને લઇને જ એવી લોહિયાળ હત્યાઓ થતી રહે છે, જે આપણને આપણા વિશે નવેસરથી વિચારવા પર મજબૂર કરી દે છે. આજે ‘લાલ ઇશ્ક’ના પાંચમા અને છેલ્લા એપિસોડમાં આપણે આજથી છ વર્ષ પહેલાં અમદાવાદની નજીક જ બનેલા એવા લોહિયાળ ઘટનાક્રમ વિશે વાત કરવાની છે, જે ફિલ્મી પડદે દેખાતી ‘ધડક’ કે ‘સૈરાટ’ જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દે. આ ઘટનાના પડઘા ગુજરાત સહીત દેશભરમાં પડ્યા હતા અને ગુજરાતની વિધાનસભાથી લઈને દેશની સંસદ સુધી આની ચર્ચા થઈ હતી. એ ઘટનાક્રમ વિશે ડિટેલમાં જાણીએ અને આશા રાખીએ કે એવી ઘટનાઓ હવે ભવિષ્યમાં ક્યારેય રિપીટ ન થાય.
અભયમની ટીમે પણ જીવ બચાવવા ભાગી છૂટવું પડ્યું
સેંકડો લોકોની હાજરીમાં ઉર્મિલાના પિતા-ભાઇ અને અન્ય સંબંધીઓએ નિર્દોષ હરેશ સોલંકીને પોલીસની હાજરીમાં રહેંસી નાખ્યો. એમના પર રીતસર શેતાન સવાર થઇ ગયો હતો. આ હુમલાથી હેબતાઈ ગયેલી ‘અભયમ’ની ટીમે પણ જીવ બચાવવા માટે ઘટનાસ્થળેથી ભાગી છૂટવું પડ્યું. તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ અને 15 મિનિટમાં માંડલ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો. પોલીસ પહોંચી ત્યારે હરેશ સોલંકીનો ચૂંથાયેલો દેહ લોહીના ખાબોચિયામાં નિષ્પ્રાણ હાલતમાં પડ્યો હતો. પોલીસે લાશ કબજે કરી અને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી.
કોઇપણ સભ્ય માણસને થથરાવી મૂકે તેવી આ ઘટના ‘181 અભયમ’ની ટીમની હાજરીમાં જ બની હતી, એટલે તેની FIRમાં અભયમની ટીમમાં જ ફરજ કાઉન્સેલર તરીકે ફરજ બજાવતાં ભાવિકાબેન ભગોરા ફરિયાદી બન્યાં હતાં. અલબત્ત, આજે તો ભાવિકાબેને તે નોકરી છોડી દીધી છે અને કોઈ પ્રાઇવેટ જોબ કરે છે. પરંતુ દિવ્ય ભાસ્કરની ટીમે તેમની FIR મેળવી ત્યારે તેમાં ખોફનાક વર્ણન વાંચવા મળ્યું.

‘લોકો ધારિયાં, તલવાર, લાકડીઓ લઇને ધસી આવ્યા’
FIRમાં ભાવિકાબેને લખાવેલું, ‘મારું પોસ્ટિંગ ચાંગોદર પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્યમાં હતું. 8 જુલાઈ 2019ના રોજ કંટ્રોલ રૂમમાંથી અમને વર્ધી મળી કે મૂળ ગાંધીધામના અરજદાર હરેશભાઇ સોલંકીએ ફરિયાદ લખાવી છે કે તેનાં પત્ની ઉર્મિલાબેન બે મહિનાનાં પ્રેગ્નન્ટ છે. તેનાં પિયરિયાં બે મહિનાથી તેને લઇ ગયાં છે અને હવે તેને પાછી મોકલતાં નથી. હરેશભાઇનું કહેવું છે કે એમના સસરા દશરથસિંહ તેને કહે છે કે અહીં વરમોર આવીને લઈ જાઓ. આથી, હરેશભાઇએ અભયમને કૉલ કરીને વિનંતિ કરી કે, ‘તમે સાથે આવો અને મારા સસરા અને તેના પરિવારજનોને સમજાવો. મને ત્યાં એકલા જવામાં ડર લાગે છે. હું માંડલ બસ સ્ટેન્ડ આવું છું તમે પણ માંડલ બસ સ્ટેન્ડ આવો.’
