- Gujarati News
- Bhaskar khaas
- Laal ishq
- A Case Like Sonam Raja Happened In Ahmedabad
લાલ ઇશ્ક-2સોનમ-રાજા જેવો કેસ અમદાવાદમાં બન્યો:યુવતીને સગા મામાના દીકરા સાથે અનૈતિક સંબંધ બંધાયો, લગ્નના ત્રીજા જ દિવસે પતિનું કાસળ કાઢી નાખ્યું
- કૉપી લિંક

અમદાવાદના રાયપુર દરવાજા બહાર રૂગનાથ પુરાની પીઠ ચુનારાવાસમાં રહેતા કનૈયાલાલના ઘરે આનંદનું વાતાવરણ હતું. હજુ ત્રણ દિવસ પહેલાં જ તેમના મોટા દીકરા 24 વર્ષના ભાવિકના લગ્ન ધામધૂમથી લેવાયા હતા. ગાંધીનગરના કોટેશ્વર ગામે રહેતા સુરેશભાઇ દંતાણીની દીકરી પાયલ પણ
દીકરી પોતાનાં મા-બાપનું ઘર છોડીને કાયમ માટે સાસરે જતી હોય, ત્યારે એક દિવસ પિયર જઇને રહે એવી વિધિમાં કોઇનેય શું વાંધો હોય? લગ્નના બીજા દિવસે પાયલના મામાનો દીકરો ભાઈ કલ્પેશ આવીને બહેનને તેડી ગયો.
ત્રીજા દિવસની સવાર પડી એટલે નવો વરઘોડિયો બનેલો ભાવિક પોતાની પત્ની પાયલને તેડવા કોટેશ્વર જવા રવાના થયો, પરંતુ ભાવિકને ખબર નહોતી કે તેની સાથે કેવી ખતરનાક ગેમ રમાઈ હતી. પત્નીને તેડવા એ મોટેરા પાસે આવેલા કોટેશ્વર ખાતે તેડવા તો ગયો, પરંતુ આ તેની જિંદગીની છેલ્લી સફર બની જવાની હતી.

ભાઈ-બહેન વચ્ચે અનૈતિક પ્રેમસંબંધ પાંગરે ત્યારે…
સામાજિક બંધનોની મર્યાદાઓ તોડીને જ્યારે ભાઈ-બહેન જેવા પવિત્ર સંબંધો વચ્ચે પ્રેમ પાંગરે ત્યારે તેને સમાજ સ્વીકારતો નથી. મોટેભાગે આવા પ્રેમીઓ પોતાના ભાગ્યને દોષ આપીને પરિસ્થિતિ સાથે સમાધાન કરી લે છે, પરંતુ કેટલાક એવા બળવાખોર પ્રેમીઓ પણ હોય છે, જે એવી લોહિયાળ રમત રમે છે જેમાં નિર્દોષ હણાઈ જાય છે અને પરિવાર કાયમ માટે દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. બરાબર એક વર્ષ પહેલાં અમદાવાદમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. ભાવિક અને પાયલનાં લગ્ન લેવાયાંના ત્રીજા દિવસે શું થયું એની થથરાવી મૂકનારી કહાણી ‘લાલ ઇશ્ક’ના આજના એપિસોડમાં આપણે આગળ ધપાવીએ.

