- Gujarati News
- Bhaskar khaas
- Khudaar kahaani
- Used To Sell Soap And Candles. Today Caused Smile Of Children With Chapped Lips
ખુદ્દાર કહાની: સાબુ અને મીણબત્તી વેચતા હતા:13 વર્ષની ઉંમરે પિતાનું નિધન, આજે ફાટેલા હોઠ-તાળવાવાળાં બાળકોના સ્માઇલ માટે નિમિત્ત બન્યા
- કૉપી લિંક

સવાર પડી છે. બનારસ રેલવે સ્ટેશનથી લગભગ દોઢ કિલોમીટર દૂર એક ગલીના ખૂણે પૂરી-શાક અને જલેબીની દુકાન છે. એક કે બે જલેબી ખાતી વખતે હું દુકાનદારને 'GS મેમોરિયલ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર'નું સરનામું પૂછું છું.
ત્યાં હાજર એક વ્યક્તિ, દુકાનદારની પહેલાં દૂર એક બિલ્ડિંગ તરફ ઈશારો કરીને કહે છે - તે મોટું બોર્ડ દેખાઈ રહ્યું છે, જેમાં એક બાળક હસતું જોવા મળે છે, એ જ મકાન છે.
તેમનો આભાર માનીને હું બોર્ડ તરફ જોઉં છું. હું જે જોઈ શકું છું એ બોર્ડ પર એક બાળકનું ઝાંખું ચિત્ર છે. હું એ દિશામાં પગપાળા આગળ વધુ છું. અમે હૉસ્પિટલ પહોંચ્યા કે તરત જ ડઝનેક લોકો વેઇટિંગ એરિયામાં તેમનાં નાનાં બાળકો સાથે બેઠા હતા. આ લોકો ડૉ. સુબોધ કુમાર સિંહના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ એવાં બાળકો છે, જેમનાં તાળવાં અને હોઠ જન્મથી જ કપાયેલાં હોય છે.
આટલાં બધાં બાળકોને હું પહેલીવાર જોઈ રહ્યો છું. હું પણ ડૉ. સુબોધ કુમાર સિંહની રાહ જોઈને બેઠો છું. ડોક્ટર સુબોધ ડોક્ટર બનતાં પહેલાં ચશ્માં, ઘડિયાળ અને મીણબત્તીઓ વેચતા હતા. આજે હું તેમની સંપૂર્ણ કહાની જાણવા બનારસ આવ્યો છું. રવિવાર છે. મારી વિનંતી પર ડૉ. સુબોધ સમયસર હૉસ્પિટલમાં આવે છે, જેથી અમારી વાતચીતથી કોઈ દર્દીને તકલીફ ન પડે.

મને મળ્યા પછી ડૉ. સુબોધ રાહ જોઈ રહેલા લોકોને મળે છે. તેઓ બાળકને પોતાના ખોળામાં લઈ લે છે અને તેને પ્રેમ કરવા લાગે છે. હું માત્ર ડૉ. સુબોધનું હાસ્ય અને બાળકનો ચહેરો જોઈ રહ્યો છું.
કૅપ્શન: કેટલાંક બાળકો માત્ર 2 મહિનાનાં છે. કેટલાંક બાળકો તાળવું ફાટવાને કારણે બોલી શકતાં નથી.
ડૉ. સુબોધ બાળકને સામે ઊભેલી માતાના ખોળામાં બેસાડે છે અને કહે છે, 'મેં આવાં 41 હજારથી વધુ બાળકોનું હાસ્ય અને બાળપણ પરત કર્યું છે. હું આ બાળકોમાં મારું બાળપણ શોધું છું. મારું બાળપણ સારું ન હતું. એ મુશ્કેલ સમય હતો, જ્યારે અમે કોઈપણ રીતે માત્ર જીવવા ઈચ્છતા હતા. મેં મારું બાળપણ આ શબ્દના સાચા અર્થમાં ક્યારેય જીવ્યું નથી.'