‘હરેશને માંડલ બસ સ્ટેન્ડથી લઇને અભયમની ટીમ વરમોર ગામે તેની પત્ની ઉર્મિલાના ઘરે પહોંચી. પરિસ્થિતિ જોતાં અમે હરેશને ગાડીમાં જ બેસવાની સલાહ આપી. અમે ઉર્મિલાનાં માતા-પિતા, ભાઈ અને પરિવારજનોનું 15-20 મિનિટ સુધી કાઉન્સેલિંગ કર્યું. તેમણે એક મહિનાનો સમય માગ્યો અને સમાધાન માટે તૈયારી પણ બતાવી. પરંતુ સાંજે પોણા સાત વાગ્યાની આસપાસ અમે જેવાં ઘરની બહાર નીકળ્યાં ત્યાં તો અમુક લોકો ધારિયાં, તલવાર અને લાકડીઓ લઇને ધસી આવ્યા અને અભયમની ગાડી પર હુમલો કરી દીધો. હરેશને બહાર ખેંચીને તેને રહેંસી નાખ્યો. હુમલાખોરોમાં ઉર્મિલાના પિતા દશરથસિંહ, તેમનો દીકરો ઈન્દ્રજીતસિંહ અન્ય સંબંધીઓ હસમુખસિંહ, જયદીપસિંહ, અજયસિંહ, અનોપસિંહ, પરબતસિંહ તથા હરીશચંદ્રસિંહ સહિતના લોકો સામેલ હતા.’
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે 181-અભયમ નામની 27*7 ટૉલ-ફ્રી સેવા ચલાવવામાં આવે છે, જે ગુજરાત પોલીસની '1091 હૅલ્પલાઇન'ની પૂરક સેવા તરીકે કામ કરે છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં જબરદસ્ત ઉહાપોહ મચાવી દીધો. આધુનિક ગણાતા ગુજરાતમાં પોલીસની હાજરીમાં કોઈ દલિત યુવાનને આ રીતે રહેંસી નાખવામાં આવે તે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને કોમી એકતાની સામે ગંભીર સવાલો ઊભા કરનારું હતું.

ભાઈની હત્યા થઈ ગઈ, બહેન એક્સિડન્ટમાં મૃત્યુ પામી
હરેશ સોલંકીનો પરિવાર અત્યારે મહેસાણા જીલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના વરવાડા ગામે રહે છે. આ શૉકિંગ હત્યાકાંડ વિશે વધુ માહિતી લેવા માટે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ વરવાડા ગામે પહોંચ્યા અને મૃતક હરેશ સોલંકીના નાના ભાઈ સંજય સોલંકી સાથે વાતચીત કરી. સંજયભાઇ પારાવાર પીડા સાથે કહે છે, ‘મારા ભાઈની તો 2019માં હત્યા થઈ ગઈ. એક નાની બહેન હતી જે અકસ્માતમાં મૃત્યુ પામી. હાલમાં અમારા પરિવારમાં હું અને માતા-પિતા જ છીએ. મારા પિતા બીમાર રહે છે. વૃદ્ધ થઈ ગયા છે એટલે નોકરીએ નથી જઈ શકતા. મમ્મી તો ઘરકામ કરે છે. હું એકલો નોકરી કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. મારો ભાઈ હરેશ ઘરનો મોટો દીકરો હતો અને તેના પગાર પર અમારું ઘર ચાલતું હતું. મારો ભાઈ હતો ત્યાં સુધી અમને કોઈ વાંધો નહોતો. પરંતુ હાલમાં ઘરની તમામ જવાબદારી મારી ઉપર છે. મારા ભાઈની હત્યા થઈ ત્યારે અમે ખૂબ ખરાબ હાલતમાં હતાં. અમે ખાતાંપીતાં પણ નહોતાં. અમારા ઘરનો મોટો ભાઈ જતો રહ્યો હતો.’
સોશિયલ મીડિયા પર પ્રેમ થયો, દુનિયાને માફક ન આવ્યો
હરેશ અને ઉર્મિલા બંને એકબીજાનાં સંપર્કમાં કેવી રીતે આવેલાં?
2019ના અરસામાં અમે કચ્છના ગાંધીધામમાં રહેતાં હતાં. કારણ કે, મારા પપ્પાની પહેલેથી નોકરી ગાંધીધામમાં હતી, એટલે અમે ત્યાં સેટલ થયાં હતાં. ગાંધીધામમાં અમે ભાડાના મકાનમાં રહેતાં હતાં. મારા મોટા ભાઈ હરેશે આઠ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તે ગાંધીધામમાં જ એક લાકડાની કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. હરેશ અને ઉર્મિલા બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સંપર્કમાં આવ્યાં હતાં. ઉર્મિલા મહેસાણામાં કડી તાલુકાની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. મારો ભાઈ તેના સાહેબને અમુકવાર અમદાવાદ મૂકવા આવે ત્યારે કડીમાં ઉર્મિલાને મળવા જતો હતો.’

