- Gujarati News
- Bhaskar khaas
- Khudaar kahaani
- Khuddar Kahani: 12th Pass, Scavenger At A Shop
ખુદ્દાર કહાની: 12મું પાસ, દુકાન પર કચરા-પોતાં કરતો:આજે 20 કરોડનો બિઝનેસ, MBA કોલેજમાં લેક્ચર આપવા જાય છે
- કૉપી લિંક

ઈન્દોર, મધ્યપ્રદેશની આર્થિક રાજધાની. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સેંકડો સ્ટાર્ટઅપ્સનો વિકાસ થયો છે. હું સામાન્ય રીતે સમાચારોના સિલસિલામાં ભોપાલથી ઈન્દોર આવતો જતો રહું છું. હું તાજેતરમાં ઇન્દોરમાં હતો. એક પરિચિતે જણાવ્યું કે 5 વર્ષ પહેલાં ઈન્દોરમાં
મને આખી કહાની જાણવાની ઇચ્છા થઈ. બપોરના લગભગ 2 વાગ્યાનો સમય છે. હું ‘ઉત્સાહ’ના માલિક રાજુ ધનોટિયાને મળવા નીકળું છું. જે ડ્રેસમાં રાજુનો સ્ટાફ છે, રાજુ પણ એ જ ડ્રેસમાં છે. હું ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ લંચ કરી રહ્યા હતા.
રાજુ મને લંચ ઓફર કરે છે. તેઓ કહે છે, 'હું જે જગ્યાએથી આવ્યો છું અને મેં જે સમય જોયો છે તે પછી મને ક્યારેય નથી લાગતું કે મારે બોસની જેમ વૈભવી જીવન જીવવું જોઈએ. હું ચા વેચતો હતો. તમે વિશ્વાસ નહીં કરો, જે લોકો મારી દુકાન પર તેમની કાર પાર્ક કરે છે તેઓ મને 20 રૂપિયાની ટિપ આપીને જતા રહે છે. હું હસીને ચૂપચાપ રાખી લઉં છું.'
હું હસવા લાગ્યો. હું વિચારી રહ્યો છું કે આટલા પૈસા કમાયા પછી પણ કોઈ આટલું નમ્ર કેવી રીતે હોઈ શકે?

રાજુની રેસ્ટોરન્ટમાં 10થી વધુ કાઉન્ટર છે. ઈન્દોરી નાસ્તો, મીઠાઈ, બેકરી, ફાસ્ટ ફૂડ, 14 જડીબુટ્ટીમાંથી બનેલી ચા, પૌંઆ, જલેબી, કચોરી બધું જ જોવા મળે છે.
રાજુ અને હું રેસ્ટોરન્ટના એક ખૂણામાં વાત કરવા બેસીએ છીએ. હું તેમના પરિવાર વિશે પૂછું છું. તેઓ કહે છે, 'હું અહીંથી 200 કિલોમીટર દૂર મંદસૌરનો રહેવાસી છું. પપ્પા ખેડૂત છે. ઘરમાં શિક્ષણનું વાતાવરણ હતું, પણ આવક એવી નહોતી કે સારું શિક્ષણ મેળવી શકાય.
સંયોગ સારો હતો કે નવોદય શાળામાં એડમિશન મળ્યું. આ મારા જીવનનો વળાંક હતો. નહીંતર જે રીતે મારા બીજા મિત્રો આજે ગામમાં કંઈક ને કંઈક કરીને ટકી રહ્યા છે. તેઓ રોજીરોટી તરીકે ખેતી કરે છે, હું પણ આવું જ કરતો હોત.
હું 12મા સુધી ભણ્યો, હવે આગળ શું…. મારા કેટલાક પરિચિતો ઈન્દોરમાં રહેતા હતા. હું ઈન્દોર જતો રહ્યો. 12મું પાસ છોકરો, 16 વર્ષની ઉંમર. હું ભણવા આવ્યો હતો, પરંતુ અહીં પણ મને ચિંતા હતી કે ખર્ચા પાણી કેવી રીતે પૂરા પાડીશ...
કામની શોધમાં લાગી ગયો. મારા એક મિત્રએ મને કહ્યું કે ઈન્દોર રેલવે સ્ટેશનની સામે ટ્રેકની બાજુમાં એક દુકાન છે, જ્યાં તમે સાફ-સફાઈનું કામ કરી શકો છો. મને માત્ર કામ અને પૈસા જોઈતા હતા. કોઈ કંઈપણ કરાવી લે. હું તે દુકાન પર કચરાં પોતાં કરવા લાગ્યો.'