વાત કરતાં કરતાં હું ડો.સુબોધ સાથે તેમની કેબિન તરફ જવા લાગ્યો. મારી નજર સામે દીવાલ પર લટકેલા બોર્ડ પર પડે છે.
બોર્ડ પર લખેલું છે - દવા એ ધર્મ છે, ધંધો નથી. બીજા બોર્ડ પર લખ્યું છે- અહીં દર્દીઓને નંબરથી જોવામાં આવતા નથી. દર્દીની જરૂરિયાત મુજબ સારવારમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.

કેબિનમાં બેસતાંની સાથે જ મેં ડૉ. સુબોધ કુમારને પૂછ્યું… તમે બનારસથી છો?
તેમણે જવાબ આપ્યો, 'અમે અહીં 40 વર્ષથી વધુ સમયથી છીએ, તેથી તમે આ કહી શકો. વેલ, હું મૂળ આગ્રાનો છું. પપ્પા રેલવેમાં ક્લાર્ક હતા. જ્યારે તેમનું બનારસમાં પોસ્ટિંગ થયું ત્યારે અમે અહીં શિફ્ટ થયા.
આ 70ના દાયકાની વાત છે. પગાર ઘણો ઓછો હતો. અમે ચાર ભાઈઓ છીએ. બે રૂમના મકાનમાં છ લોકો રહેતા હતા. કોઈ સંબંધી આવે તો બંને રૂમ ભરાઈ જતા.
મારા ભાઈઓમાં હું સૌથી નાનો છું. પૈસાની એટલી અછત હતી કે અમારે અભ્યાસની સાથે અન્ય કામ પણ કરવા પડતાં હતાં. પિતા નોકરી પર ગયા પછી માતા વધારાની આવક ઊભી કરવાનું વિચારતી હતી. તે અમારી મદદથી ઘરે મીણબત્તીઓ અને સાબુ બનાવતી હતી. આ સાથે તેમણે ખાવાની વસ્તુઓ પણ તૈયાર કરી હતી. બધી વસ્તુઓને પેકેજિંગ કરીને નજીકની દુકાનોમાં વેચવા માટે જતાં હતાં. આમાંથી જે પૈસા મળે એ અમારા શિક્ષણ અને શાળાના ગણવેશ પાછળ ખર્ચવામાં આવતા.
તમારા બીજા ભાઈઓ પણ ડોક્ટર છે?
સુબોધ મારી સામે સ્થિર નજરે જુએ છે, જાણે મેં તેમને સૌથી મુશ્કેલ પ્રશ્ન પૂછ્યો હોય.
તેઓ કહે છે, 'આ સંઘર્ષ હતો, જ્યારે અમારા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. હું આ પોઈન્ટ પર જ આવી રહ્યો હતો. હું લગભગ 13 વર્ષનો હતો. 7-8માં હતો. એક દિવસ પિતાને છાતીમાં દુખાવો થયો. તેઓ બે દિવસ હોસ્પિટલમાં દાખલ હતા, ત્રીજા દિવસે તેમનું મૃત્યુ થયું.

અમારી દુનિયા પલટાઇ ગઈ. ઘરમાં એક જ કમાનારી વ્યક્તિ. આ દુર્ઘટનાને કારણે આર્થિક સ્થિતિ, જે પહેલાંથી જ સારી નહોતી, એ પાટા પરથી ઊતરી ગઈ હતી. ઘણા મહિનાઓ ઘરમાં દાળ ન બની. પૈસા જ નહોતા.
રેલવેમાંથી મળેલાં નાણાં કે વીમા વગેરે બધું જ લોનની ચુકવણીમાં વપરાઈ ગયું. પિતાએ મીણબત્તી અને સાબુનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી હતી.
પિતાના અવસાન પછી બધું પૂરું થઈ ગયું. તેમ છતાં જીવન જીવવું હતું. મને લાગ્યું કે જો પપ્પાને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેઓ બચી શક્યા હોત.