‘અમારી છોકરી પાછી આપી દો, નહીંતર જીવતા નહીં છોડીએ’
‘એક વખત ઘરમાં વાતવાતમાં હરેશે અમને ઉર્મિલા સાથે લગ્ન કરવાની વાત કહી.’ સંજયે પોતાના પરિવારમાં થોડા સમય માટે આવેલી એ ખુશીની પળો વિશે વાત કરતાં કહ્યું, ‘અમે છોકરી વિશે બધું જાણ્યું અને અમે અમારા ભાઈને સમજાવ્યો કે તારા પ્રેમની અમને કદર છે, પણ તું જ વિચાર, એ લોકો રાજપૂત છે, અને આપણે દલિત કહેવાઇએ. એટલે આપણે એમનામાં ન પડાય. તું લગ્ન કરવાનો વિચાર માંડી વાળ અને ઉર્મિલાને ભૂલી જા. પરંતુ હરેશે ઘરમાં અમને કહ્યું કે, ઉર્મિલા મારી સાથે છે. ઉર્મિલાએ મને ભરોસો અપાવ્યો છે કે, હું તને અને તારા પરિવારને કંઈ નહીં થવા દઉં. એટલે પછી હરેશ ઉર્મિલા સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. હરેશ અને ઉર્મિલાએ ફેબ્રુઆરી 2019માં ભાગીને લગ્ન કર્યાં હતાં. ભાગીને લગ્ન કર્યાં એટલે વકીલ મારફતે કોર્ટનો કાગળ એમના ઘરે મોલાવ્યો હતો. કોર્ટનો કાગળ મળ્યો એટલે તરત જ તેમાંથી સરનામું લઇને ઉર્મિલાના ઘરેથી કેટલાક લોકો અમારા ઘરે આવી ચડ્યા. એમને પોતાની છોકરી ક્યાં છે એ જાણવું હતું, પરંતુ અમારો ભાઈ ક્યાં હતો એની અમને જ ખબર નહોતી, તો અમે તેમને શું જવાબ આપીએ? એ 15 દિવસ સુધી ઉર્મિલાના ઘરના લોકો અમને ફોન પર અને રુબરુ સતત ધમકી આપતા રહ્યા કે, અમારી છોકરી અમને પરત આપી દો, નહીંતર તમને જીવતા નહીં છોડીએ.’

‘અમારા ઘરનું પાણી ન પીધું, ગ્લાસને પણ ન અડક્યા’
‘પંદરેક દિવસ પછી હરેશ અને ઉર્મિલા અમારા ગાંધીધામવાળા ઘરમાં રહેવા આવતાં રહ્યાં. ઉર્મિલા અમારા ઘરમાં ખૂબ જ સારી રીતે રહેતી હતી. તેને અમારા પ્રત્યે ક્યારેય જાતિવાદ જેવું કંઈ હતું નહીં. મારો ભાઈ હરેશ અને ઉર્મિલા બંને એક જ થાળીમાં જમતાં હતાં. ગાંધીધામ રહેવા આવ્યાં તેના એક મહિના પછી ઈકો કારમાં ઉર્મિલાના ઘરના 15 જેટલા લોકો ઉર્મિલાને લેવા આવ્યા હતા. જેમાં ઉર્મિલાના પિતા, તેનો ભાઈ, ભાઈના સસરા, સગા મામા અને બીજા અન્ય કૌટુંબિક લોકો હતા. ઘરમાં આવ્યા એટલે ઉર્મિલા તેના પિતાને જોઈને ભેટી પડી હતી. ઉર્મિલા તેના પિતાને ગળે મળીને સતત રડવા લાગી હતી. ઘરમાં એકદમ ભાવુક વાતાવરણ બની ગયું હતું. તેઓ ઘરમાં આવ્યા અને બધા બેઠા, પરંતુ ચા-પાણી કંઈ પીધું નહીં. અમે આગ્રહ કર્યો તો એમણે કહ્યું કે, સારું, બહારથી કંઇક ઠંડું લેતા આવો. સાથે એવું પણ બોલ્યા કે, પ્લાસ્ટિકના ગ્લાસ પણ લેતા આવજો. અમને સમજાઇ ગયું કે, આ લોકો અમારા ઘરનું ચા-પાણી નહીં પીવે, કે અમારા ઘરના ગ્લાસને પણ નહીં અડકે. એટલે પછી હું બહાર દુકાનેથી બધા માટે ઠંડું અને ગ્લાસ લઈને આવ્યો.’