‘ભાવિક કુમારનો એક્સિડન્ટ થયો છે, જલદી આવી જાઓ’
13 ડિસેમ્બર 2024
સમયઃ બપોરે એક વાગ્યાની આસપાસ.
ભાવિકના સસરા સુરેશભાઈ દંતાણીએ પોતાના વેવાઈ અને ભાવિકના પિતા કનૈયાલાલને ફોન કરીને પૂછ્યું કે ભાવિક કુમાર હજુ સુધી ઘરે આવ્યા નથી. કનૈયાલાલને સ્વાભાવિક રીતે જ થોડું ટેન્શન થયું. દીકરો આમ તો કહ્યા વિના બીજે ક્યાંય જતો નથી. હજી હાથમાંથી મીંઢળ છૂટ્યું નથી, ત્યાં અચાનક ક્યાં જતો રહ્યો હશે. તેમણે દીકરાને ફોન લગાવવાની ટ્રાય કરી, પરંતુ ફોન લાગ્યો નહીં. એટલે તેમના ટેન્શનમાં વધારો થયો.
થોડીવાર પછી ભાવિકના સસરા સુરેશભાઇનો ફરી ફોન આવ્યો. આ વખતે તેમના અવાજમાં ચિંતા હતી, ‘કનૈયાલાલ, ભાવિક કુમારનો અહીં કોટેશ્વરમાં એક્સિડન્ટ થયો છે. ત્યાંથી તેમને દવાખાને લઇ ગયા છે, પણ કયા દવાખાને લઇ ગયા છે એ ખબર નથી. તમે ફટાફટ આવી જાઓ.’
કનૈયાલાલના પેટમાં ફાળ પડી. તેમને કશુંક અમંગળ થયાનાં એંધાણ આવવા લાગ્યાં, પરંતુ મન મક્કમ રાખીને તેઓ ભાવિકના સાસરે કોટેશ્વર જવા નીકળ્યા.
સામાન્ય રીતે રોડ પર કોઇનો એક્સિડન્ટ થાય અને 108 એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડે ત્યારે લોકો ઇજાગ્રસ્ત વ્યક્તિને અસારવા (અમદાવાદ)માં આવેલી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડતા હોય છે, એટલે કનૈયાલાલે પહેલા અસારવા સિવિલ હોસ્પિટલમાં જ તપાસ કરી, પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફના લોકોએ કહ્યું કે અહીં આવો કોઈ અકસ્માતનો કેસ આવ્યો નથી.
હવે તેમના ટેન્શનમાં ઔર વધારો થયો, એટલે તેમણે પોતાના નાના દીકરા જતીનને ફોન કરીને સિવિલ હોસ્પિટલ બોલાવ્યો. બાપ-દીકરો બંને ભાવિકની સાસરી કોટેશ્વરમાં પહોંચ્યા. ત્યાં જાણવા મળ્યું કે ભાવિકનો અકસ્માત કોટેશ્વરમાં તેના સાસરીના ઘરથી અડધો કિલોમીટર દૂર જ થયો હતો.
રસ્તે એકઠી થયેલી ભીડ ચીરીને ગયા તો ખબર પડી કે…
બપોરે 3 વાગ્યાની આસપાસ તેમણે ઘરની આસપાસ નજર દોડાવી તો એક ઠેકાણે રસ્તા પર ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડ ચીરીને બાપ-દીકરો અંદર પહોંચ્યા, તો તેમને ધ્રાસકો પડ્યો. દીકરા ભાવિકનું જ એક્ટિવા પડ્યું હતું, પરંતુ તેનો ક્યાંય પત્તો નહોતો. તરત જ નાના દીકરા જતીને 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. થોડીવારમાં પોલીસની ગાડી સાયરન ગજાવતી આવતી પહોંચી.
બાદમાં બીજી અન્ય ગાડીઓ પણ પહોંચવા લાગી.

હત્યારાઓએ કહ્યું, ‘આ તો અમારા જમાઈ છે, અમે જ દવાખાને લઈ જઇશું’
એક્સિડન્ટ થયો હતો, પરંતુ ઇજાગ્રસ્ત યુવકનો કોઈ પત્તો નહોતો. પોલીસે આસપાસની દુકાનો વગેરેમાં પૂછપરછ કરી. સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક કાકાએ ચોંકાવનારી માહિતી આપીઃ
‘સાહેબ, મેં મારી નજરે એક્સિડન્ટ થતા જોયો હતો. ઇનોવા જેવી ગાડીથી એક્સિડન્ટ થયો હતો. એક્ટિવા ચલાવતો યુવાન ધડાકાભેર પછડાયો એટલે હું દોડીને ત્યાં મદદ કરવા પહોંચી ગયો.’
‘ગાડીમાં કેટલા લોકો હતા? કંઈ યાદ છે?’
‘હા સાહેબ, ગાડીમાં ત્રણ જણા હતા. મેં કહ્યું કે આ ભાઇને બહુ વાગ્યું છે, તાત્કાલિક 108 બોલાવવી પડશે, તો એ લોકોએ કહ્યું કે આ તો અમારા જમાઈ જ છે, એટલે અમે તેમને ગાડીમાં જ દવાખાને લઇ જઇએ છીએ.’