હું અભ્યાસમાં સારો હતો. મારા બે મોટા ભાઈએ મને ભણાવવા માટે તેમનો અભ્યાસ છોડી દીધો. ઓટો ચલાવવાનું શરૂ કર્યું. પપ્પાના સમય સુધી અમે અમારા અભ્યાસ અને વધારાના ખર્ચ માટે મીણબત્તીઓ અને સાબુ બનાવતા હતા. હવે આખા ઘરનો ખર્ચ એના પર નિર્ભર હતો.
પરિવારમાં એક અથવા બીજી વ્યક્તિ મીણબત્તીઓ અને સાબુ બનાવવામાં લાગેલી રહેતી. લોકોનાં ઘરોમાં દિવાળી ઊજવાય છે. બાળકો ફટાકડા ફોડતા હશે અને અમે મીણબત્તીઓનું પેકેજિંગ કરી રહ્યાં હતાં. જ્યારે બીજાનાં ઘરો રોશનીથી ઝળહળતાં હોય ત્યારે સાંજે અમે અમારા ઘરને સજાવતા. ક્યારેક હું વિચારું છું કે જીવન કેવું હતું. એ સમયે આ બધું અઘરું નહોતું લાગતું, પણ આજે જ્યારે વિચારું છું ત્યારે….
આ કહેતાં કહેતાં ડૉ. સુબોધ મૌન થઈ જાય છે અને કંઈક વિચારવા લાગે છે.

થોડીવાર પછી તેઓ કહે, 'હું શું કરી શકું?' ઘરની આવી જ સ્થિતિ હતી. દસમા ધોરણમાં આવ્યા પછી મને પગરખાં નસીબ થયાં. એક ડ્રેસ, જે દરરોજ પહેરતો હતો. રાત્રે એને ધુઓ અને સૂકવવો પડતો. જીવન આમ જ ચાલતું હતું.
અભ્યાસની સાથે સાથે હું મીણબત્તીઓ અને સાબુ વેચવા માટે એક દુકાને જતો હતો. બાદમાં એ બજારમાંથી ચશ્માં ખરીદતો ને દુકાનો તથા શાળાઓમાં વેચતો. હું ખુશ છું કે મને ગરીબી માટે ક્યારેય શરમ નથી આવી.
તારા પપ્પા સરકારી નોકરી કરતા હતા, કોઈને રહેમરાહથી નોકરી મળતી નથી?
ડૉ. સુબોધ કહે છે, 'જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે મોટા ભાઈની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. માતા નોકરી મેળવવાની શરતોમાં બંધબેસતી ન હતી, તેથી તેને નોકરી મળી ન હતી.
શું તમે ડૉક્ટર બનવા માગતા હતા?
સુબોધ કહે, ‘હા. એક તો પિતાના કારણે. બીજું, મારી કાકી ઈચ્છતી હતી કે હું ડૉક્ટર બનું. તેમણે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો. 12મા પછી મારી પ્રથમ BHUમાં સ્નાતક અભ્યાસ માટે પસંદગી થઈ. ફી ઘણી ઓછી હતી, પણ એ ઓછી ફી પણ મારા માટે ઘણી વધારે હતી.
એ જ વર્ષે, મેં પીએમટી એટલે કે પ્રી-મેડિકલ ટેસ્ટ પરીક્ષા આપી, જે મેડિકલ અભ્યાસ માટે છે. હું MBBS માટે સિલેક્ટ થયો. મને યાદ છે, હું આખી રાત વાંચતો હતો.
તમે પ્લાસ્ટિક સર્જરી કેમ પસંદ કરી?

ડૉ. સુબોધ હસવા લાગે છે. તેઓ કહે છે, ‘મને નાનપણથી જ સ્કેચિંગ, ડ્રોઈંગ… આ બાબતોમાં રસ હતો, જે રીતે કુંભાર માટીનાં વાસણો બનાવે છે. તે પોતાની ઈચ્છા મુજબ પાત્રને આકાર આપે છે. એ જ રીતે, સર્જન પણ ચહેરા અને શરીરને આકાર આપે છે. એને સુંદર બનાવે છે.