‘અમે ઉર્મિલાને પાછી નહીં મોકલીએ, થતું હોય તે કરી લો’
‘ઉર્મિલાના ઘરના લોકોએ કહ્યું હતું કે, ઉર્મિલાનાં માતા તેના વગર બીમાર પડી ગયાં છે. અન્ય ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તમે ઉર્મિલાને અમારી સાથે મોકલો. અમે 10 દિવસ પછી તેને પરત મોકલી આપીશું. એ વખતે ઉર્મિલાના પપ્પા એવું બોલ્યા હતા, 11મા દિવસે ઉર્મિલાનો ભાઈ ઈન્દ્રજીતસિંહ પોતે આવીને મૂકી જશે. આવી રીતે ઈમોશનલ બ્લેકમેઇલ કરીને, જુઠ્ઠું બોલીને તેઓ ઉર્મિલાને લઈ ગયા હતા. ત્યારે મારા ભાઈ હરેશે કહ્યું હતું કે, તમે જેટલા 10 દિવસ રાખવાના છો, તેટલા દિવસ રોજેરોજ મારી ઉર્મિલા સાથે ફોન પર વાત કરાવજો. પરંતુ તેમણે ફોન પર વાત કરાવી નહીં અને ફોન સ્વિચ ઑફ કરી દીધો. છેક 11મા દિવસે તેના ભાઈએ ફોન ઉપાડ્યો. મારા ભાઈ હરેશે કહ્યું કે, તમે લોકોએ કેમ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, અમે લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા એટલે ફોન બંધ રહ્યો હશે. હવે લગ્ન પતી ગયાં છે એટલે ફોન ચાલુ કર્યો છે. પછી મારા ભાઈએ કહ્યું કે, તમે કહીને ગયા હતા કે, 10 દિવસ બાદ ઉર્મિલાને મૂકી જઈશું, તો પછી કેમ મૂકવા આવ્યા નહીં? તમારી વાતનું પાલન કરો અને ઉર્મિલાને ગાંધીધામ અમારા ઘરે મૂકવા આવો. ત્યારે તેના ભાઈએ એવો જવાબ આપ્યો કે, હાલમાં તો અમારાં મમ્મી તબિયત બરાબર નથી એટલે અમે ઉર્મિલાને અત્યારે મૂકવા નહીં આવીએ. પછી 2-4 દિવસ બાદ મારા ભાઈએ ફરી ફોન કર્યો ત્યારે તેમણે અમને ઘસીને ના પાડી દીધી કે, અમે ઉર્મિલાને તમારા ઘરે નહીં મોકલીએ. અમે તો તમને જુઠ્ઠું બોલીને જ ઉર્મિલાને લેવા માટે આવ્યા હતા. તે વખતે ફોન પર થોડી બોલાચાલી થઈ. પછી અમે ફોન ન કર્યો અને સીધાં પોલીસ સ્ટેશન ગયાં. ત્યાંથી અમને એક પોલીસકર્મીએ એવી સલાહ આપી કે, અમે ફરિયાદ તો લઈ જ લઈશું, પણ આ બાબતે તમે એક વાર કોઈ વકીલને પણ મળીને સલાહ-સૂચન લઈ લો, જેથી કરીને તમને અન્ય વિકલ્પો પણ મળી રહે.’