વાત વધી. ભાવિકની સાસરીમાં ખબર પડી કે તેમના જમાઈનો એક્સિડન્ટ થયો છે, એટલે સાસરીમાંથી પણ સૌ દોડી આવ્યાં. ભાવિકની પત્ની પાયલ પણ એક્સિડન્ટના સ્થળે પહોંચી ગઈ, પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ હતો કે ભાવિક ક્યાં ગયો? અને તેની સાસરીના એવા તે કયા સગા હતા, જેમની જ કારથી એક્સિડન્ટ થયો અને તેઓ તેને દવાખાને લઈ ગયા? વળી, જો સગાની કારથી જ અકસ્માત થયો હોય અને તેઓ જ તેમને દવાખાને લઇ ગયા હોય તો તેમણે ફોન કરીને પાયલને કે તેમના પિતાને કૉલ કરીને હજુ સુધી જાણ કેમ નથી કરી? સવાલો ઘણા હતા, જવાબ એકેય નહોતો.
પાયલ એક જ સવાલના અલગ અલગ જવાબો કેમ આપતી હતી?
‘અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ભાવિકની પત્ની પાયલ પણ ત્યાં જ ઊભી હતી. આ અકસ્માત નજરે જોનારા, ભાવિકની સાસરીના અન્ય લોકો અને પાયલ, બધાની અમે પૂછપરછ કરી, પરંતુ પાયલના જવાબોમાં અમને ખાસ્સી વિસંગતતા જણાઈ.’ ભાવિક ચુનારા કેસની તપાસ કરનારા અડાલજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. સાંખલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુંઃ
‘પાયલ એક જ સવાલના અલગ અલગ જવાબ આપતી હતી. તેના પરથી અમને થોડી શંકા ગઈ કે આ છોકરી ખોટું બોલી રહી છે. ઈન્વેસ્ટિગેશનમાં ક્રોસ સવાલ-જવાબ થાય, એમાં આરોપી ખોટું બોલતો હોય તો પકડાઈ જ જાય.’

પોલીસે પાયલનો ફોન મગાવ્યો અને કોલ ડિટેઈલ જોઈ કોને કોને કેટલા વાગ્યે ફોન કર્યા છે એ બધું જ જોયું, એટલે પછી શંકા વધુ મજબૂત થઈ. પોલીસે તેને ગાડીમાં બેસાડી દીધી અને કોબા સર્કલ પોલીસચોકી લઈ ગયા, કારણ કે અમદાવાદના કોટેશ્વરમાં ગાંધીનગરનું અડાલજ પોલીસ સ્ટેશન લાગતું હતું. અહીં પોલીસે પાયલને ત્રણથી ચાર કલાક બેસાડી રાખી તેની સઘન પૂછપરછ કરી. બાદમાં પોલીસ પાયલને અડાલજ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પરિવારને પણ કહેવામાં આવ્યું કે તમે લોકો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચો.
‘પાયલનું તેના મામાના દીકરા સાથે જ અફેર ચાલતું હતું’
પૂછપરછ દરમિયાન પોલીસે પાયલના ફોનની વ્હોટ્સએપ ચેટ અને કોલ હિસ્ટ્રી નવેસરથી ચેક કરી. એમાં ખબર પડી આ છોકરી તેના મામાના દીકરા ભાઈ કલ્પેશ સાથે પ્રેમસંબંધમાં છે.

PI કે. બી. સાંખલા કહે છે, ‘આ પછી અમે પાયલની કડક પૂછપરછ કરી. એ સાથે જ તે ભાંગી પડી અને તેણે ગુનો કબુલી લીધો કે હા, અમે જ ભાવિકનો એક્સિડન્ટ કરાવ્યો છે. એ પછી આરોપીઓ સુધી પહોંચવામાં અમને કંઈ વધારે વાર ન લાગી, કારણ કે ગાડીના એક્સિડન્ટ વખતના સીસીટીવી ફૂટેજ અને ગાડીનો નંબર બધું અમારી પાસે હતું. પાયલના ભાઇ-કમ પ્રેમી કલ્પેશ અને તેના બે સાથીદાર આરોપી અમદાવાદના દસક્રોઈ તાલુકાના જે કુબલથડ ગામે રહેતા હતા, ત્યાં અમારી પોલીસ રાત્રે 8-9 વાગ્યે તેમના ઘરે પહોંચી.’
‘મુખ્ય આરોપી કલ્પેશ તો તેના ઘરેથી જ મળ્યો, જ્યારે અન્ય બે આરોપી સુનીલ અને શૈલેષ ગામના ખેતરમાં સંતાઈ ગયા હતા, જેમને શોધવામાં અમને સવાર પડી ગઈ હતી.’

