- Gujarati News
- Bhaskar khaas
- Khudaar kahaani
- Khudaar Kahaani: Thrown Off A Train, Both Legs Amputated
ખુદ્દાર કહાની: ટ્રેનમાંથી પછડાયો, બંને પગ કપાઈ ગયા:પિતાએ કહ્યું-હવે તું કંઈ કામનો નથી; વકીલ બન્યો તો આજે બધા પ્રેમ કરે છે
- કૉપી લિંક

'1971ની આસપાસની વાત છે. તે સમયે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રમખાણોનો માહોલ હતો. મને 10મા પછી અલીગઢ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું, પરંતુ રમખાણોને કારણે 3 વર્ષ ભણ્યા પછી મારા પરિવારે મને દિલ્હી મોકલી દીધો.
મારી ઉંમર 22 વર્ષની આસપાસ હશે. એક દિવસ હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. સવારના લગભગ 3 વાગ્યા હશે. આ દરમિયાન હું ટ્રેનના દરવાજા પાસે બેઠો હતો ત્યારે અચાનક હું રેલવેની બીજી લાઇન પર પડી ગયો. તે મારી બેદરકારી હતી.
હું 3 કલાક સુધી ટ્રેક પર પડ્યો રહ્યો. કોઈ તપાસ કરવા ન આવ્યું. આખરે જ્યારે સવાર પડી ત્યારે કેટલાક લોકોએ મને જોયો અને મને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.
હું દિલ્હીની સાકેત કોર્ટની બાજુમાં આવેલા પુષ્પા વિહાર વિસ્તારમાં રાજુ એન્ડ એસોસિએટ્સની ઓફિસમાં છું. એડવોકેટ અને લીગલ કન્સલ્ટન્ટ આરકે રાજુ એ ઘટના વિશે વાત કરી રહ્યા છે જેમાં તેમના બંને પગ કપાઈ ગયા હતા.

રાજુ જે ઉત્સાહ સાથે તેમની વાર્તા કહી રહ્યા છે, લાગતું નથી કે તેમના બે પગ અને એક હાથ ન હોય.
ઓફિસમાં આવેલા કેટલાક ક્લાયન્ટ્સ સાથે વાતચીત પૂરી કરીને તે હસીને કહે છે, 'જે થવાનું હતું તે થઈ ગયું. હવે કેમ રડવું. આપણને એક જ જીવન મળ્યું છે. હું લોકો માટે જીવવા માંગતો હતો અને જીવી રહ્યો છું. હવે તો 63 વર્ષની ઉંમર પણ થઈ ગઈ છે. આ જ મારી ખુદ્દારી છે.
રાજુના ટેબલ પર ઘણી લીગલ ફાઇલો અને દસ્તાવેજો રાખવામાં આવ્યા છે. બે ફોટોગ્રાફ્સ દીવાલ પર લટકેલા છે. એક પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર સાથે અને બીજી નિરંકારી મિશનના સંત સાથે.
રાજુ કહે છે, 'મારું પૂરું નામ રાજકુમાર રાજુ એટલે કે આરકે રાજુ છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે હું ખતમ થઈ ગયો હતો, પરંતુ માત્ર ભગવાનની કૃપાથી અને મારા પોતાના જુસ્સાથી જ આજે તમારી સામે બેઠો છું.'
હું અલીગઢથી આવું છું. યુનિવર્સિટીની અંદર પિતાજીની એક નાનકડી કેન્ટીન હતી, જ્યાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ચા-પાણી અને ભોજન માટે આવતા હતા. મારું ઘર કેમ્પસની બાજુમાં હતું. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં રહેતા હતા.