ત્રણ-ત્રણ સર્ચ વૉરન્ટનો કોઈ જવાબ ન આપ્યો
‘અમે અંજારનાં એક મહિલા વકીલની સલાહ લીધી, જેમાં તેમણે અમને સલાહ આપી કે, આ લોકોને કોર્ટમાંથી સર્ચ વૉરન્ટ મોકલવું પડશે. અમે વકીલની સલાહ મુજબ વકીલ દ્વારા ઉર્મિલાના ઘરે સર્ચ વૉરન્ટ મોકલ્યું. પહેલું સર્ચ વૉરન્ટ મોકલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. પછી થોડા દિવસ બાદ બીજું સર્ચ વોરન્ટ મોકલ્યું ત્યારે બીજા વૉરન્ટમાં પણ આ લોકોએ ઉર્મિલાને હાજર ન કરી. બાદમાં ત્રીજું વૉરન્ટ મોકલ્યું ત્યારે પણ આ લોકોએ કોઈ જવાબ ન આપ્યો અને ઉર્મિલાને હાજર ન કરી. પછી મારા ભાઇએ વકીલની સલાહ પર ‘181 અભયમ’ હેલ્પલાઇનમાં ફોન કર્યો. સમગ્ર કેસની વિગત અમે 181ને આપી અને કહ્યું કે, તમે ઉર્મિલાનો જવાબ લેતા આવો, ત્યારે પહેલી વખત ઉર્મિલાના ઘરે એટલે કે, માંડલ તાલુકાના વરમોર ગામે 181ની ગાડી ગઈ હતી. ત્યારે ફક્ત 181ની ટીમના લોકો ગયા હતા. અમારો ભાઈ હરેશ ત્યારે તેમની સાથે નહોતો ગયો. પહેલી વખતમાં ઉર્મિલાના પિતાએ 181ને એવો જવાબ આપ્યો કે, અમે હાલમાં ઉર્મિલાને નહીં મોકલીએ, પછી મોકલીશું. પહેલી વખતમાં 181ની ટીમની ઉર્મિલા સાથે મુલાકાત નહોતી થઈ. 181ની ટીમે પૂછ્યું પણ હતું કે, ઉર્મિલા ક્યાં છે? તેને બોલાવો. ત્યારે એના પપ્પાએ એવું કહ્યું હતું કે, ઉર્મિલા ઘરે નથી. અમારા સંબંધીના ઘરે બહાર ગઈ છે. આ લોકોએ 181ની ઉર્મિલા સાથે મુલાકાત પણ ન કારાવી અને ફોન પર વાત પણ ન કરાવી. જુઠ્ઠું બોલીને કોઈક જગ્યાએ સંતાડી દીધી. આ લોકો જાણી જોઈને ઉર્મિલાને 181ની ટીમની સામે ન લાવ્યા. જો ઉર્મિલા સામે આવી ગઈ હોત તો, તે તો કહી દેત કે, ‘મારે તો હરેશ સાથે જ રહેવું છે. ચલો, મને લઈ જાઓ…’ પહેલી વારમાં 181ની ટીમ ખાલી હાથે આવી અને અમને આ બધી વાત કરી.’
‘હરેશ, હું પ્રેગ્નન્ટ છું, તું આવીને મને લઈ જા’
‘પછી વકીલે અમને સલાહ આપી હતી કે, ચોથા વૉરન્ટ સુધી રાહ જોઈએ. કારણ કે, ચોથા વોરન્ટમાં હથિયારધારી પોલીસ ઘરે આવે એટલે એ લોકોને છોકરીને હાજર કરવી જ પડે, અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. પછી કોર્ટ છોકરીની મરજી પર અમારી પાસે મોકલી આપે. અમે ચોથું વૉરન્ટ મોકલવાની રાહ જોવાના હતા, પરંતુ ત્રીજું વૉરન્ટ મોકલ્યા બાદ ઉર્મિલાના ભાઈએ કહ્યું હતું કે, તું ગમે તેટલાં વૉરન્ટ મોકલ, અમે અમારી છોકરીને તમારા ઘરે નહીં મોકલીએ. છતાં અમે ચોથા વૉરન્ટની રાહ જોતાં હતાં, પરંતુ તે પહેલાં જ એકવાર અચાનક ઉર્મિલાનો મારા ભાઈ પર ફોન આવ્યો અને કહ્યું કે, ‘મારે ગર્ભ રહી ગયો છે, એટલે તમે મને આવીને લઈ જાઓ. મારા ઘરના લોકો તમને કંઈ જ નહીં કરે…’ આવું કહીને આ લોકોએ સામેથી મારા ભાઈને લેવા માટે બોલાવ્યો. હકીકતમાં ઉર્મિલાના પિતાએ ખોટી રીતે ઉર્મિલાને વિશ્વાસમાં લઈને ફોન કરાવ્યો અને ખોટું બોલાવડાવ્યું કે, ‘હા, તું હરેશને બોલાવ, હું એને કંઈ નહીં કરું…’

‘મારો દીકરો સાથે નહીં આવે, તમે ઉર્મિલાને લેતા આવો’
8 જુલાઈ 2019