ભાવિકનો જીવલેણ એક્સિડન્ટ કેવી રીતે થયો હતો?
પાયલનો ભાઈ-કમ પ્રેમી કલ્પેશે પોતાના બે ભાઈ સાથે મળીને ઈનોવા કારથી જબરદસ્ત ટક્કર મારીને એક્ટિવા પર જતા ભાવિકને પાડી દીધો હતો, પરંતુ આ એક્સિડન્ટમાં ભાવિક મર્યો નહીં. બલકે તેને સામાન્ય ઈજાઓ જ થઈ. ભરચક રસ્તા વચ્ચે એક્સિડન્ટ થયેલો જોઇને લોકો એકઠા થઇ ગયા.

એટલે આ લોકો ગાડીમાંથી ઊતર્યા અને નાટક કરવા લાગ્યા કે ‘અરે, આ તો અમારા જમાઇ જ છે, તેમનો જ એક્સિડન્ટ થઈ ગયો છે! ચલો ચલો, અમે તમને દવાખાને લઈ જઈએ.’ ઇજાગ્રસ્ત ભાવિકે પોતાના સાળા કલ્પેશને જોયો એટલે તેને પણ થોડી શાંતિ થઇ અને તે બાકીના યુવાનોના ટેકે ટેકે ગાડીમાં બેઠો, પરંતુ કલ્પેશને સપનેય ખ્યાલ નહોતો કે તેની પત્નીનો ભાઈ જ તેને દવાખાનને બદલે સીધો સ્મશાને જ પહોંચાડી દેશે.
‘લાશ કેનાલમાં ફેંકી, પાણીમાં ન પડી તો યુ-ટર્ન મારીને ફરી પાછી ફેંકી’
આ હત્યારાઓએ ભાવિકને ગાડીમાં વચ્ચે બેસાડ્યો. ગાડી આગળ ચાલી. થોડી અવાવરૂ જગ્યા આવી કે તરત જ પાછળ બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિએ દુપટ્ટા વડે ભાવિકનું ગળું દબાવીને હત્યા કરી નાખી. બાદમાં આ લોકો નર્મદા નદીની ડભોડા પાસેની કેનાલ પર આવ્યા. આજુબાજુ કોઈ જોતું નથી, એની ખરાઈ કરી અને ભાવિકની લાશ નર્મદા કેનાલમાં ફેંકી દીધી. અહીં લાશને કેનાલમાં ફેંકીને નીકળતા હતા ત્યારે કેનાલમાં જોયું તો ખબર પડી કે હજી લાશ કેનાલમાં પડી નથી, એટલે આ લોકો ફરીથી યુટર્ન મારીને એે જગ્યા પર આવ્યા અને ફરીથી લાશને ધક્કો મારીને કેનાલમાં નાખી દીધી.
PI સાંખલા કહે છે, ‘અમે આ કેસમાં પુરાવા તરીકે હત્યામાં ઉપયોગમાં લેવાયેલો દુપટ્ટો અને છોકરાના વાળ અને ઈનોવા ગાડીના સીસીટીવી વીડિયો બધું કબજે કર્યાં છે. આ બધા પુરાવા આરોપીઓને સજા સુધી પહોંચાડશે.’