મેં થોડાં વર્ષો સુધી BHUમાં પ્રેક્ટિસ કરી. એ સમયે ટેક્નોલોજી નહિવત્ હતી. ફાટેલા હોઠ અથવા તાળવાની સમસ્યાને ક્લેફ્ટ કહેવાય છે. આ સામાજિક રીતે ગંભીર સમસ્યા છે. આવા લોકોને સમાજમાં સ્વીકારવામાં આવતા નથી. હવે હજુ જાગૃતિ આવી છે, પરંતુ વર્ષ 2000માં જો બાળક આ સ્થિતિમાં જન્મે તો તેની આખી જિંદગી બગડી જતી. માતા-પિતાને તે બાળકને ઘરમાં બંધ રાખવું પડે, તે ભણી કે લખી ન શકે. જ્યારે મેં આ સ્થિતિ જોઈ, ત્યારે મેં મારું પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું.
શું આ ક્લિનિક તમારી પોતાની જમીન પર છે?
ડૉ. સુબોધ કહે છે, 'હા, હું બહુ મુશ્કેલીથી આ જમીન ખરીદી શક્યો. તમે વિશ્વાસ નહીં કરો, મારી પાસે જમીન ખરીદવાના પૈસા પણ નહોતા. લોન લઈને જમીન ખરીદી હતી. પહેલાં એક નાનું ક્લિનિક હતું. આજે તમે જોઈ રહ્યા છો.
દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો ડોક્ટર સુબોધના ક્લિનિકમાં સર્જરી કરાવવા આવે છે. કેટલાક લોકો હમણાં જ બિહાર, યુપી, એમપી, રાજસ્થાનથી આવ્યા છે. 2007માં તેમણે બનારસ નજીકના મિર્ઝાપુરની એક પીડાતી છોકરી પર સર્જરી કરી. તે છોકરીનું નામ પિંકી સોનકર છે. આ જ છોકરી પર 'સ્માઈલ પિંકી' નામની ફિલ્મ બની હતી. આ ફિલ્મને 2007માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ભારતમાં મને રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલ તરફથી એવોર્ડ પણ મળ્યો હતો.
આખી વાતચીત પછી હું ડૉ. સુબોધને એક પ્રશ્ન પૂછું છું, જે શરૂઆતથી મારા મગજમાં હતો. આ વાત ગામમાં અવારનવાર જોવા મળી છે. એવું કહેવામાં આવ્યું છે કે આવાં બાળકોના જન્મ માટે ગ્રહણ જવાબદાર છે.
જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે અને સૂર્ય અથવા ચંદ્રગ્રહણ દરમિયાન આકાશ તરફ જુએ છે ત્યારે તેના બાળકના હોઠ અથવા તાળવું ફાટેલું હોય છે.
ડૉ. સુબોધ હસીને કહે, 'એ બધી અંધશ્રદ્ધા છે. વાસ્તવમાં જ્યારે ભ્રૂણ ગર્ભમાં હોય છે ત્યારે ચહેરો ત્રીજા-ચોથા અઠવાડિયામાં તૈયાર થવા લાગે છે. ગર્ભાવસ્થાના ચોથાથી સાતમા સપ્તાહમાં બાળકના હોઠ બનવાનું શરૂ થાય છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે હોઠને બનાવતા ટિશ્યૂ સંપૂર્ણપણે જોડાતા નથી. પ્રોટીન અને યોગ્ય આહાર ન મળે ત્યારે આવી સમસ્યાઓ સર્જાય છે. સામાન્ય રીતે ગરીબ પરિવારો આનો શિકાર બને છે, જોકે હજુ સુધી આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. અમે જનીન પર સંશોધન શરૂ કર્યું છે, જે ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