સંજય પોતાની વીતકકથા આગળ વધારતાં કહે છે, ‘એ દિવસે મારો ભાઈ, મારાં મમ્મી અને એક સંબંધી બપોરે માંડલ તાલુકાના પોલીસ સ્ટેશન પાસે પહોંચ્યાં. ત્યાં જઇને મારા ભાઈએ 181ને ફોન કર્યો. માંડલ અમદાવાદ ગ્રામ્યમાં આવે, એટલે 181ની ગાડીને અમદાવાદથી આવતાં બે-અઢી કલાક થઈ ગયા. ત્યાં સુધી મારા ભાઈ ને બધાં માંડલમાં બેસી રહ્યાં. હું અને મારા પપ્પા તો અહીં ગાંધીધામમાં ઘરે જ હતા. બે-અઢી કલાક બાદ 181ની ગાડી આવી એટલે બધી હકીકત અમે તેમને જણાવી, ત્યારે 181વાળાએ એવું કહ્યું કે, તમારા છોકરા હરેશને અમારી સાથે આવવું પડશે. ત્યારે મારાં મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધું કે, મારો દીકરો તમારી સાથે નહીં આવે. મારા ભાઈએ પણ ચોખ્ખી ના પાડી દીધી કે, હું તમારી સાથે નહીં આવું અને કહ્યું કે, તમે ઉર્મિલાને લેતા આવો અથવા જવાબ લેતા આવો... ત્યારે લેડી પોલીસ અર્પિતાબેન એવું બોલ્યાં કે, ‘ના, તમારે સાથે આવવું જ પડશે, નિયમ છે.’ મારો ભાઈ નિયમ માનીને ગાડીમાં સાથે જવા માટે બેસી ગયો.. પરંતુ આવો કોઈ નિયમ જ નથી. જોકે જુઠ્ઠું બોલીને આ લોકો મારા ભાઈને 181 ગાડીમાં સાથે લઈ ગયા. આ 181ની ગાડીમાં ડ્રાઇવર, મહિલા પોલીસ અર્પિતાબેન, કાઉન્સિલર ભાવિકાબેન ભગોરા અને મારો ભાઈ, આ ચારેય 181 ગાડીમાં માંડલ પોલીસ સ્ટેશન પાસેથી સાંજે સાત કીલોમીટર દૂર આવેલા વરમોર ગામ જવા માટે નીકળ્યા... ત્યાં પહોંચ્યાં એટલે ભાવિકાબેન અને મહિલા પોલીસ અર્પિતાબેન બંને ઉર્મિલાના ઘરે ગયાં. મારો ભાઈ અને ડ્રાઈવર બંને ગાડીમાં બેસી રહ્યા. આ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે, હજી અમે હમણાં જ પહોંચ્યાં છીએ. પોલીસવાળાં બહેન અંદર ઘરમાં ગયાં છે. એ લોકો આવે એટલે પછી ફોન કરું. આ મારી મારા ભાઈ સાથેની છેલ્લી વાતચીત હતી. તે સમયે મારી પાસે જિઓનો કીપેડ વાળો ફોન હતો, જે બગડેલો હતો. એટલે અમુક વાર બંધ થઈ જતો હતો. એ રાત્રે હું ફોન ચાર્જિંગમાં મૂકવાનું પણ ભૂલી ગયો હતો. એ બનાવની રાત્રે મારાં મમ્મીએ મને ઘણા ફોન કર્યા પરંતુ મારો ફોન સ્વિચ ઑફ આવતો હતો. મારા ભાઈ અને મમ્મી સાથે અમારા એક સંબંધી કાકા સાથે ગયા હતા. તેમણે મારા મોટા પપ્પાને ફોન કર્યો. અને તેમણે પછી મને ફોન કર્યો.’
‘જલદી આવી જા, હરેશને તેનાં સાસરીવાળાંએ માર્યો છે’
‘9 જુલાઈ 2019ની સવારે જ્યારે 8 વાગ્યે હું નોકરી પર જઈને બેઠો જ હતો અને અડધો કલાક પછી મારા મોટા પપ્પાનો મારી પર ફોન આવ્યો અને કહ્યું કે, તું તાત્કાલિક ઘરે આવ. તારા ભાઈને તેના સાસરીવાળાઓએ થોડો માર્યો છે એટલે તેને પાટાપીંડી કરીને આપણા વતન વરવાડા ગામે લાવ્યા છીએ, એટલે તું અને તારા પપ્પા ઊંઝાના આપણા વરવાડા ગામડે પહોંચો. મારા ભાઈને મારી નાખ્યો છે એવું નહોતું કહ્યું. પછી અમે ગાંધીધામથી અહીં વરવાડા આવવા નીકળ્યા. અહીં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે, મારો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો. ત્યારે હું અને મારા પપ્પા ખૂબ રડ્યા હતા. લગભગ આઠ દિવસની અંદર પોલીસે તમામ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.’