ભાવિકની લાશ 2 દિવસ બાદ 3-4 કિલોમીટર દૂરથી મળી આવી
કલ્પેશ અને તેના બે ભાઈઓએ ભાવિકની હત્યા કરીને લાશ ગાંધીનગરમાં ડભોડા પાસે નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. 13 ડિસેમ્બરે બનાવ બન્યો, 14 ડિસેમ્બરનો દિવસ પણ વીતી ગયો, પરંતુ ભાવિકની લાશ હજી સુધી મળી નહોતી. ભાવિકના પરિવારના રડી રડીને હાલ ખરાબ હતા. દીકરાના લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.
15 ડિસેમ્બરની સવારે ભાવિકના ઘરના લોકો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસને પૂછ્યું કે ‘અમારા ભાવિકની કોઈ ભાળ મળી?’ ત્યારે પોલીસેકર્મીઓએ કહ્યું કે ‘ચલો, અમારી ગાડીમાં બેસી જાઓ, અમે તમને ઘટનાસ્થળે લઈ જઈએ.’
પોલીસ, ફાયરબ્રિગેડ અને તરવૈયાઓ બે દિવસથી ભાવિકની લાશ શોધી રહ્યા હતા. 15 ડિસેમ્બરની સવારે ભાવિકનો પરિવાર પોલીસની ગાડીમાં ડભોડા કેનાલ પાસે પહોંચ્યો, ત્યારે ભાવિકની લાશ ત્યાંથી 3-4 કિલોમીટર આગળ અંબાપુર કેનાલ પાસેથી મળી આવી હતી. 15 તારીખની સવારે ત્યાંથી નીકળતા એક રાહદારીએ કેનાલમાં પાણી પર તરતી એક લાશ જોઈ હતી. તેણે પોલીસમાં જાણ કરતાં છેક ત્રીજા દિવસે ભાવિકની લાશ મળી આવી હતી.

‘બધા આરોપીઓ 20-21 વર્ષનાં છે છતાં તેમને કોઈ ડર કે અફસોસ નથી’
અડાલજના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર કે. બી.સાંખલા કહે છે,
પાયલને તેના સગા મામાના દીકરા કલ્પેશ સાથે પ્રેમ હતો, પરંતુ બંને ભાઈ-બહેન થતાં હોવાથી લગ્ન થવા શક્ય નહોતાં. પરિવારે પાયલના લગ્ન ભાવિક સાથે કરાવી દીધા, પરંતુ પાયલને ભાવિક ગમતો નહોતો, એટલે આ લોકોએ એક્સિડન્ટ દ્વારા ભાવિકને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. ધોળે દિવસે એક્સિડન્ટ કર્યો, પોતાના પતિ (અને કલ્પેશના બનેવી) ભાવિકને કારમાં ગળું દબાવીને મારી નાખ્યો અને લાશ કેનાલમાં ફેંકી દીધી છતાં પણ આ લોકોનાં મોઢાં પર કોઈ અફસોસ કે પસ્તાવો દેખાતો નહોતો. આ છોકરી પાયલ, તેનો પ્રેમી કલ્પેશ બધાં માંડ 20-21ની ઉંમરનાં છે. આટલી નાની ઉંમરમાં તેમણે કરેલા ક્રાઈમની ગંભીરતા જાણે ખબર જ નહોય એવું રિએક્ટ કરતાં હતાં. આ લોકોને તો જાણે આ એક સામાન્ય ઘટના લાગતી હતી. ઘટનાને અંજામ આપીને બધાં ઘરે શાંતિથી જઈને બેસી ગયાં હતાં.’

અમારે રૂપિયા શું કામના? ‘અમને અમારો દીકરો પાછો લાવી આપો’
મૃતક ભાવિકના પિતા કનૈયાલાલ દિવ્ય ભાસ્કરને કહે છે, ‘જ્યારે અમને ખબર પડી કે અમારા ભાવિકની હત્યા થઈ છે અને આ હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેની પત્નીએ જ કરાવી છે. એ સાંભળતાં જ અમારા પગ નીચેની જમીન ખસી ગઈ. અમે તેની પાછળ જે સપનાં જોયાં હતાં એ બધાં જ તૂટી ગયાં. અત્યારે તેની પત્ની પાયલને જામીન મળી ગયા છે અને તે આરામથી બહાર ફરે છે. મારો સવાલ એ છે કે આવા ગંભીર કેસમાં આરોપીને જામીન કેવી રીતે મળી શકે?