રાજુ મને પોતાની આખી રેસ્ટોરન્ટમાં ફરાવે છે. સાથોસાથ તેઓ આગળની કહાની કહી રહ્યા છે. તેઓ કહે છે, '2002ની આસપાસની વાત છે. તે સમયે STD દ્વારા કોલ કરવાનો જમાનો હતો. આજની જેમ દરેક પાસે મોબાઈલ ફોન નહોતો. હું જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં એક STD બૂથ પણ હતું. બાદમાં હું તે જ દુકાનમાં STD બૂથ ચલાવવાનું શરૂ કર્યું.
આ જ કામ કરતી વખતે તમને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો?
'હા, હા... એ જ હું તમને જણાવી રહ્યો છું. એક દિવસ મેં મારા શેઠને પૂછ્યું - તમે આ દુકાનમાંથી એક મહિનામાં કેટલી કમાણી કરો છો. તેમણે કહ્યું- 17 હજાર. મેં તરત કહ્યું- હું તમને દર મહિને 24 હજાર રૂપિયા આપું, તમે મને આ દુકાન ચલાવવા માટે આપી દો.
શેઠને આંચકો લાગ્યો કે આ કચરા-પોતાં કરનાર મારી દુકાન ચલાવશે. એક સમયે તેમને લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું. જ્યારે તેમણે માન્યું કે હું સિરિયસ છું તો તેમણે મને દુકાન આપી દીધી. મેં દુકાન ખોલવાનો સમય વધારી દીધો.
અગાઉ દુકાન સવારે 8 વાગ્યે ખૂલતી હતી. મેં સવારે 4 વાગ્યે ખોલવાનું શરૂ કર્યું, કારણ કે તે સમયે ઘણી ટ્રેનો આવતી હતી, અને લોકોએ તેમના ઘરે ફોન કરવો પડતો હતો કે તેઓ પહોંચી ગયા છે કે ટ્રેનમાં બેસવાના છે.
આ સાથે ચા, બિસ્કિટ અને પાણી પણ વેચવાનું શરૂ કર્યું. ધીરે ધીરે મારો વ્યવસાય ચાલવા લાગ્યો. સારી એવી આવક થવા લાગી. આ દરમિયાન હું સિમ કાર્ડ વેચવા લાગ્યો. એટલે કે જે ધંધામાંથી પૈસા આવી જાય, તે બધું જ કરવા લાગ્યો. બસ કામ કાયદેસર હોવું જોઈએ.'

તો પછી તમે આ રેસ્ટોરન્ટ ક્યારે ખોલ્યું?
રાજુ કહે છે, 'હું સ્ટેશનની સામે ચા વેચતો હતો, તેનાથી થોડે દૂર બીજા શેઠની દુકાન હતી. તેમની દુકાનમાં ઘણી જગ્યા હતી, તેથી ઘણી જગ્યા ખાલી પડી હતી. તેમની દુકાનમાં ટીવી લગાવેલું હતું. હું મેચ જોવાના બહાને ત્યાં આવતો જતો હતો.
એક દિવસ મેં તે શેઠને પણ પૂછ્યું કે કેટલી કમાણી કરો છો. મેં તેમને પણ ઓફર કરી કે હું દર મહિને 50 હજાર રૂપિયા આપીશ, તમે મને આ આખી જગ્યા આપી દો. તેઓ સંમત થયા. હવે હું રસ્તાના કિનારે નાનો સ્ટોલ ચલાવનારને લઈને આવ્યો. હું તેમને જગ્યા આપતો હતો, તેઓ પોતાનો ધંધો કરતા હતા, બદલામાં મને ચોક્કસ રકમ મળતી હતી.
આ વિચાર પણ કામ કરી ગયો. આવું થોડાં વર્ષો સુધી ચાલતું રહ્યું. અહી 50થી વધુ સ્ટોલ ચાલતા હતા. પછી એ શેઠનું અવસાન થયું. હવે તેમના પુત્રએ જગ્યા ખાલી કરવા કહ્યું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવું લાગતું હતું કે હવે હું શું કરીશ, ક્યાં જઈશ.'