પોલીસની હાજરીમાં હરેશની અંતિમક્રિયા કરવી પડી
‘બનાવની જાણ મારા મમ્મીને રાત્રે 8 વાગ્યે થઈ હતી. જ્યારે પોલીસે આવીને કહ્યું, ત્યારે મારાં મમ્મી સાથે આખી રાત પોલીસ બેસી રહી હતી. પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે મારા ભાઈની લાશ માંડલથી અંદાજે 100 કિલોમીટર દૂર ઊંઝા અમારા વતન લાવવામાં આવી. વચ્ચે એમ્બુલન્સમાં મારા ભાઈની લાશ તેની સાથે મારાં મમ્મી અને અમારા સંબંધી અને આગળ પોલીસની બે ગાડીઓ અને પાછળ પોલીસની બે ગાડીઓ હતી. જ્યાં સુધી હરેશની અંતિમક્રિયા ન થઈ ત્યાં સુધી પોલીસ અમારા ગામમાંથી હલી નહોતી.’
ઉર્મિલાને રૂમમાં પૂરી દીધી, ને બહાર હરેશને રહેંસી નાખ્યો
‘બનાવ બન્યાના 1 મહિના બાદ છોકરી ઉર્મિલાનો ફોન મારાં મમ્મી પર આવ્યો અને કહેવા લાગી કે, મમ્મી તમે આવો અને મને લઈ જાઓ, ત્યારે મારાં મમ્મીએ એવો જવાબ આપ્યો કે, તારે આવવું હોય તો તું તારી રીતે પોલીસને ફોન કર અને આવી જા. અમે કોઈ લેવા નહીં આવીએ. પરંતુ તે આવી નહીં. જોકે અમને ખ્યાલ આવી ગયો કે આ કેસની પતાવટ કરવા માટે આ બધી ચાલ રમી રહી છે. એવું પણ કહ્યું કે, આ આખા કેસમાં અમારી જમીન પણ વેચાઈ ગઈ. અમે ઘણા હેરાન થયાં. અમે કહ્યું કે, અમારો તો જીવતોજાગતો દીકરો જતો રહ્યો છે અમને કેવું થતું હશે! પછી મેં ઉર્મિલાને કહ્યું કે, જ્યારે બનાવ બન્યો ત્યારે તમે ક્યાં હતાં. તમે મારા ભાઇને બચાવવા કેમ વચ્ચે ન પડ્યાં? ત્યારે ઉર્મિલાએ જવાબ આપ્યો કે, મને ઉપરના રૂમમાં પૂરી કરી દીધી હતી અને નીચે આ બધો બનાવ બન્યો હતો, પછી હું કેવી રીતે બચાવું..? આવું કહીને થોડી વાર ઉર્મિલા રડી હતી.’

‘આ લોકોને ફાંસી થશે તોય મારો દીકરો થોડો પાછો આવવાનો છે?’
આ તબક્કે મૃતક હરેશનાં માતા સુશીલાબેન સાથે વાતચીત કરતાં તેઓ તેમના દીકરાને યાદ કરીને રડી પડ્યાં. બનાવની રાત વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ‘181માં પોલીસ સાથે ગયાં પછી હરેશ સાથે ફોન પર એક જ વાર વાત થઈ હતી અને કહ્યું હતું કે, ઉર્મિલાના ઘરની અંદર વાતચીત ચાલુ છે, પછી ફોન કરું. પરંતુ પછી લાંબો સમય થઈ ગયો છતાં મારા દીકરાનો ફોન આવ્યો જ નહીં. અમે ફોન કર્યો તો ફોન સ્વિચ ઑફ આવતો હતો. અમારા દિયર અમારી સાથે હતા. તેમને કોઇકે કહ્યું કે, વરમોર ગામમાં આવું થયું છે તમે બાને લઈને માંડલ પોલીસ સ્ટેશન લઈ જાઓ. ત્યાં ગયાં તો બહુ બધી પોલીસ ભેગી થયેલી હતી. મેં પૂછ્યું કે, મારા દીકરાને શું થયું છે? ત્યારે મને કોઈએ કંઈ કહ્યું નહીં. બધા ધરપત આપતા હતા કે બા, ચિંતા ના કરો, તમારા છોકરા ને કંઈ નથી થયું. મારી સાથે લેડીઝ પોલીસ સાથે રાખી અને રાત્રે 8 વાગ્યા પછી મને જાણ કરાઈ કે, બા