હવે પિતાની આવકથી માંડ માંડ ઘર ચલાવી શકાતું હતું. ઘરમાં અમે પાંચ ભાઈ-બહેન હતાં, ત્રણ બહેનો અને બે ભાઈઓ છીએ. માતા હાથ સિલાઈ મશીન ચલાવતી હતી. તે કપડાં સીવીને અમારો ખર્ચ પૂરો કરતી હતી. હું કહી શકું છું કે મારાં માતા-પિતાની મહેનતને કારણે ક્યારેય ખાવા-પીવાની અને રહેવાની કોઈ સમસ્યા થઈ ન હતી.
હું 6 ફૂટ ઊંચો અને હૃષ્ટપુષ્ટ હતો. રમતગમતમાં પણ ઘણો રસ હતો. રમખાણોને કારણે જ્યારે મારે અલીગઢથી દિલ્હી આવવું પડ્યું ત્યારે હું માલવિયા નગરમાં એક સંબંધીના ઘરે રહેવા લાગ્યો.
દરમિયાન આ ઘટના બની હતી. મને હજુ પણ યાદ છે- હોસ્પિટલમાં દાખલ થયા પછી 17મા દિવસે મને ફરીથી ભાન આવ્યું. જ્યારે મારા પરિવારને જાણ થઈ કે મારો એક્સિડન્ટ થયો છે, ત્યારે બધા દોડી આવ્યા હતા.
પિતાજી મને જોઈને જ સ્તબ્ધ થઈ ગયા. તેમણે તો ત્યાં સુધી કહ્યું- આના કરતાં તો ભગવાન તને લઈ લેત તો સારું હતું. તેમના મનમાં હતું કે મારું શું થશે. મારો જીવ બચાવવા માટે ડૉક્ટરે મારા બંને પગ કાપવા પડ્યા. હાથની હથેળી પણ કાપવી પડી.

જે મને મળવા આવતા હતા તે કહેતા હતા- બિચારો, ભરજુવાનીએ અપંગ થઈ ગયો. હવે શું કરશે. હું ચૂપચાપ લોકોની વાત સાંભળતો હતો.
વાતચીત દરમિયાન, રાજુનો એક સ્ટાફનો યુવક કેટલાક કાયદાકીય દસ્તાવેજો સાથે આવે છે. રાજુ બ્રેક લે છે અને પછી મારી સાથે વાત કરવા આવે છે. તે કહે છે, 'અન્ય લોકો આ સ્થિતિમાં 7-8 મહિનામાં સ્વસ્થ થઈ જાય છે. હું અઢી મહિનામાં સ્વસ્થ થઈ ગયો.
તે સમયે મારી પાસે દિલ્હીમાં કંઈ નહોતું. સંબંધીના ઘરે રહેવા લાગ્યો. એ સંબંધીએ મને ટેકો આપ્યો. તે મને રોજ વ્હીલચેરમાં ફરવા લઈ જતા. હું મનમાં વિચારતો હતો કે શા માટે હું બીજા માટે બોજ બનીને રહું. થોડા મહિના પછી, હું મારી માતા સાથે અલગ ઘરમાં રહેવા લાગ્યો.

અલીગઢ પરત જવા માટે ઘરવાળા કંઈ બોલ્યા નહીં?
મારા પ્રશ્ન પર રાજુના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. તે કહે છે, 'તેમણે કહ્યું હતું, પણ હું ગયો નહીં.' જો હું અલીગઢ ગયો હોત તો અજાણ્યા વ્યક્તિની જેમ કોઈ ખૂણે છુપાઈ ગયો હોત. હું આજે જે છું તે બની શક્યો ન હોત.
જ્યારે મારી આવી હાલત થઈ ત્યારે પિતાએ પણ કહ્યું હતું કે તું હવે કોઈ કામનો નથી. અલીગઢ પાછો આવીજા. એ જ રહે. કરિયાણાની દુકાન ખોલી આપીશ, ત્યાં બેસ અને સામાન વેચજે. એના સિવાય કરી પણ શું શકીશ.
હવે મને કહો, જો હું અલીગઢ ગયો હોત, તો હું તમને કાળા કોર્ટના વકીલ કે કાયદાકીય સલાહકાર તરીકે નહીં પણ કોઈ દુકાનમાં મળ્યો હોત.
રાજુ હસી પડ્યો. સાંજ થવા આવી છે. રાજુના ઘરેથી ઘણા ફોન આવ્યા. તેમને સત્સંગમાં જવાનું છે. હું પણ તેમની સાથે રાજુના ઘરે જાઉં છું. રાજુ કહે છે, 'જ્યારે પિતાએ આવી વાતો કહી ત્યારે મેં સ્પષ્ટ ના પાડી દીધી. કહ્યું કે જો મારે જીવવા માટે દિલ્હીમાં ભીખ માંગવી પડશે તો હું ભીખ માંગીશ, પણ ઘરે નહીં આવું.
એક મકાન મને ભાડે મળ્યું હતું. રૂમના માલિકે જે વાતો કહી હતી તે હજુ પણ મારા મગજમાં અટવાયેલી છે. તેણે કહ્યું હતું - હું એક અપંગ વ્યક્તિને મારું ઘર ભાડે આપી રહી છું.