થોડા સમય પહેલાં જ એ લોકોએ સમાધાન કરવા માટે અમારો ઘણો સંપર્ક કર્યો હતો. ઘણા માણસો અમારી પાસે આવીને સમાધાન કરવાની અને રૂપિયા આપવાની પણ લાલચ આપી, પરંતુ અમારો જુવાનજોધ દીકરો જતો રહ્યો, હવે અમારે રૂપિયા શું કામના? મારા દીકરાનો જીવ લઇ લીધા બાદ પણ ભાવિકની પત્નીના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો નહોતો. અમારી તો એક જ માગ છે તેની પત્ની અને તમામ આરોપીઓએ આજીવન કેદની સજા થવી જોઈએ.’
‘ભગવાન આ લોકોને સાત જન્મ સુધી માફ નહીં કરે’
સમાધાન સવાલ પર ભાવિકનાં માતાએ પણ સ્પષ્ટ ના પાડતાં કહ્યું કે ‘મને મારો ભાવિક પરત લાવી આપો, અમારે કોઈ સમાધાન નથી કરવું. અમારા ઘરમાં રામ-લક્ષ્મણની જોડી હતી, એને આ લોકોએ ખંડિત કરી છે. આ લોકોએ એક માનો દીકરો છીનવ્યો, એક બહેનથી તેનો ભાઈ, એક નાના ભાઈથી તેનો મોટો ભાઈ છીનવી લીધો. અમારો જીવ કેટલો બળે છે. ભગવાન આ લોકોને સાત જન્મ સુધી ક્યારેય માફ નહીં કરે.’
‘એક વર્ષમાં પાયલે પોતાના અફેરની ગંધ પણ ન આવવા દીધી’
ભાવિકનાં માતા દીપાબેન આજે પણ દીકરાના ફોટા સામે જોઈને રડી પડે છે. દિવ્ય ભાસ્કરે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે પણ તેઓ રડી પડ્યાં અને રડતાં રડતાં બોલ્યાં કે ‘જ્યારે 2023માં અમારા ભાવિકનું આ પાયલ સાથે નક્કી થયું ત્યારથી લઈને 2024માં લગ્ન કર્યા ત્યાં સુધી પાયલ ખૂબ જ સારી રીતે રહી હતી. અમને ક્યારેય તેના પર શક પણ નહોતો પડ્યો કે તેને અમારો ભાવિક નહીં ગમતો હોય. સગાઈ અને લગ્ન વચ્ચેના એક વર્ષ સુધીના સમયગાળામાં પાયલ રોજ મારી સાથે ફોન પર વાત કરતી હતી. ભાવિકે પણ અમને ક્યારેય પાયલની ફરિયાદ નહોતી કરી. અમારી સાથે અને ભાવિક સાથે તે એવી રીતે રહી હતી કે કોઈને તેના પર સપનામાં પણ શક ના જાય. તેણે અમને અંધારામાં રાખ્યાં. લગ્ન થયાના બે દિવસ અહીં રહી. બીજા દિવસે તેને તેડવા માટે આ જ કલ્પેશ તેના મામાનો દીકરો છે તે તેને તેડવા આવ્યો હતો. જ્યારે કલ્પેશ પાયલને મામાના દીકરા તરીકે તેડવા આવ્યો ત્યારે પહેલી વખત અમે તેને જોયો હતો. હવે અમે શું, કોઈપણ વ્યક્તિ થોડી એવું કંઈ વિચારે કે ઘરની નવી વહુને જે એના સગા મામાનો દીકરો ભાઈ બનીને તેડવા આવ્યો છે તે કલ્પેશ જ તેનો પ્રેમી હશે!’