તમારો છોકરો નથી રહ્યો... અમારું તો જીવવું હરામ થઈ ગયું હતું. મજૂરી કરીને બંને છોકરાને મોટા કર્યા હતા. મારા દીકરા વગર મારું જીવન બરબાદ થઈ ગયું છે. બીજા દિવસે ઘટના સ્થળે મને લઈ ગયા હતા. બનાવની આખી રાત મેં કેવી રીતે કાઢી તે તો હું શબ્દોમાં વર્ણન પણ ન કરી શકું, એવી મારી રાત નીકળી હતી. પોલીસવાળા મને નાસ્તો અને પાણી બધું આપતા હતા, પરંતુ મારા ગળેથી તો પાણી પણ નહોતું ઊતરતું. આ લોકોને ફાંસી થશે તો પણ મારો દીકરો તો હવે પરત આવવાનો નથી. આ લોકોને અમે આજીવન માફ નહીં કરીએ. મારા દીકરાએ તે છોકરીને પ્રેમ કર્યો પરંતુ તે છોકરીએ મારા છોકરાને પ્રેમ ન કર્યો, એના પિયર જઈને ફરી જઈ…’
જામીન માટે આરોપીઓ છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા
2019માં જ્યારે હરેશની સરાજાહેર હત્યા કરી દેવાઇ તેના ત્રણ મહિના પછી આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન મૂક્યા, જે રદ થયા. બાદમાં તેઓ હાઈકોર્ટ ગયા. ત્યાં પણ જામીન રદ થયા. ત્યારબાદ ચાર્જશીટ રજૂ થઈ, ત્યારે નીચલી કોર્ટમાંથી પાંચ આરોપીઓને જામીન મળ્યા. હત્યાના ચોથા મહિને પાંચ લોકો બહાર આવી ગયા હતા. તેના આધાર પર ત્રણ મહિના બાદ અન્ય ત્રણ લોકોને પણ જામીન મળી ગયા. પરંતુ તેની સામે હરેશના પરિવારજનો હાઈકોર્ટમાં ગયા અને તમામના જામીન રદ કરાવ્યા. બાદમાં આરોપીઓનાં સગાં એક આરોપીના જામીન માટે છેક સુપ્રીમ કોર્ટમાં સુધી ગયા હતા. પરંતુ સુપ્રીમે કડક વલણ અપનાવ્યું, એટલે આરોપીઓએ અન્ય લોકોના જામીન સુપ્રીમમાં ન મૂક્યા અને અત્યાર સુધી આ લોકો જેલમાં જ બંધ છે. હાલમાં કેસ નીચલી કોર્ટમાં ચાલે છે. મૃતક હરેશનો ભાઈ સંજય કહે છે, ‘મારી અને મમ્મીની જુબાની થઈ ગઈ છે. કેસનો ચુકાદો આવવાની તૈયારીમાં છે. આ લોકો અમને સમાધાન માટે ધમકી આપશે તો પણ અમે ડરવાના નથી. કોઈપણ ભોગે અમે આ લોકોને સજા કરાવીને રહીશું.’
દલિત હરેશ સોલંકીની કરપીણ હત્યાના બનાવ બાદ સરકારના સમાજ કલ્યાણ વિભાગે તેના પરિવારને 12 લાખ રૂપિયાની સહાય કરી હતી. સંજય કહે છે, ‘એ ₹12 લાખમાંથી ₹8 લાખ આવ્યા, જ્યારે બાકીના ₹4 લાખ કેસ જીતી જઈશું ત્યારે મળશે.’ આરોપીઓને આજીવન કારાવાસની પરિવારની માગ છે. તેઓ કહે છે, ‘અમે કોઈપણ કાળે આ લોકો સાથે સમાધાન નહીં કરીએ.’
ભાસ્કરે આ મામલે ઉર્મિલાના પરીવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે, થઈ ન શક્યો પરંતુ એટલી માહીતી મળી કે, ઉર્મિલા હાલ તેની માતા સાથે વરમોર સિવાયના અન્ય કોઈ ગામે સંબંધીના પરિવાર સાથે રહે છે. જ્યારે તેનો ભાઈ અને પિતા છેલ્લાં છ વર્ષથી જેલમાં બંધ છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