આજે જુઓ, મારું ઘર, ઓફિસ, કેટલીક દુકાનો પણ છે, જે મેં ભાડે આપી છે. વ્યક્તિએ યોગ્ય સમયની રાહ જોવી જોઈએ.
હું મારી માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ઘર ચલાવી શકું તે માટે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પરંતુ મને કોઈ કામ મળ્યું નહીં. પછી માતાએ એક એક્સપોર્ટ કંપનીમાં 700 રૂપિયા પ્રતિ માસના પગારે કામ કરવાનું શરૂ કર્યું.
તે કપડાં લઈને ઘરે આવતી અને હું તેને સિલાઈ મશીન વડે સીવતો અને રજાઈ અને કવર બનાવતો. આનાથી ઘરના કેટલાક ખર્ચાઓ નીકળતા હતા. પછીથી મેં પટિયાલા હાઉસ કોર્ટ પાસેના એસટીડી બૂથમાં કામ કરવાનું શરૂ કર્યું. દર મહિને 10 રૂપિયા મળતા હતા.
ત્યાંથી ફરી મેં મારું કામ શરૂ કર્યું. લોકોના કાનૂની દસ્તાવેજો કરાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે હું કેટલાક વકીલોને જાણવા લાગ્યો. પછી મેં લો કરવાનું વિચાર્યું. કાયદાનો અભ્યાસ કર્યા બાદ મેં સાકેત કોર્ટમાં થોડાં વર્ષો પ્રેક્ટિસ કરી.
હું વકીલાત કરવા માંગતો ન હતો કારણ કે મને ડર હતો કે ન્યાયાધીશ કહેશે કે તમે આ સ્થિતિમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો. મને ડર હતો કે લોકો મારી સામે નબળી નજરે જોશે.

જ્યારે હું બજારમાં જતો હતો, ત્યારે લોકો મારા કરતાં મારા કપાયેલા પગ અને હાથને વધુ જોતા હતા. મને બહુ ખરાબ લાગ્યું.’
વાતો કરતાં કરતાં અમે બંને ઘરે પહોંચ્યા. સામે તેમની પત્ની પુષ્પા અને પુત્રી મહેક બેઠાં છે. રાજુ હસતાં હસતાં પોતાનો પરિચય આપે છે. કહે, 'આ મારી લાઈફલાઈન છે.'
તમે બંને કેવી રીતે મળ્યાં? આના જવાબમાં રાજુ કહે છે, 'અમે બંનેએ લવ મેરેજ કર્યા છે. આ સાંભળ્યા પછી મોટાભાગના લોકો વિશ્વાસ કરતા નથી. મેં લીગલ કન્સલ્ટન્સી શરૂ કરી ત્યારે પુષ્પા કામ પર આવી. થોડા મહિના પછી અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં.

પછી અમે લગ્ન કર્યા. હવે અમારાં લગ્ન આટલી સરળતાથી થવાનાં ન હતા. પુષ્પાનાં પરિવારજનો તેની વિરુદ્ધ હતાં. સ્વાભાવિક છે કે, તેમના મનમાં એમ જ હશે કે તેમની દીકરી એકદમ ફિટ અને નોર્મલ છે, તો તેણે દિવ્યાંગ છોકરા સાથે લગ્ન શા માટે કરવા જોઈએ.
આજે જુઓ કે દરેક લોકો મને પ્રેમ કરે છે. લોકો મને માન આપે છે. મારી દીકરી તો કહે છે, પપ્પા, જ્યારે હું તમારી સાથે જાઉં છું ત્યારે મને એવું લાગે છે કે જાણે હું કોઈ સેલિબ્રિટી સાથે જાઉં છું.
આ સમાજની વિડંબના છે. જો દિવ્યાંગ વ્યક્તિ કંઈક હાંસલ કરે છે તો તેનું સન્માન થાય છે, જો નહીં તો લોકો તેની સાથે બેસવા માંગતા નથી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