રાજુ મને પોતાના એક ટી સ્ટોલ પર લઈ જાય છે. સામે બોર્ડ પર 14 પ્રકારની જડીબુટ્ટીઓનાં નામ લખેલાં છે. રાજુ કહે, ‘તમને ચા બનાવીને પીવડાવું. આ સ્પેશિયલ ચા છે.'
ચા પીતા પીતા અમારી આગળની વાતચીત થઈ રહી છે.
રાજુ કહે છે, 'હું અહીં એક નાનો સ્ટોલ લગાવીને ચા બનાવતો હતો. મારો વ્યવહાર અને ચાની ગુણવત્તાને કારણે ભીડ એકઠી થવા લાગી કે મેં પૌંઆ સહિતની અન્ય વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. તમે માનશો નહીં. આજે હું દરરોજ 3 ક્વિન્ટલ દૂધની ચા વેચું છું. આ 2018ની આસપાસની વાત છે.
આ વર્ષે ઈન્દોરમાં 2 કરોડ રૂપિયામાં જમીન વેચાઈ રહી હતી. લોન લઈને, મારા ભાઈઓ પાસેથી ઉધાર લઈને આ જમીન ખરીદી છે. બાદમાં મેં લોન લઈને ત્યાં રેસ્ટોરન્ટ શરૂ કરી.
હું ગ્રાહકોને ભગવાન અને આ બધી વસ્તુઓને પ્રસાદ માનું છું. અહીં હાલ 168થી વધુ સ્ટાફ કામ કરી રહ્યો છે. આમાંનો મોટાભાગનો સ્ટાફ જૂના સમયથી મારી સાથે છે.
મારા ગામના ઘણા લોકો અહીં કામ કરે છે. મારો એક ભાઈ પણ છે, જે અગાઉ ગામમાં ખૂમચો ચલાવતો હતો. મેં તેને અહીં બોલાવ્યો. જેઓ એક સમયે મારે અહીં કચરા પોતાં કરવા આવ્યા હતા, તેઓ અથવા તેમનાં બાળકો આજે કેશ કાઉન્ટર સંભાળી રહ્યાં છે.'

…તો તમે બારમા પછી ભણ્યા નહીં?
રાજુ હસવા લાગે છે. તેઓ કહે છે, 'ના, 12મા પછી મેં જે પણ કામ કર્યું તે હજુ ચાલુ છે. તમને નવાઈ લાગશે કે આજે મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓ મારો બિઝનેસ આઈડિયા જોવા આવે છે. તેઓ ઈન્ટર્નશિપ કરે છે. હું મારો અનુભવ શેર કરવા ગેસ્ટ તરીકે MBA કોલેજમાં જાઉં છું. લેક્ચર આપું છું.
સાચું કહું તો, જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે ઈન્દોરમાં બીજી ઘણી રેસ્ટોરન્ટ ચેઈન કામ કરતી હતી, પરંતુ મારી મહેનત અને સમર્પણ અહીં 'ઉત્સાહ' લઈને આવ્યું છે. હું દરરોજ સવારે લોકોને ફ્રી સ્પ્રાઉટ્સ અને જ્યૂસનું વિતરણ કરું છું. મારી ચાની દુકાન 24 કલાક ખુલ્લી રહે છે. મારો ઉદ્દેશ્ય વ્યવસાયની સાથે સમાજની સેવા કરવાનો છે.
દેશનાં શહેરોમાં 'ઉત્સાહ' જોવા મળે અને એક લાખથી વધુ લોકોને રોજગારી આપવાનું લક્ષ્ય છે. ક્યારેય વિચાર્યું નહોતું કે સાફ સફાઈ કરનાર આજે કરોડોની કિંમતની કંપનીનો માલિક હશે. જેને લોકો એ રાજુ, એ છોટુ કહીને બોલાવતા હતા. ગાળો પણ આપતા હતા, આજે નાસ્તા-બેકરી અને મીઠાઈ ઉદ્યોગમાં આટલું મોટું નામ છે.'
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