‘ભાઈ સાથે અફેર હતું, તો એમાં મારા દીકરાને કેમ મરાવી નાખ્યો?’
દીપાબેન ભીની આંખે વાત આગળ ધપાવતાં કહે છે, ‘આ બંનેનું 2-3 વર્ષથી અફેર ચાલતું હતું. આ બધું તો અમને પાછળથી ખબર પડી. પાયલના ઘરના કેટલાક લોકોને પાયલ અને કલ્પેશના અફેરની ખબર પડી ગઈ હતી. આ બધું પાયલની મમ્મી પણ જાણતી હતી. પાયલના ઘરના લોકોએ ભાવિકને અને અમને બધાને અંધારામાં રાખીને પાયલનું ભાવિક જોડે નક્કી કરાવી દીધું. પાયલની મમ્મીને કદાચ એવું હશે કે લગ્ન થયા બાદ છોકરી બધું ભૂલી જશે. કલ્પેશ તો પાયલના મામાનો દીકરો થાય એટલે તેનો કૌટુંબિક ભાઈ કહેવાય. પિતરાઈ ભાઈ સાથે લગ્ન શક્ય ન હોવાથી પાયલના ઘરના લોકોએ તેને પરણાવવા માટે મુરતિયા જોવાનું શરૂ કર્યું અને અમારી સાથે નક્કી થયું. જો અમને પહેલા આવી સહેજ પણ ગંધ આવી ગઈ હોત તો અમે આ સગપણ જ ના કર્યું હોત. અને પાયલને કલ્પેશ સાથે જ જવું હતું તો મારા દીકરા સાથે કેમ લગ્ન કર્યાં? ભલે ઘરના દબાણમાં લગ્ન કર્યાં, પણ મારા નિર્દોષ દીકરાને શા માટે મારી નાખ્યો? પાયલને તેના પ્રેમી કલ્પેશ વગર નહોતું ચાલતું. તેની સાથે જ રહેવું હતું, તો પછી તેની સાથે ભાગી જવું હતું કે ભાવિકને ના પાડી દેવી હતી. એવું કર્યું હોત તો આપણે સમાજની રાહે તેનો રસ્તો કરી દેત. એ લગ્ન કરીને કલ્પેશ સાથે ભાગી ગઈ હોત કે કોઈ છેવટનું પગલું ભર્યું હોત, તોય અમે સમય રહેતાં બધું ભૂલી જાત. અમે અમારા ભાવિકના લગ્ન કોઈ બીજે ઠેકાણે કરાવી દેત. કમસે કમ મારો દીકરો મારી સાથે હોત. તેમનાં અનૈતિક પ્રેમપ્રકરણમાં મારા ભાવિકને મારી કેમ નાખ્યો? મેં નવ મહિના પેટમાં રાખીને તેને લાડ પ્યારથી ઉછેરીને મોટો કર્યો હતો. આજે પણ મને તેના વગર ચેન નથી પડતું. ડગલે ને પગલે અમને અમારો ભાવિક યાદ આવે છે. અત્યારે અમે ભાવિક વગર કેવી રીતે રહીએ છીએ એ અમારું મન જાણે છે. ઘરમાં ભાવિકની વધારે યાદ ન આવે એટલે અમે ઘરમાં પણ વધારે રહેતાં નથી. ધારો કે અમે આવું કંઈ તેમની દીકરી સાથે કર્યું હોત તો તે લોકોએ શું કર્યું હોત? વિચારીને પણ ધ્રુજારી છૂટે છે ને? મારા દીકરા ભાવિકના ગયા પછી મારું બ્લડપ્રેશર સતત વધેલું રહે છે. આખી રાત મને ઊંઘ નથી આવતી, કારણ કે મેં ઘણાં દુ:ખ વેઠીને તેને મોટો કર્યો હતો. ભાવિકને આગળ વધારવા માટે અમે ખૂબ મહેનત કરી હતી.’
‘પતિ ગાયબ હતો, પણ પાયલના ચહેરા પર કોઈ ચિંતા દેખાતી નહોતી’
ભાવિકના નાના ભાઈ જતીન ચુનારા સાથે પણ અમે વાતચીત કરી. એક્સિડન્ટના દિવસની વાત કરતાં જતીન કહે છે, ‘એ દિવસે ભાવિકના સસરાનો મારા પર પણ ફોન આવ્યો હતો. ત્યારે હું ચિલોડામાં જોબ પર હતો. હું પણ તાત્કાલિક કોટેશ્વર પહોંચી ગયો હતો. ત્યાં મારા ભાઈનું એક્ટિવા પડ્યું હતું, પણ ભાઈ ત્યાં નહોતો. ઘણો સમય થઈ ગયો. તેની કોઈ ભાળ ન મળી. પોલીસને પણ કોઈએ બોલાવી નહોતી. પછી મેં પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો. એ પછી પોલીસ આવી.

પોલીસે આવીને બધી પૂછપરછ કરી. ત્યાં મારા ઘરના લોકો ભાવિકના સાસરીના બધા લોકો, આસપાસના લોકો હાજર હતા. મોટું ટોળું હતું. જ્યાં અકસ્માત થયો ત્યાં સાઈડમાં એક જગ્યાએ ભાવિકની પત્ની પાયલ પણ ઊભી હતી. તેના મોઢા પર કોઈ ચિંતા, કોઈ દુઃખ કે આઘાત જેવું કશું જ દેખાતું નહોતું. એટલે તેની પર થોડી શંકા જતાં PIએ તેને બોલાવી અને સાઈડમાં લઈ ગયાં. મને પણ બોલાવ્યો. મને બધું પૂછ્યું કે શું તમારા ભાઈનો કોઈની સાથે કોઈ ઝઘડો હતો? મેં ના પાડી કે ના સાહેબ, એવું ક્યારેય કોઈની સાથે બન્યું નથી. પછી મને બાજુમાં મોકલી દીધો. પછી પાયલની પૂછપરછ કરી. જ્યારે ભાવિક ઘરેથી તેની પત્નીને લેવા જવા નીકળ્યો ત્યારે તે તેની પત્ની સાથે ફોન પર સતત સંપર્કમાં હતો અને ક્યાં પહોંચ્યા? એવું પૂછી-પૂછીને પાયલ તેનું લોકેશન જાણતી હતી. બાદમાં પોલીસે પાયલનો ફોન મગાવ્યો અને કોલ ડિટેલ્સ જોઈ, કોને કોને કેટલા વાગ્યે ફોન કર્યા છે એ બધું જ જોયું એટલે પછી શંકા વધુ જતાં પોલીસે તેને ગાડીમાં બેસાડી દીધી.’
‘અમને તો એવું હતું કે ભાઇને ક્યાંક ગોંધી રાખ્યો હશે, પણ આ તો…’
જતીન ચુનારા વાત આગળ વધારતાં કહે છે, ‘પાયલને તેઓ કોબા સર્કલ પોલીસચોકી લઈ ગયા. અહીં પોલીસે ચોકીમાં પાયલને ત્રણથી ચાર કલાક રાખી તેની સઘન પૂછપરછ કરી. બાદમાં પોલીસ પાયલને અડાલજ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને અમને પણ કહેવામાં આવ્યું કે તમે લોકો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચો. ત્યાં પણ પોલીસની પૂછપરછ અને કાર્યવાહી ચાલતી હતી. અમે પણ વારંવાર અંદર જઈને પોલીસને પૂછતા હતા કે સાહેબ અમારા ભાઈના કંઈ સમાચાર મળ્યા ખરા? પરંતુ તેઓ કંઈ કહેતા નહોતા. બાદમાં રાત્રે પોલીસ અમદાવાદના દસક્રોઈ તાલુકાના કુબડથલ ગામેથી ત્રણ લોકોને પકડી લાવી, એટલે 13 ડિસેમ્બરનો આખો દિવસ, આખી રાત, 14 ડિસેમ્બરની બપોર સુધી જ્યાં સુધી પોલીસની તપાસ પૂર્ણ ન થઈ ત્યાં સુધી અમને પોલીસે કંઈ જણાવ્યું નહીં. બાદમાં 14 ડિસેમ્બરની બપોરે 4 વાગ્યે પોલીસે અમને બોલાવ્યા અને કહ્યું કે પાયલે તેના પ્રેમી મામાના દીકરા કલ્પેશ ચુનારા અન્ય બે મિત્ર શૈલેષ ચુનારા અને સુનીલ ચુનારાએ સાથે મળીને અમારા ભાવિકને દુપટ્ટા વડે ગળું દબાવીને મારી નાખ્યો છે અને લાશ કેનાલમાં ફેંકી દીધી છે. અમને તો સપને પણ ખ્યાલ નહોતો કે તેની પાયલે આવું કંઈ કર્યું હશે અમને તો એવું હતું કે આ કંઈક ગુમ થઈ ગયો હશે અથવા કોઈએ એક્સિડન્ટ કરીને તેની પાસેથી રૂપિયા પડાવવા માટે તેને ગોંધી રાખ્યો હશે.’
7-8 મહિનામાં હત્યારી પાયલ જેલની બહાર આવી ગઈ!
હાલમાં આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આરોપી પત્ની પાયલ 7-8 મહિના જેલ કાપીને જામીન પર બહાર આવી ગઈ છે. જ્યારે તેનો ભાઈ-કમ-પ્રેમી કલ્પેશ અને અન્ય બે સાગરીત શૈલેષ અને સુનીલ જેલમાં બંધ છે. બનાવ બન્યા બાદ ભાવિકના ઘરના લોકોએ પાયલના ઘરના લોકો સાથે ક્યારેય વાત નથી કરી. સમાધાન કરવા માટે પાયલના લોકોએ ઘણી વખત અન્ય માણસો દ્વારા રજૂઆત કરી છે, પરંતુ ભાવિકનાં પરિવારજનોએ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈપણ કાળે સમાધાન નહીં થાય.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















